આપણે લેખમાળાના છેલ્લા ભાગમાં નોંધ્યું હતું કે આગામી ભાગમાં ‘જ્ઞાનદેવ ચિંતનિકા’ અને જ્ઞાનદેવ અંગેના વિનોબાજીના ચિંતન અંગે વિચાર કરીશું. આ અંગે લખતા પહેલાં ૬ જુલાઈ ૧૯૪૫ના રોજ વિનોબા સિવની જેલ, જે તેમના જીવનની આખરી જેલ હતી, તેમાંથી મુક્ત થયા બાદ વિનોબાજીની લેખનયાત્રા ચાલી, સાથે સાથે અન્ય યાત્રા પણ ચાલી હતી તે અંગેની થોડી વિગતો નોંધીશું.
લેખમાળાના ભાગ-પમાં નોંધ્યા પ્રમાણે વિનોબાજી પોતાના પિતાશ્રી નરહરરાવના અંતિમ દિવસોની માંદગીના કારણે ધૂળિયા પહોંચે છે. પિતાજીને તેઓ ૧૨ વર્ષના ગાળા બાદ મળે છે. પિતાજીને મળવા જાય છે તેના બીજા દિવસે-૨૯ ઓક્ટોબર ૧૯૪૪ને રોજ પિતાજીનું (૭૩ વર્ષની ઉંમરે) અવસાન થાય છે. વિનોબાજીની તબિયત બરાબર ન હોવાથી ધુળિયામાં થોડા દિવસો રોકાઈ જાય છે. ત્યાં તેઓ સવાર-સાંજની સમૂહ પ્રાર્થના કરતા અને પ્રવચન પણ આપતા.
આગાખાન મહેલની જેલમાંથી છૂટયા પછી ગાંધીજી રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. આના કારણે સાપ્તાહિક ‘હરિજન’નું સંપાદન કામ વિનોબા અને કિશોરલાલ મશરૂવાલાને સૉંપે છે. વર્ષ ૧૯૪૬-૪૭ દરમ્યાન વિનોબાજી ઘણા લેખો લખે છે. ૧૬ ફેબ્રુઆરી ૧૯૪૦ના રોજ પ્રગટ થયેલા લેખમાં સરકારની ટીકા કરે છે. દેશ આઝાદ થઈ ગયો હતો. કોંગ્રેસની સત્તા આવી હતી.
સરકારે રેશનમાં અપાતા કાપડના જથ્થામાં ૧૬-૧૪ ટકાનો કાપ જાહેર કર્યો હતો. અમદાવાદ, મુંબઈમાં કોમી તોફાનોને કારણે મિલો બંધ પડી હતી. વિનોબાજી ગાંધીજીના ખાદી ગ્રામોદોગના રચનાત્મક કાર્યક્રમની યાદી આપે છે અને આગળ ધપાવવા સૂચન કરે છે.
વિનોબાજી કહે છે, અત્યાર સુધી ખાદીનું કામ ઘણા બધા અવરોધની સામે ચાલ્યું છે. અંગ્રેજ સરકારે કાંતવાના ચરખા સળગાવ્યા છે, ખાદીની દૂકાનો જપ્ત કરી છે, ખાદી પહેરવાવાળાને જેલભેગા કર્યા છે. જ્યારે લોકોને પૂરતાં કપડાં પહેરવા મળતાં ન હતાં ત્યારે ખાદીના જથ્થાને જરૂરતમંદ લોકોની નજર તળે સળગાવી માર્યો છે.
આવા કપરા સંજોગો વચ્ચે ખાદી માત્ર ટકી જ નથી, તે સ્વરાજ ઝંખનારાઓનો ગણવેશ બની ચૂકી છે. ખાદી જાણે કે સ્વરાજ મેળવવાનું એક અહિંસક હથિયાર બની ચૂકી છે. શું કૉંગ્રેસ સરકાર તેને છોડી દેવા માંગે છે ?
આ લેખ લખી રહ્યો છું ત્યારે દેશના 6૪મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો ઉલ્લાસ છે. બીજી બાજુ વર્તમાન સરકારે હેન્ડી ક્રાફ્ટ બોર્ડ, હેન્ડલૂમ બોર્ડ અને પાવરલૂમ બોર્ડ બંધ કરવાની જાહેરાત કરી છે. દેશમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ૩ કરોડ ૨૦ લાખ લોકોને રોજીરોટી આપે છે. સરકાર તેમને મળતી સહાય બંધ કરશે તો તેમના માટે કપરા દિવસો આવશે.
દેશમાં અંગ્રેજોની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય કે અન્ય પક્ષની સરકાર હોય, શ્રમ આધારિત જીવવાવાળા લોકોનો હાથ પકડનાર કોઈ નથી. વિનોબાજી હરિજનના બીજા એક લેખમાં અનાજ ઉત્પાદન અને ગ્રામોધોગ અંગે લખે છે. વધુ ને વધુ અનાજ ઉગાડવાનું છે પણ બજારમાં વેચીને પૈસા ભેગા કરવાના નથી. પોતાના વપરાશનું અનાજ વાવવું અને બચે તે બજારમાં આપવું. તેઓ કહે છે, માત્ર અનાજ નથી ઉગાડવાનું, ફળો, શાકભાજી, કંદમૂળો ઉગાડવાનાં છે તેમજ ઘર વપરાશની ચીજોનું પણ ઉત્પાદન કરવાનું છે. આ ઉપરાંત વિનોબાજી દૂધ ઉત્પાદન, ગોવંશ સંવર્ધન, ખાતર ઉત્પાદન અંગે પણ લેખ લખે છે.
ખાદી ઉત્પાદન અંગેના વિવિધ પ્રયોગો પણ વિનોબા કરતા રહે છે. રૂ માંથી કપાસિયા દૂર કરવાનું અને પૂણી બનાવવાનું (તૂ નાઈ)માં પણ સંશોધન કરે છે. વણકરોને મુશ્કેલી ન પડે માટે હાથે કાંતેલા સૂતરના બે તારમાંથી એક તાર બનાવવાનું ચાલુ કરે છે. તેના કારણે વણતી વખતે તાર તૂટતા નથી તેમજ મજબૂત ખાદી પેદા થાય છે.
