સમાજ અને રાષ્ટ્રહિત-ચિંતક, સર્જક મોહનભાઈની વિદાય….

મહાત્મા ગાંધીની ૧૯૩૦ની દાંડીકૂચથી વિશ્વવિખ્યાત થયેલ દાંડી ગામમાં દાંડીકૂચનાં બે વર્ષ પછી ૯/૧૧/૧૯૩૨ના રોજ મોહનભાઈ દાંડીકરનો જન્મ થયો. મોહનદાસ ગાંધીના મીઠાના સત્યાગ્રહનો ગુંજારવ હજી વાતાવરણમાં  ગુંજતો હતો, તેથી નામ પડ્યું મોહન.

૧૯૩૦ની દાંડીકૂચ પહેલાં હિંદુસ્તાનના નકશામાં દાંડીનું નામોનિશાન નહોતું ! માંડ ૪૬૦ લોકોની વસ્તીવાળું અભાવગ્રસ્ત ગામ. ગામમાં જવા ૧૦ માઈલ કાદવ ખૂંદીને જવું પડતું. આખા ગામ વચ્ચે એક જ કૂવો, તેમાંથી લોટે-લોટે પાણી ઉલેચવું પડે ! દાંડીકૂચ વખતે સત્યાગ્રહીઓ માટે ૧૬ કિ.મી. દૂર નવસારીથી ગાડામાં પાણી લાવવું પડતું. ગામમાં જીવનજરૂરી વસ્તુઓ, શાકભાજી કે તાર-ટપાલની સગવડ નહીં, એટલે ગાંધીજી દાંડીમાં માત્ર ૧૧ દિવસ રહ્યા ને પછી એમની ધરપકડ થઈ ત્યાં સુધી ૨૨ દિવસ નજીકના કરાડી ગામે રહેલા. છતાં ગાંધીને મન દાંડી હરદ્વાર હતું ! ગાંધીજીએ દાંડીકૂચ કરીને આ ખોબા જેવડા દાંડીનું નામ જગવિખ્યાત કયુર્ંં, તો મોહનભાઈએ દાંડીકર અટક ધારણ કરીને પોતાના સાહિત્યસર્જન થકી દાંડીનું નામ ઉજાળ્યું !

મોહનભાઈની જીવનઝરમર

મોહનભાઈના પિતાજી જમશેદપુરના કારખાનામાં કામ કરતા હતા તેથી તેમનું મોટાભાગનું બાળપણ મોસાળ સામાપુરમાં જ વીત્યું. અને ત્યાં જ તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. તે પછી ૧૯૪૨ના ‘ભારત છોડો’ આંદોલન વખતે શાળા-કૉલેજો બંધ રહી એટલે ભણવાનું છૂટ્યું. ’૪૨ની લડતના એ માહોલમાં પ્રભાતફેરી, સભા-સરઘસમાં ગીતો-સૂત્રો પોકારવાનું, કાંતણપ્રવૃત્તિ અને કેટલોક સમય મોજમસ્તીમાં વીત્યો. ’૪૨ની લડત આટોપાતાં શાળાઓ ફરી શરૂ થઈ. પણ શાળાએ જવાનું ગમે નહીં, એટલે પિતાજી જમશેદપુર લઈ ગયા. ત્યાં તેમણે નવમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ છેલ્લા વર્ષમાં નાપાસ થતાં ફરી ભણવાનું અટક્યું.

તેવામાં એમના શિક્ષક ચુનીભાઈએ આપેલ ‘હરિજનબંધુ’ના અંકમાં ગ્રામસેવક વિદ્યાલય, વેડછીની જાહેરાત જોઈ અને ૧૯૫૦માં વેડછીના ગ્રામસેવક વિદ્યાલયમાં એક વર્ષની તાલીમ લઈ વેડછીના વડલાસમા જુગતરામકાકાની દોરવણી હેઠળ નજીકના દેવગઢ ગામે એક વર્ષ ગ્રામસેવકનું કામ કર્યું. પણ આગળ અભ્યાસનું ખેંચાણ પણ એટલું જ હતું એટલે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ગયા. ત્યાં હિંદી કાર્યાલયમાં ક્લાર્ક તરીકેની કામગીરી સાથે ૧૯૫૪માં એસ.એસ.સી. સમકક્ષ ‘વિનીત’ પરીક્ષા પાસ કરી. પછી ગૂ.વિ.ના મ.દે. મહાવિદ્યાલયના પ્રથમ વર્ષમાં જોડાયા.

પણ કંઈ ગોઠ્યું નહીં એટલે હિંદી કાર્યાલયના વડા નરેન્દ્રભાઈ અંજારીયાના સૂચનથી ૧૯૫૪માં લોકભારતી, સણોસરા ગયા. ત્યાં નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ ભટ્ટ જેવા વત્સલ ગુરુજનોના હાથે દીક્ષિત થયા. ૧૯૫૭માં લોકભારતીમાંથી સ્નાતક થઈને ૧૯૫૯માં રાજપીપળામાં ડી૦એડ૦ (ડિપ્લોમા ઈન એજ્યુકેશન) કર્યું. ૧૯૫૯માં જ લોકભારતીનાં સ્નાતિકા ધીરજબેન અવરાણી સાથે એમનાં લગ્ન થયાં. તે પછી ૧૯૬૫માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ૦એડ૦ કયુર્ં. ત્યારે એમના નિબંધનો વિષય હતો, ‘નાનાભાઈ ભટ્ટનું શૈક્ષણિક પ્રદાન.’

