અજંતા-ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ દ્વારા કચ્છના નાના રણને સૂરજબારીના જૂના પુલના ગાળા પૂરી દઈ (બંધ બાંધી) રણ-સરોવર બનાવવાની કલ્પના સરકાર પાસે રજૂ કરાઈ છે. જયસુખભાઈએ રણ-સરોવર અંગે તેમના વિચારો રજૂ કરતાં બે પુસ્તકો લખ્યાં છે. આ બંને પુસ્તકોમાં કચ્છના નાના રણને ‘રણ-સરોવર’માં ફેરવવાના ફાયદા ગણાવ્યા છે.
આ અંગે રાજ્યના નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના આદેશથી કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, જળસંપત્તિ સંશોધન વિભાગ, 312-બહુમાળી ભવન, બીજો માળ, ભુજ-કચ્છ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
જયસુખભાઈની ગુજરાતના પાણી તરસ્યા વિસ્તારો માટેની નિસ્બત માટે કોઈ શંકા કરવી અસ્થાને છે, તેટલું જ નહીં પણ તેમ કરવું તે ગુજરાતના પાણી ઝંખતા વિસ્તારોના લોકોનું અપમાન અને ઉપેક્ષા પણ છે, તેવું અમારું માનવું છે.

જયસુખભાઈના મતે ‘રણ-સરોવર’ એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનશે, બિનઉપજાઉ ખારાપાટની જમીનને ઉપજાઉ બનાવશે; રણસરોવર થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને પાણી મળવાથી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. ખેતી-આધારિત વિકાસથી હજારો લોકોને રોજગાર મળશે, જમીનની બજાર કિંમતમાં વધારો થશે, પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થશે. પશુપાલન અને ડેરી-ઉદ્યોગને ફાયદો થશે, પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાશે, ગુજરાતના સૌથી પછાત અને ઓછી આવક ધરાવતા પંદર લાખથી વધારે લોકોને રોજગારી અને વ્યવસાયની તકો મળશે. જયસુખભાઈએ તેમનાં પ્રકાશનોમાં મા.વડાપ્રધાનશ્રી અને મા.મુખ્યમંત્રીશ્રીને આ યોજના અંગે વાત કરી હોવાનું અને સરકારે તે અંગે હકારાત્મક પ્રતિભાવ આપી આગળ વધી રહી હોવાની વાત કરી છે.
માહિતી અધિકાર કાયદા હેઠળ વડાપ્રધાન કાર્યાલય અને સેન્ટ્રલ વોટર કમિશન તેમજ ગુજરાત સરકાર પાસેથી મળેલી માહિતી અનુસાર આ પ્રોજેકટને કોઈ મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ વિચારણા હેઠળ છે. અલગ-અલગ દસ્તાવેજમાં આ પ્રોજેક્ટથી જમીનના ઉપયોગમાં મોટા પાયે ફેરફાર થવાથી પર્યાવરણ અને ઇકોસિસ્ટમ ઉપર વિપરીત અસર થશે તે વિશે ચિંતા દર્શાવી છે. વધુમાં, આ પ્રોજેક્ટ માટે નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડ, પર્યાવરણ મંત્રાલય સાથે પ્રાથમિક તબક્કાની પણ કોઈ ચર્ચા વિચારણા થયેલ નથી તે સ્પષ્ટ થાય છે.
અત્યાર સુધી આ પ્રોજેક્ટ વિશે રણની ફરતે વસતા સમુદાય જેવા કે, અગરિયા, ખેડૂતો, ખેતમજૂર, માલધારી, મત્સ્ય ઉત્પાદક વગેરે સાથે પણ સરકારે કોઈ ચર્ચા-વિચારણા હાથ ધરી નથી. અગરિયા હિતરક્ષક મંચ તરીકે અમે સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાં આ બાબતે સંવાદ-વાતચીત કરતાં તેઓએ રણ-સરોવર બને તો થનારા નુકસાન અંગે ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ રજૂ કર્યા છે.
