શી જિનપિંગનો ઉદય અને બંધારણીય લોકશાહીના સ્વપ્નનો અંત

ગયા 1 સપ્ટેમ્બર, 2020ના અંકમાં આપણે જોયું કે ચીનમાં તાનાશાહી સરકારના અનેક પ્રકારનાં નિયંત્રણો અને દમન વચ્ચે પણ નાગરિક સમાજ ઊભો થઈ રહ્યો હતો. તેનું સ્વરૂપ મુખ્યત્વે સરકાર સાથે રહીને કામ પાડવાનું હતું. આ અંકમાં નાગરિક સમાજ અને અધિકારની લડતની મથામણ જોઈશું. 

– સંપાદક

ચાર્ટર 08: ચીનના બંધારણને લાગુ કરવાની માંગ :

અતિશય દમનની વચ્ચે પણ ચીનમાં બંધારણીય સરકાર માટેની માંગ વારંવાર કોઈ ને કોઈ પ્રકારે ઊભી થયા કરે છે. ઑગસ્ટ 2008ના ઓલિમ્પિક પછી તરતના વર્ષે બે મહત્ત્વની ઘટના બની.

1.  માનવાધિકાર દિને 350 ચાઇનીઝ બૌદ્ધિકો દ્વારા ‘ચાર્ટર 08’ પ્રકાશિત કરવામાં આવ્યું.

2. 26 ઑગસ્ટના રોજ વકીલોના જૂથ દ્વારા બેઇજિંગમાં વકીલોના સંગઠનની ચૂંટણી માટે અપીલ જાહેર કરવામાં આવી.

બંને ઘટનાઓના મૂળમાં ચીનના બંધારણનું પાલન કરવાનો હેતુ હતો. હકીકતમાં, ડેંગ જિઓપિંગના યુગમાં, 1982માં બંધારણ પહેલી વાર ઘડવામાં આવ્યું હતું, જેમાં વર્ગ સંઘર્ષની દિશાથી ચાતરીને ચીનના આર્થિક વિકાસને કેન્દ્રમાં રાખી જરૂરી સુધારા કરવામાં આવ્યા હતા.

બંધારણના 138 અનુચ્છેદોમાં  કમ્યુનિસ્ટ પાર્ટીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, માત્ર શરૂઆતની પ્રસ્તાવનામાં નાનકડો ઉલ્લેખ છે. જ્યાંરે કે તમામ ચીની રાષ્ટ્રીયતાના નેતૃત્વમાં પક્ષની ભૂમિકા હોવાનું માનવામાં આવતું હતું. વળી નવા બંધારણમાં પાછલાં સંસ્કરણોની સાપેક્ષમાં ઉદારતાવાદી તત્ત્વોને અવકાશ આપવામાં આવ્યો. અનુચ્છેદ 2માં સ્વીકારવામાં આવ્યું છે કે ” કેન્દ્રમાં રાષ્ટ્રીય પીપલ્સ કોંગ્રેસ અને અન્ય વિવિધ સ્તરે સ્થાનિક કોંગ્રેસ ચૂંટાયેલી હશે.” અનુચ્છેદ 35 “વાણી સ્વાતંત્ર્ય, મીડિયાની, સભા કરવાની, સંગઠન બનાવવાની, સરઘસ અને પ્રદર્શનની સ્વતંત્રતા”ને માન્યતા આપે છે. અનુચ્છેદ 36 “ધાર્મિક માન્યતાની સ્વતંત્રતા”નું રક્ષણ કરે છે. આ કારણોસર, ‘બંધારણનો અમલ અને કાયદાનું શાસન’ દેશમાં પ્રવર્તે તેવી માંગ ચીનનાં આંદોલનો, અસંતુષ્ટ નાગરિકો, વકીલો, બૌદ્ધિકો વગેરે કરતા રહે છે.

