રામનામ શું તાળી રે લાગી .

વર્ષો પહેલાંની વાત છે. એ સમયે હું સાબરમતી આશ્રમમાં  હતો. ત્યારે કોઈ વિશેષ પ્રસંગે, અને આમેય વૈષ્ણવજન ભજન ગવાતું. તેમાં ભક્તનાં લક્ષણો બતાવ્યાં છે. એવાં જ ગીતામાં પણ છે. આમાંનાં કયાં કયાં લક્ષણો કોના કોનામાં છે, તે વિષે મનોમન હું જોતો. અમારી સામે ગાંધીજીનું પ્રત્યક્ષ જીવન હતું, તેથી તેમના જીવનમાં આ લક્ષણ ક્યાં ક્યાં છે તેની અનધિકાર ચેષ્ટાયે હું મનોમન કરતો. ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે લગભગ બધાં જ લક્ષણો બાપુને લાગુ પડે છે. પરંતુ રામનામ શું તાળી રે લાગી એ થોડું ઓછું જણાય છે.

આ વાત આશરે ૧૯૨૦ની આસપાસની છે. જો કે તે પછી  તેઓ એટલી ઝડપથી આગળ વધતા ગયા કે જોતજોતાંમાં તેઓ રામનામમાં તન્મય થઈ ગયા. અને આખરે તો માનો એમને રામનામની રટ જ લાગી, જેવી તુલસીદાસ અને તુકારામને લાગેલી. અંતમાં રામનામ લઈને વિદાય થયા. એ વખતનાં એમનાં પ્રવચનો દિક્ષીનાં છાપાંમાં છપાતાં. છેલ્લા દિવસનું વ્યાખ્યાન કેવળ ‘હે રામ’ એટલું જ છપાયું. એમનાં તમામ વ્યાખ્યાનોમાં એ શિરોમણિ હતું.

વૈષ્ણવજન ભજન હવે તો આ સેતુહિમાલયગવાય છે. મહાત્મા ગાંઘીએ પોતાના આચરણ દ્વારા એ ભજનનો પ્રકાશ આખા ભારત પર પ્રસાર્યો. જાણે કે એમણે પોતાના જીવનરૂપી એ ભજન પર ભાષ્ય જ લખી દીધું અને આપણે માટે એ ભજનનો વારસો મૂકી ગયા !

રામનામની લગન એમણે બીજામાં પણ જગાડી. એમની એક ખૂબી હતી. વિશિષ્ટ ચિંતનની સાથે તેઓ પોતાનું આચરણ જોડી દેતા અને બીજાને પણ તેમ કરવા પ્રેરતા. ગીતાની પણ આ જ ખૂબી છે. થોડું દિશા-દર્શન કરાવ્યુ ને તરત આચરણ તરફ દોરવા લાગી. એ ખૂબી બાપુના જીવનમાં પણ જોવા મળે છે. મંત્રનું મનન કરવામાં આવે છે, પણ તે કણકણમાં પ્રવેશે તે માટે તો તંત્રની જરૂર પડે છે, તે બંને મળીને પ્રગટ થાય છે. આ રીતે બાપુએ રામનામ સાથે રોજેરોજનો વ્યવહાર જોડી દીધો.

 વૈષ્ણવજન ભજનમાં આદર્શ મનુષ્યની વ્યાખ્યા કરી છે. આપણે જાણીએ છીએ કે આ ભજન ગાંધીજીના જીવનમાં મૂર્તિમંત થઈ ગયું  હતું. એ પવિત્ર જીવનની યાદમાં આંખો ભરાઈ આવે છે. એમનું મૃત્યુ પણ કેવી સંધ્યાએ થયું ! પ્રાર્થનાની તૈયારીમાં હતા, એટલે કે એ સમયે એમના મનમાં ઈશ્વર સિવાયનો બીજો કોઈ વિચાર નહોતો. એવે સમયે એમને મુક્ત કરવા માનો ઈશ્વરે તેને (હત્યારાને ) મોકલ્યો. સરદાર વલ્ભભાઈએ કહ્યું હતું કે મૃત્યુના સમયે ગાંધીજીના ચહેરા પર કામ કરતાં કરતાં મૃત્યુ આવ્યું તેનો આંતરિક આનંદ અને નિમિત્ત બનેલા અપરાધી પ્રતિ દયા અને ક્ષમાવૃત્તિ, એવો બેવડો ભાવ જણાતો હતો.

