કરાર આધારિત ખેતી કુદરતી સંસાધનો પર કેવી અસર કરશે ?

તાજેતરમાં સંસદે પસાર કરેલા વિવાદાસ્પદ કૃષિ સંબંધી ખરડાઓ રાષ્ટ્રપતિની સહી સાથે કાયદાનું રૂપ લઈ ચૂક્યા છે. ખેડૂતોનો આ અંગેનો વિરોધ વિવિધ સ્વરૂપે ચાલુ છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ પોતાના તરફથી આ અંગે તરફેણના અને વિરોધના મુદ્દાઓ લોકો સમક્ષ મૂકી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે કાર્યરત નાગરિક તરીકે આ વિષય સાથે જોડાયેલાં કેટલાંક પાસાઓ આ લેખ થકી આપ સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે.

ભારત ખેતીપ્રધાન દેશ છે એવું આપણે નાનપણથી સાંભાળતા આવ્યા છીએ, શાળામાં પાઠ્યપુસ્તકમાં વાંચતા રહ્યા છીએ, મોટા થઈને સરકારી અહેવાલોમાં આંકડાકીય માહિતી સાથે જોતા આવ્યા છીએ. આમાં નવું શું છે એ સવાલ થાય જ.

સંસદમાં નવા પસાર થયેલ ખરડાને કારણે આજે કૃષિપ્રધાન દેશની વાત યાદ આવી ગઈ. આજે પણ કૃષિ ક્ષેત્ર ભારતની જી.ડી.પીમાં મહત્ત્વનું યોગદાન આપે છે અને દેશના મોટા સમુદાયને આજીવિકા પૂરી પાડે છે. બીજી રીતે જોઈએ, તો ભારતીય સંસ્કૃતિ એટલે તહેવારોની સંસ્કૃતિ.

આપણા મોટાભાગના તહેવારો ખેતીની સીઝન સાથે જોડાયેલા છે, પંજાબનો ખેડૂત “લોહરી મનાવે અને તમિલનાડુમાં “પોંગલ ઊજવાય, આસામમાં “બિહુની ઉજવણી થાય અને ગુજરાતમાં કચ્છી નવું વર્ષ ઊજવાય – ખેતીની સીઝનને આધારે બધા તહેવારોની ગોઠવણ થયેલી છે.

સામાન્ય રીતે ખેતીની ઉપજ થાય કે વાવણી થાય ત્યારે આપણે તહેવારો ઊજવીએ છીએ. આમ જોઈએ તો, કૃષિ એ આપણા સૌને માટે વેપાર કે આજીવિકા નથી, ખેતી એ આપણી સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડાયેલ છે.

ખેતી અંગેની પ્રવર્તમાન સરકારી નીતિઓ ખેતી સાથે સંલગ્ન પરિસ્થિતિ પર આ નવી જોગવાઈઓ કેવી અને કેટલી અસર કરી શકશે એ જોવાનો અમારો પ્રયાસ આપની સમક્ષ મૂકી રહ્યા છીએ.

ક્લાયમેટ ચેઈન્જ અંગેની રાષ્ટ્રીય યોજનામાં કૃષિ નેશનલ એક્શન પ્લાન ઓન કલાયમેટ ચેઈન્જ અંતર્ગત નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચરમાં કરેલ ઉલ્લેખ મુજબ દેશની જી.ડી.પી.માં 21% યોગદાન આપતું કૃષિ ક્ષેત્ર દેશના 56.4% કામદાર વર્ગને પોષે છે.

આપણા દેશની કુલ ખેતીલાયક જમીન પૈકીની 60% જેટલી જમીન સૂકા વિસ્તારમાં છે, જે લગભગ 40% ધાન્ય ઉત્પાદન કરે છે અને વાવણી માટે વરસાદના પાણી પર આધાર રાખે છે.

ક્લાયમેટ ચેન્જની અસરને કારણે દુષ્કાળ અને જંતુઓ સામે ટકી શકે તેવા પ્રકારના પાકની જાતો વિકસાવવાની ચિંતા આ મિશનમાં વ્યક્ત થઈ છે. મોસમની અનિશ્ર્ચિતતાને કારણે યોગ્ય વીમા વ્યવસ્થાની વાત પણ આ મિશન કરે છે. ટેકનોલોજીની મદદથી સ્થાનિક ભાષામાં મોસમ અંગેની માહિતી ઉપલબ્ધ હોય, ખેડૂતો વાત કરી શકે તેવી વ્યવસ્થા હોય તેની જોગવાઈની વાત આ મિશનમાં કહેવાઈ છે.

