વાત એક પ્રસંગની
અમદાવાદમાં 26 ઑક્ટોબર 2019ના રોજ 20 જેટલી સામાજિક સેવાનું કામ કરતી સંસ્થાઓને સન્માનવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ સંસ્થાઓ માટે 20 ઉપરાંત સ્ટોલ બનાવવામાં આવ્યા હતાં, જેમાં સંસ્થા પોતાનાં કામોને વિવિધ રીતે પ્રદર્શિત કરી શકે તેવી સગવડ કરવામાં આવી હતી. 2500થી વધુ લોકોએ આનો લાભ લીધો હતો. આ 20 સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગે પ્રકાશ પાડતી પુસ્તિકા કાર્યક્રમમાં ભાગ લેનાર સૌને આપવામાં આવી હતી. સંસ્થાઓની યાદી પર નજર નાંખીએ.
• આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ • સર્વોદય પરિવાર ટ્રસ્ટ – પિંડવળ • હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન – અમદાવાદ • આર્ટ ઓફ લિવિંગ – બેંગ્લોર • વિચરતા સમુદાય સમર્થન મંચ – અમદાવાદ • મુનિ સેવા આશ્રમ – વાઘોડિયા • નવભારત જાગૃતિ કેન્દ્ર – ઝારખંડ • સદ્વિચાર પરિવાર – અમદાવાદ • સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ – રાજેન્દ્રનગર • શ્રી સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ – સુરેન્દ્રનગર • સેવા રૂરલ – ઝઘડિયા • ભણસાળી ટ્રસ્ટ-મુંબઈ • સેવા-અમદાવાદ • યોગાંજલિ કેળવણી મંડળ – સિદ્ધપુર • જતન – વડોદરા • ગ્રામ સ્વરાજ સંઘ – નિલપર • જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટ – અમદાવાદ • સંવેદના – અમદાવાદ • બંસીગીર ગૌશાળા – અમદાવાદ • લાફિંગ કલબ – અમદાવાદ.
આ બધી સંસ્થાઓને પ્રકાશભાઈ પરિવાર અવારનવાર કોઈ ને કોઈ રીતે મદદગાર થતું રહ્યું છે. કાર્યક્રમ વખતે પણ તેમણે ગુપ્તદાન કર્યું હતું.
દાનનું ગણિત
પ્રકાશભાઈના દાનના ગણિત વિષે પણ જાણવા જેવું છે. તેમણે ઇજનેર તરીકેની ડિગ્રી પ્રાપ્ત કરી ને ‘જ્યોતિ લિમિટેડ’માં કામ પર લાગ્યા. પહેલો પગાર હાથમાં આવતાં આપણાં કાન્તાબહેન-હરવિલાસબહેનના હાથમાં મૂક્યો. કાન્તાબહેને કહ્યું, ‘તારો આખો પગાર નહીં પણ તેના 10 ટકા જ આપ, પણ હવે તે કાયમ માટે આપજે. પછી તો આ રકમ 25 ટકા સુધી પહોંચી. આગળ વધતાં પ્રકાશભાઈએ નક્કી કર્યું, હવે જેટલાં વર્ષની ઉંમર થાય એટલા લાખનું દાન આપવું. પરંતુ સુરેખાબહેને તેમાં ફેરફાર કરાવ્યો. તેમણે કહ્યું – 70 વર્ષની ઉંમર પછી ઉંમરને 2 વડે ગુણી જે આંકડો આવે એટલા લાખનું દાન કરવું.
26 ઓક્ટોબર 2019ના રોજ યોજાયેલા પ્રસંગનું નિમિત્ત આમ તો પ્રકાશભાઈનો 75મો જન્મદિવસ હતો. પરંતુ આ નિમિત્ત કાર્યક્રમ પર હાવી થયેલું સહેજે ય જણાતું ન હતું. પ્રકાશભાઈના Half કે Better Half. સુરેખાબેને પણ 75મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પણ લગભગ પડદા પાછળ જ રહ્યાં. અમારાં દામિનીબેન શાહે તો પોતાના લેખના મથાળામાં લખ્યું – ‘રામ તમે સીતાજીની તોલે ન આવો.’ આવું મથાળું જો ન પણ બાંધ્યું હોત તો પણ પુસ્તક ‘પ્રકાશિત સંસ્મરણો’ વાંચનારને તેની પ્રતીતિ અવશ્ય થાય તેમ છે.
