લેખમાળાના પાંચમા ભાગમાં આપણે વિનોબાજીની પવનાર પ્રવૃત્તિના પ્રથમ ૧૨ વર્ષની, ૧૯૩૮થી ૧૯૫૦ની વાત શરૂ કરી હતી. હવે આપણે ૧૨ વર્ષના અંતિમ સમયમાંની વિનોબાજીની પ્રવૃત્તિ અંગે વાત કરીશું. આપણે આગળ નોંધ્યું છે કે વિનોબાજીએ વર્ષ ૧૯૪૬-૪૭માં છેલ્લી જેલયાત્રા પછી સમાધિવત્ અવસ્થામાં ‘જ્ઞાનદેવ ચિંતનિકા’ની રચના કરી હતી. ત્યારબાદ વિનોબાજી પવનારમાં રચનાત્મક કામો તથા અન્ય કામોમાં લાગેલા હતા.
બીજી બાજુ ગાંધીજી દિલ્હીમાં હતા. આઝાદી પહેલાં, દેશના ભાગલા પડી રહ્યા હતા તે અંગેની વાટાઘાટોમાં ગાંધીજી ગળાડૂબ પ્રવૃત્ત હતા. બ્રિટીશ સરકાર મુસ્લિમ લીગ, મહમદ અલી જીણા, કોંગ્રેસ કારોબારી સાથે મસલત કરીને વચગાળાની સરકારની દરખાસ્ત પર ચર્ચા કરવા ૧૪ વ્યક્તિઓને નિમંત્રિત કરવા માંગતી હતી. તેમાં કયાં નામો રાખવાં તે અંગે ખેંચતાણ ચાલતી હતી. કોંગ્રેસ કારોબારી કેટલીક બાંધછોડ કરીને વચગાળાની સરકારને સ્વીકારવા તૈયાર થઈ રહી હતી.
નિમંત્રિત યાદીમાં કોંગ્રેસના છ હિંદુ સભ્યો (જેમાં એક પછાત જાતીના હતા), પાંચ મુસ્લિમ લીગના, એક શીખ અને એક હિંદી ખ્રિસ્તી તેમજ એક પારસી હતા. ગાંધીજી માનતા હતા કે કોંગ્રેસ પોતાને રાષ્ટ્રીય સંસ્થા ગણે છે. ત્યારે કોઈ એક હિંદુનું નામ જતું કરીને કોઈ રાષ્ટ્રવાદી મુસલમાનનું નામ રાખવું જોઈએ. ગાંધીજી મૌલાના આઝાદનું નામ રાખવા ઇચ્છતા હતા. ગાંધી માનતા હતા કે જો કોંગ્રેસ આમ ન કરી શકે તો તે તેના માટે રાજકીય આપઘાત જ ગણાશે.
ગાંધીજીએ કારોબારી આગળ વિવિધ મુદ્દાઓ અંગે પાછું એમ પણ જણાવ્યું કે મારી વાત તમને ગળે ઊતરે તો જ તમારે તેને અનુસરવું.
પ્યારેલાલ કહે છે – હવે (કોંગ્રેસ) કારોબારીને નિર્ણયની પળે બાપુનો કશો ખપ ન હતો.
દિલ્હીમાં ગાંધીજી અને કોંગ્રેસ કારોબારી વચ્ચે મતભેદ પડ્યાની અફવાઓ જોરશોરથી વહેતી થઈ હતી. જોકે, ગાંધીજીએ મતભેદના સંદર્ભમાં કોંગ્રેસ કારોબારીનો જોરદાર બચાવ કર્યો હતો. ગાંધીજીએ લોકોને કહ્યું, “પ્રજાએ કારોબારી સમિતિની દોરવણીને અનુસરવું જોઈએ.
આ બાજુ પવનારમાં વિનોબાજી, દેશના ભાગલા થઈ રહ્યા છે તે વાતથી દુ:ખી થઈ રહ્યા હતા. આમ તો જાહેરમાં આ અંગે તેઓ કંઈ બોલતા ન હતા પરંતુ ગોપુરીમાં રચનાત્મક કામ કરનારા કેટલાક સેવકો વચ્ચે વાત કરતાં કહ્યું કે ભાગલા એ હિમાલય જેટલી ભૂલ સાબિત થશે. તેમજ તેમને જે સમાચાર કે માહિતી મળતી હશે તેના આધારે તેમજ તેમને જે કંઈ લાગતું હશે તે પ્રમાણે ગાંધીજી કોંગ્રેસ વર્કિંગ કમિટીને ગર્ભિત રીતે સીધી કે આડકતરી રીતે ટેકો આપતા હતા તે માટે પણ તેમણે પોતાનો અણગમો કાર્યકરો સમક્ષ વ્યક્ત કર્યો હતો. આ સેવકોના સંમેલનમાં શ્રીમન્ન નારાયણ પણ હતા.
દિલ્હીમાં પ્રત્યેક પળે ગાંધીજી પર શું વીતતું હતું તેનો વિનોબાજીને પૂરો ખ્યાલ પણ કેવી રીતે આવે ? ગાંધીની લાચારી જો તેઓ દિલ્હીમાં હોત તો જ ખ્યાલ આવત.
શ્રીમન્ન નારાયણ ૧૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દિલ્હીમાં ગાંધીજીને બિરલા હાઉસમાં મળે છે. વિનોબાએ ગોપુરીમાં કાર્યકરો સમક્ષ જે કંઈ કહ્યું તેની વિગતો ગાંધી સુધી પહોંચી ગઈ હતી. ગાંધીજીએ શ્રીમન્ન નારાયણને પૂછીને તે વાતની ખરાઈ કરી લીધી. ગાંધીજીએ વેદનાભર્યા સ્વરોમાં કહ્યું – વિનોબાએ દિલ્હી આવીને વ્યક્તિગત રીતે મારી સાથે આ અંગેની ચર્ચા કરવી જોઈતી હતી. ગાંધીજીએ આગળ કહ્યું, ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં રચનાત્મક કાર્યકરોનું એક વિશાળ સંમેલન ભરાવાનું છે. તેમાં હું જઈશ ત્યારે હું “વર્તમાન સ્થિતિને જોતાં આપણે ભાવિમાં કેવાં પગલાં ભરવા તેની વાત કરીશ, ઉપરાંત વિનોબાજીને પણ મળીશ.
