સોમેશને ફિલ્મી ગીતોની ધૂન પર સીટી વગાડ્યા કરવી બહુ ગમતી. એમાં પણ એનું પ્રિય ગીત હતું-
‘પાપા કહેતે હૈં બડા નામ કરેગા, બેટા હમારા ઐસા કામ કરેગા,
મગર યે તો કોઈ ન જાને કે મેરી મંઝિલ, હૈ કહાં….’
હકીકત પણ આ ગીતના શબ્દોને અનુરૂપ જ હતી. એ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. મા-બાપ પોતાની અધૂરી રહી ગયેલી ઇચ્છાઓ, આકાંક્ષાઓ દીકરામાં પરિપૂર્ણ કરવા ઇચ્છતાં. પિતાએ ઘણા નોકરી-ધંધામાં નસીબ અજમાવેલું પણ ક્યાંય સફળતા મળી નહોતી. અંતે ચોપડીઓ વાંચી વાંચીને હોમિયોપથીની દવાઓ આપવાનું ચાલુ કર્યું. એમાં સફળતા પણ મળવા લાગી. પછી ઘરના એક ઓરડાને એમણે દવાખાનામાં ફેરવી નાખેલો.
આમ તો ઠીક ઠીક પ્રમાણમાં દર્દીઓની અવર જવર રહેતી પણ હવે એમને દીકરાના ભવિષ્યની ચિંતા વળગેલી. કૉલેજમાં ભણવાને નામે સોમેશ શું ઉકાળતો હતો એ વાતો ઊડતી ઊડતી એમને કાને આવતી રહેતી અને તેથી દુ:ખી થઈને એ પત્નીને કહેતા, ‘હેં વિભા, આપણા ઉછેરમાં ક્યાં ખામી રહી ગઈ? હાથ ખેંચમાં રહેતો હોવા છતાં મેં કોઈ દિવસ એના ભણતર કે મોજશોખ માટે કરકસર નથી કરી. એ છોકરાને જરાય વિચાર નહીં આવતો હોય કે મારો બાપ આ ઉંમરેય આટલી મહેનત કરે છે!’ ‘હુંય એને કેટલું કહું છું કે હરાયા ઢોરની જેમ રખડવા કરતાં ભણવામાં ધ્યાન આપ. પણ સાંભળે એ બીજા !’
સોમેશના મિત્ર ત્રિલોકના પપ્પા દવા લેવા આવ્યા હતા એ પણ બળતરા કરતા હતા કે, ‘ભણવાને બદલે આ છોકરાઓ કેંટીનમાં ચા પીવામાં, સિગારેટ ફૂંકવામાં અને સિનેમા જોવામાં સમય બરબાદ કરે છે. આવડા મોટા છોકરાઓને વધારે કહેવાય પણ શું?’
ચક્રવર્તી સર એક તો શિસ્તના ખૂબ આગ્રહી હતા. વળી એમને પોતાનાં જ્ઞાન અને ભણાવવાની રીતનું અભિમાન પણ હતું જ. સોમેશ અને ત્રિલોક જેવાનાં પરાક્રમો એમના ધ્યાન બહાર નહોતાં એટલે એમણે એવા છ-સાત વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરીને પ્રિંસિપલને આપવાનું નક્કી કર્યું હતું. રખડુ વિદ્યાર્થીઓની સોબતમાં બીજા સારા છોકરાઓ બગડે એના કરતાં આવાને કૉલેજમાંથી તગેડી મૂકવાની ભલામણ કરવાનું એમણે નક્કી કર્યું હતું.
એક દિવસ સર કૉલેજના કેમ્પસમાં દાખલ થયા ને સામે જ સોમેશ ભટકાયો ત્યારે વ્યંગમાં હસતાં એ બોલ્યા, ‘ઓહો, સોમેશ, શું વાત છે? આજે આટલો વહેલો? તું ભૂલો પડી ગયો છે કે પછી મને ઘડિયાળમાં બરાબર દેખાતું નથી? મારી આંખે ઝાંખપ આવી છે કે શું?’
‘સર, મને તો મારી ખબર છે કે હું ભૂલો નથી પડ્યો. બાકી તમને જોવામાં તકલીફ થતી હોય કે, બીજો કંઈ ભ્રમ થતો હોય એ મને કેવી રીતે ખબર પડે?’ એની ઉદ્ધતાઈ જોઈને સર સમસમી ગયા. હવે તો સોમેશને કૉલેજમાંથી ખદેડવો જ પડશે એવું એમણે મનોમન વિચારી લીધું.
