હાથરસ ઘટનાની આસપાસ

રોજ જ બને છે ને ! દર સેકંડે બને છે. આખા વિશ્ર્વમાં બને છે. ક્યારેક સમાજ આ અંગે સંવેદનશીલ બને છે. ક્યારેક સ્વીકારી લે છે, તો ક્યારેક શાહમૃગ વૃત્તિ અપનાવે છે. મોટા ભાગના કિસ્સાઓ તો દબાવી જ દેવાય છે. અને હાથરસની ઘટના અંગે તો ઘણીઘણી ચર્ચાઓ થઈ ગઈ છે ત્યારે હવે આ વિશે નવું શું કહેવાનું છે ?

નવું ભલે નહીં, અત્યંત હૃદય-વિદારક, અમાનુષી આ ઘટના કદી પણ સ્વીકારી શકાય તેમ નથી. ‘વિશ્ર્વગુરુ’ બનવા માંગતા દેશમાં તો નહીં જ નહીં. ‘બેટી બચાઓ’ અભિયાન જ્યાં ચલાવવામાં આવે છે ત્યાં તો હરગિજ નહીં. ‘હિંદુ’ હોવાનું અભિમાન – જે દેશના ગૌરવનો વિષય છે તે દેશમાં આવી ઘટના અસંભવ ન હોવી જોઈએ ? આ અને આવી ઘટનાઓ બને ત્યારે હૃદય પર એક એક ‘ઘા’ વધતા જાય છે, અને તે વધુ ઊંડા ને ઊંડા બનતા જાય છે. ફરી ફરીને તે પૂછે છે કે શું આ છે આપણો દેશ ? ક્યાં ગયો એ દેશ જેને માટે હું ગૌરવ લઈ શકું ?

હાથરસની આ ઘટનાની વિગતો અત્યંત જઘન્ય છે. પરંતુ, આ એકલી-અટૂલી ઘટના તો નથી. તાજેતરના જાણીતા દાખલા લઈએ તો નિર્ભયાનો કિસ્સો હોય કે ગયે વર્ષે કશ્મીરની ૮ વર્ષની ગુજ્જર બાળકી આસીફાનો. આવા કિસ્સાઓમાં બાળકી, યુવતી, સ્ત્રી પર થયેલ અત્યાચાર ક્રૂર, અવર્ણનીય અને આઘાતજનક છે. એટલું જ નહીં, સમાજ તરીકે એક સભ્યતા તરીકે, માણસ તરીકે આ સ્તર પર કેવી રીતે ઊતરી જવાય છે તે બાબત પણ અકલ્પનીય છે. સમાજને, દેશને હલાવી નાંખનારી આ ઘટના બને ત્યારે સ્વાભાવિક રીતે જ દેશમાં ઉચ્ચ સ્થાને બેઠેલાઓ પાસે ન્યાયની, તાત્કાલિક લેવાયોગ્ય પગલાની અપેક્ષા રહે છે. કુટુંબ હોય કે દેશ, તેના મોવડીની આ પ્રાથમિક ફરજ ગણાય. પરંતુ, છેલ્લાં થોડાં વર્ષોથી જોઈએ છીએ તેમ હાથરસની ઘટનામાં પણ આવું ન બન્યું. મારી જાણ મુજબ આપણા અતિ લોકપ્રિય નેતાજીએ એક શબ્દ પણ આ અંગે ઉચ્ચાર્યો નથી.

આપણે જાણીએ છીએ કે તેમને સિનેમાના નટ-નટીઓનાં લગ્નમાં હાજરી આપવાનો, કોઈના જન્મદિવસ પર મુબારકબાદી આપવાનો કે વિજ્ઞાનની અવનવી શોધો કરવાનો ને તેને વિશે બોલવાનો પ્રસંગ અને સમય મળતા રહે છે પરંતુ હાથરસ ઘટના તેમને ન મહત્ત્વની લાગે છે, ન તેમનાં દિલોદિમાગને હલાવનારી. સત્તામાં ઉચ્ચ આસને બેઠેલા નેતા તરીકે તેમજ દેશના મોવડી તરીકે તેઓ પોતાની ફરજ ચૂકી રહ્યા હોય એવું નથી લાગતું ?