શિક્ષણ-લોકશિક્ષણ સેવા

મોહનભાઈ ૨૩ વર્ષ સુધી શિક્ષક-અધ્યાપક તરીકે અને ૧૦ વર્ષ આચાર્ય-સંચાલક તરીકે વિવિધ શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત રહ્યા. તેમણે વેડછી, વાપી, જામનગર, સાવરકુંડલા અને બોરખડી (જિ. સુરત)ના અધ્યાપનમંદિરમાં દસ વર્ષ તેમજ લોકશાળા, માલપરા (જિ.ભાવનગર), અને સાવરકુંડલામાં શિક્ષક તરીકે અને ઉ.બુ. વિદ્યાલય, ખરવાણ (જિ. સુરત) તેમજ અગાસી (જિ.વલસાડ)માં આચાર્ય તરીકે કાર્ય કર્યું.

લોકકેળવણી અને લોકજાગરણના માધ્યમ તરીકે તેમણે આ વિવિધ સ્થળે અભ્યાસવર્તુળ, નાટ્યસ્પર્ધા, વ્યાખ્યાનમાળા જેવી પ્રવૃત્તિઓ કરી અને ખરવાણ જેવા ઊંડાણના આદિવાસી ગામમાં તો ૧૯૭૧માં દ.ગુજરાતના ઉ.બુ. વિદ્યાલયોનો ‘સાહિત્ય શિબિર’ પણ યોજ્યો. સાવરકુંડલામાં ઘેલાણી કેળવણી ટ્રસ્ટના માનદ્મંત્રી તરીકે સેવા આપી અને કુંડલા તાલુકાની પુનમ-સભાની માસિક પત્રિકા ‘લોકશક્તિ’નું લેખન-સંપાદન પણ સંભાળ્યું. તેઓ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના હિંદી વિષયના પરામર્શક અને લેખક-સંપાદક રૂપે પણ કાર્યરત રહ્યા.

સાહિત્યસર્જન સેવા

મોહનભાઈ ૧૯૯૧માં શિક્ષણસેવામાંથી નિવૃત્ત થયા ત્યાં સુધીમાં તેમની ૨૨ જેટલી કૃતિઓ પ્રગટ થઈ હતી. તે પછી શેષ ૨૯ વર્ષમાં તેમનાં ૫૫ જેટલાં પુસ્તક-પુસ્તિકા પ્રગટ થયાં. પાંચ પુસ્તકો ટૂંક સમયમાં પ્રગટ થશે અને બીજાં લગભગ ૭-૮ પુસ્તકોની હસ્તપ્રત તૈયાર કરી છે. આમ તેમના દ્વારા બધું મળીને ૯૦ જેટલાં પુસ્તક-પુસ્તિકાઓનું સર્જન-કાર્ય થયું.

વર્ષો પહેલાં આંખનો મોતિયો ઊતરાવતાં તેમની એક આંખ કામ કરતી બંધ થઈ હતી અને બીજી આંખમાં ત્રણ વાર કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. તેમ છતાં એ એક આંખનાં ચશ્માંના જાડા કાચના સહારે તેમણે લેખનનો સાતત્યયોગ છેવટ સુધી ચાલુ રાખ્યો.

મહાદેવ દેસાઈની અંતિમ ક્ષણોમાં ગાંધીજી બોલી ઊઠ્યા હતા, “મહાદેવ ! ઊઠો ! મહાદેવ ! ગાંધીજીને વિશ્ર્વાસ હતો કે એમના શબ્દો જો મહાદેવના કાને પડ્યા હોત તો એ મૉતનો સામનો કરીને ઊભા થઈ ગયા હોત ! મોહનભાઈ માટે પણ એવું વિચારવાનું મન થાય કે, જો કોઈએ તેમને છેલ્લી પળોમાં એમ કહ્યું હોત કે, આ ૧૦૦૦ પાનાંનું એક સરસ, નવું પુસ્તક આવ્યું છે અને તેનો અનુવાદ કરીને ગુજરાતી વાચકોના હાથમાં જલદીમાં જલદી મૂકવાનું છે, તો કદાચ તેમના બંધ થયેલા શ્ર્વાસ ચાલુ થઈ ગયા હોત, બ્લોક થયેલી રક્તવાહિનીઓ ખૂલી ગઈ હોત અને હૃદય ફરીથી ધબકવા માંડ્યું હોત.

મોહનભાઈની લેખનયાત્રાની વિસ્તરતી ક્ષિતિજો

મોહનભાઈની લેખનયાત્રા ૧૯૫૨થી શરૂ થઈ અને છેલ્લે ૨૦૨૦માં હિંદીનાં જાણીતાં લેખિકા નાસિરા શર્માની નવલકથા ‘કૂઈંયાજાન’ના અનુવાદનું કામ કરીને લગભગ ૬૮ વર્ષે અટકી. તેમની અનુદિત ૨૨૫ જેટલી વાર્તાઓ અને લેખો આરામ, ચાંદની, સંસાર, જીવનમાધુરી, નવનીત-સમર્પણ, અખંડ આનંદ, વિશ્ર્વમાનવ, ભૂમિપુત્ર, નિરીક્ષક, નયામાર્ગ, કોડિયું જેવાં સામયિકોમાં છપાતાં રહ્યાં. તેમનું પ્રથમ પુસ્તક ‘સાહિત્ય સર્જન’ નામે ૧૯૬૮માં પ્રગટ થયું હતું.

