વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના

શબ્દ અને જીવનનો સંબંધ અતૂટ, અખંડ, અભિન્ન છે. શબ્દ-વિહિન જીવન અને જીવનવિહોણા શબ્દોનો કોઈ અર્થ જ નથી. જ્યારે વિશ્ર્વની સંસ્કૃતિનું અવલોકન કરીએ છીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે અનેક દેશોમાં, અનેક યુગોમાં અનેક નામી-અનામી સંત-મહાત્મા, મહાપુરુષો થઈ ગયા, જેમના જીવન દ્વારા, જેમની વાણી દ્વારા જીવનની શાશ્ર્વતીના સંદેશ મળે છે. જેના દ્વારા મનુષ્યમાં રહેલી સુષુપ્ત ચેતના જાગૃત થાય છે.

વિનોબાજી કહેતા કે શબ્દથી ચઢિયાતું જીવન છે. લોકો પર શબ્દનો પ્રભાવ પડે છે તેના કરતાં અનેકગણો પ્રભાવ જીવનનો પડે છે. માટે નિર્ગુણ વિચારની દૃષ્ટિએ શબ્દ શ્રેષ્ઠ હોવા છતાં સમાજમાં વિશેષ પ્રકારનાં જીવન વધુ પરિણામદાયક હોય છે. જેમ કે ઈશુ ખ્રિસ્ત, શંકરાચાર્ય, જ્ઞાનદેવ મહારાજ વગેરે.

આપણે વિનોબાજીની 125મી જન્મશતાબ્દી ઊજવી રહ્યાં છીએ. આપણે સહુ ઉત્સવપ્રિય છીએ. શ્રદ્ધાપૂર્વક આપણા શ્રદ્ધેયની જન્મ-નિર્વાણ તિથિઓ ઊજવીએ છીએ. આ સંદર્ભમાં બાબાએ માર્મિક ટકોર કરી હતી. જ્યારે ગાંધી શતાબ્દી ભારતભરમાં ઊજવાઈ રહી હતી ત્યારે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ શ્રી ગોપાલસ્વરૂપ પાઠકજી ભારતભ્રમણ પર નીકળેલા અને તે નિમિત્તે તેઓ બાબાને મળવા આવેલા. વાતચીત દરમ્યાન બાબાએ હસતાં હસતાં કહેલું કે, આ તો શતાબ્દીનો મહિમા છે. આ મહિમા નવાણુ વર્ષે નહોતો અને એકસોએકમા વર્ષે પણ નહીં હોય.’

અન્યત્ર તેમણે કહેલું કે ‘ગાંધી શતાબ્દી’માં જેટલું મહત્ત્વ ગણિતનું છે, એટલું મહત્ત્વ ગાંધીનું નથી. કારણ કે આ એકસોમું વર્ષ છે. નવ્વાણુંમું પણ નહીં અને એકસોએકમું પણ નહીં. માટે જ આ એકસોમા વર્ષમાં શતાબ્દીનો જ્વર રહેશે. તે એકસોએકમા વર્ષે ખતમ થઈ જશે. તાવ  ઊતરી જશે.

મને શ્રદ્ધા છે કે આદરણીય રમેશભૈયા, શ્રી સંજય રાયજી, શ્રી જયેશભાઈ વગેરે આયોજકોએ આ 40 દિવસનો વિનોબા વિચાર પ્રવાહનો ઉપક્રમ શરૂ કર્યો છે તે નિમિત્તે બાબાને સ્મરણાંજલિ આપીને તાજામાજા થઈશું. બીજું, મને અંગત રીતે લાગે છે કે નવી પેઢી પાસે આ વેબિનારના માધ્યમથી વિનોબાનું જીવન, વિનોબાના કર્તૃત્વનું વિચારજગત વગેરે પહોંચે તે સારું જ છે.