હવે આપણે ‘જ્ઞાનદેવ ચિંતનિકા’ અંગે વિચાર કરીશું. આપણે ત્રણ તબક્કે આ અંગે આગળ વધીશું.
- જ્ઞાનેશ્વરજી,
- વિનોબા અને જ્ઞાનેશ્વર
- જ્ઞાનદેવ ચિંતનિકા.
આ ત્રણ મુદ્દાનું લેખન ક્યારેક સાથે સાથે પણ થઈ જશે.
સંત જ્ઞાનેશ્વર – શ્રી જ્ઞાનદેવ : પ્રાથમિક પરિચય
શ્રી જ્ઞાનદેવનો જન્મ ઈ.સ. ૧૨૪૫માં મહારાષ્ટ્રમાં પૂના પાસે આવેલા આલંદી (&ત1તા) ગામે થયો હતો. પિતાનું નામ વિક્લપંત અને માતાનું નામ રૂક્મિણી હતું. જ્ઞાનદેવના મોટા ભાઈનું નામ નિવૃત્તિનાથ હતું, જે તેમનાથી ૨ વર્ષ મોટા હતા. નાના ભાઈનું નામ સોપાનદેવ અને બહેનનું નામ મુક્તાબાઈ હતું. જ્ઞાનેશ્વરે ૬ થી ૯ વર્ષની ઉંમરે પિતા પાસે વેદ ઉપનિષદનો અભ્યાસ કર્યો હતો.
લગ્ન પછી પિતા ઈશ્વરપ્રાપ્તિ માટે કાશી જાય છે. ત્યાં રામાનંદ સ્વામીના હાથે સંન્યાસ ગ્રહણ કરે છે.. રામાનંદ સ્વામી તીર્થયાત્રા દરમ્યાન આલંદી પહોંચે છે. અજાણ્યા સાધુ રામાનંદજીની રુક્મિણી સારી એવી સેવા કરે છે. રામાનંદજી આશીર્વાદ આપતા કહે છે, “પુત્રવતી ભવ’. પરંતુ બહેન કહે છે, મારા પતિએ તો ૧૨ વર્ષ પહેલાં ગૃહત્યાગ કર્યો છે, તેમના કોઈ સમાચાર પણ નથી. રામાનંદજીને ખ્યાલ આવી ગયો કે ૧૨ વર્ષ પહેલાં મેં જેને સંન્યાસીની દીક્ષા આપી હતી તે જ આ સ્ત્રીનો પતિ છે. રામાનંદજી બહેનને લઈને તરત પાછા કાશી આવવા નીકળી પડે છે. કાશી પહોંચી પોતાના શિષ્યને આજ્ઞા કરે છે- સંન્યાસ છોડી ફરી ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર.’ વિઠ્ઠલપંત પત્ની સાથે આલંદી પાછા આવે છે. ત્યાર બાદ ચાર બાળકોનો જન્મ થાય છે.
તે વખતનો સમાજ આ બાળકોને ‘સંન્યાસીનાં બાળકો’ કહીને હડધૂત કરતા હતા. નિવૃત્તિનાથ જ્યારે છ વર્ષના હતા ત્યારે ત્ર્યંબકેશ્વરના બ્રહ્મગિરિ પર્વત પર પરિભ્રમણ કરતી વખતે એક ગુફામાં નાથ પરંપરાના ગુરુ ગહનીનાથ પાસે પહોંચે છે. ગુરુ નિવૃત્તિનાથને જ્ઞાન આપે છે. આગળ ઉપર જ્ઞાનદેવ નિવૃત્તિનાથને પોતાના ગુરુ બનાવે છે. આમ બંને ભાઈઓ નાથ પરંપરાના સંન્યાસી બને છે. જ્ઞાનેશ્વર ૨૧ વર્ષે સંજીવની સમાધિ લે છે.
નાથ સંપ્રદાય
હિન્દુ ધર્મમાં મુખ્ય ચાર સંપ્રદાય છે વૈદિક, વૈષ્ણવ, શૈવ અને સ્માર્ત. શૈવમાં શાક્ત અને નાથ પરંપરા છે. નાથમાં દસ નામી અને ૧૨ ગોરખપંથી છે.
નાથ શબ્દનો અર્થ સ્વામી છે. નાથ સંપ્રદાય મૂળમાં શંકરના ભક્ત છે. શંકર આદિનાથ છે. તેના પરથી આદિશ શબ્દ અને અંતે આદેશ શબ્દ બન્યો. નાથ સંન્યાસીઓ જ્યારે એકબીજાને મળે ત્યારે “આદેશ’ શબ્દ બોલી આવકારે છે.
નાથ પરંપરાને દત્તાત્રેય આગળ ધપાવે છે. તેઓ વૈષ્ણવ અને શૈવ પરંપરાનો સમન્વય કરે છે અને મહારાષ્ટ્રમાં નાથ પરંપરાનો ક્રેલાવો કરે છે. દત્તાત્રેય આદિગુરુ છે. લાંબો સમય વિત્યા બાદ ૮મી – ૯મી સદીમાં મત્સ્યેન્દ્રનાથ ફરી નાથ પરંપરાને સંગઠિત કરે છે. તેમના શિષ્ય ગોરખનાથ બને છે. આ પરંપરામાં નવ ગુરુઓનાં નામ આ પ્રમાણે છે – ૦ મત્સ્થેન્દ્રનાથ ૦ ગોરખનાથ ૦ જાલંદરનાથ ૦ નાગેશનાથ ૦ ભર્તરીનાથ ૦ ચર્પટીનાથ ૦ કાનીફનાથ ૦ ગહનીનાથ અને ૦ રેવનનાથ.
