(11 સપ્ટેમ્બર વિનોબા જન્મદિન – હાલ વિનોબા : 125 વિશેની ઉજવણી ચાલી રહી છે ત્યારે ‘ગીતા-પ્રવચનો’ના લહિયા સાને ગુરુજી અંગે જાણીએ.)
વિનોબાજીએ કહ્યું છે, ‘મને ક્યારેય એવું લાગતું નથી કે સાને ગુરુજી આપણાથી દૂર થયા છે, આપણામાંથી નીકળી ગયા છે, કે આપણી વચ્ચે નથી. એમનો અને મારો જે સંબંધ હતો, એનો એવો અનુભવ છે કે તે નજીક જ છે.’ તે વખતે મને એ વાતની કલ્પના પણ ન હતી કે તેમના અંગે મૃત્યુલેખ લખવાનો પ્રસંગ મારા પર આવશે. તેઓ શરીરથી મજબૂત હતા, ઉંમર પણ ઓછી હતી. લગભગ 50 વર્ષ, પણ આટલા ઓછા સમયમાં એમણે ખૂબ કામ કરી બતાવ્યું.
મહારાષ્ટ્રની આખી યુવા-પેઢી એમના વિચારથી પ્રભાવિત હતી. બાલ-ગોપાલો પણ એમનાથી આકર્ષિત હતા. એમણે પોતાના દેહનો ત્યાગ કર્યો, તે એમની આત્મહત્યા નહોતી. એમનો આત્મા અમર હતો, એનું જ્ઞાન એમને હતું. સમાજની વેદના એમનાથી જોવાતી નહોતી તેથી તેમણે પોતાના દેહનો ત્યાગ કરેલો.
ગાંધીજીના નિર્વાણ પછી મહારાષ્ટ્રમાં કેટલીક દુ:ખભરી ઘટનાઓ થઈ. એનાથી વિચલિત થઈ સાને ગુરુજીએ મને એક પત્ર લખ્યો હતો. એમાં એક પ્રવચનમાં સાર્વજનિક રીતે માંગણી કરેલી કે, “મહારાષ્ટ્રમાં તમારી જરૂર છે. તમે તમારા આશ્રમને છોડો. પચ્ચીસ-ત્રીસ વર્ષથી તમે પોતાને બંધ કરી દીધા છે. હું (સાને ગુરુજી) જાણું છું કે તમે બહુ મોટી સેવા કરી રહ્યા છો. તમે ધ્યાન-ધારણા કરી રહ્યા છો. એ પણ મને મંજૂર છે. પરંતુ હવે તો આવો.” આવું લખીને તેમણે મને બોલાવ્યો.
પણ એક મિત્રે એમ કહ્યું તેમ આ પથ્થર (વિનોબા) પીગળ્યો નહીં. તેને કોઈ પ્રેરણા થઈ નહીં. એમના જેવા સન્મિત્રોએ વિશેષ વ્યાકુળતાપૂર્વક લખ્યું હતું કે, “ઓછામાં ઓછા સમય માટે પણ હવે તમે આવો.” એમના ઉત્તરમાં મેં લખ્યું, “મારા પગમાં ચક્ર છે. ક્યારેક ચાલવા-ફરવાનો યોગ છે તે હમણાં મને મળ્યો નથી. તે સમય આવતાં ભગવાન મને સૂચિત કરશે. જ્યારે મારું ફરવાનું શરૂ થશે ત્યારે મને રોકવાની શક્તિ સંસારમાં કોઈની નહીં હોય. હા, ભગવાન મારા પગ તોડી નાંખીને મને રોકી દે તો વાત જુદી છે. એ જ રીતે આજે જે બેઠો છું તો મને ઉઠાડવાની શક્તિ પણ કોઈનામાં નથી.” આટલો કઠોર, નિર્લિપ્ત બનીને હું તન્મયતાપૂર્વક રચનાત્મક કાર્યોમાં લાગેલો રહ્યો.
ધુલિયા જેલમાં અમે બંને છ મહિના એકસાથે હતા. ત્યાં મને સંત સમાગમ જ મળ્યો. સાને ગુરુજી, જમનાલાલ બજાજ, આપ્ટે ગુરુજી જેવા લોકો ત્યાં હતા. આ બધાએ વિચાર્યું કે હું રોજ ગીતા પર કંઈક બોલું. હું દર રવિવારે ગીતા પર પ્રવચન કરવા લાગ્યો. અને સાને ગુરુજીએ એ બધાં જ પ્રવચનો શબ્દશ: લખી લીધાં. એ ભગવાનની કૃપા જ હતી કે એમના જેવી સહૃદય અને સિદ્ધહસ્ત વ્યક્તિ પ્રવચન લખવા માટે મળી. એમના અને મારા હૃદયમાં થોડું પણ અંતર હતું નહીં. એટલા તેઓ ભાવનાથી એકરૂપ હતા. આજે ગીતા-પ્રવચનો બધા જ પ્રાંતોમાં પહોંચી ગયાં છે. એનું શ્રેય મારા કરતાં વિશેષ સાને ગુરુજીને છે, જો તેઓ ન હોત તો ગીતાપ્રવચન હવામાં જ લટકતાં રહેતાં.
