ચીનમાં તાનાશાહી સામે લોકો પોતાના અધિકાર માટે કેવી રીતે અવાજ ઉઠાવે છે?

હમણાં ચીન, સમાચારો-ચર્ચામાં છે. આ ચર્ચા માત્ર ભારત સાથેના આર્થિક વ્યવહારોને લઈને જ નહીં પરંતુ યુ.એસ. સાથેના આર્થિક વિવાદોને કારણે પણ છે. ઘણા આને નવા ‘શીતયુદ્ધ’ની શરૂઆત માને છે. વિશ્વના ઘણા દેશો હજી સુધી કોરોનાની અસરમાંથી બહાર આવ્યા નથી. આને પરિણામે ઊભી થયેલી ભયંકર આર્થિક મંદી નવી સમસ્યાઓને જન્મ આપશે, જેની અસર વિશ્વના દરેક દેશ પર થશે. આ બધાની વચ્ચે કોરોના કાળમાં સરમુખત્યારશાહી શક્તિઓએ ઘણા લોકશાહી દેશો પર પણ પોતાની પકડ મજબૂત બનાવી છે.

સ્વતંત્ર અને વિવિધ વિચારધારાઓ, માનવમૂલ્યો, અધિકારો તથા જુલમ અને શોષણ સામેના પ્રતિકારની રાજનીતિ માટેનો અવકાશ જાણે વિશ્વભરમાં દિવસે દિવસે ઘટી રહ્યો છે. ચીનની વાત કરીએ તો ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીનું એકપક્ષી શાસન છે. પક્ષ, રાજ્ય, સમાજ, અર્થતંત્ર, મીડિયા, શિક્ષણ વગેરે બધાં પર તેનું સંપૂર્ણ નિયંત્રણ છે. આ બધાં વચ્ચે  લોકશાહી, મહિલાઅધિકાર, માનવાધિકાર, પર્યાવરણ, મીડિયાની સ્વતંત્રતા વિશે વાત કરવી, એ જોખમી કાર્ય છે. તેમ છતાં ત્યાંના લોકોનો પ્રતિકાર અને તેની સામે સરકારી દમનનો એક ઇતિહાસ રહ્યો છે.

1989માં એક શરૂઆત

જો આપણે ચીન સાથેના સરહદ વિવાદને હાલ પૂરતો બાજુ પર રાખીએ તોય ભારતીય માનસમાં ચીન વિશે અનેક ગેરસમજો છે. તેમાંથી એક આર્થિક પરિવર્તન વિશેની મૂંઝવણ છે, જે છેલ્લા ત્રણ દાયકામાં સામે આવતી હતી. ચીન વિશ્વને માલ-સામાન પૂરું પાડનારી ફેક્ટરી છે, એક સુપર પાવર છે અને તેની પાછળ રાજ્યની કોઈપણ કિંમતે કોઈપણ નિર્ણય લેવાની અને કોઈપણ ભોગે તેનો અમલ કરવાની નિર્ણાયક ક્ષમતા છે. કેટલાક લોકો એવી દલીલ પણ કરી શકે કે ભારત ચીનથી પાછળ હોવા માટેનું કારણ આપણે લોકશાહી પદ્ધતિને અનુસરીએ છીએ તે છે.

ભાષણ, લેખન અને રાજકારણ આપણને આગળ વધવા દેતું નથી/ વિકાસ કરવામાં અવરોધરૂપ છે. ચીન સાથેના આપણા સરહદી સંબંધો, વેપાર, તિબેટ, ચીન-યુએસ વિવાદ વગેરે વિશેની ચર્ચાઓ આપણે ત્યાં મીડિયામાં સતત થતી રહે છે. પરંતુ નાગરિકસમાજ વિશેની ચર્ચાના પ્રસંગો ઓછા જ હોય છે.

