કૃષિ બિલ્સ : ખેડૂતો માટે નથી….મોટા કોર્પોરેટ માટે છે.

પી.સાઇનાથ એ એવી વ્યક્તિ છે, જે વર્ષોથી ખેડૂતોના પ્રશ્ર્નોને ઉજાગર કરે છે. ખેડૂતો આપઘાત કરી રહ્યા છે તેની સૌથી પહેલી જાણકારી એક પત્રકાર તરીકે સાઇનાથે આપી હતી.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે વર્ષ ૧૯૯૫ થી વર્ષ ૨૦૧૪ સુધીમાં ૨ લાખ, ૯૬ હજાર, ૪૩૮ ખેડૂતોએ આપઘાતનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં ૬૨૭૦, વર્ષ ૨૦૧૭માં ૫૯૫૫, વર્ષ ૨૦૧૮માં ૫૭૬૫ અને વર્ષ ૨૦૧૯માં ૫૯૫૭ ખેડૂતોએ આપઘાત કર્યા છે.

આ અંગે દેશમાં ઘણી ચર્ચા ચાલી. ખેડૂતોએ મુંબઈ-દિલ્હીમાં હજારોની સંખ્યામાં હાજર રહી રેલીઓ કાઢી હતી. સાઇનાથે સરકારને સૂચન કર્યું કે ખેડૂતોના પ્રશ્ર્નો સમજવા માટે લોકસભાનું ખાસ સત્ર યોજવું જોઈએ.

આ દિશામાં સરકારે ખાસ કોઈ પગલાં ન ભર્યાં. ખેડૂત ક્યારેક દેવામાફીની માંગણી કરે, ક્યારેક કુદરતી આફત સામે સહાય માંગે. સરકારે ખેતી-વીમાની યોજના સાથે ખેડૂતને જોડ્યો પરંતુ તેનો દુ:ખદ અનુભવ રહ્યો. સાઇનાથે આ યોજનાનો ઝીણવટથી અભ્યાસ કર્યો. Business Standard ના સમાચાર પ્રમાણે નવેમ્બર ૨૦૧૮માં સાઇનાથ નોંધે છે :

NDA’s Crop insurance scheme bigger scam than Rafale : P. Sainath.

વર્ષ ૨૦૧૬થી કેન્દ્ર અને રાજ્ય સરકારે પાક વીમા યોજના પેટે કુલ ૬૬,૦૦૦ કરોડ ચૂકવ્યા છે. ત્રણ વર્ષમાં પાક સારા એવા પ્રમાણમાં નિષ્ફળ ગયો. ખૂબ જ અલ્પ માત્રામાં ખેડૂતોને પૈસા ચૂકવાયા છે. એક નજરે એમ દેખાય છે કે પ્રાઇવેટ વીમા કંપનીના ખીસામાં પબ્લિક પૈસા ટ્રાન્સ્ફર કરવાની આ યોજના છે.

સરકારે આ અંગે મોટા પાયે કોઈ ખુલાસો કર્યો હોય તેમ દેખાતું નથી.

વિશ્વની ૬ મેગા સીડ અને એગ્રોકેમિકલ કોર્પોરેશન

  • BASF
  • Bayer AG
  • Dow
  • Du Pont
  • Monsanto
  • Synegenta

– ના હાથમાં વિશ્વમાં ખેતીમાં વપરાતાં ૭૫% રસાયણોનો વેપાર છે. તેમજ બિયારણનો ૬૩% વ્યાપાર તેમના હાથમાં છે. હવે કોર્પોરેટ ફાર્મિંગ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત જોરશોરથી ચાલે છે.