આ ઉપરાંત તેમાં ‘Water use Efficiency’, ‘Nutrient Management’ & ‘Livelihood Diversification’ ની બાબત પર ભાર મુકાયો છે. (હવે તમે જ વિચારો, કોન્ટ્રાક્ટ પર જમીન લેનાર આ બધા મુદ્દા સાથે શું કરવા લેવાદેવા રાખે !) વધુમાં, નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ અંતર્ગત ભારત સરકારે National Initiative on Climate Resilient Agriculture (NICRA) નામનો મેગા પ્રોજેક્ટ અપનાવ્યો છે. જેના ચાર મુખ્ય હેતુ છે.

  1. કુદરતી સંસાધનોનું વ્યવસ્થાપન
  2. પાક ઉત્પાદનમાં સુધારો કરવો
  3. પશુપાલન તેમજ માછીમારીનો વિકાસ અને
  4. સંસ્થાકીય હસ્તક્ષેપ (મદદ).

આ બધા વિષે વિચારવા કરતાં નવી જમીન શોધવી એ કોન્ટ્રાક્ટ ખેતી કરવા માટે સરળ વિકલ્પ રહે ને !

આ ઉપરાંત ‘પરંપરાગત કૃષિ વિકાસ યોજના’ એ નેશનલ મિશન ઓફ સસ્ટેનેબલ એગ્રિકલ્ચર અંતર્ગત જમીનના આરોગ્યના વ્યવસ્થાપનના ભાગરૂપે શરૂ થઈ છે, જેનો મૂળભૂત હેતુ પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના સંકલનથી સજીવ ખેતીના ટકાઉ મોડેલનો વિકાસ કરવાનો છે.

જે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે, સંસાધનોનું સંરક્ષણ થાય અને મોસમ પરિવર્તન અંગે અનુકૂલન અને નિવારણમાં મદદ કરે. આઠ લાખ જેટલા ખેડૂતો અને આશરે પાંચ લાખ હેક્ટર જમીન આ યોજના હેઠળ સર્ટિફાઈડ ઓર્ગેનિક ખેતીમાં જોડાયેલ છે એવું સરકારી વેબસાઈટ કહે છે.

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા મિશન તેમજ કૃષિ અંગેના નવા કાયદા : અન્ન સુરક્ષાના કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જુવાર, બાજરી વગેરે જેવાં ધાન્યોનું ઉત્પાદન વધારવું જોઈએ અને જાહેર વિતરણ વ્યવસ્થામાં એટલે કે રાશનકાર્ડમાં બરછટ ધાન્યો સ્થાનિક લેવલે આપવાં જોઈએ. જેથી ખેતર આધારિત કામ કરતા લોકોને પોષક તત્ત્વો સાથેનો ખોરાક મળી રહે અને તેમનું આરોગ્ય સચવાય.


તમને આ પણ વાંચવું ગમશે


સરકારે ખરેખર તો બરછટ ધાન્ય પેદા કરતા નાના ખેડૂતોને મનરેગા અંતર્ગત જોબ વર્ક આપીને વેતન આપવું જોઈએ જેથી પોષણયુક્ત આ ધાન્યો ઉપલબ્ધ થાય. હવે જો કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવશે તો સાથે નફાખોરી પણ આવશે તો આ બરછટ ધાન્યો એક ભૂતકાળ બની જશે.

કોન્ટ્રાક્ટ ફાર્મિંગના અનુભવો : વર્ષ 2019માં ઉત્તર ગુજરાતના ખેડૂતો પર એક મલ્ટીનેશનલ કંપનીએ અદાલતમાં કેસ કર્યો હોવાના સમાચાર આપણે સૌએ જાણ્યા હતા. બટાકાની પેટન્ટ ધરાવતી એક ખાસ જાતને વાવવા માટે કંપનીએ ખેડૂતો પાસેથી વળતરની માંગણી કરી હતી, ખેડૂત મંડળોનો વિરોધ અને રજૂઆતો બાદ સરકારની દરમિયાનગીરી બાદ કેસ પાછો ખેંચાયો હતો.