આજે વિનોબાજીને સમજવા માટે એમના લેખો, પ્રવચનો, સંવાદો, સંગોષ્ઠિઓ સંબંધી વિપુલ સાહિત્ય છે. એમનો ક્ષર દેહ નથી, પણ અક્ષર સાહિત્ય મોજૂદ છે. ભૂદાન આંદોલનનાં તેર-ચૌદ વર્ષોમાં લગભગ દરરોજનાં અંદાજિત ત્રણથી ચાર વ્યાખ્યાન થતાં, તદુપરાંત દરરોજ વાર્તાલાપ, સંવાદ, સાથી મિત્રો સાથે ચાલતી ગપશપ આ બધાના માધ્યમથી આપણને જીવન-પાથેય મળે છે. વળી, એમની વિશિષ્ટ પ્રતિભા એવી કે, કેવળ ભાષણો અથવા લેખોમાં જ નહીં, પરંતુ હરતાં-ફરતાં, ઊઠતાં-બેસતાં, મધુરું હાસ્ય કરતાં કરતાં એવી અણમોલ વાત કરી દેતા કે આપણે ન્યાલ થઈ જઈએ.

ક્યારેક એમની સૂત્રાત્મક શૈલીમાં જીવનવિષયક અથવા સામાજિક પ્રશ્ર્નોની મીમાંસા અનાયાસ કરી દેતા તો ક્યારેક જટિલ શંકાનું સમાધાન એકાદ વાક્યમાં કરી દેતા. ભૂદાન-ગ્રામદાન આંદોલનના દિવસોમાં એક વાર એક નવજુવાન બાબા પાસે આવ્યો અને બોલ્યો કે, શું મારે ભૂદાનનાં કામો કરવા માટે કૉલેજનું શિક્ષણ છોડવું પડશે ? તો બાબાએ તરત કહ્યું કે તારે ભૂદાન-ગ્રામદાનનું કામ ન કરવું હોય તો પણ કૉલેજનું શિક્ષણ તો છોડવું જોઈએ. આમ, ક્યારેક વિનોબાજી મૌન રહીને ‘માધવ’ ભક્તિનો નવો આયામ ખોલી આપતા. વિષ્ણુસહસ્રનામની ચિત્રાત્મક પ્રસ્તુતિ કરતાં કરતાં બાબાએ ‘માધવ’ શબ્દ સમજાવ્યો. मा એટલે મૌન, ध એટલે ધ્યાન અને व એટલે બ્રહ્મવિદ્યા. બાબાએ સમજાવ્યું કે કાર્યકર્તા હોય કે સાધક હોય – એમણે દરરોજ મૌન, ધ્યાન અને આત્મજ્ઞાનને મહત્ત્વ આપવું.

શૈલીનો સંબંધ શીલ સાથે છે. બાબાના તપોયુક્ત, તેજોયુક્ત જીવન જેવી જ એમની શૈલી રહી. વિનોબાજીનાં બધાં જ કાર્યો અધ્યાત્મના નક્કર પાયા પર થયાં.

શંકરાચાર્ય પૂછે છે કે કોનું વચન અમોઘ છે ? તો જવાબ આપે છે ‘ये च पुन: सत्य मौन शमशील ’ જે નિરંતર સત્યનું પાલન કરે છે, નિરંતર મૌન પાળે છે, અને નિરંતર શાંતિમાં હોય છે. આપણે બાબાના જીવનમાં જોઈએ છીએ કે નાનપણમાં ‘अथातो ब्रह्मजिज्ञासा’થી આરંભાયેલી જીવનયાત્રા બ્રહ્મનિર્વાણમાં વિલિન થઈ. એમાં સત્ય અને અહિંસાના તત્ત્વને આત્મસાત્ કરવા પ્રખર વ્રતસાધના થઈ. અધ્યયનશીલ પ્રકૃતિ હોવાથી મેળવેલ જ્ઞાનનું સતત ચિંતન-મનન કરતા રહેતા. એટલે અનાયાસ મૌન વ્રતનું સહજ પાલન થયું. અને આત્મજ્ઞાની બાબાએ શાંતિની આરાધના કરી. શાંતિની આરાધનામાં વ્યક્તિની ચિત્તશુદ્ધિની – આધ્યાત્મિક પરમ શ્રેયસની સાધના અને સામાજિક ક્રાંતિના તત્ત્વને એકરૂપ માન્યાં.

