પેસ્ટીસાઈડ્સનું નિયમન કેમ જરૂરી છે?

તાજેતરમાં દેશના કૃષિ મંત્રાલયે પોતે જ નક્કી કરેલી વૈજ્ઞાનિક પ્રક્રિયાને આધારે 27 પેસ્ટીસાઈડ્સ (જીવનાશકો)ને પ્રતિબંધિત કરવાની દરખાસ્ત રજૂ કરી છે અને દેશભરમાં જીવનાશકોની પ્રસ્તુતતા વિશે ભારે ચર્ચા ઊઠી છે.

સૌપ્રથમ તો ‘પેસ્ટીસાઈડ્સ’ શબ્દને સમજી લઈએ.‘પેસ્ટ’(Pest) એટલે અડચણરૂપ નુક્સાન કરતો જીવ. ઘરમાં ઉંદર, મચ્છર, વંદા અને ધનેડાં આપણને પેસ્ટ લાગે છે. ખેતીમાં ચૂસિયાં, ઈયળો જેવી જીવાતો, જીવાણુ-ફૂગ-વાઇરસજન્ય રોગો પેસ્ટ ગણાય છે. અલબત્ત, જંગલમાં વાંદરાં વૃક્ષોને ખાઈને નુકસાન કરે તો તેને આપણે પેસ્ટ ગણતા નથી, ખેતીમાં તે પેસ્ટ છે. એનો અર્થ એ થયો કે જે જીવો કુદરતી વાતાવરણમાં પોતાનું જીવન ગુજારે છે તે પેસ્ટ નથી પણ જે જીવો માણસના અધિકારમાં ભાગ પડાવે કે માણસને કનડે તે પેસ્ટ છે.

સૌથી બુદ્ધિશાળી ગણાતી માણસજાતે પોતાનો વસ્તાર વધારી દીધો છે. વસ્તી ય વધે છે અને જરૂરિયાતો ય વધે છે. હાઈબ્રીડ બીજ અને રાસાયણિક ખાતરોવાળી તથા પિયત આધારિત એકપાકી ખેતી પેસ્ટને વિશેષ આમંત્રણ પાઠવે છે. આમ, પેસ્ટ એ માનવ જાતે ઊભી કરેલી વિભાવના છે અને તેણે જ ઊભી કરેલી સમસ્યા છે. પેસ્ટ શબ્દ સાથે બીજો શબ્દ લાગે છે ‘સાઈડ’(Cide),એટલે કે મારવું. બીજા વિશ્વયુદ્ધ પછી નવરાં પડેલાં ઝેર બનાવવાનાં કારખાનાંનો ઉપયોગ કરી વિશ્વભરમાં રાસાયણિક પેસ્ટીસાઈડ્સ બનાવવા-વેચવાનો મોટો ઉદ્યોગ શરૂ થયો અને આપણે છેલ્લાં 80 વરસના સંશોધન અને ધંધાના જોરે જીવાતો સામે રાસાયણિક યુદ્ધ આદર્યું. માણસજાતે એમ નક્કી કરી લીધું કે નડતરરૂપ જીવોને તો ઝેર છાંટી મારી નાંખવા જ સારા. હવે પર્યાવરણ અને કૃષિના નવા વિજ્ઞાનમાં આ માન્યતાને ખોટી ગણવામાં આવે છે.

ઉત્ક્રાંતિ દરમિયાન દરેક જીવ બદલાતા વાતાવરણને અનુકૂળ થવા પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. માણસજાત એ ભૂલી ગઈ છે કે તેણે પચાસ હજાર વર્ષની દિવાળીઓ જોઈ છે પણ આ જીવાતોએ તો પાંચ સાત લાખ વર્ષની દિવાળીઓ જોઈ છે ! આ જીવાતોની નવી પેઢીઓ તેમના પૂર્વજો પાસેથી ઝેર સામે પ્રતિકારકતા કેળવવાના સંદેશ અને તાકાત લઈને જન્મે છે. જુઓને, કપાસમાં ગુલાબી ઈયળ હવે બીટીના ઝેરને ક્યાં ગાંઠે છે ! એવી તો સેંકડો જીવાતો આજે કોઈ ને કોઈ જીવનાશક સામે પ્રતિકારકતા મેળવી ચૂકી છે.

