યુરોપના છેલ્લા તાનાશાહ સામે એક શિક્ષિકાનો પડકાર

બેલારુસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓનાં પરિણામો ૯મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ આવ્યાં. એલેક્ઝેન્ડર લુકાશેન્કો સતત છઠ્ઠી વખત ૮૦ ટકા મતથી ફરી એક વાર જીત્યા. વિરોધી ઉમેદવાર અંગ્રેજી શિક્ષક સ્વેતલાના તિખાનોવસ્કાયાને માત્ર ૧૦ ટકા મત જ મળ્યા. તે પછી સપ્ટેમ્બર મહિનામાં, બેલારુસના હજારો લોકો પોતાનો ડર છોડી પ્રથમ વખત રસ્તાઓ પર આવ્યા. દરરોજ થઈ રહેલાં પ્રદર્શનો-દેખાવોને કારણે ભૂતપૂર્વ સોવિયત સંઘના સૌથી મહત્ત્વના આ દેશમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. જ્યાં પ્રમુખ લુકાશેન્કો પોતાનું એકહથ્થુ શાસન છેલ્લાં ૨૬ વર્ષથી ચલાવી રહ્યા છે, આ પ્રદર્શનોને કારણે શાસન સમાપ્ત થવાને આરે છે. આ લેખમાં બેલારુસની રાજધાની મિન્સ્કના રસ્તાઓ પર ગુંજતા સ્વતંત્રતાના નારાઓથી બદલાતી હવાને સમજવાનો પ્રયત્ન કરીશું.                     

    – સંપાદક

બેલારુસની રાજધાની મિન્સ્કમાં આવેલી એક ટ્રેક્ટર ફેક્ટરીના કામદારોએ પહેલી જ વાર ૧૭ ઑગસ્ટના રોજ હડતાલ જાહેર કરી. વિશ્ર્વના ૨૦ ટકા પોટાશ ખાતરોનું ઉત્પાદન થાય છે તે સોલિગર્સ પોટાશ ફેક્ટરીની ખાણના કામદારો તેમજ રાજ્ય ટેલિવિઝન ચેનલના કર્મચારીઓ પણ હડતાલ પર ઊતર્યા. સરકારી યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરી આવ્યા. આ હડતાલ અંગે મિન્સ્ક ટ્રેક્ટર ફેક્ટરીની હડતાલ સમિતિના સભ્ય સેરગેઈ ડીલેવસ્કી કહે છે, ‘છેલ્લાં ૨૬ વર્ષથી અમે શાસનના ડરથી ચૂપ બેઠા છીએ, પરંતુ ૯ ઓગસ્ટ પછી દેશમાં જે થઈ રહ્યું છે, હવે તે સહન કરી શકાય નહીં.’ આ ડરનો અંત આવવો તે આજે બેલારુસ માટે સૌથી મોટી ઘટના સાબિત થઈ રહી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામો આવતાં જ લોકોની ધીરજ ખૂટી ગઈ અને લોકો પ્રદર્શન માટે રસ્તા પર આવ્યા. ત્યારે લોકો પર હંમેશની જેમ સરકારનું દમનચક્ર શરૂ થયું. આશરે ૭૦૦૦ લોકોની ધરપકડ; મીડિયામાં કામ કરનાર વ્યક્તિઓ પર હુમલો અને તેમને નોકરીમાંથી હાંકી કાઢવા; જેલોમાં તેમના પર ત્રાસ ગુજારવો; નોકરીઓમાંથી બરતરફ કરવા અને બીજા દિવસે વિરોધી ઉમેદવાર સ્વેતલાના તિખાનોવસ્કાયાને પડોશી દેશ લિથુઆનીયામાં આશરો લેવો પડ્યો.