તેમની કલમની ક્ષિતિજો વતન દાંડીના પોતાના ફળિયાના, ન્યુઝીલેન્ડની ટીમના ક્રિકેટર અંગેની પુસ્તિકા ‘સ્પિન ડોક્ટર દિપક પટેલ’ના લેખનથી માંડી, દાંડીના મીઠાના સત્યાગ્રહ અંગેની પરિચય પુસ્તિકા ‘ચપટી મીઠાનો ચમત્કાર’થી આગળ વધી, નવસારી તાલુકાના ‘સ્વાતંત્ર્ય સંગ્રામનાં સંસ્મરણો’થી વિસ્તરીને આગળ વધતાં, ગુજરાત રાજ્ય અને દેશનાં અન્ય રાજ્યોના સાહિત્યને પોતાના મનોજગતમાં સમાવતાં સમાવતાં ‘વિશ્ર્વ વાર્તા સૌરભ’ પુસ્તક સુધી વિસ્તરતી રહી.

મોહનભાઈની મૌલિક કૃતિ હોય કે અનુવાદ-સંપાદનની કૃતિ હોય, તેમાં તેમની સંવેદનાના તારોનું સ્પંદન ઝીલાયેલું દેખાય છે. તેમનાં પુસ્તકોમાં ‘દાંડીની વાતો’થી લઈને લોકભારતી, સાવરકુંડલાની ‘ધરતીની સુગંધ’ અને ‘પારિજાતની સુગંધ’ પણ છે. તેમણે ‘ખુલ્લા પગે યાત્રા’ કરતી ‘ખાનાબદોશ’ એવી નારીહૃદયની વ્યથાકથા અને આંતરપ્રવાહો રજૂ કરતાં પુસ્તકોનો અનુવાદ ગુજરાતી વાચકવર્ગને હાથવગા કર્યા છે.

દેશના ભાગલા વખતે પોતાની ૧૪-૧૫ વર્ષની વયે મોહનભાઈએ તે વખતનાં બિહાર જમશેદપુરનાં કોમી હુલ્લડો નજરોનજર જોયાં હતાં. ત્યારે તો તેઓ હજુ લેખક નહોતા પણ ભાગલાની એ કરુણ દાસ્તાને તેમના દિલને હચમચાવી મૂક્યું હતું ! તે પછી પણ બાબરી ધ્વંસ કે ૨૦૦૨માં કોમવાદ કે ધાર્મિક ઝનૂનની પરાકાષ્ઠા જોવા મળી હતી. તેના પરિણામ-સ્વરૂપે મોહનભાઈની સર્જનયાત્રા તેમને કમલેશ્ર્વરના ‘કિતને પાકિસ્તાન’થી સરૂપ ધ્રુવના ‘અણસાર ક્યાંક આશાનો’ પુસ્તકના અનુવાદ સુધી લઈ જઈને ‘વિશ્ર્વશાંતિની ગુરુકિલ્લી’ પણ બતાવે છે.

વર્ષો સુધી ધૂળધોયાનું કામ કરનાર મોહનભાઈ

નવી પેઢીને ‘ધૂળધોયો’ શબ્દ કદાચ ન સમજાય. એક જમાનામાં સોનીબજારના રસ્તા પરની રેતી-માટીને પાણીમાં ધોઈને, નીતારીને તગારાં ભરીને આવી રેતી-માટીમાંથી સોના-ચાંદીની કરચ શોધવાનું કામ તે ‘ધૂળધોયા’નું કામ કહેવાતું. આ કામ ખૂબ જ મહેનત અને ધીરજનું છે. મોહનભાઈએ પણ એવી જ ધીરજ અને ખંતપૂર્વક તેમની નજર સારા એવા પ્રમાણમાં હિંદી સાહિત્ય તરફ નાંખી છે. તેઓ ધર્મયુગ, સારિકા, નઈ કહાનિર્યાં જેવાં સામયિકો ઉપરાંત હિંદીમાં પ્રગટ થતાં કે થયેલાં વાર્તાસંગ્રહ, નવલકથા, આત્મકથા, જીવનચરિત્રનું બહોળું વાંચન કરતા.

તેમને જે રચના કે પુસ્તક ગમી જાય એટલે તે ક્યારે ગુજરાતી વાચકના હાથમાં પહોંચાડું અને ‘ગમતાંનો કરીએ ગુલાલ’ એવી તેમને તીવ્ર ઇચ્છા જાગે પછી તો એ કામ પાછળ તેઓ મચી જ પડતા ! ગિરીરાજ કિશોરની ૯૦૦ પાનની હિંદી નવલકથા ‘પહેલો ગિરમીટિયો’ મોહનભાઈના હાથમાં આવી અને દોઢેક વર્ષમાં તો તેનો અનુવાદ તૈયાર કરી દીધો, જેને ૨૦૦૭ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમીનો અનુવાદ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો.

આમ તો મોહનભાઈની સાહિત્યસેવામાં લેખન, સંપાદન અને અનુવાદના વિવિધ આયામો ગણાવી શકાય. તેમ છતાં તેમનાં અડધો અડધ પુસ્તકો અનુવાદનાં છે.

