ધૈર્યના મહાભેરુ સરદાર વલ્લભભાઈ પટેલ

15 ડિસેમ્બર સરદારની પુણ્યતિથિ નિમિત્તે :

हिरा ठेवितो एरणीं, वाये माहितां वणीं

तोथि मोल पाये खरा, करणीया होय चुरा

તુકારામ મહારાજે વીર પુરુષનાં લક્ષણનું વર્ણન આ અભંગમાં દર્શાવ્યું છે. હીરાની કસોટી કરવા માટે એને એરણ પર મૂકવામાં આવે. પછી એના પર ઘણનો ઘા કરવામાં આવે. તો પણ તે ટૂટે નહીં. એવી કસોટીમાંથી જે પાર ઊતરે, તે સાચી કિંમત મેળવી શકે. પણ જો હીરો બનાવટી હોય તો એનો ભૂકો થઈ જાય. પેલો બનાવટી હીરો, હીરાની માફક ચમકશે પણ ઘણની સામે તે ટકી શકશે નહીં.

આજે જે મહાપુરુષ ગયા (સરદાર) તે હમણાં મેં જે અભંગ ગાયું, તે કક્ષાના હતા. સરદાર વલ્લભભાઈ પટેલનું ‘સરદાર’ નામ એટલે ચાલ્યું કે તેઓ ઘણની થપાટો સહન કરી શકે તેવા હીરા જેવા હતા. બાપુના યુદ્ધના તે બહાદુર સૈનિક હતા. તેઓ બાપુના અનુયાયી હતા, એમના સિપાહી હતા. મુશ્કેલીના-કસોટીના કોઈ પણ પ્રસંગે તેઓ ક્યારેય પાછળ હટ્યા નથી.

જે વાતોનું મહત્ત્વ આજે લાગે છે તે 100-200 વર્ષ પછી રહેશે નહીં. છતાં વલ્લભભાઈની બે વાત ઇતિહાસમાં કાયમ યાદ રહેશે. એક એમનો બારડોલી સત્યાગ્રહ અને બીજી વાત ભારતનું અખંડ-જોડાણ.

ખેડૂત સમાજને એમણે જગાડ્યો. જાણે કે વીજળીનો સંચાર થયો. સરદાર હાડ-માંસે ખેડૂત હતા. જો કે તેઓ વકીલ હતા. રાજનીતિ-ચતુરોના દાવપેચ રમી શકતા હતા. આમ છતાં પણ છેલ્લે સુધી ગામડિયા જ રહ્યા. ગામડિયાની જેમ ખરબચડી ભાષા બોલતા હતા, એમની વાત જેને લાગુ પડતી હતી તેમને ખૂંચતી પણ હતી. સરદારનું હૃદય કોમળ હતું. એવું કોમળ હૃદય ખેડૂતોની વાતથી દુ:ખી થયું. એમના હૃદયની કોમળતા ખેડૂતોને માટે કામે લાગી ગઈ. હિંસક યુદ્ધનું શાસ્ત્ર ઘણું લખાયું છે, પણ અહિંસક યુદ્ધનું શાસ્ત્ર હજી લખવાનું બાકી છે. ‘બારડોલી સત્યાગ્રહ’ એ શાસ્ત્રના એક સફળ પ્રયોગની રીતે અંકિત થઈ જશે.

બીજી મહત્ત્વની વાત એ છે કે એમણે અનેક નાનાં-મોટાં રાજ્યોનું વિલીનીકરણ કરી, આ દેશમાં એક અખંડ રાજ્ય સ્થાપિત કર્યું. આ દેશના ઇતિહાસમાં પણ આ વાત એક અભૂતપૂર્વ ઘટનારૂપે અંકિત થશે.

મેં આ બે વાતનો ઉલ્લેખ કર્યો પણ એટલાથી એ મહાન પુરુષનું ગુણ-વર્ણન પૂરું થતું નથી. તેઓ શાસનના સૂત્રધાર હતા એટલે ભારતના લોકોમાં વિશ્ર્વાસ અને હિંમત રહી. શિવાજીને કારણે જેવી રીતે જનતા હિંમતથી રહી એવી જ રીતે જનતા સરદારને કારણે પણ રહેતી હતી.


તમને આ પણ વાંચવું ગમશે


સરદાર ભયને જાણતા જ નહોતા. વિચાર જો સાચો હોય તો તે પ્રમાણેની કૃતિ હોવી જ જોઈએ, એ એમનો બહુ મોટો ગુણ હતો. એમના બધા ગુણોને મેળવીને જોઈએ તો એમની સરખામણી લોકમાન્ય સાથે થઈ શકે. તેઓ લોકમાન્યની જેમ વિદ્વાન ન હતા. પરંતુ એમના ગુણોની, વિશેષ કરીને એમના (સરદાર) ધૈર્યની તુલના લોકમાન્ય સાથે થાય છે. બોલવાનું ચોખ્ખું, પછી એ કોઈને ગમે કે ન ગમે. પ્રહાર કરતી  વખતે નીડર થઈને કહેતા હતા. પછી વળતો પ્રહાર થાય તો ગભરાતા નહોતા.

