‘ગ્રામ્યમાતા’ આજે અને હરહંમેશ

આપણે ત્યાં ઘણા સરસ કવિઓ છે અને થઈ ગયા. એમાં સર્વદા તરોતાજા કવિતા કોઈની હોય તો તે કલાપીની પણ છે. એમની કેટલીક કવિતાઓ અને એમનું પ્રેમપ્રકરણ લોકોનાં હૈયાંમાં છે. સામાન્ય માણસને પણ એમની કાવ્યપંક્તિઓ મોઢે હોય છે. તેને ગણગણવી એમને ગમતું હોય છે.

આપણે ત્યાં રામરાજ્યની કલ્પના છે. શંબૂક વધ અને સીતાત્યાગ જેવી બાબતો ભૂલી જાવ તો ‘રામરાજ્ય’ એક વ્યાવહારિક આદર્શનો ખ્યાલ છે. માણસમાં સારપ પડેલી હોય છે. પરિણામે તેની રામરાજ્યની ઝંખના પણ કાયમી છે. અલબત્ત, તે સંતોષાતી નથી. તેમ છતાં દીવા-દાંડીરૂપ આદર્શોનું સેવન એ કોઈ પણ પેઢીના માણસને ગમતો વિચાર છે.

વાત કરવી છે કલાપીના જાણીતા દીર્ઘકાવ્ય ‘ગ્રામ્યમાતા’ની. આમ તો તે એક વારતા છે, જેને કવિએ છંદોબદ્ધ રીતે રજૂ કરી છે. વારતા નાનકડી છે, સર્વને ગમે તેવી છે. રાજ કેવાં હોવાં જોઈએ એનો એક ખ્યાલ એમાં વ્યક્ત થયો છે.

કવિ કલાપી પોતે નાનકડા એવા લાઠી રાજના રાજા હતા. રાજા હતા છતાં કવિ પણ હતા. એનો અર્થ એ થયો કે વધુ પડતા સંવેદનશીલ હતા. રાગ અને ત્યાગની વચ્ચે તેમનું હૃદય ઝૂલતું હતું, ક્યારેક ઝૂરતું પણ હતું – એમ ખુદ આ રાજકવિએ લખ્યું છે. આપણે ગરીબડી ગાય એવું કહીએ છીએ, તેથી પણ ન ગમે એવી કહેતી તો છે : ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય.’ પણ આ કવિને ગમતું નથી કે એને જોઈને પંખીઓ ઊડી જાય, તેથી એ કહે છે : ‘પાસે જેવી ચરતી હતી આ, ગાય તેવો જ હું છું.’ આમ કહીને ‘પ્રાણીની નિર્દોષતા મારામાં પણ તમે જુઓ’ એમ કવિ કહે છે.

પંખીસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ કદાચ વધુ જાગ્રત છે, વધુ જાણકાર છે, વધુ અનુભવી છે. એટલે તે માણસની વાત સાંભળવા તૈયાર નથી, તે માણસનો વિશ્ર્વાસ કરતી નથી ! સ્હેજ લાંબું વિચારીએ તો આપણને થવું જોઈએ કે આપણે એવા કેવા છીએ કે નાનકડું પંખી મસમોટા પ્રાણીનો વિશ્ર્વાસ કરી શકે છે પણ નાનકડા માનવબાળનો કરતું નથી. માણસ જાતે સદીઓથી શું કર્યું છે, એ ઈતરસૃષ્ટિ કદાચ બરાબર જાણે છે.

‘ગ્રામ્યમાતા’ કાવ્યમાં શાર્દૂલ, માલિની, અનુષ્ટુપ, વસંતતિલકા, મંદાક્રાંતા અને ઉપજાતિ જેવા છંદોનો રસથાળ છે. દૃશ્ય જેમ બદલાતું જાય છે તેમ છંદ બદલાય છે. કાવ્યની ગતિમાં છંદને કારણે આરોહ-અવરોહ બરાબર વરતાય છે.