‘ચાર્ટર 08’ એ પોતે એક સાહસિક પગલું હતું, જે સોવિયત સંઘ વિરોધી ‘ચાર્ટર 77’ દ્વારા પ્રેરિત હતું. ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વના સમયે જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષ ચીનના બંધારણનું શતાબ્દી વર્ષ અને લોકશાહી આંદોલનની 30મી વર્ષગાંઠ જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકારની સાર્વત્રિક ઘોષણાની 60મી વર્ષગાંઠ તેમજ ચીન દ્વારા નાગરિક અને રાજકીય અધિકારના આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કરાયાના પણ દસ વર્ષ થતાં હતાં. આ પ્રસંગે, ‘ચાર્ટર 08’માં બંધારણીય સરકાર, ચૂંટણી આધારિત લોકશાહી અને એકપક્ષીય શાસનના અંતની માંગણી કરવામાં આવી હતી. જે તરત જ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો. આ સાથે, સરકારનું દમન પણ શરૂ થયું. ચાર્ટરના લેખકોમાંથી એક 1989ના અનુભવી આંદોલનકારી લિયુ જિઆબોની ધરપકડ કરવામાં આવી અને તેમને રાજદ્રોહના કેસમાં 11 વર્ષની સજા કરવામાં આવી.

લડત સાથે જોડાયેલાં અન્ય આંદોલનકારીઓની પણ ધરપકડ કરવામાં આવી. આ ઘટનાના પડઘા વૈશ્વિક સ્તરે પડ્યા, તેની આકરી ટીકા પણ થઈ. 2010માં લિયુ જિઆબોને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. પરંતુ તે સમયે તેઓ જેલમાં જ હતા. 2017માં વિશ્વભરમાં તેમના સ્વાસ્થ્ય માટે ચિંતાને ધ્યાનમાં લઈને જેલમાંથી મુક્તિ માટે ચીનની સરકાર પર ભારે દબાણ ઊભું કરવામાં આવ્યું, પરિણામે તેમને કેન્સરની સારવાર માટે જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પરંતુ તેમને બચાવી ન શકાયા.

‘ચાર્ટર 08’ની જેમ જ 25 ડિસેમ્બર, 2012ના રોજ “રાજકીય સુધારાઓ પર સંમતિ માટેની દરખાસ્ત” પ્રકાશિત કરવામાં આવી. જે કાયદાકીય બાબતોના વિદ્વાન ઝાંગ કિયાનફાન દ્વારા લખાઈ હતી અને 70થી વધુ અગ્રણી ઉદાર બૌદ્ધિકો અને કાર્યકરો દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવ, ખૂબ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ચીનમાં બંધારણના અમલીકરણ, પક્ષ અને સરકાર વચ્ચેના સંબંધોની યોગ્ય વ્યાખ્યા, પક્ષની આંતરિક લોકશાહી, વહીવટી બાબતોમાં વધુ પારદર્શિતા અને સ્વતંત્ર ન્યાયિક પ્રણાલી લાગુ કરવા અંગેની વાત મૂકવામાં આવી. ઝાંગ દ્વારા તેના બ્લોગ પર આ વિગત પોસ્ટ કરવામાં આવી, જે તરત જ સોશિયલ મીડિયામાં ફેલાવા લાગી.(વાયરલ થઈ) પરંતુ તેને તાત્કાલિક બ્લોગ પરથી હટાવી લેવામાં આવી. એટલું જ નહિ પરંતુ અધિકારીઓ દ્વારા તે પોસ્ટને સેન્સર વધુ લોકો સુધી ન પહોંચે તેવું કરવું) કરવામાં આવી. આ બધા ઉપરાંત સરકાર પોતાનો પ્રચાર પણ વિવિધ માધ્યમો દ્વારા ચલાવવા લાગી, જેથી એક નિયંત્રિત ચર્ચા થઈ રહી છે તેવું દર્શાવી શકાય.

કાર્યકર્તા વકીલોની ચળવળ અને સ્વતંત્ર બેઇજિંગ લોયર્સ એસોસિએશનની માંગ :

આ જ ક્રમમાં, 26 ઓગસ્ટના રોજ જ્યારે વકીલોના જૂથ દ્વારા બેઇજિંગ વકીલોના સંગઠનની સીધી ચૂંટણી માટે અપીલ કરવામાં આવી તો તેને ફક્ત એક એસોસિયેશનના વકીલોની ચૂંટણી સુધી મર્યાદિત ન રાખતાં દેશની રાજકીય ચૂંટણીઓ સાથે જોડી દેવામાં આવી. ચીનના શાસને આ અપીલ કરવામાં સામેલ તમામ વકીલો, કાયદાકીય કંપનીઓ અને અન્ય કાનૂની સંસ્થાઓ પર માત્ર પ્રતિબંધ જ ન મૂક્યો, પણ ઘણાની ધરપકડ કરી અને વકીલાત માટેનું તેમનું લાઇસન્સ પણ રદ કર્યું. આ રીતે, ગોંગફેંગ / ઓપન ક્ધસ્ટીટ્યુશન ઇનિશિયેટિવ, જે માનવાધિકાર માટે કામ કરતા વકીલોનું જૂથ હતું, તેના પર 2009માં પ્રતિબંધ મુકાયો.