એક વાર ગીતાપ્રવચનોની બાબતમાં યોજના બની હતી. લોકોએ કહ્યું કે અમે બધા સાથે મળીને ચર્ચા કરીશું. સારી યોજના હતી. મેં એમને કહ્યું કે મને અત્યારે સાને ગુરુજીનું એક સૂત્ર યાદ આવે છે. “તમે કરશો ચર્ચા, અમે કરીશું અર્ચા.”
સાને ગુરુજીનું વર્ણન કરવું હોય તો ઉત્તમ વર્ણન એ જ થઈ શકે કે તેઓ ઉત્તમ મા હતા. એમનું હૃદય માતૃહૃદય હતું. કેટલાંક બાળકો એમની પાસે રહેતાં હતાં. ગુરુજી એમને માટે રસોઈ બનાવતા. મેં પૂછ્યું, “આ તમે શું કરી રહ્યા છો ?” તેઓ બોલ્યા, “બાળકોને વાંચવાનો સમય મળે એટલે હું રસોઈ બનાવું છું.” તો મેં કહ્યું કે “આનાથી તો બાળકો આળસુ બનશે. બાળકોને પણ સારી રસોઈ બનાવતાં આવડવું જોઈએ.” વિનોબાએ એમની પાસેથી તે છોડાવ્યું. આમ તેઓ ઉત્તમ માતા પણ હતા.
રામકૃષ્ણ પરમહંસ, રવીન્દ્રનાથ અને ગાંધીજી – આ ત્રિમૂર્તિ, ગુરુજીના આરાધ્ય દેવતા હતા. આ ત્રણેના ગુણો એમનામાં ઊતર્યા હતા. ઊઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, આપતાં-લેતાં, બોલતાં-સાંભળતાં કામ કરતાં ચોવીસે કલાક પરાર્થે જીવતા, જેમનું આ સિવાય બીજું ચિંતન નહોતું એવી તે વ્યક્તિ હતા. એમના સ્વભાવમાં રાજકારણ નહોતું. પણ ગરીબો માટેના વ્યાકુળ પ્રેમને કારણે રાજકારણમાં ધકેલાયા અને લખવા-બોલવા માટે લાચાર કર્યા. એણે જ એમને ‘સમાજવાદી’ બનાવ્યા. એમને ‘સમાજવાદી’ કેવી રીતે કહીએ ? ‘સમાજસેવી’ કહેવા જોઈએ. એમનો વિશાળ આત્મા, બધાના ગુણ ગ્રહણ કરવાવાળો હતો. જ્યાં પણ કંઈક ભલાઈ દેખાઈ એને તરત જ લઈ લેતા.
સાહિત્ય તો એમણે અપાર લખી રાખ્યું છે, છતાં પણ તેઓ પોતાને સાહિત્યકાર માનતા નહોતા. લખ્યા-બોલ્યા વગર એમનાથી રહેવાતું નહોતું તેથી તેઓ લખતા હતા, બોલતા હતા, ગરીબો માટેની એમની વ્યાકુળતા જ એમને સાહિત્ય-સર્જન કરાવતી હતી. મેં એક વાર એમને લખ્યું હતું, “તમારા લખાણમાં કરુણા હોય છે, જેવી જોઈએ તેવી સરળતા હોય છે. બધું મળીને આમ જોઈએ તો ઉન્નત કરનારું હોય છે. તેમાં મારે કંઈક વિશેષ વાતો જોઈએ. સમત્વ, ઊંડાણ અને વ્યાપકતા, આ ત્રણ વાતો તરફ તમે ધ્યાન આપો…”
હું સાને ગુરુજીની તુલના તુકારામ સાથે કરું છું. તુકારામ વગેરેની માળામાં હું એમની ગણતરી નિ:સંકોચ કરું છું. જેને આપણે ચિત્તની સમતા કહીએ છીએ, તે એટલી એમને મળી નહોતી પણ ઉત્કટ ભક્તિ એમને મળી હતી. અને એટલી ભક્તિ જેને મળી છે, એને હું પરમ ભગવાન સમજું છું. 1942ની સાલમાં-આંદોલનને કારણે 35 મહિના હું જેલમાં હતો. ત્યાર પછી બહાર આવીને એક વ્યાખ્યાનમાં મેં કહ્યું કે, “પંઢરપુર મંદિર જેવું મંદિર પણ જો આપણે અસ્પૃશ્યોને માટે ખોલી શકીએ નહીં, તો સ્વરાજ-પ્રાપ્તિનો આપણને કયો અધિકાર છે ?” સાને ગુરુજીએ તે વાક્ય પકડી લીધું અને ઘોષણા કરી કે, “જ્યાં સુધી આ મંદિર હરિજનોને માટે ખૂલી ન જાય ત્યાં સુધી હું ઉપવાસ કરીશ.”