1989ના વિદ્યાર્થીવિદ્રોહ અને તેના પછીના દમનનું સંપૂર્ણ ચિત્ર ઘણી રીતે જાણીતું છે, તે તથ્ય અને જૂઠાણા વચ્ચે ઝૂલતું હોય છે. 4 જૂન-1989 એ ચીનમાં એક ઐતિહાસિક ઘટના છે અને તેના વિશે વાત કરવી અથવા લખવું એ જોખમને આમંત્રણ આપવા બરાબર છે. તેથી ચીની કાર્યકર્તાઓ તેને કોડવર્ડમાં 35, VIIV અથવા 8 X 8 = 64 પણ કહે છે. 1989માં ભારે દમન છતાં, તે સમયના સક્રિય લોકોએ, તેઓ જેલમાં હતા ત્યારે અથવા છૂટ્યા પછી, હોંગકોંગ અથવા વિશ્વના અન્ય દેશોમાં દેશવટો ભોગવતા હોવા છતાં હાલના ‘નાગરિક સમાજ’(સિવિલ સોસાયટી)ની રચનામાં મહત્ત્વની ભૂમિકા બજાવી છે.

ભારતમાં જે પ્રકારનો લોક-આંદોલનનો ઇતિહાસ છે તે ચીનમાં નથી, અને તે શક્ય પણ નથી. આપણે ત્યાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રના સ્વતંત્ર અસ્તિત્વ સિવાય સ્વતંત્ર મીડિયા અને નાગરિક-સમાજનું અસ્તિત્વ બંધારણીય રીતે સ્વીકાર્યું છે. ચીનમાં આવી કોઈ પ્રણાલીઓ નથી. જો વીસમી સદીનો સમય માઓનો હતો, તો એકવીસમી સદીનો સમય હાલના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો સમયગાળો કહી શકાય.

વર્ષ 2012-13થી સત્તામાં આવ્યા પછી, આજે તેમની પકડ પાર્ટી, રાજ્ય, સૈન્ય, મીડિયા વગેરે પર છે. આ પહેલાં ફક્ત માઓનું પદ આ પ્રકારનું હતું. તેનો ખરેખર અર્થ એ છે કે તેમનું કહ્યું, લખેલું, વિચારેલું તે જ સાચું, એ જ ફિલસૂફી, એ જ નીતિ છે અને એ જ વિચાર છે. 2018માં બંધારણીય ફેરફારો પછી (જેણે રાષ્ટ્રપતિ પરની બે અવધિની મર્યાદા નાબૂદ કરી) જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિ, કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી અને સૈન્યના પ્રમુખ રહેશે, જ્યાં સુધી તે પોતાની ઇચ્છા પ્રમાણે કોઈ ફેરફાર ન કરે.

1995 : બેઇજિંગમાં મળેલું સંયુક્ત રાષ્ટ્ર મહિલા સંમેલન

માઓ જેડોંગની સાંસ્કૃતિક ચળવળ વિશે આપણે બધા જાણીએ છીએ અને વિશ્વના ઘણા દેશોમાં પ્રગતિશીલ માર્ક્સવાદી સમૂહ આ માઓવાદી ચળવળ તરફ આકર્ષાયો. પરંતુ ચીની લોકોએ તેની ભારે કિંમત ચૂકવી હતી. માઓના મૃત્યુ પછી, ડેંગ ઝિયાઓપિંગે 1980ના દાયકામાં આર્થિક સુધારાઓ રજૂ કર્યા, અને લગભગ તે જ સમયે પક્ષના કેટલાક સભ્યોએ રાજકીય સુધારાની પણ ચર્ચા શરૂ કરી હતી જે આગળ જતાં 1989ની વિદ્યાર્થી ચળવળમાં પરિણમી. 1989ની વિદ્યાર્થી ચળવળને કચડી નાખવામાં આવી, પરંતુ આર્થિક સુધારાઓનો તબક્કો તે પછી પણ સતત ચાલુ રખાયો.