વકીલો દ્વારા પ્રદર્શન

ખરેખર તો આ ઘટના પાછળનું મૂળ કારણ એ હતું કે 2000ના દાયકાની શરૂઆતથી જ વકીલોએ સામાન્ય કાયદાકીય કામકાજમાંથી હટીને લોકોના શોષણ, કાયદાનું ઉલ્લંઘન, સતામણી, ભેદભાવ, જમીનના અધિકાર, વિસ્થાપન વગેરેના મુદ્દાઓ ઉઠાવવા શરૂ કરી દીધા હતા. આમાંના કેટલાક મુદ્દા રાષ્ટ્રવ્યાપી ચર્ચાનો વિષય બન્યા અને તે કારણોસર ઘણું પરિવર્તન પણ આવ્યું. જેમ કે હુકો સિસ્ટમ અને સુજેગાંગ કેસ (2003), ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ સમયે મકાનોના આધારે થતો ભેદભાવ, વસ્તી નિયંત્રણ માટે બનાવવામાં આવેલી એક બાળકની નીતિ(2005), મેલામાઇન મિલ્ક પાઉડર ગોટાળો(2009) વગેરે. આ બધા મુદ્દાઓમાં સફળતા મળી. પરંતુ આવા હજારો કેસો હતા, જેમાં વકીલોને નિષ્ફળતા મળી. તે સાથે જ ઘણા વકીલોની ન માત્ર ધરપકડ કરવામાં આવી, પરંતુ તેમને સતત યાતનાઓનો સામનો કરવો પડ્યો.

બાર એસોસિએશન, વકીલોના અધિકારોનું રક્ષણ કરવાને બદલે હંમેશાં સરકારના પક્ષે હોય અથવા તેઓ આવા પ્રકારના મુદ્દાઓ ઉઠાવવાની વાતનો જ વિરોધ કરે. બાર એસોસિએશનની સભ્ય ફી બધા જ સભ્યો આપતા હતા. પરંતુ વાસ્તવિક સત્તા તો સરકાર દ્વારા નિયુક્ત વકીલો, પ્રમુખ અને ઉપ-પ્રમુખ અને જસ્ટિસ બ્યુરો દ્વારા નિયુક્ત સચિવના હાથમાં જ રહેતી. આવા સમયે કેટલાક વકીલોએ ખૂબ ચર્ચા બાદ હિંમતથી લોકશાહી ઢબે ચૂંટણી થાય અને આ પ્રણાલીનો અંત આવે તે અંગે પ્રયત્નો કર્યા. જેથી બાર એસોસિએશન ખરા અર્થમાં વકીલોના હકોનું રક્ષણ કરી શકે. આ માંગણીથી તો જાણે અચાનક તોફાન સર્જાયું. સરકારે ઘણા લોકોની ધરપકડ કરી હોવા છતાં, સરકારના દરેક દમન સામે વિચાર કરનારી નવી પેઢીનો જન્મ થયો અને તેમના દ્વારા નવા વિચારો(લોકશાહી વિચારો) ફેલાવવામાં મદદ મળતી રહી.

એક આદર્શ નાગરિકની કલ્પના કરતી ‘ન્યૂ સિટીઝન મૂવમેન્ટ’ :

‘ન્યુ સિટીઝન મૂવમેન્ટ’નો પ્રારંભ 2010માં થયો.11 જુલાઈ, 2012ના રોજ પ્રખ્યાત માનવાધિકાર કાર્યકર અને ગોંગફેંગના સ્થાપક કાનૂનવિદ ઝી ઝીહિઓંગ દ્વારા પ્રકાશિત એક લેખમાં તેની ભૂમિકા દર્શાવવામાં આવી છે. આ આંદોલન ‘નવા ચાઇનીઝ’ નાગરિકની કલ્પના પર આધારિત હતું, જે સ્વતંત્ર, ન્યાયી, શાંતિપ્રિય અને પ્રેમાળ હશે. તેઓ આગળ લખે છે, આ આંદોલનનું મૂળ વર્તમાનની તમામ પ્રકારની સામાજિક અને રાજકીય હિલચાલમાં રહેલું છે. આજે ચીનને સંપૂર્ણ રાજકીય પરિવર્તનની જરૂર છે, જેના દ્વારા સ્વતંત્ર, લોકશાહી ચીનની સ્થાપના થાય, જ્યાં કાયદાનું શાસન પ્રવર્તે. આ આંદોલન દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર, અસમાનતા, અસંતુલિત શિક્ષણ વગેરે જેવી સમસ્યાઓનું સમાધાન લાવવા પ્રયત્ન કરવો પડશે. માત્ર રાજકીય સુધારાથી નહિ ચાલે પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક સુધારા પણ કરવા પડશે.

