કેમ આ 27 જીવનાશકો પર પ્રતિબંધ જરૂરી છે?

ગયા લેખમાં જણાવેલું કે જીવનાશકોનું નિયમન આપણી સહિયારી જવાબદારી છે. આ વખતે આ પ્રતિબંધ તરફ દોરી જતી પ્રક્રિયા અને બંને પક્ષની દલીલોની વાત કરીશું.

લેખક

ભારત સરકારે 2013માં એક નિષ્ણાત સમિતિ રચી, જેના વડા હતા ડો. અનુપમ વર્મા. તેઓ પાક સંરક્ષણના ક્ષેત્રે વિશ્ર્વવિખ્યાત વિષાણુશાસ્ત્રી છે. આ સમિતિએ ભારતમાં વપરાતાં 66 જીવનાશકોનું પુનર્મૂલ્યાંકન શરૂ કર્યું અને ડિસેમ્બર, 2015માં પોતાનો અહેવાલ આપી દીધો. તેમાં જણાવેલું કે ભારતે 12 જીવનાશકોના વપરાશ પર તાત્કાલિક પ્રતિબંધ લાવવો અને બીજાં છ 2020ના અંત સુધીમાં પ્રતિબંધિત કરવાં.

અલબત્ત, સરકારને આ ભલામણનો અમલ કરતાં ત્રણ વરસ લાગ્યાં, અને 2018માં તે માટેના હુકમો બહાર પડાયા. જીવનાશકોનો ધંધો કરનારાની વગ સરકારમાં કેટલી હશે તેનો ક્યાસ આમાંથી નીકળે. આ જ અનુપમ વર્મા સમિતિને 2018માં ફરી વાર બીજાં 27 જીવનાશકોના પુનર્મૂલ્યાંકનનું કામ સોંપાયું. અલબત્ત, પુનર્મૂલ્યાંકન માટે જરૂરી એવું સલામતી પુરવાર કરવાનું કામ ઉત્પાદક કંપનીઓને જ સોંપાયેલું, જે પોતે જ દલા તરવાડી જેવી હિત વિરોધની વાત હતી. તેમ છતાં આ કંપનીઓએ હજી સુધી સલામતીની પૂરતી સાબિતીઓ આપી નથી. આખરે સરકારે તેમના પર પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. તેની યાદી અને તથા તેનાં પર્યાવરણીય અને આરોગ્ય વિષયક નુક્સાન નીચે પ્રમાણે છે.

