ગાંધીજી પાસેથી શીખવા જેવી કળા : મતભેદ કેવી રીતે દૂર કરવા

આ વિષયની વાત એક પ્રસંગથી શરૂ કરીએ. 30 ઓક્ટોબર ૧૯૪૭ની વાત છે. એ દિવસોમાં ગાંધીજી દિલ્હીમાં ઘનશ્યામદાસ બિરલાના બંગલે રહેતા હતા. તે બંગલાના બગીચામાં રોજ સાંજે ગાંધીજીના નેતૃત્વમાં સર્વ-ધર્મ પ્રાર્થના થતી. હિન્દુ, શીખ, ઈસાઈ, મુસલમાન, પારસી, જૈન, બૌદ્ધ પ્રાર્થનાઓ સાથે મળીને કરવાની પ્રણાલી દક્ષિણ આફ્રિકામાં ગાંધી દ્વારા સ્થાપિત ફિનિક્સ આશ્રમથી ચાલી આવતી.

તે દિવસે પ્રાર્થના શરૂ થતાં પહેલા જ તે સભામાં આવેલ એક વ્યક્તિ એ કુરાનની પંક્તિઓને પ્રાર્થનામાં સમાવેશ કરવાનો વિરોધ કર્યો. તે અંગે એક તીવ્ર મતભેદ સામે આવ્યો.

આવી પરિસ્થિતિમાં આપણે શું કરીએ?

શું તે વિરોધ કરનાર વ્યક્તિને સર્વ-ધર્મ પ્રાર્થનાનું મહત્વ સમજાવાનો પ્રયત્ન કરીએ?

શું તમે મોટા ભાગના વ્યક્તિઓ સર્વ-ધર્મ પ્રાર્થના કરવા માંગે છે અને તેઓ કુરાનની પંક્તિઓને સમાવવી જરૂરી છે તેવું માને છે, તેથી તે વ્યક્તિની વાત સાંભળવાની ના પાડી દઈએ?

શું બળ પ્રયોગ કરીને તે વ્યક્તિને ત્યાંથી કાઢી મુકીએ?

કે શું વિરોધ કરનારની વાત માનીને સર્વ-ધર્મ પ્રાર્થનાની રૂપરેખા બદલવા લાગી જઈએ?

દરેકનો અલગ-અલગ દૃષ્ટિકોણ હોવાથી આવા કેટલાય મતભેદ થઈ શકે છે. સવાલ એ છે કે આ અંગે ગાંધીજી એ શું કર્યું? તે દિવસે વિરોધ કરનાર વ્યક્તિ સાથે ગાંધીજીએ કેવું વર્તન કર્યું?

કુરાનને પ્રાર્થનામાં સમાવેશ કરવા અંગે વિરોધ કરવામાં આવ્યો, તે અંગે ગાંધીજી એ સૌ પ્રથમ તો દુ:ખ વ્યકત કર્યું. ગાંધીજી એ કહ્યું કે એ સભામાં બધાનું સ્વાગત છે પરંતુ ત્યાં આવીને આવો વિરોધ કરવો તે સભ્ય વ્યવહાર નથી.

ગાંધીજી માટે આ મતભેદ માત્ર નહોતો. કુરાનનો વિરોધ કરનાર વ્યક્તિ ગાંધીજીના સૌથી ઊંડા અને ગંભીર વિશ્વાસને ઠેસ પહોચાડી રહ્યો હતો. જે મુજબ દરેક ધર્મ પરમાત્માની ઉપાસના કરવા માટેનાં અલગ-અલગ રસ્તાઓ છે.

તેમ છતાય ગાંધીજીનું ધ્યાન એ બાબત પર પણ હતું કે એ વ્યક્તિના હૃદયમાં કેટલી પીડા હશે કે જે કારણે તે વિરોધ કરતો હશે. પણ ગાંધીજી તેમના દૃઢ વિશ્વાસથી ચલિત ન થયાં. તેમણે કહ્યું કે, ‘હું મજબૂર છું, કુરાનની પંક્તિઓ મારી પ્રાર્થનાનું અભિન્ન અંગ છે.’ તે વાતને લઈને જે મતભેદ હતો તે તેમને સ્વીકાર હતો – ‘જો તે મતભેદ સંપૂર્ણપણે અહિંસક રીતે વ્યક્ત થતો હોય.’

