ગાંધીજીનો અંતિમ જન્મદિવસ કેવો હતો ?

ઓક્ટોબર ૧૯૪૭ની બીજી તારીખ, ગાંધીજીનો જન્મ-દિવસ એમના જીવનકાળમાં ઉજવવામાં આવનાર છેલ્લો જન્મદિવસ હતો. સવારે પરોઢ થતાં જ તેમના સાથીઓ તેમનું અભિવાદન કરવા આવી પહોચ્યા. તેમાથી એક જણાએ કહ્યું, ’બાપુજી, અમે અમારા જન્મ-દિવસે બીજા લોકોને વંદન કરીને કરીને આશીર્વાદ લઈએ છીએ, પણ તમારી બાબતમાં વાત એકદમ ઉંધી થાય છે. શું આ યોગ્ય છે?’

ગાંધીજી હસી ને બોલ્યા, ’મહાત્માઓની ઢબ અલગ હોય છે. એમાં મારો કોઈ દોષ નથી. તમે જ  મને મહાત્મા બનાવી દિધો છે, ભલેને પછી હું નકલી મહાત્મા કેમ ન હોઉ, તેથી તમારે લોકોએ આ સજા ભોગવવી પડશે.”

તેમણે પોતાનો જન્મ-દિવસ હંમેશની જેમ ઉપવાસ,પ્રાર્થના અને વિશેષ કાંતણ કરીને ઉજવ્યો. તેમણે કહ્યું કે, ‘ઉપવાસ આત્મ-શુદ્ધી માટે છે અને કાંતણ દ્વારા હું ઈશ્વરીય સૃષ્ટિના સૌથી દીન-ગરીબ લોકોની સેવામાં જીવન અર્પણ કરવા માટેની મારી પ્રતિજ્ઞાને ફરી યાદ કરું છું.

‘મેં મારા જન્મદિવસના સમારંભને રેંટિયાના પુર્નજન્મના સમારંભના રૂપમાં પરિવર્તિત કરી દીધો છે. રેંટિયો અહિંસાનું પ્રતિક(દ્યોતક) છે. આ પ્રતિક આજે સમાપ્ત થઈ ગયેલું લાગે છે. પરંતુ એ આશા છે કે કદાચ રેંટિયાના સંદેશ પ્રતિ  કેટલાક નિષ્ઠાવાન લોકો જુદી જુદી જગ્યા એ હોઈ શકે એટલે મેં આ આયોજન બંધ કર્યું નથી. અને આ લોકોને લીધે જ રેંટિયા જયંતીનું આયોજન આગળ પણ ચાલુ રાખ્યું.’

બિરલા ભવન ખાતે પ્રાર્થનામાં

સાડા આઠ વાગ્યા પછી નાહીને જ્યારે તેઓ પોતાના ઓરડામાં પ્રવેશ્યા, ત્યારે ત્યાં તેમના કેટલાક અંતરંગ સાથીઓ તેમની રાહ જોતાં હતા. તે લોકોમાં પંડિત નહેરુ, સરદાર, ગાંધીજીના યજમાન ઘનશ્યામ દાસ બિરલા અને દિલ્હી સ્થિત બિરલા પરિવારના સમસ્ત સદસ્યો હાજર હતા. મીરાબહેને ગાંધીજીની બેઠક સામે રંગબેરંગી ફૂલોથી ક્રોસ, હે રામ અને ૐ લખીને કલાત્મક સજાવટ કરી હતી. એક ટૂંકી પ્રાર્થના થઈ, જેમાં સૌએ ભાગ લીધો. તેના પછી તેમનું પ્રિય અંગ્રેજી ભજન “આઈ સર્વ ધ વંડ્ર્સ ક્રોસ“ ગવાયું. સાથે જ તેમનું એક પ્રિય હિન્દી ભજન –“હે ગોવિંદ રાખે શરણ”નું પણ ગાયન થયું.

આખો દિવસ રાષ્ટ્રપિતાને શુભેચ્છાઓ અર્પણ કરવા માટે મુલાકાતીઓ અને મિત્રોની ભીડ રહી. તેવી જ રીતે એલચી કચેરીઓથી પ્રતિનિધિઓ આવ્યા, એમાથી કેટલાક લોકો તેમની સરકાર તરફથી ગાંધીજી માટે શુભેચ્છા સંદેશ લઈને આવ્યા. છેલ્લે લેડી માઉન્ટ બેટન પોતાની સાથે ગાંધીજી માટે લખેલ પત્રો અને ટેલિગ્રામનું બંડલ લઈને આવ્યા.