રણ-સરોવર સંદર્ભે મહત્ત્વના મુદ્દા :
- રણ-સરોવરની કલ્પના એ મુખ્ય ધારણા (અતતીળાશિંજ્ઞક્ષ) પર આધારિત છે કે, ચોમાસા દરમ્યાન રણમાં આવતું મીઠું પાણી, જ્યાં રણ અને દરિયો મળે છે, ત્યાંથી મોટી ભરતીમાં દરિયાનું પાણી અંદર આવવાથી ખારું બને છે, એટલે કે દરિયાના પાણીને રોકીએ તો રણમાં આવતું ચોમાસાનું પાણી મીઠું રહેશે. આ ધારણા બરાબર નથી. રણની ખારાશ 13 ડિગ્રીથી માંડીને ને 18 ડિગ્રી સુધી છે, અને દરિયાના પાણીની ખારાશ 3 ડિગ્રી. એટલે દરિયો રણને ખારું નથી બનાવતો. હકીકતમાં રણ દરિયા કરતાં પાંચ ગણું વધુ ખારું છે. રણમાં આવતું ચોમાસાનું પાણી હોય કે રણકાંઠામાં બનાવેલા ચેકડેમો અને તળાવોનું પાણી હોય, નવેમ્બર માસ પછી તે ખારું-કડવું બની જાય છે. ખેડૂતો તેને વાપરી શકતા નથી. પાટણ અને સુરેન્દ્રનગરમાં ત્રણ દાયકા પહેલાં બનાવેલા ચેકડેમોનાં પાણી આટલાં વર્ષે પણ મીઠાં રહેતાં નથી. અગરિયાઓ 600 વર્ષથી મીઠું બનાવે છે. લાખો લિટર પાણી અંદરથી કાઢીને બહાર ફેંકે છે. પણ રણની ખારાશ એક ડિગ્રી પણ ઓછી થઈ નથી. ‘ખારાશ’ એ કચ્છના નાના રણનો મૂળ ગુણધર્મ છે, અને તે ચોમાસાનાં પાણીથી ઓછો થઈ શકે નહીં.
- બીજો મહત્ત્વનો મુદ્દો છે કે રણ સરોવર માટે પાણીના મુખ્ય બે સ્રોતો ધ્યાન પર લેવાયા છે. એક ચોમાસાનું પાણી અને બીજું નર્મદાનું વધારાનું પાણી. છેલ્લાં 20 વર્ષના વરસાદના આંકડા અને પાણીના આવરાને જોઈએ તો રણને મળતી નદીઓ પર બનેલા બંધ કેટલી વખત ઓવર-ફ્લો થયા ? છેલ્લાં 10 વર્ષમાં રણમાં આવતું પાણી (હોનારતનું વર્ષ બાદ કરતાં) ઓછું થતું ગયું છે. રણમાં આવેલાં પાણીમાંથી લગભગ 40% જથ્થો સપ્ટેમ્બર સુધીમાં બાષ્પીભવનથી ઊડી જાય છે. નર્મદાનું પાણી લોકોને પીવા, ખેતી અને ઉદ્યોગો માટે જોઈએ છે. રણસરોવર માટે મોટા પ્રમાણમાં નર્મદાનું પાણી આપી શકાય તેમ નથી. બંને સ્રોતો અપૂરતા અને નબળા છે, તેથી તેના આધારે રણસરોવર જેવી પરિયોજનામાં આગળ વધવું હિતાવહ નથી.