ગાંધીજીએ આ સંમેલનમાં રજૂ કરવા અંગેની નોંધ તા. ૨૯-૧-૪૮ને રોજ લખી રાખી હતી. પ્યારેલાલે આ નોંધને “છેલ્લું વસિયત નામું કહ્યું છે. જે તેમના ‘મહાત્મા ગાંધી પૂર્ણાહુતિ’ પુસ્તક ચારમાં પાન નં. ૫૧૮-૫૧૯ પર મૂકી છે.
ગાંધી : કોઈ માણસ મને મારવા કેમ ઇચ્છે છે ?
વચગાળાની સરકાર અંગેની ચર્ચા કરવા જે બ્રિટીશ પ્રતિનિધિ-મંડળ આવ્યું હતું તે મંત્રણાઓ મોકૂફ રાખીને ઇંગ્લેન્ડ પાછું જાય છે અને ગાંધી ૨૮ જૂન, ૧૯૪૬ના રોજ દિલ્હીથી પૂના જવા નીકળે છે. પરંતુ કરજત સ્ટેશન પાસે મોટા પથરા મૂકીને અકસ્માત સર્જવાનો કોઈએ પ્રયત્ન કર્યો હતો. એન્જિનને નુકસાન થતાં ૨ કલાક સમારકામ કરવામાં આવ્યું. ગાંધીએ હથોડાના અવાજો વચ્ચે ઘસઘસાટ ઊંઘ લઈ લીધી હતી.
ગાંધીજી કહે છે- મારા જીવનનો આ સાતમો પ્રસંગ હતો જ્યારે મૉતના મોંમાંથી બચી ગયો હોઉં. એન્જિન ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે આખી ગાડી ઊથલી ન પડી.
ગાંધીને ખતમ કરવા થોડા થોડા સમયે આવા પ્રયત્નો થતા જ રહ્યા હતા. તેમાં ઉપર જણાવ્યા સિવાય ભારતમાં થયેલ બીજા કેટલાક પ્રયત્નની વિગતો નીચે મુજબ છે :
- ૧૯૩૪માં પૂનાની મ્યુનિસિપાલિટીએ ગાંધીજીને સન્માનવા યોજેલા સમારંભમાં ગાંધીજી જતા હતા ત્યારે એમની કાર પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. ગાંધી બીજી કારમાં હતા તેથી બચી ગયા પણ એ હુમલામાં સાત જણાને ગંભીર ઈજા થઈ હતી.
- વર્ષ ૧૯૪૪માં ગાંધીજી માંદગી પછી વિશ્રામ કરવા પંચગની ગયા હતા ત્યારે ખાસ પૂનાથી એક ટોળું આવ્યું હતું. તેમાંથી એક જણ છરો લઈને ગાંધીજીના આવાસ તરફ જઈ રહ્યો હતો. પણ લોકોએ તેને પકડી લીધો હતો. આ વ્યક્તિનું નામ નાથુરામ ગોડસે હતું.
- સપ્ટેમ્બર ૧૯૪૪માં ગાંધીજી વર્ધાથી મુંબઈ, ઝીણાને મળવા જવાના હતા તેમને રોકવા માટે એક ટોળકી ખાસ પૂનાથી વર્ધા આવી હતી. પ્યારેલાલે પોલીસમાં જાણ કરતાં આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. થત્તે નામના એક માણસ પાસેથી પ્રાણઘાતક છરો મળી આવ્યો હતો.
- ૨૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ દિલ્હીમાં બિરલા ભવન પાસે બોમ્બ ફોડવામાં આવ્યો હતો. આયોજન એવું હતું કે, પહેલાં બોમ્બ ફોડી વાતાવરણમાં આતંક ફેલાવી ગાંધી પર પ્રાર્થના સભાના સ્થળે બીજો બોમ્બ ફોડી હત્યા કરવામાં આવે. પણ તેમ થઈ શક્યું નહીં.
- ૩૦ જાન્યુઆરીને દિવસે સાંજે ગાંધીજીને મળવા સરદાર પટેલ આવ્યા હતા. આ કારણે વાતોવાતોમાં પાંચ વાગ્યે થતી પ્રાર્થનામાં ગાંધીજી ૧૦ મિનિટ મોડા પડ્યા હતા. આભા અને મનુના સહારે ગાંધીજી પ્રાર્થના-ભૂમિ તરફ જઈ રહ્યા હતા. જનમેદનીના અભિવાદનનો જવાબ આપવા ગાંધીજીએ આભા અને મનુના ખભા ઉપરથી હાથ ઉપાડી લીધા ત્યાં જ જમણી બાજુએથી લોકોને હડસેલીને માર્ગ કરતું કો’ક સામે આવ્યું. મનુએ તેનો હાથ પકડીને બાજુ પર કરવા પ્રયત્ન કર્યો પણ તેણે તો પ્રણામ કરતો હોય તેમ બે હાથ જોડીને વાંકા વળી સાત બોરની ઓટોમેટિક પિસ્તોલમાંથી છેક નજીકમાંથી એક પછી એક ત્રણ ગોળી છોડી.
ગાંધીજી ‘રામ ! રામ !’ બોલતા ઢળી પડ્યા. આમ ગાંધીને ગોળીથી ઠાર કરવામાં આવ્યા હતા. ડૉ. ભાર્ગવે તપાસીને ગાંધીને અવસાન પામેલા જાહેર કર્યા.