ખેડૂત દર પાંચ-દસ વર્ષે નવું નવું ઝેર લાવીને છાંટવાની મથામણ ચાલુ જ રાખે છે અને તે દરમ્યાન કંપનીઓને પેટન્ટવાળા અને પેટન્ટ સમાપ્ત થઈ ગયેલા જીવનાશકોનો ધંધો કરી લેવાની સારી તક મળે છે. ઝેર છાંટ્યા પછી ખેડૂતને હાશ થાય કે જીવાતો મરશે એટલે પાકને ફાયદો થશે. પણ લાંબે ગાળે તો માણસજાત જીવાતો સામે હારતી જ રહી છે. વરસો જતાં તમામ પાકોમાં રંજાડ રૂપ જીવાત-રોગોના પ્રકારની સંખ્યા વધતી જાય છે. 1965માં ડાંગરના પાકને ત્રણ જીવાતો લાગતી હતી તે 2019માં વીસ જેટલી થઈ! વાતાવરણ, બદલાતા ઋતુચક્ર અને ગ્લોબલ વોર્મિંગ પણ નવા રોગ-જીવાતો લાવવામાં કારણભૂત છે. જીવનાશકોનો વપરાશ માત્ર જીવાત કે રોગોને મારવા જ નહીં, હવે તો નીંદણને મારવા પણ વ્યાપક પ્રમાણમાં થાય છે.

આ જીવનાશકોનો માત્ર એક ટકો લક્ષ્ય સાધવામાં વપરાય છે, બાકીના 99 ટકા જમીન, પાણી અને હવાને ભારે પ્રદૂષિત કરે છે. જળચરો અને સૂક્ષ્મજીવો ઉપરાંત અળસિયાં, દેડકાં, મધમાખી, ક્રાયસોપર્લા અને દાળિયા જેવા ઉપયોગી જીવો માટે તે ઘાતક સાબિત થાય છે. તેના અવશેષો વર્ષો સુધી પ્રકૃતિમાં પડ્યા પડ્યા ઝેર ફેલાવે છે અને ક્યારેક તો વધુ કાતિલ બને છે. ઘાસચારા અને ખોરાકમાં તેના અવશેષો આવે છે તથા માનવ-લોહી અને ધાવણમાં પણ તે જોવા મળે છે.

માણસમાં પેસ્ટીસાઈડ્સનાં જોખમો કેન્સર જેવી બીમારીઓ, રોગ-પ્રતતિકારકતામાં  ઘટાડો, ગર્ભને નુકસાન, અંત:સ્રાવી ગ્રંથિઓના કામમાં ખલેલ, માનસિક રોગો, શ્વસન સંબંધી રોગો, પ્રજનન ક્ષમતામાં ઘટાડો અને વંધ્યત્વના રૂપે જોવા મળે છે. ટૂંકા ગાળાના ફાયદાની સામે થતા આ નુકસાનનું ભાન માણસજાતને મોડું મોડું થવા માંડ્યું છે. અમેરિકન વિજ્ઞાની રેચલ કાર્સને ‘Silent Spring’ નામના પુસ્તક દ્વારા પહેલી વાર આ નુક્સાન બાબતે દુનિયાની આંખ ખોલી, ‘આ વસંત મૂંગી કેમ થઈ? પક્ષીઓના બોલ ક્યાં ખોવાઈ ગયા?’ 1939માં જેના શોધકને નોબેલ પ્રાઈઝ અપાયું અને 1947માં જાણીતા ‘ટાઈમ મેગેઝિન’માં જે સલામત હોવા વિશેની જાહેરાતો છપાતી તે ડીડીટી આજે વ્યાપક રીતે પ્રતિબંધિત કરાયું છે. બે-ત્રણ દાયકા સુધી અજાણપણે જોખમ લીધા પછી જીવનાશકોનું નિયમન શરૂ થયું. આજે હવે વિશ્વભરમાં જીવનાશકોનું નિયમન કરવાની વ્યવસ્થા તો છે પણ તે હજી જોઈએ તેવી ભરોસાપાત્ર અને અસરકારક નથી.

