ચલચિત્ર એ કલા અને અભિવ્યક્તિનું સશક્ત અને બોલકું માધ્યમ છે. અમૃત ગંગરે ફિલ્મસમીક્ષાનું ક્ષેત્ર ખેડ્યું છે. બહુ ઓછા ગુજરાતીઓ આ ક્ષેત્રમાં છે અને જે છે તેમાં અત્યંત અભ્યાસુ અને મહેનતુ સમીક્ષક તો આ એક માત્ર. તેઓ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં સતત આ વિષય પર લખે છે અને તેમનાં લખાણો લોકપ્રિય છે. તેમનાં લખાણોમાં વિદ્વત્તા અને ઊંડાણ ડોકાયા વગર રહેતાં નથી. તેમના કામનું ફલક ખૂબ વિશાળ છે.
વિશ્વ આખાની ફિલ્મો, દિગ્દર્શકો, કલાકારો વિશે તેમની પાસે પ્રથમદર્શી માહિતી હોય. તેમની સંવેદનશીલતાને કારણે આસપાસ જિવાતા જીવનમાં જે અસમાનતાઓ છે, અન્યાય છે, શોષણ છે, સંઘર્ષ છે તે તરફ તેમની નજર મંડાયેલી હોય છે અને ફિલ્મો સંદર્ભે તેનું નિરૂપણ તેમની કલમ દ્વારા થતું રહે છે.
ફેસબુક પર પણ તેઓ ખૂબ સક્રિય છે અને તેમાં પોતે નક્કી કરેલા વિષયો પર પોતાના વાચકોને અવનવી માહિતી પીરસતા રહેતા હોય છે. તેમનું બહોળું મિત્રવર્તુળ તેનો લાભ લે અને તેના પર પેાતાનાં મંતવ્યો વ્યક્ત કરે. ફેસબુક પર તેમના દેશ-વિદેશના 5000 મિત્રો છે. એમાં ઝોયા અખ્તર પણ છે અને આનંદ પટવર્ધન પણ છે. એ 5000 પૈકીનો એક છું એટલે એમની ફેસબુક પોસ્ટ પરથી ઘણું જાણવા શીખવાનું મળે છે.
તેમનો અંગ્રેજી ભાષા પરનો કાબૂ પણ ખૂબ સારો. ફિલ્મ ફેસ્ટીવલ નિમિત્તે તેઓ દેશ-વિદેશ ફરતા હોય છે, ફિલ્મો અને વિવિધ રીતે મદદ કરતા હોય છે અને ફિલ્મીહસ્તીઓના ઇન્ટરવ્યુ લેતા હોય છે. આ બધું તેમની ફેસબુક પોસ્ટ દ્વારા વાચકોને જાણવા મળે છે.
કોરોના કેર અને તેને ખાળવા 24 માર્ચને દિવસે અચાનક જાહેર કરાયેલા લોકડાઉનને પગલે લાખો સ્થળાંતરિત શ્રમજીવીઓ મુશ્કેલીમાં મુકાયા અને વતન જવા તેમણે જે પદયાત્રાઓ કરી તેનાં દૃશ્યો જોઈને તેમજ વર્ણનો વાંચીને વિશ્ર્વ આખું હલી ગયું. અમૃત કઈ રીતે અછૂતા રહે ? તેમણે પોતાની વેદના ફેસબુક પોસ્ટ થકી વ્યક્ત કરવા માંડી. આ સ્થળાંતરની કથાઓને ફિલ્મોના અનુભવ સાથે વણીને અનુરૂપ તસ્વીરો સાથે મૂકેલી તેમની આ પોસ્ટ બહુમૂલ્ય છે. ફેસબુક એવું માધ્યમ છે જેમાં દર સેકંડે નવી સામગ્રી મુકાતી હોય છે. મોટાભાગે અંગત મંતવ્યો હોય, જેમાં બહુ ઓછાં વિદ્વત્તાભર્યાં હોય. વિદ્વાનો પણ પ્રચારાત્મક સામગ્રી મૂકતા હોય છે.