મારી સામેનાં ચાર પુસ્તકો
આ ચાર પુસ્તકો છે : • જ્યોતિર્મય • પ્રકાશિત સંસ્મરણો • અમારા ભાઈ…. • છેલ્લી છાબ.
જ્યોતિર્મય પ્રસંગના દિવસે સૌને વહેંચવામાં આવેલી 42 પાનાંની પુસ્તિકા છે, જેમાં પોંખવામાં આવેલી બધી સંસ્થાનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે.
- પ્રકાશિત સંસ્મરણો – પ્રકાશભાઈને સમજવામાં ઉપયોગી સામગ્રીવાળું પુસ્તક, જે તાજેતરમાં પ્રગટ થયું.
- અમારા ભાઈ…. પ્રકાશભાઈના પિતાશ્રીને સમજવામાં ઉપયોગી પુસ્તક.
- છેલ્લી છાબ – સુરેખાબહેનના પિતાશ્રીને સમજવા માટેનું પુસ્તક છે.
આ પુસ્તકો કોઈ વ્યક્તિવિશેષના મહિમાગાન માટે વાંચવાં જોઈએ તેવું મારું કહેવું નથી પરંતુ પરિવારના સંસ્કાર એક પેઢીથી બીજી પેઢીમાં કેવી રીતે અંકુરિત થાય છે તે સમજવા માટે આ પુસ્તકો અવશ્ય ઉપયોગી છે.
પ્રકાશભાઈ પછીની પેઢીની એક વાત કરું. પ્રસંગ હતો પિંડવળમાં સર્વોદય પરિવાર ટ્રસ્ટના સુવર્ણ જયંતી વર્ષ (1968-2018)ની ઉજવણીનો. 23 ફેબુ્રઆરી 2018ના રોજ પ્રકાશભાઈનો દીકરો ધ્રુવ કોઈની સાથે વાત કરતો હતો. વાતવાતમાં તેણે કહ્યું કે ‘મારા માટે પિંડવળ સાથે નાનપણથી જોડાવું તે આનંદની વાત છે. સંસ્થાના ભાવી કામમાં પણ હું વધુ રસ લેવાનો છું.’ પિંડવળ અંગે વધુ જાણવા માટે પ્રમુખ વિક્રમભાઈ સવાઈનો મો.નં. 9979501508 પર સંપર્ક કરવો.
‘સંત સેવતા સુકૃત વાઘે’
પ્રકાશભાઈ અને સુરેખાબહેનના પરિવારમાં ‘સંત સેવતા સુકૃત વાઘે’ તે વાત જાણે એક મંત્રના સ્વરૂપમાં નજરમાં આવે છે. બંને પરિવાર જે સંતોના પરિચયમાં આવ્યા તેમની યાદી બનાવીએ તો નીચે પ્રમાણે થાય.
‘અમારા ભાઈ….’ પુસ્તક આશરે વર્ષ 2009માં પ્રગટ થયું હતું. પ્રકાશભાઈના પિતાશ્રી હેમેન્દ્રભાઈ જેમનો જન્મ 27-10-1917માં થયો હતો, તેમના 92મા વર્ષે તેમની હયાતીમાં પુસ્તક તૈયાર થયું હતું. પુસ્તકમાં જે જે સંતોનાં નામ છે તે નીચે પ્રમાણે છે. ભાઈનો મંત્ર હતો, ‘ઘસાઈને ઊજળા થઈએ.’ ( શ્રી દાસાનુદાસજી 0 મુનિશ્રી સંતબાલજી 0 આત્માનંદજી – કોબા)
હેમેન્દ્રભાઈની આધ્યાત્મિક જ્ઞાનપિપાસા પ્રબળ હતી. કોઈપણ સંત કે પંથ, જ્યાં પણ આધ્યાત્મિક ચર્ચા, સાધના સત્સંગ થાય ત્યાં પહોંચી જાય. આચાર્ય રજનીશ, વિમલાતાઈ, અનુભવાનંદજી, શ્રીશ્રી રવિશંકર, શ્રી ઋષિપ્રકારજી, બ્રહ્માકુમારી બહેનો, દાદા ભગવાનના શિષ્યોના સત્સંગમાં જાય. વિપશ્યનાની ત્રણ શિબિર સંપૂર્ણ કરી હતી. નૈનિતાલમાં અરવિંદ આશ્રમના સાધક દ્વારા યોજાતી શિબિરમાં પણ જતા. હિમાલયમાં નારાયણ આશ્રમ અને મા આનંદમયીના આશ્રમમાં પણ ગયા હતા. જિનેન્દ્ર વર્ણીજીનાં બે પુસ્તકો ‘સત્યદર્શન’ અને ‘પ્રભુવાણી’નું ભાષાંતર પણ કર્યું હતું.
