ગર્વથી હું એમ પણ કહું છું કે હું શીખ છું

હિંદુસ્તાનની પરંપરા એક મહાન વટવૃક્ષની પરંપરા છે. તે હિંદુ, મુસલમાન, પારસી, શીખ, જૈન, બૌદ્ધ આદિ બધાના શ્રેષ્ઠ શાસ્ત્રકારો અને અસંખ્ય સાધુ-સંતોની પરંપરા છે, આપણે જો આ પરંપરાને છોડીશું, તો આપણા દેશની અસલિયતને છોડીશું.

આપણે ત્યાં સંતોએ બહુ મોટું કામ કર્યું છે. સંતોની પરંપરા અતિ પ્રાચીન કાળથી આપણે ત્યાં ચાલી આવી છે. સંતોની વાણીએ આપણા લોકમાનસનું ઘડતર કર્યું છે. આમાંયે બે પરંપરા જોઈ શકાય છે. એક છે, સંત-પરંપરા અને બીજી છે, ભક્ત-પરંપરા. જે નિર્ગુણિયા કહેવાય છે, તે સંત છે. કબીર, નાનક, દાદૂ વગેરે સંત-પરંપરાવાળા છે, જ્યારે સૂરદાસ, તુલસીદાસ, મીરાંબાઈ વગેરે ભક્ત-પરંપરામાં છે.

આવા એક સંત થઈ ગયા, ગુરુ નાનક. પંજાબમાં બસ એક નાનકનું જ નામ ચાલે છે. ત્યાં પણ અનેક રાજા આવ્યા ને ગયા, પણ એમાંના કોઈનું નામ લોકોની જીભે નથી. લોકોની જીભે તો બસ એક નાનકનું જ નામ છે. આમ તો બીજા પ્રાંતોમાંયે સંત થઈ ગયા અને સંતવાણીનો મહિમા બધે છે, તેમ છતાં પંજાબમાં સંતવાણીનો, ગુરુવાણીનો પ્રભાવ જેટલો જોવા મળે છે, તેટલો બીજે ક્યાંય જોવા મળતો નથી. ખરેખર, પંજાબમાં ગુરુવાણીએ એક ચમત્કાર કરી દીધો છે. બીજા પ્રાંતોમાં મોટા ભાગે ભાઈઓના સત્સંગ ચાલે છે, પણ ત્યાં પંજાબમાં બહેનોનાયે સત્સંગ ચાલે છે. ગુરુઓએ સ્ત્રીઓને પરમાર્થમાર્ગમાં અનોખો પ્રવેશ કરાવી દીધો છે. નાનકે ચલાવ્યો તે શીખધર્મ કહેવાયો. શીખધર્મમાં હિંદુધર્મથી જુદું કાંઈ નથી.

પરંતુ લૌકિક હિંદુધર્મ અનેક પરસ્પર-વિરોધી ઉપાસનાઓમાં અવ્યવસ્થિત જેવો થઈ ગયેલો, તેમાં તેણે સુધારો કર્યો. અર્થાત્ તે હિંદુધર્મનો એક સુધારક પંથ છે. આમ તો સુધારકને બંને તરફથી માર ખાવો પડે છે. પરંતુ સગુણ-નિર્ગુણનો વિરોધ મિટાવવાની કળા ભક્તિમાર્ગને સરસ સધાયેલી હોવાથી શીખો અને હિંદુઓમાં કોઈ વૈમનસ્ય ઊભું નહીં થયું. જો કે કેટલાક કટ્ટર મુસ્લિમ રાજાઓએ શીખોને બહુ સતાવ્યા. તેને લીધે મૂળત: સમન્વયવાદી નિર્ગુણ શીખ પંથ આગળ જતાં પ્રતિકારવાદી અને શક્તિનો ઉપાસક બન્યો. અસામાન્ય ત્યાગવૃત્તિ, ધીરજ અને વીરતાથી એમણે જુલમી રાજસત્તાનો સામનો કર્યો.