કોરોના મહામારીના સમયમાં પણ હજારોની સંખ્યામાં લોકોનું પ્રદર્શન

જ્યાંથી તેમણે સંદેશ મોકલાવતાં કહ્યું કે, ‘ખૂબ જ મુશ્કેલ સમયમાં પોતાની અને પરિવારની સલામતીને ધ્યાનમાં રાખીને  તેમને દેશ છોડવાની ફરજ પડી છે.’ – પરંતુ ત્યાર બાદથી જ બેલારુસમાં દેખાવોએ જોર પકડ્યું છે. એક તરફ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને યુરોપિયન યુનિયન નજર રાખી રહ્યા છે, બીજી તરફ રશિયાએ બેલારુસને મદદની ખાતરી આપી છે અને પોતાના સૈન્યને હાઈ એલર્ટ પર રાખ્યું છે. રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ જાહેરાત કરી છે કે જો જરૂર પડશે તો તેઓ દેશમાં પ્રદર્શનો દબાવવા અને દેશની સુરક્ષા માટે સેનાનો ઉપયોગ પણ કરશે.


તમને આ પણ વાંચવું ગમશે


૧૯૯૧ પછી ‘નવું’ બેલારુસ

૨૫ ઑગસ્ટ ૧૯૯૧ના રોજ સોવિયત સંઘના વિભાજન બાદ બેલારુસ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. તે પહેલાં પણ બેલારુસ માત્ર સોવિયત સંઘનું મહત્ત્વનું ઘટક જ નહિ, પરંતુ ૧૯૪૫માં જ્યારે  સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ ત્યારે બેલારુસ અને યુક્રેન બંને સ્થાપક સભ્યોમાંના પ્રદેશો હતા. બેલારુસ સીઆઈએસ, એનએએમ જેવા અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનનું સભ્ય પણ છે. પરંતુ આ બંને દેશ યુરોપિયન યુનિયનના સભ્ય નથી. રશિયા સાથે તેનો નજીકનો રાજકીય અને આર્થિક સંબંધ આજે પણ છે. ૧૯૯૧માં બેલારુસમાં એક નવું બંધારણ બનાવી, એક નવી શાસનપ્રણાલી લાગુ કરી શક્યા હોત. પરંતુ વિભાજન પછી પણ ત્યાં સોવિયત સંઘના સમયથી ચાલી આવતી રાજ્ય આધારિત આર્થિક વ્યવસ્થા ચાલુ રહી. તેના કારણે આજે પણ દેશની લગભગ ૪૦ ટકા વસ્તી હજી સરકારી નોકરીઓમાં છે.

બેલારુસનું અર્થતંત્ર ટ્રેક્ટર, મોટાં મશીનો, પોટાશ ખાતર, પર્યટન, આઈટી ઉદ્યોગ વગેરે પર આધારિત છે. રશિયામાંથી તેને જરૂરી કાચો માલ મોટા જથ્થામાં મળે છે, એટલું જ નહિ સાથે સાથે ઉત્પાદન થયેલ માલની મોટાભાગની નિકાસ રશિયામાં જ કરવામાં આવે છે. બેલારુસ તેની તેલ અને ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા રશિયા પર નિર્ભર છે. લોકોનું જીવનધોરણ ઘણું ઊંચું છે, સમૃદ્ધિ છે. દેશની ૪૦ ટકા જમીન જંગલોથી ઘેરાયેલી છે, લગભગ ૧૧૦૦૦ તળાવો હોવાથી બેલારુસ ખૂબ સુંદર દેશ છે. રશિયા, યુક્રેન, પોલેન્ડ, લાતવિયા અને લિથુઆનીયા જેવા દેશોની સીમાથી ઘેરાયેલો બેલારુસ વ્યૂહાત્મક કારણોસર પણ મહત્ત્વનો છે કારણ કે તે યુરોપિયન યુનિયન અને રશિયા વચ્ચેનો બફર પ્રદેશ છે.

નવા બંધારણનું ઘડતર ૧૯૯૪માં થયું અને ત્યારબાદ બેલારુસમાં પહેલી વાર ચૂંટણી યોજાઈ હતી. એલેક્ઝેન્ડર લુકાશેન્કો તેમાં પ્રમુખ તરીકે ચૂંટાયા. રશિયા સાથેના જૂના સંબંધોને કારણે તેમજ નવા ઊભરતા રાજકીય પરિપ્રેક્ષ્યમાં પોતાને પ્રસ્થાપિત કરવા લુકાશેન્કોએ, બોરીસ યેલ્તસિન સાથે વર્ષ ૧૯૯૬-૧૯૯૯ની વચ્ચે રશિયા સાથે એક સંધિ કરી. જેનો હેતુ બંને રાષ્ટ્રો યુનિયન બનીને સાથે કામ કરે તેવો હતો, પરંતુ સંધિનું અંતિમ લક્ષ્ય રાષ્ટ્રો એકબીજામાં ભળી જાય તે હતું.

રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ બેલારુસના રાજકારણ પરની પોતાની પકડ એટલી મજબૂત બનાવી કે ૨૦૦૧, ૨૦૦૬, ૨૦૧૦, ૨૦૧૫ અને હવે ૨૦૨૦ સુધીમાં તેમની સામે કોઈ રાજકીય હરીફ ઊભરીને આવ્યા નથી. તેઓ હંમેશાં ૭૦-૮૦ ટકા મતોથી ચૂંટણી જીતતા રહ્યા. સામે વિપક્ષોએ હંમેશાં ચૂંટણી પ્રક્રિયામાં ધાંધલ અને પક્ષપાત અંગે પ્રશ્ર્નો ઉઠાવ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે, આ ચૂંટણીઓની નિંદા પણ થઈ છે કારણ કે ત્યાંની ચૂંટણીના નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઊભા રહેવા માટે સરકારની પરવાનગી લેવી જરૂરી હોય છે, તેથી વિપક્ષના કયા ઉમેદવારોને મંજૂરી આપવી તે બાબત સરકાર પોતાની સુવિધા મુજબ નક્કી કરે છે.

સ્વેતલાના તિખાનોવ્સ્કાયા : આકસ્મિક નેતા

સ્વેતલાના તિખાનોવ્સ્કાયા

૨૦૨૦ની ચૂંટણીમાં સરકારે સ્વેતલાના તિખાનોવસ્કાયાને ચૂંટણી લડવા માટે મંજૂરી આપી કારણ કે તેમને કોઈ રાજકીય અનુભવ ન હતો. હકીકતમાં, ૩૭ વર્ષીય અંગ્રેજી શિક્ષિકા અને ભાષાંતરકાર ચૂંટણીમાં ઊતર્યાં કારણ કે તેમના પતિ સેરગેઈ તિખાનોવ્સ્કાયા, યુટ્યુબર અને બ્લોગર છે તેમજ રાજકીય રીતે સક્રિય હતા. જેમની મે ૨૦૨૦માં સરકારે ધરપકડ કરી. જેના કારણે સ્વેતલાનાએ નોકરી છોડીને બાળકોની સંભાળ લેવી પડી – ત્યારબાદ તેમણે નિર્ણય કર્યો હતો કે તેઓ પોતે આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લુકાશેન્કો સામે અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહેશે. પછી એવા સંજોગો ઊભા થયા કે વિપક્ષના બે મહત્ત્વપૂર્ણ ઉમેદવારો, વલેરી સપકલાઓ અને વિક્ટર બાબરકીની રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારી નામંજૂર થઈ. પછી તે બંનેએ સ્વેતલાનાને પોતાનો ટેકો જાહેર કર્યો. પછી તો સ્વેતલાના અચાનક જ બેલારુસના રાજકારણની મુખ્ય ધુરી બની ગયાં.


તમને આ પણ વાંચવું ગમશે

ચીનમાં તાનાશાહી સામે લોકો પોતાના અધિકાર માટે કેવી રીતે અવાજ ઉઠાવે છે?

સુખની શોધ : વિજ્ઞાન, ધર્મ અને સમાજવિદ્યાઓ અને દર્શન

Black Lives Matter : અશ્વેતોના સામાજિક ન્યાય માટે વ્યાપ્ત થતું આંદોલન


જ્યારે વિપક્ષના નેતા, વિક્ટરને કેદ કરવામાં આવ્યા, ત્યારે તેમનાં પત્ની વેરોનિકા સપકલાઓ, સ્વેતલાના અને આ સમગ્ર અભિયાનના પ્રમુખ મારિયા કોલેસનિકોવા, ત્રણ મહિલાઓની જોડીએ દેશના વિપક્ષમાં નવી ઊર્જા ભરી આપી. તેમની ચૂંટણીસભાઓને જબરદસ્ત સફળતા મળી અને બેલારુસના ઇતિહાસમાં પ્રથમ વખત મોટી સંખ્યામાં લોકો વિપક્ષની સભાઓમાં ઉપસ્થિત રહ્યા, બ્રેસ્ટ શહેરમાં ૨૦,૦૦૦થી વધુ લોકો અને મિન્સ્કમાં ૬૦,૦૦૦ લોકો હતા.

