ઈકિગાઈ – નામ થોડું વિચિત્ર લાગે !
‘ikigai – The Japanese Secret to a Long and happy life’. આ જાપાનીઝ (અંગ્રેજી) પુસ્તક વિશ્વમાં બેસ્ટ સેલર બન્યું. માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયા આખીના લોકો હવે વિચારતા થયા છે કે – આ જીવનનો હેતુ શું છે ? કેવી રીતે આનંદમાં રહેવાય ? અને માનસિક શાંતિ મેળવવાના જાતજાતના workshops થતા હોય છે, આ બધી પરિસ્થિતિમાં કદાચ આ પુસ્તક થોડીઘણી મદદ કરી શકે !!
‘ikigai’નો અંદાજિત અર્થ કંઈક આવો છે – “The happiness of always being busy.” આપણામાં એક કહેવત છે ને કે – ખાલી દિમાગ શેતાનનું ઘર. સાવ સાચી વાત. વ્યસ્ત માણસ સુખી હોય છે. અને એમાં પણ જો તમને ગમતું કામ મળી જાય તો જીવવાની મઝા જ કંઈક જુદી હશે.
જાપાનના લોકો માને છે કે – “everyone has an ikigai – a reason to jump out of bed each morning” અને બધાનાં કારણ જુદાં હશે, દરેક વ્યક્તિનો ‘ikigai’ અલગ હશે અને જો ના હોય તો આ પુસ્તક જરૂર વાંચવું.
આ પુસ્તકના બે લેખકો છે, હેક્ટર ગાર્સીયા અને ફ્રાંસિસક મિટેલ્સ. આ બંને જાપાનના અલગ અલગ પ્રદેશોમાં ફર્યા, લોકોને મળ્યા, અભ્યાસ કર્યો અને તારણ પર આવ્યા કે જાપાનના લોકો આટલા ખુશ અને સંતોષી કેમ છે ? – “only staying active will make you want to live a hundred years.” આ એક જાપાનીઝ કહેવત છે, ત્યાંના લોકો એટલા બધા પ્રવૃત્તિમય રહેવામાં માને છે કે જાપાનીઝ ભાષામાં retirement જેવો કોઈ શબ્દ જ નથી. આ લોકો ક્યારેય નિવૃત્ત થતા જ નથી પરંતુ એમનું ગમતું કામ, શોખ હંમેશાં જીવંત રાખે છે.
જાપાનમાં ઓગોમી નામનું એક ગામ છે, જ્યાં દુનિયાના સૌથી લાંબું જીવવાવાળા લોકો રહે છે. આ પુસ્તકના લેખકોએ ઓગોમી ગામની મુલાકાત લીધી, અને લોકોના લાંબા આયુષ્યનાં કારણોનો અભ્યાસ કર્યો. ગામના કમ્યુનિટી હોલમાં ઊજવાઈ રહેલ બર્થ-ડે પાર્ટીમાં બંનેને આમંત્રિત કરવામાં આવ્યા. ૯૯ વર્ષનાં માજીની બર્થ ડે પાર્ટી હતી, અને આ ગ્રુપમાં સૌથી યુવાન વ્યક્તિ ૮૩ વર્ષના હતા. એ લોકો ગીતો ગાતાં, નૃત્ય કરતાં, એકબીજા સાથે મજાક કરતાં એકદમ મુક્ત મને પાર્ટી માણતાં હતાં.
આ ગામની લગભગ ૧૦૦ જેટલી મોટી ઉંમરની વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા, એમના કેટલાક જવાબો આવા હતા –
- હું મારા પોતાના માટે શાકભાજી ઉગાડું છું અને એ જ હું જાતે રાંધું છું, એ જ મારો ઈકીગાઈ છે.
- હું ખૂબ ઓછું ખાઉં છું, પણ ભોજનમાં વિવિધતા મને ગમે, સ્વાદ ગમે અને એ મને આનંદ આપે.
- નવા મિત્રો બનાવવા, એમને રોજ મળવું, રસ્તામાં જે મળે એમને અભિવાદન કરવું, પાડોશીએા સાથે સંબંધો રાખવા, સાથે ગીતો ગાવાં.
- પૌત્ર/પૌત્રી સાથે નાચવું અને ગાવું એ જીવનનો સૌથી સુંદર અનુભવ છે.
- નિયમિતતા અને શારીરિક કસરત લાંબા અને આનંદિત જીવન માટે ખૂબ જરૂરી છે.
- લોકો અને મિત્રો સાથે જોડાયેલા રહેવું અને ખૂબ હસવું એ મારો ઈકીગાઈ છે…
તમને આ પણ વાંચવું ગમશે
આવાં તો કેટલાં બધાં સરળ કારણો એ લોકોના લાંબા જીવન માટે જવાબદાર હશે. લેખક કહે છે કે – “એ લોકો હંમેશાં વ્યસ્ત હોય છે, છતાં હળવા. આ દરમિયાન એમને એવું ક્યાંય જોવા ના મળ્યું કે કોઈ વૃદ્ધ વ્યક્તિ કંઈ પણ કર્યા વગર ખાલી બેન્ચ પર બેસી રહી હોય, એ લોકો ચાલતા હોય, બાળકો સાથે રમતા હોય કે પાડોશીના ઘરે મળવા ગયા હોય – કોઈ પણ કારણ વગર જ.
આપણા બધાની ઈકીગાઈ એકબીજાથી જુદી હશે, પરંતુ એક વસ્તુ સરખી છે તે એ કે આપણે બધા જ આપણી ઈકીગાઈની શોધમાં છીએ અને એને શોધવાની કોઈ જ પરફેક્ટ સ્ટ્રેટેજી નથી કારણ કે happinessનો અર્થ બધા માટે જુદો જુદો હોય છે.
આ પુસ્તકમાં એવું કંઈ જ નથી જે તમને ખબર ના હોય, છતાં વાંચવું ગમશે, અને બધું જ જાણીતું પણ નવું લાગે એવું છે. લાંબા અને આનંદિત જીવન માટેના જે-જે ઉપાયો-તારણો મળ્યાં છે એ એટલાં બધાં સરળ છે કે આપણને એમ થાય કે આ તો કેટલું સહેલું !! પણ આપણે કરી શકીએ છીએ ખરા ? સરળ બનવું ખૂબ અઘરું છે. કહેવાય છે ને કે – -“It is very simple to be happy, but it’s very difficult to be simple.”
હું એવું ઇચ્છું છું કે જીવનમાં બધાને પોતાનો ઈકીગાઈ પ્રાપ્ત થાય. શુભ કામનાઓ…..!!
(કેટલાંક અંગ્રેજી શબ્દો અને વાક્યો જેમનાં તેમ રાખ્યાં છે જેથી અર્થ જળવાઈ રહે)
hiral.pranav.04@gmail.com
– હિરલ સવાઈ (મો. : ૯૧૬૪૭૨૮૫૬૪)

‘ઇકિગાઈ‘ પુસ્તકનું ગુજરાતી અનુવાદ જાણીતા પત્રકાર-લેખક રાજ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યો છે. જે પુસ્તકનું પ્રકાશન આર. આર. શેઠ દ્વારા થયું છે.
સંપર્ક : ૦૭૯ ૨૫૫૦૬૫૭૩