શરૂઆતનું દૃશ્ય પ્રભાતનું છે, ઊગતા સૂર્યનું છે. કુદરતનું વર્ણન તો છે જ. પણ કવિ છંદ બદલીને ખેડૂઓના, બાળકોના રાતા ગાલ પર કર ફેરવતાં રવિકિરણોની પણ વાત કરે છે. તે પછી અનુષ્ટુપમાં જે બે પંક્તિ કવિએ રચી છે તેને યાદ કર્યા વિના આગળ વધાય તેમ નથી :

વૃદ્ધ માતા અને તાત, તાપે છે સગડી કરી,

અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

જીવનની સમી સાંજે માણસને જોઈએ શું ? હેમંતની આ ઠંડી ઋતુમાં થોડી ઉષ્મા બહારની પણ જોઈએ. તેથી સવારમાં બંને જણા સગડી કરીને તાપી રહ્યાં છે. બંને નિશ્ર્ચિંત છે. પણ કવિ એનો યશ કર્તાને ખાતે જમા કરે છે, સુખી જોડાની કલ્પના કોની નથી હોતી ? પણ કર્તા (જો હોય તો) માત્ર સુખી જોડાનું જ સર્જન કરતો હોય એમ લાગતું નથી. ટૂંકમાં, સીધીસાદી વાત અતિ દુર્લભ હોવાનું કવિ પણ જાણતા લાગે છે. તેથી જ કદાચ તેમણે કર્તાને જોડ્યા છે. કેટલાક એને નસીબ કહેવાનું પણ પસંદ કરે !

હવે આ વૃદ્ધ દંપતીની શાંતિમાં થોડો ભંગ પડે છે. દૂરથી કોઈ ઘોડેસવાર આવી રહ્યો છે, ઊડતી ધૂળ નજરે પડે છે. બાળકો ટોળે વળી જાય છે અને તેમને સહજ કુતૂહલ છે, કારણ ઘોડો પણ છે. કવિએ સ્ત્રી અને પુરુષની અલગ લાક્ષણિકતા, જે સહજ છે તે અહીં બરાબર પ્રગટ કરી આપી છે. વૃદ્ધા નબળાં નયને ઊભી થઈને કોણ આવી રહ્યું છે તે જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે એનો પ્રિય પતિ એના પોતાના ગાનમાં જ મસ્ત છે.


તમને આ પણ વાંચવું ગમશે


તે સગડીનો દેવતા ફેરવે છે. સ્ત્રીમાં જે ચંચળતા અને ચપળતા સ્વાભાવિક છે તે પુરુષમાં નથી. વળી એને એક રીતની ખાતરી પણ છે કે પેલી સ્ત્રી બધું સંભાળી લેશે ! વૃદ્ધ પુરુષની વાત આથી આગળ કાવ્યમાં ક્યાંય આવતી પણ નથી. પેલો આગંતુક છે. અજાણ્યો છે તેમ છતાં પુરુષની શાંતિ ખળભળતી નથી એ હકીકત પણ નોંધવાપાત્ર છે.

વાત તો પ્રકૃતિ અને માણસની છે. પ્રકૃતિ દેવાવાળી છે, માણસ લેવાવાળો છે. લઈને પણ માણસને ધરવ નથી. એને હજુ વધુ જોઈએ છે. વધુનો વિચાર મનમાં એવો ભરાયેલો છે, જે મનુષ્યના મનનો કાયમી કબજો લઈને બેઠો છે. કાવ્યની ઉત્તમ પંક્તિઓ હવે આવે છે :

રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ

નહિ તો ના બને આવું, બોલી માતા ફરી રડી.

પ્રકૃતિ અને માણસનો સંઘર્ષ અહીં બરાબર વ્યક્ત થયો છે. એ જ કાવ્યનું કેન્દ્રબિંદુ છે. લાંબી કવિતામાં પણ આ પંક્તિઓ બરાબર અધવચ્ચે આવે છે એટલે કે કેન્દ્રમાં આવે છે. શાણા માણસોનો ખ્યાલ છે કે પ્રકૃતિ રુઠે તો પછી એનો કોઈ ઉપાય નથી. પછી માણસ લાચાર છે.