રાષ્ટ્રપતિ લુકાશેન્કો, યુરોપના અંતિમ તાનાશાહ તરીકે પણ જાણીતા છે. પહેલાં તો તેમણે સ્વેતલાનાને નવા નિશાળિયા ગણીને ચૂંટણીમાં જોડાવાની મંજૂરી આપી, પરંતુ જ્યારે સ્વેતલાનાને જબરજસ્ત સમર્થન મળવાનું શરૂ થયું, ત્યારે રાષ્ટ્રપતિએ કહ્યું કે બેલારુસ હજી મહિલા રાષ્ટ્ર પ્રમુખ માટે તૈયાર નથી. પછી તો તેમણે ખુલ્લેઆમ સ્વેતલાનાને ધમકી આપવાનું શરૂ કર્યું. જેમકે સ્વેતલાનાનાં બાળકોને અનાથાશ્રમમાં મોકલવામાં આવશે. ધમકીઓને કારણે સ્વેતલાનાએ આખરે પોતાનાં બાળકોને વિદેશમાં તેમનાં દાદી પાસે મોકલ્યાં.

સ્વેતલાનાના ચૂંટણી પ્રચારના મુદ્દાઓમાં રાજકીય કેદીઓની મુક્તિ, ૧૯૯૪ના બંધારણ મુજબ લોકશાહી પ્રક્રિયાઓ ફરી જીવંત કરવી, રશિયા સાથે સંઘ સંધિનો અંત, ૬ મહિનાની અંદર સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ (કારણ કે તેઓએ હાલની ચૂંટણીઓને અમાન્ય ગણાવી, જેમાં વિપક્ષની સંપૂર્ણ ભાગીદારી ન હોય), મોટા ઉદ્યોગો સાથે નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન, આંતરરાષ્ટ્રીય રોકાણકારોને રક્ષણ, સ્વતંત્ર મીડિયાને પ્રોત્સાહન, વગેરેનો સમાવેશ થતો હતો. સ્વેતલાના હાલમાં પોતાનાં બાળકો સાથે લિથુઆનિયામાં છે અને ત્યાંથી તેઓ દેશમાં થઈ રહેલા દેખાવોને સંબોધી રહ્યાં છે.

યુરોપિયન યુનિયન, યુ.એસ. અને રશિયા વચ્ચે બેલારુસ

ઝડપથી બદલાતા ઘટનાક્રમમાં રશિયાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. રશિયા અને બેલારુસ વચ્ચે ગાઢ સંબંધો છે, પરંતુ આજે તેમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા છે. લુકાશેન્કોએ તેમની મહત્ત્વાકાંક્ષાને લીધે રશિયા સાથે સંઘ સંધિ પર તે સમયે હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે તેઓ બોરિસ યેલત્સિન કરતાં રાજકીય રીતે ઘણા મજબૂત હતા. પરંતુ બે દાયકામાં વ્લાદિમીર પુતિને રશિયાને ફરીથી મજબૂત બનાવ્યું અને બેલારુસના રાજકારણમાં દખલગીરી વધારી દીધી. તેલની કિંમતો અને અન્ય રાજકીય વિવાદોને કારણે બેલારુસ સરકારે ઘણા રશિયન અધિકારીઓને છૂટા કર્યા.

