સ્વામી અગ્નિવેશ : આધુનિક આધ્યાત્મિકતાના ખોજી

સ્વામી અગ્નિવેશને ૮૧ વર્ષ પૂરાં થવામાં થોડા જ દિવસો બાકી હતા ને તેમણે આ સંસારમાંથી વિદાય લીધી. તે ગૃહસ્થ ન હતા, પરંતુ સંસાર સાથેનો તેમનો સંબંધ ગાઢ હતો.

તેઓ વૈરાગી ક્યારેય ન હતા. રાગ દરેક અર્થમાં તેમના વ્યક્તિત્વને પરિભાષિત કરતો હતો. પ્રેમ, ઘૃણા અને ક્રોધ, આ ત્રણેય ભાવ તેમનામાં પ્રચુર માત્રામાં હતા. એટલા માટે તેઓ એ ધાર્મિકોની છેલ્લી સ્મૃતિ રૂપે હતા જેમણે ધર્મ પ્રત્યે આસ્થાના કારણે સમાજને અધાર્મિકતામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. તે પછી સ્વામી દયાનંદ હોય અથવા સ્વામી વિવેકાનંદ. આ એક સાંસારિક ધાર્મિકતા હતી જે સમાજને ઉદાર, માનવીય, પ્રેમાળ બનાવવા માગતી હતી.

સ્વામી અને પ્રેમ? મને એક પ્રસંગ યાદ આવે છે. મારી એક વિદ્યાર્થિનીને કોઈ યુવક સાથે પ્રેમ હતો, ઘરના સભ્યોને તેમનો લગ્ન સંબંધ સ્વીકાર્ય ન હતો. તેમ છતાં બંનેએ વિવાહ કરવાનું નક્કી કર્યું. વિશેષ વિવાહ અધિનિયમ હેઠળ વિવાહની નોંધણી એટલી હદ સુધી મુશ્કેલ બનાવી દેવામાં આવી છે, કે જેના કારણે અનેક યુગલો આ માર્ગ અપનાવતાં નથી. અમે સ્વામી અગ્નિવેશને ફોન કર્યો.  તેમણે લાજપતનગરના આર્ય સમાજ મંદિરમાં વાત કરીને લગ્ન માટેની વ્યવસ્થા કરી. તેઓ જાતે લગ્ન સમારંભમાં આવ્યા અને પૂરો સમય હાજર રહ્યા. તેમના ચહેરા પર પ્રસન્નતાનો ભાવ હતો.

એક સંન્યાસી, બે સંસારી જીવોના એક નવા સાંસારિક બંધન પ્રત્યે અણગમો (વિરક્ત ભાવ) રાખવાને બદલે, તેની જગ્યાએ તેમને આશીર્વાદ આપવા પોતાનો સમય કાઢીને આવ્યા હતા. તેમની સાથે વેદ પ્રતાપ વૈદિક પણ ખુશી-ખુશી ત્યાં હાજર હતા. આનાથી મારી વિદ્યાર્થિનીને જ નહીં, અમને સહુને ઘણું બળ મળ્યું, શું કહીશું? હું જાણું છું, આ મારા એકલાનો અનુભવ નથી. અમારા જેવા અનેક લોકોને આ પ્રકારે સ્વામીના આશીર્વાદનો પ્રસાદ મળ્યો જ હશે.

ધર્મ સંસારમાં કેવી રીતે દખલગીરી કરી શકે ? ઈશ્ર્વરીય સૃષ્ટિમાં મનુષ્યએ જે વિકૃતિ પેદા કરી છે તેને દૂર કરવી એ ધર્મનું ઉત્તરદાયિત્વ છે. આ કરવામાં સંસાર સામે ઝૂઝવું પડે છે. માનવીય વિકૃતિઓને ઈશ્ર્વરની યોજનાનું પરિણામ કહીને જેમની તેમ ચાલુ રાખવી એ ખરેખર તો શક્તિશાળી લોકોનો ધર્મદ્રોહ છે. તેમની અધાર્મિકતાની સામે સંઘર્ષનો અર્થ છે તેમના ગુસ્સાનો સામનો કરવો.

લોકો એ સત્ય જાણે છે કે આ બધું ઈશ્ર્વરીય વિધાન નથી, તેમ છતાં સંન્યાસીઓ આને હરિઇચ્છા કહીને તેના ભજનમાં લાગી જાય છે. જે વ્યક્તિ મનુષ્યને ચેતવણી આપે છે કે પોતે કોઈપણ સ્વરૂપ ધારણ કરશે પરંતુ તે ઈશ્ર્વરની જગ્યા નથી લઈ શકતો, તેની પર ચારે બાજુએથી હુમલો થાય છે.

