શિક્ષણના ત્રિદોષ

આ શિક્ષણ પદ્ધતિમાં ત્રિદોષ છે

  1. સમાજના ટુકડા કર્યા અને નવો વર્ગ ઊભો કર્યો, જે સામાન્ય પ્રજાથી પોતાને ઊંચો માનતો થયો. તેનું મોઢું શહેર તરફનું થયું. બીજાઓ સાથે તે હળીભળીને રહી શકતો નથી.
  2. બીજો દોષ – જેમને તે શિક્ષણ મળ્યું તેમનું જીવનધોરણ બીજાઓથી ઊંચું બની ગયું. અગાઉ આપણે ત્યાં જ્ઞાનની સાથે સાદાઈ અને ત્યાગને જોડવામાં આવેલાં. અંગ્રેજોની વિદ્યા સાથે પૈસો જોડાયો. તેથી શિક્ષિત ભોગપરાયણ બન્યો. પરિણામે વિદ્યાની નહીં, પૈસાની વાસના વધી.
  3. ત્રીજો દોષ, આ શિક્ષણ મેળવેલ વ્યક્તિ શરીરશ્રમ કર્યા વિના બધા ભોગ મેળવવા ઇચ્છે છે. આ શિક્ષણ અનુત્પાદક છે. આમ આ ત્રિદોષ દેશને પાયમાલ કરી ગયું.

શોષણ બંધ થાય

સમાજમાંથી શોષણ બંધ થવું જોઈએ. શિક્ષણમાં પહેલેથી જ આ બાબત પર અત્યંત ભાર મુકાય અને આ માટેની તાલીમ અપાય. શિક્ષણ બીજાને લૂંટવાનું કેવી રીતે કરી શકે ? એક માણસ દ્વારા બીજા માણસનું તેમ જ શહેર દ્વારા ગામડાનું શોષણ બંધ થવું જોઈએ. આપણે ત્યાં અપાતું ઉચ્ચ શિક્ષણ એટલે જાણે પોતાના બાંધવોને લૂંટવાનું શિક્ષણ! ઉચ્ચ શિક્ષણ એટલે ઓછામાં ઓછું કામ કરીને વધુમાં વધુ દામ કેમ મેળવવું તેની તાલીમ. તેમાં અર્થશુચિનો કે સામ્યયોગનો કોઈ ખ્યાલ જ નથી.

જે શિક્ષણ માણસને પોતાનું પેટ ઈમાનદારીથી ભરવાનું ન શીખવે તથા માનવમાત્રને સમાન માનવાનું અને સમાજમાં સામ્યની સાધના કરવાનું ન શીખવે તે શિક્ષણ કેવું?

સરકારથી સ્વતંત્ર

આજના શિક્ષણમાં પરિવર્તનની દિશા કઈ હોય, તે વિશે વિચારું છું ત્યારે મારા મનમાં પહેલી વાત એ આવે છે કે, શિક્ષણને સરકારી તંત્રથી મુક્ત કરી નાખવું જોઈએ. શિક્ષણ પર સરકારનો કોઈ વરદ હસ્ત ન હોવો જોઈએ. જ્ઞાનના ક્ષેત્રમાં સંપૂર્ણ આઝાદી હોય. દિમાગની આઝાદી એ શિક્ષણનો પ્રાણ છે. દિમાગને જો જકડી કે બાંધી દેવાશે તો તેનાં બહુ જ ખરાબ પરિણામ આવશે. પરંતુ આજકાલ આપણે શું જોઈએ છીએ? દુનિયાભરમાં શિક્ષણનું તંત્ર સરકારના હાથમાં છે.