શીખધર્મમાં એક વિશેષતા જોવા મળે છે. શીખધર્મના બધા ગુરુઓએ પદ્ય લખ્યાં છે, પણ તે બધાએ છેવટે ‘નાનક’નું જ નામ લખી દીધું છે. એટલે બધાં પદ્ય નાનકના નામે છે. આ ઘણું સારું કર્યું. અને બીજી સારી વાત એ કરી કે ગુરુ દસ થઈ ગયા એટલે બસ, દસ પછી વધારે ગુરુ નહીં. ગુરુઓની સંખ્યા વધતી રહે, તો નાહક ઝઘડા ઊભા થાય છે. એટલે શીખોએ નક્કી કર્યું કે દસ ગુરુ બસ છે. પહેલા ગુરુ નાનક અને આખરના ગુરુ ગોવિંદસિંહ. ત્યાર પછી ગ્રંથને જ ગુરુ માનો. આગળ ઉપદેશ આપનારા નહીં પાકે એમ નહીં, પરંતુ પછી ગ્રંથને જ ગુરુ તરીકે માનવો જોઈએ, એવો નિર્ણય શીખોએ કર્યો. આ એક બહુ મોટી વાત થઈ. એક ગ્રંથનો પ્રભાવ આખા પ્રદેશ ઉપર પડ્યો હોય, એવું આપણે ત્યાં જોવા મળે છે. તુલસી-રામાયણ, નામઘોષા આનાં ઉદાહરણ છે. એવી જ રીતે ‘જપુજી’ અને ‘ગ્રંથ સાહિબ’ના આધાર ઉપર આખો શીખ સમાજ ઊભો છે.

‘જપુજી’માં ધર્મનો નિચોડ છે. ગુરુ નાનકે પોતાની પાછલી ઉંમરમાં, બધી યાત્રા પૂરી કર્યા બાદ, આ લખ્યું છે. મને એ ખૂબ ગમ્યું છે. આપણે ત્યાં કેટલાક મોટા ભાષ્યગ્રંથ લખવામાં આવ્યા છે, અને કેટલાક સૂત્રગ્રંથ. ‘જપુજી’ સૂત્રગ્રંથ છે. એની આડત્રીસ પૌડીઓ, આરંભનો મૂળ મંત્ર અને અંતિમ શ્ર્લોક મળીને, બિલકુલ થોડામાં ધર્મનો બધો સાર રજૂ કરવામાં આવ્યો છે, અને તે એવી રીતે રજૂ કરાયો છે કે માત્ર શ્રદ્ધાની વાત નથી કરી, બલ્કે ઘણી વ્યાપક દૃષ્ટિએ વિચારવામાં આવ્યું છે. જ્ઞાનયોગ, ધ્યાનયોગ, ભક્તિયોગ, સાધના વગેરે બધું જ કહેવામાં આવ્યું છે. જેમ ‘ઈશાવાસ્યોપનિષદ’માં અઢાર મંત્રોમાં કુલ વૈદિક ધર્મનો સાર આવ્યો છે, એવી જ રીતે આમાં દર્શન, નીતિવિચાર, તત્ત્વજ્ઞાન વગેરે બધાંનો નિચોડ આપી દીધો છે.

‘જપુજી’ ‘ઈશાવાસ્યોપનિષદ’ જેટલું સંક્ષિપ્ત નથી. એની આડત્રીસ પૌડીઓ એટલે ગીતાના લગભગ એકસો આઠ અનુષ્ટુપ છંદ છે. અર્થાત્ આકારમાં એ આશરે એક ચતુર્થાંશ ગીતા છે. ‘જપુજી’માં સંસ્કૃત અને અરબી શબ્દો ઘણા છે, તેના પરથી પ્રાચીન સાહિત્યની અસર સ્પષ્ટ જ છે. નાનક ઉપર ઉપનિષદનો પ્રભાવ હશે, કુરાનનો પણ હશે. ‘જપુજી’નો આરંભ મંત્રથી થાય છે : “૧ ઓંકાર સતિનામુ કરતા પુરખુ નિરભઉ નિરવૈરુ અકાલમૂરતિ અજૂની સૈભં ગુર પ્રસાદિ -આમાં આરંભમાં અક્ષરને બદલે એકનો આંકડો આવે છે. પરમેશ્વરની એકતા બધા ધર્મોનો પાયો છે. ઓંકાર એક નાદાત્મક ચિહ્ન છે, નાદરૂપ ધ્વનિ છે. ઉપનિષદ અને ગીતા એનો જ ઉપયોગ કરે છે. ગુરુ નાનકે એનો ઉચ્ચાર કરીને આપણી પરંપરા કાયમ રાખી છે.