ટેકનોલોજીની આ એકવીસમી સદી હોવા છતાં હજુ માણસ પ્રકૃતિ સામે એવો જ લાચાર છે, જેનો પરિચય કુદરતી પ્રકોપ વખતે આપણને મળતો જ રહે છે. આ સારું છે. માણસને તેની મર્યાદાનું તેથી ભાન થાય છે.

પણ બીજી વાત એથી પણ વધુ ગંભીર છે. જે રાજા પોતાની પ્રજા પ્રત્યે દયા ન ધરાવે ત્યારે પણ આવું બનવા સંભવ છે, એવી માનવીય સમજ જે પોતે રાજા છે એવા કવિએ પણ મૂકી છે. રાજાને તો પાલક-પિતા કહ્યો છે.

માનવસંસ્કૃતિએ લાંબા ગાળે, બહુ મથામણને અંતે આવી કોઈ વ્યવવસ્થા ઊભી કરી છે જેમાં સૌથી અગ્રવર્ગે મુકાયેલો સમૂહ કે વ્યક્તિ બાકીના આખા સમાજનું કલ્યાણ વિચારતો હોય. એટલે વિકલ્પો બે છે. પણ કવિ તરત ફોડ પાડે છે કે પ્રકૃતિ તો દેનારી જ છે.

અવરોધ માણસે ઊભો કર્યો છે. જે માનવસમૂહે રાજા નક્કી કર્યો છે એ રાજા કંઈક વિપરીત વિચારતો થયો છે, જેનું આ દુ:ખદ પરિણામ છે.

સમય સાહિત્યકૃતિમાં સુખાન્ત લાવવાનો હશે, કદાચ તેથી જ કવિએ ક્ષણાર્ધમાં રાજાનું માનસ-પરિવર્તન પણ બતાવ્યું છે. ખ્રિસ્તી ધર્મની તે કાળે વ્યાપક અસર હતી તેથી પસ્તાવાની ઉક્તિ પણ રાજાના મોઢે જ કવિએ પ્રગટ કરાવી છે. ફરીથી પાત્ર છલકાય છે અને બહોળો રસ પાત્ર ભરી દે છે, એવું પસ્તાવાનું પરિણામ કવિએ કાવ્યમાં પ્રગટ કર્યું છે.

રાજાઓ અને સરકારો આટલી ઝડપથી પસ્તાવો કરે છે કે ? સામાન્ય માણસ ‘સોરી’ શબ્દ પ્રગટ કરતાં કેટલો અમળાય છે તે આપણે બધા જાણીએ છીએ. દિલગીરી વ્યક્ત કરવાનું માણસના સહજ સ્વભાવમાં નથી. અહીં તો રાજા જેવો રાજા પોતાનું મન ક્ષણાર્ધમાં પ્રગટ કરી દે છે. માણસને માટે જે અઘરું છે તે કવિને માટે સહેલું છે. કવિ પોતાના સર્જન પર સંપૂર્ણ અંકુશ ધરાવતો હોય છે. એ ઇચ્છે તે પ્રમાણે કરી શકે છે. દુન્યવી સૃષ્ટિ વિરુદ્ધ એની કાવ્યસૃષ્ટિ ઊભી છે. જો કે આવા વિધાયક વળાંકો જ માણસને જીવતો રાખવા રામબાણ પુરવાર થતા હોય છે. એ ઇચ્છે તો કવિએ ચીંધેલા માર્ગે ચાલી શકે છે.