ક્રમનામપ્રતિબંધ અને વપરાશ પર મર્યાદા અંગેની વિગત (વિવિધ સ્રોતોમાંથી)સમસ્યા અને જોખમો
1એસીફેટ (કીટનાશક)યૂરોપના 28 દેશો, ચીન, ઓમાન, પેલેસ્ટાઈન, યૂએઈ.અત્યંત જોખમી
મધમાખી માટે ઝેરી, નવા કીટકો વધે
વિઘટન દરમ્યાન વધુ ઝેરી સંયોજન બને
નિકાસ કરેલ માલના અસ્વીકાર માટે જવાબદાર
2.એટ્રાઝીન (નીંદણનાશક)ચાડ, ઇજિપ્ત, ગામ્બિયા, મોરેશિયાના, નાઈજર, ઓમાન, સેનેગલ, ટોગો, યૂએઈ, યૂરોપ(EU)‘Deemed to be Registered’
ભારે જોખમી, અંત:સ્રાવી ગ્રંથિઓને નુક્સાન
ત્રણ-ત્રણ સમિતિઓના માંગવા છતાં અમુક બાયોસેફ્ટી ડેટા અપાયો નથી
3બેન્ફ્યુરારાર્બ (કીટનાશક)યૂરોપ(EU), યૂએઈ, કોરિયા, ભારતમાં ઉપયોગ પર મર્યાદાભારે જોખમી
વિઘટન દરમ્યાન વધુ ઝેરી સંયોજન બને
મધમાખી માટે ખૂબ ઝેરી
4બ્યૂટાક્લોર (નીંદણનાશક)બ્રાઝિલ, કોલંબિયા, મલેશિયા, યૂરોપ(EU)‘Deemed to be Registered’
ભારે જોખમી, સંભવિત કેન્સરકારક
માંગવા છતાં અમુક બાયોસેફ્ટી ડેટા અપાયો નથી
નોંધણી સમિતિ (Registration Committee) જાન્યુ., 2018થી પ્રમાણપત્ર રદ કરવાનું નક્કી કરી ચૂકી છે.
5કેપ્ટાન (ફૂગનાશક)કંબોડિયા, ઈજિપ્ત, ઓમાન, સાઉદી અરેબિયા, ફીજી, વિયેટનામ, ડેન્માર્ક, ફીન્લેન્ડ, નોર્વે, કોરિયા ઓસ્ટ્રેલિયા, કુવૈત અને સ્વીડનમાં ઉપયોગ પર મર્યાદા‘Deemed to be Registered’ માંગવા છતાં અમુક બાયોસેફ્ટી ડેટા અપાયો ન’તોનિકાસ કરેલ માલના અસ્વીકાર માટે જવાબદાર
નોંધણી સમિતિ (Registration Committee) જાન્યુ., 2018થી પ્રમાણપત્ર રદ કરવાનું નક્કી કરી ચૂકી છે.
6કાર્બેન્ડેન્ઝીમ (ફૂગનાશક)મોઝામ્બિક અને યૂરોપ(EU)સ્વીડનમાં ઉપયોગ પર મર્યાદા‘Deemed to be Registered’, ભારે જોખમી
પ્રજનન બાબતે ઝેરી, નવોદ્ગમન માટે જવાબદાર
માંગવા છતાં અમુક બાયોસેફ્ટી ડેટા અપાયો ન’તો.
નોંધણી સમિતિ (Registration Committee) જાન્યુ., 2018થી પ્રમાણપત્ર રદ કરવાનું નક્કી કરી ચૂકી છે.
નિકાસ કરેલ માલના અસ્વીકાર માટે જવાબદાર
7કાર્બોફ્યુરાન (કીટનાશક)બાંગ્લાદેશ, એંટીગુઆ અને બર્બ્યુડા, બુરંડી, કેનેડા, ચાડ, ઇજિપ્ત, ગામ્બિયા, કેન્યા, મોરેશિયાના, નાઈજર, સેનેગલ, ટોગો, સાઉદી અરેબિયા, જોર્ડન, યૂએઈ, યૂરોપ(EU)‘Deemed to be Registered’, ભારે જોખમી
બધી MRL નક્કી થઈ નથી મધમાખી માટે ખૂબ ઝેરી
ઝેર ચડવાના કિસ્સા માટે જવાબદાર    
8ક્લોર્પાયરીફોસ* (કીટનાશક)પેલેસ્ટાઈન, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, યૂએઈ, શ્રીલંકા.
ચાર દેશોમાં ઉપયોગ પર મર્યાદા
ભારે જોખમી.
બધી MRL નક્કી થઈ નથી.
નિકાસ માટેના માલના અસ્વીકાર માટે જવાબદાર 
માછલી અને મધમાખી માટે ખૂબ ઝેરી
નોંધણી સમિતિ (Registration Committee) જાન્યુ., 2018થી પ્રમાણપત્ર રદ કરવાનું નક્કી કરી ચૂકી છે.
9ડેલ્ટામેથ્રીન* (કીટનાશક)ડેન્માર્કમાં ઉપયોગ પર મર્યાદાભારે જોખમી, પ્રજનન બાબતે ઝેરીમધમાખી માટે ખૂબ ઝેરીઝેર ચડવાના કિસ્સા માટે જવાબદારભારતમાં ખોરાકમાં તેના અવશેષો જોવા મળે છે.
10ડાયકોફોલ (કીટનાશક)બાંગ્લાદેશ, બ્રાઝીલ, ઈન્ડોનેશિયા, જાપાન, યૂએસએ, સ્વીટ્ઝર્લેંડ, એંટીગુઆ અને બર્બ્યુડા, ઓમાન, ગીની, કેનેડા, ઇજીપ્ત, મોરેશિયસ, નેધર્લેડ, રશિયા, સાઉદી અરેબિયા, યૂએઈ, યૂરોપ(EU), સ્વીડન, કોરિયા અને વેનેઝુએલામાં ઉપયોગ પર મર્યાદા‘Deemed to be Registered’,
રાજ્યએ પ્રતિબંધ કરવાનું સૂચવ્યું છે.
નિકાસ માટેના માલના અસ્વીકાર માટે જવાબદાર
ભારતમાં ખોરાકમાં તેના અવશેષો જોવા મળે છે.
11ડાયમેથોએટ (કીટનાશક)કેમેરૂન, સાઉદી અરેબિયા, શ્રીલંકા, સુરિનામ, કોરિયા, બાંગ્લાદેશ, ઈજીપ્ત, યૂએઈસાયપ્રસ, બેલીઝ અને યૂએસએમાં ઉપયોગ પર મર્યાદા‘Deemed to be Registered’,
ભારે જોખમી
મધમાખી માટે ભારે ઝેરી
બધી MRL નક્કી થઈ નથી.
નિકાસ માટેના માલના અસ્વીકાર માટે જવાબદાર
12ડાયનોકેપ (ફૂગનાશક)કોરિયા, યૂરોપ(EU), મ્યાનમાર, સ્વીડન,  આર્જેન્ટીના‘Deemed to be Registered’,
ભારે જોખમી,
પ્રજનન બાબતે ઝેરી
ગર્ભમાં ખોડખાંપણ લાવે
રાજ્ય સરકારે પ્રતિબંધ લાવવા સૂચવ્યું છે.
13ડાયુરોન (નીંદણનાશક)મોઝામ્બિક, બાંગ્લાદેશ, યૂએઈ, અંગોલા, રશિયા, સ્વીડન‘Deemed to be Registered’
ભારે જોખમી,
પાણીને તરત પ્રદૂષિત કરે.
સંભવિત માનવ કેંસરકારક,
142-4-ડી (નીંદણનાશક)મોઝામ્બિક, નોર્વે, વિયેતનામ, યુએઈ, કોરિયા, કુવૈત, સ્વીડનડેનમાર્ક અને બેલીઝમાં ઉપયોગ પર મર્યાદા‘Deemed to be Registered’
ભારે જોખમી
સંભવિત માનવ કેન્સરકારક
ઉત્પાદન દરમ્યાન આડ-પેદાશ તરીકે ડાયોક્સિન બને, જે કેન્સરકારક છે.
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના કામમાં ખલેલ કરે
15મેલાથિયોન* (કીટનાશક)સીરિયા, પેલેસ્ટાઇન, બાંગ્લાદેશ, યુએઈ, યુરોપ

