સફળતા માટે વિનોબા વિદ્યાર્થીઓને શું સલાહ આપે છે?

(૧)         કારણ વિના ડરીએ નહીં. ભય લાગે તો, ભગવાનનું નામ રટીએ. ભગવાનના નામ-સ્મરણ સામે ભય ટકી જ શકતો નથી.

(૨)         આપણાથી જે ભૂલો થતી હોય તે રોજની રોજ સુધારતા રહીએ. ગઈકાલની ભૂલો આજે ફરી ના થાય, અને આજની ભૂલો આવતી-કાલે ના થાય, એનું ધ્યાન રાખીએ.

(૩)         વિચાર બરાબર સમજી લઈએ. ‘સમજાયેલા વિચારોનો અમલ કર્યા વિના રહીશ નહીં,’ એ વાતનો પાકો નિશ્ર્ચય કરી લઈએ.

(૪)         આપણી શક્તિ અનુસાર, જરૂર પડે બીજાઓની મદદ કરતા રહીએ. આવી મદદ ઘણા પાસેથી આપણને મળી છે, એ ભૂલીએ નહીં.

(૫)         દરેક બાબતમાં આગળ ધસી ના જઈએ. આપણે જાતે સંયમ જાળવીએ.

(૬)         કોઈ ને કોઈ પ્રકારનો ઉત્પાદક શ્રમ કર્યા વિના ભોજન ન કરીએ.

(૭)         દરરોજ થોડો સમય નિયમિત રીતે અધ્યયન કરીએ.

(૮)         ગુરુજનોની આપણાથી થઈ શકે એવી સેવા કરીએ.

(૯)         સીધા બેસીએ, સ્પષ્ટ બોલીએ અને સીધા વિચાર કરીએ.

(૧૦)      કોઈની સાથે મારામારી ના કરીએ. કોઈનો જીવ ના દુભાવીએ.

(૧૧)      સાચું વર્તન કરીએ. હંમેશાં સાચું બોલીએ.

(૧૨)      કદી પણ ક્રોધ ના કરીએ. ક્રોધ આવે એ દુર્બળતાનું લક્ષણ છે.

(૧૩)      દરેક બાબતમાં આપણા પોતાના લોભનો વિચાર ના કરીએ. આ જગત આપણા ભોગ માટે નથી એનું ધ્યાન રાખીએ. આપણે જગતની સેવા માટે છીએ.

(૧૪)      ગરબડ, ધાંધલ અને હડિયાપાટ ના કરીએ.

(૧૫)      બીજાઓના દોષ ના જોઈએ, ગુણ જ ગ્રહણ કરીએ.

(૧૬)      અન્યનાં દુ:ખ જોઈ દુ:ખી થઈએ. બીજાંનાં દુ:ખ મટાડવા માટે વ્યાકુળ રહીએ – તત્પર રહીએ.

(૧૭)      કોઈ ચીજના સ્વાદિયા ના બનીએ. ખાઉધરા ના થઈએ. થોડામાં જ તૃપ્તિ માનીએ.

(૧૮)      ઉદ્ધતાઈ ના કરીએ. સૌ સાથે હળીમળીને રહીએ. મૃદુ વાતો કરીએ.

(૧૯)      બૂરાં કામ કરવામાં લજવાઈએ, મર્યાદાનું ઉલ્લંઘન ના કરીએ.

(૨૦)      હાથ, પગ, આંખ વગેરે અવયવો નકામાં હલાવીએ નહીં.

(૨૧)      બળના જોરથી કોઈ આપણને દબાવવા ચાહે તો દબાઈ ના જઈએ.

(૨૨)      કમજોર માણસ કોઈ ભૂલ કરે, તો એને માફ કરી દઈએ.

(૨૩)      શરીરને કાંઈ કષ્ટ થાય, તો વ્યાકુળ ના થઈ જઈએ, ધીરજ રાખીએ.

(૨૪)      સ્વચ્છતાનું ધ્યાન રાખીએ.

(૨૫)      કોઈની ઈર્ષ્યા ના કરીએ. આપણો પોતાનો વિકાસ કરવા માટે બીજા કોઈને નીચો ના પાડીએ.

(૨૬)      હું મોટો છું, એવું ના માનીએ. એમાં સાચી મોટાઈ છે.

નાનાં બાળકોના શિક્ષણ માટે ગીતાનાં દૈવી સંપત્તિનાં લક્ષણોનો આ સીધો-સાદો અને પ્રાથમિક અર્થ મેં સમજાવ્યો છે. વ્યાપક અર્થ ‘જ્ઞાનેશ્ર્વરી’માં બતાવ્યો જ છે.

નિશાળોમાં ગણિત, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષયોનું શિક્ષણ અપાય છે, એમાં સુધારો કરીને ઉદ્યોગનો પણ સમાવેશ કરવામાં આવે, એ અમે કહીએ છીએ. નિ:સંદેહ, જીવનમાં ગણિત વગેરેનો ઉપયોગ છે, ઉદ્યોગની આવશ્યકતા તો સ્પષ્ટ છે જ. તેમ છતાં એટલાથી કામ નહીં ચાલે. માટે ઉદ્યોગ તથા બીજા વિષયોની યોજના કરવી જોઈએ.

વિષયોના વિભાજનના આધારે શાળાનું સમયપત્રક ગોઠવવું એ ભૂલભરેલું છે. ઉદ્યોગના વિષય વિના ગુણવિકાસ થતો નથી કે ગુણોની પરખ પણ થતી નથી. માટે ઉદ્યોગ શીખવવો જોઈએ. એથી બાળક સ્વાવલંબી થાય છે, એ પણ એક ગુણ જ છે. વિચાર બરાબર સમજાય નહીં, તો સત્યનું રક્ષણ પણ સાચેસાચું થતું નથી. માટે ભાષાનું શિક્ષણ પણ ગુણ-વિકાસ અંતર્ગત આવી જાય છે. જોકે આ બધાનું શિક્ષણની દૃષ્ટિથી સ્વતંત્ર મૂલ્ય નથી.

– વિનોબા

(‘સેવક’ હિંદી માસિક, ઓગસ્ટ, ૧૯૫૩ હિંદીમાંથી અનુ. અમૃત મોદી)      


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s