સુરેખાબહેનના પિતાશ્રી ડૉ. કાન્તિલાલ શાહ એક અનોખી વ્યક્તિ હતા. ‘છેલ્લી છાબ’ પુસ્તક તેમના મૃત્યુ બાદ 2 વર્ષ પછી વર્ષ 1990માં પ્રકાશિત થયું હતું. તેમનું હુલામણું નામ જીકાકા હતું. 23-4-1902માં જન્મ અને 86 વર્ષની ઉંમરે 8-12-1988ના રોજ તેમના જીવનનો અંત આવ્યો હતો. લેખન, સંપાદન અને અનુવાદ કરેલાં આશરે 11 જેટલાં પુસ્તકો તેમણે લખ્યાં છે. જીકાકા જેના પરિચયમાં આવ્યા તેવા સંતો, જ્ઞાની પુરુષોનાં નામની યાદી માંડીએ :
• શ્રી પ્રેમરાય પંડિત • સ્વામી રામદાસ • પૂજ્ય રાજાભૈયા • પૂજ્ય નંદકિશોરજી • પૂજ્ય બાલાપ્રસાદજી • પૂજ્ય દાસાનુદાસજી • પૂજ્ય સતુકાકા અને તારાબહેન • પૂજ્ય મોટા • પૂજ્ય આનંદમયીમા, • પૂજ્ય જહાંગીર દાદાજી • પૂજ્ય માલિકજી • પૂજ્ય લાહેર સાહેબ • પૂજ્ય રવિશંકર મહારાજ.
સુરેખાબહેન તેમના પિતાશ્રી ડૉ. કાંતિલાલભાઈ-જીકાકા વિશે લખે છે : પિતા અત્યંત પ્રેમાળ. અમારા ઘરમાં સત્સંગી મિત્રો આવતા રહેતા. ધર્મની ફિલોસોફીની ગહન ચર્ચાઓ ચાલતી. મારી ઇચ્છા પ્રમાણે કંઈપણ કરવાની સ્વતંત્રતા હતી. આગળ ઉપર જણાવે છે, પિતાશ્રીએ જ્યારે એમ.બી.બી.એસ.ની ડિગ્રી હાંસલ કરી ત્યારે અમદાવાદમાં ગણ્યા-ગાંઠ્યા ડોક્ટર્સ હતા. ધાર્યું હોત તો ધૂમ પૈસો કમાઈ શક્યા હોત પરંતુ રણછોડલાલના ધર્માદા દવાખાનામાં નજીવા પગારની નોકરી સ્વીકારી દર્દીઓની સેવા કરી. દાસાનુદાસ મહારાજ પિતાશ્રીને સંસારી સંત કહેતા.
પરિવારોનો સર્વોદય પરિવાર સાથેનો સંબંધ
વિનોબાજી 1958માં ગુજરાતની પદયાત્રામાં આવ્યા હતા. સાબરમતી નદીની રેતીમાં એલીસબ્રીજ પુલની નીચે વિનોબાજીની પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. ત્યારે હેમેન્દ્રભાઈની ઉંમર 40-41 વર્ષની હશે. 14 વર્ષના દીકરા પ્રકાશભાઈ નવમા ધોરણમાં ભણતા હતા. કાન્તાબહેન – હરવિલાસબહેનની ઉંમર 27-28 વર્ષની હશે.
