ગાંધીજી રાષ્ટ્રપિતાનું બિરુદ પામ્યા કારણકે તેમણે પોતે અથવા અનુયાયી કાર્યકરો દ્વારા ભારતના ખૂણે ખૂણે સામાન્ય માણસ સુધી પહોંચવા પ્રયત્ન કર્યો. ગયા વર્ષે ભારતે આતંકવાદ વિરોધી અભિયાનના ભાગરૂપે હાલ પાકિસ્તાનમાં આવેલ બાલાકોટમાં હવાઈ હુમલા કર્યા. તે આ પ્રદેશ ધ્યાનમાં આવ્યો.
પરંતુ આજથી લગભગ ૮૦ વર્ષ પહેલાં ગાંધીના અંતેવાસી મીરાબહેન(મેડેલીન સ્લેડ) આપણી સામે આજ પ્રદેશનું વિભાજન પહેલાનું જરા જુદું ચિત્ર રજૂ કરે છે. આમ તો ઈતિહાસમાં જે બન્યું તેનો જ અભ્યાસ કરવામાં આવે છે… એક ઘડી એ વિચાર ચોક્કસ આવે કે મીરાબહેન-બાદશાહ ખાનના પ્રભાવ હેઠળ આ પ્રદેશમાં ગાંધીનું રચનાત્મક કામ વિકસ્યું હોત તો આજે ત્યાં કેવી પરિસ્થિતિ હોત?!
સંપાદક
સૈન્યનો ઇતિહાસ લખનાર માટે બાલાકોટ એક એવી જગ્યા છે કે જ્યાં ૧૮૩૧માં મહારાજા રણજીતસિંહ અને સૈયદ અહમદ બરેલવીની સેના વચ્ચે મોટું યુદ્ધ થયું હતું. જ્યારે સામાન્ય વ્યક્તિ માટે બાલાકોટ જાણીતું બન્યું ફેબ્રુઆરી ૨૦૧૯માં, જ્યારે ભારતીયસેના દ્વારા જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગકેમ્પ પર હુમલો કરવામાં આવેલો.
આ લેખનો વિષય પણ બાલાકોટ જ છે પરંતુ એનો સંબંધ એક ત્રીજી ઘટના સાથે છે, જે બાકીની બે ઘટનાઓ વચ્ચેના સમયગાળામાં બની હતી. મે ૧૯૩૯માં એક મહાન દેશભક્તે બાલાકોટ અને એની આસપાસના પ્રદેશની યાત્રા કરી. આ ભારતીયએ પોતાની ડાયરીમાં આ પ્રદેશના ભૂગોળ અને લોકો વિશેનું વર્ણન લખ્યું છે. હાલમાં જ મને એમની અપ્રકાશિત ડાયરી આર્કાઇવસમાંથી મળી આવી.
આ ભારતીય દેશભક્તનું નામ ક્યારેક મેડલીન સ્લેડ હતું. તેઓ એક અંગ્રેજ એડમિરલના દીકરી, જે આગળ જતાં મહાત્મા ગાંધીના અનુયાયી બન્યા અને અમદાવાદ અને સેવાગ્રામ સ્થિત આશ્રમોમાં રહ્યા. તેમણે પોતાનું નામ મીરા રાખ્યું હતું. ભારત માટે એટલો પ્રેમ હતો કે તેમણે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો અને ઘણા લાંબા સમય સુધી જેલમાં રહ્યા. મીરાબહેને શોષિતના હક માટે રાષ્ટ્ર અને વંશની દીવાલ તોડી દીધી હતી. ભારતીય સ્વતંત્રતા અંદોલન સમયના સાહિત્યમાં તેમને ખૂબ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.
હું મીરાબહેન વિશે ઘણું જાણું છું, તેમ છતાય મને હાલમાં જ ખબર પડી કે તેમણે ૧૯૩૯માં બાલાકોટનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ભારત અને પાકિસ્તાન અલગ રાષ્ટ્રો ન હતા. બાલાકોટ બ્રિટિશ ભારતના નોર્થ વેસ્ટ પ્રોવિન્સમાં આવતું હતું. આ પ્રદેશમાં ખુદાઇ ખિદમતગાર નામનો એક સમૂહ પણ સક્રિય હતો. એની કમાન એવા વ્યક્તિના હાથમાં હતી જે મીરાબહેન કરતાં પણ ગાંધીના મોટા અનુયાયી હતા. એમનું નામ અબ્દુલ ગફ્ફાર ખાન હતું. એમને પોતાના નૈતિક બળ વડે સામાન્ય રીતે આક્રમક માનસ ધરાવતા પઠાણોને અહિંસા અને સહિષ્ણુતાના પાઠ ભણાવ્યા.
