વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના (ભાગ-૨)

બાબા સાધકો માટે કહેતા કે પ્રવૃત્તિ ઓછી નથી કરવાની પરંતુ વૃત્તિઓને ઘટાડવાની છે. કામ, ક્રોધ, લોભ જેવી વૃત્તિઓ ઊઠતી રહેતી હોય છે, તે વૃત્તિનું સંશોધન કરીને તેને નિર્મૂળ કરવાની છે.

કોઈપણ સાધક પહેલાં પોતાની અસત્ વૃત્તિને દૂર કરશે, પછી સત્ને રાખશે. બાબાના જીવનમાં જોઈએ છીએ કે એમણે તો પછી સત્ને પણ દૂર કર્યું. અભ્યાસ દ્વારા સત્ વૃત્તિ આપમેળે અસ્ત થઈ ગઈ. આમ સાતત્ય દ્વારા બાબા ગુણાતીત અવસ્થાને પામ્યા.

બાબા નિરૂપાધિક બનાવવા માંગતા હતા. એટલા માટે કે જ્યારે માણસ બાહ્ય ઉપાધિઓનાં ટોપલાં લઈ લઈને દુનિયામાં રઝળપાટ કરે છે તો આ બાહ્ય ઉપાધિઓના ઘટાટોપમાં એની અંદર રહેલું ભીતરી સત્ત્વ ઢંકાઈ જાય છે. ક્યાંક સંતાઈ જાય છે. આત્મોન્નતિ માટે માણસને પોતાના ભીતરી તત્ત્વની ઓળખાણ તો જરૂરી છે જ. અને એ ત્યારે સંભવે કે જ્યારે આપણે ઉપાધિમુક્ત થઈ જઈએ. અંતર્મુખી થવામાં આવી ઉપાધિઓ અડચણરૂપ બનતી હોય છે.

બહુ પ્રસિદ્ધ છે કે મહામના મદનમોહન માલવિયા શિક્ષા સંસ્થાન દ્વારા બાબાને દેશની સૌથી મોટી ઉપાધિ ‘બ્રહ્મર્ષિ’થી સમ્માનની સ્વીકૃતિ બાબા પાસે લેવા માંગતા હતા. ત્યારે બાબાએ એમને લેખિત જવાબ આપેલો કે “ઉપાધિની જરૂર નથી. નિરુપાધિક ચિંતનની જરૂર છે. મારી દૃષ્ટિએ બાબાની જીવનસાધનાની મધુરતમ ફળશ્રુતિ એ હતી કે તેઓ ‘કેવળ’ હતા.

દિલ્હીસ્થિત જર્મન રેડિયો તથા ટેલિવિઝન સાથે સંકળાયેલા પત્રકારોએ એમને પૂછ્યું કે તમે ભૂદાન-ગ્રામદાન દ્વારા અનેક કાર્યક્રમો ચલાવ્યા. તો એમાં તમે શું હાંસલ કર્યું ? ત્યારે બાબાએ કહેલું કે –

‘Baba has achieved a big zero and Baba is going to achieve anther Zeros. Two zero make infinite in Mathematics. So, one zero is achieved and anther zero is going to be achieved‘

અંદરથી શૂન્ય એવા બાબાને સૃષ્ટિના મિથ્યાત્વનું ભાન હતું. અને સાથે સાથે એમની કરુણાભરી દૃષ્ટિને લીધે જગતનાં દુ:ખ, કષ્ટ નિવારણ માટે ઉદ્યત રહ્યા. શંકરાચાર્યે જગતને મિથ્યા કહેલું, જ્યારે બાબાએ જગત સ્ફૂર્તિ કહેલું. તેઓ પ્રેમ અને કરુણાના સંબંધથી જગત જોડે સંકળાયેલા રહેતા. એમનું સૂત્ર જ હતું કે અંદરથી શૂન્ય સમજો, બહારથી પૂર્ણ કરો.

આને લીધે એમના ચિંતનમાં નિતાન્ત ઈમ્પર્સનલ તત્ત્વ, નિર્વૈયક્તિક તત્ત્વ મળે છે. બાબાની ઇન્દ્રિયનિગ્રહની પરિણતિ નિરુપાધિક અને નિરપેક્ષ સ્નેહમાં અનુભવાય છે. એમના હૃદયમાં સંચિત થયેલ સ્નેહામૃત એમની વાણીમાં અને જીવનમાં ડગલે ને પગલે જોવાય છે.

