ભાઈ શ્રી હીરજી ભીંગરાડિયાએ પક્ષીઓ બાબતનો મારો રસ જાણી, ‘પાંખાળાં’ નામનું પુસ્તક મને મોકલ્યું; તેની સાથે પોતે ખેડૂત હોવાનું જણાવીને ખેતીને લગતાં પુસ્તકો મોકલાવેલાં. તેમાં એક પુસ્તક હતું, “ખેતી કરવી જ છે ? તો સાવ રેઢી રેઢી નહીં થાય ભૈ ! તે વાંચી ગઈ.
હીરજીભાઈ લોકભારતી-સણોસરાના વિદ્યાર્થી. વ્યવસાયે ખેડૂત છે. મળતી આરામદાયક નોકરી છોડીને ઘરના આ વ્યવસાયને સણોસરાએ આપેલ વિદ્યાભાથું અને સંસ્કારભાથું ગાંઠે બાંધીને પોતીકું બનાવ્યું. પત્ની ગોદાવરીબહેન પણ પતિનાં તમામ કાર્યોમાં ખભેખભો મિલાવીને કામ કરનારાં.
પ્રસ્તુત પુસ્તકમાંથી પસાર થતાં જણાયું કે, આ દંપતી એકબાજુ જૂના જમાનાની ખેતી પદ્ધતિ સાથે જોડાયેલાં રહીને, વૈજ્ઞાનિક અભિગમનો સમન્વય કરે છે. પરિણામે ‘ઉત્તમ ખેતી’ નીવડી. ચીન અને ઈઝરાયલની મુલાકાત પણ એમના ખેતીના પ્રયોગોમાં લાભકારક જ રહી.
પ્રસ્તુત પુસ્તક ખેતી કરનાર સૌ માટે દીવાદાંડી સમાન છે. ખેતી એ અપરંપાર મહેનત માંગી લેતો વ્યવસાય કેવી રીતે છે એનો એમાં પૂરેપૂરો ખ્યાલ અપાયો છે. ૧૦ પ્રકરણોમાં એમણે જણાવ્યું છે કે ખેતી રેઢી ન જ મુકાય. તમારી પોતાની રોજબરોજની દેખરેખ તથા ચાંપતી નજર જરૂરી છે. કારણ કે રેઢાં તો રાજ્યો ય વહ્યાં જાય છે. ખેતી તો કમ્પાઉન્ડ વોલ વિનાની. એની વેરવિખેર મિલકતને તાળાં તો દેવાય નહિ. સરહદનાં દબાણો તથા સીમચોરી ન થાય તે માટે ચાંપતી નજરની સાથે જીગર રાખી, આવેલ પરિસ્થિતિનો નિર્ભયતાથી સામનો કરવાનો હોય. તૈયાર થયેલ મોલને પશુ, પ્રાણીઓથી બચાવવા ખેતરે રાતવાસો કરવો પડે છે અને આ બધું ભાડૂતી માણસો દ્વારા ન જ થાય. માલિકની જ સતત નજર જોઈએ. ઉંમર થયે પંડ્યે જાતે ન કરી શકો પણ કરાવો તો તે તમારી સંપૂર્ણ દેખરેખ નીચે થવી ઘટે.
તમને આ પણ વાંચવું ગમશે
ખેતીમાં પૂર્વ આયોજન વિના સફળતા ન મળે. આ આયોજન કઈ બાબતે, કેવું હોવું જોઈએ એની પણ વાત કરી છે. આજના ખેડૂતોને આરોગ્યની તકલીફો શા માટે ઊભી થઈ છે, ભાગિયો રાખતાં, એની જ શરતો પ્રમાણે ખેતી કરવી પડે અને પાછળથી સવાલ ઊભો થાય કે કોણ માલિક ? પેલો ભાગિયો ? ખરેખર, આ પ્રકરણ તો ખૂબ સુંદર રીતે લખાયું છે.
આજના સમયે ખેડૂતોની દોટ સાચી છે પણ તેની દિશા ખોટી છે. ઝેરીલી દવાઓનો ઉપયોગ વધુ પડતો થતાં એનાં પશુ, પાકને સંરક્ષણ આપનાર પક્ષીઓ તથા પોતાના કુટુંબને પાયમાલ કરે છે. બી.ટી.ની જાતો ઉગાવવાથી તો મુખ્ય પાક સિવાય કોઈ છોડ ઊગે નહિ એટલે હીરજીભાઈ માપસરની દોટ કાઢવાનું કહે છે.
ગાડરિયા પ્રવાહમાં તણાઈ, નર્સરીના રાફડા ફાટ્યા, જેમાં એકે કમાણી કરી, તેમાં બીજા બધા લાગી પડ્યા અને પરિણામે માંગની અપેક્ષાએ પુરવઠો બજારમાં વધી પડે; કે પછી જેસીબી મશીન વસાવાથી એમાંથી ભાડાના પૈસા વધુ મળે જાણી, એના ય ઢગ થયા, કારણ કે પોતાને જરૂર ન હતી અને ભાડે ફેરવવા હતા. ત્યાં છત થઈ ગઈ ! જેઓને પોતા પૂરતી જરૂર હતી તે પોતે વાપરી, બાકીનો સમય ભાડે આપવા લાગ્યા. બીજાઓએ વેચવા પડ્યા. એવી જ રીતે પોતાના પ્રદેશની આબોહવા, જમીનનો અભ્યાસ કરી બીજા પ્રદેશની (કમાણી ભલે આપતી હોય) વનસ્પતિ વાવી શક્ાય. દા.ત. સાગ દુકાળિયા વિસ્તારમાં ન થાય.
બેનોની સહકાર મંડળીઓની પતિ-પત્નીની વાતચીત દ્વારા મિટિંગનો હેવાલ દર્શાવી એ પાસાની ય જાણકારી આપી છે. વળી, આવતે વર્ષે કેવો પાક લેવો તેનું આગોતરું આયોજન અને ગયા વર્ષની ભૂલો સમજી, તેમાં સુધાર લાવી એ ભૂલોને દૂર કરવાના શીખવાના પાઠ પણ ભણાવ્યા છે.
આમ, ખેતીના વ્યવસાય અને અમૂલા નજરાણા સમું આ પુસ્તક છે. વિશેષતા તો એમાં પ્રસંગો, સંવાદો, મુલાકાતો જેવી વિધવિધ તરાહોથી રજૂઆત એવી કરી છે કે ખેતી સાથે લાગેવળગે નહિ તેઓને પણ એ સરસ વાચનનો અનુભવ કરાવે અને એક નવા વિષયમાં રસ લેતા કરી દે. બિલકુલ શૈક્ષણિક માહિતી આપતું આ પુસ્તક ખેતીના વ્યવસાયીઓ માટે તો ઉપકારક જ બની રહે તેવું છે.
– રસીલા કડીઆ