ઉપરોક્ત કેસમાં કંપની સાથે સંકળાયેલ ખેડૂતો પણ હતા જેની સાથે કરારની શરતોમાં સમજફેર કે બીજા કોઈ કારણથી ખટરાગ ઊભો થતાં કંપની અદાલતમાં વળતરની માંગ સાથે ગઈ હતી. Protection of plant Varieties and farmer’s rights act 2001 હેઠળ આ કેસ થયો હતો. આ કાયદાની ખેડૂત તરફી જોગવાઈ અંગે ઘણા કર્મશીલોની રજૂઆત અને સરકારની દરમિયાનગીરી બાદ કંપનીને આ કેસ પાછો ખેંચવાની ફરજ પડી.

આ ઉદાહરણ નોંધવાનું કારણ એ છે કે જ્યારે કરાર આધારિત ખેતી અને ખેડૂત અને કંપની વચ્ચે કોઈ ખટરાગ થાય ત્યારે અદાલતનાં પગથિયાં ચડવા કંપની માટે સરળ હોય છે અને ખેડૂત માટે ખૂબ મુશ્કેલ.

કૃષિ સંબધિત વર્તમાન માહિતી જાણ્યા બાદ આ નવા કાયદાઓથી ગ્રામ્ય વિસ્તારોમાં કેવી પરીસરિય-સામાજિક-આર્થિક અસર થઈ શકશે તેની સંભાવના તપાસીએ.

ત્વરિત ફાયદો… પછી અંધારપટ : અત્યારે ખેડૂતો ખેતીથી દૂર થઈ રહ્યા છે, વેપાર કરવાના કે શહેરમાં સ્થિર થવાના વિચારો કરે છે. જમીનમાંથી ઓછી આવકને કારણે આજીવિકાના બીજા વિકલ્પો અજમાવવા ખેડૂત તૈયાર થયો છે. ત્યારે, આ નવી જોગવાઈઓ ગામડામાંથી શહેર તરફનું સ્થળાંતર ઝડપી બનાવશે.

બીજી તરફ જમીનમાંથી ત્વરિત ફાયદો થવાની ગણતરીથી ખેડૂત પોતાની જમીન કરાર પર આપવા તૈયાર થઈ જશે. થોડાં વર્ષોમાં જમીનનો રસકસ કાઢીને કાર્પોરેટ્સ નવી જમીન તરફ આગળ વધશે અને ખેડૂત “ના ઘરનો ના ઘાટનો બની જાય તેવી શક્યતાઓ છે. નાછૂટકે ઓછા ભાવમાં જમીન વેચવા મજબૂર બનશે. ગુજરાતમાં બિનખેડૂત હવે ખેડૂત બની શકશે એવી જોગવાઈ થોડા સમય પહેલા જ થઈ છે, આ જોગવાઈનો ઉપયોગ / દુરુપયોગ ક્યાં થશે એ પણ વિચારણીય વિષય છે.

કૃષિ અને પશુપાલનનું અનન્ય જોડાણ : ભારતમાં કૃષિ અને પશુપાલન એકબીજાને પૂરક વ્યવસાયો છે. આપણું અર્થતંત્ર ખાસ કરીને, ગ્રામ્ય અર્થતંત્ર કૃષિ અને પશુપાલન પર આધારિત છે. ખેતપેદાશોની વાત કરીએ તો, આજે પણ ‘સાટા પદ્ધતિ’ અનુસાર ગામના બીજા વ્યવસાયો ક્યાંક ને ક્યાંક કૃષિક્ષેત્ર સાથે જોડાયેલા જોવા મળે છે, આખું ગામ હજુ પણ કોઈક રીતે એકબીજા ઉપર આધારિત હોય છે એટલે ગામ આત્મનિર્ભર પણ રહ્યું છે.