૧૯૩૯ની વસંત ઋતુની વાત છે. ગાંધીજીએ મીરાબહેનને ફ્રંટિયર પ્રોવીન્સ મોકલ્યા. તેમનો હેતુ એ વિસ્તારમાં ચરખા કાંતણ અને વણાટના પ્રસારનો હતો .એ યાત્રા દરમ્યાન મીરાબહેન એબટાબાદ(જ્યાં અમેરિકના નેવી સિલ્સે ઓસામા બિન લાદેનને માર્યો હતો)ના રસ્તે બાલાકોટ ગયા હતા. મીરાબહેન પોતાની ડાયરીમાં એ યાત્રાનું વર્ણન કંઇક આ રીતે કરે છે: ‘ગામ-ખેતરોની ચારે બાજુ અને પાણીના નાળાઓના કિનારે લીલાછમ વૃક્ષો દેખાય છે. પહાડોના ઢોળાવો પરના પગથિયાં આકારના ખેતરો દરિયાના મોજા જેવા દેખાય છે, જેમાં ભૂરા અને લીલા રંગોની વિવિધતાના દર્શન થાય છે. આ નાની દુનિયા વાદળી પહાડીઓથી ઘેરાયેલી છે જેની પેલે પાર વિશાળ હિમશિખર છે.”
બાલકોટ જતા અડધે રસ્તે પહોચ્યા પછી મીરાબહેન અને એમના ખુદાઇ ખિતમતગાર સાથી એક જગ્યાએ રાત વિતાવા રોકાયા. બીજા દિવસે સવારે જલદી ઊઠીને મીરાબહેન ચાલવા ગયા. એમણે લખ્યું કે, ’ખેતરોમાં કામ શરૂ થઈ ગયું હતું. મકાઈનો પાક ખળામાં હતો અને સાથે તેની વાવણીનું કામ ચાલી રહ્યું હતું. જ્યારે તે પોતાને ઠેકાણે પાછા પહોંચી રહ્યા હતા ત્યારે તેમને કોયલનો મીઠો કલરવ સંભળાયો.’
નાસ્તો કર્યા પછી મીરાબહેન અને એમના સાથી બાલકોટ તરફ રવાના થઈ ગયા. રસ્તામાં તેમને વન વિભાગનો એક બંગલો દેખાયો. જે જોઈને મીરાબહેનને વિચાર આવ્યો કે ‘આ જગ્યાએ બાપુજી થોડો આરામ કરી શકે છે.’ તે બંગલો ૩૯૦૦ ફૂટની ઊંચાઈ પર અને આરામદાયક હતો: ‘જંગલ વચ્ચે એકલી ઇમારત હતી જેની પાછળ હિમ શિખર હતું અને નીચે પર્વતો અને ઘાટીઓ, આ ઘણું આકર્ષક રહેઠાણ હતું. પરંતુ ત્યાં પાણીની તંગી હતી.’ (ગાંધી ગયા વર્ષે ફ્રંટીયર પ્રોવિન્સે આવ્યા હતા અને પછી અહીની યાત્રા વિશે વિચારી રહ્યા હતા. પરંતુ તે થઈ ન શક્યું. જ્યારે આજે આ વિચારીને ને જ અજબ લાગી રહ્યું છે કે બાલાકોટની આટલી નજીક આવેલા બંગલામાં સ્વાસ્થ્ય લાભ લઇ શકતા હતા.)
બાલાકોટ ગામનો રસ્તો કુનહર નદીની ઘાટીમાંથી પસાર થાય છે. રસ્તો ‘સાંકડો’ અને ‘ખરાબ’ હતો. ‘સીધું ચઢાણ અને વળાંકો’ હતા. ખાડા અને વળાંકવાળા રસ્તા પર ગાડી બહુ જ મુશ્કેલીથી ચાલી રહી હતી. મીરાબહેને લખ્યું છેકે તેઓ ત્યાંની સુંદરતામાં ખોવાઈ ગયા હતા . તેમના શબ્દો છે, ‘જોકે રસ્તો નદીના ડાબા કિનારાની સાથે સાથે ચાલતો હતો અને બરફના પહાડોમાંથી નીચે આવી રહેલી એ નદીનું સ્વરૂપ ખૂબ જ રૌદ્ર હતું. પહાડના ઢોળાવો પરથી ઝડપથી નીચે ઊતરતી અને કેટલાય વળાંકોને અથડાઈને આવતી નદીમાં એવી વિશાળ લહેરો ઉઠી રહી હતી કે જેવી સાબરમતીમાં પૂર દરમ્યાન ઉઠતી હોય છે. એના કિનારા પર જ્યાં-ત્યાં વિશાળ વૃક્ષોના થડ પડેલા હતા જે તેના પ્રવાહમાં આવી ગયા હતા.’
