પ્રવીણભાઈ ઠક્કર : અમૃત વર્ષ પ્રવેશે અભિનંદન

તા. ૧૮ ઑક્ટોબર ૨૦૨૦ના રોજ ગૂજરાત વિદ્યાપીઠે ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કર્યો. ૧૯૨૦માં ગાંધીજીએ તેની સ્થાપના કરી હતી. લોકભારતીની સ્થાપના ૧૯૫૩ (બુદ્ધજયંતી)ના રોજ સણોસરા ગામની ધર્મશાળામાં આચાર્ય કાકાસાહેબ કાલેલકરના વરદ હસ્તે થઈ હતી. લોકભારતીએ પણ ૬૭ વર્ષ પૂરાં કર્યાં છે.

આપણે બા-બાપુની ૧૫૦મી અને વિનોબાજીની ૧૨૫મી જન્મ-જયંતી હમણાં જ ઊજવી છે.

ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના દિવસે, ૧૮ ઑક્ટોબરના રોજ પ્રસંગને અનુરૂપ ગાંધીજીના પૌત્ર ગોપાલક્રિશ્ર્ન ગાંધી અને ઇલાબહેન ભટ્ટે પોતાનાં વક્તવ્યો આપ્યાં. ગોપાલભાઈએ આજની કોરોના મહામારી માટે શહેરી-કરણને જવાબદાર ગણાવ્યું. ઇલાબહેને આપણી સામે ફેંકાયેલા વર્તમાન પડકારને ખાળવા માટે પોતાના ચાન્સેલરપદેથી વિદ્યાપીઠમાં અપાતા શિક્ષણના અભ્યાસક્રમમાં ઘણાં પાયાનાં પરિવર્તનો લાવવાની જરૂરિયાત તરફ સૌનું ધ્યાન દોર્યું હતું. તેમના મતે વિદ્યાપીઠને રોટીપીઠ અને ઊર્જાપીઠમાં પરિવર્તિત કરવી પડશે.

વિનોબાજીની પૂરંદર બનવાની વાત યાદ કરી શકાય. નગરોને તોડો, ગામડાં મજબૂત કરો. પરંતુ આજે તો એવી ફિલસૂફીની બોલબાલા છે, જેમાં કહેવામાં આવે છે ખેડૂતો ગામડાઓ પરનો, જમીન પરનો ભાર હળવો કરે અને શહેરોમાં આવે. આપણે લોકડાઉન વખતે જોયું કે શહેરમાં કામધંધા માટે આવેલા લોકોને આપણે કેવી બેહાલ સ્થિતિમાં મૂકી દીધા !

શિક્ષણ સંસ્થાઓએ સ્વાયત્ત રીતે પોતાની પ્રવૃત્તિઓમાં વર્તમાન પરિસ્થિતિને ખ્યાલમાં રાખીને પરિવર્તન લાવવું જોઈએ. કોઈ કહી શકે, સરકારે અમને છૂટોદોર આપ્યો છે, વાંધો નહીં આવે; સરકારના ફંડનો ઉપયોગ કરીશું અને વિચાર-સ્વાતંત્ર્ય જાળવી રાખીશું.

નાનાભાઈએ તેમના કાળમાં રાજ્યની મદદ બંધ થઈ તો પણ ખુમારી દાખવી હતી. સંસ્થાનું માળખું ખૂબ મોટું થઈ જાય ત્યારે સ્વાયત્તતાને જાળવી શકાશે કે કેમ તે આવી ખુમારી દાખવનારા માટે એક પ્રશ્ર્ન છે. કમસે કમ વર્તમાન સરકાર પાસે આવી અપેક્ષા રાખવાવાળા સૌ સાહસિકોને અભિનંદન જ પાઠવવા રહ્યા. આમ તો આ વાત કોઈપણ સરકાર માટે લાગુ પડે જ.

આવા કપરાકાળમાં ઇલાબહેનના સૂચનને ચરિતાર્થ કરવાનું છે. તાજેતરમાં લોકભારતીએ પણ ‘ગાંધી ભારતી’ કેન્દ્રની સ્થાપના કરી છે. ત્રણ વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ, બેચલર્સ ઓફ વોકેશન ચાલુ કર્યો છે. હાલમાં ઓર્ગેનિક ફાર્મિંગ અને ફૂડ પ્રોસેસિંગ વિષયો રાખ્યા છે. માધ્યમ ગુજરાતી છે. કોર્ષ સંપૂર્ણ સ્વ-નિર્ભર છે (સેલ્ફ ફાઇનાન્સ છે). વધુ વિગતો માટે વિશાલ ભાદાણીનો મો.: ૯૪૨૬૮૮૫૩૮૭ પર સંપર્ક કરી શકાય છે.