સંચારમાધ્યમો પ્રજામત ઘડી શકે, પ્રજામતનો સાચી રીતે બહોળો પ્રચાર-પ્રસાર કરી શકે. પણ આ તો જાણે એક સિદ્ધાંત માત્ર હોય – જેનું કદીયે પાલન કરવાનું ન હોય તેવી બાબત બની ગઈ હોય એવું આજના મીડિયાને જોતાં લાગે છે. અસંવેદનશીલ જ નહીં પરંતુ પોતાના દર્શકો વધારવા માટે, સત્તાની ચાંપલૂસી કરવા માટે કેમ જાણે આ માધ્યમો કામ કરતાં હોય તે રીતે એકતરફી, સત્યથી વેગળા સમાચાર આપવા કે કેટલીક હકીકતો જનતા સુધી પહોંચવા ન દેવી, જેવી બાબતો સામાન્ય થઈ ગઈ છે.

સામાન્ય રીતે એવું જ દેખાય છે કે આવી ઘટનાઓ બને ત્યારે બળૂકો વર્ગ, જાતી ગુના કરનારાઓ સાથે થઈ જઈને નબળા વર્ગને દબાવે છે. પ્રતિક્રિયા રૂપે જે ભોગ બનેલા છે તેણે જ્ઞાતિનો સિક્કો વાપરવાનો આવે છે અને આમ, આખી ય સમસ્યા જ્ઞાતિ વિરુદ્ધ જ્ઞાતિનું સ્વરૂપ પકડી લે ત્યારે આ બાબત આપણને સ્વસ્થ સમાજથી વધુ ને વધુ દૂર લઈ જાય છે.

પોલીસની ભૂમિકા પણ કમનસીબે અત્યંત બેજવાબદાર, અન્યાયી અને અમાનવીય જ હોય છે. આપણા જેવા દેશમાં અપવાદરૂપે જ પોલીસ સામાન્ય માણસની રક્ષા કરતા નજરે ચઢે છે, તે ખરેખર દયનીય સ્થિતિ ગણાય. મોટાભાગના કિસ્સાઓમાં ગુનેગાર નિર્દોષ છૂટી જાય છે કારણ કે જાણી જોઈને પુરાવાઓનો નાશ કરાય છે કે ન્યાયાલય સમક્ષ રજૂ ન કરાય તેવી યોજના ઘડી કાઢવામાં આવે છે. ખૂબ મહત્ત્વના કેસમાં આપણે જોયું છે કે પુરાવાના અભાવે ખૂબ જાણીતો ગુનો હોય, બહુ ચર્ચિત બનેલો હોય, ગુનેગાર તે વિશે ગર્વ પણ લેતા હોય છતાં નિર્દોષ છૂટી જાય છે. એટલે કે ગુનો થાય છે, જેને માટે જવાબદાર કોઈ નથી ! એટલે આમ તો બચ્યો ભગવાન જ !!

એકવીસમી સદીમાં જ્યારે ફોરેન્સિક સાયન્સ આટલું વિકસેલું છે ત્યારે કોઈ ગુનેગાર છટકી જાય તે બાબત આશ્ર્ચર્ય પમાડે તેવી છે. આજે ગુનો પકડવા માટે સી.સી.ટી.વી., કેમેરા, મોબાઈલ કૉલના રેકોર્ડસ વગેરે અનેક બાબતો ટેકનોલોજીની મદદથી પોલીસખાતા પાસે ઉપલબ્ધ છે. તેથી કોઈ મીલીભગત કે બદઈરાદો હોય તો જ ગુનેગાર પોલીસની નજરમાંથી છટકી શકે; બાકી એ શક્ય નથી.