આ આંદોલનથી હુકો પ્રથા સામે પ્રશ્નો ઊભા થયા. સાથે સરકારની ભ્રષ્ટાચાર વિરોધી પહેલને ધ્યાનમાં રાખીને સરકારી અધિકારીઓની સંપત્તિની વિગતો જાહેર કરવાની માંગ ઊઠી. નાગરિકની ફરજો અને મૂલ્યોની નવી વ્યાખ્યા કરતો એક ‘નાગરિક શપથ પત્ર’ પ્રકશિત કરવામાં આવ્યો. તેની ચર્ચા દેશભરના લોકો દ્વારા થઈ અને ઘણા લોકોએ તેને અપનાવવાના શપથ પણ લીધા. આ નાગરિક ચળવળના ભાગરૂપે બીજી પ્રક્રિયાઓ ચાલી, જેમાં મહિનાના અંતિમ શનિવારે મોટાં શહેરોમાં રાત્રિભોજન અને ચર્ચાનાં આયોજનો થયાં. તે ખૂબ જ સફળ રહ્યાં અને એક સમયે લગભગ 30 શહેરોમાં આ પ્રકારનાં આયોજનો થયાં.

આંદોલન થોડું આગળ વધ્યું, ને સરકારે તાત્કાલિક દમનકારી વલણ અપનાવ્યું. જૂ જિહિઓંગને પહેલાં ઘરમાં નજરબંધ કરાયા પછી તેમની ધરપકડ કરવામાં આવી અને આખરે 26 જાન્યુઆરી, 2014ના રોજ ચાર વર્ષની સજા કરવામાં આવી. 2020માં તેમને સજામાંથી મુક્તિ તો મળી, પરંતુ હમણાં કોવિડ-19ને અંકુશમાં લેવામાં ચીની સરકારની નિષ્ફળતા અંગે તેમણે સોશિયલ મીડિયામાં લખવાનું શરૂ કર્યું. જેથી તેમની ફરી ધરપકડ કરવામાં આવી છે.

દમનનો નવો તબક્કો : શી જીન્પીંગનો સમય :

આંદોલન અને તેને દબાવી દેવાની આ આખી પ્રક્રિયામાં એક વાત સ્પષ્ટ છે કે, એક તરફ ચીનમાં નાગરિકો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. તો બીજી તરફ, વિશ્વના અન્ય દેશોએ ચીન સાથેના સંબંધો, દમન-હિંસાની વાતને અવગણીને યથાસ્થિતિ ચાલુ રાખ્યા છે. પછી તે ઐતિહાસિક રીતે તિબેટના બૌદ્ધોનું વિસ્થાપન હોય કે ઉત્તરના ઉઈગુર મુસ્લિમોના સ્વશાસનની બાબત હોય. વિશ્વના મોટાભાગના દેશોએ આ અંગે મૌન સેવ્યું છે. આ બંને સમુદાયોએ ભારે દમન સહન કરવાનું થયું છે અને જે-તે સમયે તેમની સાથે જે ચીની બૌદ્ધિકો, વકીલો, પત્રકારો અને સંગઠનો રહ્યાં, તેઓને પણ કોઈ ને કોઈ રીતે હેરાન કરવામાં આવ્યાં છે.

આજે, ચીનમાં બંધારણ અને કાયદાના શાસન માટે લડનારાઓની સંખ્યા ઓછી થઈ છે, કારણ કે 2012-13માં શી જીન્પીંગના સત્તા પર આવ્યા પછી, તેઓએ પાર્ટી અને રાજ્ય પર એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. 2013માં, પ્રથમ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હેઠળ, તેમણે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ઉપર પોતાની પકડ મજબૂત બનાવી. તેમણે પહેલાં પક્ષ અને પછી સરકારના વિરોધનો દરેક અવાજ ધીરે ધીરે કરી દબાવી દેવાયો અને ત્યારબાદ નાગરિક સમાજને કચડી નાખ્યો.

