ઈ.સ. ૧૯૯૯માં જતન દ્વારા આયોજિત અખિલ ગુજરાત સજીવ ખેતી મિલનમાં ક્ષિતિજ પર દેખાઈ રહેલાં જનીન રૂપાંતરિત પાકોનાં જોખમોની પ્રથમ વખત જાહેર ચર્ચા કરાઈ હતી; અને પછીને વર્ષે ૨૦૦૦માં ગુજરાતમાં બીટી કપાસની ગેરકાયદે ખેતી શરૂ થઈ. પાછલે બારણેથી ઘૂસાડવામાં આવેલી તે ટેક્નોલોજીને પછી ૨૦૦૨માં કાયદેસરની માન્યતા મળી.
છેલ્લાં ૨૧ વર્ષથી જતન તથા તેની સહયોગી સંસ્થાઓ અને ખેડૂતો દ્વારા જનીન રૂપાંતરિત પાકોનાં જોખમોથી પ્રજાને વાકેફ કરવાના અને તેના વિકલ્પો અખત્યાર કરવાની કોશિશ ચાલી રહી છે. ગુજરાતમાં જેમ જતન, તેમ દેશભરમાં અનેક વિવિધ સંસ્થાઓ અને કાર્યકરો જનીન રૂપાંતરિત પાકોનો વિરોધ કરતાં રહ્યાં છે અને તેમના સહિયારા પ્રયત્નોથી બીટી કપાસ પછી એક પણ જીએમ પાકની ખેતીને આજ સુધી મંજૂરી મળી નથી. લગભગ તમામ રાજ્યો આવા પાકોના અખતરા કરવાની ય છૂટ સુધ્ધાં આપતાં નથી, ખેતીની વાત તો બાજુએ રહી.
લોકશાહીમાં વિજ્ઞાન-ટેકનોલોજીનો વિકાસ પ્રજાકીય ભાગીદારીથી થવો જોઈએ. તે માટે જતન દ્વારા જાગૃતિનાં કામો જ નહીં; બે વિરોધાભાસી મંતવ્યો ધરાવનાર વચ્ચે સંવાદના કાર્યક્રમો પણ થતા રહ્યા છે. આ સંવાદના પાયામાં લોકકેન્દ્રી વિજ્ઞાન અને મૂળભૂત પ્રાકૃતિક સ્રોતોના જતનનું ધ્યાન રખાય છે. બીટી કપાસનાં દસ વર્ષ અને પંદર વર્ષ થયાં ત્યારે પણ અનુભવોને આધારે કેટલીક રજૂઆતો પ્રજા સમક્ષ કરી હતી. આજે હવે વિશ્ર્વમાં ખેતી આધારિત સૌથી મોટી જનસંખ્યા ધરાવતા ભારત જેવા દેશમાં અત્યાધુનિક ગણાતી ટેકનોલોજીને ૨૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. ગાંઠે બાંધવા માટે પૂરતો અનુભવ થયો કહેવાય. હરિયાળી ક્રાંતિનાં વીસેક વર્ષે જ સજીવ ખેતીની વાત ઊપડી હતી ને!
તારીખ ૨૪મી ઑગસ્ટે હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (CSA) અને જતને સાથે મળી લેખાં-જોખાં કર્યાં. કોવીડ કાળમાં રૂબરૂ મિલન તો શક્ય નથી. આ આંતરરાષ્ટ્રીય વેબિનારનો વિષય હતો, ‘ભારતમાં બીટી કપાસ : ભ્રમો અને હકીકતો.’ મૂલ્યાંકનને પુરાવાઓનો આધાર અપાયો. દેશભરમાં એલાઇન્સ ફોર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટિક એગ્રીકલ્ચર (ASHA) અને ઇન્ડિયા ફોર સેફ ફૂડના નેજા હેઠળ કામ કરતા કાર્યકરોનો સહયોગ મળ્યો. વિશ્ર્વપ્રસિદ્ધ એવા ચાર વિજ્ઞાનીઓએ અમેરિકાથી આ વેબિનારને સંબોધન કર્યું.
તમને આ પણ વાંચવું ગમશે
પેસ્ટીસાઈડ્સનું નિયમન કેમ જરૂરી છે?
કેમ આ 27 જીવનાશકો પર પ્રતિબંધ જરૂરી છે?
