છેલ્લા ઘણા સમયથી દેશ ભરમાં ભારતમાતા અને તેની જય બોલવા-બોલાવા અંગે સતત વાદ-વિવાદ ચાલ્યાં કરે છે. ભારતમાતાને આજે જુદાં સંદર્ભ સાથે જોવામાં આવે છે; ત્યારે ભારતમાતાની વધુ વ્યાપક સમજ અને વ્યાખ્યા નહેરુ આપણી સામે ‘મારું હિંદનું દર્શન’ પુસ્તકમાં રજૂ કરે છે.
– સંપાદક
ઘણી વાર હું એક સભામાંથી બીજીમાં એમ અનેક સભાઓમાં દોડી જતો અને ત્યાં આગળ હિન્દુસ્તાન અથવા ભારત વિષે વાતો કરતો. ભારત એ હિંદનું પ્રાચીન સંસ્કૃત નામ છે અને અમારી પ્રજાના પૌરાણિક આદિ પુરૂષના નામ પરથી એ પડ્યું છે.
શહેરોની સભાઓમાં હું ભાગ્યે જ એવી વાતો કરતો કેમ કે ત્યાંના લોકો કંઇક ભણેલાગણેલા હતા અને તેમને કડક અને જહાલ વાતો જેઈતી હતી. પરંતુ સરળ અને માર્યાદિત દ્રષ્ટિવાળા ખેડૂતો આગળ તો જેની સ્વતંત્રતા મેળવવા માટે અમે લડત ચલાવી રહ્યા હતા તે મહાન દેશની વાતો હું કરતો અને તેમને કહેતો કે, હિંદનો દરેક ભાગ બીજાથી ભિન્ન હોવા છતાં તે હિંદનું જ એક અંગ છે, ઉત્તરમાં તેમ જ દક્ષિણમાં, પૂર્વમાં તેમ જ પશ્વિમમાં વસતા બધાયે ખેડૂતોના પ્રશ્નો એક જ છે અને જે સ્વરાજને માટે અમે લડી રહ્યા છીએ તે થોડાક લોકો માટે નહીં પણ સૌ હિંદીઓ માટે અને હિંદના દરેક ભાગને માટે છે.
હું તેમને કહેતો કે, છેક વાયવ્યમાં ખૈબરઘાટથી માંડીને દક્ષિણમાં ઠેઠ કન્યાકુમારી સુધીના મારા પ્રવાસો દરમ્યાન બધી જગ્યાઓના ખેડૂતો મને એકના એક સવાલો પૂછતા કેમ કે ગરીબાઈ, દેવું, સ્થાપિત હિતો, જમીનદાર, શાહુકાર, ગણોત તથા કરનો ભારે બોજો, પોલીસની કનડગત ઈત્યાદિ એમની મુશ્કેલી સર્વત્ર એક જ જાતની હતી;
એ બધી મુશ્કેલીઓ પરદેશી સરકારે આપણા પર ઠોકી બેસાડેલા તંત્ર સાથે વણાયેલી હતી અને એમાંથી રાહત પણ સૌને માટે આવવી જોઈએ. મેં તેમને સમગ્ર હિંદ વિષે અને જેના આપણે એક ભાગ છીએ તે વિશાળ દુનિયા વિષે પણ કંઇક અંશે વિચાર કરતા કરવાનો પ્રયત્ન કર્યો.
મેં તેમને ચીન, સ્પેન, એબિસીનિયા, મધ્ય યુરોપના દેશો, મિસર તથા પશ્ચિમ એશિયાના દેશોમાં ચાલી રહેલી લડતોની પણ થોડી વાતો કરી. સોવિયેટ રશિયામાં થયેલા અદ્ભુત ફેરફારો તથા અમેરિકાએ કરેલી ભારે પ્રગતિની વાતો પણ મેં તેમની આગળ કરી. મારું આ કામ સહેલું નહોતું; છતાં મેં ધાર્યું હતું એટલું એ મુશ્કેલ પણ નહોતું.