પોતાની મંઝિલ પર પહોચીને પણ મીરાબહેને તે સ્થાનનું જીવંત વર્ણન કર્યું છે. તેમણે લખ્યું છે કે, ’બાલાકોટ એક નાની પહાડીની એક બાજુએ વસેલું મોટું અને નજીક-નજીક વસેલું(ગીચ) ગામ છે જે મધમાખીના મધપૂડા જેવુ લાગે છે. તે કંગન ઘાટીના મુખ પર વસેલું છે. અહી કોઈ જ રસ્તા નથી. માત્ર પથ્થરોથી બનેલી પગદંડીઓ છે જે આમ તો પગથિયાં જેવુ વધારે લાગે છે. ઘણીવાર તે રસ્તાઓમાંથી પાણીની કોઈક ધારાઓ પસાર થતી હોય છે. બજાર પણ જરા ગીચ છે અને નીચેના ઘરની છત ઉપર આવેલા ઘર માટે પાયાનું કામ કરે છે. બજારમાં ઘણા હિન્દુ અને શીખ દુકાનદારો છે.’
બાલાકોટની ઘાટી, કુનહર નદી, બાલાકોટ
મીરાબેહેનને કહેવામાં આવ્યું હતું કે બાલાકોટમાં રહેનારા ગુજજર કાંતણ અને વણાટ કરે છે અને બહુ જ સારા ધાબળા બનાવે છે. પરંતુ તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ગુજ્જરો ત્યાં ન હતા. વસંત ઋતુને કારણે તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઊંચા પહાડોમાં ગોચર તરફ જતાં રહ્યા છે. તેમની સાથે આવેલ ખુદાઇ ખિદમતગારના નેતા અબ્બાસ ખાનના કહેવાથી ગુજજરોને ખબર મોકલતા તેમનામાથી કેટલાક નીચે(ઘાટીમાં) એટલે કે ગામમાં આવ્યા પછી મીરાબહેને એમને કામ વિશે વાતચીત કરી.
બાલાકોટથી મીરાબહેન અને તેમના સાથીઓ વધુ ઊંચા પહાડો તરફ ગયા. તેઓ ભોગરમંગ નામના ગામમાં રોકાયા. અહી સરસ રીતે તૈયાર થયેલા ડાંગરના ખેતરો હતા અને ગામ લોકો વણાટ અને મધમાખી પાલનનું કામ કરતાં હતા. મીરાબહેન તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા. પરંતુ મહત્વની વાત એ હતી કે જેના અંગે તેમણે પોતાની ડાયરીમાં લખ્યું છે કે, ‘જે બાબતની મને સૌથી વધારે ખુશી છે તે છે હિન્દુ-મુસ્લિમ એકતા…એક હિન્દુ પરિવાર, જેમના વડીલ, શ્વેત કેશધારી, ગામના જુવાન ખાન સમુદાય સાથે ખૂબ જ પ્રેમથી રહેતા હતા. લોકોનું કહેવું હતુ કે આ વ્યક્તિ, તેમના પિતા અને દાદાના મિત્ર રહ્યા છે અને બંને સમુદાયો વચ્ચેનો સંબંધ હંમેશા પરસ્પર સહયોગ અને એકબીજાનું ધ્યાન રાખવાનો રહ્યો છે.’ આ સાંભળીને મીરાબહેન આગળ લખે છે, ’સ્વાભાવિકપણે મારા હૃદયમાં પ્રાર્થના ઉઠી કે કોઈ નેતા આ નાનકડા ગામ ન પહુંચે, અને અહીંના સહજ જીવન પર ગ્રહણ ન લગાડે.’
