અમંગળ સમાચાર
28 જુલાઈ 2020નો મંગળવાર એક અમંગળ સમાચાર લઈને આવ્યો. ’Suresh Parikh is now no more’. જો કે છેલ્લાં વર્ષોમાં તેમની જે સ્થિતિ હતી, તેમાંથી તે નીકળી શકે તેવી ખાસ આશા રહી ન હતી. સ્નેહી મિત્ર ડૉ. અશોક ગોહિલ કહે છે – સુરેશભાઈ કહેતા “ઈશ્વર આવે અને કહે કે ‘ચાલો’ તો સાથે ચાલી નીકળીએ તેવી આપણી તૈયારી હોવી જોઈએ.” સુરેશભાઈ તૈયાર હશે. આપણે સુરેશભાઈની સમગ્ર જીવનયાત્રા પર થોડી નજર નાંખીએ.
જીવન-ઝરમર
રાજપીપળામાં પ્રતિષ્ઠિત વ્યક્તિ કાંતિલાલ પરીખના પરિવારમાં તા. 26-9-1933ના રોજ તેમનો જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ રાજપીપળામાં લઈ, સુરત-મુંબઈમાં કૉલેજ શિક્ષણ મેળવીને એન્જિનિયર બન્યા. 1966માં વલ્લભ વિદ્યાનગરમાં માસ્ટર ડિગ્રી મેળવી. મુંબઈમાં થોડો સમય સરકારી નોકરી કરીને લોકભારતી સણોસરા ગ્રામટેકનોલોજી અંગેનું શિક્ષણ કાર્ય કર્યું. થોડોક સમય વિનોબાજીની ભૂદાનયાત્રામાં સક્રિય થયા. સુરત તેમજ વલ્લભ-વિદ્યાનગરમાં ઇજનેરી શિક્ષણ આપવામાં 33 વર્ષ વીતાવ્યાં બાદ 1991માં નિર્ધારિત સમય કરતાં 3 વર્ષ વહેલાં નિવૃત્ત થયા. અંગત જીવનની વાત કરીએ તો 6 ફેબ્રુઆરી 1960ના રોજ હૈદરાબાદ સ્થિત સુશીલાબહેન સાથે લગ્ન થયાં. 17-12-2009ના રોજ વલ્લભ વિદ્યાનગરમાં બહેનનું 74 વર્ષે અવસાન થયું. સુરેશભાઈનું 87 વર્ષે અવસાન થયું.
કપરું કામ સુરેશભાઈની ઓળખ આપવી
સામાન્ય રીતે વ્યક્તિની ઓળખ તેના મન, વચન અને કર્મથી આપી શકાય. કર્મોની યાદી બનાવી શકાય, વચનોને નોંધી શકાય. પણ મન અથવા વ્યાપક અર્થમાં આંતરમન અથવા ભીતરના આદમીની અસલિયત જાણવી, સમજવી આમેય મુશ્કેલ કામ છે. તેમાં પણ સુરેશભાઈની વાતમાં તે કપરું જ કામ છે. જે નદીની ઓળખ આપવા માંડીએ તે નદી તો વહી ગઈ હોય. જે તારા કે સૂર્યને નજરે જોઈએ તે તો તેનું વર્ષો જૂનું દર્શન હોય છે.
સુરેભાઈનો પરોક્ષ પરિચય દેશમાં કટોકટી લદાઈ ત્યારનો, પણ પ્રત્યક્ષ પરિચય 11 સપ્ટેમ્બર 1983માં માનવીય ટેકનોલોજી ફોરમ રચાયું ત્યારે થયો. છેલ્લાં 25 વર્ષ તો સારો એવો ઘરોબો રહ્યો. સુશીલાબહેનના ગયા પછી તો જ્યારે ઇચ્છા થાય ત્યારે અમારા ઘરનાં દ્વાર તેમના માટે ખુલ્લાં રહ્યાં હતાં. આટલી નોંધ માત્ર એટલા માટે જ કે તેમને ખૂબ જ નજીકથી જોવા સમજવનો લ્હાવો મળ્યો છે તે દર્શાવવા.
એક વાત નક્કી કહી શકાય, સંબંધોનું તેમનું ફલક ખૂબ જ વિશાળ હતું, તેમની પહોંચ પણ ઘણી. સમાજપરિવર્તના સંબંધમાં જે કંઈ પણ જાણવા જેવું લાગે તે જાણી લે. જેનો પણ સંપર્ક કરવો હોય તે કરી લે. જેની પાસેથી આર્થિક કે લેખનકાર્યની મદદ કે વહીવટીય મદદ મેળવવાની હોય તે મેળવી લે. તેમ છતાં સુરેશભાઈને કોઈ ગળ્યા સમજીને ગળી ન જાય અને કડવા સમજીને થૂંકી ન દે તે વાત પણ પાકી જ.