પોતાના અનુવાદકાર્ય અંગે વાત કરતાં મોહનભાઈ કહે છે, ‘અસલ તે અસલ અને અનુવાદ તે અનુવાદ. આટલી મર્યાદા સમજવા છતાં પણ મેં દિલથી અનુવાદનું કામ કર્યું છે.’ વાર્તાઓના અનુવાદકાર્ય અંગે તેઓ કહે છે, ‘વાર્તાનો આત્મા જળવાઈ રહે, એની સુવાસ જળવાઈ રહે, લેખકને જે અભિપ્રેત છે તેને જફા ન પહોંચે, તેમાં ક્યાંય ગોબો ન પડે તેટલી કાળજી રાખીને મેં અનુવાદ કરવાનું કામ કર્યું છે.’

મોહનભાઈના આ અનુવાદકાર્યને પોંખતાં રતિલાલ બોરીસાગર નોંધે છે કે, “અનુવાદના ક્ષેત્રને દાંડીકરનું અર્પણ એમને ગુજરાતી ભાષાની સમગ્ર અનુવાદપ્રવૃત્તિમાં માનભર્યું સ્થાન અપાવે તેવું છે. એમણે જીવનભર હિંદી ભાષાનું શિક્ષણકાર્ય કર્યું છે. હિંદી ભાષા-સાહિત્યનું એમનું વાચન પણ ઘણું બહોળું છે. આ કારણે એમના અનુવાદોમાં મૂળ ભાષાની ખૂબીઓ યથાતથ ઊતરી છે. એમના અનુવાદો તજ્જ્ઞો દ્વારા અનુસર્જનો તરીકે આવકાર પામ્યા છે. ‘મૂળનો પરિમલ જળવાયો છે, ને છતાં ગુજરાતી ભાષાની સ્ફુર્તિ પણ લીલીછમ છે.’ એવું દાંડીકરના અનુવાદિત પુસ્તક ‘શ્રેષ્ઠ ઉર્દૂ વાર્તાઓ’ વિશેનું મોહનભાઈ શં. પટેલનું કથન એમના બધા અનુવાદો માટે સાચું ઠરે એવું છે.

મોહનભાઈને “પહેલો ગિરમીટિયો’ના અનુવાદ માટે ભારતીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું તે અંગે અકાદમી નોંધે છે કે, ‘યહ કૃતિ અપની પઠનીયતા ઔર પ્રવાહમય ભાષાશૈલી કે કારણ ઉલ્લેખનીય હૈ. યદ્યપિ યહ એક અનુવાદકાર્ય હૈ, તથાપિ ઐસા લાગતા હૈ કિ યહ મૂલત: ગુજરાતી મેં લિખા ગયા ઉપન્યાસ હો. ઈસ કૃતિ કે ગુજરાતી અનુવાદ કો ભારતીય સાહિત્ય કા એક મહત્ત્વપૂર્ણ યોગદાન માના ગયા હૈ.

મોહનભાઈની કૃતિઓ અંગે થોડું વિગતે

કોઈપણ લેખકની કૃતિઓને જડબેસલાક ખાનાઓમાં વિભાગીકરણ કરવાનું કામ અઘરું પણ છે અને લેખકને અન્યાય કરનારું પણ છે. તેમ છતાં પ્રાથમિક સમજ પ્રાપ્ત કરવા માટે તેમની કૃતિઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય.

  1. ગાંધી અને ગાંધીદર્શન આસપાસનું સર્જન
  2. નારીની વ્યથાકથા, સંઘર્ષ અને આંતરપ્રવાહોની રજૂઆત
  3. દેશના ભાગલા પછી સર્જાયેલાં નફરત-હિંસાના વમળોને રજૂ કરતું તેમજ આ આંધી સામે ભારતની ગંગા-જમનીની સંસ્કૃતિને ઉજાગર કરતું સાહિત્ય.
  4. ભારતના પ્રગતિશીલ સ્કૂલના લેખકોની, કંઈક અંશે ડાબેરી વિચારધારાને રજૂ કરતું સાહિત્ય.
  5. સ્વને અભિવ્યક્ત કરતું, પોતાના જીવનની વાતો રજૂ કરતું સાહિત્ય.
  6. વ્યાપક લોકશિક્ષણ માટે પરિચય પુસ્તિકા જેવું સાહિત્ય.

મોહનભાઈ વિષે પ્રકાશભાઈ ન. શાહ ‘આપણો સહિયારો સાંસ્કૃતિક વારસો’ની પ્રસ્તાવનામાં જે કંઈ કહે છે તે ધ્યાનથી નજર નાંખવા જેવું છે-

“સર્વોદય સંસ્કાર અને રાષ્ટ્રીય ચળવળનાં મૂલ્યોમાં રમેલા મોહનભાઈને સૌ એક સમર્પિત શિક્ષક અને સંવેદનશીલ લેખક તરીકે પિછાણે છે. બલ્કે, સહૃદય લેખનકારી થકી એમનું શિક્ષણ વર્ષોથી વર્ગખંડના સીમાડાને ઓળાંડી ગયું છે. એક પા દર્શક આદિની ગાંધી સ્કૂલના હેવાયા પ્રેમીજન, તો બીજી પા કમલેશ્ર્વર જેવાની પ્રગતિશીલ સ્કૂલના પણ એવા જ અનુરાગી મોહનભાઈનો એક વિશેષ એ રહ્યો છે કે ધર્મતત્ત્વને પ્રીછતે છતે અને ધર્મભાવનાને પ્રમાણતે છતે એ ધર્મવશ એવા કોઈ વ્યામોહમાં વમળાયા નથી.

