ભીમા કોરેગાવ ધરપકડો વિશે ટૂંકમાં મહત્વનું…

હમણાં ત્રેવીસમી ઑક્ટોબરે ખ્રિસ્તી ધર્મના જેઝ્યુઇટ પંથના 83 વર્ષના પાદરી  સ્ટૅન સ્વામીને ભીમા કોરેગાવ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા. ભારતનાં રાજ્યતંત્ર તેમ જ  પોલીસ દળોમાં આવેલા મહત્વના ફેરફારના દાખલારૂપ ભીમા કોરેગાવ કેસમાં થયેલી આ સહુથી તાજેતરની ધરપકડ છે.

ભીમા કોરગાવ મહારાષ્ટ્રના પુણે જિલ્લાનું એક ગામ છે. અહીં 1818માં અંગ્રેજ લશ્કરના દલિત સૈનિકોએ પૂનાના બ્રાહ્મણ શાસક પેશ્વા બાજીરાવ બીજાની સેનાને હરાવી હતી. આ દલિત સૈનિકોમાં મોટા ભાગના મહાર સમુદાયના હતા.દર વર્ષે પહેલી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના દલિતો, ખાસ કરીને મહાર સમુદાયના લોકો, ભીમા કોરેગાવમાં મેળાવડો યોજીને  પેશ્વાઓ પરની જીતનો વિજય-દિન ઉજવતા હોય છે.એ મુજબ તેઓ 2018નાં પહેલાં દિવસે પણ એકઠા થયા હતા.

વિજય-દિનની પૂર્વ સંધ્યાએ પૂનામાં એક જાહેર સભા યોજાઈ હતી.તેનું નામ ‘એલ્ગાર પરિષદ’ એવું રાખવામાં આવ્યું હતું (મરાઠી ‘એલ્ગાર’ શબ્દનો અર્થ જોરદાર હુમલો એવો થાય છે).તેના આયોજકોમાં બે નિવૃત્ત ન્યાયાધીશોનો પણ સમાવેશ થતો હતો.આ સભાના વક્તાઓએ તેમનાં ભાષણોમાં ‘હિંદુત્વને એક જ બીબામાં ઢાળવાની’(homogenizing Hindutva) પ્રવૃત્તિને પડકારી હતી અને વર્તમાન સરકારની ટીકા કરી હતી.

એલ્ગાર પરિષદના બીજા દિવસે ભીમા કોરેગાવમાં યોજાયેલા મેળાવડા પર ઉજળિયાત હિન્દુ રાષ્ટ્રવાદીઓએ હુમલો કર્યો. તેને કારણે થયેલ સંઘર્ષમાં એક વ્યક્તિનું મોત થયું. પોલીસનો એવો આરોપ છે કે ભીમા કોરેગાવના હિંસાચાર માટેની ઉશ્કેરણી એલ્ગાર પરિષદના ભાષણોએ પૂરી પાડી હતી.હિંસાચાર બાદ એક દલિત કાર્યકર્તાએ જે બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેમાંથી સંભાજી ભીડે ભૂતકાળમાં સંઘ પરિવાર સાથે જોડાયેલા હતા.બીજા,ભારતીય જનતા પક્ષના પૂર્વ કૉર્પોરેટર મિલિન્દ એકબોટે અનેક વખત જેલમાં જઈ આવ્યા હતા જેમાંનો એક વખતનો  જેલવાસ કોમી હુલ્લડોમાં ભાગ લેવા માટે હતો. 

