કશ્મીર : એક વર્ષ પરિવર્તનનું કે દમનનું ?

આ લેખ છપાશે ત્યારે વર્ષ પૂરું થયું હશે…. જમ્મુ-કશ્મીરમાં લોકડાઉનને. કોરોનાને કારણે દેશ બે મહિના બંધ શું રહ્યો….પડ્યાની કળ કયારે વળશે તે ખબર નથી. ત્યારે જમ્મુ-કશ્મીરના લોકોએ આ પરિસ્થિતિમાં લગભગ એક વર્ષ જેટલો સમય પસાર કર્યો, અને હજી કેટલા દિવસ, અને કેવા દિવસો આમ પસાર થશે, તેના અંગે કોઈને કશી ખબર નથી. આટલી અનિશ્ર્ચિતતા વચ્ચે કેમ જિવાતું હશે ? અને એક વર્ષ કેમ નીકળી ગયું?! હવે તો તે પ્રશ્ન પણ કોઈ પૂછતું નથી. માનવ અધિકાર ભંગ, હિંસા, અને લોકોનું શું? આપણે જે પ્રદેશને પોતાનો માનીએ છીએ ત્યાંના લોકોની સ્થિતિ અંગે ભાળ લેવાની સમાજના મોટા વર્ગે અને કેટલાક અપવાદો બાદ કરતાં બાકીના સમૂહ માધ્યમોએ છોડી દીધી છે.

જમ્મુ-કશ્મીરમાં 11 મહિનાના લોકડાઉનના ‘માનવાધિકારના ભંગ’નો પાયાનો મુદ્દો છે. ઉપરાંત આ એક વર્ષમાં અસંખ્ય લોકોના બંધારણીય અધિકારો નકારવામાં આવ્યા છે તેમજ જે પ્રશ્ન ઉઠાવે છે અથવા અસંમતિ વ્યક્ત કરે છે તેમને દબાવવા-પરેશાન કરવા માટે જાહેર સલામતી અધિનિયમ (પીએસએ) અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) જેવા કડક કાયદાઓનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

: એક વર્ષનો અહેવાલ :

આ લોકડાઉન દરમિયાન વારંવાર બંધનું એલાન, બેરિકેડ્સ અને ચેકપોઇન્ટ્સ પર થતી પજવણી-સતામણી અને મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર પ્રતિબંધો જોવા મળ્યા, જેણે જાહેર આરોગ્યને ભારે અસર કરી છે. લોકોમાં ભય અને તણાવ પેદા કર્યો, જેનો અહેવાલ ‘જમ્મુ-કશ્મીરમાં લોકડાઉનની માનવાધિકાર પર અસર’ નામે પ્રકાશિત થયો છે. ઓગસ્ટ 2019થી જુલાઈ 2020ના લગભગ એક વર્ષના સમયગાળાને આવરી લઈને  આ અહેવાલ ફોરમ ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેની રચના મે 2020માં ન્યાયશાસ્ત્રીઓ, ભૂતપૂર્વ અધિકારીઓ, ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓ, શિક્ષણવિદો અને માનવાધિકાર કાર્યકર્તાઓના અનૌપચારિક જૂથ દ્વારા થઈ હતી. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટીસ મદન લોકુરની અને જમ્મુ-કશ્મીર માટે ઇન્ટરલોક્યુટર્સના જૂથના ભૂતપૂર્વ સભ્ય રાધાકુમારની અધ્યક્ષતામાં આ અહેવાલ તૈયાર થયો છે. અહેવાલમાં તાજેતરની કેટલીક ઘટનાઓને પણ સમાવી લેવામાં આવી છે.

આ અહેવાલમાં 4 ઓગસ્ટ, 2019થી, આ પ્રદેશના લોકોને જે આઘાતમાંથી પસાર થવાનું બન્યું તેની વિગતો છે. આપણને યાદ જ હશે કે તે દિવસે પ્રદેશને લોકડાઉન હેઠળ મૂકવામાં આવ્યો, તેના એક દિવસ બાદ રાષ્ટ્રપતિએ ભારતીય બંધારણની કલમ 370ને નાબૂદ થયેલી જાહેર કરી અને જમ્મુ-કશ્મીરના બંધારણને સ્થગિત કરી દીધું.  અહીં આપણે આ અહેવાલના કેટલાક મહત્ત્વના મુદ્દા ધ્યાન પર લઈશું.

