ચેતજો, પાછાં આવી રહ્યાં છે – બીટી રીંગણ!

વળી પાછું બીટી રીંગણનું ભૂત ધૂણ્યું છે અને આવતાં એકાદ-બે વરસમાં આપણાં ખેતરો, શાક માર્કેટ અને ભાણામાં તે લાવવાની પેરવી પાકે પાયે ગોઠવાઈ ગઈ છે. વાચકોને ખ્યાલ હશે કે, વરસ ૨૦૧૦ની ૯મી ફેબ્રુઆરીના રોજ તત્કાલિન પર્યાવરણમંત્રી જયરામ રમેશે જાહેર કરેલું કે, ‘જ્યાં સુધી સ્વતંત્ર કસોટીઓ દ્વારા પર્યાવરણ અને આરોગ્ય સંદર્ભે બીટી રીંગણની સલામતીની ખાતરી પ્રજા અને વ્યવસાયકારો (Professionals)ને ન થાય ત્યાં સુધી તેની ખેતી પર પ્રતિબંધ.’ આમ જોઈએ તો ભારતીય કૃષિના ઇતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ  નિર્ણય લેવાયેલો.

જીએમ પાકોના પુરસ્કર્તાઓ, બીજ ઉપર કબજો જમાવનારા, પ્રજાના આરોગ્ય અને પર્યાવરણના ભોગે ભારતીય કૃષિનો ‘વિકાસ’ કરનારાને એક જબ્બરનો બોધ મળેલો. એ નિર્ણયે કમ સે કમ એટલું તો સાબિત કરી દીધું કે, કહેવાતા વિજ્ઞાનીઓની નિયમન સમિતિ (Genetic Engineering Appraisal Committee-GEAC) દેશના હિતમાં યોગ્ય નિર્ણય જ લે તેવું માનવું જરૂરી નથી. પર્યાવરણમંત્રીએ એ નિર્ણય લેતા પહેલાં દેશભરમાં જાહેર સભાઓ યોજીને દેશના વિજ્ઞાનીઓ, ખેડૂતો, ગ્રાહકો, નિસ્બત ધરાવતા નાગરિકો, પર્યાવરણના નિષ્ણાતો, વૈદો, દાક્તરોના અભિપ્રાયો માંગેલા અને દુનિયાભરના વિજ્ઞાનીઓની સલાહ મેળવેલી. આજે આપણે તે નિર્ણયના દશકને મનાવી રહ્યા છીએ.

મહિકો-મોન્સેન્ટો બાયોટેક કંપનીની બીટી રીંગણની તે જાતને ચકાસણી દરમ્યાન ‘ઈવેન્ટ CC-૧’ નામ અપાયું હતું. ભારતમાં જીએમ પાકોની ચકાસણી બાબતે ખોટા પ્રોટોકોલ, અપૂરતી કસોટીઓ, ખોટાં તારણો, કંપનીઓ જાતે જ કસોટીઓ કરાવીને સલામતી પુરવાર કરે, જીએમ પાકો વિકસાવનારા પોતે જ નિયમન કરનાર હોય, તટસ્થતા અને પારદર્શિતાનો અભાવ જેવી પારાવાર અધૂરપો છે. ‘ઈવેન્ટ CC-૧’ની ચકાસણીના અહેવાલો મેળવવા સર્વોચ્ચ અદાલત પાસેથી હુકમ કરાવવો પડેલો.

અને પછી દેશ-દુનિયાના વિજ્ઞાનીઓએ તેનો સ્વતંત્ર અભ્યાસ કરીને જે મત આપ્યો તેનાથી ગાય, બકરાં, ઉંદર, મરઘાં, સસલાં ઉપર તેની માઠી અસરો ન થયાની ખાતરી થતી ન’તી. તે વખતે દેશનાં ૧૦ રાજ્યો, બે કૃષિ યુનિવર્સિટીઓ અને બે બાગાયત યુનિવર્સિટીઓએ તેનો વિરોધ કરેલો. પર્યાવરણમંત્રીએ તેમના અહેવાલમાં કઈ કઈ કસોટીઓ કરાવવી હજી જરૂરી છે તેની પણ યાદી આપેલી. પણ વીતેલા આખા દાયકા દરમ્યાન એકે ય નવી કસોટી કરી/કરાવી નથી.