ભીમા કોરેગાવમાં દલિત કાર્યકર્તાએ કરેલી ફરિયાદને પગલે થયેલી તપાસના અહેવાલમાં ભીડે અને એકબોટે બંનેને ‘એક આયોજનપૂર્વકનાં કાવતરા’માટે દોષિત ગણવામાં આવ્યા હતા.પણ ટૂંકા ગાળાની  જેલ તો એકબોટેને જ મળી. ત્યાર બાદ ભીડેના એક ચેલા તુષાર દામગુડેએ ફરિયાદ કરી અને ત્યારથી પોલીસ ભીમા કોરેગાવ  કેસ સામે અલગ  નજરિયાથી જોવા લાગી. આ જ અરસામાં પૂનામાં ‘ફોરમ ફૉર ઇન્ટિગ્રેટેડ નૅશનલ સિક્યુરિટી’ નામનો,સંઘ પરિવારની સાથે નિકટતા ધરાવતો મંચ,માઓવાદી ષડયંત્રની વાત ફેલાવી રહ્યો હતો. થોડાક જ સમયમાં પોલીસે નવેસરથી ધરપકડો કરી અને આરોપીઓને  ‘અર્બન નક્સલ્સ’ તરીકે રજૂ કર્યા.

‘અર્બન નક્સલ્સ’ શબ્દપ્રયોગ કહેવાતા શહેરી માઓવાદીઓ એમ સૂચવે છે.માઓવાદનું ભારતીય રૂપ ‘નક્સલવાદ’છે જેની સત્વપરીક્ષાનું સ્થાન ગ્રામીણ ભારતના આદિવાસી વિસ્તારો છે.એનાથી વિપરિત, ‘અર્બન નક્સલ’ પ્રયોગ  શહેરી વિસ્તારના માઓવાદીઓનો નિર્દેશ કરે છે.આ શબ્દસમૂહ અરુણ જેટલીની દેણ છે.તેમણે સ્વીકૃત રાજકીય જૂથ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અર્બન નક્સલ્સ ઓળખાવ્યા હતા. જોકે આ શબ્દ અત્યારે જે અર્થમાં વપરાય છે તેનો યશ બોલિવૂડના ફિલ્મ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને આપવામાં આવે છે.

તેમણે આપેલી વ્યાખ્યા મુજબ ‘અર્બન નક્સલ એટલે એવા બુદ્ધિજીવી, કર્મશીલ કે લોકમત પર અસર કરનાર વ્યક્તિ કે જે ભારતના અદૃશ્ય દુશ્મન હોય’.જેટલીના શબ્દ પ્રયોગનો વિસ્તાર ભલે અગ્નિહોત્રીએ કર્યો હોય,પણ માઓઅવાદી ષડયંત્રના ખ્યાલનો ફેલાવો તો જમણેરી વિચારધારાને વરેલી સંસ્થાએ કર્યો છે. સંઘના નામ સાથે જોડાયેલી એક પુસ્તિકા 2019માં બહાર પડી છે.તેમાં અગ્નિહોત્રીનું લખાણ પણ છે.આ પુસ્તિકામાં કહેવાયેલી કેટલીક બાબતો આ મુજબ છે: અર્બન નક્સલ્સ અત્યારે પોલીસ, લશ્કર, નોકરશાહી અને સનદી સેવાઓમાં પગપેસારો કરી રહ્યા છે. એટલું જ નહીં પણ તેમણે ભારત સરકારને ઉથલાવી પાડવાની ઝુંબેશનાં મંડાણ પણ કર્યાં છે.ડાબેરી ઝૂકાવ ધરાવનાર બધા અધ્યાપકો અને પત્રકારો નક્સલવાદના ટેકેદારો છે અને તેમણે નક્સલ જૂથોની  હિંસાને પણ પીઠબળ પૂરું પાડ્યું છે. 