ગાંધીજીના જીવનની આ ઉત્તમ પૂર્ણાહુતિ છે. સર્વોત્તમ વિચાર કરતાં કરતાં દેહ છૂટે એ સહુથી મોટું પુણ્ય છે. જેમણે જીવનભર ધર્મનું પાલન કરવાનો પ્રયત્ન કર્યો, તે પોતાનું દિનભરનું કામ પતાવીને પ્રાર્થના કરવા જાય છે, સાથે મિત્ર છે, સહુને પ્રાર્થના માટે બોલાવી રહ્યા છે, એ જ ક્ષણે તેનો અંત થવો, એવું મરણ અત્યંત પવિત્ર એક ભાઈએ પૂછ્યું, ગાંધીજી જેવા પવિત્ર પુરુષ ઉપર હત્યારાનો હાથ કેમ ઊઠયો હશે ? ગીતાનાં ભકત લક્ષણોમાં બતાવ્યું છે કે ‘જેથી દૂભાય ના લોકો, લોકથી જે દૂભાય ના’ !

મેં કહ્યું, ગાંધીજી વ્યક્તિ રહ્યા જ ક્યાં હતા ? તેઓ આપણા સહુનો ભાર ઉપાડતા હતા. આપણાં સહુનાં જીવન મલિન હતાં. તેથી તેમની હત્યા થઈ. ગાંધીજી ફક્ત ભક્ત હોત તો આવો સવાલ પેદા ના થાત.

નરસિંહ મહેતા પરમેશ્વરના ભક્ત હતા, પરંતુ લોકોના પ્રતિનિધિ નહોતા. તે લોકોનાં પાપ-પુણ્યનો બોજ નહોતા ઉઠાવતા. લોકોનાં પાપથી પાપી અને લોકોનાં પુણ્યથી પુણ્યવાન બનનારા ગાંધીજી જેવુ બીજું દ્રષ્ટાંત ઈસા મસીહનું છે. ઈસાએ કહેલું, હું સહુનાં પાપોનો બોજ ઉઠાવી રહ્યો છું. એ જ હાલત ગાંધીજીની હતી. અને એ જ એમની વિશેષતા હતી.

ગાંધીજીએ સહુનાં પાપોનો બોજ ન ઉઠાવ્યો હોત તો એમની હત્યા ન થઈ હોત. નહીં તો કોઈ કારણ ન હતું કે આખી દૂનિયાને પ્યાર કરનાર એક પુરુષ આમ માર્યો જાય, પ્રાર્થનામાં આમ ઊભો ને ઊભો ચાલ્યો જાય અને જેણે ગોળી ચલાવી એને પોતાના બંને હાથ જોડીને પ્રણામ કરીને જાય ! !

ઘણાનો એવો ખ્યાલ છે કે અંતિમ દિવસોમાં ગાંધીજીના દિલમાં ખૂબ વેદના હતી. પરંતુ એ ભીતરની નહોતી. તે વેદના આપણે માટે હતી ને આપણે કારણે હતી. તેઓએ આખરે જે સહન કરવું પડ્યું તે બધું સહન કર્યુ; પરંતુ એવું માનવું બિલકુલ નાસમજી હશે કે તેમની કોઈ વાસના બાકી રહી હતી. તેઓ વાસનાઓને પાર કરી ગયા હતા અને અંતમાં તેમની લીલા ચાલી રહી હતી.