વિનોબા : “બાપુ પરનો પ્રહાર હું મારા પર લઈ શક્યો હોત”
ગાંધીજીની હત્યાના સમાચાર વિનોબાજીને પવનારમાં હત્યાના સમય પછી બે કલાકે મળ્યા. વિનોબાજી કહે છે, બે-ત્રણ દિવસ તો મારું ચિત્ત શાંત રહ્યું, પણ પછી ચિત્ત વ્યાકુળ બનવા લાગ્યું.
સેવાગ્રામ આશ્રમની પ્રાર્થના ભૂમિ પર પ્રવચન દરમ્યાન તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. વિનોબાજીને દુ:ખ એ વાતનું હતું, “મારા ભાઈઓની આ હત્યાકારી મનોવૃત્તિને હું રોકી ન શક્યો.
વિનોબાજી કહે છે-
‘મને એમ થાય છે કે થોડાં વરસો વહેલો બહાર નીકળ્યો હોત તો બાપુની જિંદગી જે આગમાં હોમાઈ, તે આગને હોલવવાનું ભલે કદાચ ન બન્યું હોત, પણ બાપુ પહેલાં જાતે હોમાઈ જવાનો સંતોષ તો મને મળ્યો હોત. બાપુ ઉપર ગોળીબાર થયા પછી મને એવો ભાસ રહ્યો કે હું પાંચ-દસ વરસ પહેલાં આગળ આવ્યો હોત, તો સંભવ છે કે કંઈ પણ મદદ થાત. કંઈ નહીં તો ૧૯૪૫માં જેલમાંથી છૂટ્યા પછી જો હું બાપુ પાસે વ્યાપક કામમાં આવી ગયો હોત, તો મને એમ લાગે છે કે બાપુ ઉપરનો પ્રહાર હું મારા ઉપર લઈ શક્યો હોત. મારા આવ્યાનું પરિણામ થાત કે નહીં તે તો ભગવાન જાણે, પણ મેં મારું કર્તવ્ય બજાવ્યું હોત.
ગાંધીજીના અંતિમ દિવસોમાં વિનોબા સાથે હોત તો…
પ્યારેલાલજી ગાંધીજીના છેલ્લા દિવસો અંગે લખે છે – ૧૯૪૭ના ડિસેમ્બરમાં ગાંધીજી અતિશય વિષાદગ્રસ્ત હતા. સરકારમાં સત્તા અને પ્રતિષ્ઠાનાં સ્થાનો ધરાવનારા તેમના લગભગ બધા જ સાથીઓથી તેઓ અળગા પડી ગયા હતા. ગાંધીજી કહેતા, મારા અંતરમાં શાંતિ નથી. ૧૨૫ વરસ જીવવાની ઇચ્છા મેં તજી દીધી છે. ભાગલા પછી આજુબાજુ સર્જાયેલી નિષ્ઠુરતા, પાશવતા તથા માનવ-આત્માની અધોગતિ પોતાની આસપાસ નિહાળીને ગાંધીજીનું દિલ વલોવાઈ જતું હતું અને તેમનું કાળજું કપાઈ જતું હતું. તેમને એમ લાગતું હતું, કે સૌ પોતપોતાની બાબતોમાં મશગૂલ છે, તેમાં તેમનો અવાજ અરણ્યરુદન સમો હતો.
ગાંધીજી બાહ્ય વસ્તુ સ્થિતિનું કારણ પોતાના અંતરમાં ખોળતા હતા. તેમને લાગતું હતું કે – “સત્ય અને અહિંસાની મારી કલ્પનામાં અને મારા પોતાના પાલનમાં ક્યાંક દોષ રહેલો હોવો જોઈએ, અને આ એનું પરિણામ છે. દુર્બળની અહિંસા – એ સર્વથા અહિંસા નથી જ – ભૂલથી હું સાચી અહિંસા માની બેઠો, કદાચ ઈશ્ર્વરે હેતુપૂર્વક મને અંધ બનાવ્યો હશે. હું જોઈ ન શક્યો. તેની અપાર દયા માટે ઈશ્ર્વરનો પાડ માનો કે, અંત પહેલાં તેણે મને જગાડ્યો અને વેળાસર હું મારી ભૂલ જોઈ શક્યો, હવે મારી તેને એક જ પ્રાર્થના છે કે વખત આવે ત્યારે બહાદુરીથી મૉતને ભેટવાનું બળ મને આપે.
કૉંગ્રેસ પ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સાથેની વાતચીતમાં ગાંધીજીએ કહ્યું – “કૉંગ્રેસની ઈમારતમાંથી એક પછી એક ઈંટ ઢીલી પડતી અને બહાર નીકળી જતી જાય છે. કૉંગ્રેસ નિસ્તેજ બની ગઈ છે. ગાંધીજી ક્યારેક અકળાઈને ચીડાઈ પણ જતા હતા. ક્યારેક અકળાઈને બોલી ઊઠતા- “તમે જોતા નથી, હું મારી ચિતા પર બેઠો છું ?
તમને આ પણ વાંચવું ગમશે
વિનોબા – જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૨)
વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-11)
વિનોબા વિદ્યાર્થીઓને શું કહે છે?
ક્યારેક તેમને લાગતું, “મારા સાથીઓ પર તથા દેશ પર હું બોજારૂપ તો નથી થઈ પડ્યો ને ? તેમને લાગતું, “જે હિંદને હવે અહિંસાનો કશો ખપ ન હોય તેને મારો પણ કશો ખપ ન હોય.
તેમને લાગતું હતું, રાષ્ટ્રના નેતાઓના મનમાં એમ પણ હોય કે – “આ ડોસો હવે આપણને કશા ખપનો નથી, તે આપણો કેડો શાને છોડતો નથી ! આવું એક દિવસ મને કહેશે તો પણ મને આશ્ર્ચર્ય નહીં થાય. વિનોબાજી ગાંધીના આ કપરા કાળમાં જો ગાંધીની પાસે-સાથે હોત તો કદાચ તેમની વ્યથાને સમજનાર કોઈક તો સાથે છે તેમ તેમને લાગત.