સ્વામી અગ્નિવેશનું જીવન આ જ દ્વંદ્વમાં પસાર થયું. બંધુઆ મજૂરી અને બાળશ્રમ પહેલાં પણ હતાં અને આજે પણ છે. પ્રત્યેક ધર્મમાં આ સઘળી મર્યાદા હોવા છતાં દરેક ધર્મ પોતાને નિર્વિકારી માને છે. માણસ-માણસને ગુલામ બનાવવાથી રોકે તેને જ અગ્નિવેશે પોતાનું આધ્યાત્મિક કર્તવ્ય માન્યું. બાળકોને, જેમને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, તેમને કોઈના ગુલામ બનાવી શકાય નહિ.

તેમની લડત એવા લોકો સામે હતી જેઓ પોતાની જાતને ધાર્મિક ગણતા હતા. અંતે નૈતિક વિજય તો સ્વામી અગ્નિવેશનો જ થયો.

ઘૃણા ઉપયોગી ભાવ છે. મુનશી પ્રેમચંદના મત અનુસાર અનાચાર, અન્યાય, અસમાનતા સામે તમે સાચી ઘૃણા વિના લડી શકતા નથી. જો આ ઘૃણા નથી, તો તમે આમાંથી ઉદાસીન જીવન જીવવાનો તર્ક શોધી લેશો. આવી ઘૃણાથી ન્યાય માટેના સંઘર્ષને ધક્કો લાગશે. અગ્નિવેશમાં આ ઘૃણા પ્રચુર માત્રામાં હતી.

આચાર્ય રામચંદ્ર શુક્લે સાત્ત્વિક ક્રોધને યોગ્ય માન્યો છે. જોન દયાલે પેલેસ્ટાઇન અને જોર્ડનના એક પ્રવાસને યાદ કર્યો છે, જેમાં સ્વામી અને તેઓ સાથે હતા. સરહદ પર ઇઝરાઇલના સરહદી ગાર્ડે તેમને રોકી દીધા. તેમના પાસપોર્ટ પણ લઈ લીધા. સ્વામી ત્યાં જમીન પર બેસી ગયા અને ઇઝરાયલના ગાર્ડ પર ગુસ્સાથી ચીસો પાડવા લાગ્યા. ત્યાં એકઠા થયેલા પેલેસ્ટાઇનના, ઇઝરાયલના લોકો અને શરણાર્થીઓના એક જમાવડાને ભાષણ પણ આપ્યું. આનાથી હેરાન થઈને ઇઝરાયલના અધિકારીઓને દુભાષિયાને બોલાવવા પડ્યા. દૂતાવાસના લોકો પણ આવ્યા અને સ્વામીજીને તેમનો પાસપોર્ટ પરત કર્યો. પછી બસમાં બેસીને તેઓ જોર્ડન ગયા.

ધાર્મિક વ્યક્તિની પરખ તેનામાં રહેલી હિંમત અને વીરતાથી થાય છે. એવી કઈ ધાર્મિક વ્યક્તિ છે જે આગમાં કૂદવાની હિંમત કરી શકે અથવા દરિયામાં છલાંગ લગાવી દે, જ્યારે તે કોઈને મુશ્કેલીમાં જુએ ? ઉપદેશ આપવો સહજ છે, પણ જીવીને બતાવવું અઘરું છે. સંન્યાસનું બહાનું લઈને આ પ્રકારના જોખમથી બચી શકાય છે. સ્વામી અગ્નિવેશ આવા ડરપોક-કાયર ન હતા.

દિલ્હીના સામાજિક કાર્યકરોને યાદ છે કે ૧૯૮૪નાં તોફાનોમાં સ્વામી અગ્નિવેશે કેવી રીતે હિંદુઓની હિંસક ભીડનો સામનો કર્યો હતો. અમનદીપ સંધૂએ ૨૦૦૫માં ‘રીડિફ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં પૂનમ મુટરેજાને કહ્યું છે, ‘અમારે એવા લોકોની જરૂર હતી જે હિંસા રોકવામાં મદદ કરે. ત્યારે અમે સૌ સ્વામી અગ્નિવેશ પાસે ગયા… તે અમારી સાથે આવ્યા. લૂંટફાટ ચાલી રહી હતી. એક ખૂણામાં અમે ભીડથી ઘેરાઈ ગયા હતા. સ્વામી અગ્નિવેશ એક સ્ટૂલ પર ઊભા થઈ ગયા. તેમણે લોકોને સંયમ રાખવા કહ્યું કારણ કે તે સૌ હિંદુઓ હતા. તેમણે કહ્યું કે હિંદુ ધર્મના સાચા અનુયાયીની જેમ, જે સહિષ્ણુતા શીખવે છે, આપણે હત્યા અને લૂંટફાટ ન કરવી જોઈએ. એક ભગવાધારી સાધુની આ ભીડ પર જાદુઈ અસર થઈ.’

