પંડિત જવાહરલાલ નહેરુ : લોકાત્મા અને વિશ્વમાનવ

જવાહરલાલ નહેરુ અને મારી વચ્ચે અત્યંત પ્રેમ, આદર અને વિશ્ર્વાસ હતા. એ અમારા મોટાભાઈ જેવા હતા. તેઓ ગાંધીજીના વહાલા અનુયાયી હતા. ગાંધીજીએ કહ્યું હતું કે મારા ગયા પછી જવાહર કામ કરશે. પંડિતજી વ્યવહારકુશળ હતા. ગાંધીજીને એ ખબર હતી કે વિનોબાને રાજનીતિની, વ્યવહારની સમજ નથી એટલે એમણે રાજનીતિનું કામ પંડિતજીને સોંપ્યું અને વિનોબાને અધ્યાત્મનું કામ સોંપ્યું.

બાપુના મહાપ્રયાણ પછી સેવાગ્રામના સંમેલનમાં પંડિતજીની સ્થિતિ જોઈને અને એમના તરફથી માંગણી થઈ હોવાથી મેં નિર્વાસિતોની સેવાને માટે, પ્રયોગ કરવા માટે છ મહિનાનો સમય આપવાનું નક્કી કર્યું. એ વખતે મેં જોયું કે પંડિતજી કહેતા હતા તે વાત અને જેમના દ્વારા તે કરાવવા માંગતા હતા, એમના વિચાર અલગ હતા. તેથી વાત આગળ વધતી નહોતી. તો મેં હસવામાં એક મરાઠી કહેવત સંભળાવી, “રાજા બોલે દલ હાલે, મિયાં બોલે દાઢી હાલે. રાજાના ઈશારાથી સેના ચાલે છે, બાબાની દાઢી છે, તો થોડી હાલે છે અને “પંડિતજી નહેરુ બોલે તો કશું હાલતું નથી.

એક વાર પટ્ટીકલ્યાણામાં તેઓ મને મળવા આવ્યા હતા. વાતચીત થઈ ગઈ, તો હું એમને મૂકવા જવા માટે ઊભો થતો હતો, પણ તેમણે મને આવવાની ના પાડી, અને જોરથી બેસાડી દીધો. આશ્રમના સાથીઓ એમને મૂકવા ગયા. મોટરમાં બેસતા બેસતા એમણે કહ્યું, “હવે હું પિંજરામાં જઈ રહ્યો છું. અમારા સાથીઓ કંઈ સમજ્યા નહીં. એમણે મને પૂછ્યું કે “આવું કેમ બોલ્યા ? મેં એમને કહ્યું કે અમારી વચ્ચે વાતચીત  થઈ હતી કે “બાબા એ ખુલ્લા મેદાનનો કૂતરો છે. જોરથી બૂમો પાડે છે. લોકો જાણે છે કે એ કરડનાર કૂતરો નથી. માત્ર બૂમો પાડનાર જ છે. અને તમે છો પિંજરાના વાઘ. જો તમે બહાર રહેત, તો ગર્જના કરત, બૂમો પાડત તો તેની એકદમ અસર થાત. પરંતુ તેઓ તો અંદર છે, એટલે એમણે કહ્યું કે હું પિંજરામાં જઈ રહ્યો છું.