કોરિયા, કેનેડા અને શ્રીલંકામાં ઉપયોગ પર મર્યાદા
‘Deemed to be Registered’
ભારે જોખમી
સંભવિત માનવ કેન્સરકારક
બધી MRL નક્કી થઈ નથી
મધમાખી માટે ભારે ઝેરી
ભારતમાં ખોરાકમાં તેના અવશેષો જોવા મળે છે.
16મેન્કોઝેબ (ફૂગનાશક)સાઉદી અરેબિયા, ઇજિપ્ત, યુએઈ, લિબિયા

કોરિયા અને સ્વીડનમાં ઉપયોગ પર મર્યાદા
સંભવિત કેન્સરકારક,ભારે જોખમી માછલી માટે ઝેરી
ઝેર ચડવાના કિસ્સા માટે જવાબદાર
17મિથોમિલ (કીટનાશક)ચીન, કોલંબિયા, કોરિયા, મ્યાનમાર, એન્ટીગુઆ અને બર્બ્યુડા, કંબોડિયા, ગીની, લાઓસ, સાઉદી અરેબિયા, યુએઈભારે જોખમી મધમાખી માટે ભારે ઝેરી
રાજ્ય સરકારે પ્રતિબંધ માંગ્યો છે નિકાસ માટેના માલના અસ્વીકાર માટે જવાબદાર
18મોનોક્રોટોફોસ (કીટનાશક)આર્જેંટિના, ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ બાર્બાડોસ, બલ્ગેરિયા, બુરંડી, કંબોડિયા, કોસ્ટારિકા, ગીની, ગુયાના, કેન્યા, લાઓસ, મોરેશિયસ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, સુરિનામ, થાઈલેન્ડ, યુએઈ, ઉરુગ્વે, યુએસએ