મોહનભાઈ આવા કોઈ વ્યામોહમાં વમળાયા નથી, પરંતુ પોતાની જાતને મોટાં ને મોટાં વલયોમાં સમાવતા ગયા.

ગાંધી અને ગાંધીદર્શન આસપાસનું સર્જન

આ વિભાગમાં આપણે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જીવન પર આધારિત નવલકથા – ‘પહેલો ગિરમીટિયો’ને (લેખક : ગિરિરાજ કિશોર, અનુવાદ : મોહન દાંડીકર) સૌ પ્રથમ મૂકવી પડે. ત્યારબાદ ‘મનીષીની વિચારયાત્રા’ (દર્શકનાં કેટલાંક વ્યાખ્યાનો – સંપાદન : મોહન દાંડીકર) મૂકી શકાય. આ ઉપરાંત ‘દર્શક : જેવા મેં જોયા-જાણ્યા’, ‘નાનાભાઈનું જીવનદર્શન’, ‘ગુરુવંદના’, ‘બાપુ’ (અનુવાદ) લેખક : ઘનશ્યામદાસ બિરલા, ‘લોકશક્તિના ઉપાસક શ્રી લલ્લુભાઈ શેઠ’, ‘લોકનાયક જયપ્રકાશ’, ‘ગાંધી : માનવમાંથી મહામાનવ’, ‘અમુલખ વસ્તુ જડી’ (સંપાદન) તેમજ ‘જેમણે મૉતને મીઠું કર્યું’ જેવાં અન્ય પુસ્તકોનો સમાવેશ કરી શકાય.

નારી વ્યથાકથા, સંઘર્ષ અને આંતરપ્રવાહોની રજૂઆત

આ વિભાગમાં અમૃતા પ્રિતમ પછીની પેઢીની પંજાબી લેખિકાઓ અજિતકૌર અને દલિપકૌર ટિવાણાની મોહનભાઈએ અનુવાદ કરેલી કૃતિઓનો સમાવેશ કરી શકાય.

અજિતકૌરની આત્મકથા ‘ખાનાબદોશ’ અને ‘મારી કરમકથા’ તેમજ તેમના જીવનની આસપાસ ગુંથાયેલી વાતોનો સંગ્રહ ‘અંત:સલિલા’ વાંચવા જેવાં છે. ‘ખાનાબદોશ’ના પ્રકરણ-૪ની શરૂઆતમાં અજિતકૌર લખે છે-

“મિત્રો, સૌથી પહેલાં હું તમને એક અત્યંત નિર્દોષ વાત સંભળાવું છું. નિર્દોષ અને સામાન્ય, પણ ચિત્રાત્મક…

“ગુનો નં. એક – સ્ત્રી હોવું તે.

“ગુનો નં. બે – એકલાં હોવું તે.

“ગુનો નં. ત્રણ – એકલી અને પોતાનો રોટલો પોતે કમાઈ લેતી સ્ત્રી હોવું તે.

“ગુનો નં. ચાર – પોતાનો રોટલો પોતે જ કમાતી પણ સ્વમાન-પ્રિય અને બુદ્ધિશાળી એકલી સ્ત્રીએ આ દેવતાઓના દેશ હિંદુસ્તાનમાં હોવું તે.

“એટલે દોસ્તો, સૌથી પ્રથમ તો આ ચારે સંગીન ગુનાઓને હું મારું સદ્ભાગ્ય સમજું છું.

‘ખુલ્લા પગે યાત્રા’ દલિપકૌર ટિવાણાની આત્મકથા છે અને ‘અગ્નિપથનાં યાત્રી – દલિપકૌર’ તેમની જીવનકથા છે. આ ઉપરાંત સરસ્વતી સન્માન પ્રાપ્ત, બે ભાગમાં લખાયેલી દલિપકૌરની નવલકથા ‘કથા કહો ઉર્વશી’માં દલિપકૌર નવલકથાની ચરિત્રનાયિકા કુલદીપ બને છે. આ નવલકથામાં આત્મતત્ત્વની શોધ, બ્રહ્મતત્ત્વની પ્રાપ્તિ માટેની ઝંખનાનું વિસ્તારથી ચિત્રણ થયું છે. મોહનભાઈએ દલિપકૌરની, સ્ત્રીજીવનના આંતરપ્રવાહોને રજૂ કરતી લઘુવનવલ ‘ગોરજટાણે’ અને ‘ફિનિક્સ પંખી’નો અનુવાદ પણ કર્યો છે.

આ વિભાગમાં રાજેન્દ્રસિંહ બેદીની મોહનભાઈએ અનુવાદ કરેલ નવલકથા ‘એક ચાદર મેલી’નો પણ સમાવેશ કરી શકાય. આ નવલકથામાં પંજાબી લોકજીવનની ઝિંદાદીલીની સાથેસાથે એનાં સુખ-દુ:ખ, રીત-રિવાજોની ઝલક જોવા મળે છે. રાનો વિધવા થતાં પોતાનાથી ૧૦-૧૨ વર્ષ નાનો દિયર, જેને તેણે નાની વયે દીકરાની જેમ ઉછેર્યો હતો તેની સાથે કરવા પડતા દિયરવટાની મથામણ લેખકે બહુ બારિકાઈથી ઉજાગર કરી છે.