આખરી દિવસોમાં તો માનો કૃષ્ણલીલા જ હતી. એ દિવસોનાં રહસ્યોને સમજાવવા માટે તો ખુદ ગાંધીજીએ જ આવવું પડે. કૃષ્ણના જીવનમાં પણ આખરમાં બાહ્ય વેદના હતી. જે દશા શ્રીકૃષ્ણની પ્રયાણ સમયે હતી, તે જ દશા ભારતની ગાંધીજીના પ્રયાણ સમયે હતી. અંતિમ સમયે એમણે શું કર્યું ? જ્યારે તેમને ગોળી વાગી, ત્યારે પહેલું કામ એમણે એ કર્યું કે પોતાના બંને હાથ જોડી દીધા – પ્રણામ ! અને અત્યંત સહજભાવથી ભગવાનનું નામ લીધું – હે રામ ! બસ, સમાસમ્‌ ! તુલસીદાસજીએ ગાયું છે ને,

जनम जनम मुनि जतनु कराही अंत राम कहू आवै नाही | જનમોજનમ પ્રયત્ન કરવા છતાં અંતકાળે રામનું સ્મરણ થાય, એવું થતું નથી. જ્યારે ગાંધીજીની જીભે અંતિમ શબ્દ આવ્યા, હે રામ ! કોઈપણ ભક્ત આનાથી વિશેષ શું કરી શકે ?

અંતકાળે કોઈ ને કોઈ ચીજ વચ્ચે આવીને ઊભી રહી જાય છે. પરંતુ ગાંધીજી અને પરમેશ્વરની વચ્ચે કોઈ ચીજ આડે ન આવી. તેઓ તો કહેતા જ હતા કે, હું હજી સત્યથી બહુ દૂર છું. મનુષ્ય હંમેશાં પોતાના પ્રયત્નમાં આગળ વધતો રહેશે. તો પણ પોતાના ધ્યેયથી દૂર રહેશે. પરંતુ એક ક્ષણ એવી આવે છે, જ્યારે ભગવાન એકદમ ઉપર ઊંચકી લે છે. જ્યાં સુધી મનુષ્ય પહોંચ્યો છે અને જ્યાં એને પહોંચવાનું છે, એ બે વચ્ચેનું જે અંતર છે તે કાપવાનું કામ, જ્યારે એ ક્ષણ આવે છે ત્યારે ભગવાન કરશે.

ગાંધીજીને સતત ભાસ એવો થતો કે હજુ આગળ જવાનું છે અને સત્ય હજી દૂર છે. ગાંધીજીની આંતરિક ધારા ઈશ્વર સાથે જોડાયેલી હતી. આમ તો તેઓ નિરંતર સેવાકાર્યોમાં રત હતા; પરંતુ હંમેશાં કહ્યા કરતા કે, સેવા કરી છૂટવું છે. આ જે ‘છૂટવું’ છે, તે જ ગાંધીજી છે.

એવો જ બીજો શબ્દ છે, લગન. અંદરથી એમને લગની હતી. તેને કારણે જ અંતે જે અંતર હતું તે, ભગવાનને હાથે કપાઈ ગયું. એ દિવસે ગાંધીજીના મૃત્યુના સમાચાર મળતાં જ મને પરમાત્માનું સ્મરણ થઈ આવ્યું. અને તે સ્મરણમાં જ હું ડૂબેલો રહ્યો. ગાંધીજીના શ્રાદ્ધ દિને પવનારમાં ધામનદીમાં એમનાં અસ્થિનું વિસર્જન થયું. તે દિવસે ધામ નદીના કિનારે જે દશ્ય જોયું તે કોઈ નવા જન્મનું દશ્ય હતું.

ઈશાવાસ્ય ઉપનિષદ બોલતી વખતે મને જે અનુભવ થયો, તેનું શબ્દમાં વર્ણન કરવા હું અસમર્થ છું. જ્ઞાની પુરુષોએ આપણને આત્માની વ્યાપકતાનો બોધ આપ્યો છે. તેના પર આપણી શ્રદ્ધા બેસે છે ખરી, પણ તે દિવસે તેનો સાક્ષાત્કાર થયો. જ્યારે મનુષ્ય પોતાના દેહમાં હોય છે ત્યારે તેની શક્તિ સીમિત હોય છે, અને જ્યારે તે દેહમુક્ત થાય છે ત્યારે તેની શક્તિ અસીમ થઈ જાય છે. ગાંધજીની દેહમુક્તિ પણ આપણામાં શક્તિ-સંચાર કરી રહી છે.

– વિનોબા (“મૈત્રી’ માંથી ટૂંકાવીને.)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s