તેમનો હિસાબ ખીતાબ આકાશમાં લખાય. મણ જેટલું ઉધાર આપે અને કણ માટે ખંખેરીને પણ પૈસા કઢાવે. ગમે તે પળે, ગમે તે સમયે, ગમે તે પ્રસંગે જે કહેવું હોય તે કહી દે; પછી સામેનાને પીંછાના હળવા સ્પર્શ જેવું લાગે કે તલવારના ઝાટકા જેવું લાગે, તેની ચિંતા ન કરે.
વ્યક્તિને પારખી લેવાની તેમની ‘સેન્સ’ ગજબની હતી. બીજા કોઈનો અભિપ્રાય તેમને દોરવી ન શકે. આ પરખ થકી, સામેની વ્યક્તિ સાથે સંવાદ માંડે અને સંબંધોનો સેતુ અનાયાસ રચાઈ જાય.
પદ, પોઝીશન કે ઉંમર થકી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન ન કરે. વ્યક્તિમાં રહેલી શક્તિને પારખીને તેને કામ સોંપે. ઘણી બધી વ્યક્તિઓને લખતી કરી. એમાંના કેટલાકની ગણતરી સાહિત્ય જગતમાં થવા માંડી. કેટલીક પુસ્તિકાઓનું પુન:મુદ્રણ પણ થયું.
સુરેશભાઈએ ક્યારેય પણ પોતે એક આદર્શ વ્યક્તિ છે તેવું દેખાડવાનો પ્રયત્ન કર્યો નથી. તેમની સ્થિતિ હંમેશાં ‘સહજ’ રહી છે તેવું પણ કહી ન શકાય. ક્યારેક Hyper Active પણ લાગે. સામેની નવી વ્યક્તિ ક્યારેક ડઘાઈ પણ જાય. એક વ્યાપક સમજ એવી રહી છે કે લેખક જે લખે છે તે વાત તેના જીવનમાં દેખાય છે ? પરિવર્તન માટેની વાતો કરનારનું સ્વઆચરણ તેવું છે ? આવા માપદંડ સાવ ખોટા છે તેવું નથી, પણ આપણે એ પણ માનવું પડે કે વ્યક્તિ ક્યારેક તેના વિરાટ વ્યક્તિત્વને ધારણ કરીને કૂદકો મારે છે અને તેને જે અનુભવો થાય છે, જે સ્પંદનો અનુભવે છે તેને કલમ દ્વારા અભિવ્યક્ત કરે છે ને ક્યારેક તો તેમ કર્યા સિવાય રહી જ શકતી નથી. પણ તે વ્યક્તિ ફરીથી તેના રોજબરોજના વ્યક્તિત્વમાં પાછી આવી જાય છે. આવો દ્વંદ્વ એક હકીકત છે.
આ વાતની સ્વીકૃતિ આપણા મનની ઘણી મૂંઝવણો દૂર કરી શકે છે. સુરેશભાઈ કોઈ ચર્ચા વખતે હવે શું કહેશે તે નક્કી કરવું મુશ્કેલ હોય. ક્યારેક તેમની વાણીમાં ગાંધી પ્રકટે, કયારેક ઓશો આવી જાય. ક્યારેક કૃષ્ણમૂર્તિ આવી જાય. આ બધા વચ્ચેની ભીતરી સમાનતા છે કે નહીં તે નક્કી કરવાનું સાંભળનારા પણ છોડી દે. જે વખતે જેવો માર્મિક ઘા કરવાનો હોય તેવો કરે. “હું કયાં કંઈ કામ કરવા આવ્યો છું.” તેમ વારંવાર અભિવ્યક્ત કરનાર સુરેશભાઈ વણબોલે એમ પણ જણાવતા લાગે કે, હું ક્યાં તમારા મનનું સમાધાન કરવા આવ્યો છું? તેઓ વારંવાર સ્કુલના ઘંટનું ઉદાહરણ આપતા હતા. ઘંટ વાગે અને સૌ આઘાપાછા થાય, ઘંટ ત્યાંનો ત્યાં જ રહે.