નાથ સંપ્રદાયમાં હઠયોગની સાધના અને શિવભક્તિ મુખ્ય છે. નાથમાં નાતજાતનો કોઈ ભેદ નથી. શિવને “અલખ’ નામથી ઉપાસે છે. નાથપંથી કાયા, શરીરને પરમાત્માનો આવાસ માને છે. કાયાશોધન માટે યમ, નિયમની સાથે હઠયોગ્યની ક્રિયાઓ – નેતિ, ધોતિ, બસ્તિ, નૌલિ, કપાલભાતિ અને ત્રાટકની મદદથી કાયાને શુદ્ધ રાખે છે. નાથ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ ‘ઘેરંડ સંહિતા’ છે. બીજો ગ્રંથ શિવસંહિતા છે. આ ઉપરાંત ઘણું સાહિત્ય લખાયું છે. ‘ગોરખ પુરાણ ગ્રંથ’ તેમાંનું એક ગણી શકાય. બીજું એક પુસ્તક છે “મહાયોગી ગોરખનાથ – સાહિત્ય ઔર દર્શન’ સંપાદન – ગોવિંદ રજનીશ.
જ્ઞાનેશ્વર જે પરંપરામાં દીક્ષિત થયા, મોટા ભાઈ નિવૃત્તિનાથના શિષ્ય બન્યા તેનો થોડો પરિચય કરાવવા માટે ઉપરોક્ત વિગતો નોંધી છે. જ્ઞાનેશ્વર આ પરંપરામાંથી કેટલું આગળ ધપાવ્યું અને કેટલું નવું દાખલ કર્યું તે દષ્ટિએ પણ અભ્યાસ કરવો જોઈએ. વિનોબાજી કહે છે – જ્ઞાનદેવ યોગી હતા. તે બાબતમાં તેમની સાથે તુલના થઈ શકે તેવા પુરુષ ગોરખનાથ લાગે છે.
જ્ઞાનેશ્વરી પુસ્તકના અંતમાં જ્ઞાનેશ્વરજી કહે છે :
“આ અધ્યાત્મશાસ્તનો ગ્રંથ નિવૃત્તિનાથની કૃપાનો વૈભવ છે. આદિ ગુરુ શંકરની શિષ્ય પરંપરાથી આ બોધ ચાલ્યો આવે છે. પ્રથમ શ્રી ત્રિપરારિએ શક્તિના કાનમાં કશુંક કહ્યું, તે મત્સ્યેન્દ્રનાથ – ગોરક્ષનાથ – ગહનીનાથની પરંપરા દ્રારા શ્રી નિવૃત્તિનાથ સુધી પહોંચ્યું અને નિવૃત્તિનાથે કરૂણા બુદ્ધિથી શાંતરસને વહેતો કર્યો, તેનું મેં ચકોર બનીને પાન કર્યું અને યશનો પાત્ર બન્યો. ગુરુ પરંપરાથી પ્રાપ્ત સમાધિદાન શ્રી નિવૃત્તિનાથે આ ગ્રંથ-રૂપે મને આપ્યું.”
આ વાત ઉષાબહેન તેમના પુસ્તક – જ્ઞાનેશ્વરી – ગીતાભાષ્ય – ભાવાનુવાદ (પ્રકાશક “શ્રી રામકૃષ્ણ સેવા સમિતિ’ અમદાવાદ)માં નોંધે છે.
ગુજરાતમાં શ્રી મકરંદભાઈ દવેએ નાથ સંપ્રદાયની વાણીને તેમના લેખોમાં અલગ અલગ રીતે નોંધી છે. યોગી હરનાથના સાંનિધ્યમાં’ – લેખક મકરંદ દવે, રસ ધરાવતા મિત્રો વાંચી શકે છે. જાણકારો કહે છે, યોગી હરનાથ બીજું કોઈ નહીં પણ ગોંડલના નાથાલાલ હ. જોષી જ છે. લોકો તેમને રમાનાથના નામે સંબોધે છે.
જ્ઞાનદેવ અને વિનોબાજી
આ જ્ઞાન અંગે વિનોબાજીનું ખુદનું લખાણ ‘ज्ञानदेव और बाबा’ વિનોબા સાહિત્યના ગ્રંથ ૧૦માં આપેલું છે.
વિનોબાજી પોતાને જ્ઞાનદેવના સેવક માનતા હતા. તેઓ કહે છે- શંકર, જ્ઞાનદેવ અને ગાંધીમાંથી મને જીવનદષ્ટિ મળી છે. તત્વવિચાર શંકરમાંથી, ભક્તિમાર્ગ જ્ઞાનદેવમાંથી અને કર્મયોગ ગાંધીમાંથી મળ્યો છે. મારા પર જ્ઞાનદેવે જે ઉપકાર કર્યો છે તે વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. જ્ઞાનદેવની અસર મારા ચિંતન પર, મારા હૃદય પર, મારી કાર્ય પદ્ધતિ પર તો છે જ તે ઉપરાંત હું માનું છું કે મારા શરીર પર પણ છે. જે સ્થળે જ્ઞાનદેવે જ્ઞાનેશ્વરી લખી છે તે સ્થાને (સ્થળ-નિવાસે) મનથી વારંવાર હું જઈ આવ્યો છું. જ્ઞાનેશ્વરે તે સ્થાનને જગતનું જીવનસૂત કહ્યું છે. મેં જે કંઈ સાહિત્યસેવા કરી છે તે જ્ઞાનદેવનાં ચરણોમાં સમર્પિત થાય તે ભાવનાથી કરી છે. મને જ્ઞાનદેવે ઘડયો છે, બનાવ્યો છે. મારી પાસે સ્વતંત્ર જ્ઞાન નથી. હું તો છૂટક માલ વેચવાવાળો ફેરિયો છું. જ્ઞાનદેવ, તુકારામ, બુદ્ધ, ઈશુ, પૈગંબર, શંકરાચાર્ય, કબીર, તુલસીદાસ વગેરે તો જથ્થાબંધ માલના વેપારી છે. તેમની પાસેથી થોડો માલ લઈને ગામડે ગામડે જઈ વેચવાનું કામ કરું છું. મારી ૮ વર્ષની ઉંમરે મેં જ્ઞાનેશ્વરી પુસ્તક વાંચવાનું શરૂ કર્યું હતું.