સરકાર જે શીખવે તે વિદ્યાર્થી શીખે છે. લોકશાહીમાં લોકમતને અમુક ઢાંચામાં ઢાળવાની કોશિશ ન થવી જોઈએ. લોકમત સ્વતંત્ર રહે તો જ લોકશાહી પાંગરી શકે. પણ આજે તો નામની લોકશાહી છે. દરેકને વોટનો અધિકાર અપાયો છે. તેમ છતાં વાસ્તવમાં સત્તા મુઠ્ઠીભર લોકોના હાથમાં જ રહે છે. અને એ લોકો જે કરે તે થાય છે. સરકાર જેને જ્ઞાન કહે છે તેને જ જનતાએ જ્ઞાન માની લેવું પડે છે. આ ભયાનક છે. આનાથી લોકશાહીને પાયામાંથી લૂણો લાગી રહ્યો છે. સરકાર જે ઢાંચો નક્કી કરે તેમાં જ બધા વિદ્યાર્થીઓના દિમાગને એકસરખા ઢાળવાની કોશિશ દુનિયાભરમાં ચાલે છે. દરેક સરકારની આવી કોશિશ રહે છે, પછી તે સરકાર સોશિયાલિસ્ટ હોય કે કોમ્યુનિસ્ટ હોય કે કોમ્યુનાલિસ્ટ હોય કે બીજી કોઈ ઇષ્ટ કે અનિષ્ટ હોય. દરેક સરકારનું આ જ વલણ છે. આ જ પદ્ધતિ છે.

આ કેટલું ખતરનાક છે ! આવી રીતે જો બુદ્ધિને પોતપોતાના મનગમતા ઢાંચામાં ઢાળવાની કોશિશ થતી રહેશે, તો પછી બુદ્ધિનો કોઈ અર્થ રહેશે ખરો ? હુકમથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. જ્ઞાનને કોઈ પોતપોતાનો રંગ ચઢાવી શકતું નથી. જ્ઞાન એ જ્ઞાન જ છે.

જે અધિકાર તમે તુલસીદાસજીને નહોતો આપ્યો, શંકરાચાર્યને નહોતો આપ્યો, તે અધિકાર તમે શિક્ષણખાતાના મંત્રીને આપી દીધો છે ! તુલસીદાસજીનું રામાયણ અત્યંત લોકપ્રિય હોવા છતાં તુલસીદાસજી એમ નહોતા કહી શક્યા કે મારું આ રામાયણ દરેકે ફરજિયાત વાંચવું પડશે. શંકરાચાર્ય બહુ મોટા વિદ્વાન અને જ્ઞાની પુરુષ હતા,પરંતુ તેઓ પોતાનાં પુસ્તકો કોઈને ફરજિયાત વંચાવી નહોતા શક્યા. જ્યારે આજે તો શિક્ષણમંત્રી જે પુસ્તક નક્કી કરશે તે દરેકે ફરજિયાત વાંચવાં પડશે! એટલે કે તમે તુલસીદાસજી અને શંકરાચાર્યના હાથમાં જે સત્તા નહોતી મૂકી તે આજના શિક્ષણમંત્રીના હાથમાં મૂકી દીધી ! વિદ્યાર્થી એ પુસ્તકોને ન વાંચે તો પાસ નહીં થાય, એટલે વાંચવાં જ પડશે. આનાથી વધારે ગુલામી બીજી કઈ હોય ?

આ દેશને રાજાઓએ નહીં, આચાર્યોએ ઘડ્યો છે. પ્રાચીન કાળથી અહીં આચાર્યોની પરંપરા ચાલી છે. કેટકેટલા આચાર્યો થઈ ગયા! આ આચાર્યોએ જ અહીંના સમાજને તૈયાર કર્યો છે અને અહીં વિદ્યા ફેલાવી. તેઓ દેશભરમાં ઘૂમી વળ્યા. એમના ફેલાવેલા વિચારો અનુસાર સમાજ ઘડાતો ગયો. આ બધું આચાર્યોએ કર્યું, કોઈ રાજ્યસત્તાએ નહીં. રાજાઓ તો આવ્યા અને ગયા.