સંબંધો બાંધવા તેમને ગમતા હતા એમ કહેવા કરતાં તે તેમની Hobby હતી. આ માટે ‘જ્ઞાન ગુમાનની ગાંસડી’ ઉતારવાનું તેમના માટે સહજ હતું. આ માટે સામેની વ્યક્તિ કેટલી વિદ્વાન છે તેવો માપદંડ તેઓ રાખતા ન હતા. આ સંબંધો દ્વારા સામેની વ્યક્તિનો વિકાસ કેવી રીતે થાય તે માટેની તક તેઓ ઝડપી લેતા હતા. તેઓ એક વિશિષ્ટ પ્રકારના Care Taker હતા.
ક્યાં કોઈ કામ કરવા આવ્યો છું કહેનારે ઘણું કામ કર્યું !
આમ તો ચાલુ નોકરીમાંથી વર્ષ 1991માં નિવૃત્ત થયા અને તે પછીનું જીવન ત્રણ દાયકાનું રહ્યું. કોઈને લાગે કે જે સામાજિક કામ કરતા હતા તે આ ગાળામાં થયું હશે.
સુરેશભાઈએ 12-9-77ના રોજ સાર્વજનિક ટ્રસ્ટ એક્ટ હેઠળ ‘વિચાર વલોણું પરિવાર’નું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેના ઉદ્દેશો હતા –
- વ્યક્તિમાં માનવીય સાંસ્કૃતિક મૂલ્યોની નિષ્ઠા સ્થાપવા, વિકસાવવા માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવી.
- પુસ્તકો, પુસ્તિકાઓ, સામયિકો પ્રગટ કરવાં
- અભ્યાસ વર્તુળો, શિબિરો યોજવા. સુરેશભાઈનું બીજું સર્જન હતું ‘કેસ્ટ એસોસિએટ્સ’ – સર્જનશીલ, જવાબદાર, ઉત્સાહી, સંવેદનશીલ અને પ્રતિભાવાન વ્યક્તિઓનું સંગઠન.
આ સંગઠન વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન ગ્રામવિકાસનાં કામોમાં વાપરે તેવો પણ ઉદ્દેશ હતો. સુરેશભાઈનું ત્રીજું સર્જન હતું ‘માનવ વિકાસ કેન્દ્ર’. છેલ્લે વર્ષ 2010માં વિચારવલોણું પરિવાર ટ્રસ્ટની અમદાવાદ ખાતે નોંધણી કરાવવામાં આવી. વલ્લભ વિદ્યાનગરમાં એક પુસ્તકપ્રેમી પરિવાર પણ સ્થાપ્યો હતો.
10 મે, 2016ના રોજ ઓશો ગ્રુપ વચ્ચે પોતાનો પરિચય આપતાં કહ્યું, વર્ષો સુધી લોકો વાંચતા-વિચારતા થાય તેમજ વાંચીને જીવન ગોઠવવાનો પ્રયત્ન કરતા હોય તેને મદદગાર થવું તેવું કામ કરતો આવ્યો છું.
સુરેશભાઈનો આ જીવનમંત્ર આજીવન રહ્યો. ‘વિચાર વલોણુ’નાં પોતાનાં પ્રકાશનોની શરૂઆત 1985માં પુસ્તિકા ‘પામવું કે હોવું’ – લેખક ભુવનેશ ઓઝાથી થઈ. અત્યાર સુધીમાં આશરે 170 જેટલી પુસ્તિકાઓ પ્રગટ થઈ હશે. સુરેશભાઈ માને છે, મોટાભાગના લોકો 60-70 પાનાંથી મોટાં પુસ્તકો વાંચવાનું ઓછું પસંદ કરે છે.
વિષય પસંદગી
સુરેશભાઈ વિશાળ સંપર્ક ધરાવતા હતા. વિવિધ સંગઠનોમાં હાજરી આપતા. ઉદ્યોગપતિથી માંડી યુનિવર્સિટીના મોટા પદ ધારકોને મળતા રહેતા હતા. આના કારણે મહત્ત્વના પુસ્તકો, મહત્ત્વના વિષયો પર તેમની નજર જતી હતી. અંગ્રેજી ભાષા પર તેમના પ્રભુત્વના કારણે તેમની નજર તળે વિશ્ર્વસાહિત્ય પસાર થઈ જતું હતું. તેમના સમગ્ર કાર્ય પર -“માણસ ગોઠવો તો દુનિયા ગોઠવાઈ જાય” તે મંત્ર કામ કરતો રહ્યો છે. વ્યક્તિપરિવર્તન અને વ્યવસ્થા- પરિવર્તન એ બેમાંથી વ્યક્તિપરિવર્તન પર તેમની પસંદગી છેક છેલ્લે સુધી જળવાઈ રહી અને તેના આધારે પ્રકાશનોની પસંદગી રહી.