ચીનમાં સ્વતંત્ર અથવા બિન-પક્ષીય(રાજકીય) નાગરિક સમાજનો ઉદ્ભવ, રાજ્યનું આટલું બધું દમન હોવા છતાં 90ના દાયકામાં આર્થિક સુધારા અને રાજકીય ઊથલપાથલ વચ્ચે થયો. 1995માં બેઇજિંગમાં સંયુક્ત રાષ્ટ્રનું મહિલા સંમેલન મળ્યું, જેની ભૂમિકા મહત્ત્વની છે. 1989 પછી, ચીન આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય રીતે અલગ થઈ ગયું હતું.

તેથી 1995ની વર્લ્ડ કોન્ફરન્સ ચીન માટે અવસર લઈને આવી કે તે વિશ્વને બતાવી શકે કે ચીનમાં પરિસ્થિતિ સુધરી છે અને વિચારની સ્વતંત્રતા (માત્ર દેખાડા માટે પણ) છે. આ કારણોસર રાજ્ય અંગેની કેટલીક ટીકાના કેટલાક મુદ્દાઓ (પોતાની શરતો મુજબના) ઊભા થવા દેવાયા. એક તરફ આ તક હતી, પરંતુ બીજી બાજુ એવો ડર હતો કે પરિષદમાં લોકશાહી અને મહિલાઓના અધિકારને મુદ્દે ઊહાપોહ ઊભો ન થાય કે જેનું નિયંત્રણ કરવું મુશ્કેલ બને.

આ જ કારણે તેમણે લોકો અને મીડિયાની નજરથી દૂર રાખવા માટે બીજિંગથી લગભગ 60 કિ.મી. દૂર એનજીઓ ફોરમનું આયોજન કર્યું હતું. તેમ છતાં સક્રિય ચાઇનીઝ પત્રકારો, પ્રબુદ્ધ વર્ગો, પ્રોફેસરો અને સક્રિય મહિલાઓ માટે વિશ્વભરના મહિલા કાર્યકરો અને આંદોલનના કાર્યકર્તાને મળવા, કંઈક શીખવા, તેમના સંઘર્ષની વાતો વહેંચવાની આ એક તક હતી.

2015થી યુ.એસ.માં નિર્વાસિત મહિલાઓના અધિકાર માટે લડતા નેતા અને પત્રકાર જિન લુ કહે છે કે – “આ પ્રથમ અવસર હતો જ્યારે મહિલાઓના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ચીનમાં અવકાશ ઊભો થયો. તેની સાથે બિન-સરકારી સંગઠનો (એનજીઓ)ની કલ્પના પણ ચીનમાં પહોંચી.” આ રીતે, મહિલા સંગઠનોએ ચીનમાં સંગઠિત નાગરિક સમાજનો પાયો નાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તે જ ક્રમમાં  આગળ જતાં પર્યાવરણીય, મજૂર, ભેદભાવ વિરોધી અને માનવાધિકાર અંગે કામ કરતી સંસ્થાઓ ઉદ્ભવી.

ચીનમાં સામ્યવાદી પાર્ટીમાં  મહિલાઓ, વિદ્યાર્થીઓ, મજૂરો, સાંસ્કૃતિક વગેરે સંબંધિત ઘણી સંસ્થાઓ છે જ. પાર્ટીનાં અખબારો, યુનિવર્સિટીઓ, તાલીમ કેન્દ્રો, સાંસ્કૃતિક કેન્દ્રો અને સમૂહો પણ દેશભરમાં ફેલાયેલાં છે. લોકોના જીવનમાં કમ્યુનિસ્ટ પાર્ટીનું મહત્ત્વનું સ્થાન છે. લોકોની સમસ્યાઓ, મુશ્કેલીઓ સહિતના કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે, પાર્ટીમાં જ આ સંગઠનો દ્વારા મુદ્દાઓ ઉઠાવવા પડે. ત્યાં સ્વતંત્ર માળખું નથી અને ચીની રાજ્ય આવું કોઈપણ માળખું બને તો તેને સખત નિયંત્રિત કરે છે અને તેનું નિરીક્ષણ કરે છે. તેથી, સ્વતંત્ર સંસ્થા અથવા સમૂહો બનવાં-ટકવાં ત્યાં શક્ય નથી.