બહુ ઓછી પોસ્ટ એવી હોય જેનું દસ્તાવેજી મૂલ્ય હોય. આ પોસ્ટ એવી મૂલ્યવાન છે એમ ચોક્કસ કહી શકાય. 17 એપ્રિલથી 10 મે સુધીના ગાળામાં તેમણે સ્થળાંતરિત શ્રમજીવીઓ વિશે અંગ્રેજીમાં ‘માઇગ્રંટ વર્કર્સ ડીસ્કોર્સ’ મથાળા હેઠળ આ એક જ વિષય પર મૂકેલી 21 પોસ્ટ અને તેના પર આવેલી ટીકાઓનો સંગ્રહ તેમણે માઇગ્રંટ વર્કર્સ ડીસ્કોર્સ નામે ઇ-બુક સ્વરૂપે પ્રગટ કર્યો છે. મારા ધ્યાનમાં આવેલો આવો આ પહેલો સંગ્રહ છે. આ સંગ્રહ પ્રગટ કરીને તેમણે આપણા સાહિત્યમાં મહત્ત્વનું ઉમેરણ કરીને ફેસબુકની ક્ષણજીવી વાતોને ચિરંજીવ બનાવી છે. આ પ્રયાસને હું આવકારું છું.
તમને આ પણ વાંચવું ગમશે
પોતાની આ પોસ્ટમાં તેઓ કોઈ દિલચોરી રાખ્યા સિવાય સરકારની ટીકા કરે છે અને એ રીતે પોતે ક્યાં અને કોની સાથે ઊભા છે તે સ્પષ્ટપણે અને નિર્ભીકપણે જાહેર કર્યું છે. સર્જકની ઈમાનદારી અને ખુમારી અહીં પ્રગટ થાય છે. એક તબીબનો સંદર્ભ આપીને કહે છે કે સરકારે તાળી વગાડો, થાળી વગાડો, ફૂલ વરસાવો વગેરે તબીબોના સન્માનમાં જે કર્યું તેની નહીં પણ તેમને સામાનની જરૂર હતી (એટલે કે એમને બે ત્રણ મહિનાનો પગાર બાકી હતો તેની જરૂર હતી).
અગાઉ તેમણે બિંબ-પ્રતિબિંબ અને મ્યુઝિયમ ઓફ મેમરીઝ નામની શ્રેણી ફેસબુક પર ચલાવી હતી તેથી એવી ફાવટ હતી કે બે ત્રણ ફકરા સાથે અનુરૂપ તસ્વીરો મૂકવી. તે રીતે તેમણે આ શ્રેણી પણ ચલાવી.
1953માં આવેલી ‘દો બીઘા જમીન’ના શંભુથી એ વાતની શરૂઆત કરે છે. શંભુ પોતાનું વતન છોડી કોલકતા જાય છે અને ત્યાં કારમો સંઘર્ષ કરે છે. બ્રીટીશ હકૂમત હેઠળના અને આઝાદ ભારતમાં કામદારોની ગુલામી વિશે તેમણે વર્તમાન સંદર્ભમાં વાતો કરી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જે ચળવળ ચલાવી તે સ્થળાંતરિત શ્રમજીવીઓની હતી તે પણ યાદ કરાવ્યું. ગીરમીટિયા અંગેની તેમની પોસ્ટને વાચકો તરફથી બહોળો આવકાર મળ્યો. સાથે સાથે એ કલાના નમૂનાઓ પણ મૂકતા જાય અને એ રીતે પોતાની વાતને તો વધુ ઘૂંટે પણ સાથે તમને ઉત્તમ કલાની રસલ્હાણ કરે. વાચકો પણ પોતાના અનુભવો અને વાંચનની વાત કરે, લીંક મૂકે અને બીજાને એ વાંચવા પ્રેરે. વાચકોમાં વળી કેટલાક વ્યક્ત થતા અભિપ્રાયોમાંથી સાવ વિરોધી વાત પણ કરે અને એમ ચર્ચા જામે.
ક્યાંક અમૃતે પોતે ચર્ચા દરમિયાન લાંબા જવાબ પણ આપ્યા હોય. ચર્ચામાં બાળમજૂરો અને વેઠિયા મજૂરોની વાત પણ આવે અને ક્યાંક કોઈ વાંચેલ પોતાના વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ વિશે હૈયું હચમચી જાય તેવી વાત પણ લખે, અને એમ આખી ચર્ચા જીવંત બને, રસપૂર્ણ બને, માહિતીપ્રદ અને જ્ઞાનપ્રદ બને. વાચકો એમાંથી ઘણું પામે. એ ડાયાસ્પોરાની જેમ બહુ-સ્પોરા જેવા નવા શબ્દો સર્જી ચલણમાં મૂકે છે અને પતિ સાથે મજૂરી માટે સ્થળાંતર કરતી પરિણીત મહિલાની બેહાલીની વાત મૂકે. પન્ના નાયક અને બાબુ સુથાર પણ ચર્ચામાં ઝંપલાવે. એમની ચર્ચામાં એમના પુસ્તક સુગરી, શબરી, સિનેમાની વાત આવે અને અતુલ દોડિયાનાં ચિત્રોની વાત પણ આવે. કેનેડામાં પંજાબી ખેતમજૂરોના સંઘર્ષની વાત આવે અને કોમાગાટા મારુની અને તે અંગેની ફિલ્મોની વાત આવે.
