આદિવાસીઓના અધિકાર માટે પ્રવૃત્ત સ્ટેન સ્વામી

તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ની વહેલી સવારે જાણવા મળ્યું કે NIA -નેશનલ ઇન્વેસ્ટીગેટીંગ એજન્સીની કોર્ટે સ્ટેન સ્વામીની બેઈલ પર છૂટવાની માંગણી નકારી નાંખી છે. સ્ટેન સ્વામી ૮૩ વર્ષના છે. ૮ ઑક્ટોબર ૨૦૨૦ના રોજ સરકારે તેમની ધરપકડ કરી છે. સરકારનો દાવો છે કે તેઓ પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓઇસ્ટ)ના સભ્ય છે. તેમજ ભીમા કોરેગાંવ ગામ, જે પુના નજીક આવ્યું છે ત્યાં વર્ષ ૨૦૧૮માં થયેલાં તોફાનો કરાવવામાં પણ જવાબદાર છે.

સ્ટેન સ્વામીનો જન્મ એપ્રિલ ૧૯૩૭ના રોજ તામિલનાડૂના એક ગામડામાં થયો હતો. તેઓ શિક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે. ૧૯૬૭માં આદિવાસીઓની જીવનશૈલી અંગેનો અભ્યાસ કરવા ફિલિપાઇન્સ ગયા હતા. ૧૯૭૧માં જમશેદપુર વિસ્તારમાં રાહતનાં કામોમાં જોડાયા, પછી ઝારખંડમાં આદિવાસીના હક્કોના રક્ષણ માટે સક્રિય રહ્યા છે.

૧૯૯૦ પછીના સમયમાં આદિવાસીઓને તેમની જમીન પરથી હટાવવાનું મોટા પાયે ચાલુ થયું. ડેમ બાંધવા માટે, સૈનિકોને તાલીમ આપવા ફિલ્ડ ફાયરીંગ વિસ્તાર માટે શિંગભૂમ વિસ્તારની આદિવાસીઓની જમીનો જવા માંડી હતી.

વર્ષ ૨૦૧૦માં ઝારખંડમાં ‘પથ્થર ગડી’ આંદોલન ચાલુ થયું, જેમાં બંધારણે આપેલા આદિવાસીઓની સ્વાયત્તતાના અધિકારની વાતને ઉજાગર કરવામાં આવી. આદિવાસીઓ પોતાના ગામના પ્રવેશ દ્વારે પથ્થરમાં આ હકને દર્શાવતાં લખાણ લખી ઊભા પથ્થર ખોડી દેતા. આ કૃત્ય માટે સ્વામી સહિત ૨૦ જેટલા કાર્યકરો પર દેશદ્રોહનો સરકારે કેસ કર્યો.

ઝારખંડમાં આદિવાસીઓમાં આવેલી જાગૃતિના કારણે મોટાં મોટાં કોર્પોરેટ ગૃહોને જમીનો પર કબજો મેળવવાનું મુશ્કેલ બનવા લાગ્યું. ઝારખંડની ભૂમિમાં કોલસો છે, સોનું પણ છે. અદાણી પાવર પ્લાન્ટે નજીવા ભાવે આદિવાસીની જમીન પડાવી લીધી છે. વર્ષ ૨૦૧૬માં અદાણી કંપનીએ  ૧૬૦૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ ઝારખંડમાં સ્થાપી બાંગલાદેશને ઊર્જા પહોંચાડવાની યોજના નક્કી કરી છે. તે માટે જરૂરી કરારો કર્યા છે. આ પ્લાન્ટ ચલાવવા માટે અદાણીની ઓસ્ટ્રેલીયામાં આવેલી કોલસાની ખાણોમાંથી કોલસો આવશે.

ભારતમાં નેશનલ થર્મલ પાવર પ્લાન્ટ (સરકારની કંપની) જે ભાવે વીજળી પેદા કરી શકે તેના કરતાં બમણા ભાવે બાંગલાદેશને વીજળી વેચશે. સરકારે ઉતાવળ કરીને પર્યાવરણ મંજૂરી આપી છે. આદિવાસીઓને જમીનોના પૂરતા ભાવ મળ્યા નથી. જંગલને ખતમ કરવામાં આવ્યું છે, ગ્રામસભાની કોઈ મંજૂરી લેવામાં આવી નથી.


તમને આ પણ વાંચવું ગમશે


૨૩ ઑક્ટોબરના Indian Expressમાં શ્રી હર્ષમંદરે આ અંગે લેખ લખ્યો છે. આદિવાસીઓના હક માટે લડનારા, સરકારને પ્રશ્ર્ન પૂછનારા ‘વિકાસ વિરોધી’ ગણાય છે. હવે તેને ‘દેશ વિરોધી’, ‘દેશદ્રોહી’ ગણવામાં આવે છે. ક્યારેક આવું કામ કરનારને માઓવાદી ગણીને જેલભેગા કરવામાં આવે છે. ઝારખંડના આવા ૩૦૦૦ યુવાનો છે.

સ્ટેન સ્વામીને પાર્કિંસનની બીમારી છે. ચાલીસ જેટલા પોલીસોના ધાડાએ સ્ટેનના ઘરમાં ત્રણ કલાક તપાસ કરી, લેપટોપ, ફોન જપ્ત કર્યાં છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સ્વામીની ધરપકડનો વિરોધ નોંધાવ્યો છે, કેન્દ્ર સરકાર પર આક્ષેપ મૂક્યો છે કે તે રાજ્યોને હેરાન કરે છે. તેમણે કહ્યું, સ્વામી રાજ્યના ગામડે ગામડે ભટકી આદિવાસીઓનાં કામ કરી રહ્યા છે. તેમની ધરપકડ કરી છે તે ખોટું કર્યું છે. તેમણે જાહેર કર્યું છે કે આવા પ્રશ્ર્ને બધા પક્ષોએ સાથે મળીને વિરોધ કરવો જોઈએ.

કેન્દ્ર સરકાર કંઈ સાંભળવા જ માંગતી નથી. રાજ્યના હકોના પ્રશ્ર્ને પણ કેન્દ્ર સરકાર ધ્યાન આપતી નથી. મુખ્યમંત્રીએ કહ્યું, આજે સ્ટેન સ્વામીને પકડ્યા છે, કાલે અમારો વારો પણ આવી શકે છે. કેરાલાના મુખ્યમંત્રી પી.વિજયને પણ સ્વામીની ધરપકડને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. જાણીતાં કર્મશીલ બહેન દયામણી બરલા (Dayamani Barla) એ પણ સ્વામીની ધરપકડ સામે વિરોધ નોંધાવ્યો છે.

– રાજુ રૂપપુરીઆ


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s