હિન્દુ-મુસ્લિમ એકતાની મિસાલ સમું આ ગામ મીરાબહેનની યાત્રાનો છેલ્લો પડાવ હતો. બીજી સવારે તેઓ એબટાબાદ પાછા ફર્યા. સપ્ટેમ્બર ૧૯૩૯માં યુરોપમાં જે વિશ્વયુદ્ધ છેડાયું તેણે ઈતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. ભારત માટે આ લડાઈનું એક પરિણામ એ હતું કે હિન્દુ અને મુસલમાન વચ્ચેની ખાઈ વધારે પહોળી થઈ. મીરાબહેનને જે આશંકા હતી તેમ આ આગને નેતાઓ જ વધારે ભડકાવી રહ્યા હતા. જે બંને તરફથી ઘણી મોટી સંખ્યામાં હતા. યુદ્ધ જેમ-જેમ આગળ વધતું ગયું, ફ્રંટિયર પ્રોવીન્સમાંથી ગફ્ફારખાનની પાર્ટીનો આધાર ઝડપથી ઓસરતો ગયો અને મુસ્લિમ લીગનો પ્રભાવ વધતો ગયો. તેની સાથે સાંપ્રદાયિક સહિષ્ણુતા પૂરેપૂરી ખલાસ થઈ ગઈ. જોકે અહીંયા ઓગસ્ટ ૧૯૪૭ જેવા ખૂની દંગા તો નથી થયા. જેવા પંજાબમાં થયા હતા. પરંતુ ત્યાં રહેનારા હિન્દુ અને શીખોએ પાકિસ્તાન છોડીને ભારતમાં શરણ લેવી પડી.
જે બાલાકોટમાં મીરાબહેન ૧૯૩૯માં ગયા હતા તે આજે તો સાવ જ બદલાઈ ગયું છે. હવે અહીંનું વાતાવરણ બહુધાર્મિક રહ્યું નથી. એના બદલે અહિયાં ઇસ્લામીક કટ્ટરવાદને જ પ્રોત્સાહન આપવા વાળા જિહાદીઓના ટ્રેનીગ કેમ્પ છે. બાલાકોટના દ્રશ્યો પણ ઘણા બદલાઈ ગયા હશે જેવા દક્ષિણ એશિયાના બીજા પર્વતીય વિસ્તારોમાં થયું છે, જ્યાં જંગલ ઝડપથી ઘટી રહ્યા છે અને પથ્થર અને લાકડાના સુંદર મકાનોની જગ્યા કોંક્રીટના કદરૂપા ઢાંચાઓએ લઈ લીધી છે. બાલાકોટની સ્થાનિક શિલ્પ કળાઓ પણ વિલુપ્તિને આરે પહોંચી ગઈ હશે.
આ લેખમાં આપણે ઐતિહાસિક સ્મૃતિના એક ભાગની વાત કરી. પરંતુ છેલ્લે હું એ બાબત પર વિચાર કરવા માંગુ છું કે એ ભૂતકાળ પાસેથી આપણે વર્તમાનમાં શું બોધ લઈ શકે છે? નોર્થ વેસ્ટ ફ્રાંટિયર પ્રોવીન્સને આજે ખૈબર પખ્તૂનખ્વા કહેવામા આવે છે જ્યાં મુઠ્ઠીભર જ હિન્દુ અને શીખ રહ્યા છે. જ્યારે ભારતના મોટાભાગના રાજ્યોમાં મુસ્લિમ અલ્પસંખ્યકોની સંખ્યા નોંધપાત્ર છે. શું આપણે આશા રાખી શકીએ કે આ દેશના ગામડાઓમાં હિન્દુઓ અને મુસલમાન વચ્ચે પરસ્પર સહયોગ અને એકબીજાનો ખ્યાલ રાખવાનું વાતાવરણ બનાવી શકાશે? કે પછી આપણાં ‘નેતાઓ’ એવું નહીં થવા દે?
રામચંદ્ર ગુહા(ટેલિગ્રાફમાં પ્રકાશિત લેખનો અનુવાદ)

રામચંદ્ર ગુહા જાણીતા ઈતિહાસકાર તેમજ કટાર લેખક છે. હાલના સમયમાં તેઓ ગાંધીજીના જીવનચરિત્રકાર તરીકે વિશેષ જાણીતા છે.
તેમના સંશોધનના વિષયોમાં પર્યવરણ, રાજકીય, સામાજિક, અર્થતંત્ર, સમકાલીન બાબતો તેમજ ક્રિકેટના ઇતિહાસ જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમનું છેલ્લું પ્રકાશિત પુસ્તક ‘ગાંધી: ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ’ છે.