અર્ધાંગિની

હું અને બીરેન બંને જીગરી દોસ્તો. ગામની ધુળિયા નિશાળમાં સાથે સાથે એકડો ઘૂંટ્યો ને મેટ્રીકની પરીક્ષા પણ સાથે આપી. પરિણામ આવતા પહેલાં જ બીરેને કહેલું, ‘આગળ ભણવાની તો બાપા ના પાડે છે ને મારુંય ભણવામાં ચિત્ત લાગતું નથી પણ એક વાત નક્કી છે કે,  હું આ ગામમાં નથી રહેવાનો. મુંબઈ કે અમદાવાદ જેવા મોટા શે’રમાં જઈને નસીબ અજમાવવું છે. બાવડામાં જોર હશે તો કાલ સવારે બે પાંદડે થઈ જવાશે. બાકી અહીંયાં તો કંઈ કામ-ધંધો દેખાતો નથી.’

                મનેય એની વાત તો સાચી લાગતી હતી પણ તોય મા-બાપના આગ્રહથી નજીકના ગામની કૉલેજમાં જઈને બે વરસ બગાડ્યાં. અંતે હુંય બીરેનની જેમ અમદાવાદ પહોંચી ગયો. એ પછીનાં વર્ષોમાં અમે બેઉ પોતપોતાની રીતે જિંદગીમાં આગળ વધવાના પ્રયત્નો કરતા રહ્યા. બેઉનું મળવાનું ઓછું થતાં થતાં લગભગ બંધ જ થઈ ગયું. જો કે મને  એના સમાચાર મળતા રહેતા.

માએ  મને કહ્યું હતું કે, એમના ઘર પાસે જ રહેતી સરિતા સાથે એનાં લગ્ન થયાં ને એકાદ વર્ષ પછી લક્ષ્મીજીની પધરામણી પણ થઈ. ત્યારબાદ એનાં મા-બાપ મોટે ગામતરે સિધાવ્યાં. ગામના ખખડધજ ઘરમાં સરિતાભાભી અને મુન્ની એકલાં. પણ બીરેનની તનતોડ મહેનત છતાં શહેરમાં નાનું એવું ઘર લેવાનો વેત ન જ થયો. ઘણા વખતે અચાનક મળી ગયો ત્યારે એની ઊંડી ઊતરી ગયેલી આંખો જોઈને મને આઘાત લાગ્યો.

‘કેમ છે બીરેન ? તબિયત તો બરાબર છે ને ?’

‘કશું બરાબર નથી યાર, શું વિચારીને આવ્યો’તો ને આજે શું દશા થઈ છે મારી! ધોબીનો કૂતરો, નહીં ઘરનો ને નહીં ઘાટનો એવી હાલત છે! તારી ભાભી મુન્નીને લઈને ગામમાં ને હું અહીં ચાર જણ સાથે ભાડાની ખોલીમાં દિવસો કાઢું છું. એના કરતાં હજી સુધી ન પરણીને તેં ડહાપણનું કામ કર્યું છે.’ મને ધબ્બો મારતાં એણે કહ્યું.

હું બોલવા જતો હતો કે એ લોકોને લઈ આવને અહીં! પણ મને ખ્યાલ આવ્યો કે એના પિતા વારસામાં ભાંગ્યું-તૂટ્યું ખોરડું અને થોડું દેવું એટલું જ આપી ગયા હતા. મારા શબ્દો ગળામાં જ અટવાઈ ગયા. થોડા દિવસ પછી માની બીમારીના ખબર મળતાં જ હું રજા લઈને ગામ ગયો. ત્યાં પહોંચીને સમય નહોતો મળ્યો એવું તો નહોતું પણ ભાભી મને બીરેન વિશે સવાલો પૂછશે તો હું શું જવાબ આપીશ એવી મૂંઝવણે મારા પગ બાંધી રાખ્યા હતા. અમદાવાદ પાછા ફરવાના આગલા દિવસ સુધી મેં બીરેનના ઘરે જવાનું પાછું ઠેલ્યા કર્યું. સાંજે મોટાભાઈનાં બાળકો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યાં કાખમાં મુન્નીને તેડીને સરિતાભાભી આવ્યાં. આવતાંની સાથે હસીને બોલ્યાં, ‘કેમ, દિયરજી, પકડાઈ ગ્યા ને? તમારે તો  ભાભીને મળ્યા વિના બારોબાર જ ભાગી જાવું તું કાં?’