તમને આ પણ વાંચવું ગમશે

અભય : ન ડરે, ન ડરાવે – વિનોબા ભાવે

શિક્ષણના ત્રિદોષ

વિનોબા વિદ્યાર્થીઓને શું કહે છે?


જ્યારે કોઈ નવો વિચાર જૂના વિચારને તોડીને આવે છે, ત્યારે તો ફૂલતો-ફાલતો નથી. પરંતુ જ્યારે જૂના વિચારનો આધાર લઈને કોઈ નવો વિચાર આગળ વધે છે, ત્યારે તેમાં નવી ચીજનો સ્વાદ અને જૂની ચીજની તાકાત બંને હોય છે, અને તેથી તેનો સ્વાદ ઔર વધે છે. જાણે વાંસ ઉપર શેરડીની કલમ થાય છે. ઈશુએ કહ્યું, હું તોડવા નહીં, બલ્કે પૂર્તિ કરવા આવ્યો છું. ઇસ્લામમાં પણ કહ્યું છે કે, “મૈં તસ્દીક કરને આયા હૂં – હું પુષ્ટિ કરવા આવ્યો છું. ગુરુ નાનકે એમ જ કર્યું. એનાથી તાકાત વધે છે. અહીં ‘નિરભઉ નિરવૈરુ’ એ બે અદ્ભુત વિશેષણ ધ્યાન ધરવા લાયક છે. મોટે ભાગે પરમેશ્ર્વરને માટે આવાં અભાવાત્મક વિશેષણ નથી વપરાતાં, ભાવાત્મક વિશેષણ જ વપરાય છે. ભગવાનને ભય અને વેરનું કોઈ કારણ નથી. પરંતુ અહીં આ બે અભાવાત્મક વિશેષણ ખાસ કરીને ભક્તોનું ધ્યાન ખેંચવા માટે આપ્યાં છે, જેથી ભગવાનના આ બે ગુણોનું ધ્યાન ધરીને આપણે નિર્ભય-નિર્વૈર બનીએ.

‘સત્ શ્રી અકાલ’ શીખોનો મંત્ર છે. ‘અકાલમૂરતિ’ એટલે કાલાતીત, જ્યાં કાળનું બંધન નથી. પરમેશ્ર્વર કાલાતીત છે. ‘અજૂની’ એટલે અજન્મા, જન્મરહિત છે, અથવા અયોનિ છે. અને ‘સૈભં’ એટલે સ્વયંભૂ છે.

નાનક કહે છે, “હુકમિ રજાઈ ચલણા નાનક લિખિઆ નાલિ – બધું કામ એના હુકમથી ચાલે છે, એવો વિશ્ર્વાસ હશે તો પરમેશ્વરની તાકાત પ્રગટ થશે. જેઓ પરમેશ્ર્વરનું નામ-સ્મરણ કરનારા છે, તેઓ કોઈ પંથ પર નથી ચાલતા, કેમ કે ધર્મ સાથે એમનો સીધો સંબંધ છે. “મંનૈ મગુ ન ચલૈ પંથુ, મંનૈ ધરમ સેતી સનબંધુ -મનન કરવાથી માણસ પંથોના માર્ગે નહીં જાય. મનન કરીને તે પોતે ધર્મતત્ત્વ સમજી લેશે, તેનો ધર્મની સાથે સીધો સંબંધ જોડાઈ જશે. અહીં ‘ધર્મ વિરુદ્ધ પંથ’ એ સવાલ ઊભો કરીને નાનકે પંથોનો નિષેધ કર્યો છે. એમણે માણસનો સંબંધ પંથને બદલે સીધો ધર્મ સાથે જોડવા ઉપર ભાર મૂક્યો છે. પંથમાં બંધાઈ જવાથી નુકસાન જ થાય છે. અંગ્રેજીમાં કહેવત છે, “નિયરર ધ ચર્ચ, ફારધર ફ્રોમ ગૉડ -ચર્ચથી જેટલા નજીક, એટલા જ ભગવાનથી દૂર !