શું હવે પર્યાવરણના ભોગે થશે ઉદ્યોગોનો વિકાસ?
સૌપ્રથમ મેક આર્થર પુરસ્કાર વિજેતા અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન(FAO)ના ભારત ખાતેના પ્રતિનિધિ રહી ચૂકેલા ડો. પીટર કેન્મોરે વાતની માંડણી કરી. તેમણે જંતુનાશકોની શરૂઆતથી આજ સુધીનો સિલસિલો યાદ કરી બીટી કપાસમાંના Cry નામના ઝેરને તે જ શૃંખલાની નીપજ ગણાવી કહ્યું, બીટી સંકર કપાસ એ ઘરડી થઈ ગયેલી ટેકનોલોજી છે. લેબોરેટરીમાં શોધાતાં ઝેરી રસાયણો પાછળનો હેતુ ઇજારાશાહી ઊભી કરવાનો છે.
આ અણુઓ એટલે કે વિષાક્ત જીવનાશકો અને બીજને પેક કરીને બજારમાં વેચી શકાય છે. કંપનીઓ અને સરકારી નીતિ-નિર્ધારકો ભલે ઉત્પાદકતા વધવાના દાવા કરે, હકીકતમાં તે ટૂંકા ગાળા માટે કીટ-નિયંત્રણ કરે છે; પછી નવા કીટકોનો ઉપદ્રવ વધારવાનું અને ઝેર સામે પ્રતિકારકતા ઊભી કરવાનું કામ કરે છે.
કીટકશાસ્ત્રી હોવાના નાતે તેમને એશિયાભરમાં ડાંગરની ખેતીમાં પાક સંરક્ષણનો અનુભવ છે. તેને આધારે તેમણે કહ્યું, સજીવ ખેતી(Agro-ecology) અને ઝીરો બજેટ ખેતી જેવા અભિગમ દ્વારા ખેતર પરનાં સંશોધનો અને તાલીમ થકી જ ખેડૂતોની પાક સંરક્ષણની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી શકે.
કપાસની ખેતી સંબંધી પર્યાવરણીય ગણનાના વિશ્વભરના નિષ્ણાત બર્કલી યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્ર્યુ ગુટીરેઝે અનેક સંશોધનપત્રોનો આધાર લઈને ભારતમાં બીટી કપાસની ખેતીની નિષ્ફળતાનાં પર્યાવરણ સંબંધી કારણો જણાવ્યાં. તેમનું કહેવું હતું કે, બીજા દેશોના અનુભવમાંથી પણ ભારત શીખી શકે. ભારતના ખેડૂતો પાકસંરક્ષણ પાછળ જે ખર્ચ કરે છે તે ખોટનો ધંધો છે. જીવનાશકો ઉપયોગી કીટકોનો નાશ કરી નવા કીટકોનો ઉપદ્રવ વધારે છે. ભારતમાં પસંદ વવાતા લાંબા ગાળાના કપાસને કારણે જીવાતોનો ઉપદ્રવ વધે છે.
સંશોધનનાં તારણો એમ સૂચવે છે કે જેમ જેમ વધુ જીવનાશકો વાપરીએ તેમ તેમ ઉત્પાદકતા ઘટતી જાય છે. તેમણે ભારતમાં બીટી કપાસના ખેડૂતોના આપઘાત વિશે પણ વિશેષ અભ્યાસ કર્યો છે. તેમણે જોખમી પાકને કારણે આપઘાતનું પ્રમાણ વધતું હોવાનું જણાવ્યું (યાદ રહે, ભારત સરકારે પણ ખેડૂતોના આપઘાત માટે બીટી કપાસને જવાબદાર ઠરાવ્યો છે). તેમણે કપાસને સાંકડા ગાળે વાવી અને ટૂંકી ઋતુમાં જ પૂરો કરાય તેવી જાતોનો ઉપયોગ કરવા ભલામણ કરી.
ખૂબ જ મહત્ત્વની રજૂઆત ડો. કેશવ ક્રાંતિએ કરી. તેઓ નાગપુર સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોટન રિસર્ચ(CICR)ના નિયામક રહી ચૂક્યા છે અને હાલમાં વોશિંગ્ટન સ્થિત આંતરરાષ્ટ્રીય કપાસ સલાહકાર સમિતિના ટેકનિકલ માહિતી વિભાગના વડા છે. તેમનું કામ દુનિયાભરના દેશોમાં કપાસની ટેકનોલોજી અંગે સલાહ આપવાનું છે.
