લખન મુસાફિર : ડરીશું નહીં, અવાજ ઉઠાવીશું

નર્મદા જિલ્લાના જાણીતા કાર્યકર લખન મુસાફિરને હદપાર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમને નર્મદા, ભરૂચ, તાપી, છોટાઉદેપુર અને વડોદરા એમ પાંચ જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યા છે.

લખનભાઈ સામેના આરોપો હાસ્યાસ્પદ અને પાયાવિહોણા તો છે જ. આ આક્ષેપો કોઈ પુરાવાઓ, સાક્ષીઓ, દલીલો કે ઊલટતપાસ તેમજ યોગ્ય સુનાવણી કર્યા વિના કરવામાં આવેલ છે. માત્ર પોલીસ દ્વારા થયેલી ફરિયાદમાં રજૂ થયેલ આ જુઠ્ઠાણાને આધારે નર્મદા જિલ્લા પેટા વિભાગીય મેજિસ્ટ્રેટે (જઉખ) પોતાનો આદેશ આપીને ફરિયાદને યોગ્ય ઠેરવી છે. તેઓ ફરિયાદ સંદર્ભે કાયદાની પ્રક્રિયાને બાજુ પર મૂકી જણાવે છે કે, ‘લખન મુસાફિરને નિર્દોષ માનવા ન જોઈએ કારણ કે તેમણે અન્ય કેસોમાં પોતાને નિર્દોષ સાબિત કર્યા નથી.’ આ પ્રકારના ઓર્ડરથી સરકાર અને કાનૂની પ્રક્રિયા મજાક બનીને રહી ગઈ હોય તેવું લાગે છે. લખન મુસાફિર વિરુદ્ધ લાગેલા આરોપમાં : લોકોમાં ઉશ્કેરણી કરવી, હિંસકાત્મક પ્રવૃત્તિમાં ભાગ લેવો, હથિયાર રાખવાં, દારૂનો વેપાર કરવો જેવી બાબતનો સમાવેશ થાય છે. આનાથી વાહિયાત તો બીજું શું હોય! તદુપરાંત, વહીવટી તંત્રને આ હુકમ પાસ કરવામાં એકદમ ઉતાવળ હોય એવું લાગે છે. કારણ કે સમગ્ર ભારતમાં કોર્ટ વર્ચુઅલ સુનાવણી દ્વારા તાત્કાલિક બાબતોની જ સુનાવણી કરી રહી હોય ત્યારે, આ કેસમાં અધિકારી લખનભાઈને સુનાવણી માટે કોર્ટમાં બોલાવે છે, પણ ફરિયાદી પક્ષ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી તેમજ લખનભાઈની રજૂઆત સાંભળવામાં આવી નથી.

લખન મુસાફિર છેલ્લાં 40 વર્ષોથી સતત કામ કરતા કાર્યકર છે. 1982માં તેમણે પોતાનું ઘર અને ભણતર છોડી દીધાં. સૌ પ્રથમ વિનોબા ભાવેના પવનાર આશ્રમમાં ગયા અને ગૌ-હત્યા વિરુદ્ધના સત્યાગ્રહમાં જોડાયા. ત્યાં તેમને ગાય અને ગૌવંશનું કૃષિમાં મહત્ત્વ સમજાતાં તેમણે સજીવ ખેતી, જીવનનિર્વાહ માટે દૈનિક મજૂરી, ટકાઉ વિકાસ, બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ, કડિયાની તાલીમ જેવાં કામોમાં પોતાની જાત સમર્પિત કરી દીધી. તેમજ તેમણે પોતાના કુટુંબને જણાવી દીધું કે તેઓ જીવનનિર્વાહ ખેતમજૂરીથી કરશે અને ઘરમાંથી એક પણ રૂપિયો કે પરિવારની મિલકતમાં કોઈ જ પ્રકારનો ભાગ લેશે નહિ.