1995થી, જ્યારે કેટલીક મહિલા સંસ્થાઓએ મહિલાઓ પર થતી હિંસા અને એક બાળકની નીતિ અને તેને સંબંધિત ગર્ભપાતના મુદ્દા અંગે પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું, ત્યારે તેઓએ સરકારી સંસ્થા સાથે મળીને કામ શરૂ કર્યું. આ કામમાં સરકારી નોકરીઓમાંથી નિવૃત્ત થયેલા, પક્ષ સાથે જોડાયેલા લોકો અને પ્રોફેસરો, પત્રકારો, વગેરે જેવા મહિલાઓના મુદ્દા પર કામ કરતા નાના લોકો સાથે મળીને એન્ટિડોમેસ્ટિક વાયોલન્સ નેટવર્ક (એડીવીએન)ની રચના કરી. આમાં પ્રબુદ્ધ વર્ગની ભૂમિકા હતી, જે મીડિયા દ્વારા આ મુદ્દો ઉઠાવશે અને પછી પક્ષના નેતાઓને વિનંતી કરશે કે જેથી આ મુદ્દાને કોઈક રીતે તેમના એજન્ડામાં સામેલ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી થઈ શકે, એવું આયોજન હતું.

2014માં, જ્યારે એડીવીએનને અચાનક કામ બંધ કરવાની ઘોષણા કરી, ત્યારે તેમના લગભગ 71 સભ્યો દેશનાં 28 રાજ્યો અને સ્વાયત્ત પ્રદેશોમાં મહિલાઓના મુદ્દાઓ પર હેલ્પલાઈન, પરામર્શ કેન્દ્રો(કાઉન્સિલીન્ગ સેન્ટર), કાનૂની સહાય કેન્દ્રો વગેરે ચલાવી રહ્યા હતા. તેમના પ્રયત્નોને કારણે જ 2014ની કાર્યકારી યોજનામાં ઘરેલુ હિંસા સામેના કાયદાને માન્યતા આપવામાં આવી હતી. તેમ છતાં, તેઓએ તેને બંધ કરી દીધું. આ રીતે, એડીવીએને નારીવાદી ચળવળનો પાયો નાખ્યો હતો પરંતુ તેની પહોંચ સમાજના ઉચ્ચ વર્ગ સુધી સીમિત હતી.

‘હુકો પ્રથા’ : કામદારોનું શોષણ અને પરિવર્તનનો પ્રયાસ

આ જ સમયમાં પર્યાવરણ અને મજૂર સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવવાના શરૂ થઈ ગયા. 1980ના દાયકામાં શરૂ થયેલા આર્થિક સુધારાને 90ના દાયકામાં વેગ મળ્યો અને તેની અસર દેખાવાની શરૂ થઈ. એક તરફ, આર્થિક વિકાસદરને વેગ મળ્યો, પરંતુ બીજી તરફ નદી, પાણી, જંગલ અને જમીન દૂષિત થતાં ગયાં. બળજબરીથી જમીનસંપાદન પ્રક્રિયાએ લાખો લોકોને બેઘર કરી તેઓને સ્થળાંતર કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં રહેવા મજબૂર કર્યા. જ્યાં તેઓ બંધુઆ મજૂર રહ્યા કારણ કે તેમના તમામ સામાજિક અને આર્થિક અધિકારો ચીની હુકો પ્રથા હેઠળ તેમના મૂળ સ્થાન સાથે જોડાયેલા છે. તેથી, ક્યાંક સ્થળાંતર કરવા છતાં, તેમના માટેની શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ તેમના વતનના વિસ્તારમાં જ ઉપલબ્ધ હોય, નહીં કે કામના સ્થળની નજીક.