હાઈસ્કૂલમાં મરાઠી સાહિત્યના અધ્યયન સ્વરૂપે જ્ઞાનેશ્વરી પૂરી વાંચી લીધી. મનમાં વિચારેલું કે આગળ ઉપર જ્યારે સમજવાની શક્તિ વધશે ત્યારે ફરી તેનો અભ્યાસ કરીશ. મનમાં સમાધાન થયું – જ્ઞાનેશ્વરજીએ જે ઉંમરે જ્ઞાનેશ્વરી લખી તે ઉંમરે કમસેકમ મેં વાંચી તો લીધી. ૨૦ વર્ષની ઉંમરે મેં ઘર છોડ્યું. વડોદરાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં રોજના ૩૦- ૪૦ ગ્રંથો પર નજર નાંખી લેતો હતો. હજારો ગ્રંથો જોઈ નાંખ્યા હશે. પરંતુ નિષ્ટા બેઠી જ્ઞાનેશ્વરી પર. ઘર છોડ્યું ત્યારે માત્ર જ્ઞાનેશ્વરી સાથે લઈને નીકળ્યો હતો. વિનોબાજી આગળ ઉપર કહે છે –
मै ज्ञानदेव खाता हूँ, ज्ञानदेव पीता हूँ और ज्ञानदेव पर ही सोता हूँ.
હું જ્ઞાનદેવના ચરિત્રનું વારંવાર રટણ એટલા માટે કરું છું કે જેથી ખોવાયેલું આત્મતત્ત્વ પુનઃપ્રાપ્ત કરી શકાય. જ્ઞાનદેવજીને હું મારા માર્ગદર્શક માનું છું.
જ્ઞાનેશ્વરજીનું અધ્યાત્મદર્શન
જ્ઞાનેશ્વરજીના અધ્યાત્મદર્શન વિષે સાંગોપાંગ લખવા માંડીએ તો એક પુસ્તક જેટલી સામગ્રી થાય. અહીં આપણે મહત્ત્વના બિંદૃઓ પર નજર નાંખીશું.
વિનોબાજીનાં લખાણો, વિમલાતાઈનાં લખાણો, તેમજ ઉષાબહેનના જ્ઞાનેશ્વરી પુસ્તક પર નજર નાંખતાં જે સમજાયું તે અહીં ટૂંકમાં નોંધ્યું છે.
વિશ્વમાં ત્રણ મોટી શક્તિ છે.
- આત્મજ્ઞાન-શક્તિ
- વિજ્ઞાન-શક્તિ
- સાહિત્ય-શક્તિ અથવા શબ્દ-શક્તિ.
જ્ઞાનદેવમાં શબ્દ-શક્તિ અને આત્મશક્તિનું સુયોગ્ય મિલન હતું. જ્ઞાનદેવના વિચારોની પાછળ બ્રહ્મચર્યની શક્તિ પ્રગટ થતી હતી. વ્યક્તિના શબ્દ કરતાં વ્યક્તિના જીવનનો વધુ પ્રભાવ પડતો હોય છે. તેમના જ્ઞાનપ્રકાશમાં સૌમ્યતાની આર્દ્રતા છે. વાણી તેજસ્વી છતાં ચંદ્રવત્ શીતલ છે. તેમની ભાષા સૌમ્ય છે. વેદના પ્રખર આલોચક રહ્યા પરંતુ મિઠાશ જાળવીને આલોચના કરી છે. તેમના શબ્દો કોઈને ખૂંચે કે વાગે તેવા નથી. તેમના દર્શનમાં અટ્ટેત અને ભક્તિને સરસ રીતે ગૂંથી લીધાં છે.
શબ્દ્દોના તે ઉત્તમ શિલ્પી હતા. ઉપમા દર્શાવવાનું તેમનું કૌશલ્ય અજેડ હતું. જ્ઞાનેશ્વરીમાં તેમણે સત્ય પર સાહિત્યનો ઝભ્ભો ચઢાવ્યો છે. તેમ છતાં ગહન વેદાન્તનો સાર સામાન્ય જનતાને સરળ શૈલીમાં સમજાવી શકે છે. જ્ઞાનદદેવને રૃચિ છે, સમન્વયમાં. તેમની વાણીમાં ક્યાંય કટુતા, ખંડન, મંડન કે આગ્રહ નથી ડોકાતાં. ગુણ નિવેદનમ્ તેમની વાણીનો પ્રાણ છે.
તેમના શબ્દોમાં, તેમના અક્ષરોમાં આત્મદેવતાનું અવતરણ કરવાનું સામર્થ્ય છે. તેમણે વાગ્યજ્ઞ દ્વારા વિશ્વાત્મક દેવની પૂજા કરી છે. જેનું જીવન જેટલું સત્યમય, તેટલી તેની વાણી અમોઘ – અચૂક રામબાણ જેવી. સત્ય થકી શબ્દ્દોમાં શક્તિ દાખલ થાય છે. જ્ઞાનરાય કહે છે, “મારી વાણીએ અનેક કલ્પો સુધી સત્યની આરાધના કરી છે.
જ્ઞાનદેવ માનતા હતા કે સંસ્કૃત ભાષા જ પવિત્ર છે, તે ભાષા દેવ ભાષા છે, તે માન્યતા ખોટી છે.
જ્ઞાનેશ્રરજીએ પોતાની બધી રચનાઓ મરાઠી ભાષામાં રચી છે, જેના અધ્યયનથી મહારાષ્ટ્રમાં એક સ્ફર્તિનું ઝરણું વહેતું થયું. મરઠીભાષીઓ માટે તેઓ દેવદૂત સમાન હતા. મહારાષ્ટ્રમાં સંત સાહિત્યનું જે મંદિર ઊભું થયું તેનો પાયો જ્ઞાનદેવ મહારાજે ચણ્યો છે. વિનોબાજી જ્ઞાનેશ્વરીને મરાઠી ભાષાનો ધર્મગ્રંથ માને છે.