નાનક આગળ કહે છે, “ધૌલુ ધરમુ દઈઆ કા પૂતુ -જે ધર્મના આધાર ઉપર આપણે ઊભા છીએ, તે દયાનો પુત્ર છે. દયાનો પુત્ર એવો ધર્મ પેદા થાય છે, ત્યારે સમાજમાં સુખ ને શાંતિ પ્રસરે છે. તુલસીદાસજીએ પણ આમ જ કહ્યું છે -“દયા ધરમ કા મૂલ હૈ. નાનકે હજી કહ્યું, “ભુગતિ ગિઆનુ, દઈઆ ભંડારણિ -જ્ઞાનરૂપી ભોજન દયાથી બને છે. દયા-ભંડારણ છે. જ્ઞાનરૂપી લાડુ માટે ઘી, સાકર, લોટ વગેરેની જરૂર પડે છે, તે દયાના ભંડારમાંથી મળે છે. દયા વિના જ્ઞાનનું પોષણ નથી થઈ શકતું.

આપણને જ્ઞાન પ્રાપ્ત થયું, આપણે ઈશ્ર્વરને ઓળખ્યો, એમ ત્યારે જ કહેવાય જ્યારે આપણામાંથી તારા-મારાનો ભેદ ભુંસાઈ જાય. જેની ઈશ્ર્વર ઉપર ભક્તિ છે, તે કોઈને પરાયો સમજી જ ન શકે. જે કોઈ છે, તે પોતાનું જ રૂપ છે. આ એક બહુ મોટી વાત છે. આપણા બધા જ સંતોએ આ વાત કહી છે. નાનકે પણ કહી છે. નાનકે ‘જપુજી’ ઉપરાંત સુંદર ભજનો લખ્યાં છે. એક ભજનમાં એમણે બિલકુલ આ જ વાત કહી છે : “બિસર ગઈ સબ તાત પરાઈ, જબ તે સાધુ-સંગત મોહિ પાઈ -જ્યારથી હું સાધુઓની સંગતમાં આવ્યો છું, ત્યારથી હે પિતા, હું મારા ને તારાનો ભેદ ભૂલી ગયો છું.

આ ભજન પંજાબનું અત્યંત લોકપ્રિય ભજન છે. આ ભજન કોઈ ડરપોક માણસ નહીં બોલી શકે, પોલાદી અંત:કરણવાળો જ બોલી શકશે, એ બહાદુર હશે. એટલે જ કહી શકશે કે, “ના કો બૈરી નાહિ બિગાના, સકલ સંગિ હમકૌ બનિ આઈ -મારા માટે કોઈ દુશ્મન નથી કે કોઈ પારકું-પરાયું નથી. સહુ સાથે હું સમાન રૂપે પ્રેમથી ભળી જાઉં છું. બસ, સર્વોદયનો આ જ તો સંદેશ છે. આ ભજન સર્વોદયના મૂળ મંત્ર જેવું છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે, “ના કો બૈરી નાહિ બિગાના કહીને પરાક્રમને, વીરતાને મહાવીરતામાં પરિણત કરવાનો જબરો પ્રયાસ આમાં થયો છે. આ રીતે બહાદુર શીખોને ક્ષાત્ર-પરાક્રમની ઉચિત દિશામાં લઈ જવાનું, મહાવીરતાની અને પરમ અહિંસાની અભિમુખ કરવાનું બહુ મોટું કામ નાનકજીએ કર્યું છે.

શીખોના છેલ્લા ગુરુ ગોવિંદસિંહ ઉપર ધર્મની રક્ષા કરવાનું મોટું કર્તવ્ય આવેલું. તે માટે તેઓ દેશ આખામાં ફરી વળ્યા. એમનો અંતિમ સમય મહારાષ્ટ્રમાં વીત્યો. ઔરંગઝેબે જે ધર્મઝનૂની વલણ લીધું, તેને લીધે હિંદુઓ અને શીખોને ઘણું સહન કરવું પડ્યું. ત્યારે તેની સામે એક બાજુ ગુરુ ગોવિંદસિંહ અને બીજી બાજુ શિવાજી મહારાજ અગ્રસર થયા. એ બંનેએ ઔરંગઝેબનો મુકાબલો કર્યો. પરંતુ તેમ કરતાં એ બંનેએ ક્યારેય મુસલમાનોનો દ્વેષ નથી કર્યો. બલ્કે, એમણે મુસલમાનોનીયે કદર કરી છે, એમને સહાય કરી છે.