આ કારણોસર, નવાં ઔદ્યોગિક ક્ષેત્રોમાં મજૂરો ઘર, શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતો માટે સંપૂર્ણપણે ઉદ્યોગો પર આધારિત રહ્યા. દેખીતી રીતે જ તેમનું શોષણ થઈ રહ્યું હતું. એક તરફ અસંગઠિત મજૂરોનો મોટો કાફલો અને બીજી બાજુ પર્યાવરણને થઈ રહેલું નુકસાન અને વાતાવરણમાં ફેલાતું પ્રદૂષણ. આ બધાની વચ્ચે, હોંગકોંગની બાજુમાં આવેલા દક્ષિણ રાજ્યના ગુઆંગઝૌઉમાં,  કેટલાક વકીલો અને અધિકાર માટે લડત આપતી સંસ્થાઓ ઊભરી આવી, જેણે પર્યાવરણ અને મજૂરના પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું.

ચીનમાં, કાર્ય માટે દેશમાં ક્યાંય પણ સ્થળાંતર કરવાની સ્વતંત્રતા છે પરંતુ હુકો સિસ્ટમ / કાયમી આવાસ પ્રમાણપત્ર હેઠળ તેમને સ્થાનિક પાર્ટીના એકમની પરવાનગી લેવી પડે. ત્યાર બાદ જ તેઓને નવી જગ્યાએ રહેઠાણ, શાળા અને હૉસ્પિટલની સુવિધાઓ મળે. તેથી, વધુ ને વધુ લોકોને સરકારી નોકરીમાં તેમજ પાર્ટી અને તેની સાથે સંકળાયેલ સમૂહ સંગઠનોમાં સક્રિયતા રાખવી પડતી. ત્યાંનાં કારખાનાઓમાં આશરે 30 કરોડથી વધુ ગ્રામીણ મજૂરોનું મોટા પ્રમાણમાં શોષણ થાય છે.

નવા આર્થિક સુધારાની સાથે, ચીનની સામાજિક સુરક્ષા અંગેની નીતિઓ પણ બદલાઈ. આને કારણે પેન્શન, મજૂર કલ્યાણ વગેરે સંબંધિત કાયદાઓનું પાલન ન કરવું અથવા અવગણવું એ સામાન્ય બાબત બની ગઈ. આ બધાની વચ્ચે, કાગળની કાર્યવાહીનો સિલસિલો ચાલુ રહ્યો અને 1994માં પ્રથમ વખત મજૂર કાયદા આવ્યા. કોન્ટ્રાક્ટ મજૂર અંગેના કાયદા 2008માં આવ્યા અને છેવટે 2011માં સામાજિક વીમા અંગેનો કાયદો ઘડવામાં આવ્યો. પરંતુ આજે પણ તેનું પાલન કરવામાં આવતું નથી કારણ કે કોઈ સ્વતંત્ર ટ્રેડ યુનિયન રજિસ્ટર થઈ શકતું નથી. આ કારણોસર લોકોએ સ્વતંત્ર કામદાર કેન્દ્રો / મજૂર કેન્દ્રો બનાવ્યાં અને કામદારોના પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું.

2003માં સન જેગાંગ નામના મજૂરનું પોલીસ કસ્ટડીમાં યાતનાઓને કારણે મૃત્યુ થયું, જેનો મજૂર, વકીલો અને અધિકારો માટે લડત આપતાં જૂથોના પ્રયત્નોના પરિણામે દેશભરમાં વિરોધ થયો. તે પછી હુકો સિસ્ટમમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. આ સુધારા છતાં, હુકો સિસ્ટમ હજી પણ હાજર છે અને શહેરોમાં કદાચ પરિસ્થિતિ થોડી સુધરી છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં કામદારોની હાલત આજે પણ નાજુક છે.