સ્વામીએ આવી રીતે અનેક વાર પોતાની જાતને મુશ્કેલીમાં નાખી. હિમાંશુ કુમારે છત્તીસગઢમાં માઓવાદીઓ અને સરકાર વચ્ચેની હિંસામાં તેમના હસ્તક્ષેપને યાદ કર્યો છે. હિંમત વિના આમ કરવું શક્ય ન હતું. સ્વામીજી ઘણી સાહસિક વ્યક્તિ હતા. તે બિલકુલ ડરતા ન હતા. છત્તીસગઢમાં સલવા જુડૂમ (સરકારે બનાવેલું સુરક્ષા દળ)ના કાળ દરમિયાન અને તેના પછી પણ આદિવાસીઓ પર સરકાર દ્વારા હિંસા કરવામાં આવી. સ્વામી અગ્નિવેશ તેની સામે અવાજ ઉઠાવવા હંમેશા આગળ આવતા. એક વખત માઓવાદીઓએ પાંચ સિપાહીઓનું અપહરણ કરી લીધું હતું. સ્વામી અગ્નિવેશ તેમને છોડાવવા માટે અબૂઝમાળ ગયા અને સફળતાપૂર્વક સિપાહીઓને છોડાવી લાવ્યા.

એક વખત છત્તીસગઢના તાડમેટલામાં જ્યારે આદિવાસીઓનાં ૩૦૦ ઘર પોલીસે સળગાવી દીધાં હતાં. મેં તેમને જાણ કરી તો સ્વામી અગ્નિવેશ તરત છત્તીસગઢ ગયા. જ્યાં સ્વામી અગ્નિવેશ પર પોલીસ અધિકારી કલ્લૂરીના નેતૃત્વમાં ભયાનક હુમલો થયો, જેમાં સ્વામી અગ્નિવેશનો જીવ જતા માંડ માંડ બચ્યો.

જ્યારે સારકેગુડા ગામમાં સીઆરપીએફે સત્તર આદિવાસીઓને મારી નાખ્યા હતા, જેમાં નવ બાળકો હતાં, અમે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યું અને સભા કરી. સ્વામી અગ્નિવેશે આગળ આવીને આ મુદ્દે આદિવાસીઓના પક્ષમાં વાત મૂકી.

આ પછીનો પ્રસંગ રસપ્રદ છે,

હિમાંશુ કુમાર કહે છે, સ્વામીજીનો ટીવી શો રાજ્યસભા ચેનલ પર આવતો હતો. પી.ચિદમ્બરમ ગૃહમંત્રી હતા. સ્વામીજીએ મને આ કાર્યક્રમમાં બોલવા માટે આમંત્રણ આપ્યું. મેં સ્વામીજીને ચેતવણી આપી કે જો તમે મને આ કાર્યક્રમમાં બોલાવશો તો આગામી અઠવાડિયે તમારો કાર્યક્રમ સરકાર બંધ કરી દેશે.

સ્વામીજીએ કહ્યું, કંઈ વાંધો નહીં. કાર્યક્રમમાં મારી સામે જવાબ આપવા ગૃહ મંત્રાલયમાંથી એક સંયુક્ત સચિવ પણ આવ્યા હતા. પરંતુ સચ્ચાઈનો મુકાબલો કોણ કરી શકે છે? મારી વાતોમાં જમીની હકીકત હતી અને સરકારના પ્રતિનિધિ જવાબ આપી શક્યા નહીં. બે દિવસ પછી સ્વામીજીનો પત્ર આવી ગયો કે આગામી અઠવાડિયે આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં નહીં આવે.