આ અભ્યાસક્રમને ખાનગી કંપનીઓ સાથે જોડવાની વ્યવસ્થા કરી છે. યુ.જી.સી. માન્ય આ અભ્યાસક્રમ છે. આ સિવાય અન્ય રીતે આવા શિક્ષણની રીત રસમોનો વિચાર કરી શકાય કે કેમ તે અંગે ભવિષ્યમાં ચિંતન કરવું રહ્યું.

લોકભારતીએ પોતાની સામે લક્ષ રાખ્યું છે –

‘અવિદ્યા મૃત્યું તીર્ત્વા વિદ્યામૃતમ્ અશ્નુતે


તમને આ પણ વાંચવું ગમશે


ગૂજરાત વિદ્યાપીઠે પણ લક્ષ રાખ્યું હતું –

સાવિદ્યા યા વિમુક્તયે

આ લક્ષોને પાર પાડવા માટેનું માળખું કેવું હોય ? તેમાં મુક્તિનું એલાન હોય, સત્તાની પ્રત્યક્ષ-પરોક્ષ હિંસાથી મુક્તિ, મૂડીવાદીઓ દ્વારા થતા શોષણથી મુક્તિ, ધર્માંધતાએ ફેલાવેલા નફરતના વાતાવરણમાંથી મુક્તિ, વિકાસની ખોટી અવધારણાએ સર્જેલા પ્રદૂષણથી મુક્તિ, નાતજાતના ભેદભાવમાંથી મુક્તિ, કોઈનું પણ કોઈના પર આચરાતા દમનમાંથી મુક્તિ, ગાંધીજી શોષણમુક્ત અને શાસનમુક્ત સમાજ ઝંખતા હતા.

શિક્ષણ સંસ્થાઓએ પોતાનું લક્ષ કેટલું ઊંચું રાખવું તે નક્કી કરવું પડે. આજે સમાજ ઘણાબધા નકારાત્મક પ્રવાહોથી ઘેરાઈ ગયો છે.

થોડા લોકોને નાની મોટી રોજગારી મળે તેવું કરવું જરૂરી છે. વર્તમાન માર્કેટ સિસ્ટમની રીતરસમોથી તેઓ પરિચિત થાય તે પણ જરૂરી છે. હાલમાં આ શહેરી વ્યવસ્થા અને તેની જરૂરિયાતોના કારણે માર્કેટની રચના થઈ છે, તેની જરૂરિયાતો ગામડાની વ્યક્તિ પૂરી કરે તો તે કમાઈ પણ શકે છે. પણ આપણે કેવા પ્રવાહો સર્જવા જે ધીરે ધીરે શહેરને નાનાં કરતા જાય અને ગામડાંને સમૃદ્ધ કરતા જાય તે અંગે નવેસરથી વિચારવું રહ્યું.

આજે જે શોષણ કરવાવાળો વર્ગ છે તે એમ જ ગરીબની પીઠ પરથી ઊતરી જશે તેવું કેમ માની શકાય ?

આવો સંઘર્ષ વર્તમાન સ્થિતિમાં કોણ કરશે ? કેવી રીતે કરશે ? કોની સામે કરશે ? ક્યારે કરશે ? તે પ્રશ્ર્નના હાલ કોઈ સીધા જવાબ દેખાતા નથી.

દેશ આઝાદ થયો પછી ગ્રામવિદ્યાપીઠોએ ઘણું સારું કામ કર્યું છે, તેની ના નથી. ગાંધીજીએ તો આઝાદી પહેલાં નઈ તાલીમ શરૂ કરી હતી. જો કે ગાંધીજીને તે વખતે પણ નઈ તાલીમ જે રીતે ચાલતી હતી તેનાથી સંતોષ ન હતો. આ વાત નારાયણભાઈ દેસાઈએ ઘણી વખત કરી છે.