બદલાતા સમયમાં બદલાતી વ્યૂહરચના

કામદારો અને મહિલાઓના મુદ્દાઓ ઉપરાંત, 2000ના દાયકાની શરૂઆતમાં, ઝડપથી ફેલાઈ રહેલા એઈડ્સ અને હેપેટાઇટિસ-બીથી સંક્રમિત લોકો સાથેના ભેદભાવને લીધે ભેદભાવવિરોધી એનજીઓ પણ મોટી સંખ્યામાં ઊભરી આવી. ખરેખર સ્વાસ્થ્ય પરીક્ષણ ફક્ત સરકારી નોકરી માટે જ નહીં પરંતુ યુનિવર્સિટીઓમાં ભણવા માટે પણ ફરજિયાત છે. અહીં  હુકો સિસ્ટમ હેઠળ, ચેપગ્રસ્ત લોકોને તેમના મૂળ નિવાસસ્થાનમાં(પ્રદેશમાં) રહેવાની ફરજ પાડવામાં આવે છે કારણ કે બીજે ક્યાંય સારવાર શક્ય નથી. આથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો સૌથી વધુ અસરગ્રસ્ત બને છે અને તેથી કેટલાંક ગામો તો ‘એઈડ્સ ગામ’ તરીકે ઓળખાય છે.

કેટલીક અન્ય સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓ પણ શરૂ થઈ છે, જેણે સરકારની નીતિઓમાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કર્યું. તેઓ મોટે ભાગે સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ દ્વારા તેમને સમર્થન હતું, માટે ચીની સરકારે તેમને મંજૂરી આપી. સરકારી મીડિયામાં જેઓ સરકારની નીતિઓથી નારાજ હતા અને મુક્ત રીતે બોલી શકતા ન હતા, તેમણે પણ અહીં જોડાઈને જરૂરી મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં લાવી, તે તરફ લોકોનું ધ્યાન દોરવાની પોતાની ભૂમિકા અદા કરવાનું શરૂ કર્યું – ઉદાહરણ તરીકે, ચાઇનીઝ શહેરોમાં ભયંકર પ્રદૂષણ સામે લોકોને જાગૃત કરીને વિરોધનો માહોલ ઊભો કરવો, જેના પરિણામે સરકારે ઘણાં મહત્ત્વનાં પગલાં લીધાં અને પરિસ્થિતિમાં સુધારો થયો.

ચાઇનામાં ‘સંવેદનશીલ’ મુદ્દાઓ સાથે કામ કરતી કોઈપણ સંસ્થા અથવા સંગઠનની સ્વતંત્ર રીતે નોંધણી કરાવવી શક્ય નથી. તેથી શરૂઆતમાં તમામ સંસ્થાઓ સરકારી માળખાઓ સાથે વિવિધ રીતે જોડાયેલી હોય તેવું હતું. સમય જતાં તેઓએ પોતાને સરકારી નિયંત્રણથી મુક્ત કરીને પોતાને એક વ્યવસાયી એકમ (નફો બનાવતી કંપની) તરીકે નોંધણી કરાવી. પરંતુ તે જ કારણસર તેઓ હંમેશાં સરકારના લક્ષ્ય પર રહ્યા અને તેમને હંમેશાં સંભાળીને કામ કરવું પડે છે. શું લખવું, શું બોલવું, શું છાપવું, દરેક ડગલું ફૂંકી ફૂંકીને ભરવાનું કારણ કે, નહીંતર ટેક્સની નોટિસો મળવી, રજિસ્ટ્રેશન રદ થવાનો ભય વગેરે સામાન્ય છે.

આ બધું હોવા છતાં, 2000ના દાયકાની શરૂઆતમાં દરેક ક્ષેત્રમાં ઘણી મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની સ્થાપના થઈ. તેમની પાછળ મોટાભાગે વિદેશી સંસ્થાઓનો મોટો ફાળો રહ્યો છે કારણ કે ચીની રાજ્ય તરફથી કોઈ ટેકો અને પ્રોત્સાહન નથી. આ માત્ર ત્યાંની સ્થાનિક એનજીઓ માટે જ લાગુ ન હતું, પરંતુ ઘણાં આંતરરાષ્ટ્રીય સંગઠનો જેમ કે ગ્રીનપીસ વગેરે પણ શરૂઆતના દિવસોમાં વ્યવસાય તરીકે નોંધાયેલાં રહ્યાં અને તેથી તેઓ ત્યાં કામ કરી શક્યાં.