કેમ કે, જેનું તેમને સારી પેઠે જ્ઞાન હતું તે પ્રાચીન મહાકાવ્યો, પુરાણો અને પરંપરાગત લોકકથાએએ તેમને પોતાના દેશના ખ્યાલનો પરિચય કરાવ્યો હતો અને એમાંના કેટલાક લોકોએ યાત્રાને અર્થે દેશના એક છેડાથી બીજા છેડા સુધી પ્રવાસ કરીને તેના ચાર ખૂણાઓ પર આવેલાં મોટા જાત્રાનાં ધામોની પણ મુલાકાત લીધી હતી.
અથવા પહેલા મહાયુદ્ધમાં કે બીજી ચડાઈઓમાં પરદેશોમાં નોકરી કરી આવેલા અને નોકરીમાંથી નિવૃત્ત થયેલા સૈનિકો પણ એ સભાઓમાં આવતા હતા. ૧૯૩૦ની સાલ પછી શરુ થયેલી ભારે આર્થિક મંદીના પરિણામને કારણે પણ પરદેશો વિષેના મારા ઉલ્લેખો તેઓ સમજી શકતા હતા.
સભાના સ્થળે હું પહોંચતો ત્યારે કેટલીક વાર भारत माता की जय ગગનભેદી પોકારથી મારું સ્વાગત ફરવામાં આવતું. કોઈક વાર અચાનક જ હું તેમને પૂછતો કે, એ પોકારનો તમે શો અર્થ સમજો છો? જેનો જય થાય એમ તમે ઈચ્છો છો તે ભારતમાતા કોણ છે? મારો પ્રશ્ન સાંભળીને તેઓ રમૂજમાં આવી જઈ ને હસતા અને આશ્ચર્ય પામતા અને એનો શો જવાબ આપવો તેની બરાબર ખબર ન હોવાથી તેઓ અંદરોઅંદર એકબીજાની તરફ અને પછી મારી તરફ જેઈ રહેતા.
પણ હું પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખતો. છેવટે, અનંત પેઢીઓથી જેના પૂર્વજો ભૂમિને ખોળે ઊછરતા આવ્યા હતા એવો એક કદાવર જાટ કહે કે એનો અર્થ આ ધરતી છે, એમ અમે સમજીએ છીએ. પણ કઈ ધરતી? તમારાં ગામની ધરતીનો ટુકડો કે તમારા જિલ્લા યા પ્રાંતની ધરતીના એવાં બધા ટુકડા કે પછી આખા હિંદની ધરતી?
આમ સવાલ-જવાબોની પરંપરા ચાલતી અને છેવટે અધીરા થઈને તેઓ એને વિષે બધુંયે કહેવાને મને જણાવતા.
હું એમ કરવાનો પ્રયત્ન કરતો અને તેમને સમજાવતો કે, તમે જે વિચારો છો તે બધાનો હિંદમાં અથવા ભારતમાં સમાવેશ થાય છે પણ તે એનાથીયે વિશેષ છે. હિંદના પર્વતો અને નદીઓ અને આપણને ખોરાક પૂરો પાડનારાં જંગલો તથા ખેતરો આપણને વહાલાં છે પણ આખરે તો આ વિશાળ દેશના એક છેડાથી બીજ છેડા સુધી વસતા તમારા અને મારા જેવા લોકો એટલે કે સમસ્ત હિદની પ્રજા એ જ મહત્વની છે. ભારતમાતા તત્વત: હિંદની કરોડોની બનેલી આમજનતા છે અને એનો જય એટલે કે એ જનતાનો જય.
મેં તેમને કહ્યું કે, એ ભારતમાતામાં તમારો સૌનો સમાવેશ થાય છે અને એક રીતે તમે પોતે જ ભારતમાતા છો. અને આ વસ્તુ ધીમે ધીમે તેમને ગળે ઊતરતી અને એ વખતે પોતે જાણે કંઈ ભારે શોધ કરી હોય એમ તેમની આંખો ચમકી ઊઠતી.
– જવાહરલાલ નહેરુ

ભારત માતાનું માનવીય સ્વરૂપ અવનીન્દ્રનાથ ટાગોરે 1905માં બનાવેલા ચિત્રમાં જોવા મળે છે, જેમાં ભારતમાતાને મહિલા સન્યાસીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યાં છે.
જેમના હાથમાં શ્વેત વસ્ત્ર, માળા, પુસ્તક અને ધાનની પૂળી જોઈ શકાય છે.