ગાંધીજીના જીવનના અંતિમ તબક્કાને સમજવા માટે પ્યારેલાલે લખેલ ‘મહાત્મા ગાંધી – પૂર્ણાહુતિ – પુસ્તક ચોથું’ અને નારાયણ દેસાઈનું પુસ્તક ‘મારું જીવન એ જ મારી વાણી – ચતુર્થ ખંડ’ તેમજ તેમનું બીજું પુસ્તક ‘જિગરના ચીરા – હિંદના ભાગલા અને ગાંધીજી’ (યજ્ઞ પ્રકાશન) ઉપરાંત જેમ્સ ડગ્લાસનું ‘ગાંધી અને અનસ્પીકેબલ – સત્યનો અંતિમ પ્રયોગ’ પુસ્તક (યજ્ઞ પ્રકાશન) વાંચવાં જરૂરી છે.
ગાંધીજીના શ્રાદ્ધના તેર દિવસ અને વિનોબાજી
વિનોબાજીએ ગાંધીજીના નિર્વાણ પછીના તેર દિવસો દરમ્યાન કુલ ૧૭ ભાષણો પવનાર, ગોપુરી, નાલવાડી, વર્ધા અને ધામ નદી પર આપ્યાં હતાં. મૂળમાં આ ભાષણો મરાઠીમાં તેમજ હિંદીમાં આપ્યાં હતાં. આ પ્રવચનો ગુજરાતીમાં નવજીવને પ્રથમ ૧૯૪૮માં છાપ્યાં હતાં. આ પ્રવચનો પ્રાર્થનાસભામાં કે શોકસભામાં અસ્થિ વિસર્જન સમયે આપ્યાં હતાં. તેમાંના મહત્ત્વના અંશો પર નજર નાંખીશું.
૩૧-૧-૪૮ના રોજ ગાંધીહત્યાના બીજા દિવસે દિલ્હીમાં જ્યારે ગાંધીજીના દેહના અગ્નિસંસ્કાર થતા હતા ત્યારે વિનોબાજીએ કેટલીક વાતો કરી હતી.
ગાંધીજીની હત્યા અને ૫૦૦૦ વર્ષ પહેલાં કૃષ્ણની શિકારી દ્વારા બાણ મારીને થયેલી હત્યાની વાત કરતા તેઓ કહે છે, શિકારીએ અજ્ઞાનમાં હરણ સમજીને બાણ માર્યું હતું પરંતુ ગાંધીને તો જુવાને જાણી જોઈને ખતમ કરવા ગોળી મારી હતી. જુવાન માનતો હતો કે ગાંધી હિંદુ ધર્મને નુકસાન કરે છે. પરંતુ હકીકત એ છે કે હિંદુ ધર્મનું નામ જો કોઈએ ઊજળું રાખ્યું હોય તો તે ગાંધીજીએ જ રાખ્યું છે. ગાંધીજીએ પોતાના રક્ષણ માટે ક્યારેય અંગરક્ષક રાખ્યા ન હતા. નિર્ભયતા તેમનું વ્રત હતું. તેમને જે સત્ય લાગે તે કહેવું એ જ એમનો ધર્મ હતો.
ગાંધીજીએ દેશમાં ચાલતાં કોમી રમખાણોને ખાળવા ઉપવાસ કર્યા હતા. ઉપવાસ છોડાવવા માટે કૉંગ્રેસ, મુસલમાન, શીખ, હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘવાળા વગેરે બધાએ શાંતિ સ્થાપવાનું વચન આપ્યું હતું. સૌએ પ્રેમથી રહેવાનો કૉલ આપ્યો હતો.
વિનોબાજીએ કહ્યું, આપણે હવે શોક કરતા બેસી નથી રહેવાનું. ગાંધીજીએ કહેલાં કામો પૂરાં કરવા લાગીએ. આજ સુધી આપણે નાદાન-પણામાં કોઈ વખત પરસ્પર લડ્યા હઈશું પણ ગાંધીજી આપણને બધાને સાચવી લેતા હતા. એટલે ચાલો, આપણે બધા એકબીજાને રસ્તો બતાવતા રહીએ, અને એકબીજાને પ્રેમ કરતા રહી આગળ વધીએ.
તા. ૧-૨-૪૮ના રોજ વિનોબાજીએ કહ્યું, મને એવું અભિમાન હતું કે હિંદુ ધર્મમાં કદી સત્પુરુષની હત્યા થઈ નથી. પણ આ અભિમાન ગાંધીજીની હત્યા થતાં ધૂળમાં મળી ગયું. હત્યા તેઓ પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે થઈ. વળી પાછા એવા ખ્યાલથી કે આનાથી હિંદુ ધર્મની રક્ષા થશે. આ ત્રણ બાબતોનો વિચાર કરતાં મને ખૂબ જ શરમ આવે છે.
ગાંધીજી કહેતા હતા, “હું કોઈ રૂપાળી જગાએ ન હોઉં એમ બને પણ જ્યાં પ્રાર્થના થાય છે ત્યાં અચૂક હોવાનો જ. વિનોબાજી કહે છે, મારા કાનમાં એમની આ વાત હજી ગુંજે છે. (ભારતના લોકોમાં સામાન્ય ભાવ એવો રહે છે કે જ્યાં રામાયણ વંચાય ત્યાં હનુમાનજી હાજર હોય, તે માટે એક ખાલી આસન પણ પાથરવામાં આવે છે.)
પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ રહેલી છે. આપણે સામુદાયિક પ્રાર્થના કરવાનું ન ભૂલીએ. આનાથી મનનો મેલ ધોવાઈ જાય છે. પ્રાર્થના સાથે ગાંધીજીનું સ્મરણ પણ આપણા મનમાં રહેશે.