લોકડાઉનમાં આપણે અનુભવ્યું કે પ્રવાસી મજૂરોએ આખરે પોતાના વતન(ગામ) ભણી દોટ મૂકી, એ આશાએ કે ગામમાં જીવી જવાશે. પશુ-પાલકોને પોતાના પશુઓ ચરાવવા માટે પોતાનાં ખેતરો નથી હોતાં ત્યારે તે ગામની ગૌચર જમીન, પડતર જમીન કે પછી બીજા ખેડૂતોની માલિકીના ખેતરમાં પશુઓને ચરાવવા લઈ જાય છે. માલધારીઓ પોતાનો ‘માલ’ એટલે કે પશુઓ ખેડૂતના ખેતરમાં ચરાવે, જેથી પશુઓના છાણમાંથી જમીનને પોષક તત્ત્વો મળે અને જમીન ફરીથી પોષક તત્ત્વોથી ભરપૂર બને એવી વ્યવસ્થા ઘણે ઠેકાણે આજે પણ અસ્તિત્વમાં છે.

પશુઓ દ્વારા જે છાણ ઉત્પન્ન થાય છે તે ખેતરોમાં ખાતરના સ્વરૂપમાં ઉપયોગી બને છે એટલે આ માલધારીઓનો જીવનનિર્વાહ પણ કૃષિ ઉપર આધારિત છે. આજે ‘ઓર્ગેનિક ફાર્મિંગ’ના નેજા હેઠળ પહેલ કરીને નવી પેઢી આ પશુપાલન અને કૃષિનું પરસ્પરાવલંબન નવા સ્વરૂપે અપનાવી રહી છે. નવી જોગવાઈથી ખેડૂત પોતાની જમીન કરાર પર કોઈને આપશે ત્યારે પશુઓના ચારા માટે શું વ્યવસ્થા થશે એ પ્રશ્ર્ન વિચારવો પડશે.

કોર્પોરેટ ફાર્મિંગના નામે ગુજરાતમાં જે ખરાબાની કે પડતર જમીન છે તેમાં પણ કોર્પોરેટ ફાર્મિંગ થશે, જેને લીધે જે ખેતીવિહોણા પશુપાલકો છે તેમનાં પશુઓના ચરાણની જગ્યા છીનવાઈ જશે એટલે આવા પશુ-પાલકોના જીવનનિર્વાહ પર મોટી અસર થશે જેની સીધી અસર દૂધ ઉત્પાદન અને ભાવવધારા પર પડશે. અન્ય રાજ્યોમાં પણ આવું થઈ શકે.


તમને આ પણ વાંચવું ગમશે

શું હવે પર્યાવરણના ભોગે થશે ઉદ્યોગોનો વિકાસ?

વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-11)

ગુજરાતમાં તીડના હુમલાઓ કેમ વધી રહ્યા છે?


એકલ ખેડૂત માટે ટકી રહેવું મુશ્કેલ થશે : ગામના એક-બે ખેડૂતોની જમીન કે થોડાક ખેડૂતોની જમીન કોર્પોરેશન્સ લેવાનું પસંદ કરે નહિ. એમને જથ્થામાં જ રસ હોય, ધારો કે કોઈ એકલદોકલ ખેડૂત પોતાની જમીન કરારમાં આપવાની અનિચ્છા રાખે તો એના માટે ટકવું મુશ્કેલ થઈ પડશે, ખેડૂતો એકબીજા સાથે ઉપજ વેચવા તાલુકા મથકે જતા હોય છે.

એકલ ખેડૂત પર આર્થિક બોજ વધવાની સંભાવના ઊભી થશે એટલે એ પણ પોતાની મરજી વિના પોતાની જમીન કરારમાં મૂકવા મજબૂર બનશે. ઉપરાંત કયો પાક વાવવો તે પણ વ્યાપારી જ બજારને આધારે નક્કી કરશે. ભલે એમ કહેવામાં આવતું હોય કે ખેડૂત જ તે નક્કી કરશે.

‘ઋષિ કૃષિ’ : સંસ્કૃતિ સાથે જૈવવિવિધતાનું જોડાણ : આપણે ઋષિ કૃષિ એટલા માટે કરીએ છીએ કે કૃષિ સાથે જૈવવિવિધતા જળવાયેલી રહે, આખી પરિસરીય વ્યવસ્થા, ઈકોલોજીકલ બેલેન્સ જળવાઈ રહે. એક જ ખેતરમાં એકથી વધુ ધાન્ય ઉગાડીને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાની કૃષિ પદ્ધતિ આપણે ત્યાં પરાપૂર્વથી ચાલી રહી છે.