જ્ઞાનરાય હઠયોગ – રાજયોગના ઘણા મોટા અધિકારી હતા, દાર્શનિક અને Mystic પણ હતા. જ્ઞાનેશ્વરીમાં તેમણે તત્ત્વજ્ઞાનની દષ્ટિએ સાંખ્યયોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા તેમજ ષડ્ દર્શનનો સાર રજૂ કર્યો છે. તેઓ અલૌકિક, અપાર્થિવ, રસમયી દિવ્યવિભૂતિ હતા.
વિનોબાજી કહે છે, જ્ઞાનેશ્વરના દર્શનની મુખ્ય ચાર વાતો છે-
- સમાજની સેવા સમાજમાં રહીને કરો. જે લોકો કર્મનો ત્યાગ કરવાની વાત કરે છે તેઓ અણસમજુ છે. જે લોકોને કર્મ કરવાની કળા આવડતી નથી તે લોકોને કર્મમાં દોષ દેખાય છે. સમાજની વચ્ચે રહો અને લોકસેવા કરો.
- મુક્તિ અને ભક્તિમાં ભક્તિ શ્રેષ્ઠ છે. કોઈપણ વર્ણની વ્યક્તિ ભક્તિમાર્ગ અપનાવી શકે છે. એક એવી સમજણ થઈ હતી કે કેવળ વેદાભ્યાસ તેમજ યજ્ઞ જેવો ક્રિયાકાંડ કરવાવાળા જ સ્વર્ગના અધિકારી છે. મોક્ષનો માર્ગ સ્ત્રીઓ અને શૂદ્રો માટે બંધ છે તેમ કહેવાતું હતું. જ્ઞાનેશ્વરે સ્પષ્ટ રીતે ભક્તિને મુક્તિથી શ્રેષ્ઠ કહી છે. સ્વર્ગની કલ્પનામાં આ સંસારને જ વધારવાની વાત છે. મોક્ષમાં સંસાર માટેનો ડર છે. ભક્તિમાર્ગમાં સંસાર વધતો નથી. ભક્તિ એક નિર્ભય રાજમાર્ગ છે.
- જ્ઞાન સંપન્ન થયા પછી ભક્તિ એ યોગ્ય માર્ગ છે, જેમાં એવી સમજ છે કે મોક્ષપ્રાપ્તિની વાત એ તુચ્છ છે.
- અધ્યાત્મના માર્ગે આગળ ને આગળ વધવાનું ચાલુ રાખવાનું છે. વધુ ને વધુ ગુણ સંપન્ન કરવાના છે, આત્મસાત્ કરવાના છે.
જ્ઞાનેશ્વરના દર્શનમાં સમાજ -પરિવર્તનની એક ઝલક પણ દેખાય છે. વેદો પર કેટલાક લોકોએ પોતાનો જ ઈજારો સ્થાપ્યો હતો. તે જોઈ વેદ્દો પર કઠોરતાપૂર્વક પ્રહાર કર્યો. સંસ્કૃત ભાષા દ્વારા શાસ્ત્રો પર ઈજારો દાખવનારાને કહ્યું, સંસ્કૃત ભાષા જ પવિત્ર છે, દેવભાષા છે તે માન્યતા એક ભ્રમ છે. વર્ણવ્યવસ્થામાં પણ કેટલાક લોકો માટે કેટલાક ધાર્મિક, પ્રતિબંધો હતા, તેને નકારી ભક્તિમાર્ગ સૌ માટે ખુલ્લો છે તેમ જાહેર કર્યું. સાહિત્યમાં, તેમજ સંસ્કૃત સાહિત્યમાં શુંગાર રસને પ્રાધાન્ય આપવામાં આવતું હતું તેનો વિરોધ કર્યો. સાદી મરાઠી ભાષામાં બ્રહ્મવિદ્યા સૌને માટે સુલભ બનાવી શુંગારના સ્થાને શાંત રસ મતલબ કે ભક્તિને આગળ ધપાવી.
આપણે આગળ નોંધ્યું છે તેમ નાથ સંપ્રદાયમાં શરીરને, કાયાને પરમાત્માનો આવાસ ગણવામાં આવે છે. માટે સાધુઓ કાયાશોધન હઠયોગ દ્રારા કરે છે. જ્ઞાનેશ્વરજીના દર્શનમાં – આ જગત વેદાંતીઓ માને છે તેમ માયા નથી પરંતુ તે પ્રભુની કાયા છે. વિનોબાજી અને વિમલાતાઈએ આ દર્શનના પાયા પર તેમનું સમગ્ર ચિંતન ચલાવ્યું છે. પ્રભુ વિશ્વની બહાર નથી. પ્રભુ-વિશ્વનાથ જ વિશ્વાકાર બન્યા છે. જગદ્દાધાર જ જગદાકાર બન્યા છે.
વિશ્વને માયા કહીને એની શંકરે ઉપેક્ષા કરી હતી. આના કારણે અધ્યાત્મક્ષેત્રે જીવન અને જગત પ્રત્યે એક પ્રકારની વિમુખતા ઊભી થયેલી જોવા મળતી હતી. જ્ઞાનેશ્વરે આ દર્શનમાં આમૂલ પરિવર્તન આણ્યું. વિશ્વ એટલે વ્યક્ત પરમાત્મા, બ્રહ્મ એટલે અવ્યક્ત પરમાત્મા. જ્ઞાનેશ્વર જીવનનો સ્વીકાર કર્યો છે, ઈન્કાર નથી કર્યો.