: ચીન-પાકિસ્તાનની ભૂમિકા :

ઓગસ્ટના પરિવર્તન સામે યુએન સિક્યુરિટી કાઉન્સિલને એકત્ર કરવા ચીને  પ્રયત્નો કર્યા. પોતાના સૈન્ય વડે મે 2020માં પૂર્વી લદ્દાખમાં ઘૂસણખોરી કરવાના પ્રયત્નો કરી તેણે ભારત સરકાર માટે રાજદ્વારી અને સીમા સુરક્ષાની ચિંતામાં ઉમેરણ કરી આપ્યું છે. ટૂંકમાં, આ પ્રદેશ માટે ત્રણ રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષ છે, તેવું ચીન સાબિત કરવા માંગે છે. જમ્મુ-કશ્મીર મુદ્દે, ભારત સામે ચીન-પાકિસ્તાન જોડાણને નવી દિશા-વ્યૂહરચના મળી તેવું ધ્યાનમાં આવે છે.

પાકિસ્તાનની વાત કરીએ તો અહેવાલમાં જણાવાયું છે કે અશાંત પાણીમાં પરેશાન માછલીને પકડવાના પ્રયાસની જેમ તે કશ્મીર પર કાબૂ મેળવવાનો પ્રયાસ છેલ્લા સાત-દાયકાઓથી કરે છે. પરંતુ જમ્મુ-કશ્મીરમાં ઓગસ્ટ 2019ના રાજકીય પરિવર્તન પછી તેની ઝડપમાં વધારો થયો. આતંકવાદીઓની ઘૂસણખોરી વધી, ક્રોસ-એલઓસી ફાયરિંગ વધ્યું, સોશિયલ મીડિયા અભિયાનો દ્વારા કશ્મીરીઓને ઉશ્કેરવા અને કટ્ટરપંથી બનાવવાના પ્રયત્નો કરવા, વિદેશમાં કશ્મીર સેલ સ્થાપવા જેથી ભારતવિરોધી માહોલ ઊભો કરી શકાય વગેરે જેવી પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવ્યો છે.

: 5મી ઓગસ્ટ 2019 – શરૂઆતના દિવસો :

જમ્મુ-કશ્મીર બંધારણને સ્થગિત કર્યાના એક દિવસ પહેલાં રાજ્યને સંપૂર્ણ તાળાબંધી હેઠળ મૂકવામાં આવ્યું. લોકડાઉનને લાગુ કરવા માટે લગભગ 38,000 જેટલા વધારાના સૈનિકો લવાયા. કેટલાંક અઠવાડિયાં સુધી બજારો, શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ જાહેર જગ્યાઓ બંધ કરી દેવામાં આવી. ઇન્ટરનેટ અને ટેલિફોન સેવાઓ બંધ કરવામાં આવી. કર્ફ્યુ જાહેર કરાયો અને કલમ 144 હેઠળ જાહેર જગ્યાઓ પર ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જમ્મુ-કશ્મીરના ચૂંટાયેલા લગભગ તમામ ધારાસભ્યોની (ભાજપના ધારાસભ્યોને બાદ કરતા) ધરપકડ, નજરકેદ અથવા અટકાયત કરવામાં આવી.

પાંચ દિવસ પછી, ભારતની સંસદે જમ્મુ-કશ્મીર પુનર્ગઠન કાયદો પસાર કર્યો, જેમાં રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યો. ત્યાર પછીના મહિનાઓ બાબતે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘રાષ્ટ્રીય રાજકીય હસ્તીઓને આ પ્રદેશમાં પ્રવેશવા મંજૂરી આપવામાં ન આવી અને તેમને શ્રીનગર એરપોર્ટથી જ પાછા મોકલી દેવામાં આવ્યા.’ તેમાં ઉમેરવામાં આવ્યું છે કે ‘આ નિર્ણયો-ઘટનાઓની આર્થિક, સામાજિક અને રાજકીય અસર તેમજ આ લાંબો સમયગાળો (અગિયાર મહિના) અત્યાર સુધી વિનાશક રહ્યો છે.’