વિનોબાજીની પ્રાર્થનાસભા પત્યા પછી સૌ ભૂદાન કાર્યકરો પોતપોતાની સગવડ પ્રમાણે ચાલતા થયા. કાન્તાબહેન – હરવિલાસબહેનને ક્યાં જવું તેની મૂંઝવણ હતી. ત્યાં નખશીખ સફેદ ખાદીનાં વસ્ત્રો પહેરેલા હેમેન્દ્રભાઈ પર નજર પડી. કાન્તાબહેને સામે ચાલીને હેમેન્દ્રભાઈને કહ્યું – અમે બે બહેનો તમારે ત્યાં જમવા આવીએ ?
બસ, ત્યારથી આ પરિવાર સાથે સર્વોદય પરિવારનો નાતો જોડાઈ ગયો. કાન્તિભાઈ, હરવિલાસબહેન, ડૉ. નવનીત ફોજદાર, કાંતાબહેન વગેરેએ એક પછી એક વિદાય લીધી પણ આ નાતો વધુ ને વધુ મજબૂત બનતો ગયો છે. પિંડવળ આજે પરિવારની ઉપાસનાભૂમિ બન્યું છે. આશરે પાંચ કરોડ રૂ. દ્વારા સંસ્થા નવા રૂપ-રંગ ધારણ કરી રહી છે. સંસ્થાનું બજેટ બેથી ત્રણ કરોડ રૂ. સુધી પહોંચ્યું છે. પ્રકાશભાઈ તેમજ સાથી મિત્રો દિવંગત વડીલોની ખોટ પડવા દેતા નથી. પ્રકાશભાઈ માને છે કે અમારું ઘડતર કાન્તા-હરવિલાસબહેનોએ કર્યું છે. બહેનો પ્રકાશભાઈને પોતાના ઈજનેર દીકરા તરીકે ગણતાં હતાં. પ્રકાશભાઈ ખાદીકામનાં યંત્રો સોલર પાવર દ્વારા ચલાવી ગામડામાં રોજગારી ઊભી કરવાનું સ્વપ્ન સેવી રહ્યા છે. તેઓ એવા ચરખાનું નિર્માણ કરવા માંગે છે, જે પાંચ ગણું વધુ ઉત્પાદન આપે. તેમજ પાંચસોથી સાતસો કારીગરોનું ક્લસ્ટર ખાદીનું ઉત્પાદન અને વેચાણ કરે.
માત્ર સર્વોદય પરિવાર જ નહીં, અનેક સંસ્થામાં પ્રવૃત્ત પરિવાર
પિતા હેમેન્દ્રભાઈના પગલે પગલે પ્રકાશભાઈ અનેક સંસ્થાઓમાં તન-મન-ધનથી સેવાઓ આપી રહ્યા છે.
તેઓ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર-કોબામાં તેમજ અગાસના કેન્દ્રમાં સક્રિય છે. મા આનંદમયી નામ સ્મરણ સ્થળ પ્રહ્લાદનગર રોડ, અમદાવાદને સ્થાપવામાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા રહી. શ્રી શ્રી રવિશંકરજીને તેઓ ગુરુદેવ માને છે. આર્ટ ઓફ લિવિંગ અમદાવાદ શાખાની ઘણી બધી જવાબદારી તેમણે ઉપાડી છે. પ્રકાશભાઈ બેંગ્લોર ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. નાની મોટી અનેક સંસ્થાઓ માટે પ્રકાશભાઈ સંકટ-મોચનની ભૂમિકા ભજવે છે.