માત્ર છત્તીસગઢ જ નહિ, સ્વામીજી આખા દેશમાં જ્યાં પણ લોકો ન્યાય માટે, પોતાનાં જીવન-સંસાધનો બચાવવા માટે લડતા હોય ત્યાં પોતાનો વિચાર કર્યા વિના પહોંચી જતા. તે પછી નર્મદા આંદોલન હોય, ઉમરગામનું કિનારા બચાવ આંદોલન હોય, અણુઊર્જા આંદોલન હોય કે ગઅઙખની મિટીંગો હોય, દરેક જગ્યાએ તેમની હાજરી અચૂક રહેતી. બંધુઆ મજૂરોને એ વેઠમાંથી મુક્ત કરવામાં સ્વામીજીએ પોતાની જાતને સંપૂર્ણ રીતે સમર્પિત કરી દીધી હતી. તેમના જવાથી આંદોલનના સાથીઓને તેમજ આ દેશના અદના આદમીને એક મજબૂત સાથીની ખોટ સાલ્યા વિના નહિ રહે.

અગ્નિવેશ રાજકારણમાં અનેક અવતારમાં આવ્યા. તેને કારણે રાજકારણની ક્ષુદ્રતાના છાંટા તેમની પર પડ્યા. તેનાથી પણ તેઓ ડર્યા નહીં. સાંસારિક્તા સામે લડ્યા વિના સંન્યાસીની આધ્યાત્મિકતાની પરીક્ષા કેવી રીતે થાય? અસલ વાત એ છે કે આજના સમયની આધ્યાત્મિકતાનો આધાર શોધવામાં તેમણે પોતાના તરફથી કોઈ કચાશ રાખી ન હતી. તેઓ દરેક સમયે અલ્પસંખ્યકોના અધિકાર માટે ઊભા રહેવા પ્રતિબદ્ધ હતા.

તે પોતે આર્ય સમાજના અનુયાયી અને હિંદુ ખરા, પરંતુ ગાંધીની પરંપરાના ઉદારમતવાદી હિંદુ, જે મુસલમાન, શીખ, ખ્રિસ્તી, આદિવાસીને પોતાના રંગમાં બદલવા માગતા ન હતા પરંતુ તેમના માટે પોતાનું લોહી વહાવી દેવા તત્પર રહેતા હતા. તે મુસલમાન અને ખ્રિસ્તીઓના સાચા મિત્ર હતા અને એટલા માટે જ તેઓ સાચા હિંદુ હતા.

ભારતીય હોવા પર સ્વામી અગ્નિવેશનો અધિકાર બીજાની સરખામણીએ ઘણો વધારે હતો. હરિયાણાની વિધાનસભાના તેઓ સભ્ય  તેમજ તેના મંત્રી મંડળમાં પણ રહી ચૂક્યા હતા. વેપા શ્યામ રાવ, એક તેલુગુએ છત્તીસગઢ, બંગાળ, હરિયાણા અને દિલ્હીમાં પોતાની ભારતીયતાને કેળવી-વિકસાવી. તે બહુભાષી હતા.

તેમનું સુષ્ઠુ હિંદી સાંભળીને તમે માની ન શકો કે આ તેમની શીખેલી ભાષા છે. હિંદુ ધર્મનો બાહ્ય દેખાડો તેઓ જરા પણ સહન કરી શકતા ન હતા. આમ પણ તેમને ભારતીયતાનો સ્વાંગ સહ્ય ન હતો કારણ કે આ બંને તેઓ મહેનત કરીને કમાયા હતા. પોતાનો પરસેવો અને લોહી આને કેળવવા પાછળ લગાવ્યો હતો, તેને રસ્તા પર પડેલું ઉપાડી નહોતું લીધું. તેથી તેઓ તેની કિંમત બરાબર જાણતા હતા, એટલા માટે આને ભ્રષ્ટ થતા જોઈ આ સંન્યાસીનો ક્રોધ ભભૂકી ઊઠતો હતો.

હિંદુઓ માટે આ અફસોસની વાત છે કે તેમણે સ્વામીને પોતાના મિત્ર અને હિતેશી ન માન્યા. સ્વામી અગ્નિવેશ પર છેલ્લો હુમલો ઝારખંડમાં તત્કાલીન શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના કારણે થયો હતો. પછી ફરી એક વાર દિલ્હીમાં તે જ પક્ષ દ્વારા હુમલો થયો જ્યારે તેઓ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા હતા. આના કારણે સ્વામી અગ્નિવેશને શારીરિક ઈજા પહોંચી. પરંતુ સ્વામી અગ્નિવેશ જેવી વ્યક્તિને પોતાની જાતથી દૂર કરીને હિંદુઓ પોતાના આત્માને કેટલું નુકસાન કરી રહ્યા છે, તેનું ભાન એમને થશે ખરું ?

પ્રો. અપૂર્વાનંદનો લેખ કેટલાંક ઉમેરણ સાથે

(લેખક દિલ્હી યુનિવર્સિટીમાં અધ્યાપક છે.)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s