આપણે અત્યાર સુધીમાં ગ્રામવિદ્યાપીઠો દ્વારા જે કંઈ હાંસલ કર્યું છે તેનાથી આનંદિત થઈએ પણ આપણી સામેના પડકારો જોઈને હવે અલગથી વિચારીએ.

જ્યારે પણ રાજ્યસત્તા, કહેવાતી ધર્મસત્તા અને સંપત્તિને મોટા પાયે એકત્ર કરીને માલેતૂજાર બન્યા છે તેવા ધનવાનોની સાથે સાંઠગાંઠ કરીને પ્રજાને બાનમાં લે છે ત્યારે સામાન્ય માણસની આસપાસ જે દીવાલો ચણાઈ ગઈ છે તેનું ભેદન કરવાનું ઘણું મુશ્કેલ થઈ પડે છે.

શું આ માટે સંઘર્ષનો રસ્તો અપનાવવો પડે ? તેની છડી કોણ પોકારશે ? કોઈ ઓર્ગેનાઈઝ સંસ્થા આમાં અગ્રતાક્રમમાં હોય ? અન ઓર્ગેનાઈઝ માળખું આમાં કામ લાગે ? ગાંધીજીના સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલીને લક્ષ તરફનો માર્ગ કંડારવામાં આવશે ?

આમાં શું ‘રચના’નો અભિગમ છોડી દઈશું ? સંઘર્ષ અને રચનાને સાથે સાથે લઈને ચાલીશું ? હવે પર્યાવરણના પ્રશ્ર્નો, ગ્લોબલ વોર્મિંગના પ્રશ્ર્નો, જૈવ વિવિધતાના પ્રશ્ર્નોને મોટા પાયે આપણે ગાંધીજીના ‘રચના’ના માળખામાં સમાવવા પડશે. જો ગ્લોબલ વોર્મિંગના પ્રશ્ર્ને કામ કરવું હોય તો તે વાતને દેશની પોલિસીમાં દાખલ કરવી પડે. આના કારણે કેટલાક ઉદ્યોગગૃહોની આવક ઘટી જાય. ત્યારે પ્રજાએ અવાજ બુલંદ કરવો પડે.

શિક્ષણસંસ્થાઓએ વિદ્યાર્થીને સામાજિક, આર્થિક, પર્યાવરણીય, રાજનૈતિક પ્રશ્ર્નોથી બરાબર સજ્જ કરવો પડશે.

નવી દુનિયાની રચના કરવા શું આડે આવે છે તેની છણાવટ કરવી પડશે. સમાજે સ્વમાં પણ બદલાવ લાવવો પડશે. વ્યક્તિ પરિવર્તન, વ્યવસ્થા-પરિવર્તન અને સમાજપરિવર્તન સાથે સાથે ચલાવવાં પડશે. કદાચ આ જ સંપૂર્ણ ક્રાંતિનો પથ હશે.

જે મૂલ્યો સમાજમાં સ્થાપવા માંગીએ તેનો અમલ પોતાના જીવનમાં કરવો રહ્યો. સમાજમાં અતિશય સંપત્તિ ભેગી કરનાર વ્યક્તિને લાગવું જોઈએ કે તે કંઈ ખોટું કરી રહ્યો છે. હા, જો તે ટ્રસ્ટી બનીને સંપત્તિનો સદ્ઉપયોગ કરતો હોય તો તે અલગ વાત છે.

ફ્રાન્સના એક તત્ત્વચિંતક Pippere Joseph Proudhan ના મતે ‘Property is theft’ – ભેગી કરેલી સંપત્તિ એ ચોરી છે, જે કામદારો પાસેથી લૂંટ કરીને ભેગી કરવામાં આવી છે. આજના જમાનામાં માત્ર કામદાર લૂંટાતો નથી; ધરતી લૂંટાય છે, જંગલ લૂંટાય છે, ખનીજ સંપત્તિ લૂંટાય છે, પ્રકૃતિ લૂંટાય છે, અને ધનના ઢગલા ભેગા કરવામાં આવે છે.


