જન જનના કલ્યાણમિત્ર – ‘જનકલ્યાણ’ના દેવેન્દ્રભાઈ

તા. ૨૨મી ઑક્ટોબરની સાંજે મારા મોબાઈલના સ્ક્રીન પર વોટ્સ એપ મેસેજ ઝબક્યો -‘ જન કલ્યાણના તંત્રી શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદીનું કોરોનાને કારણે આજરોજ અમદાવાદ ખાતે થયેલું અવસાન.’ ક્ષણભર હૈયું ધડકવાનું ભૂલી ગયું. આમ કેવી રીતે બની શકફુે? હજી તો થોડા દિવસો પહેલાં ફોન પર વાત થઈ ત્યારે કહેતા હતા, ‘બેન,  હું ઑફિસે બિલકુલ નથી જતો. ઘરે બેસીને જ  જન કલ્યાણના અંકની તૈયારી કરું છું. ઉંમર પણ થઈ એટલે તબિયતની વધારે કાળજી લેવી પડે.’ તો પછી કોરોનાના વાયરસને આ શું સૂઝ્યું કે આ સીધા-સાદા, ભલા માણસ સુધી પહોંચી ગયો?

આ બધા વિચારો વચ્ચે એમની સાથેની પહેલવહેલી ટેલિફોન પર થયેલી વાત યાદ આવી ગઈ. એ વાતને કદાચ ત્રણેક વર્ષ થયાં હશે. એક દિવસ મને ફોન કરનાર અજાણ વ્યક્તિએ પૂછ્યું,

 ‘આપ આશાબેન બોલો છો?’

‘હા જી, બોલો શું કામ હતું?’

‘હું જનકલ્યાણનો તંત્રી દેવેન્દ્ર વાત કરું છું. અમે આ સામયિકમાં અવાર-નવાર તમારી વાર્તાઓ લઈએ છીએ. દર વખતે તમારી અનુમતિ નથી લઈ શકાતી પણ હું હરિશ્ર્ચંદ્ર બહેનોના પરિચયમાં હતો અને એમણે મને હંમેશ માટે એમની વાર્તાઓ લેવાની અનુમતિ આપેલી તેથી મેં તમારી સંમતિ પણ માની જ લીધી છે.’

મેં હસીને કહ્યું, ‘કંઈ વાંધો નહીં. હવે ભલે નામ મારું છે પણ ભૂમિપુત્રની વાર્તાઓનું કામ તો એ બહેનોનું જ છે.’

‘ખૂબ ખૂબ આભાર બહેન, પણ તમને જ૦ક૦ના અંકો મળે છે ને?’

‘ના, હજી સુધી એક પણ અંક મળ્યો નથી.’

‘અરેરે ! આ તો અમારી બહુ મોટી ભૂલ કહેવાય. હવેથી તમને દરેક અંક મળી જશે.’

ત્યારથી માંડીને આજ સુધી નિયમિતપણે અંકો મળતા રહ્યા છે.

‘જનકલ્યાણનો દેશ-વિદેશમાં ઘણો ફેલાવો છે, લગભગ ૩૩ હજાર ગ્રાહકો છે’- આવું સાંભળવામાં આવતું હતું. પણ મારા મનમાં એક જ છાપ દૃઢ થયેલી કે જ૦ક૦ એટલે એક ધાર્મિક સામયિક. એમાં ફક્ત ધર્મને લગતા લેખો અને વાર્તાઓ જ આવે. આ માન્યતાને કારણે મને આ સામયિક માટે મારાં લખાણો મોકલવાની કદી ઇચ્છા નહોતી થઈ. પણ દેવેંદ્રભાઈના તંત્રીપણા હેઠળ એમની આગવી સૂઝબૂઝથી તૈયાર થયેલા અંકો જોયા પછી મારી માન્યતા સમૂળગી બદલાઈ ગઈ.