તા. ૨-૨-૪૮ના રોજના પ્રવચનમાં ગાંધીજીની હત્યા પછી સરદાર પટેલે રેડિયો પ્રવચનમાં પ્રજાજોગ કહેલી વાતોનો ઉલ્લેખ કરીને કહ્યું, બનેલી ઘટના આપણા મનમાં ગુસ્સો લાવે તેવી છે. પણ આપણે ગુસ્સો રોકવો પડશે. આવડા મોટા દેશમાં હિંસાને માન્યતા મળશે તો સ્વરાજ કદી ટકી નહીં શકે. આ કૃત્ય પાછળ હિંસક વિચારસરણી રહેલી છે.
વિનોબાજી કહે છે, આ કોઈ એક માણસનું કામ નથી. આની પાછળ એક આખી ટોળકી છે. આપણે સુખડ જેવા બનવાનું છે. કુહાડી સુખડને કાપે છે પણ સુખડ સુગંધ જ આપે છે. આપણે અહિંસા અને સત્ય પ્રત્યેની નિષ્ઠા વધારવાની છે, પ્રેમભાવ વધારવાની જરૂર છે.
તા. ૩-૨-૪૮ના રોજ વર્ધા ગામના નાગરિકો સમક્ષ વાત કરતાં વિનોબાજીએ કહ્યું, તમારો અને મારો પચ્ચીસ વર્ષનો સંબંધ છે. ગાંધીજી આપણા ગામમાં પંદર વર્ષ રહ્યા છે. આ પ્રદેશમાં ગાંધીજીના ઉપદેશનું પરિણામ ખસૂસ દેખાવું જોઈએ. આ વાત સમજીને આપણે આપણું જીવન સુધારવું જોઈએ.
આપણો દેશ અનેક જાતિ, ધર્મ, ભાષા વગેરેના ભેદોવાળો છે. પણ આપણે સૌ સાથે સગાં ભાઈ-બહેનોની જેમ વર્તવાનું છે. બધા ભેદભાવ ભૂલીને, સંપીને પ્રેમપૂર્વક કેમ રહેવું તે બતાવનાર ગાંધીજી જેવા મહાપુરુષ આપણને મળ્યા હતા. આવો આદર્શ બતાવનાર હજાર વર્ષે એકાદ મળે છે. આપણે વાડાબંધી છોડવાની છે. બે ભાગમાં વહેંચાયેલા હિંદના વધુ ભાગલા આપણે હવે પડવા દેવાના નથી.
તા. ૪-૨-૪૮ના રોજ વિનોબાજીએ ગાંધીની વિચારસરણીમાં ખાદીના સ્થાન અંગે વાત કરી હતી. બાપુના ગયા પછી ખાદી જ આપણા માટે મૂર્તિ છે. અહીં મૂર્તિ શબ્દનો ખોટો અર્થ કરવામાં ન આવે તેમ વિનોબાજી ચેતવે છે. ગ્રામ સેવા મંડળમાં મજૂરો તેમજ કાર્યકર્તાના પરિવારમાં ખાદી પહોંચી નથી. કપડાં પહેરનાર સૌ કોઈ કાંતે અને સૂતર વણકર પાસે વણાવે. મહિલાશ્રમની બહેનો ખાદીમાં સ્વાવલંબી બને. આપણે સમયના અભાવનું બહાનું આગળ ન કરીએ. ગાંધીજી અનેક કામેામાં રોકાયેલા રહેતા છતાં કાંતવાનો સમય ફાજલ પાડતા હતા.
તા. ૫-૨-૪૮ના રોજ વિનોબાજીએ વિશ્ર્વભરમાંથી મહાપુરુષોએ ગાંધી હત્યા અંગે જે શ્રદ્ધાંજલિ પાઠવી હતી તે વિષે વાત કરી હતી. વિશ્ર્વયુદ્ધ વખતના એક મોટા સેનાપતિ મૅક્ આર્થરે કહ્યું કે, ગાંધીજીના વિચારોનો આશ્રય લીધા વિના આપણો છૂટકો નથી. આમ છતાં મોટા મોટા વિચારકો કહે છે કે, આખરે તો સૌએ અહિંસાનો જ આશરો લેવો પડશે પણ હમણાં હિંસા વિના નહીં ચાલે. પરંતુ આપણે સમજવું જોઈએ કે અહિંસા આખરનો ધર્મ નથી. અત્યારનો છે.
આજનો પ્રશ્ર્ન અહિંસા અને હિંસા વચ્ચે પસંદગી કરવાનો નથી. પરંતુ હિંસા અને વિજ્ઞાન વચ્ચે પસંદગી કરવાનો છે. વિજ્ઞાન અને હિંસા સાથે નહીં ચાલે. બંને મળે તો આપણો કોળીયો કરી નાંખે. વિજ્ઞાનની મદદથી પૃથ્વી પર સ્વર્ગ ઉતારી શકાય. પરંતુ વિજ્ઞાન અને હિંસાની જોડી આખી માનવજાતને ભરખી જશે. માટે આપણે હિંસાની વિરુદ્ધ બળવો ઉઠાવવો જોઈએ. કેળવણીકારો, સમાજશાસ્ત્રીઓએ આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે.
તા. ૬-૨-૪૮ના પ્રવચનમાં વિનોબાજીએ નામ-સ્મરણના મહિમા અંગે વાત કરી હતી. રામે જે પતિતોને તાર્યા તેમની સંખ્યા આપણે ગણી શકીએ પણ તેના નામે જેટલા તર્યા અને હવે પછી તરશે તેની સંખ્યા ગણાય એવી નથી. આખરે માણસને વિચારથી અને વિચારસૂચક નામથી જેટલી શાંતિ મળે છે તેટલી બીજી કોઈ વસ્તુથી મળતી નથી. એટલા માટે જ નામ-સ્મરણનો મહિમા ગવાયો છે.
