રોલ્ફનું અને મારું જીવન સુખ શાંતિમય હતું. એ સ્પેનના મેડ્રિડ શહેરમાં ટી.વી.ના ન્યુઝ રિપોર્ટરની નોકરી કરતો. રોજ રાત્રે સૂતા પહેલાં એ અત્યંત સ્નેહથી મારો હાથ પોતાના હોઠે લગાવીને ચૂમી લેતો. આ એનો હંમેશનો નિયમ હતો. એનો એ સ્પર્શ મને પવિત્ર લાગતો. ગઈકાલે રાત્રે પણ એણે એ જ રીતે મારા હાથને ચૂમ્યો હતો. સવારે હજી તો અમે નિંદર માણી રહ્યાં હતાં ત્યાં ટી.વી. સેંટર પરથી ફોન આવેલો, ‘રોલ્ફ, અહીંથી હજારેક કિલોમીટર દૂર જ્વાળામુખી ફાટ્યો છે. ભયંકર તારાજી થઈ છે. બીજી ચેનલોવાળા પહોંચે એ પહેલાં તારે રિપોર્ટિંગ માટે પહોંચી જવાનું છે.’ રોલ્ફે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના જવાબ આપ્યો હતો, ‘યસ સર, મારી સાથે કેમેરામેન પોલને મોકલજો.’
એક હેવરસેક લઈને બે જોડી કપડાં મેં એમાં ઠોસી દીધાં અને જલદી એને માટે કોફી અને બ્રેડ-બટર તૈયાર કર્યાં. એ ઘરમાંથી નીકળ્યો ત્યારે અમને બંનેને હતું કે કાલ સવાર સુધીમાં તો એ પાછો ફરશે. અમને એવી કલ્પના સુધ્ધાં નહોતી કે ત્યાં અમારી જિંદગીનો એક અવિસ્મરણીય અધ્યાય રચાશે.
સ્થળ પર પહોંચીને રોલ્ફને સમજાયું કે, એણે ધાર્યું હતું એના કરતાં અનેકગણી તારાજી અને બરબાદી ચારેતરફ વેરાયેલી હતી. તોય તરત જ હાથમાં માઈક્રોફોન લઈને એ પોતાના રિપોર્ટિંગના કામે લાગ્યો. દુનિયાના અનેક લોકોની જેમ હું પણ અદ્ધર જીવે ટી.વી.ના પડદા પર આ મહાવિનાશને જોઈ રહી હતી. જો કે, આ બધાં વચ્ચે મારી આંખો રોલ્ફને શોધતી રહેતી હતી. જ્યાં જુઓ ત્યાં કાદવ-કીચડ, પાણીનાં ખાબોચિયાં અને ક્ષત-વિક્ષત થઈને પડેલી લાશો દેખાતી હતી. ફસાયેલા લોકોની દર્દનાક ચીસો કાન બહેરા કરી નાખતી હતી. મેં જોયું કે કમર સુધી ગારામાં ખૂંપી ગયેલો રોલ્ફ મહા મુશ્કેલીએ માંડ માંડ પગ ટેકવતો મદદ માટે પોકાર કરી રહેલી એક છોકરી તરફ જઈ રહ્યો હતો. એનાથી થોડેક જ દૂર રહ્યો ત્યારે એણે બૂમ પાડીને પૂછ્યું, ‘શું નામ છે તારું ?’
સ્પેનિશ ભાષામાં જે શબ્દનો અર્થ કમળ થાય છે એ નામ એણે કહ્યું – ‘કુમુદ’. એનો ફક્ત ચહેરો જ એ કળણની બહાર દેખાતો હતો એટલે એ કાદવમાં ખીલેલા કમળ જેવી જ લાગતી હતી. જો કે એનું મોઢું કાદવથી ખરડાવાથી કાળું મસ દેખાતું હતું. મોઢાથી નીચેનું આખું શરીર કળણમાં દટાયેલું હતું. રોલ્ફે કહ્યું, ‘તું બહાર આવવાનો પ્રયત્ન કર.’
‘શી રીતે કરું ? મારા ભાઈ અને મારી બહેને મારો એક એક પગ પકડી રાખ્યો છે ને હું ધારું છું ત્યાં સુધી બંને મૃત્યુ પામ્યાં છે.’