એક વખત પંડિતજીને મેં કહ્યું હતું કે તમે પોલિટિક્સ (રાજનીતિ)માં મિસફીટ (અયોગ્ય) છો. કારણ કે તમારામાં બે દોષ છે. એક, તમે જૂઠું બોલી શકતા નથી; બે, તમે વેર કરી શકતા નથી. આ બંને વસ્તુ રાજનીતિ માટે બિલકુલ નાલાયકી સાબિત કરે છે. પંડિતજીએ વિનોદપૂર્વક હસતા-હસતા કહ્યું, “તમારી વાત સાચી છે પણ મારી આ અધૂરપ છે, એ કદાચ મારા સેક્રેટેરિયટ (સચિવાલય) તરફથી કંઈક અંશે દૂર કરવામાં આવતી હશે. હવે આ વાત પણ સાચી પડી. આવું બોલવાનું-કહેવાનું પણ રાજનીતિમાં આવતું નથી. અને જ્યારે મેં કહ્યું, ‘રાજનીતિ અને ધર્મના દિવસો પૂરા થઈ ગયા છે, હવે ફક્ત વિજ્ઞાન અને અધ્યાત્મ જ ચાલશે; ત્યારે તેમણે આ વિચારનુંં પૂર્ણપણે સમર્થન કર્યું હતું. એમણે કહ્યું, “જો કે હું રાજનીતિમાં છું છતાં પણ વિનોબાજીના આ વિચારને માન્ય કરવાનું મારું મન કબૂલ કરે છે. અને મારા નામથી એ વિચારનો પ્રચાર તેમણે કર્યો. ભારતમાં તો કર્યો જ, વિદેશમાં પણ કર્યો.

એ દિવસોમાં જ્યારે કોઈ સાર્વજનિક ભાષણ કરવા માટે પંડિતજી ઊભા થતા તો એમને બાપુનું સ્મરણ થયા કરતું હતું. અને તે પ્રસંગ તો એવો હતો કે બાપુ અવશ્ય યાદ આવે જ. અમેરિકા જતા પહેલાં પૂના પાસે એક યુદ્ધવિદ્યાલય આરંભ કરવાનું હતું. યુદ્ધવિદ્યા અને બાપુની વાતો વચ્ચે વિસંગતતા હતી. ત્યારે પંડિતજીએ કહ્યું કે, “જીવનની આ વિસંગતિ છે કે અહિંસામાં શ્રદ્ધા હોવા છતાં આપણે યુદ્ધવિદ્યાલય ખોલી રહ્યા છીએ. અને જ્યારે ખોલીએ છીએ તો આપણું યુદ્ધશિક્ષણ પણ અવ્વલ હોવું જોઈએ. પછી બાપુનું સ્મરણ કરીને કહ્યું કે, “આ શિક્ષણનો ઉપયોગ આપણે ક્યારેય પરપીડા માટે કરીશું નહીં. પરંતુ આત્મરક્ષણ માટે જ કરીશું. અને તે પણ લાચાર થઈને. પંડિતજીએ આ વ્યક્તિગત વિચાર માત્ર નહોતો કહ્યો. એ વખતે તેઓ વ્યક્તિ નહોતા પણ સમગ્ર ભારત તરફથી બોલી રહ્યા હતા. ભારતનું એ મર્યાદાવ્રત એ સમયે એમણે જાહેર કર્યું હતું.


તમને આ પણ વાંચવું ગમશે


આ જે વિસંગતિ છે તે આખા માનવજીવનની છે. માણસ છે એક આત્માનો અંશ, એક દેહનો અંશ. આપણે બંનેનું સમાધાન કરવું પડે છે. દેશ માટે પણ એ જ લાગુ પડે છે. દેશનો પણ એક આત્મા છે અને એક દેહ હોય છે. ભારતનો આત્મા અહિંસાને માને છે. એ આત્માની ભૂમિકા પર આપણે પહોંચવાનું છે. પણ જ્યાં સુધી આવી શક્તિ દેશમાં આવી નથી, ત્યાં સુધી અહિંસાનો જપ કરતાં કરતાં શસ્ત્રવિદ્યાનું અધ્યયન કરવું એ એક મોટામાં મોટી વિસંગતિ છે. શસ્ત્રબલ અથવા અહિંસા-એટલે કે માનવ-પ્રેમને એક ધ્રુવતારાની જેમ સામે રાખીને ચાલે છે તો એનાથી શૌર્યની શક્તિ વધે છે પણ ક્યારેક તો જરૂર આપણે શસ્ત્રબળથી ઉપર ઊઠવું પડશે. આ દૃષ્ટિથી પંડિતજીના વ્યાખ્યાનના ઉદ્ગારો વિશુદ્ધ અને સરળ હૃદયના હતા. કેટલાક લોકો આ વિસંગતિને માટે પંડિતજી ઉપર દંભીનો આક્ષેપ મૂકે છે. પંડિતજીમાં અનેક દોષો હશે પણ તેઓ દંભી નહોતા.