એમને સૌથી પહેલાં સાબરમતી આશ્રમમાં મેં જોયા. વચ્ચે વચ્ચે તેઓ આવ્યા કરતા હતા. એ જ રીતે અમે વિદ્યાપીઠમાં કામ કરતા હતા, ત્યાં પણ એમનાં દર્શન અમને થતાં હતાં. તેઓ વર્ધા હંમેશાં આવતા. એક વાર પરંધામ આશ્રમમાં પણ આવ્યા હતા. 17 ઑક્ટોબર, 1940માં વ્યક્તિગત સત્યાગ્રહ થવાનો હતા. એના પહેલા દિવસે તેઓ આવ્યા હતા. એક કલાક ચર્ચા કરીને ગયા. દિલ્હીમાં પણ વચ્ચે વચ્ચે મળતા હતા. છતાં એમનો અને મારો વ્યક્તિગત પરિચય ઓછો હતો. પરંતુ અમારા આશ્રમકુટુંબના એક આધારપુરુષના રૂપમાં હું એમને ઓળખતો હતો. સ્વાભાવિક છે, આજે મને એક કુટુંબીજનનો વિયોગ થયો હોય એવું લાગે છે.

હમણાં હમણાં બહુ મોટી ઊંચાઈના બે માણસો ગુમાવ્યા. બંને દેશને માટે પ્રયત્ન કરવાવાળા. બંનેએ સમાજની ભરપૂર સેવા કરી. યોગી અરવિંદના નિર્વાણને થોડા દિવસ જ થયા હતા, એટલામાં આ ઘટના વિશે સાંભળીએ છીએ. શ્રી અરવિંદે અતિ ઉત્તમ ગ્રંથ લખ્યા છે. તેઓ ધ્રુવતારા સમાન હતા. જેમણે દિશા જાણવાની જરૂર પડતી, તેઓ જ એમને ઓળખી શકતા. એનાથી છેક બીજી બાજુની સ્થિતિ સરદાર વલ્લભભાઈની હતી. તેઓ જનતાની માલિકી-હકના સેવક હતા. તેમણે એક પણ પુસ્તક લખ્યું નથી. તેઓ પ્રસંગ વખતે જ બોલતા હતા. બોલવાનો શોખ નહોતો. પણ જેમ પરિવારનો વિચાર કરીએ છીએ, તેમ દેશની શું શું મુશ્કેલી છે એની ચિંતા તેઓ રાત-દિવસ કર્યા કરતા હતા.

યોગી અરવિંદની બાબતમાં મેં એક જગ્યાએ લખ્યું છે કે આવા મહાપુરુષના નિર્વાણથી આપણને કેટલી હાનિ પહોંચી છે. એની કલ્પના આપણે હમણાં કરી શકીશું નહીં. સ્થૂળ-બુદ્ધિના લોકોને તો એ હાનિની ખબર પણ નહીં પડે. એ હાનિને સમજવા માટે પણ સૂક્ષ્મ અને સંસ્કાર-યુક્ત બુદ્ધિની જરૂરત રહેશે. પણ સરદારશ્રીના મૃત્યુથી પડેલી ખોટનો સ્થૂળ બુદ્ધિવાળા માણસોને પણ એક ક્ષણમાં અનુભવ થશે.

જીવનનું આધ્યાત્મિક સ્તર ઉપર ઉઠાવાનો પ્રયત્ન કરવાવાળા ધ્યાનયોગી વિચારકની સેવા અવ્યક્તમાં રહે છે. લોકજીવનને સુખી બનાવવા અને સમાજની સમસ્યાઓને દૂર કરવા માટે જીવન ગુમાવનાર, કર્મયોગી સમાજસેવકની સેવા વ્યકતમાં થાય છે. એવા આત્યંતિક, જુદી જુદી પ્રકૃતિના આપણા પર ઉપકાર કરનારા એક જ સપ્તાહમાં આપણને છોડીને ગયા.

બાપુના ગયા પછી સરદાર કહેતા, “મારું એમની સાથે જવાનું નક્કી હતું. પણ દેશની ચિંતાએ એમને આટલા દિવસ જીવવાને માટે બાંધી દીધા. બાપુના નિર્વાણ પછી જીવતા રહી શક્યા એ ફક્ત એમની બળવાન ઇચ્છાશક્તિ અને ઈશ્ર્વરની વિશેષ પ્રેરણાને કારણે થયું છે. જ્યાં સુધી દેહ હતો ત્યાં સુધી દેશની સેવા કરતા રહ્યા, જનક રાજાની જેમ. રાજપ્રસાદમાં પણ વૈરાગ્યપૂર્વક રહીને એમણે દેશની સેવા કરી.

સરદાર બાપુની બિલકુલ નજીક હતા. જે દિવસે બાપુ ગયા તે દિવસે છેલ્લી મુલાકાત સરદાર સાથે થઈ હતી. સરદાર બાપુને મળીને ગયા અને બાપુ ભગવાનની પાસે ચાલ્યા ગયા. સરદાર ઘર સુધી પહોંચ્યા પણ નહીં હોય અને તેમને પાછા વળવું પડ્યું. આવું-આટલું નિકટ સાંનિધ્ય હોવા છતાં, બાપુના મૃત્યુ વખતે એમની આંખોમાં આંસુ નહોતાં. બાપુના વિયોગના-શોકને એમણે હૃદયમાં ધરબી દીધો અને પ્રાપ્ત કર્તવ્યમાં લાગી ગયા. આ પુરુષ ધૈર્યના મહામેરુ હતા.

એમની પાસેથી એ જ વાત શીખવાની છે. શોકાકુલ થયા વગર આપણે આપણાં નક્કી કરેલાં કર્તવ્યોમાં લાગી જવું જોઈએ.

प्राप्तं प्राप्तं उपासीत ह्रदयेत अपराजित :

ગુણ-નિવેદનમ્ : વિનોબા

અનુવાદ : ભદ્રા સવાઈ 

     


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s