દેશમાં સ્વાયત્ત રીતે ચાલતી ખેતી ધીરે ધીરે માર્કેટની પકડમાં અથવા ગામડા બહારની પકડમાં આવી ગઈ. કૂવા સુકાયા, વીજળીનો પ્રવેશ થયો, બોર આધારિત ખેતી થઈ, મોટા ડેમ બંધાતાં કેનાલ આધારિત  થઈ, ખાંડનાં મોટાં કારખાનાં સ્થપાતાં કો-ઓપરેટીવ આધારિત થઈ, ગોળ બનાવવાનું ગ્રામ સ્તરે ઘટવા માંડ્યું, હાઇબ્રિડ બિયારણ આવતાં માર્કેટમાંનાં બીજ, રાસાયણિક ખાતર અને ઊંડાણના કે દૂરના પાણી આધારિત ખેતી થઈ, GM Seedsમાં તો મસમોટી કંપની આધારિત થતાં ધીરે ધીરે માર્કેેટ, કોર્પોરેટ ગૃહોનો ભરડો ખેતી પર વધતો જાય છે.

ભાસ્કરભાઈ જેવા કહેતા રહ્યા, ખેતી ધંધો નહીં ધર્મ છે, જીવનશૈલી છે. આપણે તો ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપો તેમ પણ માંગણી કરી.

ખેતી ચક્રવાતમાં ફસાઈ ગઈ છે. હવે કોણ ઉગારે ? સરકારે હાથ ઊંચા કરી દીધા. કોર્પોરેટ ગૃહો હાથ ખેંચવા તૈયાર જ છે. ખેતીના અર્થતંત્રના જાણકાર ખેરખાંઓ હરખાઈ રહ્યા છે, કહી રહ્યા છે – દેખ બિચારી બકરી કા કોઈએ તો પકડ્યા કાન !

કદાચ તેમના ગણતરીના તર્કો ખેડૂતને એમ પણ સમજાવી શકશે, હવે તારી આવક બમણી થઈ જશે !

કેટલાક કર્મશીલો મૂંઝવણમાં છે, To be, or not to be.

કોઈ કહે છે, આ બાજુ પગ મૂકવો કે પેલી બાજુ પગ મૂકવો. ખેડૂત સરકારની દખલગીરીમાંથી મુક્ત થયો, દલાલોની પકડમાંથી મુક્ત થયો. હવે ખેડૂતની આઝાદીનો સૂરજ ઊગ્યો !

અરે ભાઈ ! થોડું તો વિચારો. આફતમાં ફસાયેલા ખેડૂતો વીમો ભરીને ન્યાલ થઈ ગયા ? ખેડૂતોના હજારોમાં થયેલા આપઘાત વખતે કેટલાં કોર્પોરેટ ગૃહોએ આંસુ સાર્યાં ? મંદી આવી, નોટબંધી આવી, જી.એસ.ટી. આવી તો કેટલા ઉદ્યોગપતિઓએ આપઘાત કર્યો ? આપણે તો આશા રાખીએ છીએ કે કોઈએ પણ આપઘાત કરવાના દિવસો ન આવે.

છેલ્લાં ૪ વર્ષમાં અદાણી કંપનીના માલિક ગૌતમભાઈ અદાણીની આવક ત્રણ ગણી વધી છે. એમના ધંધામાંની મૂડીનું કદ – net worth રૂ. ૯૪ હજાર, ૫૦૦ કરોડનું છે !


તમને આ પણ વાંચવું ગમશે


વર્ષ ૨૦૨૦, માર્ચમાં લોકડાઉન શરૂ થયા પછી મુકેશભાઈ અંબાણીની સંપત્તિમાં પ્રતિ કલાક રૂ. ૯૦ કરોડનો વધારે થયો છે. તેઓ ૬ લાખ, ૫૮ હજાર કરોડની સંપત્તિ ધરાવે છે !

સરકારને ભરોસો છે કે કોર્પેારેટ સેક્ટર ખેડૂતોને ખેતીના પાકોના સારા ભાવ આપશે. ખેડૂત તેમની સાથે ઊભા રહીને કહેશે, જો ભાઈ મને પરવડે એવા જ ભાવ તમે આપો તો જ અનાજ કે અન્ય પેદાશ વેચીશું !