બીજું એક પુસ્તક ‘પંજાબી વાર્તા વૈભવ’માં ૧૭ પંજાબી વાર્તાઓનો અનુવાદ છે. આ પુસ્તકમાં અજિતકૌરની ૧૯૮૪માં દિલ્હીમાં થયેલ કત્લેઆમની કરુણ કથની વાંચતાં રૂંવાડાં ઊભાં થઈ જશે.

દેશના ભાગલા પછી સર્જાયેલ નફરત-હિંસાનાં વમળોને રજૂ કરતું તેમજ આ આંધી સામે ભારતની ગંગા-જમની સંસ્કૃતિને ઉજાગર કરતું સાહિત્ય

આ પુસ્તકોમાં મોહનભાઈએ અનુવાદ કરેલ કમલેશ્વરનું ‘કેટલા પાકિસ્તાન’, નિરંજન તસ્નીમનું ‘ખોવાયેલા અર્થો’, નાસિરા શર્માનું ‘રાષ્ટ્ર અને મુસલમાન’, ‘એક બીજી કુંતી’ (વિભાજન વિષયક વાર્તાઓ), ‘મન્ટોની શ્રેષ્ઠ વાર્તાઓ’, સરૂપ ધ્રુવનું ‘અણસાર ક્યાંક આશાનો’ તેમજ ‘આપણો સહિયારો સાંસ્કૃતિક વારસો’ જેવાં પુસ્તકો ગણાવી શકાય.

દેશના ભાગલા વખતે, ઇંદિરા ગાંધીની હત્યા પછી થયેલ શીખોની કત્લેઆમ વખતે, બાબરી મસ્જિદના પ્રશ્નને કે ગુજરાત-૨૦૦૨નાં તોફાનો વખતે ફેલાયેલી નફરતથી સમાજમાં ઉદ્ભવેલાં વમળોની વાત તેમજ તે સમયે ફેલાયેલી વ્યાપક હિંસાને કારણે ઉદ્ભવેલા સમાજના દર્દને આ પુસ્તકો વાચા આપે છે. તો કેટલાંક પુસ્તકોમાં ભારતમાં વર્ષોથી એક મીલી-ઝૂલી, ગંગા-જમની સંસ્કૃતિ પનપી રહી છે તેની પણ વાત છે.

અહીં ‘આપણો સહિયારો સાંસ્કૃતિક વારસો’ પુસ્તકમાંથી કમલેશ્વરના લેખ ‘ખોલો જુબાં, ચૂપ ન રહો’માંથી એક નોંધ પર નજર નાંખીએ-

“આ એવો સમય છે જ્યારે વિશ્વભરમાં નિરંકુશ, ધર્માંધ અને વસાહતવાદી શક્તિઓએ પોતાનો એજન્ડા લાગુ કર્યો છે. એવે સમયે શબ્દો દ્વારા મૂલ્યો, સંવેદનશીલ મન, સમજણ અને વિવેક સાથે સાહિત્ય-સર્જન કરનારા આપણે પોતાને ધર્મસંકટમાં મુકાયેલા જોઈએ છીએ. તે એટલા માટે નહીં કે આપણે ખોટા પડ્યા છીએ. પરંતુ તે એ કારણે કે નિરંકુશ શક્તિઓના શુદ્ર રાજકારણે પુરાણો અને દંતકથાઓને ઇતિહાસ અને આસ્થાનો પ્રશ્ન બનાવી દીધો છે. ધર્મને તેમણે ધર્મનો શિકાર બનાવી દીધો છે. અને જાતીયતાને તેમણે ધર્માંધતાની પ્રયોગશાળામાં વંશ, રક્ત અને ધર્મનું દેશીવિદેશી હોવાનું રસાયણ ભેળવીને એક રક્તપિપાસુ, આંધળા હથિયારમાં પરિવર્તિત કરી દીધેલ છે.

કમલેશ્વરે પ્રગતિશીલ લેખક સંઘના અધિવેશનમાં ૨૦૦૩માં કરેલ આ વાત પછી, આજે સ્થિતિ એનાથી પણ બદતર થતી જઈ રહી છે. ત્યારે એ નોંધવું રહ્યું કે મોહનભાઈનું ઘણું ખરું સાહિત્ય આ ‘ખોલો જુબાં, ચૂપ ન રહો’ના ભાવને ચરિતાર્થ કરતું જોવા મળે છે.

આઝાદી પછીની પ્રગતિશીલ સ્કૂલની ડાબેરી વિચારધારાને રજૂ કરતું સાહિત્ય.

અહીં મુખ્યત્વે બે લેખકોનાં નામ લેવાં પડે. એક મન્ટો અને બીજું કમલેશ્વરનું. મોહનભાઈએ તૈયાર કરેલ મન્ટોનાં પુસ્તકો છે – ‘મન્ટોની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘મન્ટોના કેમેરામાં ઝીલાયેલી છબીઓ,’ ‘મન્ટો-અમારો દોસ્ત’, ‘મન્ટો જીવે છે.’ (જીવનચરિત્ર, લે. નરેન્દ્ર મોહન), અને ‘સઆદત હસન મન્ટોની શ્રેષ્ઠ વાર્તાઓ’. જ્યારે કમલેશ્વરનાં ત્રણ પુસ્તકોનો અનુવાદ મોહનભાઈએ કર્યાં છે : ‘મારી સંઘર્ષકથા’ (આત્મકથા), ‘સળગતી નદી’ (આત્મકથા) અને ‘કેટલા પાકિસ્તાન’ નામે નવલકથાનો. આમાં એક ચોથા પુસ્તકને પણ ધ્યાન પર લેવા જેવું છે, જે કમલેશ્વરનાં જીવનસાથી ગાયત્રી કમલેશ્ર્વરે લખ્યું છે – ‘કમલેશ્વર : મારા હમસફર.’