જ્ઞાનદેવ કહે છે, કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ જેણે સિદ્ધ કરી લીધા છે તે હજુ પૂર્ણ થયો નથી, તે અપૂર્ણ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પુરુષાર્થ પછી જે પંચમ પુરુષાર્થ છે તે બિનશરતી પ્રેમનો છે. આ બિનશરતી પ્રેમ એ જ ભક્તિ છે. પૂ. વિમલાતાઈએ જ્ઞાનેશ્વરીના અઢારમા અધ્યાય પર આપેલા પ્રવચનમાં પુસ્તકને નામ આપ્યું છે, “સંત જ્ઞાનેશ્વરનો પંચમ પુરુષાર્થ પ્રદીપ’. જ્ઞાનેશ્વર પંચમ પુરુષાર્થના પ્રવક્તા છે. તેમણે આત્મા અને પરમાત્માના અટ્દેતના સંબંધોને મધરાટ્વેતમાં પલટી નાંખ્યા છે.
જ્ઞાનેશ્વરનું સાહિત્ય-સર્જન
વિનોબાજી કહે છે, જ્ઞાનેશ્વર એક અભ્યાસુ વ્યક્તિ હતા. ઉપનિષદ, યોગશાસ્ત, શંકર, રામાનુજ, યોગવાશિષ્ટ, મહાભારત વગેરે ગ્રંથોનું અધ્યયન કર્યું હતું. તેમની રચનાઓ નીચે પ્રમાણે છે : (૧) જ્ઞાનેશ્વરી (૨) અમૃતાનુભવ (૩) હરિપાઠ (૪) ચાંગદેવ પાસષ્ટી.
૦ જ્ઞાનેશ્વરી વર્ષ ૧૯૨૦માં તેમની ૧૬ વર્ષની ઉમરે તેમના ભાઈ અને ગુરુ નિવૃત્તિનાથના સૂચનથી લખી હતી. જ્ઞાનદેવ બોલતા જાય અને સચ્ચિદાનંદ નામની વ્યક્તિ દ્રારા લખાઈ.
જ્ઞાનેશ્વરી એક પદ્યાત્મક બૃહદ્ ગ્રંથ છે. તેમાં જ્ઞાનેશ્વર મહારાજે ગીતાના મૂળ સાતસો શ્લોકોને નવ હજાર ઓવીઓમાં છંદોબદ્ધ કર્યા છે. તેમણે ગીતાની નાની છબીને મોટી કરીને દેખાડી છે. ગ્રંથ જાણે ગીતા સૂત્રનું ભાષ્ય છે. તે મરાઠી ભાષામાં છે.
૦ બીજો ગ્રંથ “અમૃતાનુભવ’ પણ નિવૃત્તિ-નાથના કહેવાથી લખ્યો છે. આ પુસ્તક તત્ત્વજ્ઞાનનું પુસ્તક છે. આ ગ્રંથ સમજવામાં થોડો અઘરો છે. ૧૩મી સદીમાં લખાયેલા આ ગ્રંથ અંગે કેટલાક વિદ્વાનોમાં મતમતાંતર ચાલે છે કે આ ગ્રંથ જ્ઞાનેશ્વરી પહેલાં લખાયો હતો. આનાથી વિરૃદ્ધ માન્યતા પણ છે. મરાઠી ભાષામાં આવા તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં બીજો કોઈ ગ્રંથ નથી. જ્ઞાન, ભક્તિ અને યોગનું અભેદ-પ્રતિપાદક, અટ્વેત-દર્શન આ ગ્રંથમાં ઉપસ્થિત કર્યું છે.
રસ ધરાવતા મિત્રો સ્વામિ અભ્યાનંદે તૈયાર કરેલું અંગ્રેજી પુસ્તક કરી શકે છે.
Jnaneshvar: The Life and Works of the Celebrated Thirteenth Century Indian Mystic Poet ૨૯૦ પાનાંનાં આ ગ્રંથ જ્ઞાનેશ્વર અંગે વધુ જાણવા માટે ઉપયોગી થશે.
અમૃતાનુભવમાં ધ્યાનમાર્ગ અંગે લખ્યું છે :
૦ ત્રીજો મહત્ત્વનો ગ્રંથ છે, ચાંગદેવ પાસષ્ટી. ચાંગદેવે જ્ઞાનેશ્વરને એક પત્ર મોકલ્યો, જેમાં કોઈ શબ્દો લખ્યા ન હતા (કોરા કાગઝ). ચાંગદેવથી જ્ઞાનદેવ ઉંમરમાં નાના હતા પણ જ્ઞાનમાં શ્રેષ્ઠ હતા એટલે પત્રની શરૂઆતમાં ન ચિરંજીવ લખી શકે કે ન પૂજ્ય લખી શકે, તેવી મૂંઝવણમાં કોરો કાગળ મોકલ્યો. જ્ઞાનદેવે #પ ઓવીઓમાં આનો જવાબ આપ્યો. મરાઠીમાં ૬૫ના આંકડાને માટે પાસષ્ટ શબ્દ છે. વિનોબાજીએ ૬૫માંથી ૪૦ ઓવીઓ પસંદ કરીને “ચાંગદેવ ચાલીસી’ પોતાના માટે વર્ષ ૧૯૪માં તૈયાર કરી હતી. વિનોબાજી ચાંગદેવની ઉંમર ૧૧૪ હોવાની માને છે.
૦ જ્ઞાનેશ્વરની ચોથી રચના છે ‘હરિપાઠ’. જન સામાન્ય માટેનો આ ૨૪ ભજનોનો સંગ્રહ છે. મહારાષ્ટ્રમાં લાખો લોકોને આ ભજનો કંઠસ્થ છે. એમ મનાય છે કે જ્ઞાનદવેવજીની પંઢરપુર તેમજ અન્ય પવિત્ર સ્થળોની યાત્રા દરમ્યાન આ રચનાઓ તૈયાર થઈ છે. યાત્રામાં જ્ઞાનેશ્વર વારકરી પંથમાં જોડાય છે. જ્ઞાનેશ્વરના નામે આશરે કુલ ૧૦૦૦ ભજન ગણાય છે. આમાં અન્યની કૃતિઓ પણ સમયકાળે જોડાઈ ગઈ હશે. મહારાષ્ટ્રમાં ભજનને અભંગ પણ કહેવામાં આવે છે.
