સમસ્ત જીવનમાં અધ્યાત્મનો વિનિયોગ
સર્વોદય આંદોલનમાં લાગેલા આપણે સહુએ એક વાત એ સમજવાની છે કે આપણું આ કાર્ય એક આધ્યાત્મિક કાર્ય છે. તેમાં ક્રાંતિની, સમાજ-પરિવર્તનની વાત છે, પણ તે આધ્યાત્મિક બુનિયાદ પર આધારિત છે. આપણા કામનો સાર એ છે કે તમે, હું બધા એક છીએ. આપણા સહુનું જીવન એકરૂપ થવું જોઈએ. કોઈ સુખી છે, કોઈ દુ:ખી છે, એ રીતનો ભેદ સમાજમાં હોય, એ ઇષ્ટ નથી. તે આત્મજ્ઞાનની વિરુદ્ધ છે. એવા ભેદ બધા ખતમ કરવા માટે જ આ આંદોલન છે. તેથી આ એક આધ્યાત્મિક આંદોલન છે. ગાંધીજીનું આ સર્વોદયનું કાર્ય આધ્યાત્મિક પાયા ઉપર જ ઊભું છે.
આ વાત ઝીટવણથી સમજી લેવા જેવી છે, કારણ કે ગાંધીજીની બાહ્ય પ્રવૃત્તિઓનું સ્વરૂપ મુખ્યત્વે કર્મ-પ્રધાન રહ્યું. અને ખાસ કરીને એમને કાયમ રાજદ્વારી પ્રવૃત્તિઓમાં ખૂંપેલા રહેવું પડ્યું, એટલે આ વસ્તુ ઝટ લોકોના ધ્યાનમાં નથી આવતી. પરંતુ એમની વાતોનું શાંતિથી સૂક્ષ્મ અવલોકન કરીશું, તો જણાશે કે એમનું મુખ્ય લક્ષણ તો સમસ્ત જીવન-વ્યવહારમાં અધ્યાત્મનો વિનિયોગ કરવાનું જ રહેલું. જુઓ ને ! ગાંધીજીએ આપણી સામે કેટલીયે એવી વાતો રજૂ કરી, જે કેવળ આધ્યાત્મિક ક્ષેત્રમાં આવે છે. અહિંસા, સત્ય, અસ્તેય વગેરે પાંચ વ્રતો સાથે એમણે બીજી કેટલીક વાતો જોડીને એકાદશ વ્રતો આપણી સામે મૂક્યાં, અને સર્વોદયના કામ માટે આ વ્રતોનું આચરણ એમણે અનિવાર્ય ગણાવ્યું.
સમાજસેવકે વ્રત પાળવાં જરૂરી
હવે, આવી વ્રત-પાલનની વાત કાંઈ નવી નથી. સત્ય, અહિંસા વગેરે તો બધા ધર્મોનો નિચોડ છે. માનવ-જીવનના ધારણ-પોષણ માટે જે કાંઈ આધ્યાત્મિક ચિંતન થયું છે, તેનો સાર આ મૂળભૂત પાંચ વ્રતોમાં આપણા પૂર્વજોએ મૂકી દીધો છે. તેને એમણે ‘પંચ-મહાવ્રત’ કહ્યાં. એટલે આ પ્રકારના વ્રત-પાલનની વાત કંઈ નવી નથી. પરંતુ તમારે સમાજ-સેવા કરવી હોય, તો આ વ્રતોનું પાલન જરૂરી જ નહીં, અનિવાર્ય છે; એ વાત ગાંધીજીએ પહેલ વહેલી કહી. આવું આ અગાઉ બીજા કોઈએ નહોતું કહ્યું.
આધ્યાત્મિક ઉન્નતિ માટે યમ-નિયમ જરૂરી છે, એમ ભલે પહેલેથી મનાતું આવ્યું; યોગી, સાધક વગેરે જેઓ પોતાના આધ્યાત્મિક વિકાસ માટે મથતા હોય, એમણે આ વ્રતોનું પાલન કરવું જોઈએ, એમ ભલે કહેવાતું આવ્યું; પરંતુ આ વ્રત-નિયમોનું પાલન સમાજ-સેવા માટે જરૂરી છે, તેના વિના સમાજ-સેવા થઈ શકશે નહીં, બલ્કે અસેવા થશે, એ દૃષ્ટિ પહેલવહેલી ગાંધીજીએ જ આપી. એમણે તો ત્યાં સુધી કહી દીધું કે એક બાજુ સત્ય અને બીજી બાજુ સ્વરાજ, એ બેમાંથી કોઈ એકને પસંદ કરવાની નોબત આવે, તો હું સ્વરાજ છોડીને સત્ય જ પસંદ કરું.
