સરનામાં વિનાનાં માનવીઓ

આપણે વાત વાતમાં કહેતા હોઈએ છીએ કે, ‘ઉપર આભ અને નીચે ધરતીનો આશરો છે’ ! પણ આપણને એ નથી ખબર કે આજેય આપણા સ્વતંત્ર ભારત દેશમાં એવા લોકો છે જેમના માથા પર અલબત્ત, આભ તો છે પણ પગ ટેકવવા જમીન નથી. ઘણાને એ વાત સાચી નહીં લાગે કે ફક્ત ગુજરાતમાં જ ૪૦ થી ૫૦ લાખ લોકો એવા જાતિ સમૂહમાં આવે છે કે જેમનું પોતાનું કહી શકાય એવું કોઈ વતન નથી, ગામ નથી કે કાયમી સરનામું નથી. એમ તો જ્યાં સુધી આ તિરસ્કૃત અને જાનવર કરતાંય બદતર અને દયનીય હાલતમાં જીવતાં માનવીઓને પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે નહોતી મળી ત્યાં સુધી મિત્તલ પણ આ હકીકતથી અજાણ જ હતી ને ?

આગળ વધતાં પહેલાં મિત્તલનો પરિચય મેળવી લઈએ. આજે તો કિઆરા નામની આઠેક વર્ષની દીકરીની મા બની ગયેલી મિત્તલે જ્યારે કામની શરૂઆત કરી ત્યારે માંડ ત્રેવીસ-ચોવીસની હતી. શ્રી મેઘાણીના કહ્યા મુજબ એના ઘટમાં ઘોડા થનગનતા હતા અને વણદીઠેલી, ઉજ્જ્વળ કારકિર્દી બનાવવાની ભોંય પર એની આંખો મંડાયેલી હતી. સરકારી અધિકારી બનીને મજાની એરકંડિશન્ડ કેબીનમાં બેસીને કામમાં તે વ્યસ્ત રહી શકી હોત. પણ જિંદગીએ એક જબરદસ્ત વળાંક લીધો અને એના જ શબ્દોમાં કહું તો ‘મારા જીવનને કૃષ્ણાર્પણની જેમ વિચરતી વિમુક્ત જાતિઓને અર્પણ કરવાનું વચન મારી અંદર બેઠેલા પરમતત્ત્વને મેં આપ્યું અને જેવો આ નિર્ધાર થયો કે હું અંદરથી હળવી થઈ ગઈ.’

મિત્તલની આ દુર્ગમ સફરને કંઈક અંશે સહેલી બનાવવામાં માતા-પિતા, સાસુ-સસરા, ભાઈ-બહેનો, ભાભી એ સૌનો સાથ તો રહ્યો જ પણ જો મૌલિક જેવો સમજદાર જીવનસાથી ન મળ્યો હોત તો આ જાતિ-સમૂહને પાયાના હક્કો અપાવવાના મિત્તલના અરમાન અધૂરા રહી જાત. આપણા ભૂમિપુત્રનાં પારુલબેન દાંડીકરે અનેક મુશ્કેલીઓમાં ખભેખભો મિલાવીને એને સાથ આપ્યો છે, તો જાણીતા સાહિત્યકાર શ્રી માધવ રામાનુજ પણ એના દરેક કામને ટેકો કરવા તત્પર હોય છે. વળી પૂજ્ય મોરારિબાપુ જેવા સંવેદનશીલ કથાકારનું હૈયું આ જ્ઞાતિની કલ્પનાતીત વિટંબણાઓ સાંભળીને દ્રવી ઊઠ્યું અને એમણે ખાસ વાડિયા ગામની કુમળી કળી જેવી બાલિકાઓને જીવતા દોજખમાંથી ઉગારવાના હેતુથી સામે ચાલીને આ વિસ્તારમાં રામકથા કરી.

આમ તો પાનાંનાં પાનાં ભરાય તોયે આ બધી વાતો ખૂટે એમ નથી પણ આજે તો મારે વાત કરવી છે મિત્તલ દ્વારા લખાયેલી આ કમનસીબોની દાસ્તાન કહેતા પુસ્તક – ‘સરનામાં વિનાનાં માનવી’ વિશે.  ૨૦૧૮માં ‘ફૂલછાબ’માં ‘વિચરતી જાતિનાં વીતક’ શીર્ષક હેઠળ છપાયેલી કોલમને બહોળો પ્રતિસાદ મળેલો અને પુસ્તકાકારે એને પ્રગટ કરવાની માગણી પણ થયેલી. મિત્તલે જેમને ભાઈ માનેલા એવા શ્રી અરવિંદભાઈ આચાર્ય આ લોકોને ‘સરનામાં વિનાનાં માનવી’ કહેતા.

મિત્તલને આ પુસ્તક માટે એ જ નામ યોગ્ય લાગ્યું એટલે એ નામાભિધાન સાથે ૨૦૨૦ના ઑગસ્ટમાં એ આપણા હાથમાં આવ્યું. લગભગ ૨૯ પ્રકરણ અને ૧૭૫ પૃષ્ઠોમાં પથરાયેલી આ અનુભવકથા, સંઘર્ષકથા કે સંવેદનાની કથા વર્ણવવા માટે શબ્દો ઓછા પડે. પણ મારે અહીં ફક્ત મને ખૂબ સ્પર્શી ગયેલા પ્રસંગો અને મિત્તલની આ લોકો માટેની નિસ્બતની વાત કરવી છે.

