એક છે, તરુણ-શક્તિ અને બીજી છે, વૃદ્ધ-શક્તિ. એ બંનેની વચ્ચે ટક્કર ઊભી થાય છે. તરુણોને થાય છે કે વૃદ્ધો જોર ને શોરથી આગળ નથી વધતા અને અમને પણ આગળ વધવા નથી દેતા. વૃદ્ધો ક્રાંતિની કલ્પના છોડીને પોતાની ઘર-ગૃહસ્થીમાં અને પોતાની સંસ્થાઓમાં બંધાઈ ગયા છે. વૃદ્ધો માટે સામાન્ય રીતે તરુણોની આવી ફરિયાદ રહેતી હોય છે.
તરુણો ને વૃદ્ધો વચ્ચે આવી જે ટક્કર ઊભી થાય છે, તેનું મને આશ્ર્ચર્ય નથી અને દુ:ખ પણ નથી. બલ્કે, દુ:ખ નથી એમ કહેવું પૂરતું નથી. કહેવું તો એમ જોઈએ કે આવી ટક્કરથી મને ખુશી થાય છે.
મેં ઘણી વાર કહ્યું છે કે નવી પેઢી જે હોય છે, તે આપણા ખભા પર બેઠી હોય છે. બાળકો પિતાના ખભા પર બેઠાં હોય છે, તેથી પિતા જેટલું દૂર જોઈ શકે છે, તેના કરતાં તેનાં બાળકો વધુ દૂરનું જોઈ શકે છે. જો કે મારી આ વાત સાંભળીને મારા મિત્ર ગોપાલરાવ એક વાર બોલ્યા, “વિનોબા, તમારી વાત તો સાચી છે, ઘણી સારી ઉપમા તમે દીધી. પરંતુ એ જે તરુણ પિતાના ખભા ઉપર બેઠો છે, તે જો આંધળો હોય તો શું જોવાનો ? માટે એ વધુ દૂરનું જોશે એ વાત સાચી, શરત એટલી જ કે, તે આંધળો નહીં, આંખવાળો હોય. આ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. તરુણ જો આંખવાળો હશે, તો જ તે વધુ દૂરનું જોઈ શકશે.
ગીતામાં ઉત્તમ કાર્યકર્તા, જેને તેણે સાત્ત્વિક કર્તા કહ્યો છે, તેનાં બે વિશેષણ છે – ધૃતિ અને ઉત્સાહ. ઉત્તમ કાર્યકર્તામાં ધૃતિ જોઈએ અને ઉત્સાહ જોઈએ. મેં ઘણી જગ્યાએ જોયું કે ‘તરુણ ઉત્સાહી મંડળ’ બનાવે છે. તો, મેં કહ્યું કે આ કહેવાની શી જરૂર છે ? તરુણો તો ઉત્સાહી હોય જ છે. એટલા વાસ્તે ‘તરુણ ધૃતિ મંડળ’ બનાવો, અને ‘વૃદ્ધ ઉત્સાહી મંડળ’ બનાવવું જોઈએ. વૃદ્ધોમાં સામાન્ય રીતે ઉત્સાહ ઓછો હોય છે, એટલે એમનાં વૃદ્ધ ઉત્સાહી મંડળ બનવાં જોઈએ.
આપણને બંને જોઈએ છે, હોશ અને જોશ. તરુણોમાં હોય છે જોશ અને વૃદ્ધોમાં હોય છે હોશ, પણ હું તો કહીશ કે બંનેમાં હોશ ને જોશ બેઉ જોઈએ, ત્યારે કામ થાય છે.
તરુણોને હું કહું છું કે તમારામાં જે ઉત્સાહ છે, તે મને બહુ ગમે છે, મને બહુ પ્રિય છે; પરંતુ થોડોક સંયમ રાખો અને વૃદ્ધો પાસેથી તમારે જે લેવાનું છે, તે લઈને આગળ વધો. ભૂમિતિના સિદ્ધાંતોની ખોજ કરવા નીકળ્યા છો, તે સારી વાત છે; પરંતુ અત્યાર સુધીમાં યુક્લિડ વગેરે જે ખોજ કરી ચૂક્યા છે, તે બરાબર સમજી લો અને પછી તેનાથી આગળ વધો, તમારે જે કાંઈ નવા-નવા સિદ્ધાંતો શોધવા હોય તે શોધો. યુક્લિડ વગેરેની ખોજને સમજી લીધા વિના તમે ભૂમિતિની ખોજ કરવા જશો, તો તે ઠીક નહીં થાય. એટલે વૃદ્ધો પાસેથી જે લેવાનું છે, તે પહેલાં લો અને પછી તેને આગળ વધારો.