ગુજરાત જેવાં રાજ્યોએ અલગ ઓર્ગેનિક ખેતી અંગેની નીતિ પણ ઘડી છે. વેપારનો મુખ્ય ધ્યેય નફો હોય ત્યારે જમીનની સાચવણીની વાત કોઈ કરાર આધારિત ખેતી કરનાર કોર્પોરેટ જુએ પણ નહીં. નફો કમાઈને બીજે સ્થાને જમીનની શોધમાં નીકળવું એ જ સારો વિકલ્પ હોય ને !

સાંસ્કૃતિક મૂલ્યો, આપણાં તળપદાં ધાન્યો અને સામાજિક વ્યવસ્થા પર અસર : આપણા તહેવારો પણ કૃષિ પેદાશોને લીધે ઊજવાય છે, જે આપણે જોયું. સામા પાંચમને દિવસે સામો ખાવાની પરંપરા તે એક રીતે પોષણની સાથે સ્થાનિક બરછટ ધાન્યને પ્રાધાન્ય આપતી પરંપરા છે. આને લીધે શરીરને જરૂરી પોષક તત્ત્વો મળી રહે છે, સામો એ મોસમ પરિવર્તનની અસરો સામે ટકી શકે તે પ્રકારનું ધાન્ય છે.

રાજગરાનો શીરો પણ ફરાળી વાનગી તરીકે આપણે ખાઈએ છીએ તેનું પણ એક ખાસ મહત્ત્વ છે. આ ઉપરાંત પણ રાજગરાના વિવિધ ઉપયોગો આપણે કરીએ છીએ. નાગલી, કોદરી, બંટી, બાજરો, બાવટો, જુવાર, મકાઈ વગેરે બરછટ ધાન્યો એ ઋષિ કૃષિનો એક ભાગ છે. આ પ્રકારનાં બરછટ ધાન્યો આરોગવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

આજે બાળકો અને મહિલાઓ મોટા પ્રમાણમાં કુપોષણનો ભોગ બની રહ્યાં છે પણ અગાઉના સમયમાં આવું જોવા મળતું નહોતું. કારણ કે આ પોષક ધાન્યો ખૂબ મોટા પ્રમાણમાં વપરાતાં અને ઘર આંગણે જ આવેલાં ખેતરોમાં બરછટ ધાન્યો કુદરતી રીતે થતાં પણ હતાં. એટલે આમ આદમી પણ પોષક આહાર લઈ શકતો હતો. એટલે જ આપણે એમ કહીએ કે કૃષિ એ માત્ર વ્યાપાર નથી, કૃષિ એ સંસ્કૃતિ સાથેનો જીવનવ્યવહાર છે.

કૃષિ સાથે સામાજિક સંબંધો પણ જોડાયેલા છે એટલે કૃષિનું વ્યાપારીકરણ કરવું એ એક રીતે આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર થતો હોય એવું લાગે. હવે જો કૃષિનું વ્યાપારીકરણ થશે તો સર્વાંગ રીતે ગ્રામ્ય ભારતનું અર્થતંત્ર તૂટી પડવાનો ભય રહેલો છે. અત્યારે કૃષિ- આધારિત ગામડાઓ આત્મનિર્ભર છે પરંતુ જો કોન્ટ્રાક્ટ પદ્ધતિ/કરાર આધારિત ખેતી જ કરવામાં આવશે તો ખેડૂતોને ચોક્કસ ટૂંકા ગાળાનો સંભવત: ફાયદો થશે પરંતુ કૃષિઆધારિત ખેડૂતો સિવાયના લોકોને મુશ્કેલી થવાની.

કૃષિ મજૂરોની સ્થિતિ દયનીય થશે – મશીન આધારિત ખેતી વધશે: અત્યારે લોકડાઉન ખૂલતાં જ ખેતમજૂરોને હવાઈ મુસાફરીનાં ભાડાં ચૂકવીને ખેતરમાં બોલાવાયા એવા સમાચાર વાંચવા મળ્યા, જે કૃષિ ક્ષેત્રમાં મજૂરોનું મહત્ત્વ દર્શાવે છે. નફો મેળવવા, ભથ્થાં કાપવા માટે મશીન આધારિત ખેતીને કોન્ટ્રાક્ટ ખેતીમાં પ્રાધાન્ય મળશે તેથી આ ખેતમજૂરોની આજીવિકા જશે એ નક્કી છે.