આ કાર્યવાહીની પ્રદેશ પર કેવી અસર પડી, તે અંગે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાજ્યના તમામ ઉદ્યોગોને ભારે ફટકો પડ્યો, મોટાભાગના લોકો લોન ડિફોલ્ટર થયા અથવા તો ધંધાઓ બંધ કરવા પડ્યા; હજારોએ નોકરી ગુમાવી અથવા પગાર મળવામાં વિલંબ થયો અથવા પગાર કપાયો. શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ થવાથી શિક્ષણ ગંભીર રીતે નબળું પડી ગયું અને બાળકો અને માતાપિતાના આઘાતમાં વધારો થયો. કર્ફ્યુ અને રસ્તાઓ બંધ હોવાથી આરોગ્ય સેવાઓને ભારે નુકસાન થયું. સ્થાનિક અને પ્રાદેશિક સમાચાર માધ્યમોએ તેમની પાસે થોડીઘણી પણ સ્વતંત્રતા હતી તે ગુમાવી.’

તેમાં સૌથી ખરાબ વાત એ છે કે, જમ્મુ-કશ્મીરના લોકોના હિતની હિમાયત કરવા માટે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી, કારણ કે મોટાભાગના રાજકીય નેતાઓની અટકાયત કરાઈ. કાયદાકીય સંસ્થાઓ કે જેમાં નાગરિકો ફરિયાદ નિવારણ માટે જઈ શકે, તેમનું અસ્તિત્વ રહ્યું નથી. તેમાં વધારામાં કહ્યું છે કે, કશ્મીર ઘાટીના લોકો ભારતીય રાજ્ય અને લોકોથી લગભગ અલગપણું અનુભવી રહ્યા છે. અહેવાલમાં આગળ નાગરિક સુરક્ષા, આરોગ્ય, બાળકો અને યુવાનો, ઉદ્યોગ અને સમૂહ માધ્યમો જેવી શ્રેણીઓ હેઠળ અસંખ્ય માનવાધિકાર ઉલ્લંઘનોના દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા છે.

આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો, પરંતુ યુદ્ધવિરામનું ઉલ્લંઘન વધ્યું : આ સમયગાળામાં “આતંકવાદી સંબંધિત ઘટનાઓમાં, એકંદર જાનહાનિમાં ઘટાડો થયો છે. સુરક્ષા દળોએ 150 આતંકવાદીઓ અને તેમના ટોચના કમાન્ડરોને મારી નાખ્યા, 250 જેટલા ‘ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ’ની ધરપકડ કરી હતી, જે લોકો આતંકવાદીઓ માટે વ્યવસ્થા પૂરી પાડતા હતા. પણ બીજી બાજુ ઘૂસણખોરીના પ્રયાસો અને ઘૂસણખોરીના દાખલાઓ વધી ગયા છે. તેવી જ રીતે યુદ્ધવિરામના ઉલ્લંઘનના કિસ્સાઓમાં વધારો થયો છે. જે વર્ષ 2016માં 449 હતા, તે 2019માં વધીને 3,168 થઈ ગયા.” અહેવાલમાં દક્ષિણ એશિયાના આતંકવાદ પૉર્ટલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, પાછલા વર્ષ દરમિયાન આતંકવાદ સંબંધિત સામાન્ય નાગરિકના મૃત્યુની 37 ઘટનાઓ નોંધાઈ.

: 400 લોકો હજી કસ્ટડીમાં :

આ સમયગાળામાં રાજકારણીઓ અને કાર્યકરો મળીને 6,605 લોકોની અટકાયત કરવામાં આવી. જેમાં બદમાશો, પથ્થરમારો કરનારા, પાયાના સ્તરે કામ કરનારા કાર્યકર્તાઓ, અલગાવવાદીઓનો સમાવેશ થાય છે. જેને મંત્રાલય મુજબ ઓગસ્ટ, 2019માં કસ્ટડીમાં લેવામાં આવ્યા. ગૃહ વિભાગની વિગતોમાં  કહેવામાં આવ્યું છે કે, 444 લોકો પર 1978ના જમ્મુ-કશ્મીરના જાહેર સલામતી અધિનિયમ (PSA) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલાઓમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ – ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા(જેમને થોડા સમય પહેલાં જ મુક્ત કરવામાં આવ્યા છે) અને મહેબૂબા મુફ્તી ઉપરાંત ઓછામાં ઓછી 144 સગીર વયની વ્યક્તિઓનો સમાવેશ થાય છે.  ઘણાને મુક્ત પણ કરવામાં આવ્યા છે, 400 લોકો હજી પણ કસ્ટડીમાં છે.