ગાંધીજી એ બધાને અનુરોધ કર્યો કે સૌ એ વાતની પ્રાર્થના કરે કે, ”ઈશ્વર ક્યાં તો આ દાવાનળને શાંત કરે અથવા તેમને ઉઠાવી લે. હું ક્યારેય નહીં ઈચ્છુ કે ભારતમાં મારો હજી એક જન્મદિવસ આવે.’(વિભાજનને કારણે તે સમયે દેશના ઘણા પ્રદેશોમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. ગાંધીજી હતા ત્યાં દિલ્હીમાં પણ.)

તેમણે સરદારને કહ્યું, ‘મેં એવા તો ક્યા પાપ કર્યા હતા કે જે ઈશ્વરે મને આ ત્રાસદીનો સાક્ષી બનવા જીવતો રાખ્યો છે?’

પોતાની આસપાસ થઈ રહેલા અગ્નિકાંડની વચ્ચે વિવશતાની લાગણીમાં જકડાયેલા તેઓ નજરે પડતાં હતા. સરદારની પુત્રી મણિબહેને તે દિવસની પોતાની પત્રિકામાં દુ:ખ પ્રગટ કરતાં લખ્યું: ‘તેમની વ્યથા અસહ્ય હતી. અમે લોકો તેમની પાસે ઉત્સાહથી ગયા હતા, પરંતુ ભારે હૈયે ઘરે પાછા ફર્યા.’

મુલાકાતીઓના ગયા પછી તેમને એક પછી એક ઉધરસનો ક્રમ ચાલ્યો. તે અંગે બબડતા બોલ્યા, ‘જો પ્રભુએ મને દરેક રોગને સહન કરવાની શક્તિ ના આપી હોત તો હું ક્યારનો આ દેહનો ત્યાગ કરવાનું પસંદ કરત. એક ભાઈ દ્વારા બીજા ભાઈની હત્યા કરવાની સતત બની રહેલી ઘટનાઓ જોઈને મારી ૧૨૫ વર્ષ જીવવાની ઈચ્છા સાવ જતી જ રહી છે. હું આ હત્યાઓનો વિવશ સાક્ષી બનીને રહેવા નથી માંગતો.’

‘તો ૧૨૫ વર્ષોથી તમે શૂન્ય પર પહોંચી ગયા.’ કોઈએ વચ્ચે પુછ્યું.

‘હા,જ્યાં સુધી આ દાવાનળ શાંત ના થાય….

આકાશવાણી પર ગાંધીજીનો જન્મદિવસ ઉજવવા માટે એક વિશેષ કાર્યક્રમનું પ્રસારણ કરવાનું આયોજન કર્યું હતું. જ્યારે ગાંધીજીને પુછવામાં આવ્યું કે તમે અપવાદ રૂપે માત્ર આ વખતે એકવાર  રેડિયોનો વિશેષ કાર્યક્રમ નહીં સાંભળો? તો તેમણે જવાબ આપ્યો કે, ‘ના મને રેડિયો કરતાં રેંટિયો વધારે પસંદ છે. રેંટિયાનો ગણગણાટ વધારે મધુર છે. તેમાં મને માનવતાનું નિસ્ત્બ્ધ વિષાદપૂર્ણ સંગીત સંભળાય છે.’

ગાંધીજીને વિશ્વની દરેક જગ્યાઓએથી તેમના જન્મદિવસ પર આવેલા શુભેચ્છા સંદેશો, તાર અને પત્રોને પ્રકાશનાર્થ કરવાની તેમણે ના પડી દીધી. મુસલમાન મિત્રો તરફથી પણ તેમને અનેક આકર્ષક સંદેશાઓ મળ્યા હતા, પણ ગાંધીજી એ અનુભવ્યું હતું કે જ્યારે સામાન્ય જનતાને સત્ય અને અહિંસા માટે, ઓછામાં ઓછુ હાલપૂરતો પણ, અવિશ્વાસ દેખાઈ રહ્યો હોય તો આ સમય પત્રોને પ્રકાશિત કરવાનો નથી.

ગાંધીજીનો અક્ષરદેહ : ખંડ ૮૯માંથી અનુવાદિત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s