જ્ઞાનદેવ ચિંતનિકા – વિનોબાજીની ગીતાંજલિ
આ રચના સંત વિનોબાજીની છે. આગળ જણાવ્યું તે પ્રમાણે વિનોબાજીની છેલ્લી જેલયાત્રા પછી વર્ષ ૧૯૪૯-૪૭માં સમાધિવત્ અવસ્થામાં ‘જ્ઞાનદેવ ચિંતનિકા’ રચના તૈયાર થઈ હતી. જ્ઞાનદેવનાં ૧૦૦૦ ભજનમાંથી તેમને જે ભજનો જ્ઞાનદેવનાં લાગ્યાં તેમાંથી ૧૫૦ ભજનો પસંદ કરી જ્ઞાનદ્ેવ ચિંતનિકાનાં ભજનો તૈયાર કરવામાં આવ્યાં છે. આમાં ક્યાંક સીધો અનુવાદ છે, ક્યાંક ‘સ્વૈર સંચાર’ પણ છે.
વિનોબાજી લખે છે, ભજન વાંચતાં જે ભાવ સ્ફર્યો તે ભાવને ભજનમાં મૂકવામાં આવ્યો છે. આને આપણે સ્વતંત્ર રચના પણ ગણી શકીએ. વિનોબાજી આગળ ઉપર લખે છે તે ખૂબ મહત્ત્વનું છે. લખે છે – જ્ઞાનદેવ સાથે જેટલો એકરૂપ થઈ શક્યો છું એટલો બીજા કોઈની સાથે નથી થયો, તેવી મારી સમજ છે. માટે જ્ઞાનદેવ ચિંતનિકાને કોઈ મારી રચના માને તો પણ કોઈ પ્રશ્ન નથી. વિનોબાજી કહે છે, મેં મારું જેટલું ચિંતન જ્ઞાનદેવનાં ભજનોમાં તેમજ ચિંતનિકા પાછળ ઠાલવ્યું છે તેટલું ગીતાઈ અને ગીતાઈ-કોશને બાદ કરતાં કોઈ પણ વિષયમાં ઠાલવ્યું નથી.
જ્ઞાનેશ્વરે જે વાતો જ્ઞાનેશ્વરી તેમજ અમૃતાનુભવમાં નથી મૂકી તેવી કેટલીક અનુભૂતિઓ આ ભજનોમાં મૂકી છે. ઝીણવટથી જોતાં આમાં એક યોગશાસ્ત્ર છુપાયેલું છે. આનું જો અધ્યયન બરાબર ન કરાય તો કહી શકાય કે જ્ઞાનદદેવ અંગેનું આપનું અધ્યયન અધૂરું છે. બુદ્ધ, પતંજલિ, શ્રી અરવિંદ વગેરેની ધ્યાન-સાધનાની અલગ અલગ રીતો છે. વિનોબાજી કહે છે, સર્વોત્તમ ધ્યાનપ્રક્રિયા જ્ઞાનદેવ ચિંતનિકામાં મળશે.
સાધકના ધ્યાનમાં ત્રણ પ્રકારની ભૂમિકાઓ હોય છે (૧) નિર્ગુણ નિરાકાર (૨) સગુણ નિરાકાર (૩) સગુણ સાકાર. જ્ઞાનદેવનાં ભજનોમાં આ ત્રણે – ત્રૈત અને દ્વેત બધું પીગળી જાય છે. જ્ઞાનદેવના અનુભવની તો આ વિશેષતા છે. વિનોબાજી કહે છે –
यह चिन्तनिका मैंने लिखी यह कहना व्यर्थ ही है. जब मैं नहीं था तब वह लिखी गयी है. मैं होता तो आज के रुप में वह लिखी ही नहीं जाती. इस लिए मेरी नहीं ऐसी वह आज भी मुझे बार बार पढ़ने की इच्छा होती है.
મૂળ મરાઠી ચિંતનિકાનો હિંદી, ગુજરાતી, અસમિયા, કન્નડ, સંસ્કૃત આદિ ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. ગુજરાતી અનુવાદ કાન્તાબહેન – હરવિલાસ બહેનો (હરિશ્રંદ્રએ વર્ષ ૧૯૬૩માં કર્યો હતો, જે યજ્ઞ પ્રકાશને છાપ્યો હતો. અત્યાર સુધીમાં આશરે ૧૨ થી ૧૩૦૦૦ નકલો લોકોમાં પહોંચી છે. યજ્ઞ પ્રકાશન વડોદરા-૧નો સંપર્ક કરી રૂ.૮૦માં તે પ્રાપ્ત કરી શકાય છે.
ભાવનગર-સ્થિત શ્રી પિનાકીનભાઈ મકવાણાએ વર્ષ ૧૯૯૫માં વિનોબા શતાબ્દી નિમિત્તે યજ્ઞ પ્રકાશનના પુસ્તક જ્ઞાનદેવ ચિંતનિકાનાં ભજનોનું અનુષ્ટુપ અને ઉપજાતિ છંદોમાં રૂપાંતર કરીને પુસ્તક ‘જ્ઞાનદેવ ચિંતનિકા પદાવલિ’ તૈયાર કર્યું હતું. વર્ષ ૨૦૨૦માં ફરી તેને મઠાર્યું છે. પિનાર્કીન- ભાઈનો સંપર્ક મો. ૭૫૭૫૦૬૦૬૫૨ પર કરી શકાય છે.
વિનોબાજીએ ૧૫૦ ભજનોને ત્રણ વિભાગમાં વહેંચ્યા છે. (૧) સાધના (૨) ભક્તિ (૩) દર્શન. વિનોબાજી જ્ઞાનદેવ ચિંતનિકાને બ્રહ્મ-વિદ્યાનું અતિ ઉત્તમ પુસ્તક માને છે. સમગ્ર પુસ્તકનો રસાસ્વાદ કરાવવાનો આ લેખમાં હેતુ નથી પરંતુ કેટલાંક મોતી બિંદૃઓ પર નજર નાંખીશું.