પંજાબનો એક ખેડૂત કહે છે, જ્યારે મકાઈનો ભાવ (Minimum support price : MSP) પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧૮૫૦ હતો ત્યારે પ્રાઈવેટ વેપારી રૂ. ૭૦૦થી ૮૦૦ના ભાવે ખરીદતા હતા.

સરકારે પાસ કરેલા ૩ બિલ પછી ખેડૂતોને જરા પણ વિશ્ર્વાસ નથી કે તેમનું ભલું થશે. જો એમ.એસ.પી.નો આગ્રહ નહીં રાખવામાં આવે તો ખાનગી કંપનીઓ શોષણ જ કરશે. કેટલાક વિસ્તારોમાં શરૂઆતમાં ખાનગી કંપનીઓ ૩-૪ વર્ષ સારેા ભાવ આપે છે, પરંતુ જ્યારે ખેડૂતો તે પાક સારા પ્રમાણમાં ઉગાડતા થાય પછી ભાવમાં કડદો કરે છે, ગુણવત્તા બરાબર નથી તેવું ખોટું કારણ આગળ કરે છે, અને પછી ઓછો ભાવ આપે છે.

ખેડૂતોની માંગ રહી છે કે સરકાર એમ.એસ.પી. જાહેર કરે અને તે પ્રમાણે માલ ખરીદવાનું ફરજિયાત કરે તો જ વાત આગળ વધે.

સરકારના એક અધિકારીશ્રી જણાવે છે, જે અનાજ સસ્તા અનાજની દુકાન પર વેચાય-વહેંચાય તે જ અમે એમ.એસ.પી.ના ભાવે ખરીદી શકીએ. આમાં મકાઈની ગણતરી નથી. પંજાબના ખેડૂતો કહે છે, APMC માં આડતિયા-કમિશન એજન્ટની આવક પર ટેક્ષ લાગે છે ૮.૫%, જેમાં ગ્રામ વિકાસની ફી ૩%, માર્કેટ ચલાવવાની ફી ૩% અને એજન્ટનું કમિશન ૨.૫% હોય છે. પરંતુ APMC ની બહાર ખાનગી કંપનીને આ ટેક્ષનું ભારણ નથી હોતું. તેથી તે સારો ભાવ આપી શકે તેમ હોવું જોઈએ. મોટા ખમતીધર ખેડૂતો ખાનગી કંપની સાથે ભાવની થોડી સોદાબાજી કરી શકશે પરંતુ નાનો ખેડૂત તેમ નહીં કરી શકે.

સરકારે શા માટે વટહુકમ દ્વારા આ બીલને આગળ કર્યું ? ખેડૂતોને શંકા છે કે રાજ્યસભામાં ખોટી રીતે, હોબાળો કરીને પાસ થયું છે. દેશમાં ૮૬ ટકા ખેડૂતો પાસે પાંચ એકરથી ઓછી જમીન છે. ૬૭ ટકા ખેડૂતો પાસે ૨.૫ એકર કરતાં ઓછી જમીન છે. આ લોકો સારો ભાવ મેળવવા માટે કેટલે દૂર માલ લઈને જઈ શકશે ? આપણે કહીએ છીએ કે ખેડૂતને જ્યાં વધુ ભાવ મળશે ત્યાં જઈને હવે માલ વેચી શકશે.

પી.સાઇનાથ સમજાવે છે કે એક બાજુ સરકારી સાદી સ્કુલ છે, બીજી બાજુ ખાનગી (મોંઘી) સ્કુલ છે. ઓછી આવક અને મધ્યમ આવકવાળા માટે સરકારી સ્કુલ જ વિકલ્પ છે. હા, તેમાં સગવડોનો અભાવ છે, સેવા સારી નથી મળતી તેના કેટલાક પ્રશ્ર્નો છે. પણ તેમાં સુધારો કરવો જરૂરી છે. આવું જ APMC – એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટીંગ કમિટીનું છે.