વર્ષો પછી શાંતિ પરિષદમાં પંડિતજીએ કહ્યું હતું, “કોઈ રાષ્ટ્ર સેના અને શસ્ત્રોના પરિત્યાગનો નિર્ણય કરી વિશ્ર્વશક્તિનું નિર્માણ કરે તો તે લાભદાયી જ છે. દુનિયામાં કોઈ ભય ઊભો નહીં થઈ શકે, એના પર મારો વિશ્વાસ છે. પછી તેમણે કહ્યું કે, “અહિંસાના સિદ્ધાંતને હું પૂર્ણ રીતે માનું છું. પરંતુ કોઈ એને કમજોરીની સાથે કહે તો તે બિલકુલ જુદી જ બાબત થઈ જાય છે.

પંડિતજી અમેરિકામાં ફરતા હતા ત્યારે બહુ જ સમજી વિચારીને ઓછા શબ્દોમાં, અને બહુ જ નમ્રતાપૂર્વક અહિંસાનો સંદેશ સમજાવી રહ્યા હતા. એમણે એક વિશેષ રીતે અહિંસાની વ્યાખ્યા કરીને કહ્યું કે, “અમારા માર્ગદર્શકે અમને એક એવી રીત બતાવી, જેનાથી એક મુશ્કેલ સમસ્યાના ઉકેલમાં બીજી સમસ્યા ઊભી થતી નથી. અહિંસાનું આ સૌથી ઓછા શબ્દોમાં થયેલું સાચું વર્ણન છે.

૧૯૫૧માં સર્વોદય સંમેલનને માટે પંડિતજીએ પોતાની શુભેચ્છા મોકલી હતી. એમનો સંદેશો તો બિલકુલ નાનો હતો પણ એ ઓછા શબ્દોમાં એમનું દિલ પ્રગટ થતું હતું. એમના કહેવાનો ભાવાર્થ એ હતો કે “દુનિયામાં દિવસે-દિવસે નવા નવા પ્રશ્ર્નો ઊભા થાય છે. બધે જ અંધારું ફેલાયેલું દેખાય છે અને જૂની રોશની ઝાંખી પડી ગઈ છે. એવી પરિસ્થિતિમાં આપણા સૌનું કર્તવ્ય છે કે આપણે રોશની શોધીએ. આવી હાલતમાં સર્વોદયની તરફ નજર જાય છે.

પોતાના સિદ્ધાંતોને માટે લડતા હોવા છતાં કેવી રીતે નિર્વૈર રહી શકાય એનો આદર્શ પંડિતજીએ દુનિયાની સામે મૂક્યો. આ જ તો ગીતાનો સંદેશો છે. એ ન હોત તો ઇંગ્લેન્ડની સાથે ભારતનો જે સારો સંબંધ રહ્યો, તે કદાચ ન રહ્યો હોત. સૌની સાથે સારો સંબંધ રાખવાની કોશિશ એમણે કરી. સૌની સાથે મૈત્રી હોય, આખી દુનિયામાં શાંતિ રહે, બધા દેશો આઝાદ બને, દેશો-દેશોની વચ્ચે સહયોગ થાય, આ એમનું જીવનકાર્ય હતું. આ આળસુ દેશ માટે એમણે અવિરત પરિશ્રમ કર્યો.