યુવા અવસ્થામાં વિમલાબેન ઠકારના સંપર્કમાં આવેલા. ગાંધી વિચારના સંસ્કારો પરિવારમાંથી મળ્યા હતા. આના કારણે અધ્યાત્મને લગતાં પુસ્તકો પર પણ પસંદગી ઊતરી છે. વિચાર-વલોણુંની નવી ટીમ હવે નવા નવા આયામોવાળી પુસ્તિકાઓ પણ પ્રગટ કરે છે.
સુરેશભાઈને સમજવા માટેનાં મહત્ત્વનાં પુસ્તકો
પ્રસંગોપાત્ત થયેલાં કેટલાંક પુસ્તકો સુરેશભાઈને તેમજ વિચાર વલોણુંના કામને સમજવા માટે જોઈ જવાં જોઈએ.




(1) વિચારવલોણું સ્મૃતિગ્રંથ (1972થી 1992)
(2) ધૂણી ધખાવી જેણે, શ્રી સુરેશ પરીખ સ્મૃતિ ગ્રંથ વર્ષ 2008
(3) મન હોય તો માળવે જવાય – સં.સુરેશ પરીખ, વર્ષ 2008
(4) સુશીલા – એક વિરલ વ્યક્તિત્વ વર્ષ 2010
(5) આપણી વાત – સં. શિલા વ્યાસ, વર્ષ 2018
સુરેશભાઈએ ન કોઈ રેગ્યુલર કોલમ ચલાવી કે ન તેમનાં લખેલાં 10-12 પુસ્તકો સમાજ સામે ધર્યા. તેમની સાથે બેસીને જે વાર્તાલાપ થાય તેમાંથી જ તેમના વ્યક્તિત્વના પાસાને સમજવાનું થયું છે. વિષયને ખોટો ન લંબાવે. તેમનો પ્રતિભાવ ટૂંકમાં, પૂરી શક્તિ સાથે રજૂ કરે. વ્યક્તિગત ધોરણે લખ્યું ઓછું પણ અન્યને લખતા કર્યા.
અંતિમ પર્વ
સુરેશભાઈનું અંતિમ પર્વ કયા વર્ષથી ગણવું – “વિચાર વલોણું” નવી ટીમે સંભાળ્યું ત્યારથી ? સુશીલાબહેનનું અવસાન થયું ત્યારથી? તેમના વર્તનમાં ન સમજી શકાય તેવા ફેરફારો થયા ત્યારથી ? વૃદ્ધાશ્રમમાં રહેવા ગયા ત્યારથી ?
મને લાગે છે સુશીલાબહેન ગયા પછી તેઓ Center less થઈ ગયા હતા. તેમના જીવનમાં કેટલાક અતિરેક હતા. તેઓ કહેતા, માણસે જીવનમાં મહત્ત્વની ત્રણ પસંદગી કરવાની હોય છે. (1) Basic Need (2) Comfort (3) Luxury. પાયાની જરૂરિયાત સૌની સંતોષાવી જોઈએ. કેટલીક વિશેષ સગવડો પસંદગી પ્રમાણે અને રસ રુચિ, ઉંમરના કારણે હોય તે ખોટું નથી. પરંતુ ભોગવિલાસ – એશઆરામને મંજૂર ન કરાય.
લગ્નની શરૂઆતથી જ સુશીલાબહેનને કહી દીધું, આપણું પોતાનું ઘર હોય તે વાત મને પસંદ નથી. પણ તું જો કહે…… જીવનના અંત સુધીમાં પોતાનું ઘર ન વસાવ્યું. બેનના ગયા પછી ઘરનો સામાન જેને જોઈએ તેને લઈ જવા દીધો. ભાડાનું કે વાપરવાનું મકાન ખાલી કરી દીધું. અમદાવાદ વિદ્યાપીઠમાં રૂમ આપી ત્યાં પણ લાંબું રહ્યા નહીં. બસ હવે તો મારે રેલવે સ્ટેશન પર જ આરામ કરવો છે. કામ હોય ત્યારે શહેર-ગામમાં જઈ આવવાનું.