તમને આ પણ વાંચવું ગમશે


‘ઈવેન્ટ CC-૧’ જાતનું ૬૮૦ કિ.ગ્રા. બિયારણ કંપનીએ નેશનલ બ્યૂરો ઑફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સિસ (NBPGR)માં જમા કરાવવાનુ હતું તે હજી જમા કરાવ્યું નથી અને સરકારે તે ચૂક બદલ કોઈ પગલાં લીધાં નથી.

ભારતમાં સફળતા ન મળી. ફીલીપાઇન્સની સર્વોચ્ચ અદાલતે પણ મનાઈ ફરમાવી. પણ બાંગ્લાદેશમા ચૂંટણી પહેલાંની ડામાડોળ સ્થિતિ વચ્ચે ઉતાવળે મંજૂરી અપાઈ અને ૨૦૧૩થી સરકારી યોજના હેઠળ બીટી રીંગણના રોપ ખેડૂતોને વહેંચવાના શરૂ થયા. આ નિર્ણય બદલ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીએ બાંગ્લાદેશના વડાપ્રધાનનું સન્માન પણ કર્યું. ત્યાંની ઉબીનીગ નામની સંસ્થાના જણાવ્યા પ્રમાણે, સરકાર રાહતો દ્વારા ખેડૂતોને બીટી રીંગણની ખેતી કરવા લલચાવે છે. જે ખેડૂતો આ બીજની ખેતી કરે તેમની પર જાપ્તો રખાય છે. બીટી રીંગણનો વિરોધ કરનાર ઉપર હુમલાના કિસ્સા પણ બન્યા. સરકાર અને કંપની આ રીંગણની સફળતા સાબિત કરી રહ્યા છે. પરંતુ સ્વેચ્છાએ બીટી રીંગણ ઉગાડતા ખેડૂતોની સંખ્યા દર વરસે ઘટતી જાય છે.

દરમ્યાનમાં ભારતમાં મહિકો-મોન્સેન્ટો કંપની હજી કેડો મૂકતી ન’તી. તેણે ૨૦૧૬માં વળી પાછી GEACને તે જ બીટી રીંગણનાં જાહેર નિદર્શન કરવાની છૂટ આપવા વિનંતી કરી. GEACએ સલાહ આપી કે, સરકારી એજન્સી Indian Council of Agricultural Research (ICAR) અને કંપની જાતે બાંગ્લાદેશ જઈને તેના અનુભવો જાણી આવે. બાંગ્લાદેશની સરકારી સફળતાનો લાભ ભારતને મળે તો સારું તેવું GEACને લાગ્યું હશે. તેમાં વળી ૨૦૧૮માં હરિયાણામાં બીટી રીંગણની ગેરકાયદે ખેતી પકડાઈ.

GEACને ફરિયાદ સાથે તેના સેમ્પલ મોકલવામાં આવ્યા તો મહિનાઓ સુધી તો પહોંચ સુધ્ધાં ન મળી. મીડિયા દ્વારા દેશવ્યાપી હોબાળો થયો અને પત્રકારોએ પૂછપરછ કરી ત્યારે ટેસ્ટ કરાવીને કબૂલ્યું કે, તે રીંગણ જનીન રૂપાંતરિત છે પણ ‘ઈવેન્ટ CC-૧’નથી. એટલે કે તે બિયારણ બાંગ્લાદેશથી છૂપી રીતે આવેલું ન’તુ! તો પછી બીટી રીંગણની આ નવી જાત કોની વિકસાવેલી હશે?