આ પ્રસંગ બન્યા પછી દોઢેક મહિના બાદની વાત. સર રિક્ષામાંથી ઊતરવા જતા હતા ને પાછળથી પૂરપાટ આવતી ગાડીએ એમને અડફેટે લીધા. ગાડીવાળો તો એમની તરફ નજર પણ કર્યા વિના ત્યાંથી ભાગ્યો. ચત્તાપાટ પડેલા સરના માથામાંથી ધડધડ લોહી વહ્યે જતું હતું. રિક્ષાવાળો પણ પલાયન કરવાની તૈયારીમાં હતો ત્યાં ઓચિંતો સોમેશ આવી ચઢ્યો. એ સરને લઈને હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોક્ટરે કહ્યું, ‘લોહી બહુ વહી ગયું છે. ઈમરજંસી ઑપરેશન કરવું પડશે પણ તાત્કાલિક લોહીની જરૂર પડશે.’
તમને આ પણ વાંચવું ગમશે
ડોક્ટર સાહેબ, હું મારા દોસ્તોને ફોન કરીને થોડી વારમાં અહીં બોલાવી લઉં છું પણ એ પહેલાં તમે મારું લોહી લેવાનો બંદોબસ્ત કરો.’
આખી પરિસ્થિતિને સોમેશે જે રીતે સંભાળી અને ત્વરિત નિર્ણયો લઈને સરને બચાવી લીધા એને કારણે આખી કૉલેજમાં એકાએક એનું માન વધી ગયું. સાજા થઈને સર જ્યારે કૉલેજમાં આવ્યા ત્યારે એમણે સોમેશને સ્ટાફરૂમમાં બોલાવ્યો. ‘યંગમેન, તેં મારે માટે જે કંઈ કર્યું એનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી અને મારે આભાર માનવો પણ નથી. પણ એક વાત મને સમજાતી નથી કે, તું તો મને નફરત કરે છે તો પછી મને બચાવવાની ઇચ્છા તને કેવી રીતે થઈ?’
‘સર, એક શિક્ષકને એનો વિદ્યાર્થી નફરત કેવી રીતે કરી શકે? હા, નાદાનિયતને કારણે મેં તમારી સાથે અણછાજતું વર્તન જરૂર કર્યું હશે પણ તમારે માટે હંમેશા મને આદરભાવ જ રહ્યો છે. ને આમેય આવા સંજોગોમાં કોઈ અજાણ્યાને પણ મદદ કરવી એ તો માનવધર્મ છે. મેં તો નાનકડી ફરજ બજાવવા સિવાય વિશેષ કંઈ કર્યું નથી.’
એને ખભે હાથ મૂકતાં સરે કહ્યું, ‘ભલે મારો એક્સિડંટ થયો પણ એ બહાને તારી અંદર રહેલો સંસ્કારી, સંવેદનશીલ સોમેશ બહાર આવ્યો એનો મને ખૂબ આનંદ છે. ક્યારેય પણ મારી જરૂર હોય તો બેધડક મને કહેજે.’
‘સર, સાચું કહું તો આ ઘટનાએ મને માતા-પિતા પ્રત્યે, ગુરુ પ્રત્યે, સમાજ પ્રત્યે મારી શું જવાબદારી છે એનું ભાન કરાવ્યું છે. ગુરુને પથદર્શક કહેવાય છે. આજથી તમે સાચે જ મારા પથદર્શક બન્યા છો. મારે હવે જીવ રેડીને ભણવું છે સર, તમે મને ભણાવશો?’ બોલતાં બોલતાં સોમેશનું ગળું ભરાઈ આવ્યું. હસીને એની પીઠ થાબડતાં સરે કહ્યું, ભણાવીશ તો ચોક્કસ પણ ગુરુદક્ષિણા આપવી પડશે. બોલ મંજૂર છે?’ ‘હુકમ કરો સર!’
‘ગુરુદક્ષિણામાં મને વચન જોઈએ છે કે આજ પછી તું તારાં માતા-પિતાને ફરિયાદનો કોઈ મોકો નહીં આપે. મને એવો શિષ્ય જોઈએ જેને માટે એનાં મા-બાપ ગર્વ અનુભવી શકે.’
એમના લંબાવેલા હાથમાં પોતાનો હાથ મૂકતાં સોમેશે કહ્યું, ‘લો સર, હમણાં જ, આ ઘડીએ જ આપી ગુરુદક્ષિણા.’
સરથી છૂટો પડીને ઘર તરફ જતાં એ આનંદથી સીટી વગાડવા લાગ્યો – ‘પાપા કહેતે હૈં બડા નામ કરેગા, બેટા હમારા ઐસા કામ કરેગા…’
(હેમંતી દત્તા રે ની અંગ્રેજી વાર્તાને આધારે) – આશા વીરેન્દ્ર
પ્રતીકાત્મક તસવીર : Photo by Sourav Mishra from Pexels