લોકોએ એમને કહ્યું કે, “જો તમે આટલો ઉગ્ર ઉપાય કરવાના હો તો ઓછામાં ઓછા 6 મહિના લોકોમાં આનો પ્રચાર કરો.” ત્યારે તેમણે તે ઉપવાસ બંધ રાખ્યા. 6 મહિના સુધી ફક્ત આ જ વાત લઈને આખા મહારાષ્ટ્રમાં ઘેર-ઘેર ફર્યા. એમણે એટલો બધો પરિશ્રમ કર્યો કે જાણે એમનું શરીર ફક્ત હાડપિંજર રહી ગયું ! પછી તેમણે પંઢરપુરમાં ભગવાનના દ્વાર પાસે જ ધરણાં કર્યાં હતાં. એક વાર નામદેવે પણ આવાં જ ધરણાં કર્યાં હતાં. એમને મંદિરના દરવાજાથી પાછા જવું પડ્યું ત્યારે (નામદેવે) તેમણે કહ્યું,
पतित-पावन नाम एकोनि आलो भी दारा
पतित-पावन न होसि म्हणोनी जातो माधारा
(તારું પતિત-પાવન નામ સાંભળી હું તારે આંગણે આવ્યો પણ તું પતિત-પાવન નથી એટલે પાછો જાઉં છું.)
તે વખતે નામદેવ જતા રહ્યા. પછી એમની ભક્તિને કારણે ભગવાનને આંગણે જગ્યા મળી. સાને ગુરુજી ધરણાં ધરીને બેસી ગયા અને છેવટે મંદિર હરિજનોને માટે ખૂલી ગયું. સાને ગુરુજીનો અને મારો પ્રેમસંબંધ એવો હતો કે એનાથી વધારે પ્રેમસંબંધ કેવો હોય તે હું જાણતો નથી. અમારા બંનેની વચ્ચે એટલી બધી હાર્દિકતા હતી કે તેમનું સ્મરણ કરતાં જ મારી આંખોમાં આંસુ આવે છે.
એક વાર મેં એક પત્રમાં ગુરુજીને લખ્યું હતું, ‘તમારું-મારું હૃદય એકરૂપ છે. અનેક જન્મોના આપણે સાથી છીએ. કોઈ પણ પ્રકારનો ભેદ – કલ્પનાનો, સમયનો, સ્થળનો આપણને અલગ કરી શકશે નહીં. તો પછી મળવાની છટપટાહટ શા માટે ? પણ ક્યારેક એની જરૂર હોય છે. અને એ જ મારી માનવતા છે. નબળી પણ સરળ, પ્રેમલ અને પ્રાંજલ. પણ એ દુર્બળતા હું છોડવા ઇચ્છું છું. પોષવા માંગતો નથી. એટલે જ્યારે જરૂરિયાત હોય, ત્યારે અંતરવૃત્તિથી તમારી પાસે આવી જાઉં છું અને બાહ્ય રીતે મળવાની આકાંક્ષાને સમેટી લઉં છું.
હું આશા રાખીને બેઠો છું કે એક દિવસ આવશે, જ્યારે તમારી અને મારી બાહ્ય પ્રવૃત્તિઓ પણ એકરૂપ થશે.’ મારો અને એમનો સંબંધ એટલો બધો આત્મીયતાનો હતો. આજે પણ જ્યારે હું ફરી રહ્યો છું, ત્યારે જેનું સમર્થનનું બળ મને મળ્યું છે – અને હું નથી માનતો કે મારાથી વધારે સમર્થનનું બળ લઈને ભારતવર્ષમાં કોઈ ફરતું હશે – એ સમર્થનના બળમાં એક બળ સાને ગુરુજીના સમર્થનનું છે.
કેટલીક વાર દર્શનમાત્રથી જ એવું અનુભવાય છે કે આપણે લોકો પૂર્વજન્મના સાથી છીએ. ધુલિયા જેલમાં આવો અનુભવ થયો. ત્યાં ગુરુજી મને પહેલી વાર મળ્યા. એ પહેલાં અમે ક્યારેય મળ્યા નહોતા, કોઈ પરિચય પણ નહોતો. અને પહેલી વાતચીતમાં જ બંને જાણી ગયા કે પૂર્વજન્મના સાથી છીએ. પહેલી વાર મળ્યા તેમાં જ પ્રગાઢ મિત્રતાનો અનુભવ થયો. એનું કોઈ ખાસ કારણ પણ નહોતું. સત્પુરુષોનું દર્શન પુણ્યપ્રદ હોય છે. એ વાત ખોટી નથી. હું માનું છું.
આવા અનુભવોના આધારે જ પૂર્વજન્મનો વિચાર સિદ્ધ થાય છે. એમનો આ સ્નેહભાવ ઉત્તરોત્તર દૃઢ જ થતો ગયો. એમનો મારા પર બહુ મોટો ઉપકાર હતો. એમના મૃત્યુ પર મને વિશ્ર્વાસ થતો નથી. આ એમણે એક નાટક કર્યુર્ં, એવું મને લાગે છે. તે સાચેસાચ અમૃતસ્ય: પુત્રના બિરુદ માટે યોગ્ય છે.
અનુવાદ – ભદ્રા સવાઈ ગુણ-નિવેદન – વિનોબા