આવી પરિસ્થિતિઓમાં આપણે શું કરવું જોઈએ? મારો કહેવાનો અર્થ એમ નથી કે આપણે આ વાર્તાની સરળ રીતે નકલ કરવી જોઈએ. પણ આ પ્રસંગ મતભેદને દૂર કરવાની કળા માટે કેટલાક સંકેતો ચોક્કસ આપે છે.


તમને આ પણ વાંચવું ગમશે


આના ઊંડાણમાં જતાં પહેલા કેટલીક મૂળભૂત બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. માણસો માટે મતભેદ અનિર્વાય અને સ્વાભાવિક છે. વિચારોની વિભિન્નતા અને મતભેદનો ઉકેલ લાવવાથી માનવજાતિનો વિકાસ થયો છે. એટલે જ આજકાલ જ્યારે કેટલાક લોકો મતભેદને લીધે બીજાને મારવા પર ઉતરી જાય ત્યારે આપણે ચિંતા કરીએ છીએ. સોશિયલ મીડિયા પર મતભેદોને લઈને જે ક્રૂરતા ફેલાઈ છે તેની યાત્રા ભલે નવી લાગતી હોય પણ આ સમસ્યા જૂની છે.

માનવ ઈતિહાસમાં મતભેદોને કારણે ઘણી ઘટનાઓ બની છે. મતભેદને લીધે કેટલાક લોકોની હત્યાઓ થઇ છે. મતભેદને ચીસો પાડી-પાડીને વ્યક્ત કરી; બીજાને ડરાવી, ધમકાઇ શકાય છે. જે વ્યક્તિ સાથે મતભેદ હોય તેને નજર-અંદાજ કરવામાં આવે છે, જેથી તેની વાત દેખાય કે સંભળાય નહીં. આ બધામાં એક અલગ રસ્તો એ પણ છે કે જેમાં મતભેદ વ્યકત કરનાર વ્યક્તિને શાંતિથી સાંભળીને સંવાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવે .

આજના આ સમયમાં, ભારતમાં કેટલાય લોકોને એવું લાગી રહ્યું છેકે ધર્મ અને જાતિ ને લઈને હિંસક મતભેદ થઈ રહ્યા છે. જો કે ઈતિહાસમાં જે જગજાહેર કત્લે આમ થઈ છે તે ધર્મને આધાર નહીં પરંતુ ભિન્ન રાજનૈતિક વિચારધારાઓને કારણે થઈ છે. ઉદાહરણ તરીકે સ્ટેલિન અને ટ્રોટ્સ્કી બંને માક્સવાદી હતા, બંને એ રશિયન ક્રાંતિમાં મહત્વનો ફાળો આપ્યો હતો પરંતુ જ્યારે સત્તા પુરેપુરી સ્ટેલિનના હાથમાં આવી ગઈ અને પછીના વર્ષોમાં ટ્રોટ્સ્કી સાથે મતભેદ થઈ ગયા, તો સ્ટેલિન એ પહેલા તો ટ્રોટ્સ્કીને દેશનિકાલ કર્યો અને થોડાક વર્ષો પછી તેની હત્યા કરાવી.

નથુરામ ગોડસે અને ગાંધીજી બંને દેશપ્રેમી હતા. પણ ગોડસે ગાંધીજીના દૃષ્ટિકોણ સાથે એટલો ઊંડો મતભેદ ધરાવતા હતા કે તેમની હત્યા કરી નાખી. આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં ગોડસેની પ્રંસંશા સામાન્ય વાત બની ગઈ છે. જે લોકો ગોડસેની પ્રસંશા કરતાં હોય છે એ લોકો તે વ્યક્તિ સાથે સંમત થતાં હશે જેણે કુરાનને પ્રાર્થનામાં સમાવવાનો વિરોધ કર્યો હતો. સામાન્ય પણે આને રાજનીતિક મતભેદ માનવમાં આવે છે. એક બાજુ હિંદુત્વવાદીનો મત અને બીજી તરફ એવા લોકો છે જે માને છે કે ગોડસે એ સ્વતંત્રતા અંદોલનની વિરાસતને દગો આપ્યો.