તમને આ પણ વાંચવું ગમશે
22 એપ્રિલ લેનીનની જન્મજયંતી આવતાં એ લેનીન વિશે પણ વાચકોને જાણ કરે, ઋત્વિક ઘટકની લેનીન પર બનાવાયેલી ફિલ્મની માહિતી મળે અને આનંદ પટવર્ધનની હમારા શહેરની માહિતી પણ મળે. મેઘા શ્રીરામ ડાલ્ટન એમ કહે છે કે તમારે કારણે (અમૃતને કારણે) એ ગાંધીને જુદી રીતે જોતાં શીખ્યાં. ઝારખંડના રાંચીમાં ગાંધી 150 નિમિત્તે યોજાયેલ કાર્યક્રમની ચર્ચા આવે છે, જેમાં આદિવાસીઓના જીવન પર ગાંધીની અસર અંગેનાં મેધાનાં ગીતોનો સમાવેશ થયો હોય છે. નારાયણ સુર્વેની કવિતા પણ એ તમને આપે. સ્થળાંતરિત શ્રમજીવીઓના સંદર્ભે દયા પવારની બુલતનો સંદર્ભ પણ તમને જોવા મળે. ગટરમાં ઊતરીને કામ કરતા કામદારોની ચર્ચામાં એમની સલામતી માટે ઉપકરણ તૈયાર કરનાર મમતા મંત્રી પણ જાણવા મળે. આપણા નૃત્ય સમીક્ષક સુનીલ કોઠારી પણ ચર્ચામાં ડોકાઈ જતા જોવા મળે. ચાર્લી ચેપ્લીનની મોડર્ન ટાઈમ્સનો ઉલ્લેખ પણ જોવા મળે.
મારું ધ્યાન ખેંચાયું એક પોસ્ટથી, જેમાં સુરતના કાપડ ઉદ્યોગ પર બનેલ એક કલાકની રાહુલ જૈનની મશીસ નામની દસ્તાવેજી ફિલ્મનો ઉલ્લેખ હતો. મેં આ ફિલ્મ જોઈ હતી એટલે મેં પણ ચર્ચામાં ઝંપલાવ્યું અને એમાંથી જ અમૃત સાથે મૈત્રી થઈ. નવનીતના એમના લેખો દ્વારા મને તો એમનો પરિચય હતો જ, પણ એમને મારો ન હોય તે સ્વાભાવિક છે.
12મા પ્રકરણમાં એ ચેન્નઈ અને શિકાગોનાં બે શિલ્પોની તસ્વીરો મૂકે છે અને ‘મે દિવસની ઉજવણી કોરોના હોવા છતાં શિકાગોમાં થાય છે પણ ભારતમાં ?’ – એવા મથાળા હેઠળ ચર્ચાનો આરંભ કરે છે. અન્ય એક પ્રકરણમાં સિમેંટના મીક્સરમાં છુપાઈને વતન જવા મજબૂર બનેલા કામદારોની વાત સાથે એ ચિત્રલેખા નામના 1948માં બનેલા પિક્ચરમાં ડ્રમમાં છુપાયેલા સૈનિકોના દૃશ્યની સાથે સરખામણી કરે છે.
21મા પ્રકરણમાં સમાયેલી આ ચર્ચા વિશાળ ફલક પર ચાલ્યા કરે છે અને તે ગાળા દરમિયાન વતન પરત ફરી રહેલા કામદારો અંગેના સમાચારોને આધારે શરૂ થતી ચર્ચાવિધિ ગલી કૂંચીઓમાંથી પસાર થતી યાત્રા આગળ વધતી રહે છે અને વાચકોને ભીની કરતી રહે છે. આમ તો આ કથાના મુખ્ય નાયક અમૃત ગંગર ગણાય, પણ એ એકલા નથી. પુસ્તકને અંતે એમણે ચર્ચામાં ભાગ લઈ તેને જીવંત રાખનારા 40 જેટલા વાચકોની યાદી જ નહીં, ટૂંકો પરિચય પણ આપી દીધો છે અને તેમ કરીને તેના મૂલ્યમાં વધારો કર્યો છે. ધીમે ધીમે નિરાંતે વાંચવા જેવું આ પુસ્તક ચોક્કસ છે.
મો.: 9426486855 – જગદીશ પટેલ