વિનોબાજીની મૌલિકતા

તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. શ્રોત્રિય હતા, પરંતુ એનાથી પણ વધારે તેઓ સ્વયંપ્રજ્ઞ હતા. એમણે જેટલું પણ જ્ઞાન મેળવ્યું તે જ્ઞાન એમના જીવનમાં એકરસ થઈ જતું હતું. પૂર્વસૂરિઓ પાસેથી ઘણું બધું મેળવ્યું, એ બાબતે તેઓ ઋણી રહ્યા. પણ ત્યાં આગળ એ રોકાઈ ન ગયા. પણ મેળવેલ જ્ઞાનને આત્મસાત્ કરી દીધું. એટલું જ નહીં, સામાન્ય માણસ જે વસ્તુને અશક્ય જ માનતો હોય છે, એને જે સહજ બનાવી શકે તેને નિષ્ણાત કહે છે. પરંતુ જે વસ્તુ નિષ્ણાતો માટે અસાધ્ય થઈ પડે, તેને સહજ બનાવે તેને વિભૂતિ કહે છે. બાબા જેવી વિભૂતિએ તેમના પોતાના વિભૂતિમત્વથી મેળવેલ તત્ત્વને, વિચારને વધુ ને વધુ વિકસિત અને પરિમાર્જિત કર્યો.

વિનોબાજી નિદિધ્યાસી હતા. સાતત્યપૂર્વક નિદિધ્યાસન કરતા. એમની શૈલી હતી કે તેઓ ચિંતનમાંથી પ્રયોગ અને પ્રયોગમાંથી ચિંતન નિરંતર કરતા રહેતા અને આને લીધે જ એમના વિચારોમાં અને શૈલીમાં બુદ્ધિનું તેજ અને અંત:કરણની સહૃદયતાનો સ્પર્શ થાય છે અને આને લીધે જ તેઓ હંમેશાં તાજામાજા, નિત્યનૂતન, સ્ફૂર્તિવાન રહેતા અને લોકોને પ્રેરણા મળતી. તેમના નિત્ય નવા પ્રયોગો, નવા ચિંતન, નવા નવા અનુભવોનો લાભ અહિંસક સામ્યયોગી સમાજ નિર્માણની ઝંખના કરનારા લોકોને અવશ્ય મળ્યો. એ જ રીતે આત્મસાક્ષાત્કારની સાધના કરનારા સાધકોને મળ્યો.

બાબાના આ નિદિધ્યાસના પરિણામે આપણને એમની બહુ જ મૂલ્યવાન એવી પુસ્તિકા ‘વિચારપોથી’ મળી. બાબા કહેતા કે નિદિધ્યાસ-માંથી વિચાર સ્ફુરિત થતા જ હોય છે. સામાન્ય રીતે એ વિચારોને લખી લેવાની મારી વૃત્તિ નહોતી, પણ મનની એક વિશિષ્ટ અવસ્થામાં આવી વૃત્તિ જન્મી. બધા જ વિચારો તો નથી લખ્યા. બહુ થોડા વિચારો લખ્યા અને આપણને ‘વિચારપોથી’ પુસ્તક મળ્યું.