સંસ્કૃતમાં હજારો ગ્રંથો છે, પરંતુ તેમાં રામ-ક્ુષ્ણ અને કૌરવો-પાંડવો સિવાય બીજા કોઈ રાજાઓનાં નામ નથી. એક ગ્રંથમાં કાશ્મીરના રાજાનું નામ છે, બાકી બધા ગુરુઓ અને આચાર્યોનાં નામ છે. મતલબ કે ભારત ઉપર સ્થાયી અસર રાજાઓની નહીં, આચાર્યોની જ છે. એ આચાર્યોનું જ આપણે ત્યાં અનુશાસન ચાલ્યું. સત્તાવાળાઓનું હોય છે શાસન, અને આચાર્યોનું હોય છે અનુશાસન. જો શાસનના માર્ગદર્શનમાં દુનિયા રહેશે તો દુનિયામાં ક્યારેય સમાધાન થવાનું નથી. તેને બદલે જો આચાર્યોના અનુશાસનમાં રહેશે તો દુનિયામાં શાંતિ રહેશે. આચાર્ય કોણ છે? આચાર્યનાં ત્રણ લક્ષણ છે–તે શીલવાન છે, પ્રજ્ઞાવાન છે, કરુણાવાન છે. શીલવાન સાધુ હોય છે, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે. કરુણાવાન માતા હોય છે. આચાર્ય સાધુ, જ્ઞાની અને માતા ત્રણેય હોય છે.


તમને આ પણ વાંચવું ગમશે


વિદ્યાસ્નાતક : વ્રતસ્નાતક

પ્રાચીન કાળમાં એવું હતું કે જો કોઈ વિદ્યાર્થી ગુરુ પાસે જઈને કેવળ વિદ્યા મેળવી લે, તો તે કેવળ વિદ્યાસ્નાતક કહેવાતો, પૂર્ણ સ્નાતક નહીં. વિદ્યાસ્નાતક થવાની સાથે સાથે તેણે વ્રતસ્નાતક પણ થવું પડતું. તેણે પોતાની જાત પર વિજય મેળવવો પડતો. આમ આત્મ-નિયમનની કળા જે શીખતો તે વ્રતસ્નાતક પણ કહેવાતો.

એવા વિદ્યાર્થીમાં નમ્રતા, દૃઢ નિશ્ર્ચય, આત્મવિશ્વાસ, ધૈર્ય, નિર્ભયતા વગેરે ગુણો ઉપરાંત નિરંતર અધ્યયનનું વ્રત પણ લેવાતું. તે માટે બ્રાહ્મમુહૂર્તમાં જ ઊઠી જઈ પ્રાત:કાળે અધ્યયન કરતા. બાર વરસ અધ્યયન કરવાનો રિવાજ હતો. ત્યારબાદ તે ઘરે જવા નીકળતો. ત્યારે તેને આચાર્ય અંતિમ ઉપદેશ આપતા : લટ્ટર્રૂૈમડ, ઢપૃખફ, શ્ર્નમળદ્વ્રૂળ્રૂળટ પળ પ્પળડ । – સત્ય બોલ, ધર્મ અનુસાર ચાલ અને સ્વાધ્યાયમાં પ્રમાદ કરીશ નહીં. ઉપનિષદનો આ બહુ પ્રસિદ્ધ ઉપદેશ છે.

ત્રિવિધ સ્વાવલંબન

શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનું મુખ્ય ત્રણ પ્રકારે સ્વાવલંબન સધાવું જોઈએ. એક, શિક્ષિત માણસે પોતાના ઉદરનિર્વાહ માટે બીજાની ઉપર આધાર રાખવો ન પડે. બીજું, જ્ઞાન મેળવવાની સ્વતંત્ર શક્તિ તેનામાં જાગૃત થાય. ત્રીજું, પોતાની જાત પર કાબૂ રાખવાની શક્તિ એનામાં આવે, ઇન્દ્રિયો અને મનને વશમાં રાખવાની શક્તિ આવે.