જે 27 જંતુનાશકો પર પ્રતિબંધ લાવવાની કેન્દ્ર સરકારે દરખાસ્ત મૂકી છે તેમાંથી 12 કીટનાશકો, 8 ફૂગનાશકો અને 7 નીંદણનાશકો છે. તેમાંના 21 ભારે ઝેરી (Highly Hazardous)છે, 3 અંત:સ્રાવી ગ્રંથિઓના કામમાં દખલ કરે છે, 3 પ્રજનન બાબતે ઝેરી છે, 6 સંભવિત કેન્સરકારક છે, 13 જીવનાશકો નિકાસ માટેના માલના અસ્વીકાર માટે જવાબદાર છે, (એ જગજાહેર છે કે, ભારતમાંથી નિકાસ થતી ખેતપેદાશો તેમાં રહી જતાં જંતુનાશકોના અવશેષોને કારણે અસ્વીકાર્ય બને છે.) 8 દ્વારા ઝેર ચડીને મરવાના કે હૉસ્પિટલમાં દાખલ કરાયાના કિસ્સા સરકારી ચોપડે નોંધાયા છે અને 17 ‘Deemed to be Registered’ છે એટલે કે તેમનો વપરાશ ભારતમાં જીવનાશકોના નિયમન માટેના કાયદા અમલમાં આવતા પહેલાં અને બાયોસેફ્ટીની પૂરી ખાતરી વિના શરૂ થયો છે.

ભારતમાં જીવનાશકોનું નિયંત્રણ ‘સેન્ટ્રલ ઈન્સેક્ટીસાઈડ્સ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી’ દ્વારા થાય છે. તેની જવાબદારી છે કે પેસ્ટીસાઇડના મૂળ ઝેરની આયાતથી માંડી, ઉત્પાદન, વેચાણ અને વપરાશ બાબતે સલામતીની ખાતરી કરે. તેના ઉત્પાદન અને ઉપયોગ પર નિગરાની રહે. એક વાર વપરાશ શરૂ થયા પછી પ્રકૃતિમાં અને માણસના લોહીમાં તેના અવશેષોની ચકાસણીની ‘ગ્રાસરૂટ’ માહિતી મેળવી, જરૂર પડે તો નિયમન કડક બનાવે.

બિનઅસરકારક જીવનાશકો અને જોખમી જીવનાશકોની નોંધણી જ ન કરે અથવા તો તેમનો ઉપયોગ મર્યાદિત કે પ્રતિબંધિત કરે. પણ જમીન પરની વાસ્તવિકતા તો સાવ જુદી છે. જીવનાશકોના આખરી વપરાશ જ્યાં થાય છે તે ખેતરો ઉપર કોઈ એજન્સીનું નિયંત્રણ જ નથી અને તે રાખી પણ કેમ શકાય? સંપૂર્ણ શરીર ઢાંકી દે તેવી પીપીઈ કીટ પહેરીને જ જીવનાશકો છંટાય. છાંટતા પહેલાં ખરેખર જંતુઓનું પ્રમાણ જોખમી માત્રા કરતાં વધી ગયું છે કે નહીં તે જોવું પડે; યોગ્ય સમયે, રીતે અને પ્રમાણમાં તે છંટાય. છંટકાવના અમુક દિવસો પછી જ પેદાશ વપરાય. અમુક જીવનાશકો અમુક પાક પર ન જ છંટાય, અમુક જીવનાશકોની એકમેકમાં ભેળસેળ ન કરાય. ખાલી ડબ્બાનો યોગ્ય નિકાલ કરાય. પણ આ બધી બાબતોનું લગીરેય ધ્યાન રખાતું નથી.

જુઓને, મોનોક્રોટોફોસ શાકભાજીમાં છાંટવા પર પ્રતિબંધ છે. પણ કહેવાય છે કે શાકભાજીમાં ચમક લાવવા તેને ઉતાર્યા પછી અમુક ખેડૂતો મોનોક્રોટોફોસના દ્રાવણમાં તેમને બોળીને વેચે છે ! ગ્લાયફોઝેટ(રાઉન્ડઅપ)ની નોંધણી પાક સિવાયના વિસ્તારો અને ચાના બગીચાઓમાં છાંટવા માટે કરાઈ છે પણ હવે તો બધા પાકોમાં આડેધડ વપરાય છે. દેખાદેખીમાં ખેડૂતો વધુ માત્રામાં, વધુ વખત અને બે-ત્રણ જીવનાશકોનું મિશ્રણ કરીને છાંટે છે. આપણે ત્યાં યૂરોપ-અમેરિકાની જેમ મોટાં મશીનો દ્વારા નહીં, પણ નાનાં ખેતરોમાં ખેડૂતો ખભે પંપ ભરાવીને જીવનાશકો છાંટે છે. પીપીઈ કીટ તો કોઈ પહેરતું જ નથી. આપણા ગરમ વાતાવરણમાં એ પહેરવી ફાવે ખરી?

