નવરાત્રીની પ્રાર્થના

આદ્ય શક્તિને પહેલા નોરતે પ્રાર્થના :

*  હાથરસ-કાંડો ન બનો…. * સ્ત્રીઓ પર થતા તમામ પ્રકારના સીધા-આડકતરા, શારીરિક-માનસિક જુલમ અટકો. * સ્ત્રી પર જુલમ કરનાર પાશવી પુરુષપ્રધાન માનસને હરાવવાની શક્તિ સ્ત્રીને કુટુંબ અને સમાજ, શરીર અને શિક્ષણ, રાજ્ય અને કાનૂન થકી મળે એવો માહોલ ઊભો થાઓ.                                    

 (૧૭ ઑક્ટોબર ૨૦૨૦)

બીજા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :

માડી, તું મારામાં અપરાધભાવ જગાડજે. અપરાધભાવ એ વાતનો કે મારા ઘરની સ્ત્રી(ઓ) વર્ષોથી દરરોજ આખો દિવસ સખત કામ કરે છે. રસોઈ-બાળઉછેર, કચરા-પોતાં, કપડાં-વાસણ, ઘઉં-ચોખા,પાપડ-

અથાણાંમાં તેમની જિંદગી વીતે છે. તે(ઓ) આ બધું હેતથી, કશીય અપેક્ષા વિના, મહેનત અને માવજતથી કરે છે. તે(મ)ના ભોગે હું પુરુષ તરીકે તબિયતથી જીવું છું, વિકસું છું, ધંધા-વ્યવસાય કે કારકિર્દીમાં આગળ વધું છું. હે મા ! તું મને સ્ત્રીઓના શ્રમ તરફ સંવેદનશીલ બનાવજે. અને માવડી, મને એવી સમજ અને લાગણી, સૂઝ અને શક્તિ આપજે કે મારા ઘરની સ્ત્રી(ઓ)નાં આ કામમાં હું બને એટલી ભાગીદારી નિભાવું. પુરુષ હોવાનો, પૈસા કમાતો હોવાનો ફાંકો ન રાખું. મજૂરી, વ્યવસાય કે નોકરી કરતી સ્ત્રીઓ અર્થોપાર્જનનાં કામ અને ઘરકામ બંને કરતી જ હોય છે.   

મા, તારા એક પુરુષ સંતાનની પ્રાર્થનાની અંદરનો  દંભ તો તું પામી જ ગઈ હોઈશ, પણ મને સહી લેજે !

(૧૮ ઑક્ટોબર ૨૦૨૦)

ત્રીજા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :

આમ તો માડી આ પ્રાર્થના છે, પણ છતાં એ કરતાં સંકોચ થાય એવી છે.

મા, અમારા શાસકોને કહો ને  કે જાહેર જગ્યાએ સ્વચ્છ તેમ જ સલામત પેશાબઘર અને જાજરૂની અસરકારક વ્યવસ્થા કરે. સ્ત્રીઓને બહુ વેઠવું પડે છે ! 

સરકારી કચેરીઓ, રસ્તા, બજાર, ઑફિસો, બગીચા, સભાગૃહો, સિનેમાગૃહો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, બસસ્ટોપ, એસ.ટી. સ્ટેન્ડ, સ્ટેશન જેવી સંખ્યાબંધ જાહેર જગ્યાએ પેશાબઘર હોતાં જ નથી. કદાચ સરકારનાં, આર્કિટેક્ટના, બિલ્ડરનાં દસ્તાવેજોમાં હોય છે, પણ ખરેખર નથી હોતાં.

અને હોય તો બંધ હોય. ચાલુ હોય તો એક જ વ્યક્તિ માટેનાં, બહુ સાંકડાં, ગંદાં, વીજળી અને પાણી વિનાનાં, ગરીબ મહિલાઓએ પણ પૈસા ચૂકવવા પડે તેવાં. બાંધકામની સાઇટ્સ, શાક માર્કેટ, હાથલારી, કાગળ-પ્લાસ્ટિક વીણવા જેવા કેટલાય અસંગઠિત વ્યવસાયોમાં જોડાયેલી મહિલાઓની તો હાલત વધુ ખરાબ હોય.    

માડી, કેટલાક ભક્તોને આ પ્રાર્થના અપવિત્ર લાગશે. પણ પેટની વાત મા સાથે જ થાય ને…          (૧૯ ઑક્ટોબર ૨૦૨૦)

ચોથા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :

માડી, તને તો આ દેશ આદ્યશક્તિ, જગતજનની, ભગવતી, વિશ્ર્વંભરી એવા એવા સરસ શબ્દોથી નવાજે છે. પણ તારા સ્વરૂપે અરધી લોકસંખ્યામાં વ્યાપેલી મહિલાઓ માટે કેવા શબ્દો સહજભાવે વપરાય છે ! – ‘બૈરું, ‘બૈરાં’ અને ‘બાયડી’, અને પ્રાણીનું અપમાન થાય તેવા કે વ્યવસાયનું અપમાન થાય તેવા કેટલાક બીજા શબ્દો પણ છે ! અને ગાળો તો લગભગ દુનિયાભરમાં સ્ત્રીકેન્દ્રી જ હશે !