મૂળ વાત એ છે કે જગત કવિએ ચીતર્યું છે એવું સીધું સાદું, આનંદ-પ્રમોદવાળું, પસ્તાવો અને ક્ષમાવાળું હોવું જોઈએ; પણ તેવું છે નહિ ! માણસજાતે આ દુનિયાને એવી સંકુલ બનાવી મૂકી છે જેનો ક્યારેક તાણોવાણો પકડાતો નથી, આરો-ઓવારો દેખાતો નથી.

બીજી એવી જ મહત્ત્વની અર્ધ પંક્તિ છે :

‘બોલી માતા ફરી રડી.’

વૃદ્ધા માટે કવિએ સ્વાભાવિકપણે માતા શબ્દ વાપર્યો છે. કુદરત રુઠી તે જાણીને તે રડી પડી ! એણે કુદરત ઉપરાંત રાજાની દયાહીનતાનો તર્ક પણ પ્રગટ કર્યો. આ રાજા બીજા હોય છે તેવા સંવેદનબધિર નથી પણ સંવેદનશીલ છે. માતાને પ્રગટપણે જેમ રડવાનો સંકોચ નથી તેમ આ રાજાને એકરાર કરવામાં અને માફી માગવામાં સહેજે સંકોચ નથી. કવિએ રાજા અને પ્રજા બંને સાચુકલાં હોય એટલે કે હોવાં જોઈએ તેવાં જ હોય એમ રજૂ કર્યાં છે. આપણે બધાં જાણીએ છીએ કે આ જ કવિએ અન્યત્ર પસ્તાવાની ઊંચાઈને દર્શાવેલી છે :

હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે

અહીં એ અર્થમાં નૃપ પસ્તાવા દ્વારા અને માતા રુદન દ્વારા સાચુકલા પુણ્યશાળી બન્યાં હોવાનું દર્શાવાયું છે. આવા માણસો હોય ત્યાં કુદરત રુઠે શી રીતે ? કુદરતે તો ફરી પ્યાલું છલકાવી દીધું છે. એમાંથી એ પણ નિષ્પન્ન થાય છે કે દોષ કુદરતના પક્ષે ન હતો, માત્ર રાજાના પક્ષે જ હતો. સૌરાષ્ટ્રના લાઠી રાજ્યના રાજકવિ જે ભાવના પોતાને મનગમતા પદ્યમાં વ્યક્ત કરે છે એ જ વાત ગાંધીજીએ વિચારોમાં વ્યક્ત કરી છે. એમણે કહ્યું હતું, પૃથ્વી પર બધાંની જરૂરિયાત માટે પૂરતું છે, પણ કોઈને લોભ હોય તો તે માટે અપૂરતું છે. આવા સુંદર વિચારો અને આવાં સુંદર કાવ્યો કલાપીના પછીની પેઢીઓ ન ભૂલે તે સાવ સ્વાભાવિક છે. જે હૃદયમાંથી નીકળે છે તે અન્ય હૃદયને સ્પર્શયા વિના રહી શકતું નથી. આવો સાચો હૃદયભાવ આપણા જીવનવ્યવહારમાં પણ ઊતરો !

અને એક છેલ્લી વાત. અહીં રાજાને પોતાની નાણાંતિજોરી આવા સમૃદ્ધ ખેડૂતો પર કર વધારીને ભરવાનો સ્વાભાવિક જ વિચાર આવે છે. એનું કામ પણ રાજ ચલાવવા માટે નાણાં ઊભાં કરવાનું છે એટલે એની રીતે એ ખોટો નથી. પણ રાજાઓએ કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ને પણ યાદ રાખવા જેવું છે. તેમાં રાજાઓ માટે યોગ્ય શીખ છે. તેમાં એવું કહેવાયું છે કે મધમાખી પ્રત્યેક ફૂલમાંથી જ્યારે મધુ ચૂસી લે છે ત્યારે કોઈ ફૂલ કરમાઈ જતું નથી. બીજી તરફ મધપૂડો તો આકાર લે જ છે ! આ રીતે એણે નાણાંકોથળી જાળવવાની છે.

– ડંકેશ ઓઝા


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s