નાનપણથી તેઓ પ્રયોગવીર હતા. એમના પર સંન્યાસ અને વૈરાગ્યની ધૂન સવાર થયેલી. ચપ્પલ ન પહેરવા, ગાદલા પર ન સૂવું, લગ્નમાં જમવું નહીં વગેરે ચાલતુંં રહેતું. મોટા થયા પછી આશ્રમી જીવનમાં પણ તેમણે વ્યક્તિગત સાધના કરતાં કરતાં સમાજજીવન સાથે અનુસંધાન જોડીને કેટકેટલાય પ્રયોગો કર્યા. કાંતણકામ-વણાટકામ, ઋષિ ખેતી, સફાઈ, આહાર, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં નવા નવા પ્રયોગો કરતા રહ્યા. રોજીરોટી મેળવનાર મજૂરને દિવસમાં કેટલું કામ કરવાથી કેટલી રોજી મળવી જોઈએ તે માટે દિવસના આઠ-આઠ કલાક કાંતણ-વણાટનું કામ કરતા રહ્યા. આશ્રમમાં સાથીઓ સાથે કૂવો ખોદ્યો, કૂવા પર રહેંટ ચલાવ્યું, બળદની મદદ લીધા વગર ઋષિખેતીના પ્રયોગો કર્યા.

પરમધામ આશ્રમના એમના સાથી પંઢરીભાઈએ એક વાર રોચક પ્રસંગ કહેલો કે, બાબાએ મને એકસો પ્રકારનાં શાકભાજીનાં નામ લખવાનું કહ્યું. પંઢરીભાઈએ માંડમાંડ એ યાદી બનાવી અને બાબાને બતાવી. બાબાએ ધ્યાનપૂર્વક વાંચીને કહ્યું કે હવે આના એક એક રોપા તૈયાર કરો. પંઢરીભાઈને તો બીજ એકઠાં કરવાની પ્રવૃત્તિ મળી અને આ બાજુ બાબાએ સંકલ્પ જાહેર કર્યો કે ‘આશ્રમમાં બહારથી શાકભાજી ખરીદવામાં નહીં આવે. અહીં જે શાકભાજી પેદા થશે એ જ શાકભાજી ખાવામાં આવશે.’ અને આમ કાંચનમુક્તિનો પ્રયોગ શરૂ થયો.

બાબાનાં સામ્યસૂત્રો પણ એમના નિદિધ્યાસને સમજવામાં મદદ પહોંચાડે છે. બાબાનું એક સૂત્ર છે ‘क्रियोपरमे वीर्यवत्तरम्’ । આનો અર્થ એ કે ક્રિયાઓ જેટલી ઓછી, તેટલું કર્મ વધુ પ્રભાવક હોય છે. ‘ગીતાઈ ચિંતનિકા’માં બાબા આનું સરળ દૃષ્ટાંત આપે છે કે કોઈ સભાસ્થાને શ્રોતાઓ અશાંતિ કરતા હોય, ઘોંઘાટ અને કોલાહલને દૂર કરવા આયોજકો-સેવકો મોટે મોટેથી રાડો પાડીને શાંત રહેવાની અપીલ કરતા હોય ત્યારે થોડીક શાંતિ થાય. પણ આ જગ્યાએ કોઈ તેજસ્વી તપસ્વી સંત થોડીક ક્ષણ માટે આવે અને કશું જ બોલ્યા વગર ચૂપચાપ ઊભો રહે તો તરત જ શાંતિ થઈ જાય. આપણી ક્રિયાઓ જેમ જેમ સૂક્ષ્મમાં જાય છે તેમ તેમ કર્મ વધુ ને વધુ અસરકારક થતું હોય છે.

આપણને સહુને ઉપયોગી એવું એમનું બીજું એક સૂત્ર છે ‘स्थूलात् सूक्षम् प्रपद्ये’. આપણા જીવનનો ધ્રુવમંત્ર છે કે કેવળ સ્થૂળ પ્રવૃત્તિ પર્યાપ્ત નથી. એની સાથે સાથે અંતર્મુખી થઈ આત્મનિરીક્ષણ દ્વારા આત્મોપ-લબ્ધિની દિશામાં ડગ મંડાવા જોઈએ. ભૂદાન આંદોલન કેવળ વિષમતા નિવારણનું આંદોલન નહોતું પણ લોકોના હૃદયમાં રહેલી કરુણાને જગાડવાનું, પ્રેમ અને અહિંસા શક્તિના પરિચય દ્વારા સામ્યયોગી સમાજનિર્માણનું  સ્વપ્નું આંદોલન દ્વારા સાકાર થયેલું એ આપણે જોયું.