ભારતમાં ઉપયોગ પર મર્યાદા
‘Deemed to be Registered’
મધમાખી માટે ખૂબ ઝેરી
રાજ્ય સરકારે પ્રતિબંધ ઇચ્છ્યો છે.
બધી MRL નક્કી થઈ નથી
નિકાસ માટેના માલના અસ્વીકાર માટે જવાબદાર
ઝેર ચડવાના કિસ્સા માટે જવાબદાર
ભારતમાં ખોરાકમાં તેના અવશેષો જોવા મળે છે.
19ઓક્ઝીફ્લુર્ફેન (નીંદણનાશક)મોઝામ્બિક, ઇજિપ્ત, નોર્વે 

6 દેશોમાં વપરાશ પર મર્યાદા
ભારે જોખમીસંભવિત કેન્સરકારક
20પેંડીમેથાલીન (નીંદણનાશક)નોર્વે,  ઇજિપ્ત

સ્વીડનમાં વપરાશ પર મર્યાદા
ભારે જોખમી
ઝેર પ્રકૃતિમાં એકઠું થાય અને લાંબો સમય ટકે
ભારતમાં ખોરાકમાં તેના અવશેષો જોવા મળે છે.

તમને આ પણ વાંચવું ગમશે


21ક્વીનાલફોસ* (કીટનાશક)બ્રાઝિલ, યૂરોપ(EU), કોરિયા, મલેશિયા‘Deemed to be Registered’
ભારે જોખમી
અન્તઃસ્ત્રાવી ગ્રંથિઓના કામમાં ખલેલ
મધમાખી માટે ખૂબ ઝેરી
બધી MRL નક્કી થઈ નથી
નિકાસ માટેના માલના અસ્વીકાર માટે જવાબદાર
ઝેર ચડવાના કિસ્સા માટે જવાબદાર
22સલ્ફોસલ્ફ્યુરોન (નીંદણનાશક)નોર્વેનીંદણો પ્રતિકારક્તા વિકસાવી રહ્યા છે.
23થાઓડીકાર્બ (કીટનાશક)યૂરોપ(EU),  મોઝામ્બીક, યુએઈ.

બેલીઝમાં ઉપયોગ મર્યાદિત
કથીરીનો ઉપદ્રવ વધારે
સંભવિત કેન્સરકારક
મધમાખી માટે ભારે ઝેરી
નિકાસ માટેના માલના અસ્વીકાર માટે જવાબદાર
24  થાયોફેનેટ-મિથાઈલ (ફૂગનાશક)બાંગ્લાદેશ, ડેન્માર્ક

સ્વીડનમાં ઉપયોગ પર મર્યાદા
ભારે જોખમી
જમીનમાં અસ્વીકાર્ય પ્રમાણમાં ઝેર ફેલાવ્યા કરે
અળસિયા માટે ઝેરી
સંભવિત કેન્સરકારક
બધી MRL નક્કી થઈ નથી.
નિકાસકર્તાઓએ પ્રતિબંધની માંગણી કરી છે.
25થાયરમ (ફૂગનાશક)બુરુંડી, યુએઈ,  જર્મની, ડેન્માર્ક અને સ્વીડન 

કોરિયા અને રશિયામાં ઉપયોગ પર મર્યાદા
‘Deemed to be Registered’
અન્તઃસ્ત્રાવી ગ્રંથિઓના કામમાં ખલેલ પહોંચાડી શકે.
બધી MRL નક્કી થઈ નથી.
26ઝાયનેબ (ફૂગનાશક)બાંગ્લાદેશ, યૂરોપ(EU), બ્રાઝિલ, કોરિયા, ઇજિપ્ત, એક્વાડોર, ઓમાન, યૂએઈ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુએસએ‘Deemed to be Registered’
27ઝાયરમ (ફૂગનાશક)ડેન્માર્ક અને રશિયા

સ્વીડનમાં ઉપયોગ પર મર્યાદા
‘Deemed to be Registered’
બધી MRL નક્કી થઈ નથી.
*તીડ નિયંત્રણ માટે તેમની ભલામણ કરવામાં આવી છે. પરંતુ તેના વિકલ્પો છે.