આમાં તો ધર્મ ઉપરાંત કેટકેટલું ભાથું હતું! ધાર્મિક અને આધ્યાત્મિક  લેખોની સાથે સાથે સરસ મજાનો સંદેશ આપતી સામાજિક વાર્તાઓ, પ્રસંગો, વ્યક્તિ વિશેષનો પરિચય કરાવતા લેખો, મરક મરક હસાવે એવા હાસ્ય લેખો અને જીવનને ઉન્નત બનાવવામાં ખપ લાગે એવી અઢળક સામગ્રી. અંધારામાં આથડતા માટે દીવાદાંડીનું કામ કરે એવા તંત્રીલેખો તેઓ પુનિત પદરજના ઉપનામથી લખતા. કેટકેટલા લેખકો સાથે  તેમણે મૈત્રીભર્યો જીવંત સંપર્ક રાખેલો ! અહમ્ને ઓગાળી ચૂકેલી કોઈ વ્યક્તિનું નામ લેવું હોય તો મને એમનું નામ લેવું ગમે. આટલા પ્રતિષ્ઠિત સામયિકના તંત્રી કે પુનિત સેવા ટ્રસ્ટ જેવા માનવતાને વરેલા ટ્રસ્ટના માનદ ટ્રસ્ટી હોવાનો કોઈ ભાર એમની વાતોમાં વર્તાય નહીં.

અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એમના નિવાસસ્થાનેથી છેક મણિનગર સ્ટેશન પાસે આવેલી જ૦ ક૦ની ઑફિસે હજી કોરોનાનો કેર શરુ થયો એ પહેલાં સુધી તેઓ બે બસ બદલીને આવ-જા કરતા. ત્યારે એમની ઉંમર હતી ‘માત્ર’ ૮૨ વર્ષ. જ૦ ક૦ જેવા જાહેર ખબર વિનાના સામયિકનું સુકાન આ કપરા કાળમાં એમણે કેટલી નિષ્ઠાથી નિભાવ્યું હશે એ વિચારતાં આશ્ર્ચર્ય પણ થાય અને એમને માટે અહોભાવ પણ જન્મે. હજી ગયા વર્ષે જ આશીર્વાદ ફાઉંડેશન ટ્રસ્ટ દ્વારા એમને ‘ધરતી એવોર્ડ’થી નવાજવામાં આવેલા. આ એવોર્ડ નિ:સ્વાર્થ માનવસેવામાં રત રહેનાર અને પરદુ:ખને સ્વનું સમજીને સહાય માટે દોડી જનાર વીરલાઓને અપાય છે.

એક વિરલ અને અજાયબી પમાડે એવું જે સત્કાર્ય તેઓએ  કોઈ અપેક્ષા વિના કર્યું એની ખાસ નોંધ લેવાવી જ જોઈએ એમ હું માનું છું. અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં સમર્થેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરના પરિસરમાં એક મોટા કાળા બોર્ડ પર એમણે ૧૫મી  ઑગસ્ટ ૧૯૭૭ થી માંડીને સુવિચાર લખવાનું ચાલુ કર્યું તે છેક ૨૦૧૮ સુધી. એટલે કે, ૪૧ વર્ષ સુધી સતત પોતાના મરોડદાર અક્ષરોમાં હજારો લોકોને સુવિચારનું પાન કરાવ્યું. બોધક અને પ્રેરક આવા પ્રસંગો વાંચવાની લોકોને એવી તો લત લાગી કે અમુક વર્ગ મંદિરમાં ન જવું હોય તોય આ લખાણ વાંચવા તો જતો જ. ભાષા અને જ્ઞાનના પ્રચાર, પ્રસારનો કેવો સરસ રસ્તો! નહીં યશ કે કિર્તીની ખેવના કે નહીં કલદાર મેળવવાની ઝંખના. આવી એક અલગારી, નિસ્પૃહ વ્યક્તિ આપણી વચ્ચેથી વિદાય થઈ ગઈ.

મને ખાતરી છે કે દેવેન્દ્રભાઈ માટે આપણે પ્રભુને વિનંતી કરવાની જરૂર નથી કે,

‘મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો’

એ દયામય તો આ સત્પુરુષને આવકારવા દ્વાર ખોલીને જ ઊભા હશે. આપણા સૌ વતી દેવેન્દ્રભાઈને હૃદયાંજલિ અર્પું છું.

– આશા વીરેન્દ્ર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s