તમને આ પણ વાંચવું ગમશે


સપ્ટેમ્બર 2018માં કેન્દ્રના ગૃહમંત્રીશ્રીએ હોદ્દાની રુએ ચેતવણી આપી હતી કે નક્સલીઓ ‘શહેરોમાં આવી ચૂક્યા છે અને તેઓ લોકોને નક્સલવાદ તરફ વાળવાની કોશિશ કરી રહ્યા છે’. વડા પ્રધાનશ્રી ખુદ 2019માં વિદ્યાર્થીઓને એ મતલબની વાત કરી કે વર્તમાન સરકાર માટેના તિરસ્કાર સિવાય કશું વિચારી ન શકનારા અને પોતાને બૌદ્ધિક ગણાવનારા કેટલાક લોકો વિદ્યાર્થીઓને ખભે બંદૂક મૂકીને રાજકીય ફાયદો લઈ રહ્યા છે કે કેમ એવો સવાલ વિદ્યાર્થીઓને  થવો જોઈએ. એ વિદ્યાર્થીઓની  જિંદગી બરબાદ કરવા માટેનો  કોઈ પેંતરો રચી રહ્યા હોય તો તેની સામે  યુવાઓએ સજાગ રહેવું જોઈએ.

જૂન 2018માં રાજ્યની પોલીસે ભીમા કોરેગાવ કેસની તપાસ દરમિયાન પાંચ ‘અર્બન નક્સલ્સ’ ની ધરપકડ કરી. તેમની પર હિંસા માટે ઉશ્કેરણી કરવાનો જ નહીં પણ‘રાજીવ-ગાંધી હત્યાકાંડની સ્ટાઇલ’માં વર્તમાન વડાપ્રધાનની હત્યાનું કાવતરું રચવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. જે પાંચ વ્યક્તિઓ પર આ આરોપો મૂકવામાં આવ્યા હતા તેમાંથી માત્ર બે જ એલ્ગાર પરિષદમાં હાજર  હતા. સુરેન્દ્ર ગાડલિન્ગ વકીલ હતા,શોમા સેન અંગ્રેજીના નિવૃત્ત અધ્યાપક,સુધીર ઢવળે કવિ અને પ્રકાશક,મહેશ રાઉત અને રોના વિલ્સન મનવ અધિકાર ક્ષેત્રનાં કર્મશીલો છે. બે મહિના બાદ પોલીસે જેમની ધરપકડો કરી તે છે :કર્મશીલ કવિ વારાવારા રાવ, કામગાર સંગઠનના કર્મશીલ સુધા ભારદ્વાજ અને માનવ અધિકાર ક્ષેત્રના કાર્યકર્તાઓ તેમ જ કૉલમિસ્ટ લેખકો અરુણ ફેરેરિઆ અને વર્નન ગોન્સાલ્વિસ.

એપ્રિલ 2020માં બીજા બે ‘અર્બન નક્સલ્સ’ની ધરપકડ કરવામાં આવી.તેમાંના એક આનંદ તેલતુંબડે ગોવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટમાં પ્રોફેસર છે. ભારત પેટ્રોલિયમમાં એગ્ઝિક્યૂટીવ રહી ચૂકેલા તેલતુંબડેએ‘રિપબ્લિક ઑફ કાસ્ટ’સહિત અનેક પુસ્તકો અને ‘ઇકોનૉમિક ઍન્ડ પૉલિટિકલ વિકલી ઑફ ઇન્ડિયા’(ઇ.પી.ડ્બ્લ્યુ.)માં નિયમિત ધોરણે લેખો લખ્યા છે.ધરપકડ પામનાર બીજા ગૌતમ નવલખા ઇ.પી.ડ્બ્લ્યુ.ના પૂર્વ સંપાદકીય સલાહકાર અને પીપલ્સ યુનિયન ફૉર ડેમૉક્રેટિક રાઇટસના સભ્ય છે. ઓક્ટોબર મહિનામાં ઝારખંડના આદિવાસીઓની વચ્ચે કામ કરી ચૂકેલા સ્ટૅન સ્વામીની માઓવાદી સાથે જોડાણ હોવાનાં આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી.