તમને આ પણ વાંચવું ગમશે

સ્વામી અગ્નિવેશ : આધુનિક આધ્યાત્મિકતાના ખોજી

દીપકભાઈ વકીલની વિદાય

પંડિત જવાહરલાલ નહેરુ : લોકાત્મા અને વિશ્વમાનવ


વિનોબાજીએ કાંચનમુક્તિનો પ્રયોગ કર્યો. પૈસા અને લક્ષ્મીને અલગ ગણ્યાં. શ્રી રામકૃષ્ણ પરમહંસ તો તેનાથી પણ આગળ વધ્યા હતા. પથારી નીચેનું નાણું ખૂંચતું હતું. રવિશંકર દાદા રૂપિયાને સૂંઘવાની વાત કરતા હતા. વ્યક્તિની નાણાં પાછળની દોડ અને દેશની ડોલર પાછળની આંધળી દોડ નુકસાન કરે છે. આપણે માનવ-અર્થશાસ્ત્રની દિશામાં ચિંતન કરવું પડશે, Economy of Permanenceની દિશામાં આગળ વધવું પડશે.

ગૂજરાત વિદ્યાપીઠના શરૂઆતના શિક્ષકો, કાકાસાહેબ કાલેલકર, મશરૂવાલા, નાનાભાઈ ભટ્ટ, વિનોબાજી, કૃપાલાણી, વિઠ્ઠલદાસ કોઠારી, મગનભાઈ જેવા ઘણાયે વર્ષો પહેલાં આપણને છોડીને ગયા છે; પરંતુ  લોકભારતીમાં ઘણાં વર્ષો સક્રિય રહેલા કેટલાક શિક્ષકો, ચિંતકો, પ્રયોગવીરો હજુ આપણી વચ્ચે છે. જમીન સાથે તેઓ ઘણાં વર્ષોથી જોડાઈ રહ્યા છે. આજે પણ પોતાનો સેવાનો કાળ વિતાવ્યા પછી નિવૃત્ત નથી થયા બલ્કે, વધુ પ્રવૃત્ત થયા છે. તેમની વૃત્તિ જ સમાજની સેવા કરવી તે છે.

કુમુદભાઈએ હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી. મનસુખભાઈ સલ્લા પૂરા સક્રિય છે. પ્રવીણભાઈ ઠક્કર સાતત્યપૂર્વક સ્વવિકાસ, સંસ્થા- વિકાસ અને સમાજવિકાસ માટે સક્રિય છે. અરુણભાઈ દવે તો લોકભારતીમાં રહીને નવાં નવાં સાહસો કરી રહ્યા છે.

પ્રવીણભાઈનો જન્મ તા. ૨૮-૮-૧૯૪૬ના રોજ કચ્છમાં અંજાર તાલુકાના ખાંભરા ગામે થયો. લોકભારતીમાં અભ્યાસ બાદ માસ્ટર ડિગ્રી હાંસલ કરી. લોકભારતીમાં અધ્યાપન અને વહીવટલક્ષી કામ કર્યું, નિયામક બન્યા. ૬૩ વર્ષની ઉંમરે લોકભારતીનાં કામોમાંથી વર્ષ ૨૦૧૯માં નિવૃત્ત થઈ વ્યાપક સમાજની સેવામાં લાગેલા જ રહ્યા છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ પોતાના કામનો અહેવાલ મિત્રો સમક્ષ રજૂ કરે છે. એક નાનું સરખું ટ્રસ્ટ બનાવીને વિવિધ પ્રવૃત્તિઓ પણ કરે છે.

ઘરે હોય ત્યારે વાંચન-લેખન કરે છે. સાથે સાથે વિવિધ વ્યક્તિઓ તેમજ સંસ્થાઓની મદદે પણ દોડી જતા હોય છે. આત્મજ્ઞાન માટે સાધના પથ પર પણ પગલાં માંડે છે. ગાયત્રી મંત્રના ઉપાસક છે. સદ્ સાહિત્ય વાંચે છે, સાથે સાથે જ્ઞાનીપુરુષો સાથે સત્સંગ પણ કરતા રહે છે.

૨૫ ઉપરાંત પુસ્તક-પુસ્તિકાઓનું લેખનકામ કર્યું છે. વિવિધ ભાષા પર તેમનો સારો કાબૂ છે. અર્થશાસ્ત્રના જ્ઞાતા છે. ૪૦ ઉપરાંત સામયિકોમાં તેમના લેખો પ્રકાશિત થયા છે. પ્રવીણભાઈ જ્યાં જ્યાં તેમની સેવાની જરૂર હોય ત્યાં દોડી જાય છે. ડોક્ટર જેમ દર્દીને પૂછતો નથી કે તું કોણ છે ? તેમ પ્રવીણભાઈ વ્યક્તિ, સંસ્થા, ટ્રસ્ટ, ધાર્મિક જૂથ વગેરેની તપાસ-ઊલટ તપાસ કરવાની પળોજણમાં પડતા નથી. માત્ર પોતે ક્યાં ઉપયોગી થઈ શકે છે તેમ વિચારી દોડી જાય છે.