બાબાની શૈલીની વાત કરતા હોઈએ ત્યારે તેમનો પ્રિય વિષય ગણિત યાદ આવી જાય. એમણે કરેલી ગણિતોપાસનાનું અનેરું મહત્ત્વ છે.

ગણિતોપાસના –

બાબાને જેટલી શ્રદ્ધા ઈશ્ર્વર પર હતી, એના પછી એમને ગણિત પર શ્રદ્ધા હતી. એ ગણિતને આધ્યાત્મિક ખોજ ગણતા. એમનાં સામ્યસૂત્રોમાં એક સૂત્ર છે ‘ગણિતં સહનારી’. આધ્યાત્મિક જીવનમાં આત્મજ્ઞાનને સાંખ્ય કહે છે. ચિત્તના દરેક વ્યાપારનો હિસાબ અને પરીક્ષણ કરવાનું હોય છે. સાંખ્ય અને યોગ બંને ગણિત છે. બાબા સાંખ્યને શુદ્ધ ગણિત અને યોગને તેનો વિનિયોગ એટલે કે વ્યાવહારિક ગણિત (Applied Mathamatics) કહેતા.

ભગવદ્ગીતા પણ ગણિતનો મહિમા કરે છે. છઠ્ઠા અધ્યાયમાં કહે છે –

युक्ताहार विहारस्य

युक्तचेष्टस्य कर्मसु

युक्त स्वप्नावबोधस्य

योगो भवति दु:खहा

આ શ્ર્લોકનો અર્થ છે કે જાગવું, ઊંઘવું, ખાવું, ફરવું તથા દરેક કાર્ય (ઉદ્યોગ, વ્યવહાર) જે હિસાબપૂર્વક કરે છે તેમને આ દુ:ખનાશક યોગ સિદ્ધ થાય છે. બાબાના દૈનિક રોજિંદા જીવનમાં કાર્ય, આહાર, વિહાર, નિદ્રા ગણિતથી ચાલ્યાં.

નાનપણથી એમને ગણિતમાં ખૂબ રુચિ હતી એટલે વગર વિચારે, હિસાબ લગાવ્યા વિના એ કોઈપણ કામ ઉઠાવતા નહીં. એ ગણિતી હોવાને લીધે સારા અધ્યાપક બન્યા, ગણિતી હોવાને લીધે એમણે ખાદી શાસ્ત્રને ગતિ આપી. ગણિતબુદ્ધિએ જ એમને સ્વરાજ્યશાસ્ત્ર લખાવડાવ્યું. ગણિત-બુદ્ધિના વિકાસને લીધે એમનામાં દાર્શનિકતા આવી અને દુન્યવી વ્યવહાર માટે એમનામાં જે ઉદાસીનતા જોવા મળે છે, એ પણ ગણિતબુદ્ધિથી જ ફળીભૂત થયેલી છે.

તેઓ કહેતા કે ક્રાન્તિ ક્યારે પણ ફુરસદથી થતી નથી. આજનું કામ આજે જ કરવું જોઈએ. એને કાલે, પરમદિવસે ટાળવું ન જોઈએ. વેદો પણ આજ્ઞા આપે છે કે अद्ध : अद्ध: श्व : श्व :

બાબા માનવજીવનનો ઉદ્દેશ્ય આત્મસાક્ષાત્કાર છે એમ વારંવાર કહેતા અને કહેતા કે આ જ જીવનમાં આ ઉદ્દેશ્યને પામવામાં સાર્થકતા છે.


વિનોબા – જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૨)

વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના

સમાજમાં હિંસા ભૂખમરાને કારણે જન્મે છે – વિનોબા


ગણિતના સંસ્કાર પિતાજીમાંથી મળ્યા. વિન્યાના માસુમ ચિત્ત પર પિતાજીની નિયમિત જીવનચર્યાના દૃઢ સંસ્કાર પડેલા. પિતાજીનું ખાવું, પીવું, ફરવું, વાંચવું, શતરંજની રમત રમવી વગેરે નિયમિત નિશ્ર્ચિત રહેતું હતું. એ જમાનામાં સોયાબીન લેતા તો એના દાણા પણ ગણીને લેતા. વિનોબાજી કહે છે કે ‘મેં મારા પિતાજી પાસેથી યોગ શીખ્યો.’