જેમ દર વખતે બને છે તેમ જીવનાશકોના ઉત્પાદકોએ આવો પ્રતિબંધ લાવવાથી ખેડૂતોને નુકસાન થશે, નવાં આવેલાં જીવનાશકો મોંઘાં છે, કૃષિ ઉત્પાદન ઘટશે, દેશની ખોરાક સલામતી જોખમાશે, દેશનો વિકાસ અટકી જશે વગેરે જેવી કાગારોળ શરૂ કરી દીધી છે. એમનું તો એમેય કહેવું છે કે જીવનાશકોનો વિરોધ કરનારા પર્યાવરણપ્રેમીઓ વિદેશી ફંડના આધારે કામ કરી દેશના વિકાસમાં બાધા નાખે છે. ખેર, હકીકતોના ત્રાજવે તેમની દલીલોની વજૂદ ચકાસીએ.

તે લોકો પહેલી દલીલ એ કરે છે કે જીવનાશકોથી કોઈ વિશેષ ખરાબ અસરો થતી જ નથી. જ્યારે હકીકત એ છે કે ઝેર ચડીને દવાખાને ભરતી કરવી પડે અને મૃત્યુ થાય તેવા સરકારી ચોપડે નોંધાયેલા કિસ્સામાં આ 27માંનાં ઓછામાં ઓછાં 8 જીવનાશકો બદનામ થઈ ચૂક્યાં છે. આટલું જ નહીં, ક્યારેક ક્યારેક જીવનાશકોને કારણે મોટી દુર્ઘટનાઓ પણ સર્જાયાનો ઇતિહાસ મોજૂદ છે. યાદ કરો, 1984માં થયેલી ભોપાલ ગેસ દુર્ઘટના; જેમાં વીસેક હજાર વ્યકિતનો ભોગ લેવાયો હતો. છેલાં બે-ત્રણ વરસના જ કિસ્સા લો ને! બિહારમાં 23 વિદ્યાર્થીઓ અને કર્ણાટકમાં 15 ભક્તો મોતને ઘાટ ઊતર્યા. 2017માં એકલા યવતમાળ જિલ્લામાં માત્ર જુલાઈ માસમાં જ 35 લોકો ઝેર ચડવાને કારણે મર્યા. જીવનાશકોથી જંગલી પ્રાણીઓને ઝેર ચડવાના કિસ્સા પણ નોંધાયા છે. 2015માં દેશમાં જીવનાશકોના ઝેર ચડવાના 7672 કિસ્સા નોંધાયા, જેમાંથી 7060 લોકોનાં મૉત થયાં. એટલે કે રોજના 19!

ભારતમાં ત્રણ દાયકાથી ખેડૂતોના આપઘાતનો સિલસિલો ચાલે છે. હવે તો મહિલાઓ અને ખેડૂતનાં સંતાનો પણ આપઘાત કરવા માંડ્યાં છે. ઘરમાં પડેલું ઝેર ગટગટાવી જવું આપઘાતનો સૌથી સહેલો રસ્તો છે. ભારતમાં 1995થી 2015 દરમ્યાન 4,41,918 આપઘાત (રોજના 60!) જીવનાશકોના ઉપયોગ વડે થયા, જે કુલ આપઘાતના 18% થાય. આ આંકડા તો સરકારી ચોપડાના છે, તે સિવાયના તો જુદા! અનેક સંશોધનો અને મોજણીઓ એ સાબિત કરે છે કે, જે જે દેશ કે રાજ્યમાં જીવનાશકો પર પ્રતિબંધ લદાયા છે ત્યાં આ પ્રકારના આપઘાતનું પ્રમાણ ખાસ્સું ઘટ્યું છે. આ પ્રતિબંધ દ્વારા ખેડૂત પરિવારો પાસેથી આપઘાતનું હાથવગું સાધન દુર્લભ બનાવી દેવાય તે સારું જ છે ને!