આપણા દેશમાં વિજ્ઞાનીઓની હાલત પણ કફોડી છે. તેમના પરિસંવાદોની સ્પૉન્સરશિપ તથા એમ.સી અને પી.એચ.ડી કરતા વિદ્યાર્થીઓની ફેલોશિપ આ જ કંપનીઓ આપે છે. કંપનીઓની પ્રોડક્ટ ખેતીમાં અસરકારક હોવાનું સાબિત કરવું એ જાણે કીટકશાસ્ત્ર અને રોગશાસ્ત્ર વિભાગનો ધર્મ થઈ ગયો છે. ખેતીમાં અસરકારકતા સાબિત કરતા પહેલાં આવા ઝેરના ટોક્સિકોલોજીકલ અભ્યાસો કરે છે કોણ? ભારતમાં તેની સ્વતંત્ર, તટસ્થ, આધુનિક અને વૈજ્ઞાનિક વ્યવસ્થા છે ખરી?

કેટલાંય જીવનાશકોની ગુરુત્તમ અવશેષ માત્રા(MRL) હજી નક્કી જ થઈ નથી અને કેટલાંય જીવનાશકોના ઝેરના મારણ (Antidote)નું અસ્તિત્વ જ નથી તો ય તે વપરાય છે; આવું કેમ? કૃષિ વિજ્ઞાનીઓને ટોક્સિકોલોજી અને બાયોસેફ્ટીની પૂરી ખબર ન પડે તે સમજાય તેવું છે; તેમનું તે કામ નથી. તો પછી સલામતી સાબિત કરતાં પહેલાં ખેતીમાં વાપરવાના પ્રયોગો કરનારની કોઈ જવાબદારી ખરી કે નહિ? જે તે જીવનાશકની જે તે પાક અને જીવાત માટે નોંધણી થઈ હોય તે સિવાયની ભલામણ દાયકાઓ સુધી કેમ થતી રહી? આખરે તે કોર્ટના આદેશથી બંધ થઈ.

ભારતમાં 292 જીવનાશકોની નોંધણી થઈ છે. તેના ઉત્પાદન માટે 125 ટેક્નિકલ ગ્રેડના ઉત્પાદકો અને 800 ફોર્મુલેટર્સ નોંધવામાં આવ્યા છે, જેમાં 10 બહુરાષ્ટ્રીય કંપનીઓ છે.  આ બધા થઈને અઢી લાખ જીવનાશક પેદાશો બનાવે છે!  આનું નિયમન ખાવાના ખેલ નથી. આ વિષયના અભ્યાસુ ડૉ. નરસિંહ રેડ્ડીના મત પ્રમાણે ભારતમાં નોંધાયેલા 292 જીવનાશકોમાંથી 99 બીજા દેશોમાં પ્રતિબંધિત છે અને તેમાંથી માત્ર 43ના જ ઉત્પાદનના આંકડા સરકારે જાહેર કર્યા છે, બાકીના આંકડા સરકાર પાસે છે કે નહિ તે સવાલ છે.

તાજ્જુબની વાત તો એ છે કે દેશની જીવનાશકો પેદા કરવાની ક્ષમતા કરતાં વધુ જીવનાશકોની નિકાસ થઈ છે! એક્સપાયર્ડ થઈ ગયેલ જીવનાશકોનો નિકાલ ક્યાં અને કેવી રીતે થાય છે? ઈંસ્પેક્ટરોને હપ્તા આપી ઉત્પાદન અને વિતરણ દરમ્યાનના નિયમનને ઘોળીને પી જવાય છે. એટલું ઓછું હોય તેમ, નાણાંને જોરે એડ્વર્ટોરિયલ (સંપાદકના વૈચારિક ટેકાવાળી જાહેરાત)ના આખા પેજ છાપી હડહડતાં જુઠ્ઠાણાં ફેલાવી, જીવનાશકો વિશે સાચી વાત બહાર લાવનારા વિજ્ઞાનીઓ અને કર્મશીલોને બદનામ કરવાના પ્રયત્નો શું સૂચવે છે? (તાજેતરમાં તા. 29મી જુલાઈ, 2020ના રોજ એક મોટા ગજાના અંગ્રેજી દૈનિકે ‘ક્રોપ કેર ફેડરેશન ઓફ ઇન્ડિયા’ દ્વારા આખું પાન ભરીને આવી એડ્વર્ટોરિયલ છાપીને પછી બીજે દિવસે ભૂલ કબૂલી, માફી માગી, તે પાછું ખેંચ્યું છે; એ હકીકત ભૂલીએ નહીં).