વિનોબાજી નાના હતા ત્યારે એમની મા એમને ‘माणुसधाणा’ (માણસગંધો) કહેતી. વિન્યાને માણસોની ગંધ આવતી, એ માણસોને ટાળવાનો પ્રયત્ન કરતા અને એકાંત વધુ પ્રિય કરતા. પરંતુ આજે જ્યારે આપણે જોઈએ છીએ કે એ નાનકડા વિન્યાને ત્યારે ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં આ જ માણસગંધો વિન્યા આટલો બધો લોકસંગ્રહ કરશે ? લોકસંગ્રહનો ચીલાચાલુ અર્થ એ કે લોકોને ભેગા રાખવા. પણ બાબાની દૃષ્ટિ તો ઉપનિષદમાં આવેલ એક શબ્દ પર હતી. અર્લૈધજ્ઞડ શબ્દ આવે છે. જેનો અર્થ થાય કે ભેદ ન હોય. સમાજ એકરસ રહે. પ્રેમથી, સ્નેહથી, ધર્મબુદ્ધિથી હળીમળીને રહે. બાબાના ભૂદાન ગ્રામદાન આંદોલનમાં પરસ્પરાવલંબનની વાતનાં બીજ ઉપનિષદકાલીન આ શબ્દમાં જડી આવે છે.

બાબાએ સ્વધર્માચરણની બાહ્ય ક્રિયામાં ચિત્ત પરોવ્યું. કર્મની સાથે મનને જોડ્યું. અને એના માટે ચિત્ત સંશોધનની વાતને બહુ જ મહત્ત્વ આપ્યું. ચિત્તસંશોધન માટે જે કર્મ કરવામાં આવે છે, એને ગીતાની ભાષામાં વિકર્મ કહે છે. અને જ્યારે કર્મની સાથે વિકર્મ જોડાય છે ત્યારે તેમાંથી નિષ્કામતા આવે છે. અને શક્તિસ્ફોટ થાય છે. બાબાનું આ સામ્યસૂત્ર છે – ‘विकर्मणासंधानम्, तत् स्फोट: ।’ આવી હતી, વિનોબાજીની કાર્યપદ્ધતિ.

એમણે એક વાર એમને મળવા આવેલા મલયાલમભાષી બે ક્રિશ્ર્ચિયન યુવાનો જોડેની વાતચીતમાં સહજ રીતે જીવન અંગેની ફોર્મ્યુલા બતાવી કે જીવન એટલે M2A. = એમ એટલે મેડીટેશન – ધ્યાન. અને એ એટલે એકશન-ક્રિયા. આપણા જીવનમાં બે ભાગ ધ્યાન અને એક ભાગ ક્રિયા હોવી જોઈએ.

તેઓ જીવનને સમજવા માટે શબ્દ-અર્થ-ભાવ-અભાવની પ્રક્રિયા સમજાવતા. પહેલાં શબ્દને ધ્યાનમાં રાખવાનો છે, પછી શબ્દને ભૂલીને તેનો અર્થ ધ્યાનમાં રાખવાનો છે. ત્યારબાદ આગળ વધતાં અર્થને ભૂલી જઈને ભાવ ધ્યાનમાં લેવાનો છે અને પછી ભાવને પણ ભૂલી જવાનો છે. અને ત્યારે અભાવની અવસ્થા પ્રાપ્ત થાય છે. જેમાં મૂળ વસ્તુ હૃદયમાં જડાઈ જાય છે.