તમને આ પણ વાંચવું ગમશે


બીજી દલીલ એવી છે કે સરકારનો આ નિર્ણય એકતરફી અને અચાનક છે. હકીકત એવી છે કે સાત-સાત દાયકા થયા છતાં અમુક જીવનાશકોની સલામતી વિશેના પૂરતા અભ્યાસો થયા નથી. બે-ત્રણ સમિતિઓએ તે તરફ ધ્યાન દોરી સલામતીના આંકડા રજૂ કરવા ખાસ તાકીદ કરી તો ય કંપનીઓએ પૂરતા આંકડા આપ્યા નથી. ભારતમાં જીવનાશકોના ઉત્પાદનમાં મહત્ત્વની ગણાતી ઘણી કંપનીઓએ પુનર્મૂલ્યાંકનની મિટિંગોમાં હાજરી આપી હતી અને નિર્ણયો લેવાની લાંબી પ્રક્રિયામાં કંપનીઓએ ભાગ ભજવ્યો છે. એટલે નિર્ણય એકતરફી કે અચાનક લીધો હોવાની વાત સાવ જ ગેરવાજબી છે.

ભારતમાં કૃષિ એ રાજ્યનો વિષય હોવા છતાં હાલના કાયદા પ્રમાણે રાજ્યોને જીવનાશકો પર પ્રતિબંધ લાદવાનો અધિકાર નથી, માત્ર કેન્દ્ર સરકારને જ છે. રાજ્યો બહુ બહુ તો 60 દિવસ માટે વેચાણ અટકાવી શકે છે, અને પોતાના રાજ્યમાં નોંધણી કરવાની મનાઈ કરી શકે છે. આ બાબતે કેરળ સૌથી પ્રગતિશીલ રાજ્ય છે. તેણે 2011થી 11 જીવનાશકોનું વેચાણ રોકી દીધું છે. પંજાબ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોએ કેન્દ્ર સરકારને આમાંનાં કેટલાંક જીવનાશકો પર પ્રતિબંધ લાદવાની ભલામણ કયારની ય કરી જ છે. સિક્કીમે તો કોઈપણ પ્રકારનાં કૃષિ રસાયણોના વપરાશ પર પ્રતિબંધ લાદી દીધો છે. તેમ છતાં જ્યાં સુધી જીવનાશકોના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ દેશવ્યાપી પ્રતિબંધ ન લદાય ત્યાં સુધી આવા રાજ્યવાર પ્રતિબંધોની અસર મર્યાદિત થઈ જાય છે. વેપારીઓ બીજા રાજ્યમાંથી લાવીને વગર બીલે પાછલે બારણે જીવનાશકો વેચતા હોય છે.

ત્રીજી દલીલ કરાય છે કે ખેડૂતોને તકલીફ પડશે. પણ આજે હવે જંતુનાશકો વિનાની ખેતીનું વિજ્ઞાન અને ટેક્નોલોજી વિકસી ચૂક્યાં છે. સલામત રસ્તાઓ પ્રાપ્ય છે. લાખો ખેડૂતો ટીપું ય જીવનાશકો વાપર્યા વિના ખેતી કરે છે. કેટલાક વિજ્ઞાનીઓ માને છે કે કીટકોનો ઉપદ્રવ એ કોઈ મોટી સમસ્યા નથી; જીવનાશકોનો વપરાશ પોતે જ મોટી સમસ્યા છે. ઉત્પાદન ઘટવાની બૂમરાણમાં તો કોઈ વજૂદ જ નથી. અલબત્ત, આ કંપનીઓએ એવું એકે ય ઉદાહરણ આપ્યું નથી કે પ્રતિબંધ લાદવાથી ઉત્પાદન ઘટ્યું હોય. ઊલટું, ભારતમાં આંધ્રપ્રદેશ, કેરળ અને સિક્કીમ જેવાં રાજ્યોમાં જીવનાશકોનો કુલ વપરાશ ઘટાડવાના સફળ પ્રયત્નો થયા છે ત્યાં ઉત્પાદકતા ઘટી નથી. માત્ર ભારત જ નહીં, ચીન અને યૂરોપ સમેત વિશ્ર્વના અનેક દેશોમાં પ્રતિબંધ લાદવાથી ઉત્પાદક્તા ઘટતી ન હોવાના પુરાવા મોજૂદ છે. આ બાબતે એક સૌથી જાણીતું ઉદાહરણ ઈન્ડોનેશિયાનું છે જ્યાં 1986માં પ્રમુખ સુહાર્તોએ એક સામટાં 57 જીવનાશકો પર પ્રતિબંધ લાદી દીધો; તે પછી કીટકની ઓળખ અને સંકલિત કીટક નિયંત્રણની યોજના હેઠળ ખેડૂતોનું વ્યાપક શિક્ષણ કરાયું અને પરિણામે ત્યાંના મુખ્ય પાક ડાંગરની ઉત્પાદકતા વધી.