આ બધાંની ધરપકડ ‘અનલૉફુલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ’(યુ.એ.પી.એ.)નામના આતંકવાદ વિરોધી જુલમી કાયદા હેઠળ કરવામાં આવી છે, અને તેમની ઊપર સરકારને ઉથલાવી પાડવાનાં તેમ જ વડા પ્રધાનની હત્યાનાં ષડયંત્રો રચવાનાં આરોપો મૂકાયાં છે.ધરપકડ થયેલ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓના કમ્પ્યૂટરમાંથી  મળેલા પત્રોને આધારે ઉપરોક્ત  આરોપો કરવામાં આવ્યા છે. તેની સામે  ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલની ‘ઍમ્નેસ્ટી ટેક’ નામની ડિજિટલ સુરક્ષા ટુકડીએ  શોધી કાઢ્યું કે ઉપરોક્ત બે કમ્પ્યૂટર્સમાંથી એકમાં એવું માલવેર છે કે જે રિમોટ અક્સેસને મંજૂરી આપે છે. એટલા માટે પેલા પત્રો ‘પ્લાન્ટેડ’ એટલે કે કમ્પૂટરના ધારકોએ લખેલાં નહીં, પણ બહારથી ઘૂસાડવામાં આવેલા હોવા જોઈએ એવો આરોપ ઍમ્નેસ્ટીએ કર્યો છે. પત્રો ઘૂસાડેલા હોઈ શકે છે એ આરોપને રદીયો એટલા માટે આપી શકાય એમ નથી કારણ કે નક્સલોનું કમ્યૂનિકેશન હંમેશા ખૂબ સાંકેતિક ભાષામાં હોય છે.

મહારાષ્ટ્ર પોલીસે આરોપીઓનાં ઘરોને ઝડતી લેતી વખતે તેમની વિરુદ્ધના પૂરાવાની યાદીમાં એવાં સાહિત્યનો સમાવેશ પણ કર્યો કે જે પ્રતિબંધિત ન હોય. તેમણે આરોપીઓના રાજકીય વિચારો અને સામાજિક વલણો અંગે પણ ટિપ્પણી કરી. જેમ કે, પોલીસે વારાવારા રાવની દીકરી પવના અને જમાઈ કે. સત્યનારાયણનાં ઘરની પણ ઝડતી લીધી. એ દરમિયાન હૈદરાબાદની ઇન્ગ્લિશ ઍન્ડ ફૉરિન લૅન્ગ્વેજેસ યુનિવર્સિટીના અધ્યાપક એવા સત્યનારાયણને પોલીસે પૂછ્યું, ‘તમે માઓ અને માર્ક્સ પરનાં પુસ્તકો શા માટે વાંચો છો ? તમે તમારાં પુસ્તકો ચીનમાંથી શા માટે પ્રકાશિત કર્યાં છે ? તમારા ઘરમાં ભગવાનના ફોટા નથી, પરંતુ ફુલે અને આંબેડકરના એવું શા માટે ?’ વારાવારા રાવની દીકરીને પોલીસે પૂછ્યું, ‘ તમારાં પતિ દલિત છે, એટલે એ કોઈ રૂઢિનું પાલન કરતા નથી. પણ તમે તો બ્રાહ્મણ છો, તો પછી તમે કોઈ ઘરેણાં કેમ નથી પહેર્યાં અને તમારે માથે સિંદુર-ચાંદલો કેમ નથી ? તમે પરંપરાગત  પત્ની પહેરે તેવાં કપડાં કેમ નથી પહેર્યાં ? દીકરી બાપ જેવી જ હોય એવું  જરૂરી છે ?’