મન્ટો સ્થાપિત મૂલ્યો સામે બળવો કરનાર લેખક છે. કમલેશ્વર હિંદી સાહિત્ય જગતના પ્રથમ હરોળના મૂલ્યનિષ્ઠ, સત્તા સામે ન ઝૂકનારા લેખક છે.

કમલેશ્ર્વરની આત્મકથા ‘સળગતી નદી’માંના (પાન નં. ૨૨૬) કમલેશ્વરના વર્ષો પહેલાંના શબ્દો આજે પણ એટલા જ બંધબેસતા લાગે છે. – “એક સમય એવો હતો જ્યારે કાનૂની કટોકટી ચાલુ હતી. આજે હવે સવર્ણ, સામંતી હિંદુ કટોકટી ચાલુ છે.

પુસ્તકમાં બીજી એક જગ્યાએ કમલેશ્વર જયપ્રકાશ નારાયણ સામે નારાજગી વ્યક્ત કરતાં લખે છે – “લોકનાયક જયપ્રકાશ નારાયણે હિંદુત્વવાદી સાંપ્રદાયિક જનસંઘને બિનસાંપ્રદાયિક હોવાનું અવસરવાદી પ્રમાણપત્ર આપી દીધું હતું.

કમલેશ્ર્વર હંમેશા દલિતો, પીડિતો, વંચિતોને પડખે રહ્યા. તેમણે સુધારાવાદી વહોરાઓના સામાજિક ન્યાય માટેના આંદોલનને પોતાનું આંદોલન ગણ્યું હતું. મુલ્લા-મૌલવીઓની માનસિકતા વિશે, કટ્ટરતા વિશે, અંધ-શ્રદ્ધામૂલક મનોવૃત્તિ વિશે કમલેશ્વરે હિંમતપૂર્વક લખ્યું છે.

આવા હિંદી સાહિત્યજગતને ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરીને મોહનભાઈએ સારી સેવા બજાવી છે તેમ કહેવું પડે.

સ્વને અભિવ્યક્ત કરતું, પોતાના જીવનની વાતો રજૂ કરતું સાહિત્ય.

એક લેખક તરીકે પોતાના લખેલા કે સંપાદન-અનુવાદ કરેલ પુસ્તકની પ્રસ્તાવનામાં મોહનભાઈ અવારનવાર પોતાની વાત મૂકતા રહ્યા છે. જેમાં તેમનો ભાવ, સંવેદના, ચિંતા વ્યક્ત થતાં રહ્યાં છે. યજ્ઞ પ્રકાશનના ‘અણસાર ક્યાંક આશાનો’ પુસ્તકના પ્રાસ્તાવિકમાં તેઓ લખે છે –

“સરૂપબેને ૨૦૦૨ના ગોધરાકાંડ પછી ગુજરાતમાં જે ઘટનાઓ બની, જે સંહારસત્ર ચાલ્યું, એક જ કોમને નજર સામે રાખીને જે બર્બરતા આચરવામાં આવી તેની વિગતો આપી છે. તે વાર્તાઓ વાંચીને રૂંવાડાં ઊભાં થઈ જાય છે… બેચેન બની જવાયું. એમ થયું કે અરે ! આટલું બધું બની ગયું છે, મારા ગુજરાતમાં ? સાવ નિર્દોષ માણસોને આ રીતે રહેંસી નાંખવાનાં ? ઘરબાર વિનાનાં કરી દેવાનાં ? કોઈ જ કારણ વિના ? એવો અધિકાર તેમને કોણે આપ્યો ? તમે અમુક કોમના છો, બહુમતીમાં છો, એટલે ? તો તો ‘એ લોકો’ જ્યાં જ્યાં બહુમતીમાં હશે ત્યાં ત્યાં આવા અત્યાચારો કરવા માંડશે તો ? થશે શું મારા દેશનું ?

મોહનભાઈની આ નિસ્બત, ચિંતાને પ્રમાણતાં યશવન્તભાઈ શુકલએ મોહનભાઈને એક મૂલ્યનિષ્ઠ, રાષ્ટ્રહિતચિંતક અને સમાજના પ્રશ્નનો વિશે સદ્ભાવથી વિચારનારા જાગરૂક નાગરિક કહ્યા છે.

મોહનભાઈએ ૧૯૮૩માં, ૫૦ વર્ષની વયે પોતાના જીવન વિશેનું આત્મકથન ‘કેડી અને ચડાણ’ (લોકભારતી પ્રકાશન શ્રેણી) પુસ્તિકામાં કર્યું છે. આમાં તેમના વડવાઓની, વતન દાંડીની, મોસાળની, કિશોરા-વસ્થામાંના કાંતણપ્રેમની, પોતાના શિક્ષણકાળની તેમજ વિવિધ સ્થળોએ રહીને શિક્ષકધર્મ બજાવ્યો તેની વાતો છે.