તમને આ પણ વાંચવું ગમશે


એક દલીલ એવી કરાય છે કે આ પ્રતિબંધથી ખેડૂતોએ પેટન્ટવાળાં, મોંઘાં અને વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓનાં જીવનાશકો ખરીદવાં પડશે. જો ખેડૂતો જીવનાશકો વાપરવાના વ્યસની બની ગયા હોય, અને પાકસંરક્ષણના નરવા વિજ્ઞાન અને ઝેરમુક્ત પદ્ધતિઓમાં શ્રદ્ધા ન ધરાવતા હોય તો તેમણે આ 27 જીવનાશકોના રાસાયણિક વિકલ્પો વાપરવા પડશે. પણ તે બધાં જ નવાં જીવનાશકો પેટન્ટવાળાં કે મલ્ટીનેશનલ કંપનીઓનાં નથી. એમાંનાં ઘણાના સ્વદેશી વિકલ્પો બજારમાં ઉપલબ્ધ છે. અને ધારો કે થોડાં મોંઘાં પડે તો ય ખેડૂતના ખેતીખર્ચમાં મોટો ફેર પડી જાય તેમ નથી કારણ કે સરકારી આંકડા પ્રમાણે વિવિધ પાકોના કુલ ખેતીખર્ચમાં જીવનાશકોની ખરીદી પાછળ 1થી 8%નો જ ખર્ચ થાય છે એટલે કે કુલ ખર્ચમાં થનાર વધારો નજીવો જ થાય. અલબત્ત, જ્યારે સલામત વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે ખેડૂતો રસાયણોના રવાડે ચડે છે શું કામ? કંપનીઓની જાહેરાતો જ તેમને લલચાવીને ખર્ચમાં વધારો કરાવે છે.

જ્યારે દેશના અર્થતંત્ર પર થનારી અસરની જ વાત કરવી હોય તો આ જીવનાશકોના વપરાશથી ઝેરી અવશેષોની ખેત-પેદાશોની નિકાસ પર થતી માઠી અસરો પણ ગણવી પડે.  બાસમતી ચોખા, કેરી, દ્રાક્ષ, મરચાં, ભીંડાની નિકાસ થયા પછી જે તે આયાતી દેશના બંદરેથી તેમને પાછા ધકેલવાના કિસ્સા કાંઈ ઓછા નથી. 2014થી 2017 દરમ્યાન યૂ.એસ.એ.એ  597 વખત અને જાન્યુઆરી 2000થી એપ્રિલ 2016 દરમ્યાન બાસમતી ચોખાના 36 કિસ્સા અને યૂરોપથી માલના અસ્વીકારના 1490 કિસ્સા બની ચૂક્યા છે. આ નુક્સાનનો ખાતરીપૂર્વકનો આંકડો મળી શકે તેમ નથી પણ એક અહેવાલ મુજબ 2010માં માત્ર એક જ જીવનાશકને લીધે દ્રાક્ષની નિકાસને 250 કરોડનું નુકસાન થયેલું. 2019માં માત્ર ચોખાના નિકાસકારોને યૂરોપના દેશો તરફથી 1000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ 27માંનાં 12-13 જીવનાશકો એવાં છે કે જેના અવશેષોથી નિકાસ કરેલ માલનો વારંવાર અસ્વીકાર થાય છે. કેટલાક દેશોમાં તો ભારતની ખેત-પેદાશોમાં ઝેરના અવશેષો બાબતે એવી છાપ પડી છે કે ભારતનો માલ લેવાનું નામ જ નથી લેતા. આ કારણે કેટલાક નિકાસકારોએ આ પ્રતિબંધને આવકાર્યો પણ છે. વળી, એ પણ નોંધવું જોઈએ કે આ જીવનાશકો બનાવવા જરૂરી એવા મૂળ ઝેરનો મહત્ત્વનો હિસ્સો આયાત કરવામાં દેશનું વિદેશી હૂંડિયામણ ધોવાય છે અને તેમાં ચીનનો ફાળો ખૂબ મોટો છે.