: સૌથી વધુ પીડિત : બાળકો :

“બાળકોનાં શિક્ષણ અને સ્વતંત્રતા પ્રતિબંધિત હોવાથી, બાળકોના વિકાસ પર સૌથી વધુ ખરાબ અસરો થઈ છે. આઘાત અને ભયના વાતાવરણમાં મુક્તિનો અભાવ હતો સાથે સાથે બાળકોના હકોને મનસ્વી રીતે અવગણવામાં આવ્યા છે. તેથી તેમના શિક્ષણ પરની અસરો ‘તીવ્ર’ છે. 2019થી શાળાઓ અને કૉલેજો ભાગ્યે જ 100 દિવસ કામ કરી શકી છે. ફક્ત 2-G નેટવર્કની વ્યવસ્થા ઉપલબ્ધ હોવાથી, ઓનલાઇન વર્ગો ચલાવવા શક્ય નથી. અને તેની પહોંચ પણ ઘણી મર્યાદિત છે. સ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઓનલાઈન કોન્ફરન્સ-વર્ગોમાં ભાગ લઈ શકતા નથી અને તેમનાં સંશોધન પણ પ્રકાશિત કરી શકતા નથી, જે તેમની કારકિર્દીને મોટું નુકસાન પહોંચાડે છે અને આ બાબતથી તેમના શિક્ષણના અધિકારોનો ભંગ થાય છે.” બાળકોની અટકાયત અંગેની વાત સરકાર પ્રથમ તો નકારતી હતી.

પરંતુ કેન્દ્ર સરકાર અને જમ્મુ-કશ્મીર વહીવટીતંત્રે અંતે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું કે 144 બાળકોને ઓગસ્ટ-સપ્ટેમ્બર 2019માં અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં, જેમાંથી સૌથી નાની વયના બાળકની ઉમર નવ વર્ષ હતી. દુર્ભાગ્યની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે 9 ડિસેમ્બર, 2019ના રોજ આ મુદ્દા પરની પોતાની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, “જો બાળકોને થોડા કલાકો અથવા ફક્ત એક દિવસ માટે અટકાયતમાં લેવામાં આવ્યાં હોય તો અરજદારોએ વધુ પડતી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમુક પરિસ્થિતિઓમાં તે બાળકોના પોતાના માટે પણ સારું જ છે.” કોર્ટનું આ વલણ વિચારતા કરી મૂકે તેવું છે !

4-G કનેક્ટિવિટી પરના અંકુશને કારણે ઉદ્યોગોને મુશ્કેલી : રિપોર્ટમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે સ્થાનિક અને પ્રાદેશિક ઉદ્યોગોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, કારણ કે તેમાંના ઘણા 4-G નેટવર્ક પર આધારિત છે. ઈન્ટરનેટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને લીધે ઘણા લોકો અનેક ધંધામાંથી બહાર ફેંકાઈ ગયા છે. “ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ ચોક્કસપણે આતંકવાદી જૂથોની ભરતી, ગતિશીલતા અને આયોજનને મર્યાદિત કરે છે. પરંતુ તેનાથી સામાન્ય લોકોના જીવન, ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ અને મીડિયાને ભારે નુકસાન પહોંચ્યું છે. આનાથી ચેતવણીઓ એકત્રિત કરવાનો ગુપ્તચર એજન્સીઓનો અવકાશ પણ મર્યાદિત બન્યો છે.”

: સંચાર માધ્યમો વધુ અસરગ્રસ્ત :

લોકડાઉનની સૌથી ખરાબ અસર સ્થાનિક મીડિયા પર થઈ છે. મીડિયાની વિષયવસ્તુ, વાચકો અને આવકમાં તીવ્ર ઘટાડો થયો છે. પરિણામે ઘણા પત્રકારોએ નોકરી ગુમાવી છે. વળી અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નવી મીડિયા નીતિમાં સુરક્ષા એજન્સીઓનો હસ્તક્ષેપ છે. જેમાં માહિતી અને જનસંપર્ક નિયામક (ડીઆઇપીઆર) દ્વારા સેન્સરશીપ રજૂ કરવામાં આવી છે. આ એક રીતે “પ્રેસની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે મૉતની ઘંટી સમાન છે.” અહેવાલમાં જણાવાયું છે કે પત્રકાર ગિલાની પર 21 એપ્રિલે યુ.એ.પી.એ.ની કલમ 13 અને ભારતીય દંડ સંહિતાની કલમ 505 અંતર્ગત સાયબર સેલ દ્વારા ‘સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા’ માટે ગુનો દાખલ કરાયો હતો. (કશ્મીરની વાસ્તવિક પરિસ્થિતિની વિગતો જણાવવા બદલ આતંકવાદી પ્રવૃત્તિ જેવી ગંભીર કલમો)