કોઈએ કહ્યું, મારા મકાન પર તમને ઘર બનાવી આપું. તો કહે, મારાં તો અનેક ઘર છે. આમ કરવાથી તેમનો કયો સંન્યાસયોગ સધાયો તે ન સમજાયું. ખાવામાં ગમે તે ચાલે, પીણાંની બોટલ – બિસ્કિટ, ભૂંસા પર દિવસ કાઢતા. કોઈના ઘરે જમવાનું તૈયાર હોય તો પણ મારે….. આને આને મળવા જવાનું છે તેમ કહી ઊપડી જાય. આપણું સ્વાસ્થ્ય ના ચાર Bind Volume તૈયાર કરાવ્યા પણ પોતાને તો કંઈ થાય નહીં તેવો ભાવ હંમેશનો રહ્યો. આહાર-વિહારમાં સંપૂર્ણ બેકાળજી દાખવી.
છેલ્લા દિવસોમાં તેમની સ્થિતિ જોઈને મિત્રોએ લાચારી અનુભવી. પોતાના આર્થિક રીતે સંપન્ન ભાઈને ત્યાં પણ શાંતિથી ન રહ્યા. સુશીલાબહેન ગયાં પણ હું તો સ્વસ્થ છું તેવી ખુમારી બતાવતા રહ્યા. હું સ્વઆધારે ટકી રહી શકું છું તેવી ખુમારી દાખવતા રહ્યા. સહજતા તેઓ ખોઈ ચૂક્યા હતા. પોતાના પરિવારજનોથી પણ દૂરના દૂર જ રહ્યા.
છેલ્લા દશકમાં રાજ્યની અને દેશની બદલાયેલી પરિસ્થિતિ અંગે તેમની સાથે વાતો કરવા પ્રયત્ન કરતો રહ્યો પરંતુ કટોકટીકાળે તેમનું જે વલણ હતું તેવું વર્તમાન સમયમાં ન દાખવી શકયા.
હા, એક ચીજ જોવા મળી તે છે અધ્યાત્મની દિશામાં. વિમલાતાઈનું સ્થાન તેમના અંતરમાં સદાના માટે રહ્યું. પણ ક્યારેક કહેતા, આ જન્મે એ દિશામાં પ્રગતિ થવાની નથી તેવું મને લાગે છે. પણ છેલ્લાં વર્ષોમાં દક્ષિણના કોઈ આશ્રમમાં જતા અને રહેતા પણ હતા. કોઈ ધાર્મિક ગ્રંથ તેમના હાથમાં હોય. ઓશો ગ્રુપમાં આંટો મારી આવતા હતા.
પણ પછી શું થયું, ખબર ન પડી. તેમનું ચેતાતંત્ર ખોરવાયું. તેમની સાથે વાત કરી શકાય – સંવાદ કરી શકાય તેવું તેમનું અસ્તિત્વ અલોપ થઈ ચૂક્યું હતું. વિદ્યાનગરમાં અસંખ્ય વિદ્યાર્થીઓ આવ્યા, ભણ્યા અને ભણીને રવાના થયા. તેમાંથી કેટલાકને તેમના સંગનો રંગ લાગ્યો. કોઈ તેમના સસ્તા રસોડે જમ્યું હશે, કોઈકે તેમનો વાર્તાલાપ સાંભળ્યો હશે. કોઈક તેમની સાદગી અને ખાદીથી આકર્ષાયો હશે. કોઈને તેમની સાયકલ માટે કુતૂહલ જાગ્યું હશે. કોઈએ તેમના પ્રસાદમાં કોઈ પુસ્તિકા ગ્રહણ કરી હશે. કોઈ નવનિર્માણ વખતે વલ્લભ વિદ્યાનગરમાં તોફાને ચઢેલા વિદ્યાર્થીઓને શાંત કરવા તેમણે આદરેલા ઉપવાસથી દુ:ખી થયા હશે. વલ્લભ વિદ્યાનગરમાં ભાઈકાકા, સરદાર, સરદારના ભાઈ જેવાં કેટલાંક નામો અમર થઈ ગયાં છે.
વિદ્યાનગરમાં આ શિક્ષકે પોતાની જિંદગીની અડધી સદી સાતત્યપૂર્વક વિદ્યાર્થીઓના જીવનઘડતર માટે આપી છે. સુરેશભાઈ વિદ્યાનગરના વિદ્યાજગતમાં એક અમર પાત્ર બની ચૂક્યા છે. કેન્દ્ર વિદ્યાનગર પણ તેના પરીઘે સમગ્ર ગુજરાતને આવરી લીધું હતું. સુરેશભાઈના જવાથી કોણે શું ગુમાવ્યું તે તો તેમના વિદાયના આઘાતમાંથી મિત્રો નીકળશે ત્યારે સમજશે.
વિચાર-વલોણુંના સૌ પરિવારજનોને પ્રણામ.
– રજની દવે