જીવનાશકોના આડેધડ વપરાશનું શકોરું ખેડૂતો પર ફોડનારા ઉત્પાદકો અને વિતરકો તે ભૂલી જાય છે કે આપણા દેશમાં જંતુનાશકોના વૈજ્ઞાનિક ઉપયોગ વિશે ખેડૂતોના શિક્ષણ માટે પૂરતા અને ગંભીરતાથી પ્રયત્નો થયા નથી. ઊલટું, જાહેરાતો દ્વારા એવી માનસિકતા ઊભી કરાઈ છે કે જીવાત ખેડૂતોનો દુશ્મન છે. અને તેને ભાળો એટલે ઠાર મારો. જીવાતોના જીવનચક્રની નબળી કડી, પ્રજનનને અટકાવી દેવાની રીત, ખાવાની ટેવ, કુદરતી નિયંત્રણની તકો વિશે તેમનું શિક્ષણ થતું નથી. તેમાં કંપનીઓને શા માટે રસ હોય? ખેતીમાં તેનો લાભ સાબિત થાય તેવાં સંશોધનો કરાવવા આ જ કંપનીઓ કૃષિ યુનિવર્સિટીઓની જાહેર વ્યવસ્થાઓનો ઉપયોગ કરે છે.

બાયોસેફ્ટીની કસોટીઓ પછી સલામતી પુરવાર થાય તે પહેલાં જ આ કાતિલ ઝેર ખેડૂતોને પધરાવાય છે. વારંવાર માંગવા છતાં બાયોસેફ્ટીને સાબિત કરતા આંકડા સરકારમાં રજૂ ન થાય તો ય ચલાવી કેમ લેવાય છે? આ જ કંપનીઓ વધુ વેચાણ કરનાર વિતરકને ઇનામો અને વિદેશનાં પ્રવાસોની ઓફર કરે છે. ઝેરના આવા પુશ-માર્કેટિંગ અને જાહેરાતો પર પ્રતિબંધ કેમ નથી લદાતો? જો તમાકુની જાહેરાત બંધ કરી શકાય તો જીવનાશકોની કેમ નહીં ?

નિયમનતંત્ર કોર્પોરેટ હિતો અને તે સાથે સંકળાયેલા આર્થિક-રાજકીય હિતો સામે લાલ આંખ કરે તો બધું શક્ય છે; દાનત જોઈએ. નિયમન બાબતે આ બધી લાલિયાવાડી અને દલા તરવાડીની જેમ રીંગણ લેવાની વૃત્તિ માટે કોણ જવાબદાર? ભારતમાં જીવનાશકોનું નિયમન 1966ના જરીપુરાણા કાયદાને આધારે થાય છે અને 12 વર્ષથી સંસદનું બારણું ખખડાવી રહેલ પેસ્ટીસાઈડ મેનેજમેન્ટ બિલને રોકી કોણ રહ્યું છે? આમ, જંતુનાશકોના દુરુપયોગ અંગે ખેડૂતો ઉપરાંત વિતરકો, ઉત્પાદકો, વિજ્ઞાનીઓ અને નિયંત્રણ કરનારા પણ જવાબદાર છે. તે બધાના સહકાર વિના ખોરાક અને પ્રકૃતિનું ઝેરીકરણ રોકી શકાય તેમ નથી.

1લી ઓક્ટોબરના અંકમાં પ્રતિબંધ માટે ચાલેલી પ્રક્રિયા, પ્રતિબંધ અંગે થતી બંને પક્ષની દલીલો, સલામત અને વૈજ્ઞાનિક પાકસંરક્ષણ વિશેની વિગતો જોઈશું.                                                                  

   – કપિલ શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s