તેઓ એક સારા સંકટમોચન કે ટ્રબલ સૂટર છે. નવાં નવાં પ્રકાશિત થતાં પુસ્તકોનું અધ્યયન સતત કરતા રહે છે. વર્ષ ૨૦૦૯ પછીના નિવૃત્તિ કાળમાં આશરે ૩૦૦ જેટલાં પુસ્તકોનું અધ્યયન કર્યું છે. આના કારણે તેમના લેખો, વાર્તાલાપો ઉત્સાહ વધારનારા અને પ્રેરણા આપનારા બની જાય છે. પ્રવીણભાઈની પુસ્તિકા ‘જીવનની સફળતા – સાર્થકતાના સોનેરી ઉપાયો’ની સવા લાખથી વધારે પ્રતો લોકોના હાથમાં પહોંચી છે.

વિનોબાજીની ઇચ્છા હતી કે શિક્ષકોની એક સ્વતંત્ર સત્તા ઊભી થાય. તેમણે આચાર્યકુળના સંગઠનની વાત પણ કરી હતી. તે કોઈ આર્થિક માંગણીઓ મેળવવા માટેનું શિક્ષકોનું સંગઠન નહીં હોય. આચાર્યકુળના આચાર્યોનાં લક્ષણ ગણાવતાં વિનોબાજી કહે છે, તે શીલવાન, પ્રજ્ઞાવાન, કરુણાવાન હશે. તે નિરંતર અધ્યયનશીલ હશે. શિક્ષક પોતે શિક્ષક પણ છે અને વિદ્યાર્થી પણ છે. આવા આચાર્યો ક્રાંતિના અગ્રદૂત બને તેમ વિનોબાજી ઇચ્છતા હતા. તે કોઈ રાજકીય પક્ષનો સભ્ય બની લાભ મેળવવાની પેરવી નહીં કરે. તેને કોઈના માટે વેર-ભાવના નહીં હોય. તેમ છતાં તે નિર્ભય હશે.

વર્તમાન સમયમાં સત્તાપક્ષ કે વિપક્ષનાં ખોટાં વલણો સામે તે ચૂપ નહીં રહી શકે. રાજ્યસત્તાના આતંક સામે ગાંધીએ આંદોલન છેડ્યું હતું. સાચો આચાર્ય આજે ચૂપ રહેશે તો અંધકારમાં પ્રકાશ કોણ ફેલાવશે ? આજે રાષ્ટ્ર જે અવસ્થામાં છે ત્યાંથી તેને સ્વસ્થ અવસ્થામાં લાવવા માટે જ્ઞાનસંપન્ન આચાર્યોએ આગળ આવવું પડશે. શિક્ષકોની મોટી ફોજ ગામેગામને ગોકુળિયું બનાવવામાં મદદ કરી શકે છે તેવી આશા વિનોબાજીએ રાખી હતી.

ઇલાબહેન વિદ્યાપીઠના શિક્ષણના માળખામાં પરિવર્તન ઝંખે છે. લોકભારતી સંસ્થા તેની હાલની સમજ પ્રમાણે શિક્ષણમાં પરિવર્તન લાવવા મથી રહી છે.

પ્રવીણભાઈ જેવા જ્ઞાનસંપન્ન, અનુભવસંપન્ન આચાર્યો ભારતની આવતીકાલને ઊજળી બનાવવા માટે સાતત્યપૂર્વક તેમની સેવાઓ આપતા રહેશે. પ્રભુ તેમને દરેક રીતે સ્વસ્થ રાખે તેવી પ્રાર્થના કરીએ.

પ્રવીણભાઈના અમૃત પ્રવેશ વર્ષે આપણે એવી ઇચ્છા પ્રગટ કરીએ કે તેઓ શતાયુ થાય અને સમાજની સેવા કરતા રહે.

– રજની દવે


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s