લાંબા સમય પછી પણ આપણે હજી દુનિયામાંથી કોરોના વાઇરસને વિદાય આપવા પ્રાર્થના કરી રહ્યાં છીએ, ત્યારે વાઇરસની ઉત્પત્તિ જ્યાંથી થઇ ત્યાં કહેવાયેલું એક વિધાન સંભારવું રહ્યું. 30 જાન્યુઆરીએ, વુહાનના 34 વર્ષીય ડૉક્ટર લિ વેનલિઆંગે(Li Wenliang) કહ્યું કે, “સ્વસ્થ સમાજમાં એક કરતાં વધારે અવાજ હોવા જોઈએ.” તેમની આ ટીપ્પણી સાત ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ સિંગાપુરના ‘સ્ટ્રેઇટ્સ ટાઇમ્સે’ પ્રકાશિત કરી. જેના એક દિવસ પછી લિ વેનલિઆંગ વુહાનની એક હૉસ્પિટલના આઇસીયુમાં મૃત્યુ પામ્યા. જે વાયરસથી તેમણે બીજાને બચાવવાનો પ્રયત્નો કર્યા, તેનાથી તેઓ પોતે જ મૃત્યુ પામ્યા.
લિએ પોતાની મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ‘WeChat’ ગ્રુપમાં 30 ડિસેમ્બર, 2019એ જાણ કરી હતી કે સ્થાનિક સીફૂડના બજારમાં જઈને આવેલાં સાત દર્દીઓને હૉસ્પિટલના એક વોર્ડમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. લિએ પોતાના મેસેજમાં કહ્યું હતું કે તેમની સારવાર દમિયાન તેમને શ્વાસોચ્છ્વાસને લગતો રોગ જોવા મળ્યો છે. તેમના મેસેજનો સ્ક્રીનશોટ(ફોટો) લીક થયો. ચાર દિવસ પછી વુહાન પોલીસ દ્વારા “ઓનલાઇન અફવાઓ ફેલાવવા અને સામાજિક વ્યવસ્થાનો ભંગ કરવા” બદલ લિને ધમકાવવામાં આવ્યા.

વાઇરસનો ફેલાવો થયા પછી, ચીનની સુપ્રીમ પીપલ્સ કોર્ટે વુહાન પોલીસની આડકતરી રીતે ટીકા કરી હતી. સિંગાપુરનું ‘સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ’ કોર્ટને ટાંકીને લખે છે, “જો લોકો એ ‘અફવા’ને માની લઈ માસ્ક પહેરી અને સ્વચ્છતા-સાવચેતી(સેનેટાઇઝેશન)ના વિવિધ પગલાં લેવાનું શરૂ કર્યું હોત અને જંગલી પ્રાણીઓના બજારમાં(વેર માર્કેટ) જવાનું ટાળ્યું હોત તો તે લાભદાયી થયું હોત.” લિને ઠપકો આપવામાં આવ્યો, તેના ચાર અઠવાડિયા પછી અને લિના મૃત્યુના દસ દિવસ પહેલાં 28 જાન્યુઆરીએ આ વાત કહેવામાં આવી. લિને મૃત્યુ પછી જાહેરમાં પ્રતિષ્ઠા આપવામાં આવી અને લિને ચીનનું રાષ્ટ્રીય સન્માન પણ આપવામાં આવ્યું.
ભવિષ્યમાં લોકો તેમના સન્માનને કેટલું યાદ રાખશે તે અંગે કશું કહી શકાય નહી, પરંતુ “એક કરતા વધારે અવાજ”ની તેમની વાત સતત પ્રસ્તુત રહેશે. હું નથી માનતો કે લિની ટિપ્પણી મને એકલાને જ ગાંધીના વિચારો તરફ દોરી ગઈ હોય. અને એટલે પણ નહીં કે આ ટિપ્પણી જાન્યુઆરી 30એ કરવામાં આવી હતી. પરંતુ ગાંધી અને લિની વાતને સાથે મૂકીએ તો કેટલાક પ્રતિબિંબ ઉભરી આવે છે.
એક કરતા વધારે વિચારો-દ્રષ્ટિકોણને સાંભળવાની સલાહ માત્ર ચીનને જ નથી લાગુ પડતી પરંતુ દરેક સમાજ અને રાજ્ય વ્યવસ્થાને લાગુ પડે છે. દાખલા તરીકે, આપણા વડા પ્રધાન નોટબંધી અથવા દેશવ્યાપી લૉકડાઉન જેવા દૂરગામી પગલાંની જાહેરાત કરે તે પહેલાં તેઓ પોતાની કૅબિનેટના સાથીઓનો અભ્રિપાય પણ પૂછી જ શકે છે.