આ પાંચ નારીવાદી કર્મશીલોની ધરપકડ થયેલી. તેમના સમર્થનમાં ચલાવવમાં આવેલું અભિયાન #FreeTheFive

2015માં, સરકારે 6 માર્ચના દિવસે, વિશ્વ મહિલા દિવસના બે દિવસ પહેલાં પાંચ યુવાન નારીવાદી કર્મશીલોની ધરપકડ કરી. તેઓનો ગુનો માત્ર એટલો જ હતો કે, તેઓ બેઇજિંગ મહિલા સંમેલનની વીસમી વર્ષગાંઠ નિમિતે જાહેર પરિવહન(પબ્લિક ટ્રાન્સપોર્ટ)માં મહિલાઓ સાથે થતી સતામણી સામે દેખાવ કરવા, ચીનનાં દસ શહેરોમાં એક જ દિવસે કાર્યક્રમ યોજવાની તૈયારી કરતાં હતાં. અતિશય આંતરરાષ્ટ્રીય દબાણને કારણે તેમને સાડત્રીસ દિવસની કેદ પછી મુક્ત કરવામાં આવ્યાં, પરંતુ આજે પણ તેઓ મુક્ત નથી, કેમ કે પોલીસ દ્વારા સતત-ચોવીસ કલાક તેમની પર નજર રાખવામાં આવે છે.


તમને આ પણ વાંચવું ગમશે


આ ઘટના પછી 9 જુલાઈએ વાંગ યુન નામની મહિલા વકીલની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ થોડાં જ અઠવાડિયાંમાં 300 વકીલોની ધરપકડ કરવામાં આવી. તેની ઉપર દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો. તેના કેસનું પ્રતિનિધિત્વ કરનાર વકીલની પણ ધરપકડ કરવામાં આવી હતી. વકીલોની ધરપકડ ‘709’ નામે જાણીતી છે. આજે પણ ઘણા વકીલો જેલમાં છે. જેમને છોડી દેવામાં આવ્યા છે તેઓને સરકારની જાહેરમાં-ટેલિવિઝન પર માફી માંગવી પડી, રાજદ્રોહની કબૂલાત કરવી પડી, જેલમાં સખત ત્રાસ સહન કરવો પડ્યો. આજે આ તીવ્ર દમનની વાતો તેનાં સંસ્મરણો, પત્રો, ઇન્ટરવ્યુ વગેરેથી ધીરે ધીરે વિશ્વની સામે આવી રહી છે, જે ખૂબ જોખમી છે કારણ કે તેઓ મુક્ત હોવા છતાં મુક્ત નથી. તેમનો પરિવાર અને નજીકની વ્યક્તિઓ પર સતત પોલીસ નજર રાખી રહી છે.

મહિલાઓ અને વકીલો પછી, સરકારે ભેદભાવ(અસમાનતા) સામે કામ કરતાં સંગઠનોને નિશાન બનાવ્યાં. છેવટે 2015-16માં, રશિયાની જેમ પહેલાં સ્વદેશી એનજીઓ પર કડક કાર્યવાહી કર્યા પછી, ચીનમાં કાર્યરત વિદેશી એનજીઓ પર ‘વિદેશી એનજીઓ મેનેજમેન્ટ લો’ લાગુ કર્યો, જેની હેઠળ દરેક એનજીઓ, જે વિદેશી એનજીઓ સાથે સંકળાયેલાં છે અથવા તેમની સાથે કામ કરે છે અથવા તેમની પાસેથી સંસાધનો લે છે તેમણે સરકારમાં નોંધણી કરાવવી પડશે. પરંતુ નોંધણીની શરતો કોઈપણ એનજીઓ માટે પૂર્ણ કરવી અશક્ય જેવી છે. આવી સ્થિતિમાં કોઈ પણ સ્વતંત્ર રીતે કામ કરતાં સંસ્થા-સંગઠનનું રજિસ્ટ્રેશન કરવું સરળ નહિ રહે અથવા કોઈ સ્વતંત્ર રીતે કામ કરવા સક્ષમ નહિ રહે. આજે હોંગકોંગ, કે જે એક ‘સ્વતંત્ર’ ક્ષેત્ર હતું, તેને પણ લગભગ સમાપ્ત કરવામાં આવ્યું છે.