બાબાની જીવનચર્યા જોનારા આશ્રમવાસીઓ કહેતા કે, “તેઓ બરાબર ઘડિયાળ જોઈને કુટિની બહાર નીકળતા અને પાછા કુટિમાં આવતાની સાથે ઘડિયાળ જોઈ લેતા. અને સમયનું અનુમાન હમેશાં બરાબર જ રહેતું. એમના માટે તો કેટલા ડગલા ચાલવા છે તે પણ પૂર્વનિર્ધારિત રહેતું.

બાબા કહેતા કે જે મનુષ્ય ગણિતનો ખ્યાલ નથી કરતો, તેને યોગ સધાતો નથી અને તે રોગી બની જાય છે.

તેઓ કહેતા કે, you can not cheat mathematics.

ઘડિયાળનો વિનોબા સાથેનો યોગ હંમેશા રહેતો. આ અપરિગ્રહી પરિવ્રાજકના ખાટલા પર નાનકડી ઘડિયાળનું એક નિશ્ર્ચિત સ્થાન હતું. રાત્રે જ્યારે એમની ઊંઘ ઊડી જતી ત્યારે પહેલાં અંદાજ લગાવતા કે કેટલો સમય થયો હશે. પછી ઘડિયાળ જોતા. જો આ અંદાજમાં અડધા કલાક જેટલો ફેર નીકળતો તો એ પોતાની જાતને ઋફશહ કરતા. અને જો દસ-પંદર મિનિટ આગળ પાછળ સમય રહેતો તો તે પોતાને પાસ કરી દેતા.

વિનોબાજીનો આહાર એકદમ માપસરનો રહેતો અને આહાર લેવા માટેનો સમય પણ નિશ્ર્ચિત રહેતો.

કશ્મીરની પદયાત્રામાં તાઈ ક્યારેક થોડું વધારે દૂધ આપી દેતી તો બાબા ચમચીથી દૂધને ગણતા અને કહેતા કે ‘ખાને મેં માત્રા રહેગી તભી તો યાત્રા ચલેગી.’

સમયપાલનનું અનુશાસન ઉલ્લેખનીય છે. પદયાત્રામાં ચાલતા  ચાલતા જ્યારે પણ ખાવાનો સમય થતો તો ત્યાં વચ્ચે જ રોકાઈ જઈને ઊભા ઊભા આહાર લઈને આગળ વધતા.

જમ્મુ કશ્મીર પૈદલ યાત્રામાં એક બે વાર વહેલી સવારે યાત્રા શરૂ થવાના સમયે જ જોરદાર આંધી શરૂ થઈ. કોઈકે કહ્યું કે યાત્રા થોડી મોડી શરૂ કરીએ તો…. તો જવાબ મળતો કે “સૂરજ સમય પર ઊગવાનું છોડતો નથી. નદી નિત્ય વહેવાનું છોડતી નથી તો પછી આપણી યાત્રા શા માટે મોડેથી શરૂ કરવી ?

પદયાત્રામાં બાબા કહેતા કે જો લખતા લખતા ભોજનની ઘંટી વાગે તો ‘કૃ’ લખ્યું હોય અને ‘ષ્ણ’ લખવાનું બાકી હોય તો પણ તરત જ કાગળ-કલમ છોડીને ભાગવું જોઈએ. બાબાએ ભોજનની ઘંટીને ‘યમરાજની ઘંટી’ નામ આપ્યું હતું.

પદયાત્રામાં આટલી નિયમિતતા હોવા છતાં ક્યારેક ક્યારેક ઉધરસ-ખાંસી થતી. ઊંઘમાં ખલેલ પહોંચતી. તો બીજી સવારે બાબા એનો પણ હિસાબ પેશ કરતા કે કલાકે કલાકે પંદર મિનિટ ઉધરસ રહેતી અને પિસ્તાલીસ મિનિટ સૂવાનું થતું.