મહાભારતમાં આ યક્ષ પ્રશ્ર્ન છે. યુધિષ્ઠિરને યક્ષે સવાલ પૂછ્યો, “જ્ઞાન કેમ થાય ? તો યુધિષ્ઠિર ઉત્તર આપે છે, “જ્ઞાનતન્તુ વૃદ્ધ સેવયા – વૃદ્ધની સેવા કરવાથી જ્ઞાન મળે છે. એટલે વૃદ્ધોની સેવા કરીને એમની પાસે જેટલુંયે જ્ઞાન હોય તે પ્રાપ્ત કરી લેવું. અને પછી આગળ વધવું.
તરુણોએ હંમેશાં આગળ જ વધતા રહેવાનું છે. તેમાં જો વૃદ્ધ લોકો વચ્ચે આવતા હોય, તો એમની સામે સાફ-સાફ વાત કરવી -જેવી લક્ષ્મણે પરશુરામને કરી હતી. તુલસીદાસજીએ આ લક્ષ્મણ-પરશુરામ સંવાદનું બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે. લક્ષ્મણ પરશુરામને ખૂબ ખૂબ સંભળાવે છે. રામજી એ તટસ્થ ભાવે સાંભળી રહ્યા છે. આમ તો ચૂપચાપ બેઠા રહ્યા, અને પછી વચ્ચે પડીને એમને લક્ષ્મણને જરા વાર્યો. અને ત્યારે કામ પાર પડ્યું.
પરશુરામ અને લક્ષ્મણના સંવાદનું આટલા વિસ્તારથી વર્ણન કર્યું. તેમાં ઘણો આવેશ પણ છે અને પરશુરામની અવહેલના પણ છે. આ બધું તુલસીદાસજીએ શું કામ કર્યું ? કેમ કે બે પેઢીઓ વચ્ચે જે અંતર છે, તે ધ્યાનમાં આવે. જૂની પેઢી છે પરશુરામ, નવી પેઢી છે લક્ષ્મણ. અને નવી પેઢીએ હમેશાં આગળ જ જવાનું છે.
પરંતુ એક વાર શું થયું ? મહાભારતના યુદ્ધની વાત છે. દ્રોણાચાર્ય પાંડવોની સેનાનો ખૂબ સંહાર કરી રહ્યા છે. એટલે રાતે પાંડવો બધા ભેળા થયા છે. કૃષ્ણ છે, યુધિષ્ઠિર છે, અર્જુન છે. ચર્ચા કરી રહ્યા છે કે હવે શું કરવું. ત્યારે યુધિષ્ઠિર બોલ્યા, “અરે, અર્જુન ! તારા ગાંડીવની શી કીમત રહી ? પાંડવોનો આટલો બધો સંહાર થઈ રહ્યો છે, અને તારું ગાંડીવ કાંઈ નથી કરી શકતું ? ક્યાં ગઈ તારા ગાંડીવની સાખ ?
આ સાંભળીને અર્જુન મોટા ભાઈને મારવા ઊભો થઈ ગયો ! કેમ કે એની પ્રતિજ્ઞા હતી કે જે કોઈ એના ગાંડીવની નિંદા કરશે, તેને તે મારી નાખશે. યુધિષ્ઠિરે નિંદા કરી, તો તેને મારવા ઊભો થઈ ગયો. ત્યારે કૃષ્ણે તેનો હાથ પકડીને તેને રોક્યો.
કૃષ્ણે તેને કહ્યું કે આ તો તારી કેવી બેવકૂફી છે ! આમાં તારા જ્ઞાનની નાદારી જણાય છે, અને તે સ્વાભાવિક છે. તેં વૃદ્ધોની સેવા નથી કરી, એટલે તું આવો બેવકૂફ રહ્યો છે ! ‘ન વૃદ્ધા: સેવિતા: ત્વયા’ ! અને પછી કહ્યું કે આમાં એમણે તારા ગાંડીવની વાત કરી, જરા ઘસાતું બોલ્યા, તે તારો ઉત્સાહ જગાવવા માટે કર્યું, તારી કે તારા ગાંડીવની માનહાનિ કરવા માટે નહીં. એટલા વાસ્તે ગાંડીવ-નિંદા વાળી તારી પ્રતિજ્ઞા છે, તે અહીં લાગુ નથી પડતી. આવો વિવેક પણ તરુણોમાં હોવો જોઈએ.
તમને આ પણ વાંચવું ગમશે
બીજી બાજુ, વૃદ્ધોએ પણ પોતાના તરફથી તરુણોના ઉત્સાહનો ક્યારેય ભંગ ન થાય, તે જોવું જોઈએ. એક વાર સતીશકુમાર અને એમના સાથી મેનન મને મળવા આવ્યા. મારી પદયાત્રા ત્યારે અસમમાં ચાલતી હતી. બંને થોડા ડરતાં-ડરતાં આવ્યા હશે. એમને હતું કે વિશ્ર્વશાંતિ માટે દુનિયા આખીની પદયાત્રા કરવી. મારી રજા માગવા આવ્યા હતા, આશીર્વાદ લેવા આવ્યા હતા. પોતે તો દુનિયાની પદયાત્રા કરવાનો સંકલ્પ કરી ચૂક્યા હતા. તે વખતે હું હતો મારી ધૂનમાં. બસ, ગ્રામદાન સિવાય બીજી કોઈ વાત નહીં.