આ બધા વચ્ચે કોઈ પણ સંસ્થા કે સંગઠન જાહેર બાબતોના મામલે કાર્ય કરી શકે તેવું લાગતું નથી. આજે ઘણી સંસ્થાઓ ફરીથી કાર્યરત છે. પરંતુ માનવ અધિકાર અને સંવેદનશીલ મુદ્દાઓ પર કામ કરતાં સંસ્થા-સંગઠનો પાસે કામ કરવાનો કોઈ મારગ રહ્યો નથી.

2015 પછી, ચીનના તમામ સ્વતંત્ર અવાજો, વ્યક્તિઓ અને સંગઠનો-સંસ્થાઓને એક પછી એક ચૂપ કરી દેવામાં આવ્યાં છે અથવા એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે તેઓ ચૂપ થઈ ગયાં છે. તેમાંથી ઘણી વ્યક્તિઓ વિશ્વના અન્ય દેશોમાં દેશવટો ભોગવી કોઈક રીતે પોતાનું જીવન ગુજારી રહી છે. આજની પરિસ્થિતિમાં, ચીનમાં કોઈ સ્વતંત્ર સંગઠન નથી કે જે લોકોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને કામ કરી શકે. જાહેર દેખાવો-પ્રદર્શન આજે પણ થઈ રહ્યાં છે, મુદ્દાઓ હજી પણ છે અને પક્ષ સાથે સંકળાયેલ જાહેર સંસ્થાઓ તેમ જ સ્થાનિક સરકારી સમર્થિત એનજીઓ પણ છે. પરંતુ સ્વતંત્ર રીતે ઊભા રહી શકે અને નિર્ભયતાથી બોલી શકે તેવા કોઈ લોકો લગભગ નથી.

ચીનના રાષ્ટ્રપતિએ જે રીતે બંધારણમાં પરિવર્તન કર્યું છે, તેનાથી સર્વ સત્તા તેમની પાસે છે, તેઓ પોતે ઇચ્છે તે મુજબ કરી શકે છે. ઘણાં વર્ષોથી વિપક્ષના ઉદ્ભવ અથવા કોઈ અસંમતિનો અવાજ ઊઠવાની સંભાવના ઓછી જ છે. આ બધાની વચ્ચે છેલ્લાં પાંચ વર્ષથી હોંગકોંગના યુવા લોકોએ જે રીતે ચીની રાજ્યને પડકાર આપ્યો છે તે મહત્ત્વનો છે. અને આજે પણ વિરોધનો અવાજ સતત ઉઠાવી રહ્યાં છે. તેવી જ રીતે ઘણા કાર્યકરો હજી પણ પોતાના જીવના જોખમે, ચીનની અંદર રહીને અને બહાર રહીને પણ સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

અંતે લૂ પિન, પ્રખ્યાત નારીવાદી નેતાનું કથન યાદ કરીએ, જેઓ 2015થી યુએસમાં દેશનિકાલમાં જીવી રહ્યાં છે. નિરાશાની આ ઘડી અંગે કહે છે કે, “તમે આ ક્ષણે પણ અટકી ન શકો, તમારે સતત એ વિચારવું જ પડશે કે આપણે બીજું શું કરી શકીએ ? મને લાગે છે કે આંદોલન કેવી રીતે આગળ વધી શકે છે તેનો સ્પષ્ટ જવાબ કોઈને ખબર નથી. શરૂઆતમાં હું વિચારતી હતી કે મને આંદોલનની દિશા ખબર છે, પણ હું ખોટી હતી. અને તેથી લાગે છે કે આપણે આ અજાણ ભવિષ્ય માટે પોતાને પ્રતિબદ્ધ બનાવવા પડશે અને અનેક અનિશ્ચિતતા હોવા છતાં નવા ભવિષ્યમાં આપણી શ્રદ્ધા જાળવી રાખવી પડશે, જેથી આપણે આગળ વધતા રહી શકીએ. સરકારનો દરેકે દરેક પ્રયત્ન લોકોને એકબીજાથી દૂર કરવાનો છે. આપણે લોકો વચ્ચે સંબંધો અને સંવાદ વધારવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈશે અને વધુમાં, પ્રતિકારનાં વૈકલ્પિક પગલાંઓને મજબૂત બનાવવાં પડશે, કારણ કે વર્ષોની નારીવાદી ચળવળે આપણને આ જ શીખવ્યું છે.”

(‘જનપથ’માંથી સાભાર અનુવાદિત)        – મધુરેશ કુમાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s