જ્યારે પંડિતજીના જીવન-કાર્યનું ચિત્ર આંખોની સામે ઊભું થાય છે ત્યારે સમ્રાટ અશોકનું સ્મરણ થાય છે. દેશ પરાક્રમી અને બળવાન થાય અને સહયોગની ભાવનાથી વર્તે, આ અહિંસાનું ચિત્ર એમણે અશોક ચિહ્ન દ્વારા આપણી સમક્ષ મૂક્યું. ગાંધીજીએ ચરખાને ઝંડામાં મુકાવી દીધો હતો. એ બાબત વિશે પૂછતાં પંડિતજીએ કહ્યું, “તે અશોક ચક્ર ચરખાનું જ પ્રતીક છે અને ચિત્રની સિમેટ્રી (સપ્રમાણતા) જળવાય તે માટે એવું કર્યું છે. મને વિશ્ર્વાસ છે કે એમણે વિશ્ર્વમૈત્રીનો, પરાક્રમયુક્ત સહયોગનો જે સંદેશ આપણને આપ્યો છે, એ વાતને ભારતની જનતા વળગી રહેશે.

પંડિતજી રાષ્ટ્રનેતા હતા અને લોકનેતા પણ હતા. આ રીતે બંને પ્રકારનું નેતૃત્વ એક જ મનુષ્યમાં ભેગું હોય, એવું જોવા મળતું નથી. વળી પંડિતજી એક બાજુથી રાષ્ટ્રપુરુષ હતા તો બીજી બાજુ વિશ્ર્વમાનવ હતા. આ બંને વિશે એમના ચિત્તમાં પૂર્ણ એકતા હતી. પોતાના રાષ્ટ્રનું હિત અને આખા વિશ્ર્વનું હિત એક જ છે, બંનેમાં વિરોધ હોઈ શકે નહીં; એવો એમનો વિશ્ર્વાસ હતો અને આ વિશ્ર્વાસ પર જ તેઓ કામ કરતા હતા.

પંડિતજીનું એક વાક્ય મને મંત્રની રીતે યાદ રહી ગયું છે, “જે રાષ્ટ્રનો આજુબાજુની કુદરત સાથેનો સ્પર્શ નથી રહેતો, તે રાષ્ટ્ર ક્ષીણ થાય છે, એનો ક્ષય થાય છે. એટલે ખેતીની સાથે દરેક મનુષ્યનો સંપર્ક થાય તો સારું. મેં પંડિતજીને કહ્યું હતું કે બધા સરકારી કર્મચારીઓ, મંત્રીઓ, અને પ્રધાનમંત્રીએ રોજ એક કલાક ખેતરમાં કામ કરવું જરૂરી માનું છું. ત્યારે તેઓએ કહ્યું, “સારી વાત છે પણ મને ખેતરમાં કામ કરવા જ ક્યાં દે છે ? પંડિતજીને બહુ જ કામ રહેતું હતું. એમણે મને કહેલું કે ૬ કલાક રાત્રે સૂવા માટે રાખ્યા છે, દિવસમાં એક કલાક. પણ એટલી ઊંઘ મળતી નથી. રાત્રે ચાર કલાક અને દિવસમાં અડધો કલાક.

એક વાર એમની સાથે વાત થતી હતી ત્યારે મેં એમને પૂછ્યું કે અધ્યયનને માટે સમય મળે છે કે નહીં ? તો બોલ્યા કે મળતો તો નથી પણ થોડો સમય કાઢી લઉં છું. પૂછ્યું કેવી રીતે કાઢો છો? તો કહે કે ઊંઘમાંથી કાઢી લઉં છું. રાત્રે ચાર-પાંચ કલાક ઊંઘ અને દિવસે અડધો એક કલાકનો આરામ. -આ રીતે એમણે ૧૭-૧૮ કલાક નિરંતર કામ કયુર્ં. પંડિતજીએ એક સૂત્ર આપ્યું હતું, ‘આરામ હરામ હૈ.’ એમને મળ્યો ત્યારે કહ્યું કે, “તમારા સૂત્રમાં રામ બે વખત આવે છે. તેઓ હસવા લાગ્યા. મેં કહ્યું, ગાઢ નિદ્રા જ રામ છે.