યાદ રાખજો કે આ વાત એમણે એ જમાનામાં કહી, કે જ્યારે સ્વરાજની ભૂખ દેશમાં તીવ્રતમ હતી. ત્યારે એમણે કહ્યું કે સત્ય ખાતર હું સ્વરાજ પણ પડતું મૂકવા તૈયાર છું. અને પોતાની દૃઢ શ્રદ્ધા એ વારંવાર વ્યક્ત કર્યા કરતા કે સ્વરાજ સત્ય દ્વારા જ મળશે.
અત્યાર સુધી લોકો એટલું માનતા કે સમાજની સેવા કરવા નીકળીએ, તો આપણામાં કેટલાક ગુણ હોવા જોઈએ, પણ અત્યાર સુધી કોઈએ એવું નહોતું માન્યું કે દેશ-સેવા માટે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય વગેરેની જરૂર છે. બલ્કે, જે લોકોએ વ્યક્તિગત ક્ષેત્રમાં આ વ્રતોની જરૂર માની અને પોતે તેની ઉપાસનાયે કરી, એમણે તો સેવાનું નામ સુધ્ધાં ન લીધું. આ બધાં વ્રતોનો સામાજિક ક્ષેત્રમાં વિનિયોગ કરવાનો છે, એવું ગાંધીજી પહેલાં કોઈએ નહોતું માન્યું.
ટૂંકમાં, સમાજ-સેવા કરવા નીકળેલાઓએ આ વ્રતોનું નામ સુધ્ધાં નહોતું લીધું, અને જેમણે આ વ્રતનો ભારે મહિમા ગાયેલો, એમણે લોકક્રાંતિની અથવા સમાજ-પરિવર્તનની વાત ક્યારેય નહોતી કરી. વ્યક્તિગત શુદ્ધિ માટે એક વિચાર અને સામાજિક શુદ્ધિ માટે બીજો વિચાર, પરંતુ આ બંનેનો સમન્વય કરી દેખાડ્યો ગાંધીજીએ. સમાજ-સેવા, રાજનીતિ, રચનાત્મક કાર્યક્રમ વગેરે બાહ્ય કાર્યો સાથે સત્ય, અહિંસા વગેરેને જોડ્યાં ગાંધીજીએ. સમાજ-સેવા માટે એમણે તેને અનિવાર્ય માન્યાં અને તમારા સેવાકાર્યની કસોટીરૂપ પણ માન્યાં.
તમને આ પણ વાંચવું ગમશે
નૈના નીરખો ઊંડેરું રે….
આપણે ભૂલવું ન જોઈએ કે સર્વોદય જેવી હૃદય-પરિવર્તનનો દાવો કરનારી વિચારધારા આપણે અપનાવી છે, ત્યારે અગાઉના સંતો કરતાંયે વધુ ઊંડાણમાં જવાની કોશિશ આપણે કરવી પડશે. આ સંતોએ તો કેવળ આત્મ-શુદ્ધિનો જ દાવો કર્યો હતો અને તેની સાથોસાથ સમાજની થોડીક સ્થૂળ સેવા થઈ શકતી, એટલી તેઓ કરતા. તેમ કરતાં સહજભાવે માનવ-સ્પર્શ થઈ જતો અને તેનાથી થાય તેટલી સમાજની શુદ્ધિ થશે, એમ તેઓ માનતા. પરંતુ આપણે તો આખી સમાજ-રચના બદલવી છે, આખું ને આખું જીવન-પરિવર્તન કરવું છે, નવો માનવ બનાવવો છે, વિશ્ર્વમાનવ બનાવવો છે, એવી બધી વાતો જ્યારે કહીએ છીએ, ત્યારે આ બધા સંતો કરતાંયે વધુ આધ્યાત્મિક ઊંડાણમાં આપણે જવું પડશે.