આમેય, આધ્યાત્મિક જીવનનું સૂક્ષ્માતિસૂક્ષ્મમાં જવું સહજ ક્રમ હોય છે. 1966માં બાબાએ જ્યારે ‘સૂક્ષ્મ પ્રવેશ’ માટેનો નિર્ણય જાહેર કરેલો ત્યારે તેઓએ કહેલું કે, “મારો પોતાનો વિશ્ર્વાસ છે કે સૂક્ષ્મરૂપે રહીને ઘણું બધું કાર્ય થઈ શકે છે અને જેમની પોતાની વાસનાઓ નિ:શેષ થઈ ગઈ હોય તેઓ પરમાત્મામાં અને પરમાત્માની સૃષ્ટિમાં લીન થઈ ગયા છે, તેઓ પણ સૂક્ષ્મરૂપે બહુ મદદ કરતા હોય છે. એક ઉંમર પછી વ્યક્તિએ પોતાના લોભ-મોહ વગેરેનું સંવરણ કરવું જ જોઈએ – પછી ભલે ને તે ગમે તેવું પરોપકારનું કામ હોય.

વિનોબાજીની શૈલી

વિનોબાજીની શૈલી એટલે કે કામ કરવાની પદ્ધતિ પ્રત્યક્ષ નહોતી. એમના કથનમાં એમના તાત્પર્યને શોધવું પડે છે. જેમ કે એક વાર કોઈએ એમને કહ્યું કે તમે તો પલાયનવાદી છો. ત્યારે એમણે કહેલું કે હું પલાયનવાદી તો નથી, પરાયણવાદી છું. બાબા જ્યારે કોઈ ખાસ વસ્તુ પર એકાગ્ર થઈને એમાં પરાયણ રહેતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે બીજી વસ્તુઓમાં હસ્તક્ષેપ નથી કરતા.

ભૂદાન-ગ્રામદાન આંદોલનની કાર્યશૈલી પણ સમજવા જેવી છે. કાર્યશૈલીના રૂપે અહિંસાને પ્રકાશિત કરવા માટે તેમણે આ જ અપ્રત્યક્ષ પદ્ધતિ (પરોક્ષ પદ્ધતિ) અપનાવેલી. અને આ એમની મૌલિક ખોજ હતી. એમણે સાહિત્ય હોય કે સમાજસેવાનું કામ હોય, મનુષ્યના જીવનમાં પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરવો ઉચિત નહોતું માન્યું. લોકજીવનમાં પણ અપ્રત્યક્ષ પદ્ધતિએ પ્રવેશ થવો જોઈએ એવું માનતા હતા અને એમણે એ રીતે પ્રવેશ કરેલો.

બાબા ક્યારેય પોતાની ઉપર બીજાનું આક્રમણ થવા દેતા નહોતા. પછી તે મિત્રો હોય, વડીલ બુજુર્ગ હોય કે અપરિચિતો હોય. પરંતુ જ્યાં ઉપયોગ દેખાતો હોય ત્યાં તેઓ પોતાની જાતને ખોલતા પણ હતા. કોઈની  સારી અસર દેખાતી હોય ત્યાં તો પોતાનું હૃદય ખોલી આપતા અને જ્યાં સામે જરૂર નહોતી દેખાતી ત્યાં પોતાની જાતને એકદમ બંધ કરી દેતા.