પંડિતજીનાં પાંચ તત્ત્વ હતાં. પાંચ ‘ગ’ હતા. ગીતા, ગાંધી, ગૌતમ, ગંગા અને ગાય. એમણે એક જગ્યાએ લખ્યું છે : કોઈ રાષ્ટ્રનું પ્રતીક રીંછ છે, કોઈનું સિંહ છે પણ ભારતનું પ્રતીક, રાષ્ટ્રીય ચિહ્ન ગાય છે. ગાય ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે એવી એમની ભાવના હતી.

એક વાર પંડિતજી સાથે ચર્ચા થઈ રહી હતી ત્યારે ગીતાનો ઉલ્લેખ કરીને કહેવા લાગ્યા, “ગીતાના સ્થિતપ્રજ્ઞના શ્ર્લોક ગાંધીજી પ્રાર્થનામાં બોલતા હતા. તે શ્ર્લોક મને એટલા માટે ગમે છે કે એમાં ‘Detachment’ (અનાસક્તિ) પર ભાર મૂક્યો છે, જે આજના વ્યાપક સંદર્ભમાં જરૂરી છે. તે સમયે મને ખબર નહોતી કે તેઓ રોજ ગીતા વાંચે છે. એમના મૃત્યુ પછી ખબર પડી કે એમના પલંગ પરથી ગીતાનું પુસ્તક મળ્યું. કદાચ શબ્દશ: તેઓ ગીતાનું પારાયણ ન પણ કરતા હોય પરંતુ ગીતા એમની પાસે રાખતા હતા.

પંડિતજીનું જીવનચરિત્ર મેં દસ-પંદર મિનિટમાં જોઈ લીધું હતું. તેમાં એક જગ્યાએ લખ્યું હતું, “મારું લગ્ન થયું, અમે કશ્મીર ગયાં. ત્યાં દુકાળ પડ્યો હતો, ગરીબી હતી. ….પછી શરૂ થયું ભારતની ગરીબીનું વર્ણન. લગ્નની બાબતમાં ‘લગ્ન થયું’ એટલું જ, બાકી બીજી જ વાત. મારા ધ્યાનમાં આવ્યું કે આ માણસ અનાસક્ત છે.

પંડિતજીનું એક પુસ્તક છે, ડિસ્કવરી ઑફ ઇન્ડિયા (ભારતની શોધ). એમાં એમણે ભારતની શોધ કરી છે. પ્રાચીનકાળથી આજ સુધી ભારતની જે પરંપરા ચાલી, એનો એમાં ઉલ્લેખ છે. એક જગ્યાએ એમણે બહુ જ નમ્રતાપૂર્વક લખ્યું છે કે “ભારતનું ઊંડાણ કેટલું છે તે હું સમજી શક્યો નથી, ધીમે ધીમે ભારતને સમજી રહ્યો છું.

એક વાર અલ્હાબાદમાં કુંભમેળો હતો. પંડિતજી ત્યાં ગયા હતા. તે જૂના વિચાર પ્રમાણેના ભક્ત નહોતા, એમની બુદ્ધિ આધુનિક હતી. છતાં કુંભમેળો જોઈને તેઓ દ્રવિત થઈ ગયા. એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. ૭૦ લાખ લોકોનો મેળો હતો. એ દૃશ્ય જોઈને તેઓ અચંબો પામ્યા. કહેવા લાગ્યા, “૭૦ લાખ લોકો એટલે યુરોપનું એક રાષ્ટ્ર કહેવાય. આટલા લોકો ઢોંગી હોઈ શકે નહીં.

આદિકવિ વાલ્મીકિએ ગંગા પર ઉત્તમ કવિતા લખી, શંકરાચાર્યે ગંગા પર સ્તોત્ર લખ્યું. મહાકવિ કાલિદાસે પણ ગંગા પર લખ્યું. પંડિત જગન્નાથે ‘ગંગાલહરી’ લખ્યું. સત્પુરુષોએ અને મહાકવિ સૌએ ગંગા પર લખ્યું. પરંતુ એની પર છેલ્લું સ્તોત્ર લખ્યું પંડિતજીએ, “મારી ભસ્મ ગંગામાં નાંખશો તો મોક્ષ મળશે, એવું તો હું માનતો નથી છતાં પણ ગંગામૈયાનો એટલો ઉપકાર છે. ….પંડિતજીને ગંગા પર એટલો બધો પ્રેમ હતો કે છેલ્લે એમણે લખ્યું કે “મારી રાખનો કેટલોક ભાગ ગંગામાં પ્રવાહિત કરવામાં આવે, બાકી હવામાં વીખેરી દેવી. “ડિસ્કવરી ઓફ ઇન્ડિયાનો અર્થ છેલ્લે ‘ડિસ્કવર’ થયો.