- કચ્છનું નાનું રણ ઉત્તર-ગુજરાત અને રાજસ્થાનની નદીઓ તેમજ વોકળાનું પાણી સમાવવાનું કુદરતી વાસણ છે. 2017માં થયેલી અતિવૃષ્ટિ અને પૂરનું પાણી આ રણમાં સમાવાને કારણે, પારાવાર તારાજીને કાબૂમાં કરી શકાઈ. જો રણની જગાએ રણ-સરોવર બની ગયું હોત તો રણકાંઠાના પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારો મહિનાઓ સુધી પાણીમાં ડૂબી ગયા હોત. રેવન્યુ વિભાગના 2017ના અતિવૃષ્ટિ અંગેના અહેવાલોમાં સરકારે કચ્છના નાના રણની Flood Control અંગેની ભૂમિકા સ્પષ્ટ કરી છે. ક્લાયમેટ ચેન્જના પરિણામે આવી હોનારતો વખતો-વખત આવવાનું નિશ્ર્ચિત છે. ત્યારે આ બાબતે આપદા નિવારણના દૃષ્ટિકોણથી પણ વિચારવું જોઈએ.
- રણની બીજી તરફ સૂરજબારી પાસે બંધ બનવાથી દરિયાની મોટી ભરતીનું પાણી કે જે સદીઓથી અડધા રણ સુધી પહોંચે છે, તે અટકશે. બંધની દીવાલ સાથે અથડાઈ પાછું દરિયા તરફ ફંટાશે અને માળીયા અને કચ્છના સૂરજબારી પાસે આવેલા કાંઠાનાં મીઠાનાં અગરો ડૂબમાં જશે. ત્યાં કાયમ માટે મીઠું પાકતું બંધ થઈ જશે. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ ભરતીના પાણીનો વેગ અને તાકાત જોતાં, પાછું વળેલું પાણી છેક નવલખી બંદર સુધી નુકસાન પહોંચાડી શકે. તેમજ મરીન નેશનલપાર્કની જીવ-સૃષ્ટિ ઉપર પણ આ વળતા પ્રવાહોની અવળી અસર પડવાની પૂરેપૂરી શક્યતા છે.
- સપ્ટેમ્બર મહિનામાં વહેતા વેગીલા પવનથી રણનું પાણી પાછું દરિયામાં જાય છે. નદીઓના પાણી સાથે કાંપ પણ ઢસડાઈને દરિયામાં જાય છે. આ પ્રક્રિયા દરિયાઈ જૈવ-વિવિધતાને પાંગરવામાં મદદ કરે છે. દર વર્ષે કુદરતી રીતે રણ ધોવાય છે એટલે કાંપનો ભરાવો થતો નથી અને રણની સપાટી ઊંચી આવવાની પ્રક્રિયા પર આપમેળે નિયંત્રણ રહે છે. કચ્છના નાના રણની આ ભૂમિકાને લીધે રણકાંઠાનાં ગામો ચોમાસામાં ડૂબવાથી બચે છે. રણને બંધ બનાવી બાંધી દેવાથી રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની નદીઓ દ્વારા પાણી સાથે ઢસડાઈને આવતો કાંપ રણમાં ઠરવાને કારણે રણનું તળિયું ખૂબ ઝડપથી ઊંચું આવશે. જેથી દર ચોમાસામાં આસપાસનાં સેંકડો ગામો અને ખેતરો પર ચોમાસાનાં પાણી ફરી વળી તારાજી સર્જી શકે છે.

- આ વિસ્તાર ‘ઘુડખર અભયારણ્ય’ છે. તેમાં દુનિયાની લુપ્ત થતી પ્રજાતિનાં 5000 ઉપરાંત ઘુડખર વસે છે. રણમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વચ્છરાજ બેટ સહિત નાના અનેક બેટ રણસરોવરના લીધે ડૂબમાં જશે, આથી ઘુડખરને આસ-પાસનાં ખેતરો અને ખરાબાના આશરે જીવવું પડશે. ખેડૂતોની ખેતી અને ઘુડખર બંનેને નુકસાન થશે. ઘુડખર ઉપર થયેલા અભ્યાસ દર્શાવે છે કે, રણપ્રદેશમાં પાણીનું આવવું-જવું, તેની આબોહવા, સૂકુંભટ વાતાવરણ, દોડવા માટે ખુલ્લી જગ્યા આ બાબતો ઘુડખરના જીવવા અને પ્રજનન માટે ખૂબ જ મહત્ત્વની છે. સતત પાણી ભરેલા પ્રદેશની બાજુમાં, અથવા વચ્ચોવચ બેટ પર બારેમાસ ઘુડખર રહી ન શકે, તેને એ આબોહવા માફક ન આવે, પરિણામે તેનો પ્રજનન દર મોટા પ્રમાણમાં ઘટી શકે. સતત ભેજવાળા વાતાવરણમાં તેનું અસ્તિત્વ ખતમ થઈ જાય.