શેરડી કામદારો કે જેમને એમના શેરડી કાપવાના સાધન ‘કોયતા’ના નામે જ ઓળખવામાં આવે છે, એમના જીવનની વાસ્તવિક પરિસ્થિતિ જોઈને તે ડઘાઈ જ ગઈ. એણે જોયું કે, ત્યાં પીવા માટે ચોખ્ખું પાણી, નહાવા-ધોવા કે સંડાસની વ્યવસ્થા કે સૂવા માટે પથારીની કલ્પના પણ થઈ શકે એમ નહોતું. જેમણે આશરો આપ્યો એ બેનના છાપરામાં મરઘી ઢાંકેલા ટોપલાની બાજુમાં, અસહ્ય દુર્ગંધ વચ્ચે અને સખત ઠંડીને ખાળવા બીજું કશું ન હોવાથી પોતાની પાસેનાં પાંચ-છ જોડી કપડાં એકની ઉપર એક એમ પહેરીને સવાર પડવાની રાહમાં રાત વીતાવનાર આ યુવતીના સમર્પણ સામે આપણું માથું નમે એમાં શી નવાઈ !

એ પછીના ૩-૪ દિવસો એણે પાર્લે બિસ્કીટના આધારે માંડ માંડ વીતાવ્યા. વળી એક દિવસ કોઈ મંદિરમાં સદાવ્રત ચાલતું હતું ત્યાં જઈને રીતસર હાથ ફેલાવીને ભીખ માંગતી હોય એ રીતે ‘ત્રણ દિવસથી ભૂખી છું, કંઈ ખાવા આપો’ એમ કરગરવું પડ્યું એ સ્થિતિની કલ્પના કરતાં આપણી આંખો છલકાઈ જાય છે.

ઉંમરલાયક શેરડી કામદાર કાકાને ભૂખની ખબર ન પડે એ માટે પેટ ઉપર કચકચાવીને કપડું બાંધવું પડે અથવા માના દૂધ માટે વલખાં મારતા બાળકની માને જ્યારે મિત્તલ પૂછે કે, ‘આને ધવડાવતાં કેમ નથી?’ આનો જવાબ કોઈપણ સંવેદનશીલ વ્યક્તિનાં રૂંવાડાં ખડાં કરી દે છે- ‘ચાર દાડાથી મેં કાંઈ ખાધું નથ, અન ખાધા વના ધાવણ નો આવે બેન !’ આ સાંભળીને રડતી આંખે ને કકળતા હૈયે ત્યાંથી ચાલી જતી મિત્તલના મનમાં તોફાન ઊઠે છે કે, કૂતરાં-બિલાડાંની ચિંતા કરનાર આપણે માણસની ચિંતા કરવાનું ભૂલી ગયા ? આ કેવી સભ્યતા ને કેવી ભવ્ય સંસ્કૃતિની ધરોહરવાળું ભારત !

મને આ પુસ્તક વાંચતાં સૌથી વધુ વલોવી હોય તો મિત્તલની સૌ પ્રથમ સગર્ભાવસ્થાના પ્રસંગે. પહેલું સંતાન અવતરવાની ખુશી તો દરેક માવતરને હોય જ, એ રીતે મિત્તલ-મૌલિક પણ ભવિષ્યનાં સપનાં જોઈ રહ્યાં હતાં પણ ખુશીની સાથોસાથ આ સમુદાયના લોકોને મતદાર કાર્ડ મળશે કે નહીં એ ચિંતા મિત્તલના મન પર એવી તો હાવી થઈ ગઈ હતી કે કદાચ એ તાણને કારણે ગર્ભમાંના બાળકના ધબકારા બંધ થઈ ગયા હતા.

ડૉક્ટરે જ્યારે આ સમજાવ્યું ત્યારે એની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં. મિત્તલ આ સંદર્ભમાં જે વાક્ય કહે છે એ વાંચીને એની સમર્પિતતાને અને નિષ્ઠાને ચૂપચાપ વંદન કરવા સિવાય આપણે કંઈ ન કરી શકીએ. એ કહે છે – ‘મારી પીડા માત્ર ગર્ભમાં મૃત્યુ પામેલા મારા બાળક માટે જ નહોતી પણ નાની વયે મેં પોતે સ્વીકારેલા જુદા માતૃત્વને લઈને પણ હતી.’ અને આ સમુદાયની ચિંતા એને ઑપરેશનના ફક્ત ત્રણ જ દિવસ પછી ગાંધીનગર સચિવાલયમાં અધિકારીશ્રીને મળવા ખેંચી ગઈ ત્યારે ખુદ સાહેબ પણ આશ્ર્ચર્યમાં પડી ગયેલા.

આ તો ફક્ત ટ્રેલર જ રજૂ કર્યું છે. આ સ્નેહ અને સમર્પણની ગંગામાં સ્નાન કરવા માટે તો પુસ્તકમાંથી પસાર થવું જ રહ્યું.

– આશા વીરેન્દ્ર

‘સરનામાં વિનાનાં માનવીઓ’

નવજીવન મુદ્રણાલય,

ફોન નં. : ૦૭૯-૨૭૫૪૦૬૩૫

કિંમત રૂ. ૧૭૫/-

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s