સંતો પોતાના જીવનકાળમાં જેટલા સમર્થ હોય છે તેના કરતાં પોતાનું જીવન પૂરું કર્યા પછી કેટલાયે વધારે સમર્થ બને છે. કારણ કે તેમનું સ્થૂળ રૂપ નાશ પામે છે, તેની સાથે તેમની ઊણપો પણ નાશ પામે છે. પછી સંપૂર્ણ, શુદ્ધ દિવ્ય અંશ જ બાકી રહે છે.
બાપુ જીવતા હતા ત્યારે તેમના વિચારો પર આપણને શ્રદ્ધા હતી તે તેમની હત્યા થવાથી ઓછી થવાની નથી. ઊલટું, આપણી શ્રદ્ધામાં જે ખામી હતી, અને દિલચોરી હતી તે નીકળી જશે.
તા. ૭ અને ૮ ફેબ્રુ્રઆરી ૧૯૪૮ના બંને દિવસનાં પ્રવચનોમાં વિનોબાજીએ ગાંધીજીનાં સ્મારકો બનાવવા અંગેની લોકોની લાગણી અંગે વાત કરી હતી.
આ અંગે વિનોબાજી ઉપર પત્રો આવતા હતા, જેમાં એવી દરખાસ્તો મૂકવામાં આવી હતી કે દરેક ગામમાં ગાંધીજીનું મંદિર બનાવવામાં આવે, જેમાં ગાંધીજી અને કસ્તૂરબાની મૂર્તિ બેસાડવામાં આવે. લોકો ગાંધીજીનાં સ્થાનિક તેમજ રાષ્ટ્રિય સ્મારકો રચવા અંગે વિચારવા લાગ્યા હતા. હિંદુસ્તાનમાં એવા લોકો પણ છે જે તેમના ગુરુને અવતાર માને છે. વિનોબાજી કહે છે, ગાંધીજી પ્રત્યે એવી મૂઢ ભક્તિ આપણે ન રાખીએ. તેઓ એક માનવ હતા અને માનવ જ રહેવા જોઈએ. તેમને દેવ બનાવી દેવાથી આપણે માનવતાનો એક આદર્શ ગુમાવી બેસીશું. ભક્તિભાવ માટે આપણી પાસે જોઈએ તેટલી સામગ્રી છે, આ માટે હવે નવા દેવની જરૂર નથી.
૮ તારીખના બીજા પ્રવચનમાં વિનોબાજીએ કહ્યું કે, જગતમાં એક મહાપુરુષની પાછળ બીજા મહાપુરુષ જન્મ લેતા રહ્યા છે. દરેક નવા મહાપુરુષ આગળના મહાપુરુષથી આગળ વધી જતા હોય છે. બધા સંતો આપણને મહત્ત્વના ૩ ઉપદેશ આપી ગયા છે.
- તમારા પડોશી પર પ્રેમ રાખો.
- જે પોતાને તમારો શત્રુ કહેવડાવતો હોય તેના પર પ્રેમ રાખો.
- સજ્જનો પર, ભક્તો પર પ્રેમ રાખો.
આપણે લોકોના ગુણદોષ જોતા રહીશું તો સર્વત્ર પરમાત્માનું દર્શન નહીં થઈ શકે. જે ક્ષણે આપણા મનમાં વિકાર ઊઠે તે ક્ષણ ફોગટ ગઈ એમ જાણવું. બાપુ આપણને સવારથી સાંજ સુધી શાં શાં કામ કર્યાં તેની રોજનીશી રાખવાનું કહેતા હતા. દિવસ દરમ્યાન આપણામાં કેટલો સમય ભગવદ્ ભાવના રહી તેની નોંધ રાખીશું.
તમને આ પણ વાંચવું ગમશે
તા. ૯-૨-૪૮ના રોજ વિનોબાજીએ પ્રવચનમાં જણાવ્યું કે, આપણા દેશમાં પ્રાચીન-કાળથી અનેક પંથો અને વિચારોનો સમન્વય થતો આવ્યો છે. આ સમન્વય સાધવાનો પ્રયાસ કબીર, નાનક વગેરે સંતોએ કર્યો છે. દેશમાં રાજકીય કારણોસર હિંદુ અને મુસલમાનોમાં ભેદ પેદા કરી તેને વધારવામાં આવ્યો છે. ગાંધીજીએ એ માટે તો ‘ઈશ્ર્વર અલ્લા તેરે નામ’ની ધૂન ચલાવી છે. આના કારણે તો એમના દેહનો ભોગ લેવામાં આવ્યો.
વિનોબાજી તેમણે કરેલા કુરાનના અભ્યાસની વાત કરે છે. તેમની આંખો પહેલેથી ખરાબ હતી. વધુ વાંચનથી વધારે બગડી પણ તેમણે કહ્યું, મને તેનાથી માનસિક લાભ થયો છે.
વિનોબાજી આગળ કહે છે, બધા ધર્મોમાં એકતા છે, કારણ માનવ-હૃદય એક છે. ધર્મો સ્થાપનારા મોટા દિલના હોય છે. ઇસ્લામ અત્યંત સહિષ્ણુ ધર્મ છે. કુરાન ખુદ જાહેર કરે છે તેમ સત્યના પ્રચારમાં કદી જબરદસ્તી ન થાય. એક વિદ્વાન અને સદ્ભાવનાવાળા ભાઈએ વિનોબાજીને લખ્યું, “આપ કુરાનનો અભ્યાસ કરો છો તો શું કુરાનમાં પણ અહિંસા વગેરે વાતો મળે છે ? આમ ઘણાના મનમાં એવું થાય છે કે, આવી વાતો કુરાનમાં હોય તો નવાઈ કહેવાય !