તમને આ પણ વાંચવું ગમશે


શિવાજીએ મુસલમાનોને મસ્જિદ બનાવવા માટે મદદ કરેલી. એમનો ઝઘડો ઇસ્લામ સાથે નહોતો, મુસલમાનો સાથે પણ નહોતો, માત્ર ઔરંગઝેબના જુલમો સામે એમને લડવું પડ્યું, તેઓ દ્વેષ કરનારા નહોતા. પ્રેમ જ એમનો ધર્મ હતો. ગુરુ નાનકથી લઈને ગુરુ ગોવિંદસિંહ સુધી સહુએ પ્રેમધર્મ જ શીખવ્યો. ગુરુ નાનકના વિચારોનો પૂરો નિચોડ ‘જપુજી’માં છે.

આ ‘જપુજી’ કેવળ શીખો માટે નથી, આખી દુનિયા માટે છે. એ દૃષ્ટિએ મેં એનું વિગતે ભાષ્ય કર્યું છે. ગુરુ નાનકને કોઈ એક પ્રસંગમાં બાંધી લેવાય નહીં. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહ વખતે જ્યારે હું જેલમાં હતો, ત્યારે મેં ‘જપુજી’ પહેલી વાર વાંચ્યું. એ વખતે હું નામદેવનાં મરાઠી ભજનોનો સંગ્રહ કરી રહ્યો હતો. નામદેવનાં કેટલાંક હિંદી ભજનો ‘ગ્રંથસાહિબ’માં પણ છે. તેથી મેં ‘ગ્રંથસાહિબ’ મંગાવ્યું, અને નામદેવને માટે આખું વાંચી લીધું. તે વખતે એક શીખ ભાઈ મારી સાથે હતા, જેઓ ‘જપુજી’નો પાઠ કર્યા કરતા હતા.

પરંતુ તે વખતે મને એટલો અર્થ સમજાતો નહોતો, અને મારી પાસે અર્થ જાણવાનાં સાધન પણ ઉપલબ્ધ નહોતાં. ત્યાર બાદ ભૂદાનયાત્રા દરમ્યાન પંજાબની પદયાત્રામાં મારે ત્યાંની જનતા સાથે સંપર્ક કરવો હતો, તેથી મેં ફરી ‘જપુજી’નું અધ્યયન શરૂ કર્યું. એની મારા પર ખૂબ ઊંડી અસર પડી. રાત્રે ક્યારેક સ્વપ્ન આવ્યાં, તો તેમાં પણ ગુરુ નાનકનાં વચન યાદ આવતાં હતાં. આમ, વેદ-ઉપનિષદ-ગીતાની માફક ગુરુવાણી, જપુજી પણ મારા લોહીના બુંદ-બુંદમાં છે. હું કહી શકું કે હું હિંદુ છું, તેમ હું શીખ પણ છું. મારા મનમાં ગુરુ નાનક માટે કેટલો આદર છે, તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. એમણે માનવીય વિચારોને એક નવી પ્રેરણા દીધી છે.

એમનું જીવન પણ કેટલું ઉદાત્ત અને ઉન્નત હતું ! એમના નાનપણનો એક પ્રસંગ છે. પિતાની દુકાન હતી. પિતાએ નાનકને દુકાને બેસાડ્યો. એક દિવસ એક ગ્રાહકને માલ આપતા હતા. ગણવા લાગ્યા…. “એક, દો તીન… ગ્યારા, બારા, તેરા… તેરા…તેરા… બસ, આગળ ગણવાનું બંધ થઈ ગયું ! ‘ચૌદા’ થયું જ નહીં. ‘તેરા, તેરા’ યાને ભગવાનનું, બધું ‘તેરા’ – તારું જ છે ! આગળ શું ગણવાનું ? આગળ દેતા જ રહ્યા. પિતાએ આ જોયું અને કહ્યું, તારાથી આ કામ નહીં થાય. અને કામ છોડીને નાનક નીકળી પડ્યા.