પાકસંરક્ષણ અંગેના વિકસી રહેલ નવા વિજ્ઞાન, સમજ અને પદ્ધતિઓમાં હવે કોઈ એકાદ-બે ઝેરી રાસાયણિક અણુઓનો આધાર લેવો એ જરી-પુરાણી વાત ગણાય છે. વિશ્વભરમાં આજે પાક-સંરક્ષણ માટે સમગ્રતાવાળા સીસ્ટીમ એપ્રોચની ભલામણ કરાય છે. આ વિજ્ઞાન અને પદ્ધતિઓ આદર્શવાદી અને પુસ્તકિયાં નથી પણ લાખો ખેડૂતોએ દાયકાઓથી અમલમાં મૂકીને સફળ બનાવેલ છે અને તેનાથી આજે કૃષિ અધિકારીઓ અને વિજ્ઞાનીઓ સુધ્ધાં સ-આશ્ર્ચર્ય નવું શીખી રહ્યા છે ! કીટકો-રોગોને દુશ્મન નહીં પણ ખેતીનું અનિવાર્ય અંગ ગણાય છે. હરિયાણામાં કીટ સાક્ષરતા અભિયાન ચલાવતા ખેડૂત મનવીર રેઢુ કહે છે, ‘કીટકો અમારા મિત્ર છે, તે જીવનાશકો આવતા પહેલાંથી અમારી સાથે છે અને કાયમી રીતે સાથે રહેવાના જ છે.’ ખેડૂતોએ હવે કીટકો સામે યુદ્ધે ચડવાને બદલે કીટકોના અધિકાર અને સન્માન સાથે ખેતી કરવાનું શીખવાનું છે, જેમાં આર્થિક નુક્સાન સ્તરનો વિચાર, સંકલિત પાક-સંરક્ષણ, જીવનાશકો વિનાનું અને જૈવિક પાક સંરક્ષણ, જમીનનું સ્વાસ્થ્ય, બીજની ગુણવત્તા, પાકની ફેરબદલી, મિશ્ર પાકો અને મિશ્ર ખેતી, પાક સંરક્ષણની ક્ષેત્રવિદ્યાકીય રીતો (દા.ત. વાવેતરનું અંતર અને સમય), ભૌતિક રીતો (દા.ત. પીળા ગુંદરિયા કાગળ વાપરવા), ઔષધીય અને પીળા રંગના ફૂલવાળી વનસ્પતિ ઉછેરવી જેવા અનેક સુલભ, ઓછા ખર્ચવાળા રસ્તાઓ વાપર્યા વિના ચાલવાનું જ નથી.

જેમ ભારતમાં જંતુનાશકોનું નિયમન ચર્ચામાં છે તેમ યૂએસએમાં પણ ગયા ઑગસ્ટમાં બીલ રજૂ કરાયું તેનું નામ ખૂબ સૂચક છે, ‘Protect America’s Children from Toxic Pesticide Act of 2020’. આ બીલમાં તમામ ઑર્ગેનોફોસ્ફેટ્સ, નિયોનિકોટિનોઈડ્સ અને પેરાક્વેટ પર પ્રતિબંધ લાવવાની વાત છે. સમયનો તકાજો પામી સાચા વિકાસની નવી ક્ષિતિજોને આંબવા ભારતમાં આ 27 જ શા માટે, તબકકાવાર તમામ જંતુનાશકો પર પ્રતિબંધ લાદવાની જરૂર છે. સવાલ માત્ર સમયનો અને સમજનો છે. અધકચરા વિજ્ઞાનથી વિકસેલી બજારુ નફાખોરી તરફ લઈ જતી પદ્ધતિઓનો સૂર્યાસ્ત હવે આપણી નજર સામે છે. આનો અહેસાસ જીવનાશકોના ઉત્પાદકોને નહિ થાય ત્યાં સુધી તે લોકો માત્ર દેશનું જ નહિ, પોતાનું પણ અહિત કરતા રહેશે. આશા રાખીએ કે તે બધા હવે સજીવ ખેતીના સૂર્યોદયને પોંખીને તે માટેનો વ્યવસાય શોધવાના કામે લાગી જાય.

– કપિલ શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s