૩૦ જાન્યુઆરીની તારીખ, આ વિવાદ-ગંભીર મતભેદની યાદ અપાવે છે. સામાન્યપણે એવું માનવમાં આવે છે કે ગાંધીજીને એટલે મારવામાં આવ્યા હતા કેમકે તેઓ સર્વધર્મ સમભાવને પ્રિય માનતા હતા. પણ શું આજ બાબત મુખ્ય હતી? કોણ ‘સાચો’ હિન્દુ છે- શું તેજ મુખ્ય મુદ્દો હતોને આજે પણ  છે? મારી માન્યતા પ્રમાણે ગાંધીજીનો હત્યારો મુખ્ય રૂપે મતભેદ દૂર કરવાની આ કળા પર હુમલો કરવા ઈચ્છતો હતો. આ કળાનો સાર માત્ર એટલો જ છે કે મતભેદ, મનભેદ ન જ બને. આજે આપણા સમાજની સામે સૌથી મહત્વપૂર્ણ પડ્કાર એ છે કે મતભેદને મનભેદ બનતા કેમ રોકી શકીએ. જે મતભેદ છે એને આપણે સભ્ય રીતે કેમ કરી ઉકેલીએ. ગાંધીજી પાસેથી આપણે મતભેદ ઉકેલવાની કળા અંગે શું બોધ મેળવી શકીએ?

પહેલી વાત એ છે કે ગાંધીજી પોતે પણ જીવનભર મતભેદને દૂર કરવાની આ કળામાં પોતાને સક્ષમ બનાવવાનો પ્રયત્ન કરતાં રહ્યા. તેઓ હંમેશા તેમાં સફળ રહ્યા તેવું નથી. પરંતુ તેનાથી આપણને પણ તે રસ્તે ચાલવાની પ્રેરણા મળ્યા કરે છે, તાકાત મળે છે. ગાંધીજી પણ આપણાં બધાની જેમ સંઘર્ષશીલ  માણસ હતા. તે વાતનું સૌથી જાણીતું ઉદાહરણ ‘પૂના પેક્ટ’ છે. જેને લઈને ગાંધી અને બાબાસાહેબ આંબેડકર વચ્ચે મતભેદ હતો. ગાં

ધીજીના લાંબા ઉપવાસને લીધે બાબાસાહેબને પોતાનો મત છોડવો પડ્યો હતો. ગાંધીજીનું કહેવું હતું કે ઉપવાસ તેમણે પોતાની આત્મશુદ્ધિ માટે કર્યો હતો, પણ બાબાસાહેબને તે જબરદસ્તી અને દબાણ રૂપી લાગ્યો. આ મતભેદ ઉકેલની કળાનું સફળ ઉદાહરણ સાબિત નથી થતું, પણ તેમ છતાં હું આગ્રહપૂર્વક કહું છું કે આપણે ગાંધીજી પાસેથી આ કળા શીખી શકીએ છીએ.

પહેલી વાત – બીજાના મત, તેના વિચાર સાથે હંમેશા જોડાણ જરૂરી છે.

બીજી વાત – પોતાના મત પર દૃઢ રહીને આ કરવું શક્ય છે.

ત્રીજી વાત – આ કરવા માટે આપણે બીજાને ઊંડાણથી સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. આ ત્યારે જ સંભવ બની શકે છે જ્યારે આપણે તેની વાત પાછળની સમસ્યા અને ભય સમજી શકીએ.

પરંતુ આ લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત કરી શકીશું જ્યારે આપણે બીજાના સહયોગથી પોતાને સક્ષમ બનવા દઈએ. જો આપણું ધ્યેય બીજા પર હાવી થવાનું હોય, એમને પોતાની તાકાતથી નીચા દેખાડવાનું હોય, તો પછી મતભેદને આ રીતે જોવાનું શક્ય ન બની શકે. જ્યારે આવું થાય છે તો મતભેદ, મનભેદ બની જાય છે અને તેનાથી ઘર્ષણ તેમજ હિંસા ફેલાવા લાગે છે.