બીજી તરફ તેણે અમેરિકા સાથેના સંબંધો વધારવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે યુ.એસ. દ્વારા બેલારુસમાં માનવાધિકારની કથળતી જતી પરિસ્થિતિ અંગે સવાલ ઊભા કરવામાં આવ્યા ત્યારે બેલારુસે ૨૦૦૮માં અમેરિકી રાજદૂતને દેશમાંથી હાંકી કાઢ્યા. રશિયા સાથેના સંબંધો બગડતાં યુ.એસ. સાથે જોડાવું સહજ હતું. તેથી જાન્યુઆરી ૨૦૨૦માં બેલારુસે પહેલી વાર રાજદ્વારી કર્મચારીઓ વધારવાનો આદેશ આપ્યો. યુ.એસ.ના વિદેશ સચિવ માઇક પોમ્પોની બેલારુસ મુલાકાત પછી રાજદૂત કક્ષાએ સંબંધો ફરીથી સ્થાપિત કરવા વાટાઘાટો શરૂ કરવામાં આવી. લુકાશેન્કો પાસે આ બદલાતાં ઘરેલુ સમીકરણો વચ્ચે વધુ વિકલ્પો ન રહેતાં, પરિસ્થિતિ બદલાતાં તેમણે તરત જ ફરી પુતિન તરફની મિત્રતાનો હાથ લંબાવીને પહેલ કરી અને મદદ માંગી.

બેલારુસના લોકો લુકાશેન્કોની સરમુખત્યારશાહી પદ્ધતિથી મુક્તિ મેળવવા માગે છે કારણ કે આજે પણ બેલારુસની કેજીબી (યુએસએસઆર યુગ દરમિયાન કુખ્યાત હતી તે ગુપ્તચર સંસ્થા) લોકોની હિલચાલ પર નજર રાખે છે. માટે લોકો લોકશાહીની માંગ કરી રહ્યા છે. કેટલાક લોકોને નવાં જોખમોનો અણસાર પણ મળી રહ્યો છે. કોરોનાએ સમગ્ર વિશ્ર્વમાં પાયમાલી લાવી છે, ત્યારે પ્રમુખ લુકાશેન્કોએ કોરોનાને આંતરરાષ્ટ્રીય કાવતરું જાહેર કરી,  ૯મી મેના રોજ ભારે ભીડ વચ્ચે વાર્ષિક વિજય દિવસની ઉજવણી કરી. એક રીતે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા તેમણે દેશમાં ચૂંટણીઓ જાહેર કરી.

દેશમાં આર્થિક મંદી અને રાજકીય અસ્થિરતા છે. જ્યાં સ્વતંત્ર નાગરિક સમાજ અને રાજકીય વિપક્ષનાં મૂળિયાં મજબૂત ન હોય, તો ત્યાં નવી વ્યવસ્થા કઈ રીતે  સ્થાપિત થશે? પરંતુ ક્રાંતિ શું આ બધાં પાસાઓને ધ્યાનમાં રાખીને થતી હોય છે? લોકોની સ્વતંત્રતા માટેની ચાહના અને ભવિષ્યનાં સ્વપ્નો કોઈપણ ભયથી પર છે અને વ્યક્તિને કશું પણ કરવાની પ્રેરણા આપે છે.

પ્રખ્યાત લેખક અને દાર્શનિક  સ્લાવોજ જિજેક હાલની ઘટનાઓ જોતાં લખે છે કે કે બેલારુસનું અર્થતંત્ર ખનીજ તેલના ભાવોમાં આવેલા ઘટાડા, મંદી અને કોરોનાથી ઉદ્ભવતી નવી કટોકટીની વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અખાડો ન બનવું જોઈએ. કારણ કે ફક્ત રશિયા જ નહીં, યુએસ અને યુરોપિયન યુનિયન માટે બેલારુસનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ છે. તેમને ડર છે કે બેલારુસ, જે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય નાણાંકીય સંસ્થાઓના પ્રકોપથી બચવા પામ્યું છે, તે રાજકીય અસ્થિરતાના સમયગાળામાં આર્થિક અસ્થિરતામાં ડૂબી ન જાય. તેઓ માને છે કે એક તરફ લોકશાહી માટે સરમુખત્યારશાહી ધરાવતા દેશોમાં જાહેરમાં દેખાવો થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ પશ્ર્ચિમના મૂડીવાદી અને લોકશાહી દેશોમાં પણ દેખાવો થઈ રહ્યા છે જેને કારણે તેમના આંતરિક વિરોધાભાસો છતા થઈ રહ્યા છે. આ બધા વચ્ચે બેલારુસના લોકોના સંઘર્ષમાં સત્તા-પરિવર્તનની શક્તિ ભલે હોય, પરંતુ શું તેનાથી વ્યવસ્થા બદલી શકાશે?

– મધુરેશકુમાર(જનપથમાંથી સાભાર અનુવાદિત)


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s