તમને આ પણ વાંચવું ગમશે


એવી જ રીતે એક વાર પદયાત્રા દરમ્યાન લક્ષ્મીપુરમાં મુકામ હતો. અને એમને ૧૦૪ ડિગ્રી તાવ હતો. સાથીઓ ચિંતામાં પડી ગયા કે યાત્રા સ્થગિત અથવા જીપથી કરવામાં આવે. ત્યાંના સિવિલ સર્જને તો સાફ સાફ મનાઈ કરી દીધી. પણ બાબાએ કોઈને સાંભળ્યા નહીં અને બીજા દિવસે નિયત સમયે ૧૨ માઈલનું અંતર પગપાળા કાપીને નિર્ધારિત મુકામે પહોંચી ગયા. આ સમાચાર સિવિલ સર્જને સાંભળ્યા ત્યારે એમને આશ્ર્ચર્ય થયું અને બોલ્યા, “આ લોકોનું ગણિત જુદું હોય છે. આ તો ભગવાનનાં પ્રિય જન હોય છે. એમણે અમારા સાયન્સને પણ ફેઈલ કરી દીધું.

બાબા દરેક વાતમાં ગણિતની મદદ લેતા હતા. બાબા દૂધ ખાતા હતા. એટલે કે મોઢામાં દૂધને હલાવતા હતા. અને એનો હિસાબ પણ એમની પાસે રહેતો હતો. કહેતા કે મારા પ્રત્યેક આહારમાં મારા વિષ્ણુ-સહસ્રનામનાં હજાર નામ થઈ જાય છે.

એમની પાસે એમના આહારનું નિશ્ર્ચિત પ્રમાણ નક્કી રહેતું. સન ૧૯૭૪ની વાત છે. એ દિવસોમાં તઓ દિવસમાં ત્રણ વાર આહાર લેતા.  કુલ ચાર વસ્તુઓ લેતા જેમાં બે વસ્તુ દવાના રૂપે લેતા. આહારમાં કુલ ૯૦ તોલા દૂધ અને ૧૬ તોલા ગોળ અને એક તોલો ઇસબગુલ અને એક તોલો એરંડિયું લેતા. કુલ ૧૦૮ તોલા આહાર એમના પેટમાં જતો.

એક વાર શ્રી રણજિતભાઈ અને શ્રી હેમભાઈ પોતાને ત્યાં બનાવેલો ગોળ લઈને બાબાને દેખાડવા આવ્યા. બાબાએ ગોળ ચાખ્યો, પછી હિસાબ પૂછવા લાગ્યા કે હું રોજ સોળ તોલા ગોળ લઉં છું તો આના માટે કેટલી શેરડી લાગે ? હિસાબ થયો કે દરરોજ બે શેરડી થાય અને આખા વર્ષની શેરડીની જરૂરિયાત માટે પોણો ગુંઠા જમીન જોઈએ.

ઉત્તરપ્રદેશની પદયાત્રામાં એક પડાવ પર શ્રમદાનનો કાર્યક્રમ હતો. જેમાં તળાવ ખોદવાના કામમાં ગ્રામજનોને સાથ આપવાનો હતો. વિનોબાએ જોયું કે જુવાનિયાઓમાં ખૂબ જોશ અને હોશ હતા. એક બહેન બીમાર પડી ત્યારે બાબાએ કહ્યું કે આ છોકરીમાં ભાવના છે પણ ગણિત નથી.

બાબાના જીવનમાં સમત્વની આરાધના હતી. ગીતામાં કહ્યું છે ને કે ‘समत्वं योग उच्चयते’  જ્યારે બાબા તો ગીતાપુત્ર છે.

એમણે આશ્રમની બહેનોને એક સૂત્ર આપેલું કે અડધું ખાઓ, બે ગણું પીઓ, ત્રણગણું કામ કરો અને ચાર ગણા હસો, હસાવો. બાબા ક્યારેક પોતાને વિનોદાનંદ કહી દેતા.

આશ્રમમાં બેંકના અધિકારીઓ આવ્યા હતા. બાબાએ પૂછ્યું કે ‘બાબાને બેંકમાંથી શું મળશે ? જે પૈસા રાખે છે, એમને કાંઈક મળે છે ને !’ આમ કહી એક કાગળના ટુકડા પર ‘રામહરિ’ લખ્યું અને તે ટુકડો બેંકના અધિકારીઓને આપ્યો અને કહ્યું કે આને રાખો. બાબાની તરફથી આ નોટ બેંકમાં રાખજો. આના માટે બાબાને કેટલું વ્યાજ મળશે ? બેંકવાળા આનો શું ઉત્તર આપે ?