શિક્ષણ અંગેના તેમના વિચારો રજૂ કરતાં તેઓ ‘સમાજ-જીવનનાં બિંબ પ્રતિબિંબ’ પુસ્તકમાં લખે છે – ‘પરંપરાગત શિક્ષણની મર્યાદા તેમજ અધ્યાપનકાર્ય માત્ર પાઠ્યપુસ્તકના ભણાવવામાં સમાપ્ત થતું નથી. તે સિવાયનું જગત પણ છે. તેનો પણ ખ્યાલ રાખવાનો છે. આજુબાજુ વિશાળ સમાજ પડેલો છે, એ સમાજના ભાત-ભાતના પ્રશ્નનો છે, મૂંઝવણો છે, મથામણો છે. અધ્યાપકે આ બધું સમજવાની સજ્જતા કેળવવાની છે. આનાથી શિક્ષણ ધારદાર અને અર્થપૂર્ણ બનશે. આ ખ્યાલમાં રાખીને આ પુસ્તકમાં તેમણે કેટલાક પોતાના લેખો સમાવ્યા છે.

૨૦૧૪માં તેમનાં અન્ય બે પુસ્તકો પ્રગટ થયાં – ‘ધરતીની સુગંધ’ અને ‘ગમતાંનો કરીએ ગુલાલ’. તેમાં તેઓ લખે છે, “આ મારી અનુભવકથા છે, મારી ઘડતરકથા છે. અંદરથી જે આવ્યું, ઊગ્યું તે લખ્યું છે…. સામાજિક અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં જે વસ્તુ ગમી તે અહીં રજૂ કરી છે.

મોહનભાઈ નાનાભાઈ, મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ, લલ્લુભાઈ શેઠ કે અમુલખભાઈ ખિમાણી વિષે કે તેમના અન્ય ગુરુજનો-વડીલો જુગતરામભાઈ, દિલખુશભાઈ દિવાનજી, લલ્લુભાઈ મકનજી કે પોતાના સાહિત્યિક ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવનાર ઈશ્ર્વર પેટલીકર કે યશવંતભાઈ શુકલ વિષે લખે ત્યારે તેમની સાથેના સંબંધોના તાણાવાણાની વાત પણ તેમાં ગુંથાતી જાય છે.

વ્યાપક લોકશિક્ષણ માટેનું પરિચય પુસ્તિકા જેવું સાહિત્ય

મોહનભાઈએ શરૂઆતનાં વર્ષોમાં પ્રૌઢશિક્ષણ માટેની ૯/૧૦ પુસ્તિકાઓ તૈયાર કરી. તે પછી તેમના આત્મકથનની ‘કેડી અને ચડાણ’ (લોકભારતી પ્રકાશન શ્રેણી), મહાદેવી વર્માની ‘સાવધાન ! દેશ આજે સંકટમાં છે !’, વિમલા ઠકારની ‘ગાંધી જીવન દર્શન’, ‘સ્પિન ડૉક્ટર દિપક પટેલ,’ ‘વ્યસન-મુક્તિ’, ‘સર્વધર્મ સમભાવ’, ‘ચપટી મીઠાનો ચમત્કાર’ (પરિચય પુસ્તિકા નં. ૧૧૮૧) જેવી બીજી આઠેક પુસ્તિકા તૈયાર કરી.

આ ઉપરાંત સાવરકુંડલામાં યોજાયેલ વ્યાખ્યાનમાળાની ૧૩ પુસ્તિકાઓ જેનું સંકલન પછીથી ‘અમૃતપર્વ’ નામે પ્રકાશિત થયું અને મનુભાઈ પંચોળીનાં વ્યાખ્યાનોની પાંચ પુસ્તિકા જે પણ પછીથી ‘મનીષીની વિચારયાત્રા’ પુસ્તકમાં ગ્રંથસ્થ થઈ.

મોહનભાઈનાં પાંચ અનુવાદિત પુસ્તકો ટૂંક સમયમાં પ્રગટ થશે તેમાં ગિરિરાજ કિશોરની કસ્તૂરબા પરની નવલકથા ‘બા’, ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કૃત, નાસિરા શર્માની નવલકથા ‘પારિજાત’, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર હકુ શાહનું કલા અને જીવન વિષયક પુસ્તક ‘માનુષ’, નાસિરા શર્માની જીવનકથા ‘એક ઝુઝારુ નારી’, અને સોપાન જોષીનું ‘જલ, થલ, મલ’.

મોહનભાઈની આગવી ઓળખ

મોહનભાઈએ પોતાની જાતને ઘડતાં ઘડતાં માતબર લેખનકાર્ય કર્યું, લોકશિક્ષણનું કામ પણ કયુર્ં. અને આ બધું કરતાં કરતાં પણ એમની જે આરત હતી તે તેમની એક ડાયરીના ઊઘડતા પાને તેમણે લખી છે :

અને પછી ત્રીજા પાને લખ્યું છે : ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ’.

આમ તો દાંડીના દરિયાનાં ઊછળતાં મોજાં જેવા તેમના પ્રેમની છાલકો જેમણે માણી છે, તે તેમને સદાને માટે યાદ કરશે.

તેમનો નશ્વરદેહ ૨૧, ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ પંચમહાભૂતમાં ભળી ગયો પણ તેમનો અક્ષરદેહ તેમની યાદ સદાકાળ આપતો રહેશે.

વધુ વિગતો માટે સંપર્ક : પારુલ દાંડીકર-૯૯૯૮૦૪૧૨૨૬

– રજની દવે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s