નિષ્ઠુરતાનાં મૂળિયાં ખૂબ ઊંડાં છે
બુદ્ધ ભગવાન બાદ કારુણ્યપૂર્વ હૃદયે દીન-દુખિયાઓની, દરિદ્રોની વાત જો કોઈએ બુલંદપણે કરી હોય, તો મહામુનિ માર્કસે કરી છે. પરંતુ બુદ્ધ ઘણા ઊંડાણમાં ગયેલા. માત્ર એક સ્થૂળ દયાનું કામ કરવામાં કારુણ્યની સાર્થકતા નથી. નિષ્ઠુરતાનાં મૂળિયાં ઘણાં ઊંડાં હોય છે. તેથી ઠેઠ ત્યાં પહોંચીને તેને જડમૂળથી કાપવાં પડે છે. ત્યારે જ દુ:ખમાંથી જગતને ઉગારી શકાશે. બુદ્ધ દુ:ખની જડ સુધી પહોંચ્યા, તેથી એમનો વિચાર આજ સુધી કામમાં આવે છે, અને નિરંતર કામમાં આવતો રહેશે. માર્કસનો વિચાર પ્રતિક્રિયારૂપ હતો, એટલા વાસ્તે આજે તે પાછળ પડી ગયો છે અને આગળ જતાં ઝાઝો કામમાં નહીં આવે. અને તેમ છતાં એટલું નક્કી છે કે બુદ્ધ અને માર્કસ બંનેમાં કરુણા ભારોભાર હતી. સામ્યવાદી ક્રાંતિ માટે ઘણાં ખરાબ કામો થયાં, કતલો વગેરે થઈ. પરંતુ તે બધાં જ ખરાબ કામો કારુણ્યથી પ્રેરિત હતાં, તે વિશે કોઈ શંકાને સ્થાન નથી. આમાં ખરાબ કામોનો કશો બચાવ નથી, પણ તેમાંયે પ્રેરણા કારુણ્યની જ હતી, એમ માનવું પડે.
ઉપરછલ્લું પરિવર્તન નહીં
પરંતુ સાથોસાથ એમ પણ સમજવાની જરૂર છે કે કારુણ્ય જો ઉપરછલ્લું હશે, ઊંડાણમાં નહીં પહોંચ્યું હોય, તો તેના થકી ઘણાં ક્રૂર કાર્યો પણ થઈ જશે. એટલે આપણે જો ઊંડાણમાં નથી જતા, આત્મ- તત્ત્વનું સંશોધન નથી કરતા, સ્વાધ્યાય નથી કરતા, તો આપણી અપેક્ષિત કલ્પના કરતાં ઊલટાં જ પરિણામો આવી શકે છે. અને હવાના ઝોકાથી જો અહીં-તહીંનો ઝોક થઈ ગયો, તો તમારું કામ બિલકુલ વિરુદ્ધ દિશામાંયે ચાલી જઈ શકે. તેથી જ આધ્યાત્મિક ઊંડાણમાં જવાની જરૂર છે.
આર્યવ્રત એટલે કયાં વ્રત ?
માટે મૂળમાં મારે કહેવાનું એ છે કે જેને આપણે સર્વોદય વિચાર કહીએ છીએ, તે આ પહેલાંના કોઈ પણ આધ્યાત્મિક વિચારથી ઓછો ઊંડો નથી. તે આખાયે જીવનને સ્પર્શે છે એટલું જ નહીં, બલ્કે જીવનના હરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માગે છે, એટલે સર્વોદય વિચારને તેની સમગ્રતામાં અને તેના સર્વાંગીણ સ્વરૂપમાં ઝીલવાનો છે, સમજવાનો છે.
વળી, મારે એમ પણ કહેવું છે કે આ સર્વોદયનો સંદેશ એ આપણી પુરાતન સંસ્કૃતિનો સંદેશ છે, પુરાતન ભાષામાં કહેવું હોય તો તે આર્યવ્રતનો સંદેશ છે. આ સંદેશ દુનિયા આખીમાં પહોંચાડવાનું આપણું મિશન છે. મિશનરી લોકો જેવી નિષ્ઠાથી કામ કરે છે, તેવી જ નિષ્ઠાપૂર્વક આપણે કામ કરવાનું છે. મિશનરીઓ માને છે કે એમણે ઈશુનો સંદેશ દુનિયાભરમાં પહોંચાડવાનો છે. ઈશુનો સંદેશ બે હજાર વરસ પહેલાંનો છે. આપણને તો ઋગ્વેદે દસ હજાર વરસ પહેલાં સંદેશ આપી રાખ્યો છે – ‘આર્યા વ્રતા વિસૃજન્તો અધિ ક્ષમિ.’ ‘ક્ષમિ’ એટલે પૃથ્વી પર. ક્ષમિ ક્ષમા શબ્દની સપ્તમી વિભક્તિ છે. સમસ્ત પૃથ્વી પર આર્યવ્રતનો સંદેશ પહોંચાડીએ, ફેલાવીએ. આર્યવ્રત એટલે ક્યાં વ્રત ? અહિંસા, સત્ય, અસ્તેય આદિ જે વ્રતો છે, એમનો સમસ્ત પૃથ્વી પર પ્રસાર કરીએ.
– વિનોબા (‘કાર્યકર્તા પાથેય’માંથી સાભાર)