તારીખ 16-10-2020ના ભૂમિપુત્રમાં અમે સ્વરોજગાર યોજના અંગે અપીલ કરી હતી. માર્ચ 2020થી કોરોનાને લીધે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં, ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી બહાર મજૂરી કરવા જનારા રોજગાર ગુમાવેલા લોકોને માટે સ્વરોજગાર યોજનાની શરૂઆત કરી છે.
ભૂમિપુત્રમાં દાન માટે કરેલી અપીલને સારો પ્રતિભાવ મળ્યો છે, આ છપાવવા જાય છે ત્યાં સુધી આ યોજના માટે 6.75 લાખ રૂપિયાનું દાન ગુજરાત સર્વોદય મંડળમાં જમા થયું છે.
અત્યાર સુધીમાં ડાંગથી લઈને છોટાઉદેપુરની આદિવાસી પટ્ટીમાંથી એકહજારથી વધુ કાર્ય આયોજન-લોન માટેની અરજીઓ આવી છે. હાલમાં આ અરજીઓની ચકાસણી ચાલી રહી છે. અરજી કરેલ દરેક વ્યક્તિને ઘેર/ખેતરે જઈને તેની પરિસ્થિતિની તપાસ કરવી, કાર્ય આયોજન અંગે ચર્ચા કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આવી 600 અરજીઓની ચકાસણી આપણે કરી ચૂક્યા છીએ અને બાકીનું કામ નવેમ્બરના અંત સુધીમાં પૂરું કરીશું.
આ યોજના માટે તાપી, નર્મદા, ભરૂચ જિલ્લાનાં અંતરિયાળ ગામોમાં જવાનું બન્યું, જ્યાં રસ્તાઓ પણ ન જતા હોય એવાં ફળિયાં-ઘરોની મુલાકાત લીધી. અંતરિયાળ ગામોમાં જરૂરિયાત વધુ અને મહેનત કરવાની તૈયારી પણ વધારે હોય એવું લાગ્યું. ઘણા વિસ્તારોમાંથી શેરડી કાપવાના કે અન્ય જે પણ કામ મળે તેને માટે ફરી એક વાર સ્થળાંતર શરૂ થયું છે. ઘણા લોકો કોરોનાને લીધે તેમજ અન્ય કારણોસર ગામમાં જ રોજગારી મેળવવા પ્રયત્નશીલ છે. અમને લાગે છે કે આવા નાનકડા ટેકાથી આ પરિવારોનું સ્થળાંતર રોકી શકાશે. જેના અસંખ્ય આર્થિક-સામાજિક તેમજ પર્યાવરણીય ફાયદા છે – અલબત્ત, આ ફેરફારોની ગતિ ધીમી રહેવાની એ અહીં નોંધીએ.
અમારો આ પ્રયાસ લોન આપીને આર્થિક ટેકો કરવા માત્રનો નહીં પરંતુ આ પ્રક્રિયાને આગળ લઈ જવાનો પણ છે. જેમાં લોકો સાથે ભાગીદારી વધારીને લોકશાહી મજબૂત કરનારી પ્રક્રિયાઓ ચાલતી રહે. ઉદાહરણ તરીકે,
- લોન માટે પસંદગીની નિર્ણય પ્રક્રિયા પારદર્શી બનાવવી, જેમાં સ્થાનિક કાર્યકરો પણ ભળે.
- જે ગામમાં બહુ વધુ અરજીઓ આવી છે તેવા કિસ્સામાં લોન માટે સહુથી વધુ જરૂરિયાતવાળી વ્યક્તિઓની યાદી ગામની સમિતિ બનાવે.
- લોન મેળવનાર વ્યક્તિ લોન પાછી ચૂકવવાની સાથે સાથે પોતાનાથી નબળી વ્યક્તિને પણ મદદરૂપ બને. હંમેશાં બહારથી મદદ માંગવાને બદલે લોકો જ પોતાના ભાંડુઓને મદદરૂપ બનતા જાય. એક જ્યોત બીજી જ્યોતને જલાવે.
આપણામાંનો એક મોટો વર્ગ એવો છે જેઓ કોરોના છતાં પ્રમાણમાં આરામદાયક જિંદગી જીવી રહ્યા છીએ. આવો, જેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે તેવા આપણા બાંધવોને થોડો ટેકો કરીએ, એમના વિકાસમાં સહભાગી થવાનો આનંદ લઈએ. જેટલો વધુ ફાળો ભેગો કરી શકીશું તેટલા વધુ ભાઈ-બહેનોને સ્વરોજગાર મેળવવામાં નિમિત્ત બની શકીશું.
સૌ મિત્રોને ઈજન છે, આ શુભકાર્યમાં જોડાવાનું.
આપનો ફાળો ગુજરાત સર્વોદય મંડળના નામે મોકલવા વિનંતી છે. મંડળને કરેલ દાન માટે 80-જીનું સર્ટીફીકેટ પ્રાપ્ત છે.
: વધુ વિગત માટે :
આનંદ મજગાંવકર મો.: 9408309197 શૈલજા દેસાઈ મો.: 94209260962
(ગુજરાત સર્વોદય મંડળ)