બાબાની શૈલી સમજવા માટે એમની પ્રતિભા સમજવી જરૂરી છે. એ બહુ થોડા વ્યક્ત અને વધારે તો અવ્યક્ત હતા. એમની વિલક્ષણ પદ્ધતિ હતી. એ ફક્ત દિશાસૂચન કરતા, માર્ગદર્શન નહોતા આપતા. કદાચ આ કારણે એ લોકોને બાબાથી અસમાધાન થયું હશે, જેઓ બાબાનું નેતૃત્વ ઇચ્છતા હતા. પરંતુ બાબાને એવું નેતૃત્વ મંજૂર નહોતું કે જેઓ પ્રયોગ-ચિંતનની જવાબદારી શ્રદ્ધેયને સોંપીને પોતે નિશ્ર્ચિંત બની જાય. આ પ્રકારની મનોવૃત્તિને આશ્રય નહોતો આપ્યો. એટલું જ નહીં, એમને ઘેટાં-બકરાં ચરાવવાનું-હાંકવાનું નેતૃત્વ તો મંજૂર જ નહોતું અને એમણે ક્યારેય આપણને મૃણ્મય સમજીને કુંભારની જેમ આકાર આપવાનો પુરુષાર્થ પણ નહોતો કર્યો. એમણે કહેલું કે નેતૃત્વના દિવસો ભરાઈ ગયા છે. હવે ગણસેવકત્વ ચાલશે. વિનોબાજીના પ્રાજાપત્યના સંકેત જ આ કલ્પનામાં છે કે પોતપોતાના નાના નાના મતભેદોને બાજુમાં મૂકી જીવનના મૂળભૂત બુનિયાદી વિચારોને સિદ્ધ કરવાની ઇચ્છા સાથે આવેલા લોકોએ, અરસ-પરસ વિચાર-વિમર્શ કરીને સર્વાનુમત નિર્ણય લેવાની કલાને વિકસિત કરવાની રહેશે. એમના પ્રાજાપત્યનો મર્મ જોઈએ તો દરેક વ્યક્તિને અકુંઠિત બુદ્ધિ-સ્વાતંત્ર્ય અને અંત:પ્રેરણાનો અવકાશ જળવાવો જોઈએ.

વિનોબાજીની આગવી પદ્ધતિનું પરિણામ જોયું કે એમણે ક્રાંતિની સઘળી પ્રક્રિયાને લલિતકલાની માધુરી આપી હતી. બાબાએ ભૂદાન આંદોલનમાં જમીનનો મુદ્દો આલંબન રૂપે જરૂર લીધેલો, પરંતુ એમની મૂળ દૃષ્ટિ અથવા પ્રયોજન તો સામ્યયોગનો અને કરુણાનો વિચાર સમજાવવાનો હતો. ભૂદાન આંદોલનમાં કેટકેટલા સાધનહીન અને સાધનસંપન્ન લોકોએ પોતપોતાની ભાવના અને હેસિયતથી પ્રેમ અને વિચારપૂર્વક દાન આપેલું ! આજે તો આપણને નવાઈ લાગે કે ત્યારે દાન આપવા માટે લાંબી કતાર લાગતી હતી.


તમને આ પણ વાંચવું ગમશે


વિનોબાજીએ જે કામ પ્રેમ અને વિચાર દ્વારા કર્યું, એ કામ કોઈ સત્તા કે દંડશક્તિથી ન બની શક્યું હોત. વિનોબાની ક્રાંતિ સુસંવાદી, વિધાયક અને ભાવરૂપ છે. એમની સંવાદિતાને કારણે જ તે ઉદાત્ત છે, લલિત કલાાત્મક છે. આજકાલ જોઈએ છીએ કે આંદોલનોમાં સંઘર્ષની વાતથી મનને પ્રોત્સાહન મળતું હોય છે. સંઘર્ષમાં એક પ્રકારનો અમર્ષ હોય છે. જ્યાં સુધી સામે કોઈ પ્રતિપક્ષી હોતો નથી, ત્યાં સુધી તે અમર્ષ નથી આવતો અને વળી, તે પ્રતિપક્ષી ઉપરથી શેતાન પણ હોવો જોઈએ. જુસ્સો કરવો હોય તો આ પ્રકારનો શેતાન ઊભો કરવો જોઈએ. આવા કાગળના રાવણ પર બાણવર્ષા કરવાની મજા આવતી હોય છે. કોઈ સરઘસમાં જો કોઈ પૂતળા કે પ્રતિમાને બાળવાનો કાર્યક્રમ ન હોય તો કાર્યક્રમમાં જોશ નથી રહેતો.