‘તમે તો બૈરાં’, ‘બૈરાંનાં કામ’, ‘બાયડીઓને નો ફાવે’ એવુંય બહુ કાને પડે. ‘બોડી બામણીનું ખેતર’, ‘રાંડ્યા પછીનું ડહાપણ’, ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ જેવી કહેવતોની યાદી થઈ શકે. 

હે મા, તમને પ્રાર્થના કે બધા તરફની, તેમાંય ખાસ તો  મહિલાઓ પ્રત્યેની અમારી ભાષા સાફ થાઓ !           

(૨૦ ઑક્ટોબર ૨૦૨૦)

પાચમા  નોરતે મા આદ્યશક્તિને  પ્રાર્થના :

ગરબે રમતી નાર, એ તો નોરતાનો જીવ કહેવાય.

પણ નોરતાંમાં ગરબા રમવા  સિવાય સ્ત્રી કંઈ રમતી હોય એવું મનમાં નથી આવતું મા ! મેદાનો ક્રિકેટ રમતા છોકરાઓથી ભરેલાં હોય છે, છોકરીઓથી ભરેલાં મેદાનો કેટલાં જોયાં ? આ તો માત્ર એક દાખલો. રમવું તો તમામ પ્રકારની તંદુરસ્તી માટે કેટલું બધું જરૂરી, પણ એ તો જાણે છોકરાઓ માટે જ.   

હે આદ્યશક્તિ, એવો માહોલ સર્જો કે જ્યાં શેરી, રસ્તા, કોમનપ્લોટ કે મેદાનમાં પોતાની પસંદગી મુજબ રમવું છોકરાઓ સાથે જેટલું સહજ રીતે જોડાયેલું છે તેટલું છોકરીઓ સાથે પણ હો !

 (૨૧ ઑક્ટોબર ૨૦૨૦)

છઠ્ઠા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :

માડી અમારાં શેરી- રસ્તા- જાહેર જગ્યાઓ સાફ કરવાનું કામ તો જાણે સફાઈ કામદાર સ્ત્રી-પુરુષો  કરે છે.

ઘણાં ઘરોમાં કચરા-પોતા ઘરની સ્ત્રીઓ જ કરે છે, દિવાળી કે અવસરે સાફસફાઈ  પણ સ્ત્રીઓ  કરે. બાળકોને સ્ત્રીઓ જ પખાળે. અપવાદો બાદ કરતાં ઘરનાં જાજરૂ – બાથરૂમ ( સેવકો ન ધોતાં હોય તો) ઘરની મહિલાઓ જ ધોવે છે.

માડી ભક્તોને કહેજો કે ખરાબ ન લગાડે, પણ પુરુષોનાં અંતર્વસ્ત્ર ધોવામાં પણ લગભગ આવું . સ્ત્રીઓનાં અંતર્વસ્ત્ર પુરુષ ધોવે એ કલ્પના માત્ર કેવી  uncomfortable બનાવનારી લાગે – અહીં આ વધારે પડતું થાય છે એમ લાગવાનું બધાંને…

એટલે મા તમને પ્રાર્થના કે અમને એવી સમજ આપો કે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે શક્ય બને ત્યારે સ્વચ્છતાના કામ ઘરનાં  પુરુષો પણ કરે, એને શક્ય બનાવે.

(૨૨ ઑક્ટોબર ૨૦૨૦)

સાતમા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :

જોક્સ – ટૂચકા – રમૂજોમાં એક કાયમી નિશાન સ્ત્રી જ શા માટે? જાડાપણું, વાતોડિયાપણું,‌ગુસ્સો, ઘરોમાં સત્તા, બાઘાઈ જેવી અનેક બાબતોની ભદ્દી ટીખળ માટેનું પાત્ર એટલે સ્ત્રી. સ્ત્રીઓની ગરિમાને ભોગે હાસ્ય ઊભું કરનારને નિર્મળ વિનોદવૃત્તિ આપો માડી.

મા, તમે જોતાં જ હશો કે છાત્ર-છાત્રાઓના, કર્મચારીઓ કે જૂથોના ઔપચારિક ગ્રુપ ફોટામાં ભોંય પર બેઠેલી હરોળ સ્ત્રીઓની હોય, પુરુષોની ભાગ્યે જ.

અને એ પણ ખરું કે સમારંભોમાં સ્વાગત કરવું, ફૂલછડી આપવી, તિલક કરવું, ટ્રેમાં ઇનામો લઈને આવવું એવાં બધાં કામ ભરપૂર શણગાર સજેલી સ્ત્રીઓને જ સોંપવામાં આવે છે. માડી, લોકોને વિચારવા પ્રેરો એવી પ્રાર્થના.