બાબા માનવતા અને આત્મસાક્ષરતાના સંબંધને ગણિતની ભાષામાં સમજાવતા કહે છે કે ગણિતમાં એક હોય છે સામાન્ય ગુણાંક અને બીજો હોય છે લઘુતમ સમાપવર્ત્ય.

બાબાએ પોતાનો નિષ્કર્ષ આમ કાઢ્યો છે કે “સામાન્ય માણસોની સદ્ભાવનાના સામાન્ય ગુણાંક કે જેને Highest Common Factor કહે છે, તે છે માનવતા. આ આંકડો નાનો હોય છે, પરંતુ એનું નામ મોટું છે. બીજું, Lowest Common Factor એટલે કે લઘુતમ  સમાપવર્ત્ય. એનું નામ નાનું હોય છે પણ આંકડો મોટો હોય છે. તો સામાન્ય માણસોની સદ્ભાવનાનો લઘુતમ સમાપવર્ત્ય હોય છે – આત્મ-સાક્ષાત્કાર. આમ માનવતાથી ઓછું ન હોય અને આત્મસાક્ષાત્કારથી વધુ કંઈ છે જ નહીં.

બાબા કહેતા કે “અહંકાર શૂન્ય કરી દેવાથી નાનામાં નાની લાગતી સેવાનું અનંત મૂલ્ય નીકળતું હોય છે. ગણિતશાસ્ત્ર કહે છે કે કોઈ પણ સંખ્યાને શૂન્યથી ભાગવાથી પરિણામ અનંત આવે છે. સંખ્યા સ્ત્ર શૂન્ય = અનંત. ગણિતશાસ્ત્રમાં આ રીતે રજૂ કરવામાં આવે છે. પછી સંખ્યા ભલે ને ગમે તે હોય. એટલા માટે જ સેવાને બહુ મોટી બતાવવાના પ્રયત્નો કરવાને બદલે આપણે અહંકારશૂન્ય બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ બાબા કાર્યકર્તાઓને સમજાવતા.

બાબા પવનાર આશ્રમથી ચાર માઈલના અંતરે આવેલ સુરગાંવમાં નિત્ય હાથમાં પાવડો અને માથા પર ટોકરી લઈને સફાઈ કરતા. આ કામ એમણે  ધૈર્ય અને સાતત્યપૂર્વક ત્યાં સુધી કર્યું જ્યાં સુધી સુરગાંવવાળાઓને પ્રતીત ન થયું કે આ કામ તો આપણું છે.

બાબા ઘડિયાળનું ઉદાહરણ આપીને કહેતા કે આ ઘડિયાળમાં જે સાતત્યપૂર્વક ચાલવાવાળો કાંટો છે ને તે છે મારો ગ્રામદાન કાર્યકર્તા. જે સતત ફરતો જ રહે છે, એને આરામ નથી. હું તો સૂઈ જાઉં છું, પણ એ તો ફરતો જ રહે છે. પછી આ જે બીજો કાંટો છે, તે જનતા છે. જે જરાક આળસુ છે. જ્યારે આ કાર્યકર્તા કાંટો આખું ચક્કર ચાલે છે, ત્યારે જનતા થોડીક આગળ સરકે છે. અને જ્યારે જનતા કાંટો આખું ચક્કર ફરે છે ત્યારે આ સૌથી નાનો કાંટો, કે જે સરકાર છે. તે થોડુંક આગળ ચાલે છે.

આમ બાબાએ પોતાના જીવનમાં ગણિતની ઉપાસના કરી અને સાથીમિત્રો, કાર્યકર્તાઓ વગેરેને ગણિતનું મૂલ્ય સમજાવ્યું. સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જીવન જીવવાની કળા બાબા પાસેથી શીખવા મળે છે.

સૌને પ્રણામ.

(વિનોબા વિચારપ્રવાહ ઉપક્રમ નિમિત્તે આપેલ પ્રવચન.)    – અમી ભટ્ટ


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s