શું તેમ કરવું વધારે ‘સ્વસ્થ’ બાબત નથી? અને તેમાં વધુ સમજદારી પણ ખરી કે નહીં ? જો, આપણી વૈવિધ્યસભર જમીનના દરેક ખૂણે વસેલાં છેવાડાના માનવીને અસર કરતી બાબત અંગે, વડાપ્રધાન આપણા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ પૂછે તો ખરેખર તેનાથી તેમને (અને ભારતને) લાભ જ થશે. કોરોના વાઇરસ સામેની લડતમાં મુખ્યમંત્રીઓ અને જિલ્લા અધિકારીઓની ભૂમિકા નિર્ણાયક છે તે સ્પષ્ટ થઇ ગયું છે.
લિને ત્યારે ખ્યાલ નહોતો, પરંતુ 30 જાન્યુઆરીએ તેમણે કરેલી ટિપ્પણી દૂરગામી પગલાં માટેની સંભાવનાઓનો મારગ ઉઘાડી આપે છે. ચીન અને ભારત જેવી મોટી રાજ્યવ્યવસ્થા એક અથવા બે વ્યક્તિઓ ચલાવી ન શકે. બીજી, કદાચ વધારે મહત્ત્વની વાત એ છે કે લિની સલાહ આજે તમામ ભારતીયો માટે પણ એટલી જ પ્રસ્તુત છે.
કોરોના અંગે વિશેષ
- કોરોના મહામારી અને લોકડાઉન : કેટલું જરૂરી? કેટલું અસરકારક?
- કોરોના વાઇરસઃ સીધા સવાલ, સરળ જવાબ
- મહામારી : કોવિડની કે બીકની?
કોરોના વાઇરસને કારણે લાગુ કરાયેલ દેશવ્યાપી લૉકડાઉનને કારણે મોટા પ્રમાણમાં લાચાર લોકોના સ્થળાંતરે સમાજ તરીકેની આપણી નબળાઈઓને જાહેર કરી છે. ભારતીય સમાજની આ ક્રૂર વાસ્તવિકતા ઉઘાડી પડવા છત્તાં જો આ સ્થળાંતર આપણને અસમાનતા અને સ્તરીકરણની વ્યવસ્થાઓ જેવી મૂર્ખામીઓને સ્વીકારવા બાધ્ય કરે નહી,તો તેનો અર્થ શો કરવો?
લિનું વિધાન અને તેનો સંદર્ભ, મને યુવા ગાંધીએ એક સદી પહેલાં કરેલા પ્રયત્નોની યાદ કરાવે છે.
૧૮૯૬માં રાજકોટમાં પ્લેગના રોગચાળા સામે કામ કરતા ૨૬વર્ષની ઉંમરે ગાંધીએ જાણ્યું કે દલિતો પોતાનું ઘર કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓના લોકો કરતાં વધારે ચોખ્ખુ રાખે છે.
થોડાક વર્ષો પછી, વર્ષ ૧૯૦૪માં, તેમણે, બે સાથીઓ(મદનજિત વ્યાવહારિક અને વિલિયમ ગોડફ્રે) સાથે મળીને દક્ષિણ આફ્રિકામાં બહાદુરીપૂર્વક લડત ચલાવી હતી. તેમણે જોહનિસબર્ગની બહાર બ્રિકફિલ્ડ્સમાં વધુ ભીડભાડવાળી વસાહતમાં રહેતા ઘણા પ્લેગગ્રસ્ત ભારતીયોનો જીવ બચાવ્યો.
તેમણે બ્રિકફિલ્ડના ભારતીયોને અસુરક્ષિત વસાહત ખાલી કરી, નવા ટેન્ટ-હાઉસમાં સ્થળાંતરિત થવા માટે પ્રેરિત કર્યા. ગાંધીજીએ તેમને કહ્યું ‘સ્વચ્છ અને આરોગ્યપ્રદ’ રહેવાને આપણા જીવનનો ભાગ બનાવો. વધારે ભીડનો ‘સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ’ અને ‘આપણે મુક્તપણે સૂર્યપ્રકાશ અને હવામાં રહેવું જોઈએ.’