આવા સવાલો બતાવે છે કે પોલીસ ઉજળિયાતોએ નક્કી કરેલી ધર્મની વ્યાખ્યા સાથે લોકોને સંમત કરાવવાની અને ડાબેરી વિચારધારાનો ઇન્કાર કરવાનું તેમના મનમાં ઠસાવવાની કોશિશ કરી રહી છે. તેમાં પોલીસનો બુદ્ધિવાદ વિરોધી અવૈજ્ઞાનિક અભિગમ છતાં થાય છે. વળી તેમાં હિન્દુ રાષ્ટ્રવાદી ધર્મરક્ષકો (વિજિલાન્ટે)ની માન્યતાઓના પડઘા પણ હતા.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં ઇતિહાસકાર રોમિલા થાપર અને બીજા બૌદ્ધિકોએ  ભીમા કોરેગાવ સંબંધિત ધરપકડોની સામે સર્વોચ્ચ અદાલતમાં ઑગસ્ટ 2018 માં અરજી દાખલ કરી. પણ ત્રણ ન્યાયાધીશોની બેન્ચમાંથી બે ન્યાયાધીશોએ આરોપીઓના જામીન નામંજૂર કર્યા. અસંમતિ ધરાવનાર ન્યાયાધીશ ડી.વાય.ચન્દ્રચૂડે કહ્યું, ‘સરકારની સામેના વિરોધ અને સશસ્ત્ર માર્ગે સરકારને ઉથલાવવાની કોશિશ આ બંને બાબતોને એકબીજાથી સ્પષ્ટ અલગ ગણવી જોઈએ.’ ચન્દ્રચૂડના મતે ભીમા કોરેગાવનો કેસ ‘રાજ્ય દ્વારા લોકોના વિરોધને દબાવી દેવાનો પ્રયત્ન છે. આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી એટલા માટે કરવામાં આવી રહી છે કે તેઓ માનવ અધિકારના ભંગનો ભોગ બનેલા વ્યક્તિઓના બચાવમાં ઊભાં રહ્યાં છે’. બીજા શબ્દોમાં કહીએ તો, ભીમા કોરેગાવ કેસના આરોપીઓ એ નિરંકુશ ન્યાયાલયીન સત્તાવાદ(જુડિશિયલ ઑથોરિટેરિયનિઝમ)નો  ભોગ બનેલા રાજકીય કેદીઓ છે.

મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર 2019ની ચૂંટણીઓ પછી નવી ગઠબંધન સરકાર આવી.એ સરકારે ભીમા કોરેગાવના આરોપીઓ સામેનાં આરોપપત્રની ફેરવિચારણા કરવાનો નિર્ણય લીધો. તેના બીજા જ દિવસે કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે કેસની તપાસ નૅશનલ         ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી.

સંયુક્ત રાષ્ટ્રસંઘનાં મિશેલ બૅચેલેએ વીસમી ઓક્ટોબરે ભારત સરકારને અરજ કરી કે તે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને શાંતિપૂર્ણ સંમેલન માટેના અધિકારના ઉપયોગ કરનાર કોઈની તે અટકાયત ન કરે. તેમણે એમ પણ કહ્યું કે ભારતના મજબૂત નાગરિક સમાજનું રક્ષણ કરવા માટે સરકાર કાયદા અને નીતિ થકી બની શકે તે બધું જ કરે. જે મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરવાની ભારત સરકારની ફરજ છે તે અધિકારોનો કેવળ ઉપયોગ કરનાર વ્યક્તિઓને અનલૉફુલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ હેઠળ થયેલી ધરપકડમાંથી મુક્ત કરવામાં આવે એવો  અનુરોધ  પણ સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકાર માટેનાં હાઇ કમિશનરે ભારત સરકારને કર્યો.

ક્રિસ્તૉફ જેફ્રેલોના ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત ‘મિરર્સ ઑફ ભીમા કોરેગાવ’ લેખનો અનુવાદ થોડા ફેરફાર સાથે

અનુવાદ : સંજય સ્વાતિ ભાવે

-X-X-X-X-X-X-X-X-X-

વિશેષ વાંચન માટે કેટલુક….

Opinion | Harsh Mander writes: Stan Swamy has stood with the oppressed. The state considers him an enemy

Opinion | PB Mehta writes: Loneliness of Varavara Rao, Anand Teltumbde, Sudha Bharadwaj tells a disquieting tale about state and us

Opinion | Anand Teltumbde writes: For the record — Am I a Naxalite?


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s