સમય જતાં સંસ્થાઓની કામગીરીની રીતમાં પણ પરિવર્તન આવ્યું. ઉદાહરણ તરીકે, પર્યાવરણીય મુદ્દાઓ પર કામ કરતી એનજીઓએ આબોહવા પરિવર્તન અંગે ’ઈઘઙ’ જેવા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં ચીની રાજ્ય દ્વારા થયેલ કરારના અમલીકરણ માટે પ્રયત્નો શરૂ કર્યા.  ત્યારબાદ મજૂર અને મહિલાઓના મુદ્દાઓ પર કામ કરનારાઓએ સરકારના નિયમો અને બંધારણીય વિચારો માટે પણ કામ શરૂ કર્યું. આ જ સમયે, યુવાનોએ પ્રશ્ર્નો ઊભા કરવા અને પોતાની વાત મૂકવા માટે સોશિયલ મીડિયાની મદદ લેવાની શરૂ કરી.

અગાઉ મહિલા સંગઠનો પક્ષોના મંચ, મીડિયા અને નેતાઓ સામે લોબિંગ કરતાં હતાં. જ્યારે  1989 પછી જન્મેલા યુવાનોએ નવી પદ્ધતિઓ અપનાવી – જેમ કે શહેરોમાં મહિલાઓ માટે શૌચાલયોની સંખ્યા ઉપર અવાજ ઉઠાવવો, વેલેન્ટાઇન ડે પર ઘરેલુ હિંસાના વિરોધમાં પ્રદર્શન-દેખાવો, હિંસા દર્શાવવા માટે લોહીથી રંજિત દુલ્હનનો ડ્રેસ પહેરીને ફ્લેશ મોબ રસ્તા પર આવ્યા. નારીવાદી વિદ્યાર્થીઓની નવી પેઢી આગળ આવીને સરકાર વિરુદ્ધ ઘણા હિંમતભર્યા ડગ માંડવા લાગી. તેમાં મોબાઇલ અને ઇન્ટરનેટની મહત્ત્વની ભૂમિકા હતી. પરંતુ નવું મૂડીવાદી ચીની રાજ્ય તેમના માટે કેટલા મોટા પડકારો અને જોખમો સર્જી શકે છે તેની ગંભીરતા તેમને હજી ન હતી.

2008 ઓલિમ્પિક અને દમનનું નવું ચક્ર

આ બધું 2005થી બદલાવા લાગ્યું. 2008ની ઓલિમ્પિક્સ રમતો નજીક આવતાંની સાથે, સંસ્થાઓને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ઓલિમ્પિક્સને કારણે ચાઇના વિશ્વના આર્થિક અને રાજકીય બંને ક્ષેત્રમાં સુપર પાવર તરીકે પ્રસ્થાપિત થયું. આંતરરાષ્ટ્રીય સમુદાય વેપાર અને બજારવ્યવસ્થા સાથે માનવાધિકારના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવે નહીં તેની ચિંતા ચીની રાષ્ટ્રને સતાવવા લાગી. તેથી ધીરે ધીરે તેમણે માનવ અધિકારની હિમાયત કરતી સંસ્થાઓ પર પોતાની પકડ વધુ કડક કરવાનું શરૂ કરી દીધું. જેના કારણે ઘણી સંસ્થાઓ થોડાં વર્ષોમાં બંધ થઈ અથવા ચીન છોડીને જતી રહી. 2012-13માં રાષ્ટ્રપતિ શી જીમ્પિંગ આવ્યા બાદ વાતાવરણ વધુ ખરાબ થયું છે. તેના વિશે આવતા અંકમાં જોઈશું.

(જનપથમાંથી સાભાર અનુવાદિત)                – મધુરેશકુમાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s