પંડિતજી જે દિવસે ગયા એના ચાર પાંચ દિવસ પહેલાં પત્રકારોને એમણે કહ્યું હતું કે “મારો જીવનકાળ આટલો જલદી સમાપ્ત થશે એવું માનવાનું કારણ નથી. એવો ઉત્તર કેમ આપ્યો ? આપણું જીવન આપણા હાથમાં નથી છતાં પણ એમણે કહ્યું કે મારે જીવવું છે. આનો અર્થ એ કે એમની સામે પ્રચંડ કાર્ય હતું. જે મનુષ્ય પરમાર્થ કરે છે, વિશ્ર્વ સાથે સમરસ હોય છે, એમને વિશ્ર્વને માટે જીવવાની ઇચ્છા હોય છે. એ એમની વ્યક્તિગત ઇચ્છા નહોતી. એક વાર પત્રકારોએ એમને પૂછ્યું હતું કે તમારું આરોગ્ય આટલું સરસ રહે છે એનું કારણ શું ? ત્યારે એમણે જવાબ આપ્યો હતો કે “હું બહુ ચિંતા કરતો નથી. આ બિલકુલ જનક જેવો ઉત્તર એમણે આપ્યો. જનકે કહ્યું હતું “मिथिलाया प्रदीप्तायाँ न मे दह्यति किंचन” મિથિલાનગરીને આગ લાગી, તો પણ મારું કંઈ બળતું નથી. – પંડિતજીના કહેવાનો અર્થ એ નહોતો કે દુનિયાની ચિંતા જ નથી. પરંતુ ચિંતા હોવા છતાં ચિંતા કરવી નહીં.

બાપુ અચાનક ગયા. એ દિવસે આત્માના અમરત્વનો સ્પષ્ટ આભાસ થયો. એટલે કે તેઓ ગયા જ નથી. પંડિતજી પણ અચાનક ગયા. એટલે કે તેઓ ગયા જ નથી. તેઓ પરમાત્માની પાસે પહોંચ્યા છે. હું એમનો વિયોગ નથી અનુભવતો. પણ એમની ઉપસ્થિતિનો અનુભવ કરી રહ્યો છું. હવે આપણા કામ માટે તેઓ આશીર્વાદ આપતા રહેશે. આપણને મળતા રહેશે, બળ આપતા રહેશે, એવી પ્રતીતિ મારા હૃદયમાં થઈ રહી છે.

પંડિતજીનું ચિત્ત વિશ્ર્વ જેવું વ્યાપક હતું. ન કોઈ પ્રાંત અભિમાન, ન ભાષાનો કોઈ આગ્રહ, ન કોઈ ધર્મપંથ સાથે ચિત્તનો સંબંધ ! જ્યાં પણ ગયા, ત્યાં જનસમૂહ જોઈને, ભાઈને મળવાથી ભાઈને જેવો આનંદ થાય, તેવો આનંદ એમને થતો હતો. ઉપનિષદમાં કહ્યું છે, ” मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव ”  આ ભાષામાં કહેવું હોય તો પંડિતજી ‘લોકદેવ’ હતા. લોકો જ એમના દેવ હતા. લોકોને જોઈને એમનું હૃદય ઊછળતું હતું. આવો માણસ દેહ છોડીને જાય તો ક્યાં જશે ? તે લોકાત્મા થશે. લોકોમાં જ રહેશે.

અનુવાદ : ભદ્રા સવાઈ        ગુણ-નિવેદન : વિનોબા


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s