‘ના ભાભી, આવવાનો જ હતો, પણ આ છોકરાંઓએ રમવાની જીદ કરી એટલે…’ એમની આંખો સામે જોતાં મને સમજાયું કે મારું જુઠાણું ખુલ્લું પડી ગયું હતું. ફિક્કું હસતાં એ બોલ્યાં, ‘વાંધો નૈ ભઈલા, કાંઈ વાંધો નૈ. આ તો ખબર પડી કે તમે આયા છો તે મેં કીધું, હાલને, જરા તમને મળી જાઉં.’

બીજે દિવસે મારી બસ કેટલા વાગ્યાની છે એ પૂછપરછ કરીને એમણે કહ્યું, ‘હાલો ત્યારે ભઈ, આજે જાઉં. કાલ તમારા જવા ટાણે ચાર રસ્તા લગણ તમને વળાવવા આવી પુગીશ.’

‘ના ભાભી, તમે શા માટે તકલીફ…’

’મને બોલતો અટકાવીને એમણે કહ્યું, એ તકલીફ ને બકલીફ બધું તમને શે’ર વાળાને, બાકી અમને ગામડિયાને તો ગોબોય ન પડે. તમારા ભઈ જારે આવે તારે ચાર રસ્તા હુધી ઈમને વળાવવા જાઉં જ. જો કે, ઈ તો કેટલાય વખતથી આયવા જ નથી.’ મારા જવાના સમયે એ ગલીને નાકે આવીને ઊભાં રહી ગયેલાં. મારી સાથે ચાલતાં ચાલતાં એમણે વાત માંડી, તમારા ભઈને હું યાદ ન આવું ઈ તો જાણે હમજ્યા પણ પંડની દીકરીય યાદ નૈ આવતી હોય? કે’જો ઈમને કે, મુન્નીને દોઢ મૈનાથી તાવ ઊતર-ચઢ થ્યા કરે છે પણ મોટા દાક્તરને બતાવવાનો તો…,’ બાકીના શબ્દો એમનાં આંસુ સાથે વહી ગયાં.

મેં ખોખલું આશ્ર્વાસન આપ્યું, ‘કહીશ ભાભી, જરૂર કહીશ. પહોંચીને તરત એનો કાન પકડીને તમારી પાસે મોકલીશ, બસ?’

‘તો તો તમારા મોંમાં ઘી ને હાકર ભઈ, પણ હાચું કઉં છું, હવે આમ જીવવું બૌ આકરું લાગે છે. ભઈ, તમે તો પડવાના વાંકે ઊભેલું ઘર જોયું નથ. હવે એક્કે ચોમાસું આ ઘર ખમી હકે એમ નથ. કે’જો ઈમને કે, કોક દિ’ હું ને મુન્ની એમાં ને એમાં દટાઈને…’

મારાથી હવે સહન નહોતું થતું. મેં કહ્યું, ‘ભાભી, મારી બસ ઊપડી જશે. હું જરા ઝડપથી ચાલું. તમે પાછાં જાવ. ને ફિકર નહીં કરતાં, હું બીરેનને બધી વાત કરીશ.’

એમણે પાછા જવા પગ ઉપાડ્યા. હું માંડ દસ-બાર ડગલાં ચાલ્યો હોઈશ ત્યાં બૂમ સંભળાઈ, ‘ભઈ, જરીક ઊભા ર્યો તો, એક ખાસ વાત કરવાની રઈ ગઈ.’ હવે મને કંટાળો આવતો હતો. મને થયું, હજી શું બાકી રહ્યું છે? એ નજીક આવ્યાં અને ડુમાયેલા સાદે બોલ્યાં,

‘ભઈ, મેં તો ગુસ્સામાં આવીને બૌ લવારા કર્યા પણ મારા હમ, ઈમને આવું કૈં કે’શો મા. બચાડા નાહકનો જીવ બાળશે. કે’જો કે અમે બેય બૌ લે’રમાં છઈએ. આગળ હું જે કાંઈ બોલી ઈ બધુંય ભૂલી જજો ને ઈમને તબિયત હાચવવાનું કે’જો હં ભઈ!’ અને સાડલાના છેડાથી આંખો લૂછતાં એમણે પીઠ ફેરવી. ધીમા ડગલે ચાલી રહેલી એ સ્ત્રી તરફ જોતાં હું ઘડીભર ભૂલી ગયો કે, મારી બસનો સમય થવા આવ્યો છે.

(વલ્લભ ડાભોલની હિંદી વાર્તાને આધારે)    –  આશા વીરેન્દ્ર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s