પરંતુ એમની બધી વાત મેં સાંભળી લીધી અને તુરત કહી દીધું કે તમારો વિચાર સારો છે, તમે જરૂર જાઓ. એમ ન કહ્યું કે ગ્રામદાનના કામમાં લાગી જાવ. વૃદ્ધોએ તરુણોનો વિકાસ કઈ રીતે થાય, તે જોવું જોઈએ. ગમે તેમ કરીને એમને પોતાના કામમાં જોતરી દેવા, એવી વૃત્તિ ન રાખવી. મેં માત્ર એમને એટલું સૂચવ્યું કે તમે લોકો સાથે પૈસા ન રાખતા. ખિસ્સામાં એક પૈસો રાખ્યા વિના આખી દુનિયા પગપાળા ખૂંદી આવો. અને તેઓ આવી રીતે વિશ્ર્વશાંતિ માટે દુનિયાની પદયાત્રા કરી આવ્યા. એમને બહુ સારા અનુભવો થયા. લોકોએ એમને ક્યારેય મુશ્કેલી ન પડવા દીધી.
તરુણો ને વૃદ્ધો વચ્ચે સંબંધ કેવો હોવો જોઈએ, તેની બીજી એક વાત કહું. મહાભારતનું યુદ્ધ શરૂ થઈ રહ્યું હતું. પહેલો દિવસ. પ્રાત:કાળમાં યુધિષ્ઠિર ઊઠ્યા અને પદયાત્રા કરતાં શત્રુના કૅમ્પમાં ગયા ભીષ્મ પિતામહ પાસે. સાષ્ટાંગ પ્રણામ કરીનો બોલ્યા, “આશીર્વાદ માગવા આવ્યો છું. ભીષ્મ બોલ્યા, “ધન્ય છે, કેવા આશીર્વાદ જોઈએ ? યુધિષ્ઠિરે કહ્યું, “તમારી પાસેથી કાંઈક જાણવા માગું છું. ભીષ્મ કહે, “શું ? તો યુધિષ્ઠિરે કહ્યું, “તમારું મૃત્યુ કઈ રીતે થશે, તે જાણવા માગું છું.
અદ્ભુત જ છે ને ! દુનિયાભરમાં કોઈ એવું મહાકાવ્ય મળશે, જેમાં આ પ્રકારનો કિસ્સો હોય ? મહાભારત એટલે મહાભારત જ ! અને આશ્ર્ચર્યની વાત કે ભીષ્મે પણ પ્રસન્ન થઈને કહ્યું કે મારું મૃત્યુ આવી જ યુક્તિથી થઈ શકે છે. એમ કહીને યુક્તિ બતાવી. અને આગળ જણાયું કે એ જ યુક્તિથી એમને મારી શકાયા. બાકી, અર્જુન બીજી કોઈ રીતે એમને મારી ન શક્યો.
કવિએ વર્ણન કર્યું છે કે બંને સામસામે લડી રહ્યા છે. એક તરફ પરમ વૃદ્ધ ભીષ્મ પિતામહ અને બીજી તરફ સામે તરુણ-યુવા અર્જુન. બંને તરફથી બાણ-વૃષ્ટિ ચાલી રહી છે. ભીષ્મ સામે અર્જુન ફિક્કો પડી રહ્યો છે. અને પછી ભીષ્મે પોતાને મારવા માટેની જે યુક્તિ બતાવેલી, તેનો અમલ કરવામાં આવ્યો અને ભીષ્મને મારવામાં આવ્યા.
તરુણોને વૃદ્ધો સામસામે હોય, તોયે એમનો સંબંધ આવો મીઠો હોવો જોઈએ. બંનેનો સંયોગ થવો જોઈએ. છેલ્લે એક વાત. મને તો ચોક્કસ ખબર નથી, મેં સાંભળ્યું છે કે આપણી રાજસભામાં કદાચ આ વાક્ય લખી રાખવામાં આવ્યું છે : ‘ન સા સભા, યત્ર ન સન્તિ વૃદ્ધા:’ – જ્યાં વૃદ્ધો નથી, ત્યાં સભા જ નથી. એટલા વાસ્તે સભામાં વૃદ્ધો હોય તે જરૂરી છે. તરુણોની સભા હોય, તરુણોની ચર્ચા ચાલતી હોય, પરંતુ તે ચર્ચા ઉચિત ઢબે ચાલે, તેમાં કાંઈક નિયમનનો અંકુશ રહે, તો વૃદ્ધોના હાથમાં એટલો અંકુશ રાખવામાં આવ્યો છે.
– વિનોબા