ખેડૂતોને સ્વામીનાથન કમિટીના સૂચન પ્રમાણે એમ.એસ.પી. પ્રમાણે ભાવ આપો. એમ.એસ.પી.થી નીચો કોઈ સોદો ન થાય તેવી ખાતરી આપો, ખેડૂતનો માલ ખરીદવામાં આવશે તેવી પ્રોક્યોરમેન્ટની ગેરંટી આપો. અને ખેડૂતોનાં દેવાં માફ કરો. તો જ પ્રશ્ર્ન હળવો થશે.

કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો ગુજરાતના ખેડૂતોને કડવો અનુભવ છે. પેપ્સીકો કંપનીએ ગુજરાતના ખેડૂતો પર કેસ કર્યો હતો. લોક-આંદોલન પછી તે કેસ પાછા ખેંચવા પડ્યા હતા.

શ્રી અશોક ગુલાટી જેવા ખેતીના અર્થશાસ્ત્રના અભ્યાસી ખેતીના બીલને યોગ્ય ગણાવે છે પરંતુ યોગેન્દ્ર યાદવ તેની સામે તીખી પ્રતિક્રિયા આપે છે. ગુલાટી સાહેબ જેવા નિષ્ણાત દીવાલ પર લખેલા શબ્દો વાંચી શકતા નથી પણ ખેડૂતો તે સ્પષ્ટ વાંચી શકે છે.

દેવેન્દર શર્માનું કહેવું છે, પરદેશમાં જેમ કોર્પોરેટ સેક્ટર ભાવની બાબતમાં શોષણ કરે છે તેવું ભારતમાં પણ થશે. સરકાર માત્ર એમ.એસ.પી. જાહેર કરહે, તેટલું પૂરતું નથી, તે પ્રમાણે ખરીદી પણ કરે. તો જ ખેડૂતોનું ભલું થાય તેમ છે.

જો એસેન્શિયલ કોમોડીટી એક્ટ દૂર કરવામાં આવશે તો મોટી કંપનીઓ માલનો સંગ્રહ કરીને ભાવ વધારો કરશે.

કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં નાના ખેડૂતો મોટી કંપનીઓ સામે જરૂર પડે અવાજ નહીં ઉઠાવી શકે. સરકાર મોટી કંપનીઓ માટે કોઈ નવાં નવાં પ્રોત્સાહન (મદદના પેકેજ) પણ જાહેર કરી શકે છે. નાના ખેડૂતોને કંપનીઓના હવાલે ખેતર-ખેતી કરવાં પડે તેવું પણ થાય.

સરકાર કહે છે, ખેડૂતોએ હોબાળો કરવાની જરૂર નથી. આ તો વિરોધપક્ષ (ખાસ કોંગ્રેસ) આંદોલન કરી રહ્યું છે. ખેડૂતોને ભરમાવે છે.

સરકાર ક્યારેક કહે છે, APMC ચાલુ રહેશે. એમ.એસ.પી. પણ ચાલુ રહેશે પણ એમ.એસ.પી. મેળવવી તે ખેડૂતોનો કાયદાકીય હક છે તેમ જાહેરાત કેમ નથી કરતી ? APMC માં આગળ જણાવ્યા પ્રમાણે આશરે ૮ થી ૬ ટકા ટેક્ષ ભરવાનો, બહાર વેચે એને ટેક્ષ નહીં. પછી ધીરે ધીરે APMCને નબળી કરી તેનો ખાત્મો બોલાવશે.

કોઈ કહે છે, ચોથો વટહુકમ બહાર પાડો. મિનિમમ સપોર્ટ પ્રાઈસથી ઓછો કોઈ સોદો ન થવો જોઈએ. ખેડૂતો માટે એમ.એસ.પી. મેળવવો તે કાયદાકીય હક છે તેમ જાહેર કરો.

ખેડૂત આંદોલન ચાલુ છે. કેટલાંક રાજ્યો કેન્દ્રના ખેતીના બિલને માન્ય નથી કરતાં. તેઓ પોતાનું અલગ બિલ પણ લાવે. આગળ ઉપર ખેડૂતોનું ભવિષ્ય કેવું છે તે સમજવા રાહ જોવી પડશે.

– રાજુ રૂપપુરીઆ


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s