આ બીજનો મૂળ સ્રોત કયો? આનો જવાબ જાણવાની દરકાર સરકારે આજ દિન સુધી કરી નથી કારણ કે તેમાંથી તંત્રની લાપરવાહી અને સરકારી વિજ્ઞાનીઓની મેલી મુરાદનો બીજો મોટો ઘટસ્ફોટ થાય તેવી શંકા છે. દાયકો વીત્યો પણ નિયમનતંત્રમાં કોઈ ભરોસાપાત્ર ફેરફાર ન થયો. પરંતુ આ દરમ્યાન સુપ્રીમ કોર્ટે નિમેલ ટેકનિકલ નિષ્ણાત સમિતિ અને બે સંસદીય સમિતિઓએ ભારતમાં જીએમ પાકો દાખલ કરવા વિશે મહદ્અંશે પ્રતિકૂળ અભિપ્રાય જ આપ્યો છે. છતાં દેશના કેટલાક વિજ્ઞાનીઓ અને બીજના ધંધાદારીઓ યેનકેન પ્રકારેણ જીએમ પાકો ઘૂસાડવાના ધમપછાડા હજી છોડતા નથી. આ વિજ્ઞાનીઓ હવે જીએમ પાકોનો વિરોધ કરનારાને જાહેરમાં દેશદ્રોહી (Anti-national) કહેવા માંડ્યા છે.

અહીં એક મહત્ત્વની આડ વાત સમજી લઈએ. મોન્સેન્ટોના બીટી કપાસના વિકલ્પે ૨૦૦૯માં ICARના નેશનલ રિસર્ચ સેન્ટર ઑન પ્લાન્ટ બાયોટેક્નોલોજી (NRCPB)એ સ્વદેશી બીટી કપાસ ‘બિકાનેરી નરમા’(BNBt) નામની જાત વિકસાવ્યાની જાહેરાત કરેલી. તેનું અપેક્ષા પ્રમાણે ઉત્પાદન ન મળવાની ફરિયાદ ખેડૂતો અને સરકારી બીજ એજન્સીઓએ કરી એટલે તેનું બીજોત્પાદન બંધ કરાયું. પણ પાછળથી ભાંડો ફૂટ્યો કે તેમાં તો મોન્સેન્ટોનો જનીન છે, અને સરકારે તે જાત પાછી ખેંચવી પડી. આ છબરડામાં ભારતીય વિજ્ઞાન સંસ્થાનોમાં થઈ રહેલા નૈતિક અને ચોકસાઈના ધોવાણનું પ્રતિબિંબ પડ્યું અને ભારે નાલેશી થઈ.

આ જ NRCPB દ્વારા મહિકો-મોન્સેન્ટોની જાત સિવાયની ‘ઈવેન્ટ ૧૪૨’ નામની બીટી રીંગણની એક બીજી જાત વિકસાવાઈ છે. એક વાર જાત તૈયાર થઈ ગયા પછી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ ચકાસણી-પરવાનગી મેળવવાના અને ધંધો કરવાના અધિકારો ખાનગી કંપનીઓને અપાયા છે પણ તે કરારોની વિગત હજી જાહેર કરાઈ નથી.મહિકો-મોન્સેન્ટોની  પર રોક લાગ્યા અગાઉ ૨૦૦૯માં આ બીજી જાતની કસોટીઓની છૂટ અપાઈ ચૂકી હતી અને પછીની મિટિંગોમાં એક પછી એક મંજૂરીઓ અપાતી રહી.

આ જાતની પરવાનગી મેળવવાની અરજી ‘બીજો શીતલ રિસર્ચ પ્રા.લિ.’ નામની કંપનીએ કર્યા પછી અરજદારે તે કંપની બંધ કરીને નવી ભળતા નામવાળી કંપની બનાવી છે. ચકાસણીના એક અખતરામાં આ નવાં બીટી રીંગણ ખવડાવવાથી ૨૦% ઉંદરો મરી ગયા અને તે બાબતે તપાસ કરવા પેટા સમિતિ રચાઈ. પણ તે સમિતિનાં તારણોને જાહેર કરાયાં નથી. GEACની મિટિંગની નોંધ પરથી ખ્યાલ આવે છે કે ૨૦૧૪માં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ અને નવી દિલ્હી – એમ સાત રાજ્યોમાં અખતરા કરવાની છૂટ અપાઈ. તે પછીની એક મિટિંગમાં રજૂ કરાયું કે ઉપરોક્ત સાતમાંથી પંજાબ અને હરિયાણા સિવાયનાં પાંચ રાજ્યોમાં ૨૦૧૬-૧૭માં આ નવા બીટી રીંગણના અખતરા થઈ ચૂક્યા છે.