અત્યારે નાના ખેતરમાં મશીનો પોસાય તેમ નથી પણ મોટી જમીનો ધરાવતા કરાર આધારિત ખેતીની એજન્સીને માટે એ સરળ વિકલ્પ બની શકે. આ સંજોગોમાં, બહુ મોટી સંખ્યામાં ખેતશ્રમિકો પોતાની રોજીરોટી ગુમાવીને બેરોજગારોની સંખ્યા વધારશે એવો ડર વાજબી લાગે છે.

નફો એ જ ધ્યેય હોય ત્યારે જમીનની ગુણવત્તાનું શું થશે ? : કરાર કરનારી કંપની વેપાર કરવા માટે આવે છે. એ લોકો ખેડૂતો કે રાષ્ટ્રના હિતને જોનારા ન હોય. તેઓ વ્યાપારિક દૃષ્ટિકોણ અને વ્યાપારિક અભિગમ ધરાવે તે ખૂબ સ્વાભાવિક છે એટલે નફો કેમ વધુ મળે તેનો વિચાર આ કરાર કરનારી કંપનીઓ જોશે.

હવે જો કરારઆધારિત ખેતી થશે તો શક્ય છે ખેડૂતોને ટૂંકા ગાળાનો ફાયદો થાય અને આજે ખેડૂતો જે રીતે બેહાલ બન્યા છે, આવક ઘટી રહી છે અને ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે તે જોતાં કરારઆધારિત ખેતી તરફ ખેડૂતો આકર્ષાય તે બહુ સ્વાભાવિક છે. કારણ કે આજે ખેડૂતોને પોતે અનાજ ઉત્પન્ન કરતા હોવા છતાં બે ટંકનો રોટલો મેળવવાનું મુશ્કેલ બન્યું છે. આજની  ઋતુ પરિવર્તન, મોસમ પરિવર્તન કે અંગ્રેજીમાં કલાઈમેટ ચેન્જ કહીએ છીએ તે સમયમાં પૂર કે દુષ્કાળ પડવો બહુ સ્વાભાવિક ઘટના છે.

કમોસમી વરસાદ થવાથી પાક ઉત્પાદન ઘટ્યું છે. ખેડૂતોને મહેનતના પ્રમાણમાં અને ખર્ચના પ્રમાણમાં વળતર નથી મળતું એટલે નાછૂટકે ખેડૂતોએ આત્મહત્યાઓ કરવી પડે છે. તેથી ખેડૂતો કરારઆધારિત ખેતી તરફ વળે અને પોતાની આવક સુનિશ્ર્ચિત કરે એવું બનવાજોગ છે. આ સ્થિતિ ક્યાંથી આવી કે લાવવામાં આવી એ જુદી ચર્ચાનો વિષય છે.

કલાયમેટ ચેઇન્જની અસરો વધી રહી છે ત્યારે અનિયમિત વરસાદ, તીડ જેવા જંતુઓના હુમલા, વધતું તાપમાન જેવી સ્થિતિમાં વનસ્પતિની વિવિધતા ખૂબ અગત્યની બની રહે છે, વનસ્પતિની કેટલીક પ્રજાતિઓ વિશેષ ગુણધર્મો ધરાવે છે.

ખેતી અને કલાયમેટ ચેઇન્જની અસરો અંગે જે મુખ્ય સૂચનો છે તેની ઉપર કોન્ટ્રાક્ટ ખેતીથી શું અસર થશે તે જોઈએ :