તેમણે કહ્યું વિશ્ર્વમાં પચાસ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ ઉગાડતા ૩૫ દેશોમાં એકરદીઠ ઉત્પાદકતાની દૃષ્ટિએ ભારતનો ક્રમ ૨૨મો છે. જ્યાં નથી સંકર જાતો, નથી રાસાયણિક ખાતરો અને જીવનાશકોનો ખાસ વપરાશ, નથી બીટી કપાસની જાતો તેવા આફ્રિકાના કેટલાક દેશો એકરદીઠ ભારત કરતાં વધુ કપાસ પેદા કરે છે.
ભારત કરતાં વધુ ઉત્પાદકતા ધરાવતા ૨૧ દેશોમાંથી ૧૧ દેશો બીટી કપાસ ઉગાડતા નથી. એક કિલો રૂ ઉગાડવા ભારતમાં ૩૬૦ ગ્રામ રાસાયણિક ખાતર વપરાય છે, જે માત્રા દુનિયામાં સૌથી વધુ છે.
બીટી કપાસ જીંડવા કોરી ખાનાર ઈયળોથી બચવા માટે લાવવામાં આવ્યો, તેમાંની લીલી ઈયળ ૧૯૭૮ સુધી તો ખાસ નુકસાન કરતી જ ન’તી. સિન્થેટિક પાયરેથ્રોઇડ્સ પ્રકારના જીવનાશકોને કારણે લીલી ઈયળનો ઉપદ્રવ થયો (એટલે કે એ તો જીવનાશકોએ નોંતરેલી ઈયળ છે). ભારતમાં ૨૦૦૩થી ૨૦૦૫ દરમિયાન કપાસની ઉત્પાદકતા વધી ત્યારે બીટી કપાસ હેઠળનો વિસ્તાર માત્ર ૧૦ ટકા જેટલો જ હતો એટલે કે ઉત્પાદકતા વધવા પાછળ બીટી કપાસ નહિ પણ બીજાં કારણો વધુ જવાબદાર છે. બીટી કપાસને કારણે જ ઉત્પાદક્તા વધી હોવાનો દાવો વાહિયાત છે. ૨૦૦૨થી ૨૦૧૩ દરમ્યાન કપાસમાં વપરાતું હેક્ટરદીઠ રાસાયણિક ખાતર ૨.૩૩ ગણું થયું, ૨૦૦૩થી ૨૦૧૧ દરમ્યાન કપાસની પિયત ખેતીમાં ૧૯.૨ લાખ હેક્ટર વિસ્તાર ઉમેરાયો.
આ ઉપરાંત સારાં ચોમાસાં, સારી જમીનો કપાસ માટે ફાળવાઈ, વધુ ઉત્પાદક જાતો વગેરે કારણભૂત ગણાય. ૨૦૧૫ પછી બીટી કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે. આ ઈયળો હવે ૨૦૬૦થી ૯૩૬૬ ગણું વધુ બીટી ઝેર પચાવી શકે છે. ૨૦૧૭માં ગુલાબી ઈયળે દેશમાં અંદાજે ૮૩૨૦ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું.
હવે ઈયળોએ કેળવેલ પ્રતિરોધક ક્ષમતા અને ચૂસિયાંના ઉપદ્રવને લીધે બીટી કપાસમાં જીવનાશકોનો વપરાશ અગાઉ જેટલો જ થઈ ગયો છે. વર્ષ ૨૦૦૫થી ૨૦૧૬ દરમ્યાન બીટી કપાસનો ઉત્પાદન ખર્ચ ૨.૨૬ ગણો થઈ ગયો છે અને ૨૦૧૪ અને ૨૦૧૫ના વર્ષમાં ખેડૂતને હેકટરદીઠ અનુક્રમે ૫૮૪૯ અને ૬૨૮૬ રૂપિયાની ખોટ ગઈ એવું સરકારી આંકડા જ સ્પષ્ટ કહે છે.
