દીપકભાઈ વકીલની વિદાય

ગાંધીવિચારમાં શ્રદ્ધાવંત, સર્વોદય પ્રવૃત્તિના આગ્રહી, માનવીય મૂલ્યો માટે સમર્પિત અને વ્યવસાયે વકીલ એવા શ્રી દીપકભાઈ દેસાઈ વલસાડ-સ્થિત હતા. કોરોનાકાળમાં ટૂંકી માંદગી બાદ તેઓ દિવંગત થયા.

દીપકભાઈ વકીલ

એમની વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન તેઓ જિલ્લા સરકારી વકીલ બન્યા હતા. વલસાડના શિરડી સાંઈબાબા સંસ્થાન, વલસાડ અનાવિલ સેવા સંસ્થાન, વલસાડ વાનપ્રસ્થ નાગરિક પરિષદના ટ્રસ્ટી હતા. તે ઉપરાંત અનેક સંસ્થાઓ સાથે જોડાઈને પોતાની સેવા પ્રદાન કરતા હતા. એમને માટે કોઈપણ સંસ્થામાં પદ કે હોદ્દો મહત્ત્વનો ન હતો, પરંતુ પોતાનું યથામતિ યોગદાન વિશેષ પ્રાથમિકતા ધરાવતું. વલસાડમાં ગાંધી વિચારમાર્ગી વર્તુળમાં એમનું નામ આદરપૂર્વક લેવાય છે. ગાંધીમેળાના આયોજનમાં એમની સક્રિયતા નજરે ચડે તેવી.

એક સમયે શાળાના અભ્યાસક્રમમાં કાંતણ એક વિષય તરીકે શીખવવામાં આવતો, પછી એ વિષય અદૃશ્ય થયો. પરંતુ ત્યારથી દીપકભાઈને કાંતણકલા હસ્તગત હતી અને આજીવન એમણે નિયમ તરીકે કાંતણકામ ચાલુ રાખેલું. તેઓ ખાદીધારી હતા. ખાદીના આગ્રહની સાથે પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, અહિંસા જેવાં સૈદ્ધાંતિક મૂલ્યોનું સંવર્ધન પણ સંમિલિત હતું. આ વારસાઈ એમને એમના નાનાજી શ્રી દયાળજીકાકા વકીલ તરફથી મળી હતી. દયાળજીકાકા વર્ષો સુધી વલસાડમાં હરિજન સેવક સંઘના પ્રમુખ રહેલા અને ખાદીધારી હતા. દીપકભાઈએ વલસાડમાં પોતે કાંતેલી ખાદીનો તાકો નારાયણ દેસાઈને ભેટ આપેલો, એવું નટુભાઈ દેસાઈ યાદ કરાવે છે.

એમની જીવનઝરમરનું વ્યાવસાયિક અને કારકિર્દીનું ફલક આપણે જોયું પરંતુ તેથી વધુ તો તેઓ સાદગીસભર, મળતાવડા, સૌમ્ય, શાલીન અને સદ્વ્યવહાર માટે વધારે જાણીતા. એમનું ઘર ‘ઓપન હાઉસ’, જેનાં બારણાં મિત્રો, સ્વજનો, અસીલો માટે સદૈવ ખુલ્લાં. વળી આ વ્યવહાર એમનાં જીવનસંગિની વિભાબહેન, પુત્ર પરિચય, પુત્રવધૂ રીમા અને પુત્રી ભૂમાનો પણ ખરો. ઘ

રમાં પ્રવેશીએ એટલે એક આત્મીયતાસભર મૈત્રી અને હૂંફ અનુભવાય. જૂની પેઢીની એક પરંપરા હતી કે દરેક પરિવારને એક ડોક્ટર હોય જે એમને આરોગ્યવિષયક સલાહ ઉપરાંત કૌટુંબિક બાબતે પણ સલાહસૂચન આપે. તેવી રીતે વકીલ પણ હોય જે કુટુંબના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હોય. દીપકભાઈએ એ ભૂમિકા અનેક કુટુંબો માટે બખૂબી નિભાવી. વલસાડનાં કાંઈ કેટલાંય કુટુંબો સાથે તેમનો ઘરોબો. આ ઘરોબો કહેવા પૂરતો નહીં પરંતુ બધી ફિકરચિંતા દૂર કરાવનાર સ્વજન જેવો.

વલસાડમાં અમે ‘અસ્તિત્વ’ સંસ્થાની સ્થાપના કરી ત્યારથી જે સહૃદયમિત્રોએ સાથ આપ્યો તેમાં દીપકભાઈનું નામ મોખરે લઈ શકાય. જ્યારે સરકારી તંત્રનો કોઈ અનુભવ ન હતો, કોર્ટકચેરી, પોલીસ તો ઘણી દૂરની વાત અને જાતે જ કાર્યરત રહેવાનો સમય હતો ત્યારે શરૂઆતમાં એક કેસમાં દીપકભાઈએ અમને કોર્ટમાં કોઈ દંપતીની ઘરેલુ સમસ્યાના ઉકેલમાં સમજાવટ માટે બોલાવેલાં અને હું અને મારી દેરાણી લીના ગયેલાં.

ત્યાં સવારથી સાંજ પડી અને એ દંપતીનું સમાધાન થયું ને એમને મંદિરે દર્શન કરાવી ઘરે પહોંચ્યાં ત્યાં સુધી અમારા ઘરના હાલહવાલ વિશે ખબર ન હતી અને મારા દિયરે ટકોર કરેલી કે તમારા છૂટાછેડા ન થઈ જાય તે જોજો ! કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનાં કામ કરતાં ડગી જાય ત્યારે  વલસાડના વકીલો સતીશભાઈ, બરજોરજી, રાજુકાકા, દીપકભાઈ, ઐયાઝ, પરિમલ જેવા વકીલોના ટેકાથી અમે અસ્તિત્વને તો ટકાવી જ શક્યાં, અમે પણ ટક્યાં અને પોતાના અંતકાળ સુધી દીપકભાઈએ પોતાનો મૂક ફાળો પણ આપ્યો જ. અમે ભૂલ કરી હશે તો એમણે રિપેર પણ કરી આપી. અસ્તિત્વ જેવી સંસ્થાને સહાયભૂત થવું એટલે આમ તો ગાંઠનાં ગોપીચંદન કરવા જેવું કામ.

દીપકભાઈએ આવું કામ અનેક સંસ્થાઓ માટે કર્યું. તોયે અંગત વર્તુળમાં પણ ભાગ્યે જ કોઈને ખબર પડે કે એમને કોણે સહાય કરી છે. પોતે અદૃશ્ય રહે છતાં એમની નજર હોય, એ નજરમાં ક્યારેય ઉપાલંભ ન હોય, પણ ધરપત હોય અને વિશ્ર્વાસનો અહેસાસ કરાવવાની દાનત હોય. પછી તે વાત કુટુંબીજનો, મિત્રો, સ્વજનો કે અસીલો કોઈપણ માટે હોય.

હજી બીજાં દસપંદર વર્ષ તેઓ જાહેરજીવનમાં સક્રિય રહી શક્યા હોત. દીપકભાઈ તમે જવાની આટલી ઉતાવળ કેમ કરી ?

            – બકુલા ઘાસવાલા(વલસાડ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s