– સજોડે પૂજાવિધિમાં પૂજા પતિ જ કરે,પત્નીએ માત્ર હાથ અડાડવાનો.પૂજાની તૈયારી સ્ત્રીએ કરવાની. વ્રત ને ઉપવાસ, માથે કળશ મૂકીને અડવાણે પગે ચાલવાનું ને એવું બધું સ્ત્રીઓએ કરવાનું. ગોર મહારાજ, પુરોહિત સદીઓથી પુરુષ જ હોય. પછી ભલે મૈત્રેયી – ગાર્ગી સહિતની મહાન મહિલાઓ વિશે મહાગ્રંથ લખાતા હોય.

માડી તમને પ્રાર્થના કે આવું બધું વધુ ઝડપે બદલાય…

(૨૩ ઑક્ટોબર ૨૦૨૦)

આઠમા – નવમા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :

મા, હું આ દિશા તરફ આગળ વધી શકું તેવી પ્રાર્થના :

–  ‘સતો’ કે ‘ પત્નીવ્રતો’ એવા શબ્દો નથી, કારણ કે પત્ની સાથેના પુરુષના વફાદારીવાળા સંબંધનો ખ્યાલ જ પ્રવર્તતો ન હોય. એટલે ચારિત્ર્ય અને વફાદારીનો આખો મામલો પુરુષ – તરફી જ રહ્યો છે એ મનમાં રાખું.

– સ્ત્રીની સામે પૌરાણિક પાત્રોના આદર્શને મૂકીને તેને પગે રૂપાની  સાંકળ બાંધીને તેને સોનાનાં પાંજરામાં ન પૂરું.

– સ્ત્રી પુરુષ સમોવડી કે પુરુષથી ચડિયાતી છે એમ કહીએ છીએ ત્યારે પુરુષ માપદંડ બને છે. પુરુષ સ્ત્રી સમોવડો બને એમ નથી કહેવાતું. એટલે સ્ત્રી અને પુરુષને એકબીજાની સરખામણીમાં નહીં પણ અલગ અસ્તિત્વ – વ્યક્તિત્વ તરીકે જોઉં.

સ્ત્રી સ્ત્રીની દુશ્મન એ માન્યતાનો ભોગ બનતાં પહેલાં સ્ત્રીઓની એકબીજા માટેની કહેવાતી   ‘દુશ્મનાવટ ‘ પાછળનાં કૌટુંબિક, આર્થિક, સામાજિક, શારીરિક, સાસ્કૃતિક પરિબળોને તપાસું. યાદ રાખું કે દુનિયાના પુરાણોમાં ઘણાં મોટાં યુદ્ધો પુરુષની સ્ત્રી માટેની લાલસાને કારણે થયાં છે. ઇતિહાસના યુદ્ધો પુરુષોની દુશ્મનાવટને  કારણે થયાં છે, અને તેમાં સ્ત્રીઓએ સૌથી વધુ વેઠ્યું છે.

– દરેક પુરુષને કોઈના ભાઈ/પિતા/પતિ તરીકે જોવાતો નથી. દરેક સ્ત્રીને કોઈની    બહેન/મા/પત્ની તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે જોઉં અને તેનું ગૌરવ જાળવું.

– મા આઠ દિવસ મેં પ્રાર્થનાઓ બહુ કરી. હવે એ ફળે એના માટેની કોશિશ માણસ તરીકે મારે જ કરવાની હોય ને !

 (૨૪ ઑક્ટોબર ૨૦૨૦)

– સંજય સ્વાતિ ભાવે

નવરાત્રીની પ્રાર્થના

સંજય ભાવે એટલે વિદ્યાર્થીઓમાં પ્રિય એવા અધ્યાપક. પરંતુ માત્ર ભણાવવું એ એમનું કામ નથી, સંપર્કમાં આવતા દરેક વિદ્યાર્થીમાં વ્યક્તિગત રસ લેનારા, મદદરૂપ થનારા એક હાડના શિક્ષક. પુસ્તકો ભેટ આપીને વાંચવાનો ચસકો લગાડે, વ્યક્તિગત જીવનમાં રસ લે, આર્થિક ટેકો પણ કરે ને પોતાનું ઘર પણ વિધાર્થીઓ માટે ખુલ્લું કરી દે ! એવી અનેક રીતે યુવાનોના ચારિત્ર્ય-ઘડતરમાં રસ ધરાવનાર જીવ. પણ તેઓ કોલેજના અધ્યાપક માત્ર ક્યાં છે? એક અત્યંત સંવેદનશીલ જાગૃત નાગરિક તરીકે તેઓ સાંપ્રત ઘટનાઓના અનેક વિષયો વિશે લખતા રહે છે, સામાજિક કામ કરનારાઓને અદૃશ્ય રહીને ટેકો કરતા રહે છે. તેમના આવા જ એક ઉપક્રમનો ભાગ છે નવરાત્રિને મૌલિક અર્થમાં જોવાનો પ્રયોગ. આ લખાણ પ્રેસમાં જાય છે ત્યારે પાંત નોરતા પૂર્ણ થયા હોવાથી અહીં તેટલા નોરતાની સંજયભાઈની  મૌલિક પ્રાર્થના વાંચીને સ્વસ્થ સમાજ માટેની તેમની ’કળકળ’નો પરિચય મેળવીએ. 

– સંપાદક

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s