તાજેતરમાં તા. ૧૯મી મે, ૨૦૨૦ના રોજ મધ્યપ્રદેશ, કર્ણાટક, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, તામિલનાડુ, ઓડિશા અને પ.બંગાળ -એમ આઠ રાજ્યોમાં નવા અખતરા કરવાની પરવાનગી GEACએ આપી દીધી છે. ચિંતાની વાત એ છે કે, અગાઉ સલામતી પુરવાર કરવા જરૂરી એવી મોટાભાગની ચકાસણી થઈ ચૂકી છે અને હવે ખુલ્લાં ખેતરના અખતરાનો આખરી તબક્કો ચાલી રહ્યો છે.ગોપનિયતા રાખવા માહિતીના અધિકાર હેઠળ માગવા છતાં તેની કોઈ વિગતો અપાતી નથી.આ આખરી અખતરા માટે જે તે રાજ્યોએ પરવાનગી આપી કે નહીં? ખરેખર વાવેતર કરાયું કે નહિ? તેનાં પરિણામો શાં આવ્યાં ? પેટા સમિતિએ કયા આધારે શાં તારણો કાઢયાં ? દશ વરસ પહેલાં રજૂ થયેલા વાંધાને ધ્યાનમાં લેવાયા કે નહીં? અરજદાર કંપની ચાલુ પ્રક્રિયાએ નામ બદલી નાખે તો જવાબદારી કોની?

– આ બધા સાંપ્રત સવાલ ઉપરાંત દેશમાં બીટી રીંગણની જરૂર કોને છે? રીંગણના ઉદ્ભવસ્થાન સમા ભારતમાં રીંગણની ૩૪૦૦થી વધુ જાતો અભડાઈ શકે તેનું શું? જીવાત નિયંત્રણ માટે દેશની કૃષિ યુનિવર્સિટીઓ અને સફળ ખેડૂતોએ અપનાવેલ સલામત અને કારગર ઉપાયો શા માટે અપનાવવામાં આવતા નથી? બીટી જાતની તુલના સલામત ટેક્નોલોજી સાથે કેમ થતી નથી? નિયમનતંત્રની અગાઉ જણાવેલી મર્યાદાઓ કેમ દૂર કરાતી નથી?- જેવા શાશ્ર્વત સવાલોના જવાબો સરકારી તંત્ર આપતું નથી.

યાદ રહે, બીટી કપાસને ૨૦૦૨માં મંજૂરી અપાઈ તેનું આળ અને ૨૦૧૭માં જીએમ રાયડાને રોક લગાવાઈ તેનું શ્રેય NDA સરકારને જ જાય છે. GEACના આ બધા ઢાંકપીછોડા, બિનકાર્યક્ષમતા, નકરી અવૈજ્ઞાનિક્તા અને અનૈતિક આચારની વચ્ચે એ જોવાનું રહે છે કે બીટી રીંગણની આ નવી જાત બાબતે આ NDA સરકાર કેવું વલણ અપનાવે છે? થોડી રાહત એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જનિત ભારતીય કિસાન સંઘ સમેત દેશનાં લગભગ તમામ ક્સિાન સંગઠનો (બે-એક અપવાદ સિવાય)એ આ નવાં બીટી રીંગણ સામે સ્પષ્ટ વિરોધ નોંધાવેલ છે. છતાં જાગૃત નાગરિકો, સજીવ ખેતીના પુરસ્કર્તાઓે, ગ્રાહકો અને પર્યાવરણપ્રેમીઓ જો ફરી વાર સાબદા નહીં રહે તો આ બીટી રીંગણ ભાણામાં આવ્યાં જ સમજો !        

-જગત જતનકર


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s