જો તમારે મતભેદ દૂર કરવાની કળાને સમજવી હોય તો યાદ રાખવું જોઈએ કે આ કળા બહુ જૂની છે. આપણી દેશની અનેક પરંપરામાંથી પ્રેરણા લઈને ગાંધીજી એ સમજ્યા હતા કે જીવનના જે શાશ્વત મૂલ્યો છે તેમના રસ્તાઓ એક જ દિશામાં જાય છે-કેમકે પરમ સત્ય એક જ છે. આ તર્ક જ્યારે તમારો આધાર હોય ત્યારે દુનિયાના સ્થૂળ મતભેદ નાના અને ઉકેલવામાં સરળ રહે. આ જ મૂળભૂત સત્ય ના આધાર પર ગાંધીજી કહ્યા કરતાં હતા કે અહિંસામાં હિંસાથી વધુ તાકાત રહેલી છે. જો આપણી આસપાસ હિંસા વધી રહી છે તો તે એટલા માટે કે આપણે સાચી અહિંસાની સાધના કરતા નથી.

એટલે જ ૩૦ ઓક્ટોબર ૧૯૪૭ની પ્રાર્થના સમયે કુરાનનો વિરોધ કરનારને જ્યારે બાકીના લોકોએ રોક્યો તો ગાંધીજીને લાગ્યું કે આ પણ એક પ્રકારની હિંસા છે અને તે દિવસે પ્રાર્થના કરવાનો ઇનકાર કરી દીધો. પણ તેઓ જાણતા હતા કે એક વ્યક્તિના બોલવાને લીધે ૩૦૦ લોકોને નિરાશ કરવા તે પણ એક પ્રકારની હિંસા છે. તો બીજા દિવસે પૂરી પ્રાર્થના કરવાનો વાયદો કર્યો અને જો ફરીથી વિરોધ થાય તો તે સમયે ગુસ્સે થયાં વિના તેને સહન કરવાની તૈયારી પણ રાખી.

જે પક્ષ બહુમતમાં હોય તેની વિશેષ જવાબદારી હોય છે કે બીજા,અલ્પ-સંખ્યક મતવાળા  સાથે હિંસા ન થાય. સૌથી મહત્વપૂર્ણ વાત એ હતી કે ગાંધીજી એ કુરાનના સમાવેશ કરનાર સાથે મળીને વાત કરવાનું આમંત્રણ આપ્યું. એજ આધાર પર સર્વ-ધર્મ પ્રાર્થના બીજા દિવસે થઈ અને ગાંધીજી એ લોકોનો આભાર માન્યો જે લોકો પ્રાર્થના દરમિયાન મૌન રહ્યા હતા. તેમણે બીજા લોકોની પ્રશંસા કરી જેમણે શાંતિ રાખી અને વિરોધીઓનો વિરોધ ના કર્યો. એના બરાબર ત્રણ મહિના પછી નથુરામ ગોડસે એ પોતાનો મતભેદ બંદૂકની ગોળીઓ દ્વારા વ્યક્ત કર્યો પછી જ્યારે ન્યાયાલય એ ગોડસેને ફાંસી દેવાનો નિર્ણય સાંભળ્યો ત્યારે ગાંધીજીના કુટુંબે અને અહિંસાના પક્ષમાં કામ કરતાં લોકોએ ગોડસેને ફાંસી ન આપવા કહ્યું.

આજે દરેક માણસે જાતેજ નક્કી કરવાનું છે કે આ વાર્તામાં હિંસા જીતી કે અહિંસા? આ સવાલનો તમારો જવાબ તમારે જ શોધવાનો છે. તમારા પોતાના જીવનમાં સુખ અને શાંતિ તેના પર નિર્ભર છે કે તમે મતભેદ અને મનભેદમાં અંતર રાખશો અને મતભેદને સ્વીકારીને મનભેદના કાદવથી દૂર રહેશો કે નહી.

– રજની બક્ષી

(ઓનલાઈન સપ્રેસમાંથી સાભાર અનુવાદિત : અનુવાદ : રક્ષિત અને પાર્થ)

રજની બક્ષી મુંબઇ સ્થિત પત્રકાર અને લેખક છે. તેઓ સમકાલીન ભારતની સામાજિક અને રાજકીય બાબતો વિશે લખતા હોય છે. તેમણે ગેટવે હાઉસમાં ગાંધી પીસ ફેલો તરીકે પણ કામગીરી કરેલ છે.

‘બાપુ કુટી: જર્નીઝ ઈન રિડિસકવરી ઓફ ગાંધી’ (1998) જાણીતું પુસ્તક છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s