- રણમાં દર વર્ષે પ્રવાસ કરીને આવતાં લાખો યાયાવર પક્ષીઓ, રણની જમીનમાં પડતી ફાટમાં થતા કરોળિયા, એક ખાસ પ્રકારના ઉંદર, તેને ખાવા માટે આવતાં પક્ષીઓ, એક વિશિષ્ટ પ્રકારનો ‘ગોકેએલા’ નામનો દુર્લભ કાચંડો, રણ-લોંકડી જેવાં અનેકવિધ પ્રાણીઓ અને પક્ષીઓ માટે કચ્છનું નાનું રણ હંગામી વસવાટ અને પ્રજનનની જગ્યા છે. આ અત્યંત મહત્ત્વની બાબતની અવગણના કરી શકાય તેમ નથી. આ જૈવ વિવિધતાના આધારે કચ્છના રણને બાયો-સ્ફિયર રિઝર્વ તરીકે ઓળખાવવામાં આવ્યું છે.
- રણને બંધ દ્વારા બાંધી પાણી બારેમાસ ભરવામાં આવે તો, આસપાસની જમીનો મીઠી થવાને બદલે (તેલિયો) ખાર ઉપર આવવાથી ખારી થશે. રણની ફરતે જ્યાં પણ બંધારા, તળાવો કે ચેક-ડેમ બનાવ્યાં છે, ત્યાં ખેતરો રણનો તેલિયો-ખાર ફૂટવાથી ખરાબ થયાં છે. આ અંગે રણ-સંવાદ વખતે રણકાંઠાના ખેડૂતોએ મંચને રજૂઆતો કરી છે. દસાડા અને સાંતલપુર તાલુકાના રણકાંઠામાં તેલિયા ખારની અસર નજરે જોઈ શકાય તેવી છે.
- રણસરોવર બનતાં, 5000 ચો.કિ.મી. વિસ્તારમાં પાણી ભરવાથી હવામાં ભેજ, બાફ, ઉકળાટ અને ઝાકળનું પ્રમાણ વધી જાય, પરિણામે વિસ્તારમાં થતાં જીરું, દિવેલા, કપાસના પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાથી પાક ખતમ થઈ જશે. લાખો લોકો છતી જમીને કંગાળ બની ભટકતા થઈ જશે. ખેતી ખતમ થતાં તેની સાથે પશુપાલન પણ ખતમ થશે. આ વિસ્તારના ખેતીઆધારિત ગ્રામીણ અર્થતંત્રની કમર ભાંગી જશે.
- રણમાં ચોમાસા દરમ્યાન ઝીંગા (માછલી) થાય છે, તેના પર 2000 ઉપરાંત પરિવારો નિર્ભર છે. કરોડો રૂપિયાના ઝીંગા દર વર્ષે વિદેશમાં નિકાસ થાય છે તે ખતમ થશે. રણસરોવર બનવાથી મીઠા પાણીની માછીમારી શરૂ થવાથી ફાયદો થવાની વાત કહી છે, પરંતુ હકીકતમાં દરિયાકાંઠે અથવા મોટા તળાવ-ડેમોમાં મત્સ્ય ઉત્પાદન આજે વગદાર લોકોના હાથમાં છે. સ્થાનિક સમુદાયોને ત્યાં કોઈ સ્થાન નથી.