તમને આ પણ વાંચવું ગમશે
આ ખોટ ૧૯૯૬ પછીની વિક્રમી ખોટ છે. કપાસની ખેતીમાં આવકની અનિશ્ર્ચિતતા ખૂબ વધી ગઈ છે. ૨૨૦૫ પછી ભારતના ખેડૂતોએ ૭૪૩૭ કરોડ રૂપિયા બીજમાં બીટીનું લક્ષણ ખરીદવાની ફી તરીકે ચૂકવ્યા, જેમાંનો મહત્ત્વનો હિસ્સો મોન્સેન્ટો જેવી કંપની વિદેશમાં લઈ ગઈ.
તેમણે પોતાનાં સંશોધનો અને વિશ્વભરના અનુભવોને આધારે જણાવ્યું કે કપાસની ખેતીમાં ઉત્પાદકતા વધારવી હોય તો બીટી વગરનો, સંકરને બદલે શુદ્ધ (Pure Line) અને ટૂંકી સિઝનમાં ખેતી પૂરી થાય તેવી જાતો વાવવી જોઈએ અને સાંકડે પાટલે વાવેતર કરવું જોઈએ.
તેમણે ઘણી એવી દેશી જાતો સૂચવી જેની ઉત્પાદકતા, રેસાની લંબાઈ અને મજબૂતાઈ બીટી સંકર કપાસ કરતાં વધુ છે. તેમનું સ્પષ્ટ કહેવું હતું કે, પાકિસ્તાન અને ચીન ઉપરાંતના ઘણા બધા દેશોમાં કપાસની સંકર જાતોને મહત્ત્વ અપાતું નથી. સંકર જાતનું બીજ દર વર્ષે વેચી શકાતું હોઈ કંપનીઓને તેનો પ્રચાર કરવામાં રસ છે. ભારત પાસે કપાસની ખેતીને સુધારવા માટે જરૂરી બધી આવડતો છે; પણ આત્મવિશ્ર્વાસ અને વૈજ્ઞાનિક અભિગમ ખૂટે છે.
ચોથા વકતા હતા ડો. હંસ હેરીન. જેમને ૧૯૯૫માં રાઈટ લાઇવ્લીહૂડ એવોર્ડ અને ૨૦૦૦માં વર્લ્ડ ફૂડ પ્રાઇઝ મળ્યું છે. પોતે જૈવિક પાક-સંરક્ષણના વિષયમાં પીએચ૦ડી૦ થયા છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર તરફથી વિશ્ર્વભરના ૪૦૦થી વધુ વિજ્ઞાનીઓની મદદથી ‘વિકાસ માટે કૃષિ-જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય આકલન’(International Assessment of Agricultural Knowledge, Science and Technology- IAASTD)ના સહ-અધ્યક્ષ રહ્યા હતા.
તેમણે સોઈ ઝાટકીને વાત કરી. કહ્યું, જીએમ પાકોની ટેકનોલોજી એવી છે કે એક વાર શોધી કાઢ્યા પછી તે કઈ સમસ્યા ઉકેલવા કામ લાગશે તેનો વિચાર કરાય છે. તેનાથી ટૂંકા ગાળાનો ફાયદો થાય છે પણ તેની કિંમત ખેડૂતો અને ગ્રાહકોએ ચૂકવવી પડે છે અને તેનાથી ખોરાક સલામતી જોખમાય છે.
આ ટેકનોલોજી સમસ્યાને મૂળમાંથી ઉકેલવાને બદલે તેનાં લક્ષણોને જ રોકવાનું કામ કરે છે. આજે થતી રસાયણ આધારિત સામાન્ય ખેતીમાં જમીન ધોવાણનો દર જમીન બનવાના દર કરતાં સો ગણો વધારે છે. એકપાકી ખેતી પારાવાર નુકસાન તરફ લઈ જાય છે. આવી ખેતી (આપણને ટકાવવા જરૂરી એવી) પૃથ્વીની ધારણ-ક્ષમતાને જોખમમાં મૂકે છે.
તમને આ પણ વાંચવું ગમશે
મહાત્મા ગાંધીએ વડાપ્રધાનને ફોન કર્યો!