  • સરકારે કૃષિ પાકો ઉપર કલાયમેટ ચેન્જની અસર વિસ્તાર અનુસાર કેવી રીતે થશે તેનો અભ્યાસ કરીને કયા વિસ્તારમાં કેવા પ્રકારની ખેતી કરવી જોઈએ તેનું વૈજ્ઞાનિક ઢબનું માર્ગદર્શન ખેડૂતોને આપવું જોઈએ – શું કરાર કરનાર એજન્સી આ વાત પર ધ્યાન આપશે કે પછી પોતાના પૈસા પાછા આવે અને નફો થાય તેવા જ પાક વાવશે ?
  • એક તરફ સરકાર નેશનલ એક્શન પ્લાન ઓન કલાયમેટ ચેઇન્જમાં ‘સસ્ટેનેબલ એગ્રીકલ્ચર મિશન’ની વાત કરે છે, જેમાં જૈવ-વિવિધતા અને મોસમને માફક આવે તે પ્રકારની ખેતીની વાત છે. એક જ ખેતરમાં બરછટ અનાજ, કઠોળ, પ્રચલિત ધાન્યનું સંમિશ્રણ કરીને જમીનની ગુણવત્તા વધારવાની પરંપરાગત પદ્ધતિ ભારતના દરેક પ્રદેશમાં અસ્તિત્વમાં હતી. રાસાયણિક ખાતર-દવાઓમાં આ ભુલાયું પણ ‘જૂનું એ સોનું’ ગણીને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર મિશનમાં જૈવવિવિધતાની વાત પાછી આવી. હવે કોન્ટ્રાક્ટ ખેતીમાં માત્ર નફાખોરી માટે, માર્કેટમાં ચાલે એવા એક જ જાતના પાક લેવાશે તેવી ધારણા કરી શકાય. ‘મોનો કલ્ચર ક્રોપ્સ’ ઉપરાંત રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા આધારિત ખેતી કરવા આડે કોઈ રોકટોક નહિ હોય કારણ કે નફો એ જ મુખ્ય ધ્યેય હશે.

સંગ્રહ કરવાની છૂટ અપાઈ :

આવશ્યક ચીજવસ્તુ ધારો-1955માં સુધારો કરતો વટહુકમ પાંચમી જૂન 2000ના રોજ બહાર પાડ્યો હતો તેણે હવે કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું છે. જેનો હેતુ છે (1) ખેતી ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવી, (2) ખેડૂતોની આવક વધારવી અને (3) નિયમનકારી વ્યવસ્થાનું ઉદારીકરણ કરવું. જેનો મતલબ એવો થયો કે આધુનિક ખેતી તરફ વળવું, જેમાં મશીનરીનો મોટા પાયે ઉપયોગ થશે. રાસાયિણક ખાતરો, જંતુનાશક દવાઓ, જનીન રૂપાંતરિત પોકોને આસાનીથી પ્રવેશ મળશે.

છેલ્લે, પર્યાવરણ સમતોલનમાં જમીન એ ખૂબ અગત્યની કુદરતી જણસ છે, જમીનમાંથી ઊગતું ધાન્ય અત્યાર સુધી ખેડૂતના આશીર્વાદ સાથે આપણી થાળી સુધી પહોંચતું રહ્યું છે. જમીનના ખેતી સિવાયના ઉપયોગો વધવાથી જમીનની ગુણવત્તા, ફળદ્રુપતા પર વિપરીત અસર થતી રહે છે, પ્રદૂષણની અસરથી જમીન પણ બાકાત રહી નથી. આ સંજોગોમાં કૃષિપ્રધાન દેશ ભારતની ખેતીને એક નવા પ્રયોગમાં મૂકવાથી ખેડૂત સમુદાય અને ખેતીક્ષેત્રને વિપરીત અસર થવાની સંભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે.

લોકશાહી દેશમાં ખેડૂત હંમેશાં જ પોતાની મરજીથી જમીન કોન્ટ્રાક્ટ પર આપી શકતો હતો એમાં આજે નવી વાત શું આવી ? આજે આ વાતની ચર્ચા આટલી બધી કેમ -એવો સવાલ થાય જ. સરકાર આજે સર્વવ્યાપી દૃષ્ટિકોણને ભૂલીને, સૌથી અગત્યની આપણી ધરતી માતાને ભૂલીને, જમીનની ગુણવત્તાની ચિંતા કર્યા વિના ખેડૂતને આર્થિક લાભની લાલચ દેખાડીને આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાતને ઉત્તેજન આપી રહી છે તે વાત નવીન છે. એટલે જ જ્યારે ‘રખેવાળ જ ભૂલે ત્યારે શું બોલવું’… પણ આંખ ઉઘાડી શકે તેવી વાત રજૂ કરવી જ રહી.

– મહેશ પંડ્યા, ફાલ્ગુની જોષી (પર્યાવરણમિત્ર)


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s