- સમગ્ર રણકાંઠામાં વસતા પશુપાલકો રણ ઉપર નિર્ભર છે. તેઓ રણના બેટ પર સિઝનલ સ્થળાંતર કરે છે, રણમાંથી અવર-જવર કરે છે. રણમાં બારેમાસ પાણી ભરવાનું હોય તો તેમને કાંધીપર આવેલ પડતર, ગોચર, અને ખરાબા પર નિર્ભર રહેવું પડે. રણસરોવર ના કારણે ઘુડખરને પણ આ જ સ્રોતો પર નભવું પડશે. અભયારણ્ય બન્યું ત્યારથી અત્યાર સુધી માણસ અને પ્રાણી વચ્ચેના સંઘર્ષો અહીં નોંધાયા નથી, જે રણસરોવર બનવાથી ઊભા થશે. વળી, ઘાસચારા માટેની પશુઓની જગ્યા ખૂબ જ સીમિત થઈ જશે.
- રણમાં મીઠું પકવી ગુજરાન ચલાવતા હજારો અગરિયા પરિવારોને વૈકલ્પિક જમીન આપવાની વાત પ્રોજેક્ટની કલ્પનામાં કરી છે. પણ હકીકતમાં હજારો અગરિયા પરિવારો માટે જરૂરી હજારો હેક્ટર જમીન આપણી પાસે ઉપલબ્ધ નથી. સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાં દરેક તાલુકામાં વસતા નાના સીમાંત ખેડૂતો, જમીનવિહોણા ખેડૂતો, વંચિત, વિચરતા સમુદાયોની જમીન માગણીની અરજીઓ વર્ષોથી પડતર છે. લેંડ કચેરી ભરાતી નથી. રણકાંઠાનાં ગામો પાસે ગામતળ વધારવા પૂરતી પણ જગ્યા નથી. એવા સંજોગોમાં વૈકલ્પિક જમીન ફાળવવાની વાત હકીકતમાં થઈ શકે તેમ નથી. રણસરોવરમાં જમીન અને રણકાંઠો ડૂબવાની શક્યતા છે, એટલે જમીન નવ-સાધ્ય થવાની કોઈ શક્યતા દૂર-દૂર સુધી નથી. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધવાથી આસપાસના દરિયાકિનારે પાકતા મીઠાના ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં નોંધપાત્ર ઘટાડો થશે. એટલે રણના અગરિયાઓને દરિયાકાંઠે પણ રોજી રોટી મળવાની શક્યતા નહિવત્ છે.
- દસ લાખ જાતનાં જીવો અને વનસ્પતિ નાશને આરે છે, માણસનો વિનાશ પણ તેની સાથે જોડાયેલો છે
કચ્છની પાણીની સમસ્યા તરફ આંખ આડા કાન ન જ કરી શકાય. પણ રણ-સરોવર આ સમસ્યાનો હલ હોઈ શકે કે કેમ, તેના પર ગંભીરતા પૂર્વક વિચારવાની જરૂર છે. રણકાંઠાનાં 150 ઉપરાંત ગામોમાં વસતા 20 લાખ લોકો, અને દુનિયામાં ક્યાંય બચ્યાં નથી એવાં દુર્લભ પ્રાણીઓ, પક્ષીઓ આ બધાંનું અસ્તિત્વ દાવ પર લગાવ્યા ઉપરાંત પણ રણ-સરોવર મીઠું પાણી આપી શકશે કે કેમ, તે સવાલ એક દીવા-સ્વપ્નથી વિશેષ કંઈ નથી.

આ પ્રાથમિક તબક્કામાં જ સમજાય તેવી વાત છે. રણકાંઠાની પ્રજા અને પંચાયતો સાથે આ પ્રશ્નોની ચર્ચા કર્યા વગર રણસરોવર પ્રોજેક્ટમાં આગળ વધવું દુ:સાહસ છે, તે જોખમકારક સાબિત થશે તેવું સ્પષ્ટપણે દેખાય છે.
– પંક્તિ જોગ
(અગરિયા હિતરક્ષક મંચ : બી-3, સહજાનંદ ટાવર, જીવરાજ પાર્ક ચાર રસ્તા, અમદાવાદ, 380051, (ગુજરાત) ફોન : 9824048842