એક સાહસિક વેપારી પરિવાર, જે ઘસાઈને ઊજળો થયો
હેમેન્દ્રભાઈએ 1945માં જનરલ ટ્રેડર્સ કંપની સ્થાપી. પરદેશથી વિવિધ વસ્તુઓ મંગાવી વેચાણ કરતા. ધંધાનો વિકાસ ચાલુ રહ્યો. કેટલીક વસ્તુઓનું ઉત્પાદન ચાલુ કર્યું. ઓઈલ મિલ પણ સ્થાપી. ધંધા માટે વિશ્ર્વ ટુર પણ કરી. પ્રકાશભાઈએ 1975માં પ્રિસીસન ન્યુમેટીક ઇન્ડસ્ટ્રિઝની સ્થાપના કરી. 1977માં પ્રશાંત એન્જિનિયરીંગ કંપની સ્થાપી. આજે 11 જેટલી પરદેશી કંપનીઓ સાથે કોલોબોરેશનમાં કામ ચાલે છે. જે કંઈ કમાયા તે માત્ર પોતાનાં ગજવાં ભરવા માટે ન રાખતાં સારી અવી મૂડી સમાજના ચરણે પણ ધરી.
26 ઑક્ટોબર 2019ના રોજના કાર્યક્રમમાં પરિવારે કરેલા પુરુષાર્થની વાત અને પરિવારની સેવાની વાત એટલા માટે મૂકવામાં આવી કે પ્રેક્ષકો તરીકે આવેલા મિત્રોમાંથી બૃહદ પરિવારજનો, વિવિધ ઉદ્યોગના સાથીઓને પણ, માત્ર કમાણી કરી સંતોષ ન માનતાં લક્ષ્મીનો સદ્ઉપયોગ સમાજ સેવા માટે પણ વાપરી શકાય તેવી પ્રેરણા મળે.
જિંદગીના અંત કાળે મોટા ભાગના લોકો પોતાના મોટા ભાગની મૂડી બીજાને વાપરવા માટે મૂકીને જાય છે તેના કરતાં સારી એવી રકમ લોકહિતાર્થે પોતે વાપરીને પણ એક ઉમદા ચીલો પાડવા જેવો છે.
સહજીવનમાં સુરેખાબહેનના માધુર્યનો છંટકાવ
‘પ્રકાશિત સંસ્મરણો’ પુસ્તકના અંતિમ ભાગમાં પ્રકાશભાઈએ સુરેખાબહેન અંગે સુરેખ આલેખન કર્યું છે. સમગ્ર જીવનમાં સુરેખાબહેને આપેલો સહકાર, દાખવેલ નીડરતા અને આત્મવિશ્ર્વાસની વાત પ્રકાશભાઈએ નોંધી છે. એમ.એસ.સી.નો અભ્યાસ સંપન્ન કરી એમ.જી.સાયન્સ કૉલેજમાંની નોકરી ચાલુ રાખી પોતાને અલગ રીતે સ્થાપિત કરી શખ્યાં હોત. પરંતુ પરિવારને અને સમાજને બેઠો કરવામાં તન-મન-ધનનો ઉપયોગ કર્યો. પ્રકાશભાઈ ધંધામાં આગળ વધે તે માટે સંકટ સમયે સુરેખાબહેને નોકરી કરીને કરેલી બચત (1975માં) રૂ. 17000 પ્રકાશભાઈના હાથમાં મૂકી હતી. પછી તો ધંધા માટેના પરદેશી પ્રવાસમાં કે સેવાના કામ માટે જ્યાં હોય ત્યાં ખભેખભો મિલાવીને સાથે ચાલ્યાં. પરિવારને પણ પ્રેમના તાંતણે બાંધી રાખ્યો.
સપ્તશીલનો ઉપાસક પરિવાર
શ્રી પ્રકાશભાઈના 75મા શુભ જન્મ દિવસ નિમિત્તે પૂ. જ્યોતિબહેન થાનકીએ પ્રકાશભાઈ અને સુરેખાબહેનને અભિનંદન પાઠવતાં જે લખ્યું છે તે સમગ્ર પરિવાર માટે પણ એટલું જ સાચું છે. આ પરિવાર સપ્તશીલનું ઉપાસક છે.
આ સપ્તશીલ છે :
0 સેવાસાધના 0 સત્યનિષ્ઠા
0 સત્ત્વશીલતા 0 સહૃદયતા
0 સરળતા 0 સ્નેહમયતા 0 સજાગતા.
ભૂમિપુત્ર પરિવાર આ પરિવારને શુભેચ્છા પાઠવે છે.
વધુ વિગતો માટે પ્રકાશભાઈ શાહનો સંપર્ક : 9824034680 નંબર ઉપર કરવો.
– રજની દવે