ગુરુ નાનક કામરૂપ (અસમ)થી લઈને મક્કા સુધી અને શ્રીનગરથી લઈને શ્રીલંકા સુધી ફરતા રહ્યા અને લોકોને પ્રેમથી ને ઉત્સાહથી સદ્-વિચાર સમજાવતા રહ્યા. એક વાર મક્કા ગયેલા. ત્યાં એક જગ્યાએ સૂતા હતા. એમના પગ મસ્જિદ તરફ હતા. લોકોએ ફરિયાદ કરી. તો નાનકે કહ્યું કે તમે મારા પગ એ દિશામાં કરી દો, જે તરફ અલ્લાહ ઉપસ્થિત ન હોય, અલ્લાહ તો સર્વ દિશામાં છે, સર્વત્ર છે !

યાત્રા કરતાં-કરતાં એક વાર નાનક પુરી પહોંચ્યા હતા. પણ ત્યાં તેમને મંદિરમાં પ્રવેશવા દીધા નહીં. તો નાનકજીએ મંદિરની બહાર ખુલ્લા આસમાન નીચે ઊભા રહીને ભગવાનની આરતી ગાવા માંડી. એમણે તો આરતીમાં ગાયું છે કે હું તો એ ભગવાનનો દાસ છું, જે જગન્નાથ છે. જગન્નાથની આ આરતી બહુ મધુર આરતી છે. તે આરતી શીખોમાં રોજ ગવાય છે : “ગગન મેં થાલ રવિચંદ દીપક બને, તારકા-મંડલ કનક મોતી…. આકાશ એક મોટી થાળી છે અને તેમાં સૂર્ય-ચંદ્રરૂપી જ્યોતિ જલાવી છે. જગન્નાથજી મંદિરમાં કેદ નથી, વિશાળ ગગન-મંદિરમાં એમનો નિવાસ છે. આવી એ સુંદર રમણીય આરતી છે !

આવી રીતે જગન્નાથપુરીના લોકોને વિશ્ર્વરૂપ ભગવાનનું જ્ઞાન આપીને એ ફરી ચાલી નીકળ્યા. બસ, ફરતા રહ્યા, સદ્વિચારનો પ્રચાર કરતા રહ્યા. આવી રીતે પરિવ્રજ્યા કરતા રહેવાને બદલે કોઈક મઠ કે મંદિરમાં બેઠા રહેવાનું પસંદ કર્યું હોત, તો શું એમની વાત બધે ફેલાઈ શકી હોત ? લોકોની પાસે પહોંચવું અને એમને સમજાવવું, એ જ પોતાનું પરમ કર્તવ્ય આ બધા સંતોએ માન્યું. આજે ધર્મની વાતો કરનારાઓનું આ વસ્તુ તરફ બિલકુલ ધ્યાન જ નથી. તેઓ તો મંદિર, મસ્જિદ, ગુરુદ્વારાઓ પાછળ પડ્યા છે. એટલે ધર્મ આજે ક્ષીણ થઈ રહ્યો છે અને સંપ્રદાયો ફૂલી-ફાલી રહ્યા છે !

એટલે આજે મારી સામે મંદિરો, મસ્જિદો ને ગુરુદ્વારાઓની રક્ષાનો પ્રશ્ન નથી; ધર્મની રક્ષાનો, આ સંતજનોની અમોલી વાણીની રક્ષાનો પ્રશ્ન મુખ્ય છે. મંદિર ને ગુરુદ્વારા તો માત્ર ઈંટ-ચૂનાનાં મકાન છે. વળી, ત્યાં બેસીને આપણે ઝઘડા કર્યા કરીશું, તો તે મંદિર ને ગુરુદ્વારા ધર્મ સ્વરૂપ પણ ક્યાંથી રહેશે ? એ તો ‘ઝઘડાનાં ધામ’ બની જશે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા તો એ છે, જ્યાં બેસીને આપણે ગુરુઓની વાણી, સંતોની વાણી અનુસાર ચાલવાનો સંકલ્પ લઈએ.                  

– વિનોબા


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s