વિનોબાજી કહે છે, દુનિયામાં ‘દીન’ એટલે કે ધર્મ એક જ છે, કેવળ ‘મજહબ’ એટલે કે પંથ જુદા જુદા છે. સત્યને રસ્તે ચાલવું તે ‘દીન’ અથવા ધર્મ છે, સત્ય તરફ જવાનો પંથ તે ‘મજહબ’ છે; તેમજ તે (પંથ) અનેક છે અને જુદા જુદા હોય છે. વિનોબાજી કુરાનની એક આયત બોલે છે પછી તેનો અર્થ સમજાવે છે, જેમાં પયગંબર સાહેબ કહે છે –
અસ્ત પામતા સૂર્યને સાક્ષી રાખી હું આ પ્રતિ વાક્ય બોલું છું કે જેમ આ આફતાબ અસ્ત પામવાની તૈયારીમાં છે તેમ મનુષ્યની જિંદગી પણ ક્ષણિક છે. જે પોતાની જિંદગી શાશ્ર્વત માનીને બેઠા છે તે ગફલતમાં છે. માત્ર જેઓ ઈશ્ર્વર પર ભરોસો રાખે છે, સત્કર્મો કરે છે અને એકબીજાને સત્યને રસ્તે ચાલવાનો તેમજ શાંતિનો બોધ આપે છે તે જ ગફલતમાં નથી.
વિનોબાજી આગળ કહે છે, કુરાનમાં જ્યાં જ્યાં ઈશ્ર્વર પર ભરોસો રાખવાની વાત આવે છે ત્યાં ત્યાં તેની સાથે સત્કર્મો કરવાની વાત જોડવામાં આવી છે. હક અને સબ્ર એટલે કે સત્ય અને શાંતિ એ જ ટૂંકમાં ઇસ્લામ છે.
‘ઈશ્વર અલ્લા તેરે નામ’ એ નાનો સરખો મંત્ર – સમન્વયનો મંત્ર છે. એનો આધાર લઈને સત્ય અને અહિંસા અથવા પ્રેમની નિષ્ઠા કેળવીને ગાંધીજીના બલિદાનથી એક નવા યુગનાં મંડાણ થઈ શકે છે.
વિનોબાજીએ ૯ તારીખના બીજા ભાષણમાં ગાંધીજીએ દર્શાવેલાં ૧૧ વ્રતોની વાત કરી. આ વ્રતો હવે આપણા માર્ગદર્શક, ચોકીદારો સમાન છે. આપણે બધી જગ્યાએ પરમેશ્ર્વરને જોવાનો પ્રયત્ન કરીશું તો સત્ય સ્વયં સિદ્ધ થઈ જશે. બધે જ પરમેશ્ર્વર છે તો હિંસા કોની કરવાની? આપણું ચિત્ત શાંત રાખવું જોઈએ. કઠોર વચન બોલવાં ન જોઈએ. ખોટું ન બોલીએ તેમજ ખોટો વિચાર પણ ન આવવો જોઈએ. આપણી ભૂલ આપણને પહાડ જેવી લાગવી જોઈએ. જ્યાં વાદવિવાદ ચાલતો હોય, ઘર્ષણ થતું હોય ત્યાં સ્નેહનું ઊંજણ કરીએ.
બ્રહ્મચર્ય વ્રત પાળીએ. હનુમાન જેવા નમ્ર બની સેવાભાવી બનીએ. શરીરશ્રમ કરીએ. દરેક જણ માટે નેતા બનવું શક્ય નથી પણ દરેક જણ સ્થિતપ્રજ્ઞ બની શકે છે. રોજ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોનો પાઠ કરીએ.
તા. ૧૦-૨-૪૮ના રોજ પણ બે પ્રવચનો થયાં, જેમાં વિનોબાજીએ અહિંસા અને કર્મયોગનિષ્ઠાની વાત કરી. હત્યા પછી બાપુ વિષેના શોક- સંદેશા દુનિયાના ખૂણેખૂણેથી આવ્યા. હિંસાના આધાર પર ટકતી સરકારોના સંદેશા પણ આવ્યા. બધાને જ બાપુના વિચારો જરૂરી લાગે છે. આનો અર્થ એમ થાય કે દુનિયાના વિચારકો હિંસાથી ત્રાસી ગયા છે. બીજી બાજુ હિંદુસ્તાનના લોકોને બાપુના વિચારોનું મૂલ્ય હજુ સમજાયું નથી.
દોઢસો વરસ સુધી પ્રજાને બળજબરીથી નિ:શસ્ત્ર રાખવામાં આવી હતી. કદાચ એને લીધે જ શસ્ત્રાસ્ત્રો પરનો આપણો વિશ્ર્વાસ વધી ગયો હશે. જે ચીજ આપણી પાસે ન હોય તેનું મહત્ત્વ આપણા મનમાં વધી જાય છે.
એવો પણ સંભવ છે કે સામુદાયિક અહિંસાના વિચાર પર શ્રદ્ધા બેસે, તે માટે જે મનોબળ જોઈએ, જે કલ્પનાશક્તિ જોઈએ, જે પુરુષાર્થ જોઈએ તે આપણામાં ઓછાં હશે. છતાં ગાંધીજીને વિશ્ર્વાસ હતો કે હિંદુસ્તાન આ વિચારને અપનાવશે જ. તેમને ભરોસો હતો હિંદુસ્તાનની સંસ્કૃતિ પર તેમ જ પ્રજાના સંસ્કારો પર. અહીં ૨૫-૩૦ વર્ષ સુધી ભાંગ્યો તૂટ્યો પ્રયોગ થયો. આનાથી થોડા લોકોને અહિંસાના વિચારમાં શ્રદ્ધા બેઠી છે.