શિક્ષણ અનેક પ્રકારે મળે

શિક્ષણ સત્સંગથી મળે છે. સૃષ્ટિ સાથેના સંપર્કથી મળે છે, લોક-નિરીક્ષણથી મળે, પરમેશ્વરના ધ્યાનથી મળે, ગ્રંથો દ્વારા મળે, કામ કરતાં કરતાં મળે, ઉદ્યોગ કરતાં મળે. આ બધાં શિક્ષણનાં અત્યંત મહત્ત્વનાં દ્વાર છે. પુસ્તકમાં તો માત્ર અક્ષર હોય છે. ખરી વસ્તુ તો બહાર સૃષ્ટિમાં હોય છે. પુસ્તકમાં લખ્યું હોય ‘અશ્વ’, તેનો અર્થ જોવા કોશ ખોલીએ તો તેમાં લખ્યું હશે ઘોડો. વિદ્યાર્થીને થાય કે અશ્વનો અર્થ કોશમાં આપ્યો છે. પણ ખરું જોતાં, અશ્વ શબ્દનો ખરો અર્થ તો બહાર તબેલામાં ઊભો છે તે ઘોડો છે. તે કાંઈ કોશમાં સમાઈ શકે તેમ નથી. તબેલામાં જઈને જોઈએ ત્યારે ઘોડા શબ્દનો અર્થ સમજાય. અર્થ તો સૃષ્ટિમાં છે. જ્યારે આ વાત સમજમાં આવશે ત્યારે સાચા જ્ઞાનનો ચસ્કો લાગશે. સાચું જ્ઞાન સૃષ્ટિમાં છે. તેથી માણસ સાક્ષર હોય છતાં તેનું જીવન નિરર્થક હોય એવું બને. બીજી બાજુ, માણસ નિરક્ષર હોવા છતાં તેનું જીવન સાર્થક હોઈ શકે. પુસ્તકમાં અક્ષર મળે. જીવનમાં તેનો અર્થ શોધવાનો છે.

શિક્ષણનું સ્વરૂપ

આપણી નજર સામે આ દેશનું એક ચિત્ર હમેશાં રહેવું જોઈએ. એક માણસ ભૂખથી વ્યાકુળ છે, બીજો ભૂખે મરવાની તૈયારીમાં છે અને ત્રીજો ભૂખે મરી ચૂક્યો છે. આવું ચિત્ર નજર સામે રાખીને કામ કરવું જોઈએ. ત્યારે હિંદુસ્તાનનું શિક્ષણ કેવા સ્વરૂપનું હોવું જોઈએ તેનો યથાર્થ ખ્યાલ આવશે.

આરંભે એક કલાકનું જ શિક્ષણ

મારું માનવું છે કે જ્યાં સુધી સ્વાવલંબી ઉદ્યોગશક્તિ પૂર્ણ વિકસિત નથી થતી, ત્યાં સુધી કોઈને પણ અક્ષરજ્ઞાન એક કલાકથી વધારે ન અપાય. અલ્પ કે વિશાળ બુદ્ધિવાળા બધાને (1) સંપૂર્ણ સ્વાવલંબન શક્તિ, (2) નૈતિક સંસ્કાર, (3) સેવાવૃત્તિનું નિર્માણ – આટલું ન સધાય ત્યાં સુધી અક્ષરજ્ઞાન એક કલાકથી વધુ ન અપાય. મારી આ પદ્ધતિથી મને વીસ-પચીસ સમર્થ સહાયકો અને રાષ્ટ્રને સેવક મળ્યા છે. આપણા દેશના મોટા ભાગના લોકો ગામડામાં રહે છે. તેથી સામાન્ય જનતાના શિક્ષણમાં ખાસ ગામડાની ઉન્નતિ કેવી રીતે થાય, તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જે લોકો શહેરમાં રહે છે, એમની દૃષ્ટિ પણ ગ્રામોન્મુખ રહે. એમની અને ગામડાની વચ્ચે સારો સહયોગ જળવાય એ પ્રકારનું શિક્ષણ શહેરવાળાને મળવું જોઈએ. બંને વચ્ચે વિરોધ હશે તો તે દેશ માટે ખતરનાક નીવડશે.