ચિંતનિકાનાં અણમોલ મોતી
સાધના
- નરદેહ નામનું અણમોલ રત્ન બ્રહ્મબીજ છે.
- સવેળા જાગી મુકામે પહોંચી પ્રભુદર્શન કરો.
- બ્રહ્મદર્શન પામવા સતત સાધના કરો. કેવળ શાબ્દિક જ્ઞાન નહીં ચાલે.
- આપણા અંતરાત્મામાં રહેલા શ્રી હરિ જીવનાધાર છે, તેનું ચિંતન કરો.
- પ્રાણીમાત્રની પ્રેમપૂર્વક સેવા કરો. નિર્જીવ મૂર્તિનાં દર્શન માટેતીર્થયાત્રા ટાળો.
- ભક્તિ વિના તીર્થ, વ્રત, નિયમ વગેરે ઉપાધિરૂપ છે.
- જ્ઞાની પુરુષોના જીવનમાં બહાર અખંડ પ્રવૃત્તિ ચાલતી હોય છતાં અંતરમાં અખંડ નિવૃત્તિ હોય છે.
- શ્રદ્ધા વિના ભક્તિ નહીં અને ભક્તિ વિના મુક્તિ નહીં.
- મન એકાગ્ર કર, વન ખંખોળ મા, ઈશ્વર તો તારી પાસે જ છે.
- સંન્યાસી નિત્ય સમાજમાં હોવા છતાં એકાંત માણતો હોય છે.
- ચિત્તની સંગત છોડી, અજ્ઞાનનો સંપર્ક છોડ્યો. “सोडहम ‘નું અભિમાન પણ છોડ્યું. અંદર-બહાર ઈશ્વર જ બાકી રહ્યો એટલે છોડવાની કલ્પના પણ છોડ.
- આકાશ કરતાં યે હરિનામ વ્યાપક છે.
- વેદો, શાસ્ત્રો, પુરાણોનો સાર છે – ઈશ્વરદર્શન.
- ઈશ્વરપ્રાપ્તિના સર્વ માર્ગોમાં નામસ્મરણનો માર્ગ અત્યંત સરળ અને અચૂક છે.
- ચીતરેલો સૂર્ય પ્રકાશ દઈ શકતો નથી. વૈરાગ્યશૂન્ય સંન્યાસ કૅ અનુભવ-શૂન્ય બ્રહ્મજ્ઞાનની એ જ દશા છે.
ભક્તિ
- ઈશ્વર એક જ છે પણ ઉપાસક એની બહુવિધ રીતે ઉપાસના કરે છે.
- ઈશ્વરને માપવો એ આકાશને ગલેફ ચઢાવવા બરાબર છે.
- ઈશ્વરની વ્યાખ્યા કરવા જેટલી બુદ્ધિ દોડાવીએ તેટલો તેટલો તે વધારે જ આગળ દોડે છે. છાયા પછવાડે દોડવા જેવો ઘાટ થાય છે.
- બીજ પહેલું કે ફળ પહેલું ? જગતની રચના કેવી રીતે થઈ? કાર્ય-કારણનો સંબંધ કયા પ્રકારનો ? આવા પ્રશ્નોનો નિકાલ કદીયે આવવાનો નથી. આધ્યાત્મિક સિદ્ધાંત પ્રત્યક્ષ અનુભવ પર આધારિત હોય છે.
- દીવા-તારલા અને ચંદ્ર ભેગા થાય તો પણ દિવસ ન થઈ શકે, તે તો સૂરજથી થાય. અન્ય સાધનો અને ઈશ્વર-ભક્તિ વચ્ચે આવો જ સંબંધ છે.
- ભ્રમર ફૂલ તરફ ખેંચાય છે, તરસ્યો પાણી માટે ટળવળે છે, તેવું ઈશ્વરનું આકર્ષણ પ્રતીત થવું જોઈએ. ઈશ્વરનો ચટકો લાગવો જોઈએ.
- ઈશ્વરનાં એક ક્ષણમાં વીજળી માફક દર્શન અને એમ જ તે અલોપ થાય છે. પછી દીર્ઘકાળ પર્યન્ત ફરી દર્શન થતાં જ નથી.
દર્શન
- નિર્ગણનો ખાટલો પાથર્યો છે. એના પર સગુણની શૈયા સજી છે. એ શૈયા પર સાકાર મૂર્તિ પોઢી છે. આવું આ વિશ્વનું સ્વરૂપ છે.
- જાગૃતિમાં ક્યાંક પગલાંનો અવાજ સાંભળું છું. થાય છે, આંગણમાં કોણ બોલ્યું ? જોવા જાઉં છું તો આંગણનું થાય છે વૃંદાવન, અને માણસનો થાય છે શ્રીકૃષ્ણ !
- તમારાં ચરણ મેં જોયાં. મારું મન શાંત થયું.
- ઈશ્વર ન તો દૂર છે, ન નજીક. એને બાહ્ય જગતમાં ખોળવો એ જ ભૂલભરેલું છે.
- હું ઈશ્વરને જાણવા ગઈ તો જાણવાનું બાજુએ જ રહ્યું, પણ મારું જ અસ્તિત્વ નહીંવત્ થયું.
જ્ઞાનદ્વેવ ચિંતનિકાનાં ૧૮૭ પાનાં વાંચન મનન અને નિધિધ્યાસન કરવા જેવાં છે. વિનોબા જેવા સંત તેનું વારંવાર દર્શન-પઠન કરતા હતા. આપણે પણ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ. હવે લેખમાળાના આગળના ભાગ-૧૩માં ગાંધીજીના બલિદાન – ૧૯૪૮ જાન્યુઆરી ૩૦ – પછીના વિનોબાના જીવન અંગે જોઈશું.
-રેવારજ