કર્મ દ્વારા પણ ભગવાનની પૂજા થાય છે તેમ ગીતા આપણને શીખવે છે. પરંતુ વચ્ચે એવો કાળ આવી ગયો જેમાં સંન્યાસ, ભક્તિ, ધ્યાન વગેરેને નામે કર્મને ટાળવાની વૃત્તિ આપણામાં આવી ગઈ. ભિક્ષાવૃત્તિ પર રહેનારાએ પણ સેવાકાર્ય છોડવું ન જોઈએ. આનાથી શરીરને આરોગ્ય અને મનને પ્રસન્નતા મળશે. સૂર્યનારાયણ એક ક્ષણ પણ વિરામ લેવા થોભતા નથી. ગાંધીજીએ તેમના જીવનમાં પ્રત્યક્ષ આચરી બતાવ્યું છે. કામ કર્યા વગર ખાવાનો અધિકાર મળતો નથી.
તા. ૧૧-૨-૪૮ના રોજ ગાંધીજીના અવસાનનો તેરમો દિવસ હતો. તેમજ જમનાલાલ બજાજની સાતમી પુણ્યતિથિ હતી. આ જ દિવસે ૧૯૪૨માં ગાંધીજી અને વિનોબાજીની હાજરીમાં ગોપુરીમાં જમનાલાલજીને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જમનાલાલજીની સાતમી પુણ્યતિથિના દિવસે ગાંધીજીનાં અસ્થિ સેવાગ્રામથી ગોપુરી લાવવામાં આવ્યાં.
વિનોબાજીએ કહ્યું, ગાંધીજી અહીં આવીને પંદર વર્ષ રહ્યા. તેમને વર્ધા લાવવાનું શ્રેય જમનાલાલજીને ઘટે છે. વર્ધામાં અનેક સંસ્થાઓ છે. મોટા ભાગની સંસ્થાનું સર્જન જમનાલાલજીએ કર્યું છે. આવાં કામો માટે ગાંધીજી જે વિચાર કરે તેનો અમલ જમનાલાલજી કરતા હતા. વિનોબાજીએ જમનાલાજીએ લખેલ એક પત્રમાંની વિગત કહી –
“‘ગાંધીજીનું માર્ગદર્શન આપણને ઉત્તમ રીતે મળ્યું છે. તેમના બતાવેલા માર્ગે નિષ્કામ જનસેવા કરીએ તો આ જન્મે મોક્ષ મળી જાય. આ જન્મે મોક્ષ ન મળે તોયે ફિકર નથી. અનેક જન્મો લઈને સેવા કરવામાં ઓછી મીઠાશ નથી. બુદ્ધિ શુદ્ધ રહે એટલે બસ.
વિનોબાજીએ છેલ્લે કહ્યું – રોજ સાંજે સૂતા પહેલાં હરેક માણસે વિચારવું જોઈએ કે આજે જગતને માટે મેં કંઈ કર્યું ? કોઈ માંદાની સેવા કરી ? કોઈ ગંદી જગ્યાની સફાઈ કરી ? કોઈને કાંઈ મદદ કરી ? આવો વિચાર સૌએ કરવો જોઈએ. જો પરોપકારનું એકપણ કામ ન કર્યું હોય તો તે દિવસ નકામો ગયો એમ સમજવું જોઈએ. મારી સૌને વિનંતી છે કે તમે બધાં પરોપકાર માટે આખું જીવન અર્પણ કરો અને લોકો પાસે એમ કહેવડાવો કે એ મર્યો ખરો, પણ આપણે માટે ઘસાઈને મર્યો.
- તા. ૧૨-૨-૪૮ના રોજ ગાંધીજીના શ્રાદ્ધ દિને પવનારની ધામ નદીમાં ગાંધીજીનાં અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું. વિનોબાજી કહે છે, “તે દિવસે ધામ નદીને કિનારે જે દૃશ્ય જોયું, તે કોઈ નવા જન્મનું જ દૃશ્ય જોયું. ઈશાવાસ્ય બોલતી વખતે જે અનુભવ થયો તેનું શબ્દોમાં વર્ણન કરવા હું અસમર્થ છું.
અસ્થિ વિસર્જન પછી વિનોબા બોલ્યા – મારા ભાઈઓ અને બહેનો, એક પવિત્ર આત્મા પરમાત્મામાં લય પામ્યો છે. અને તેના દેહનો છેલ્લો અવશેષ પણ હવે સૃષ્ટિમાં ભળી ગયો છે. દેહના મરણથી આત્મા મરતો નથી એ વાતની આજે આપણાં સૌનાં મન સાક્ષી પૂરે છે. જે વિચારો ગાંધીજીના હૃદયમાં રહેતા હતા, જેનો પ્રચાર દેહના બંધનને લીધે મર્યાદિત હતો, તે વિચારો હવે તમારા અને મારા હૃદયમાં પ્રવેશ પામે છે. હવેથી આપણે તે પ્રમાણે વર્તવાનો સતત પ્રયત્ન કરીએ.
વિનોબાજી આગળ કહે છે, વિવિધ ધર્મના લોકો આપણા ભાઈ-બહેનો છે તે પ્રમાણે વર્તન રાખવા બધા જ ભેદભાવો ભૂલી જઈએ. હરિજન, પરિજન (ગુલામ) સાથેનો ભૂંડો ભેદ દૂર કરીએ. હાથના કાંતેલા સૂતરની ખાદીથી આપણાં અંગ ઢાંકીએ, વ્યસનો દૂર કરીએ, ઈશ્ર્વરનું નિત્ય સમરણ કરીએ. સત્ય અને અહિંસાનું વ્રત લઈએ. વ્રતોને પાર પાડવા ઈશ્ર્વર આપણને બળ આપે તેવી પ્રાર્થના કરીએ.
લેખમાળાના આગળના ભાગમાં આપણે સેવાગ્રામમાં મળેલા સર્વોદય સમાજ સંમેલન તેમજ અન્ય ઘટનાઓ પર નજર નાંખીશું.
– રેવારજ