પોતાની જિંદગીમાં લખનભાઈએ જુદા જુદા પ્રયોગો કર્યા, પોતાના પર તેમજ પોતાની જીવનશૈલી અંગે. જેમકે, તેમણે ફક્ત એક દિવસની મજૂરીથી જેટલું કમાઈ શકે એટલો જ વપરાશ કરશે, જે સ્થળોએ સાઇકલ પર જવાય તેનો જ પ્રવાસ કરશે વગેરે. એ લખનભાઈ જ હતા કે જેમણે નેવુંના દાયકાના અંતમાં ગુજરાતમાં કેમિકલ વિનાના ગોળને લોકપ્રિય બનાવ્યો. તેમણે ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે આ વિસ્તારમાં હળદરની ખેતીને પ્રચલિત બનાવી. ખેત ઉત્પાદનની પ્રક્રિયા કરી ખેડૂતોને જુદાં જુદાં ઉત્પાદનો કરવા પ્રોત્સાહિત કર્યા. આ જ વ્યક્તિ પર આજે વહીવટી તંત્ર બુટલેગર હોવાનો આક્ષેપ મૂકે છે !

નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં છેલ્લાં 10 વર્ષથી લખનભાઈએ આદિવાસી લોકોની જાગૃતિ માટે અથાગ મહેનત કરી છે. કેવડિયા, કોઠી, નવાગામ, વાગડિયા, લીમડી અને ગોરા, આ છ ગામોના લોકોની સાથે તેઓ સતત રહ્યા છે. આ ગામલોકોએ પોતાની જમીન ગુમાવી દીધી પરંતુ તેઓને પ્રોજેક્ટ અસરગ્રસ્ત તરીકે ગણવામાં આવ્યાં નહીં ! લખનભાઈએ ગરુડેશ્વર વિયરને લીધે  ડૂબમાં જતી આદિવાસી ખેડૂતોની 13 ગામોની જમીન બચાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા.  સરદાર પટેલની પ્રતિમાથી અસરગ્રસ્ત ખેડૂતોની મદદ કરવાનો પણ તેમણે સતત પ્રયાસ કર્યો છે.

આ વિસ્તારના આદિવાસી વિધાર્થીઓ નબળી શૈક્ષણિક સેવાઓના કારણે યોગ્ય શિક્ષણ મેળવી શકતા નથી. લખનભાઈએ વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક ગણિત, વિજ્ઞાનના અભ્યાસ વર્ગો શરૂ કર્યા છે, જેને કારણે સેંકડો વિધાર્થીઓ ધોરણ 10માં સારું પરિણામ મેળવી રહ્યા છે. લોકોમાં વિશ્વાસ મૂકી તેમની આવડત બહાર લાવનાર આ વ્યક્તિ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે લોકોને ઉશ્કેરે છે!

આ હદપારનો હુકમ માત્ર લખન મુસાફિરને ડરાવવા અને પજવવા માટે નથી. પરંતુ સમગ્ર નર્મદા જિલ્લાના આદિવાસીઓને ચૂપ કરવાનો આ પ્રયાસ છે. આ બાબત અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકોના લોકશાહી અધિકારો પર હુમલો છે, જે લખનભાઈને કે સ્થાનિક લોકોને ડરાવી શકે તેમ નથી. તેમનું પ્રતિનિધિત્વ લખનભાઈ સતત કરતા રહ્યા છે. અન્યાય સામે તેમની લડત સતત ચાલુ રહેશે.

સરકારના આ અન્યાયી પગલાની વિરુદ્ધમાં અને લખનભાઈના સમર્થનમાં અત્યાર સુધી લગભગ 250 જેટલા પ્રતિષ્ઠિત નાગરિકોએ આ સ્ટેટમેન્ટમાં પોતાની સહમતિ આપી છે. લખનભાઈ સાથે સરકારે જે પ્રકારનું વલણ દાખવ્યું તેની સામે સત્યાગ્રહ રૂપે નર્મદા જિલ્લામાં સજીવ ખેતી કરતા ખેડૂત અને એક સમયે લખનભાઈના સહ કાર્યકર ધીરેન્દ્ર સોનેજીએ પણ આવતા એક મહિના માટે નર્મદા જિલ્લામાંથી સ્વૈચ્છિક હદપાર થવાનું સ્વીકાર્યું છે. આ એક મહિના દરમિયાન તેઓ લખનભાઈ સાથે રહેશે અને કામ કરશે.

(ગુજરાત NAPM)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s