પરંતુ આપણે જોઈએ છીએ કે વિનોબાજીએ આવા એક પણ પ્રકારના પ્રતિપક્ષનું નિર્માણ કર્યા વગર જબરદસ્ત વ્યાપક સફળ આંદોલન ચલાવ્યું. એ પ્રયોગમાં એમનું વિભૂતિમત્વ અનેક રીતે પ્રકટ થયું. એમના આ અભિનવ ભૂદાનયજ્ઞ જેવું બીજું કોઈ દૃષ્ટાંત જોવા મળતું નથી. માંગવાથી ભૂમિ મળી શકે અને વિચારને સમજાવવાથી સામાન્ય માણસ પોતાની મિલ્કતનું વિસર્જન કરવા તૈયાર થઈ જતો.

આ ક્રાંતિની પ્રક્રિયામાં વિનોબાજીએ પરિસ્થિતિ-પરિવર્તન, મૂલ્ય પરિવર્તન અને હૃદયપરિવર્તન – એમ ક્રાંતિના ત્રણેય આયામોને એકસાથે સાધેલા.

ભૂદાન ક્રાંતિની અહિંસક પદ્ધતિમાં સત્યાગ્રહનો નવો અર્થ ધ્યાનમાં આવ્યો. બાબાએ કહેલું કે સત્યાગ્રહ એટલે અપ્રતિકારની શક્તિ. સામાન્ય રીતે અન્યાય-પ્રતિકારની અહિંસક માનવામાં આવેલી પદ્ધતિ સાચી અહિંસા સાથે મેળ નથી ખાતી. બલ્કે, એ એક પ્રકારની Re find વિશુદ્ધ હિંસા જ છે. માનવકૃત હિંસા વસ્તુત: અજ્ઞાનમાંથી જન્મે છે. તેથી અજ્ઞાન નિરસન માટે Assistance in Right Thinking ઉપયોગી છે. સમ્યક્ ચિંતનમાં સહયોગ જ અજ્ઞાન નિરસનનો રસ્તો બતાવ્યો.

બાબાના મત અનુસાર સત્યગ્રાહી સત્યાગ્રહી હોઈ શકે. કોઈપણ સત્યાગ્રહી પાસે એટલી તો પ્રાથમિક સમજણ હોવી જોઈએ કે માનવમાત્રમાં સત્યનો અંશ હોય જ છે. બાબાના જીવનમાં અનેક સત્યાગ્રહો કરવા છતાં વારેવારે કહેતા રહ્યા કે મારી જિંદગીનાં બધાં જ કામ દિલોને જોડવાના એકમાત્ર ઉદ્દેશ્યથી પ્રેરિત છે.

ભારતીય ઐક્યમાં ભંગાણ નાખવાવાળી જેટલી વિઘટનકારી તાકાતો છે તે બધાનું ઊંડાણથી અધ્યયન કરીને સમાજમાં શાંતિસ્થાપના માટે એમણે શાંતિસેના, સર્વોદયયાત્રા, આચાર્યકુલની સ્થાપના કરી હતી. ગ્રામસ્વરાજ્ય અને જયજગતની સંકલ્પના આપેલી. એવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રે પણ બાબા આપણા સહુનું ઉન્નયન ઇચ્છતા હતા. એમના જીવનની પ્રારંભિક અવસ્થામાં સાતત્યપૂર્વક વ્રતસાધના જોવા મળે છે. આ અવસ્થામાં ક્યારેક એમની રુક્ષતા, કઠોરતા, ઉગ્રતા જોવા મળી. પણ આ બધું તો મંજિલ પર પહોંચતા પહેલાંના અસ્થાયી પડાવો હતા.

(વિનોબા વિચારપ્રવાહ ઉપક્રમ નિમિત્તે આપેલ પ્રવચન.)      (ક્રમશ:)

– અમી ભટ્ટ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s