‘ઓહ’ ! રોલ્ફના મોંમાંથી એ ઉદ્ગાર સિવાય કોઈ શબ્દ ન નીકળી શક્યો. એને માટે હવે કુમુદને બચાવવાનું જ ધ્યેય રહ્યું હોય એવું લાગતું હતું. એ દરેક સંભવ પ્રયત્ન કર્યે જતો હતો ને સાથે સાથે એ બાળકીને કહ્યે જતો હતો, ‘જો, હિંમત રાખજે. તારે રડવાનું નથી, નિરાશ થવાનું નથી. વિશ્વાસ રાખજે, હું તને કોઈ પણ રીતે બચાવીશ.’
ટી.વી. પર મેં જોયેલી કુમુદની આંખોમાં રોલ્ફ માટે ભરોસો હતો. ક્યાંકથી પાણી ઉલેચવા માટેનો પંપ મળી જાય તો આ છોકરીને બચાવી શકાય એવું લાગતાં રોલ્ફે ટી.વી. દ્વારા પોતાની વાત પહોંચાડવાની કોશિશ કરી. મેં પણ સંસદ સભ્યોને, મુખ્ય પ્રધાનને બધાયને વિનંતી કરી જોઈ પણ બધે એટલી અરાજકતા ફેલાયેલી હતી કે કોઈ કોઈનું સાંભળતું નહોતું. બીજા સમાચારોની વચ્ચે ક્યારેક દેખાઈ જતો રોલ્ફનો ચહેરો જોતાં મને લાગતું હતું કે હવે ધીમે ધીમે એ કુમુદને બચાવી શકવાની શ્રદ્ધા ગુમાવતો જતો હતો. તોયે એણે એને ધીરજ બંધાવતાં કહ્યું, ‘કંઈક મદદ જરૂર મળશે. તું ઈશ્વર પર વિશ્વાસ રાખજે. ઈશુને પ્રાર્થના કરતી રહેજે. હું પણ તારે માટે પ્રાર્થના કરું છું.’
એણે શાંત અને સ્થિર સ્વરે કહ્યું, ‘તમે મારે માટે કેટલું બધું કર્યું? તમારો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. પણ હવે મને મૃત્યુનો ડર નથી લાગતો. તમે મારી ચિંતા ન કરશો.’
રોલ્ફની આંખોમાં આ નાની બાળકીની વાત સાંભળીને આંસુ ઊભરાયાં. એ માંડ માંડ બોલ્યો, ‘સોરી સ્વીટી.’
‘ના,ના, સોરી ન કહો. પણ હા, મારી એક આખરી ઇચ્છા તમને કહું? જો તમે એ પૂરી કરી શકો તો.’
‘બોલ, જલદી બોલ.’
‘અત્યારે, આ ક્ષણે હું બહુ એકલવાયું અનુભવું છું. મને લાગે છે કે, હું સાવ એકલી, અટૂલી કોઈની હૂંફ વિનાની છું. તમે મારી નજીક આવીને મને એક પ્રેમભર્યું આલિંગન આપી શકો?’
મણમણ વજનના થઈ ગયેલા પગ ઉપાડતો, પડતો, આખડતો રોલ્ફ એની નજીક પહોંચ્યો અને ગંદકીથી ખરડાયેલું એનું મુખ એણે ચૂમી લીધું. કમર પાસેથી એને પોતાની નજીક ખેંચીને કોમળતાથી પોતાના બાહુમાં ભરી લીધી. એ જ ક્ષણે એણે અનુભવ્યું કે, કુમુદનું શરીર ઠંડું પડી રહ્યું છે. એણે ધીમેથી એને અળગી કરી. એ પછી થોડી જ વારમાં કળણમાં ખૂંપી જઈને એ દેખાતી બંધ થઈ ગઈ.
બે રાત અને ત્રણ દિવસ પછી ઘરે આવેલા રોલ્ફની આંખો જોઈને મને સમજાયું કે તે દિવસે વહેલી સવારે ઘરેથી નીકળ્યો હતો એ રોલ્ફ હવે કદી પાછો નહીં ફરે. હા, એનું માત્ર ખોળિયું ભલે અહીં હોય પણ પોતાની ચેતનાને એણે કુમુદની સાથોસાથ કળણમાં દાટી દીધી છે.
હવે પહેલાંની માફક મારો હાથ હાથમાં લઈને એ ચૂમતો નથી. મને એ સ્પર્શ હવે માણવા મળતો નથી પણ મને એ માટે કોઈ દુ:ખ કે ફરિયાદ નથી. હું માનું છું કે કુમુદે ભલે વિદાય લીધી પણ એ અમારા બંને વચ્ચે જીવંત છે અને રહેશે.
કદાચ હવે કદી ન અવતરનારું અમારું સંતાન બનીને.
(ઈસાબેલ અલેંદેની સ્પેનિશ વાર્તાને આધારે) – આશા વીરેન્દ્ર