પરંતુ અહીં તો પરિસ્થિતિ જ કંઈક જુદી છે. વરિષ્ઠ પત્રકાર ભાષાસિંગનો હાથરસનો ગ્રાઉન્ડ રિપોર્ટ જણાવે છે તેમ, ‘અહીં તો ગુનેગારોના અત્યાચાર બાદ પોલીસનો અત્યાચાર શરૂ થઈ ગયો. જે ગુનેગાર છે તેમને બચાવવાના બધા પ્રયત્નો પોલીસતંત્ર તેમજ વહીવટીતંત્ર બળૂકા વર્ગની સાથે મળીને કરી રહ્યું છે.’ પીડિતાની લાશ કુટુંબને ન સોંપાઈ, કુટુંબીજનો, માતા-પિતા દીકરીનું મોં જોવાની ભીખ માંગતાં રહ્યાં ને કપટ કરીને પોલીસે પોતે થઈને ‘રાતના અંધારા’માં પીડિતાની લાશ (અને સાથે ગુનેગારને ગુનેગાર સાબિત કરનારા પુરાવાઓ) બાળી નાંખી – કાયદો, માનવતા, ધર્મ, સંસ્કૃતિ, સામાન્ય વ્યવહારુ બુદ્ધિ અને સભ્યતા એ બધું જ નેવે મૂકીને ! એટલું જ નહીં, ગુનેગારોને બચાવવા, પોલીસતંત્રએ તેમજ વહીવટીતંત્રે કરેલ ગેરકાયદેસર વર્તન (જે રાજ્યસત્તાની છત્રછાયા વિના સંભવ ન જ બને) ઉપર પડદો નાંખવા માટે હવે જાત-ભાતના તર્ક-વિતર્કો (theories) વહેતા મૂકવામાં આવ્યા છે. પોલીસ કહે છે, “બળાત્કાર થયો જ નથી, આ તો સગાંવહાલાઓ દ્વારા કરવામાં આવેલી હત્યા છે. કારણ કે પીડિતા કોઈ બીજી જાતિની વ્યક્તિ સાથે પ્રેમમાં હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પીડિતાના કુટુંબને ચૂપ રહેવાના આદેશ અપાયાના અહેવાલ બહાર આવ્યા છે. ઉ.પ્ર. સરકાર દ્વારા આ કેસમાં તપાસ માટે અત્યાર સુધીમાં ૨૧ એફ.આર.આઈ. દાખલ કરવામાં આવી છે, અને હજુ તે કામ ચાલુ જ છે. દા.ત. આ બળાત્કાર હતો જ નહીં, એક ખૂન હતું, આ તો યુ.પી. સરકારને અસ્થિર કરવા માટેનું એક કાવતરું છે. જેના પુરાવારૂપે તેમણે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાનો વિરોધ થઈ રહ્યો છે તેને ટાંક્યા છે ! સાચે જ આવા તર્કો એ તો કોઈ અત્યંત બુદ્ધિશાળીનું જ કામ હોઈ શકે. પરંતુ સૌથી આઘાતજનક બાબત તો ઉતાવળે કરાયેલો અગ્નિદાહ જ છે – કારણ કે તેને કારણે ગુનો સાબિત કરવા માટેના અત્યંત આવશ્યક એવા પુરાવાઓનો નાશ કરાયો હતો.

મીડિયાએ પીડિતાના પરિવાર સામે રીતસરનો મોરચો ખોલી દીધો છે. તેણે આ પરિવારને એવી રીતે ઘેરી લીધું છે કે એ લોકો દબાણમાં આવીને કોઈક રીતે ન્યાય માટેની લડાઈ છોડી દે, કેસ પાછો ખેંચી લે તેમજ તેમની સાથે જે ઊભા છે તેની વિરુદ્ધ કંઈક બોલે. તો બીજી તરફ આ જ મીડિયા પોલીસ કે જિલ્લા મેજિસ્ટ્રેટને પ્રશ્ર્ન નથી પૂછતું કે અડધી રાત્રે કુટુંબીઓની ગેરહાજરીમાં પેટ્રોલ નાંખીને પીડિતાની લાશને ચોરી-છૂપીથી બાળી નાંખવા પાછળ શું કારણ હતું ? શું એ બાબત દેશને જાણવાની જરૂર નથી (the nation wants to know?!) ?

હાથરસનો એ પરિવાર આ બધાં જ વિપરીત તેમજ દબંગ પરિબળો છતાં ટટ્ટાર ઊભો છે. ઉત્તરપ્રદેશનાં અન્ય ગામોની જેમ હાથરસમાં કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓની દાદાગીરી અને જાતિભેદ તેની ચરમસીમા પર છે ત્યારે પીડિતાના પરિવારની આ દૃઢતા કાબીલેદાદ છે. તેની કરોડરજ્જુ આજના મીડિયા, વહીવટીતંત્ર કે શાસનની જેમ વાંકી નથી વળી ગઈ. તે ઇચ્છે છે કે તેમની પોતાની દીકરી સાથે માત્ર નહીં, ભારતની કોઈ પણ દીકરી સાથે આવો અન્યાય ન થવો જોઈએ. દીકરીનાં કાકી કહે છે, “અમારી દીકરી તો ગઈ, પરંતુ દેશની બીજી છોકરીઓ સલામત રહે, સારી જિંદગી જીવે, સારું શિક્ષણ મેળવીને આગળ વધે તેને માટે – દીકરીઓ માટે અમે ન્યાય માંગીએ છીએ. તેઓ કદાચ એ સમજે છે કે તેમણે જો આ લડાઈ છોડી દીધી તો કોઈને ન્યાય નહીં મળે. તેમની આ લડાઈ જેટલી વ્યક્તિગત છે તેટલી જ વ્યાપક પણ છે.