વુહાનના ડૉક્ટરની વાત, ગાંધીના પ્રયત્નોની યાદ અપાવે છે…
આપણે કુદરત દ્વારા ચાલતી પ્રક્રિયાઓ અને સેવાઓમાં ખલેલ પહોંચાડી દરેકનું બજાર ઊભું કરી સમસ્યાઓને નોંતરીએ છીએ. કૃષિ, પર્યાવરણ અને ખેડૂતોની સમસ્યા મૂળમાંથી ઉકેલવા માટે ખેતરથી માંડીને ખોરાકની તરાહ સુધીના તમામ તબક્કે આમૂલ પરિવર્તનની જરૂર છે. એવી નીતિની જરૂર છે જે ખેત-સામગ્રીના ધંધાર્થીઓને નહીં, પણ ખેડૂતો અને ગ્રાહકોને ફાયદો કરાવે.
આપણે પર્યાવરણીય, સામાજિક અને આર્થિક પાસાંઓ સમેત સમગ્રતાનો ખ્યાલ રાખીને વૈવિધ્યપૂર્ણ અને પોષાય તેવા ઉકેલો શોધવા પડે. જો પૃથ્વીવાસી તરીકે આપણે ટકવું હોય તો સજીવ ખેતી, બાયો-ડાયનેમિક ખેતી, પર્માકલ્ચર, કુદરતી ખેતી જેવા અભિગમો જ એકમાત્ર રસ્તો છે. ‘વિશ્ર્વને વધુ ખોરાકની જરૂર છે’ તેવી પાયા વિનાની દલીલને એક કોરે મૂકીને હવામાનના બદલાવ અને કોવીડ-૧૯ પછીની સ્થિતિને પહોંચી વળવા એગ્રો-ઇકોલોજી આધારિત ખેતી માટેની નીતિ ઘડવાની જરૂર છે.
આપણી પાસે એવા તમામ વૈજ્ઞાનિક અને વ્યવહારુ પુરાવા મોજૂદ છે જેનાથી સાબિત કરી શકાય કે ખોરાક અને પોષણની સલામતી માટે સજીવ ખેતીનો અભિગમ સફળતાપૂર્વક કામ કરે છે. તેમણે યુએન દ્વારા અપાયેલ ૧૭ ચિરંજીવ વિકાસ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં સજીવ ખેતી દ્વારા કેવો ફાયદો થાય છે તેના તુલનાત્મક આંકડા પણ રજૂ કર્યા તથા બીટી કપાસના વિકલ્પે સજીવ ખેતીના કપાસના પર્યાવરણીય અને સામાજિક ફાયદાનો ખાસ ઉલ્લેખ કર્યો. અંતે તેમણે અનેક વિષયોને સાથે રાખીને સંશોધનો કરવા અને એકમેકને પૂરક એવી નીતિઓ ઘડવા ઉપર ભાર મૂક્યો.
વેબિનારનું સમાપન કરતાં સહ-આયોજક તરીકે કપિલ શાહે કહ્યું કે, આ સંદેશ માત્ર બીટી ટેકનોલોજી કે કપાસની ખેતી કે ભારત પૂરતો મર્યાદિત નથી; પણ વિશ્ર્વના અગ્રણી નિષ્ણાતો દ્વારા સમગ્ર વિશ્ર્વની ખેતી માટે છે અને તેને આધારે જ આવતી પેઢીને સારું જીવન આપી શકીશું.
અંતે કાર્યક્રમના સંચાલક અને ઈજઅના નિયામક ડો. રામાંજાનૈયૂલૂએ બીટી કપાસને કારણે વધેલા કૃષિ-રસાયણોના ઉપયોગથી સરકારની તિજોરી ઉપર, પર્યાવરણ પર અને સમાજે ચૂકવવી પડતી કિંમતનો ઉલ્લેખ કરી સૌનો આભાર માન્યો. કાર્યક્રમમાં વિશ્ર્વભરમાંથી ૬૭૩ વ્યક્તિઓએ ભાગ લીધો, જેમાં મોટાભાગના ભારતના હતા.
એમાં કર્મશીલો ઉપરાંત વિજ્ઞાનીઓ, નીતિ નિર્ધારકો અને કિસાન નેતાઓ પણ જોડાયા. આધારભૂત પુરાવાને આધારે બીટી કપાસની નિષ્ફળતા અને તે પાછળના વિજ્ઞાનની મર્યાદાનો પર્દાફાશ કરતો આ કાર્યક્રમ ભાગ લેનારાઓના ચિત્તમાં અમીટ છાપ મૂકીને પૂરો થયો.
– કપિલ શાહ