શિક્ષણશાસ્ત્રનો શિરોમણિ ગ્રંથ

મારી કલ્પના એવીયે છે કે દરેક ગામમાં સંપૂર્ણ શિક્ષણની પૂરી વ્યવસ્થા હોય. સજ્જન અને વિદ્વાન લોકો ગામડામાં રહેવાનું પસંદ કરે.  શિક્ષણશાસ્ત્રના જે ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે, તે બધામાં શિરોમણિ ગ્રંથ છે, ‘પતંજલિનું યોગશાસ્ત્ર’. તેમાં માનસ અને અતિમાનસ એમ બેઉ દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. તેના પર અનેક ભાષ્યો થયાં છે. વળી આ યોગશાસ્ત્ર આજ સુધી વિકસિત થતું રહ્યું છે. આ એક સર્વોત્તમ શિક્ષણશાસ્ત્ર છે.


તમને આ પણ વાંચવું ગમશે


વિદ્યાની સાથે અવિદ્યા પણ

આપણે ત્યાં વિદ્યાની સાથોસાથ અવિદ્યાની પણ ચર્ચા કરી છે. આજકાલ બધા જ્ઞાન-સંપાદન કરવા પાછળ બહુ પડ્યા છે. આ શીખ્યા, તે શીખ્યા એમ શીખવાનું સતત ચાલતું જ રહે છે. આવી રીતે ચિત્ત આટલા બધા જ્ઞાનનો બોજ ઉપાડે તો ચિંતનશક્તિ ક્ષીણ થઈ જાય છે.

આપણે ત્યાં ઇશોપનિષદમાં કહ્યું છે કે માણસને વિદ્યા અને અવિદ્યા બંનેની આવશ્યકતા છે. દુનિયામાં હજારો પ્રકારનાં શાસ્ત્રો અને હજારો પ્રકારનું જ્ઞાન છે. એ બધું મેળવવા પડીશું, તો આપણાથી કોઈ કામ નહીં થાય. એ બધું જ્ઞાન પોતાના મસ્તકમાં ભરવાનો પ્રયત્ન કરવા જશે તો માણસ પાગલ થઈ જશે. જે જ્ઞાનની પોતાના સ્વધર્મના આચરણમાં કોઈ આવશ્યકતા નથી , બલ્કે જેનાથી બુદ્ધિભેદ ઊભો થાય છે, એવા જ્ઞાનનો બોજ ચિત્ત પર નાખવો ન જોઈએ. તે માટે અવિદ્યા. તેમાં જ આપણું કલ્યાણ છે.

મને આજ સુધી એકપણ ધર્મગ્રંથ નથી મળ્યો, એક પણ માણસ એવો નથી મળ્યો, જેણે કહ્યું હોય કે અજ્ઞાનની જરૂર છે. ઇશોપનિષદ પહેલો ગ્રંથ છે, જે કહે છે કે, જેટલી જ્ઞાનની જરૂર છે, તેટલી જ અજ્ઞાનની યે જરૂર છે. એકલું જ્ઞાન અને એકલું અજ્ઞાન બેઉ માણસને અંધકારમાં લઈ જાય છે. મુંડકોપનિષદમાં પણ વિદ્યાના પરા યાને શ્રેષ્ઠ અને અપરા યાને કનિષ્ઠ, એવા બે પ્રકાર પાડી બતાવ્યા છે.

શિક્ષણ એટલે યોગ-ઉદ્યોગ-સહયોગની કેળવણી. શિક્ષણ દ્વારા સાક્ષરતા જ નહીં, જીવનની સાર્થકતા સાધવી છે. મૂલ્યો બદલીને સમાજને બદલવો છે. શિક્ષણને ત્રિદોષ-મુક્ત કરીએ.

વિનોબા

(સંકલિત : ‘શિક્ષણ વિચાર’માંથી)

One thought on “શિક્ષણના ત્રિદોષ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s