બળાત્કાર એ આજની વ્યવસ્થારૂપી રોગનું એક લક્ષણ છે. પિતૃ-સત્તાક માનસ તેમાં નિહીત છે. પરંતુ વધુ જટિલ બાબત એ છે કે બળૂકો વર્ગ, પછી તે જ્ઞાતિ-ધર્મને કારણે હોય, પૈસાને લીધે હોય કે સત્તાને કારણે કોઈ પણ હદે જઈ શકે છે. જાણે કે તેને માટે આખો દેશ – આખી દુનિયા ખુલ્લું મેદાન છે. પછી તે અન્ય ધર્મ-જાતિ પર આક્રમણ હોય, બળાત્કાર કે અન્ય લિંગભેદ આધારિત અન્યાયો હોય, કુદરતી સંસાધનોનું શોષણ, પૈસાની ઉચાપત, અન્ય દેશની સીમા હડપી લેવી કે જુદા મતને વ્યક્ત થવા પર પાબંદી. જેની પાસે બળ છે, સત્તા છે, પૈસો છે તેનાથી દબાઈને જીવવાની રીત જાણ્યે-અજાણ્યે પ્રસ્થાપિત થતી જાય છે કારણ કે તે કોઈ પણ રીતે તમારું જીવવું હરામ કરી શકે છે.

આવું કંઈક બને ત્યારે ન્યાયની માંગ બહેનો કે યુવાનો-વિદ્યાર્થીઓનાં સંગઠનો જ તેનો વિરોધ કરીને કરે, જાણે કે આવી કોઈ પણ અણછાજતી ઘટનાઓની જવાબદારી આંગળીને વેઢે ગણી શકાય તેટલા સંવેદનશીલ લોકોની જ ન હોય ! અને પછી આમ કરવા બદલ તેમને રાષ્ટ્રદ્રોહી કે ‘અર્બન નકસલ’ તરીકે ખપાવી દેવાય છે.

  • કેમ દેશના મોટા ભાગના લોકો આવી ઘટનાઓનો હિંમત-પૂર્વક વિરોધ ન કરે ?
  • કેમ દેશના ૬૦% થી વધુ લોકો આવા પ્રસંગે રાષ્ટ્રીય ઉપવાસ પર ન બેસે ?
  • રાષ્ટ્રીય શોક તરીકે અડધી કાઠીએ ઝંડો કેમ ન ફરકાવાય?
  • ભારતબંધનું એલાન કેમ ન અપાય ?
  • જે લોકોએ ગુનો કર્યો છે તેમનો સામૂહિક બહિષ્કાર કેમ ન કરવામાં આવે ? (યાદ રહે, ઉ.પ્ર.માં તેમના સમર્થનમાં રેલી થઈ હતી.)
  • પ્રાયશ્ર્ચિત્તરૂપે પુરુષોના નેટવર્ક બને અને આવી હિંસા ન થાય તે માટેના કાર્યક્રમોનાં આયોજન કેમ નથી થતાં ?

આ યાદી લાંબી અને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે સૌ વાચક-મિત્રોનું સ્વાગત છે.

વિશ્ર્વગુરુ બનવું હોય તો સૂત્રો, ફેન્સી લક્ઝુરીયસ વિમાનો, કમ્પ્યુટર કે મોટા કાર્યક્રમોની ચમકદમકથી નહીં પરંતુ વધુ સંવેદનપૂર્ણ, ન્યાયી, અહિંસક સમાજરચના, સમાનતા, ગુનાખોરીમાં ઘટાડો, સમરસતા વગેરે તરફ આગળ વધવું પડશે. એકવીસમી સદીનો સંબંધ કેલેન્ડર સાથે ઓછો અને અહિંસક, શાંતિપૂર્ણ સ્વસ્થ સમાજ સાથે વધુ છે, એ કહેવાની જરૂર છે ખરી ?

– સ્વાતિ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s