ગાંધી તે સમયે ૩૪ વર્ષના હતા. લિ, આ ઉંમરે મૃત્યુ પામ્યા. ત્યાર પછીના વર્ષોમાં ગાંધીએ આપેલી ચેતવણીને આજે ૨૦૨૦માં જ્યારે લાખો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે ત્યારે નકારી શકાય તેમ નથી : જ્યાં સુધી આપણી સરકાર અને લોકો સાથે મળીને જીવન અને આજીવિકા અંગે સમગ્ર દેશમાં પરિવર્તન નહી લાવીએ ત્યાં સુધી ભારતીય સમાજ રોગગ્રસ્ત જ રહેશે. આજે દેશમાં જે પ્રકારે ૧.૫ બિલિયન ભારતીયો, ડઝન જેટલા મેગાસિટી અને સો જેટલાં નાના શહેરોમાં અમાનવીય રીતે ભરાયા છે. તે જોતા ભવિષ્યમાં આ પ્રકારનો વાઇરસ ચોક્કસ જ વધુ ઝડપથી ચેપ લગાડશે અથવા આગળ વધશે-ફેલાશે.
છેવટે,ભારત-ચીન સરહદે આજે અસહજ પરિસ્થિતિ ઉભી થઈ છે અને મહામારી અંગે ચીનની સરકારને ઘણે અંશે જવાબદાર ઠેરાવીએ તેમજ ચીનના શાસનમાં લોકશાહી વ્યવસ્થાની ઉણપ હોવા છત્તાં આપણાં દિલમાં ચીનના વ્યક્તિઓને દોષિત ન માનીએ.
આપણા સૌ માટે ગાંધીનું એ સત્ય આજે વધુ પ્રસ્તુત બન્યું છે જે તેઓ સતત કહેતા રહેતા, લિની ટિપ્પણી પણ આપણું ધ્યાન તે તરફ જ દોરે છે : પાપ પ્રત્યે ઘૃણા(અંતર) રાખો, નહીં કે પાપી પ્રત્યે કે મનુષ્ય પ્રત્યે. તે જે કરે છે તેમાં શક્ય છે આપણે અસહમત હોઈએ. પરંતુ તેના કારણે આપણે તે વ્યક્તિ જે જાતિ,ધર્મ અથવા સમુદાયમાંથી આવે છે, તેના પ્રત્યે તિરસ્કાર રાખી શકીએ નહીં.
સમસ્ત માનવ પરિવાર પર સમાન રીતે હુમલો કરીને કોરોના વાઇરસે એ બતાવ્યું છે કે વ્યક્તિને તેના ચામડીના રંગ, લોહીના પ્રકાર કે ધર્મના આધારે દોષ દેવો કેટલું મૂર્ખામીભર્યું છે. પરંતુ શી ખબર? જો આપણને આપણા પૂર્વગ્રહો એટલા વ્હાલા હોય તો પછી આપણે આ કોવિડ-૧૯ની કટોકટી છતાં તેનાથી અછૂત રહીને-નિંદ્રામાં પડ્યા રહીને આગળની જેમજ પૂર્વગ્રહોથી ગ્રસ્ત માનવતાના સામાન્ય મૂલ્યોથી દૂરના દૂર રહીને જીવન જીવ્યા કરીશું.
તમને આ પણ વાંચવું ગમશે
કોરોના વાઇરસની કટોકટી દરમિયાન અને તે પહેલાં ભારતમાં રહેતા લોકો જેઓ ‘ચીનના લોકો જેવા દેખાય’ છે જેમ કે આસામીયા, ખાસિ, મૈટી, મિઝો, નાગા, નેપાળી, તિબેટિયન અને બીજાને ભેદભાવ અને હિંસાનો ભોગ બનવું પડ્યું છે. હું આશા રાખું છું કે કેટલાંક ભારતીયો ચીનના લોકો અને તેમના જેવા દેખાતા લોકોની વિરુદ્ધમાં ચાલી રહેલી ઝુંબેશનો જાહેરમાં અને અંગત જીવનમાં પણ વિરોધ કરશે.
કારોના વાઇરસનો આ ભયાનક ચમકારો એક સત્યની વીજળી સમો છે….જે અત્યારે પૂર્વગ્રહોને ખુલ્લા પાડવાનું કામ કરે છે.
રાજમોહન ગાંધી(ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત લેખનો અનુવાદ )

રાજમોહન ગાંધી ઇતિહાસકાર, શિક્ષણશાસ્ત્રી, જીવનચરિત્ર લેખક છે. તેઓ હાલના સમયમાં દિલ્હી સ્થિત સેંટર ફૉર પૉલિસી સ્ટડીઝ ખાતે રિસર્ચ પ્રોફેસર તરીકે કાર્ય કરી રહ્યા છે. આ ઉપરાંત અમેરીકા ખાતે આવેલા ઇલિનૉય વિશ્વવિદ્યાલય અર્બાના-શૈંપેનમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કરે છે.
‘વાહ્ય ગાંધી સ્ટીલ મેટર્સ’, ‘મોહનદાસ’ ‘રાજજી: અ લાઈફ’, ‘પટેલ: અ લાઈફ’ તેમના જાણીતા પુસ્તકો છે.