વધુમાં ફોટો જર્નાલિસ્ટ મસરત ઝહરા પર સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી વિષયવસ્તુ પોસ્ટ કરવા બદલ આ જ બંને કાયદાની સમાન કલમો હેઠળ 18 એપ્રિલના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ 29 જૂન, 2020ના રોજ કશ્મીરી એનઆરઆઈ ઉદ્યોગપતિ મુબીન શાહ પર પણ દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અહીં એ નોંધવું રહ્યું કે યુએપીએનો મૂળ હેતુ “આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપતાં સંગઠનોને લક્ષ્યમાં લઈને તેમની સામે પગલાં લેવાનો હતો.” ઓગસ્ટ 2019માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો જેથી વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે. આ સુધારો સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ સુનાવણી હજી પૂર્ણ થઈ નથી. આ દરમિયાન, તેની હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે.

આ અહેવાલે સરકારને કેટલીક ભલામણો કરી છે :

 • આ અતિશય કડક, ક્રૂર કાયદાઓ નાબૂદ કરવામાં આવે.
 • તમામ પ્રજાના પ્રતિનિધિઓને અટકાયતમાંથી મુક્ત કરવામાં આવે.
 • પીએસએ અને અન્ય અટકાયતના કાયદા રદ કરવામાં આવે, જેથી તેનો ઉપયોગ રાજકીય વિરોધ કરનારાઓ સામે ન થાય.
 • પ્રતિનિધિત્વ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના તમામ પ્રતિબંધોને દૂર કરવામાં આવે.
 • અટકાયતમાં લીધેલા તમામ કિશોરોને મુક્ત કરવા અને તેમની સામેના આરોપો પાછા ખેંચવા.
 • બાળ અધિકારના ઉલ્લંઘન માટે સશસ્ત્ર દળોની પૂછપરછ શરૂ કરવી.
 • પત્રકારો અને કાર્યકર્તાઓ સામે યુએપીએના આરોપો પાછા ખેંચવા.
 • કલમ 144નો ઉપયોગ મર્યાદિત કરવો.
 • કોર્ડન અને સર્ચ ઓપરેશન્સ (સીએએસઓ) દરમિયાન માનવતાવાદી માર્ગદર્શિકાઓનું પાલન કરવું. આવી કામગીરીમાં નાગરિકોને જે નુકસાન થાય તેનું પર્યાપ્ત વળતર ચૂકવવું.
 • તબીબી કર્મચારીઓ અને જેમને સારવારની જરૂર છે તે દર્દીઓ માટે ચેકપોઇન્ટ્સની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવે.
 • 4-ૠ ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ ફરી શરૂ કરવામાં આવે.
 • જમ્મુ-કશ્મીર માનવાધિકાર આયોગ અને જમ્મુ-કશ્મીર મહિલા અને બાળ અધિકાર આયોગ જેવી તમામ સંસ્થાઓને ફરીથી સ્થાપિત કરવી અને તે સક્રિય બને તેવા પ્રયત્નો કરવા.

જે કંઈ બની ગયું તેને બદલવું શક્ય નથી. પરંતુ અન્યાય અને હિંસાનાં ચક્રો ચાલે છે તેને તો અનિવાર્યપણે અટકાવવાં પડશે. વિનોબાજી કહેતા કે આપણે લોકોનાં દિલ જીતવાનાં છે. જમ્મુ-કશ્મીરના લોકોના નાગરિક તરીકેના મૂળભૂત અધિકારો સુનિશ્ચિત કરીને, અત્યાચાર બંધ કરીને અને માનવીય સંવેદના સાથેના સંવાદ દ્વારા જ હૃદય સુધી પહોંચી શકવાની બારી ઊઘડશે. પ્રયત્ન આપણે કરવાનો છે.

(‘જમ્મુ અને કશ્મીર : લોકડાઉનની અસર માનવ અધિકાર પર અસર’ અહેવાલનો સારાંશ )

  – પાર્થ ત્રિવેદી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s